Morning walk -Tajgi


સવારે ચાલવા જવું એ ઘણી વખત મારે ફરવા જવા જેવું થઈ જાય છે. ઘરના કામકાજ આટોપી દરવાજો બંધ કરી ઘરનું બધું જાણે ઘરમાં જ મૂકીને હું ચાલવા નીકળી પડું છું. સવારનો કૂણો, ચળકતો તડકો મારી રાહ જોઇને જ અધીરો થઈને બેઠો ના હોય, એમ તરત મને જોઈને હસી પડે છે અને એના સર્વ વ્હાલ સાથે મારી પર રેલાઈ જાય છે. એની એ ઊર્જાથી ભરપૂર ઝપ્પી મારા માટે કાયમ સ્વાસ્થ્યવર્ધક ટોનિક જેવું કામ કરે છે અને હું પણ એક પળ ઉભી રહી આંખો બન્ધ કરી, દિલનો તાર એના કિરણો સાથે જોડીને એનું સર્વ વ્હાલ સ્વીકાર કરીને રોમ રોમમાં ભરીને આગળ વધુ છું. ઝડપથી એકધારી ચાલે ચાલવાનો ઈરાદો અહીં શરૂઆતમાં જ દમ તોડી દે છે. તાજા તાજા ઊગેલા સૂર્યની સુંવાળી,રેશમી હૂંફની આંચ સામે બધા નિર્ણય પળભરમાં પીગળી જાય છે. ધીમે ધીમે આગળ વધુ છું તો રોજ જે રસ્તા પરથી પસાર થતી હોઉં એ કાયમ એક નવું આશ્ચર્ય સામે ધરે છે. આજે પણ શિવરાત્રીનો પાવન તહેવાર હતો તો ચોતરફ રાતોરાત ઉભી થઇ ગયેલી ભાંગની લારીઓને જોવામાં જ અડધો રસ્તો પસાર થઈ ગયો. અનેક શ્રધ્ધાળુ કાગળ, પ્લાસ્ટિકના ગ્લાસમાં પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પ્રસાદી પી રહ્યાં હતાં. આ ભોળી ભાળી શ્રધ્ધા જ ભારતની સંસ્કૃતિનું સાચું દર્પણ ને ? ભરપૂર ટ્રાફિકના ભાર હેઠળ સતત કચડાતો રહેતો રસ્તો ક્યારેય અકળાઈ નહિ જતો હોય ? એને બૂમો પાડવાનું, ગુસ્સામાં મગજ ગુમાવીને રોજ રોજ સાંભળવા મળતી નવી નવી ગાળો બોલવાનું મન નહિ થતું હોય? મન થયું કે એના માથે હાથ ફેરવીને કહું કે, ‘ તું બોલ હું સાંભળું છું તને, હું સમજુ છું તને.’ સતત વાગતાં હોર્નના અવાજે રસ્તા સાથેની મારી વાતનો અનુસંધાન તોડી કાઢ્યો. હશે.. હું રસ્તાની સુરક્ષિત મનાતી જગ્યા પર ચાલવા લાગી. સવારનો ઓફિસનો સમય અને ભરપૂર ટ્રાફિક મને ‘રસ્તાધ્યાન’ની અનુમતિ નહતો આપતો. થોડો રસ્તો આજુબાજુની ઇમારતો, હોર્ડિંગ, વાહનસવારોની વેશભૂષા સાથે ‘કસરત’ના હેતુ સાથે કાપ્યો ને પાછો થોડો શાંત રસ્તો મળતાં મન અવળચંડાઇએ ચડ્યું. આજુબાજુની દુકાનોમાં કચરા પોતું કરતી ગ્રામ્ય સ્ત્રીનો પહેરવેશ, ઘરેણાં, લચક,બોલી બધું શહેરમાં મને ગામડાંનો અનુભવ કરાવતી હતી. એક વૃક્ષ એની હેઠળ પોતાના સૂકાઈને ખરી પડેલાં પર્ણોની પીળી સભા ભરીને ઊભેલું હતું. પીળી ચાદરને અડીને જ ઘર તોડતાં ભેગો થયેલો સિમેન્ટ – કોન્ક્રીટનો ભેગો કરાયેલા કચરાનો ઢગલો કુદરત અને માનવસર્જિત જગતનું અદભુત કોમ્બિનેશન ઉભું કરતું હતું. સવારના ઉતાવળમાં કામે નીકળી ગયેલા અમુક લોકો ચાની લારી પર એક નાનકડો વિરામ લઈને ચા અને મસ્કાબનની જ્યાફત ઉડાવતા હતા, સવાર સવારનું એમનું અદભુત relaxation! અનાયાસે મારા ચાલવાના ધ્યાનની સામે એમની જ્યાફતનું આ ધ્યાન મૂકાઈ ગયું ને મનોમન હસાઈ પણ ગયું. ચોતરફ નરી મોજ મોજ વેરાયેલી પડી હતી ને હું એના અનેકો ટુકડાં ભેગા કરી કરીને મારા ખિસ્સામાં મૂકીને ભેગાં કરતી હતી.
મારા આખા દિવસની ઊર્જાનો સ્ત્રોત એટલે આ ચાલતાં ચાલતાં ભેગા કરેલા દ્રશ્યોની અનુભૂતિનું વિશ્વ!
પીળી ચાદર કૅમેરામાં ય કેદ કરી એનો ફોટો તમને ય મોકલું…તમે ય મોજ કરો મિત્રો.-સ્નેહા પટેલ.21 feb.2020.

