દહેજ


 

News160_20120515131647609Phoolchhab newspaper > Navrash ni pal column > 31-12-2014

તો જ સાર્થક ઠરે પર્વની પર્વતા,

કે ઉજવણાં પછી, ક્લેશ જેવું ન હો !

 

હાથ એનો ઉપર હોય છે આખરે

હાથમાં જેમનાં મેલ જેવું ન હો !

 

-ડૉ.મહેશ રાવલ.

‘ધીરજભાઈ, રીતુ તો મારી આંખમાં આંજેલુ ઉર્મિમય સ્વપ્ન છે. હું એના માટે બહુ જ સારું ખાનદાન અને છોકરો શોધી રહ્યો છું.’ રાજુભાઈ ફોન ઉપર પોતાના સંબંધી ધીરજભાઈને કહી રહ્યાં હતાં.
લાગણીમય રાજુભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. કોઇ પણ બાપ માટે દીકરી એટલે શું એ કોઇ જ શબ્દોના વાડામાં ના પૂરાઈ શકે એવી લાગણી હોય છે. રાજુભાઈ માટે પણ એમની દીકરી રીતુ એટલે એમની આંખનો તારો હતી, પણ હવે એ લાડલીની માતા પિતાના ઘર તરફથી એના પતિના ઘર તરફની સફર ચાલુ કરવાનો સમય પાકી ગયેલો. વર્ષોથી એ દૂર દૂર દેખાતી મંઝિલની ધૂંધળી લીટી હવે નજીક આવતી જતી હતી અને વધુ ને વધુ સ્પ્ષ્ટ થતી જતી હતાં. પ્લે ગ્રુપ..સિનિયર..પ્રાથમિક..માધ્યમિક..કોલેજ અને છેલ્લે એની મનગમતી કેરિયરમાં નોકરીના અમુક વર્ષો…આ બધા મુકામો ક્રમશઃ એના લગ્નના મુકામની નજીક લાવતા, લાવતા માવતરથી દૂર દૂર કરતા જતા હતા અને રાજુભાઈનો જીવ કળીએ ને કળીએ કપાતો હતો પણ સામાજીક વ્યવસ્થા આગળ તેઓ લાચાર હતાં.

‘રાજુભાઈ, મારા એક મિત્ર છે રુપેશભાઈ. અહીં અમદાવાદમાં જ રહે છે. એમનો એકનો એક દીકરો હમણાં જ મિકેનિકલ એન્જીનીઅર થયો છે. રુપ – રંગ અને ગુણમાં મારી ગેરંટી છે. એને મેં રીતુની જેમ નાનેથી મોટો થતા જોયો છે વળી આપણી જ જાતિનો છે. તમે કહો તો વાત ચલાવું .’

‘અરે વાહ, નેકી ઓર પૂછ પૂછ ધીરજભાઈ ?  શ્યોર, વાત કરો પ્લીઝ. પણ એક મિનીટ…છોકરો શું કમાય છે અને ઘર ખાધે પીધે કેવું છે ?’

‘રાજુભાઈ,  છોકરો હજુ માંડ સત્તાવીસનો.  હમણાં જ માસ્ટર પતાવ્યું છે.  નોકરી ખૂબ જ સરસ છે અને છોકરો બહુ જ સ્માર્ટ, મહેનતુ ને પ્રામાણિક તો આગળ વધવાના ચાન્સીસ બહુ છે. અત્યારે અંદાજે એનો પગાર પચીસે’ક હજાર હશે જ…ઘર સામાન્ય સ્થિતીનું છે. મા બાપે લોન લઈ લઈને એને ભણાવ્યો છે પણ એ બધાંનો બદલો આ છોકરો પૂરો વાળી રહ્યો છે. ખરચા જોગ પૈસા આરામથી  નીક્ળી રહે પણ માણસો દિલના બહુ અમીર. સાચું કહું – એને જોઇને આંખ ઠરે છે !’

‘અ….અ…..એક કામ કરો ને ધીરજભાઈ, આપણે આ સંબંધ માટે વિચારવાનું છોડી દઈએ. મારે તો મારી રીતુ માટે પૈસાવાળું  ઘર અને વેલસેટલ્ડ છોકરો જ શોધવો  છે. મારી દીકરી તો રાણીની જેમ રાજ કરવા જ જન્મી છે.’

