Matrubhasha

આજે મને એ નથી સમજાતું કે, ‘ માતૃભાષા દિવસની ઉજવણીમાં લોકો ગુજરાતી કરતા વધારે અંગ્રેજી ભાષાને કેમ યાદ કરે છે? એને કેમ કોસે છે?’ અંગ્રેજી પૈસા કમાવવા માટેની ભાષા છે અને પૈસાનો મોહ કોને ના હોય? એમાં તમારું કશું જ લખેલું કે વક્તવ્ય કામ ના લાગે. એ એક પ્રેકટીકલ વ્યવસ્થા છે. કોઈ માનવી પૈસા કમાવા અન્ય ભાષા શીખે એને દોષ ના આપી શકાય. માતૃભાષા દિલની ને આ બધી દિમાગની ભાષા છે. બધું જરૂરી છે. માતૃભાષાનું ગૌરવ વધે એવા પ્રયાસો જરૂર કરતા રહેવાના પણ અંગ્રેજીને ગાળો આપવાથી ગુજરાતી મહાન નહિ જ થાય એટલું તો સમજવું ને સ્વીકારવું જ પડશે. ધ્યેય વગરની દોડ સમય ને તાકાત જ બગાડે.

દરેક ભાષાની એક સુગંધ હોય છે અને માતૃભાષા એમાં સર્વોચ્ય શિખરે જ હોય. બીજી કોઈ ભાષાની લીટી મોટી એટલે માતૃભાષાની લીટી નાની એવું ક્યારેય ના હોય અને જો તમને એવું લાગતું હોય તો એક મિનિટ અટકી જજો,

બીજી કોઈ ભાષા તમારી માતૃભાષાને હાનિ પહોચાડે એવો ભય હોય તો તમારી માતૃભાષા માટેનો તમારો પ્રેમ ભયભીત અને સાવ ખોખલો છે એવું સમજી જજો. માતૃભાષા તો દિલની ભાષા, દિલમાં ઉગતું એક કમળ છે. એને આસપાસ ખીલતા ને એની સુગંધ ફેલાવતા ફૂલોથી કોઈ જ ડર નથી હોતો.

જરૂરત અને પ્રેમ બે અલગ લાગણી છે દોસ્તો. અંગ્રેજીને ભાંડવાથી ગુજરાતી મહાન ના થઈ જાય. હું તો દુનિયાની દરેક ભાષા શીખવા માંગુ છું તો શું એનાથી મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે?ના… ક્યારેય નહી. જ્યાં પોતાની ભાષા ઉપર પૂરતો પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં આવી શંકા કુશંકાને કોઈ સ્થાન જ નથી હોતું મિત્રો.

આવો આપણે માતૃભાષા ગુજરાતીને ફકત અને ફકત એના નામની સુવાસથી જ વધાવીએ. બીજી ભાષાઓ પ્રત્યે ઝેર જેવી નકારાત્મક લાગણીનો પડછાયો સુધ્ધા એની ઉપર ના પાડવા દઈએ.

જય જય ગરવી ગુજરાત.

– સ્નેહા પટેલ

One comment on “Matrubhasha

Leave a comment