After me


એક અઠવાડીઆથી ચાલતા happy valentine dayના પર્વની શુભેચ્છાઓ પરથી મને મારા ગમતાં, ચાહતાં લોકો માટે એક ખાસ વિચાર આવ્યો:
કાલે ઉઠીને આ દુનિયામાં હું ના પણ હોવું…ત્યારે શું?
મને નથી ખબર મારા પછી કોને શું ફરક પડશે, પણ હું જેમને ચાહું છું – જેઓ મને ખરા દિલથી ચાહે છે એ લોકો કદી મને યાદ કરીને દુઃખી થાય એવું નથી ઇચ્છતી. મેં મારી નજીકનાને ગુમાવ્યા પછી એના માટે કરવાના રહી ગયેલા કામોના લિસ્ટની યાદી જોઈને બહુ દુઃખ અનુભવ્યું છે, તેઓના અમુક સપના, ખુશી પૂરી થઈ ના શકી વિચારીને દુઃખ વધુ ઘેરું થતું. હું મારું જીવન દરેક ઘડીમાં જીવવાનું હોય એટલું જે-તે ઘડીએ મનભરીને જીવી જ લઉં છું. મનમાં કોઈ જ મોટા મોટા અશક્ય અભરખાઓના પોટલાં વાળીને નથી જીવતી. મને ક્યારેય કોઈ જ વજન આમ પણ ગમતાં નથી તો નાહકના આવા પોટલાં કોણ ઊંચકે ?એટલે જ મારા ચાહનારાઓના માથે પણ મારી ગેરહાજરી, અધૂરા રહી ગયેલા સપના કે ઈચ્છાઓનું વજન મૂકીને જવાની સહેજ પણ ઈચ્છા નથી.
એમને ખૂબ જ પ્રેમથી કહેવા માગું છું કે,’હું ઘરના કપડાંના એકે એક સળમાં, વાસણના ચમકાર – ખણકારમાં, નળનાં ખળખળ વહેતાં પાણીના નાદમાં, ઘરમાં ગુંજતા સંગીતના રણકારમાં, સ્ટોરરૂમના એકે એક ડબ્બા ડબ્બીના સ્પર્શમાં, ઘરની ફરફર, હવાના કણકણમાં, મંદિરમાં દીવાનાં આછાં પીળા ઊજાસમાં, અગરબત્તીની ધૂમ્રસેરના વલયોમાં, ફ્રીજની – એસી ની ઠંડકમાં, ઘડિયાળની ટીકટીક માં, ચાવીઓની ખનખનમાં, ટીવીના સ્ક્રીનમાં પડતા મારા પ્રતિબિંબમાં, જમણાં ખૂણામાં ગોઠવાયેલાં છોડની કુમાશમાં, ‘વિન્ડ ચાઇમ’ની રૂમઝૂમમાં, લેપટોપની કીબોર્ડ પરના મારી આંગળીઓની છાપમાં, મોબાઈલના ‘ટચ સ્ક્રીન’ના ‘ટચ’માં…આ સર્વ જગ્યાએ હું ઠેર ઠેર કાયમ રહું છું ને રહીશ…આ તો માત્ર મારા એક ટૂકડાની વાત થઈ. હજી મારું જીવન ઘરની બહાર પણ ઘણું – ઘણું ફેલાયેલું છે પણ શરત એક જ રહે છે, ‘મને અનુભવવા મારા સ્તર સુધીના સંવેદનશીલ બનવું પડશે, બસ!’ એ સંવેદનશીલતાના અનુભવ માટે જરૂરી એવું પ્રથમ પગથિયું ચડાવવા હું જેને જેને ચાહું છું એ સર્વને એક વ્હાલ ભર્યા hug સાથે એક નાજુક ચુંબન કરું છું ને એમને મારી સંવેદનશીલતાનો થોડો છાંયો કરું છું. જોકે, મારે હજી તો ઘણું ઘણું જીવવું છે. સદેહે કે અદેહે – એ તો ઈશ્વરની મરજી, પણ આ રીતે હું કાયમ જીવતી રહીશ. દુનિયા કાયમ છે ત્યાં સુધી. બધાનો દિવસ રોજ રોજ happy બની રહે એવી શુભેચ્છાઓ.સ્નેહા પટેલ.13 feb.2020

