Morning walk -Tajgi

સવારે ચાલવા જવું એ ઘણી વખત મારે ફરવા જવા જેવું થઈ જાય છે. ઘરના કામકાજ આટોપી દરવાજો બંધ કરી ઘરનું બધું જાણે ઘરમાં જ મૂકીને હું ચાલવા નીકળી પડું છું. સવારનો કૂણો, ચળકતો તડકો મારી રાહ જોઇને જ અધીરો થઈને બેઠો ના હોય, એમ તરત મને જોઈને હસી પડે છે અને એના સર્વ વ્હાલ સાથે મારી પર રેલાઈ જાય છે. એની એ ઊર્જાથી ભરપૂર ઝપ્પી મારા માટે કાયમ સ્વાસ્થ્યવર્ધક ટોનિક જેવું કામ કરે છે અને હું પણ એક પળ ઉભી રહી આંખો બન્ધ કરી, દિલનો તાર એના કિરણો સાથે જોડીને એનું સર્વ વ્હાલ સ્વીકાર કરીને રોમ રોમમાં ભરીને આગળ વધુ છું. ઝડપથી એકધારી ચાલે ચાલવાનો ઈરાદો અહીં શરૂઆતમાં જ દમ તોડી દે છે. તાજા તાજા ઊગેલા સૂર્યની સુંવાળી,રેશમી હૂંફની આંચ સામે બધા નિર્ણય પળભરમાં પીગળી જાય છે. ધીમે ધીમે આગળ વધુ છું તો રોજ જે રસ્તા પરથી પસાર થતી હોઉં એ કાયમ એક નવું આશ્ચર્ય સામે ધરે છે. આજે પણ શિવરાત્રીનો પાવન તહેવાર હતો તો ચોતરફ રાતોરાત ઉભી થઇ ગયેલી ભાંગની લારીઓને જોવામાં જ અડધો રસ્તો પસાર થઈ ગયો. અનેક શ્રધ્ધાળુ કાગળ, પ્લાસ્ટિકના ગ્લાસમાં પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પ્રસાદી પી રહ્યાં હતાં. આ ભોળી ભાળી શ્રધ્ધા જ ભારતની સંસ્કૃતિનું સાચું દર્પણ ને ? ભરપૂર ટ્રાફિકના ભાર હેઠળ સતત કચડાતો રહેતો રસ્તો ક્યારેય અકળાઈ નહિ જતો હોય ? એને બૂમો પાડવાનું, ગુસ્સામાં મગજ ગુમાવીને રોજ રોજ સાંભળવા મળતી નવી નવી ગાળો બોલવાનું મન નહિ થતું હોય? મન થયું કે એના માથે હાથ ફેરવીને કહું કે, ‘ તું બોલ હું સાંભળું છું તને, હું સમજુ છું તને.’ સતત વાગતાં હોર્નના અવાજે રસ્તા સાથેની મારી વાતનો અનુસંધાન તોડી કાઢ્યો. હશે.. હું રસ્તાની સુરક્ષિત મનાતી જગ્યા પર ચાલવા લાગી. સવારનો ઓફિસનો સમય અને ભરપૂર ટ્રાફિક મને ‘રસ્તાધ્યાન’ની અનુમતિ નહતો આપતો. થોડો રસ્તો આજુબાજુની ઇમારતો, હોર્ડિંગ, વાહનસવારોની વેશભૂષા સાથે ‘કસરત’ના હેતુ સાથે કાપ્યો ને પાછો થોડો શાંત રસ્તો મળતાં મન અવળચંડાઇએ ચડ્યું. આજુબાજુની દુકાનોમાં કચરા પોતું કરતી ગ્રામ્ય સ્ત્રીનો પહેરવેશ, ઘરેણાં, લચક,બોલી બધું શહેરમાં મને ગામડાંનો અનુભવ કરાવતી હતી. એક વૃક્ષ એની હેઠળ પોતાના સૂકાઈને ખરી પડેલાં પર્ણોની પીળી સભા ભરીને ઊભેલું હતું. પીળી ચાદરને અડીને જ ઘર તોડતાં ભેગો થયેલો સિમેન્ટ – કોન્ક્રીટનો ભેગો કરાયેલા કચરાનો ઢગલો કુદરત અને માનવસર્જિત જગતનું અદભુત કોમ્બિનેશન ઉભું કરતું હતું. સવારના ઉતાવળમાં કામે નીકળી ગયેલા અમુક લોકો ચાની લારી પર એક નાનકડો વિરામ લઈને ચા અને મસ્કાબનની જ્યાફત ઉડાવતા હતા, સવાર સવારનું એમનું અદભુત relaxation! અનાયાસે મારા ચાલવાના ધ્યાનની સામે એમની જ્યાફતનું આ ધ્યાન મૂકાઈ ગયું ને મનોમન હસાઈ પણ ગયું. ચોતરફ નરી મોજ મોજ વેરાયેલી પડી હતી ને હું એના અનેકો ટુકડાં ભેગા કરી કરીને મારા ખિસ્સામાં મૂકીને ભેગાં કરતી હતી.
મારા આખા દિવસની ઊર્જાનો સ્ત્રોત એટલે આ ચાલતાં ચાલતાં ભેગા કરેલા દ્રશ્યોની અનુભૂતિનું વિશ્વ!
પીળી ચાદર કૅમેરામાં ય કેદ કરી એનો ફોટો તમને ય મોકલું…તમે ય મોજ કરો મિત્રો.-સ્નેહા પટેલ.21 feb.2020.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s