ફેસબુક, વોટ્સઅપ ચેટ.. આ બધામાં જેટલી મજા છે એટલો કકળાટ પણ છે. તમે લખો કશુંક ને સામેવાળો સમજે કશું. વળી તમે ય તમારી ક્ષમતા અનુસાર જ લખ્યું હોય એટલે હકીકત શું હોય એની તો કોઈને ખબર જ ના પડે!
આમ ને આમ વાતો ગોળગોળ ફરતી જાય..ફરતી જાય અને લોકોના મગજ વલોવતી જાય અને પરિણામે ઢગલો ગેરસમજોના વમળ સર્જન કરતી જાય છે. રોજ નવા મિત્રો (!) બને અને ઢગલો જૂના મિત્રો સાથે ખટરાગ થાય. કોઈ જ કારણ વિના અનેકો લોકો સાથે ઝગડા થઈ જાય, અહમ છન્છેડાઈ જાય.
સમય પસાર કરવા પસંદ કરેલું માધ્યમ તમને સતત પોતાની મોહજાળમાં વ્યસ્ત રાખતી જાય છે. તમે એના મોહપાશમાં ક્યારે બંધાઈ જાઓ છો એની તમને ખુદને જાણ નથી થતી. વળી આસાનીથી, મરજી અનુસાર જેની સાથે વાત કરવી હોય એ પસંદગી તો હાજર જ હોય એટ્લે મગજમાં આવે ને વિચાર્યા વિના તરત બોલી કાઢવાનું ‘કુ-વરદાન’ મળી જાય છે.
વણજોઈતા વિચારોના ઘોડાપૂર સતત ચાલ્યાં જ કરે છે, ચાલ્યાં જ કરે છે. વળી જ્યાં યોગ્ય વિચારની જરૂર હોય એવા કામ ધંધા કે સામાજીક પ્રસંગો વખતે મગજ સાવ જ બંધ પડેલી હાલતમાં હોય છે. ચાવીઓ માર્યા જ કરો, માર્યા જ કરો પણ જોઈએ એવી તરવરિયણ ‘kick’ વાગતી જ નથી.
સૃષ્ટિનો ‘સર્કલ’નો નિયમ ખૂબ સરસ છે. હરીફરીને લોકો એના ઉદ્દભવસ્થાને પાછા જરૂર પહોંચે જ છે.
જોઈએ આ બધી મોહમાયાનું પરિણામ આગળ શું આવે છે..
-સ્નેહા પટેલ
Mar
19
2020