Social sites


ફેસબુક, વોટ્સઅપ ચેટ.. આ બધામાં જેટલી મજા છે એટલો કકળાટ પણ છે. તમે લખો કશુંક ને સામેવાળો સમજે કશું. વળી તમે ય તમારી ક્ષમતા અનુસાર જ લખ્યું હોય એટલે હકીકત શું હોય એની તો કોઈને ખબર જ ના પડે!
આમ ને આમ વાતો ગોળગોળ ફરતી જાય..ફરતી જાય અને લોકોના મગજ વલોવતી જાય અને પરિણામે ઢગલો ગેરસમજોના વમળ સર્જન કરતી જાય છે. રોજ નવા મિત્રો (!) બને અને ઢગલો જૂના મિત્રો સાથે ખટરાગ થાય. કોઈ જ કારણ વિના અનેકો લોકો સાથે ઝગડા થઈ જાય, અહમ છન્છેડાઈ જાય.
સમય પસાર કરવા પસંદ કરેલું માધ્યમ તમને સતત પોતાની મોહજાળમાં વ્યસ્ત રાખતી જાય છે. તમે એના મોહપાશમાં ક્યારે બંધાઈ જાઓ છો એની તમને ખુદને જાણ નથી થતી. વળી આસાનીથી, મરજી અનુસાર જેની સાથે વાત કરવી હોય એ પસંદગી તો હાજર જ હોય એટ્લે મગજમાં આવે ને વિચાર્યા વિના તરત બોલી કાઢવાનું ‘કુ-વરદાન’ મળી જાય છે.
વણજોઈતા વિચારોના ઘોડાપૂર સતત ચાલ્યાં જ કરે છે, ચાલ્યાં જ કરે છે. વળી જ્યાં યોગ્ય વિચારની જરૂર હોય એવા કામ ધંધા કે સામાજીક પ્રસંગો વખતે મગજ સાવ જ બંધ પડેલી હાલતમાં હોય છે. ચાવીઓ માર્યા જ કરો, માર્યા જ કરો પણ જોઈએ એવી તરવરિયણ ‘kick’ વાગતી જ નથી.
સૃષ્ટિનો ‘સર્કલ’નો નિયમ ખૂબ સરસ છે. હરીફરીને લોકો એના ઉદ્દભવસ્થાને પાછા જરૂર પહોંચે જ છે.
જોઈએ આ બધી મોહમાયાનું પરિણામ આગળ શું આવે છે..
-સ્નેહા પટેલ

Stri


સ્ત્રી જ્યારે પ્રેમમાં હોય છે:
.
.
સ્ત્રી જ્યારે પ્રેમમાં હોય છે
ત્યારે એનું રોમરોમ
પ્રેમના અથાગ સમુદ્રમાં
ડૂબેલું હોય છે
જયાંથી ક્યારેય
એ નીકળવા નથી માંગતી.

દૈહિક આકર્ષણ
સુદ્રઢ શરીર,ઊંચાઈ,પહોળાઈ
સ્ત્રીનો પ્રેમ
આ બધાથી ક્યાંય દૂર વસતો હોય છે.

