રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ !
– મનોજ ખંડેરિયા.
સાંજના છ વાગ્યાં હતાં. એસજી હાઈવેના આઠ રસ્તા ઉપર વાતાવરણમાં ચારે બાજુ હોર્નના અવાજનું જીદ્દી અને અકડું સામ્રાજ્ય છવાયેલું હતું. આટલા વર્ષોની ટ્રાફિકની બધી ય વ્યાખ્યાઓને ઘોળીને પી જતા આ વાહનચાલકો જાણે દુનિયાના સૌથી વ્યસ્ત માર્ગનો રેકોર્ડબ્રેક કરી નાંખશે એમ જ લાગતું હતું. રસ્તા પર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોની લાંબી લચક કતારો જ નજરે પડતી હતી. અમદાવાદનો આ હાઈવે ટચ રોડ ઓછામાં ઓછા કેટલા સમયમાં કોણ પાસ કરી શકે એની શરતો લગાવી હોય એમ દરેક વાહનચાલક ઘાઈ- ઘાઈમાં ધાંધળો થઈ ગયેલો દેખાતો હતો. બધાં ય એકબીજાની ટ્રાફિક સેન્સને ગાળો દેતાં હતાં ને અમુક તો મનોમન બીજા નહીં તો ત્રીજા સિગ્નલમાં પોતાનો વારો ચોકકસ આવી જાય એના માટે મનોમન દેવી દેવતાની માનતા સુધ્ધાં માની લેતા હતાં તો અમુક તો રોજ સવારે ઘરમાંથી જ હનુમાન ચાલીસાનો મંત્ર ગણતાં નીકળતાં ..કેમ ? તો સરળ જવાબ…રખે ને આ ટ્રાફિક સેન્સ વગરના દોડતાં શહેરમાં કોઇ વાહનચાલક આપણા જીવતરની ચિઠ્ઠી ફાડી દે એ નક્કી નહીં…સવારે નીકળીને સાંજે ઘરે પહોંચીએ ત્યારે જ જીવમાં જીવ આવે. ચારે તરફ હડબડાટી, અકળામણ, ગુસ્સા અને ટેન્શનનું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાયેલું હતું.રોડના છેડે આવેલી એક નાની શી શાકભાજીની દુકાનમાં રમલી બેઠી બેઠી શાંતિથી બીડીઓના કશ લેતી હતી અને લોકોના સ્ટ્રેસની મજા માણતી હતી. એને માટે તો રોજનું દ્રશ્ય. ત્યાં જ એક ગાડી રમલીની દુકાન આગળ ઉભી રહી અને એમાંથી એક સુંદર મજાનો લેયરકટીયા વાળ ધરાવતો પચીસી વર્ષનોએક સુંદર – સ્માર્ટ ચહેરો ડોકાયો.
‘આ વટાણા શું ભાવ ?’
‘સો રુપિયે.’
‘ઠીક…પાંચસો આપી દે…એક કામ કર…સાથે અઢીસો રીંગણ, કિલો બટેટાં, કિલો ડુંગળી, ખીરા કાકડી પાંચસો, મેથીની ભાજીની બે પણી, સો ગ્રામ આદુ, સો ગ્રામ ફુદીનો, પાંચસો ગ્રામ ચોળી અને કિલો તુવેર પણ મૂકી દેજે..’
રમલીને તો મજા પડી ગઈ. આ સ્માર્ટ ગ્રાહકને એણે બધું ય ફટાફટ તોલી આપ્યું અને છેલ્લે પચાસ ગ્રામ કોથમીર એને દેખાડીને મફત આપી અને ઉપકાર કરતીહોય એવો ભાવ ચહેરા પર લાવીને બોલી,
‘બસો ને ત્રીસ રુપિયા થયા બુન..પણ તમે તો રોજના ઘરાક…બસો ને પચીસ આપી દ્યો ને..’
