Home


‘એના હૃદયમાંથી નીકળી ગઈ છું ‘
આવું અનુભવતા જ
એની નજર આખી દુનિયામાં ફરવા લાગી
બે બેડરૂમ..ના ના..ત્રણ…આમ તો એકલા માણસને એક રૂમ હોય તો પણ શું ફરક પડે?

બાવીસમો માળ …એના દિલ કરતાં તો ક્યાંય નીચું આસન 😦

સ્વિમિંગ પૂલ..એના દરિયા જેવા દિલ સામે આ ખાબોચિયું..

ટેરેસગાર્ડન…એ સાથે જ નથી તો ફૂલ- પાનની સુંદરતા કેવી રીતે માણવાની?

ખુલ્લી હવાવાળી, હીંચકાવાળી વિશાળ બાલ્કની
વિશાળ પાર્કિંગ, વોક વે..ગાર્ડન..

હાથ પરોવીને ચાલનારું સાથે ના હોય ત્યારે આ
બધી મોકળાશ પણ કેવી સાંકડી લાગે !
..

આમ તો એને આવું બધું ખૂબ ગમતું
કેટલાયે વખતથી આવી ચાહ દિલમાં ઉછરતી હતી
પણ
આજે ખબર નહિ કેમ
નવા રહેઠાણના રૂપ રંગ કે આકાર વિશે
એ કોઈ નિર્ણય જ નહોતી લઈ શકતી !

  • સ્નેહા પટેલ

અક્ષિતારક

Matrubhasha


આજે મને એ નથી સમજાતું કે, ‘ માતૃભાષા દિવસની ઉજવણીમાં લોકો ગુજરાતી કરતા વધારે અંગ્રેજી ભાષાને કેમ યાદ કરે છે? એને કેમ કોસે છે?’ અંગ્રેજી પૈસા કમાવવા માટેની ભાષા છે અને પૈસાનો મોહ કોને ના હોય? એમાં તમારું કશું જ લખેલું કે વક્તવ્ય કામ ના લાગે. એ એક પ્રેકટીકલ વ્યવસ્થા છે. કોઈ માનવી પૈસા કમાવા અન્ય ભાષા શીખે એને દોષ ના આપી શકાય. માતૃભાષા દિલની ને આ બધી દિમાગની ભાષા છે. બધું જરૂરી છે. માતૃભાષાનું ગૌરવ વધે એવા પ્રયાસો જરૂર કરતા રહેવાના પણ અંગ્રેજીને ગાળો આપવાથી ગુજરાતી મહાન નહિ જ થાય એટલું તો સમજવું ને સ્વીકારવું જ પડશે. ધ્યેય વગરની દોડ સમય ને તાકાત જ બગાડે.

દરેક ભાષાની એક સુગંધ હોય છે અને માતૃભાષા એમાં સર્વોચ્ય શિખરે જ હોય. બીજી કોઈ ભાષાની લીટી મોટી એટલે માતૃભાષાની લીટી નાની એવું ક્યારેય ના હોય અને જો તમને એવું લાગતું હોય તો એક મિનિટ અટકી જજો,

બીજી કોઈ ભાષા તમારી માતૃભાષાને હાનિ પહોચાડે એવો ભય હોય તો તમારી માતૃભાષા માટેનો તમારો પ્રેમ ભયભીત અને સાવ ખોખલો છે એવું સમજી જજો. માતૃભાષા તો દિલની ભાષા, દિલમાં ઉગતું એક કમળ છે. એને આસપાસ ખીલતા ને એની સુગંધ ફેલાવતા ફૂલોથી કોઈ જ ડર નથી હોતો.

જરૂરત અને પ્રેમ બે અલગ લાગણી છે દોસ્તો. અંગ્રેજીને ભાંડવાથી ગુજરાતી મહાન ના થઈ જાય. હું તો દુનિયાની દરેક ભાષા શીખવા માંગુ છું તો શું એનાથી મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે?ના… ક્યારેય નહી. જ્યાં પોતાની ભાષા ઉપર પૂરતો પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં આવી શંકા કુશંકાને કોઈ સ્થાન જ નથી હોતું મિત્રો.

આવો આપણે માતૃભાષા ગુજરાતીને ફકત અને ફકત એના નામની સુવાસથી જ વધાવીએ. બીજી ભાષાઓ પ્રત્યે ઝેર જેવી નકારાત્મક લાગણીનો પડછાયો સુધ્ધા એની ઉપર ના પાડવા દઈએ.

જય જય ગરવી ગુજરાત.

– સ્નેહા પટેલ