હકીકતે સ્ત્રી
પુરુષના મનને જ નિહાળે છે
જયાં એ આખું જીવન વીતાવવા માંગે છે
એ આંખોને જ જોવે છે
જ્યાં એ આખી દુનિયા
જોવા ઇચ્છતી હોય છે.
સ્ત્રી ક્યારેય પ્રેમની સામે
પ્રેમ પામવા નથી માંગતી
એ તો નિઃસ્વાર્થભાવે
પ્રેમમાં સમર્પિત થઈ જાય છે.

સ્ત્રીનો પ્રેમ ક્યારેય ક્ષણભંગુર નથી હોતો
જોયા વગર, સ્પર્શ્યા વગર પણ
એ આખું જીવન ચાહી શકે છે.

સચ્ચાઈ તો એ જ છે કે,
સ્ત્રી કદી પ્રેમ નથી કરતી
એ પ્રેમને ભરપૂર જીવે છે/ એ જાતે જ પ્રેમ બની જાય છે.

આ કાવ્યની છેલ્લી લાઇનના અનુવાદ માટે નીચેની બે લાઈનમાંથી કઈ વધુ કાવ્યાત્મક ? એ રાખીએ ચાલો..

-સ્નેહા પટેલ.

*મનીષાબેનની હિન્દી રચનાનો અનુવાદ.

“स्त्री जब प्रेम में होती है”

स्त्री जब प्रेम में होती है
उसका रोम-रोम
डूबा होता है
प्रेम के अथाह समंदर में
जहाँ से कभी भी
वह उभरना नहीं चाहती।

शारीरिक आकर्षण
गठीला देह, कद, काठी
इन सबसे परे होता है
स्त्री का प्रेम भाव।

असल में स्त्री
सिर्फ़ पुरुष मन को देखती है
जहाँ आजीवन बसना चाहती है
उन आँखों को निहारती है
जिसमें दुनिया देखना चाहती है।

स्त्री कभी प्रेम के बदले
प्रेम को पाना नहीं चाहती
वह तो नि:स्वार्थ भाव से
प्रेम में समर्पित हो जाती है।

स्त्री का प्रेम क्षणिक नहीं होता
बिन देखे, बिन स्पर्श किये भी
वो आजीवन प्रेम कर सकती है।

सच तो यही है कि
स्त्री कभी प्रेम नहीं करती
वो प्रेम को जीती है!! मनीषा दुबे 'मुक्ता'

Story telling : prem- sex


watchમારી પ્રખ્યાત ‘નવરાશની પળ’ કોલમની એક વાર્તા. 🙂

#થપ્પડ અમુ ખોટી હતી એવું એક પણ વખત ના લાગ્યું, પણ એના પરથી સ્ત્રીઓને પ્રેરણા લેવાનું કહેવાની ઈચ્છા પણ નથી થતી. હા, પુરુષો જરૂરથી આ મૂવી જોવે એટલું ચોક્કસ કહીશ. ખૂબ જ નાની નાની (પણ હકીકતે મોટી) અને બેહદ sensitive વાતો છે જેને સમજવી ખૂબ જ જરૂર છે. મૂવીમાં જેટલું બોલાયું છે એટલું જ expression થકી સાવ ચૂપ રહીને અદભુત રીતે દર્શાવાયું છે.  હજી hangover છે.
#thappad #tapsipannu
#thappad મૂવી જોઈને આ યાદ આવી. થપ્પડ એ એક પરિણામ છે જ્યારે મેં આવી નાની નાની ઢગલો લખેલી વાર્તાઓ એનું કારણ! હું બહુ જ strongly એવું માનું છું કે
કોઈ પણ ધરખમ, કાયમી અને મક્કમ બદલાવ લાવવો હોય તો root levalથી કામ કરવું પડે. એટલે જ મેં મારી કોલમમાં દરેક વર્ગના માનવી,જાતિ,સંબંધો પર આવી નાની નાની વાતો લખી છે અને એ પણ ટૂંકાણમાં. 
 બેકગ્રાઉન્ડમાં થોડું મ્યુઝીક છે જે ટાળવા મેં કમ સે કમ 4 વખત try કર્યો પણ તો ય એ થોડી દાદાગીરી કરી જ ગયું. 😀