અને પેલા રુપાળા ચેહરાધારીએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢી. પચીસ રુપિયા છુટ્ટા ના નીકળતાં એટલા રુપિયાના લીંબુ અને ટામેટાં લઈ લીધા ને સિગ્નલ ખૂલી જતાં પેલા બેને ગાડી ભગાવી.
રુપાળા સ્માર્ટ ચહેરાની જગ્યાએ તરત જ એક ખરબચડો અને ગામડિયો ચહેરો ગોઠવાઈ ગયો.
‘રમલી, વટાણાં શુંભાવ ?’
‘સો રુપિયે કિલો..’
‘કેમ લી…બહુ મોઢે ચઢી છું ને તું તો…આખા ગામમાં એંસી રુપિયે છે ને તું સો કેમ કહે ?’
‘સારું એંસી રાખ.’
‘પણ રમલી, મારે કિલો જોઇએ છે અને કિલો વટાણા લઈએ તો સાઈઠ રુપિયામાં ય લોકો આપે છે…’
થોડી રકઝક પછી રમલી એને પાંસઠ રુપિયે વટાણા આપવા રાજી થઈ ગઈ. એ પછી તો દરેક શાકના ભાવતાલ થયાં અને છેલ્લે આંકડો થયો એકસો ને એંસી રુપિયા.
‘રમલી, થોડી કોથમીર , ફુદીનો અને આદુ આપ તો મસાલામાં…’
‘હા લે ને બેન…મસાલો તો આપવાનો જ હોય ને…એ ના આપું તો મારા ઘરાકો તૂટી જાય..લે બુન..તું તારે પ્રેમથી મસાલો લઈ જા.’
‘સારું…આ લે એકસો ને પંચોતેર રુપિયા…પાંચ રુપિયામાં શું વળી તારો જીવ ભરાય..’
રમલીએ ચૂપચાપ પૈસા લઈ લીધા અને શાકની થેલી પેલા ગામડીયા ચહેરાના હાથમાં પકડાવી દીધી.ત્યાં તો આગળ પડેલી ટોપલીમાંથી બે લીંબુ લઈને પેલીએ થેલીમાં સરકાવી લીધા…રમલી બોલે એ પહેલાં તો એણે હેંડતી પકડી લીધી.
રમલીએ બીજી બીડી કાઢીને એના ધુમાડા કાઢતાં વિચારવા લાગી,
‘સાલ્લું, પેલા ગાડીવાળા બેનના હિસાબમાં ધપલા કર્યાં ને બધું ય શાક મળીને બસોને દસ જ થતું હતું ને એણે એ બેનને બસો ત્રીસ કીધા..સીધો વીસ રુપિયાનો ફાયદો કરેલો..વળી એને શાક પણ બધું મોંઘા ભાવે આપેલું. એ સ્માર્ટબેનને ઉલ્લુ બનાવ્યાનો બધો ય આનંદ આ મૂરખ અને ગામડીઅણ દેખાતી બેન ઉડાવી ગઈ. ગાડીવાળી ફકત પૈસા કમાઈ જ જાણે ને વાપરવામાં સાવ મૂર્ખા…જ્યારે આ અભણ સાલી ઘરઘરના કામ કરીને રુપિયા રળનારી…કમાઈ પણ જાણે છે અને એકે એક પૈસો સમજદારી ને ગણત્રીપૂર્વક વાપરી પણ જાણે છે. આ બે ય માં સાચું ગામડીયું…સાચું અભણ કોણ ?
અનબીટેબલ ઃ કિલો અનાજ લેવા સામેના પલડામાં દૂધની થેલીઓ મૂકીને ના મપાય..કિલોનું લોખંડનું બાટ જ મૂકવું પડે.
waaahhh
LikeLike
ખુબ જ સરસ વર્ણન . પણ કદાચ એવું પણ બને કે ગાડી વાળી ને ખબર હોઈ કે મોંઘા મોલ માં લુંટાવા કરતા આ ગરીબડી બાય પાસે લુંટાવું સારું .
LikeLike