‘રાજુભાઈ, પૈસા જેવી વાતને લઈને આટલો સરસ સંબંધ વિચારવા પર ચોકડી મારો છો એની નવાઈ લાગે છે. પૈસો તો આજે છે ને કાલે નથી..વળી માણસો લાખ નહીં કરોડ રુપિયાના છે.  વળી તમારે પૈસાની ક્યાં ખોટ ? પૈસો તો તમારી પાસે ય મબલખ અને રીતુ તમારી એક ની એક દીકરી. એ લોકોને તમે થોડી મદદ કરી દેજો..એમાં શું મોટી વાત છે ?’

‘અર…ર…ર….ધીરજભાઈ, તમે આટલા ભણેલાં ગણેલાં થઈને મારી સાથે દહેજની વાત કરો છો એ જાણીને આંચકો લાગ્યો.’

‘રાજુભાઈ, તમે વાતને ઉંધી રીતે કાં જુવો ? રીતુ તમારું સંતાન – વળી પરણી જાય એટલે તમારી દીકરી થોડી મટી જવાની ? જેમ તમે એને ભણાવવા ગણાવવામાં જાત ઘસી એમ છોકરાવાળાએ પણ એમના છોકરાની કેરીઅર – સંસ્કારની મૂડી ભેગી કરવામાં જાત ખર્ચી જ છે ને. વળી રીતુ પણ નોકરી કરે છે એનો પગાર પણ આશરે ત્રીસ હજાર જેટલો છે. તો એ પણ એના સંસારમાં મદદરુપ થશે જ ને ?’

‘લો, આ જ બાકી રહી ગયેલુ ? દહેજ પછી મારી દીકરીને નોકરી કરાવવાની વાત…તમારું મગજ તો ઠેકાણે છે ને ?’

‘રાજુભાઈ, તમે રીતુને દહેજ આપવાની વિરોધમાં છો તો એના માટે સામેવાળું પાત્ર પૈસાદાર હોવું જોઇએ, તમારી દીકરીને નોકરી ના કરવા દે અને બેઠા બેઠા ખવડાવે , એના બધા મોજશોખ – લાડ પાડ પૂરા કરે એવું વિચારો છો તો આ વિચારસરણીથી તમે છોકરાવાળા પાસેથી દહેજની આશા રાખો છો એમ ના કહેવાય ? તમારા ઘરમાંથી એક સદસ્ય ઓછું થાય છે તો સામેવાળાને ત્યાં વધે છે વાતને એ રીતે તો વિચારો… વળી રીતુ તમારા ઘરે એની મરજીથી, શોખથી નોકરી કરે છે તો સાસરે જઈને કરશે એમાં શું મોટું આભ તૂટી પડવાનુ ? ઉલ્ટાનું પોતાની કમાણી હોય તો એનો હાથ છૂટો રહે, સ્વતંત્ર રહે . આપણા સમાજમાં દીકરીને જે આપીએ એ દહેજ એવી માન્યતા જે છે એનો અતિરેક થઈ રહ્યો છે. રીતુ તમારું ય સંતાન..ને તમે તમારી તાકાત હોય ને તમારા દીકરી જમાઈના સંસારને સુખરુપ ચલાવવામાં મદદરુપ થાઓ તો ખોટું શું છે ? એ લોકો સામેથી કશું જ ના માંગે પણ તો ય તમારી દીકરી – જમાઈનો સંસાર સુખરુપ ચાલે એ તમારી અને તમારા વેવાઈની સંયુક્ત જવાબદારી ખરી કે નહીં ? છોકરાવાળા તો પોતાની તાકાત નથી તો પણ એમના છોકરાંના લગ્નનો જે ખર્ચો થાય એ કન્યાપક્ષ સાથે અડધો અડધો વહેંચી લેવાની વાત કરે છે બોલો…એમને દહેજની કોઇ લાલસા નથી. પણ પોતાની દીકરીના સંસારને સુખરુપ ચલાવવા માટે કોઇ મદદ નહીં કરું જેવી જડ માન્યતા રાખનારા માતા પિતા ભાવિ જમાઈ પાસેથી  આવી અનેકો આશા રાખે એ દીકરાપક્ષ પાસેથી દહેજ માંગો છો એમ ના ગણાય !’

અને રાજુભાઈ ચૂપ થઈ ગયાં. બોલવા માટે આમ પણ એમની પાસે કશું હતું નહીં. ધીરજભાઈની વાતમાં ભારોભાર તથ્ય હતું. દહેજની વાત આ રીતે તો પોતે કદી વિચારી જ નહતી.

અનબીટેબલ : વસ્તુ ધૂંધળી દેખાય તો એ દૂર જ હોય એવું જરુરી નથી. બની શકે તમારી નજર કમજોર હોય.

-sneha patel