મારો એક ચિકનકારી પિંક ડ્રેસ મને બહુ જ ગમે, પણ હવે કાપડ થોડું પતલું થતું ચાલ્યું હતું એટલે પહેરવાનો નહતો ગમતો, પણ આખો ડ્રેસ વર્કવાળો એટલે બહુ જ સરસ ને કાઢી નાંખતા જીવ પણ નહતો ચાલતો.
હવે ?
ત્યાં મારી નજર મારા નવા જ લીધેલા, ઝગારા મારતા સફેદ જ્યુસર -મિક્સર પર પડી ને મગજમાં આઈડિયા ક્લિક થયો. બરાબર એનું માપ લઈ સોયદોરાથી જ બખિયા જેવી મજબૂત સિલાઈ કરી પિંક ડ્રેસમાંથી એનું કવર બનાવી દીધું. સાથે યાદ આવ્યું કે, વર્ષો પહેલા જ્યારે મોબાઈલ, નેટ જેવું કશું નહતું ત્યારે ફાજલ પડતાં સમયમાં ઘરમાં આવું જાતે બનાવેલ ઢગલો વસ્તુઓ જોવા મળતી અને મુખ્ય વાત એના કોઈ જ ફોટા નહતા પડાતા ફક્ત આત્મસંતોષ, નિજની મોજ! ઘરમાં કોઈ મહેમાન આવે ને વખાણ કરે એ ભાવ નફામાં પણ એવી અપેક્ષા સાથે ઘર શણગારવાના આવા કામ કદી નહતા થતા.એટલે જ એ મોજ દિલમાં હરફર કરતી રહેતી ને કાયમ માટે રહેતી.
હવે તો બધું ફાસ્ટ. આમ જાતે સિલાઈકામ કરવામાં સમય બગાડે છે ખરી નવરી છે આ એવો જ ભાવ આવે…પણ મને તો આ સમયનો રચનાત્મક સદુપયોગ લાગ્યો. મારું ચાલે તો મારું આખું ઘર મારી બનાવેલી વસ્તુઓથી જ શણગારી દઉં.
આજે તો બધા એક ‘વાહ’ મળી હવે બીજી ક્યાંથી મેળવીશું ? એની ચિંતામા જ ફરતા હોય છે. સંતોષ – ધીરજ એ બધું શું વળી ? એ તો અસફળ વ્યકિતઓના રોદણાં…આવી જ ભાવનામાં સાચી ને કાયમી ખુશી કયાંય નથી મળતી.
હશે, દરેકની પોતાની જિંદગી. એ કવરના ફોટા પાડીને શેર કરવાની કોઈ ખાસ ઈચ્છા નથી, હું આવી પર્સનલ મોજ માટેના ફોટા બહુ ઓછા શેર કરું. આ તો મારી નાનકડી, બકુડી, મીઠડી મોજની આપ સૌ મિત્રો સાથે વહેંચણી. એ પ્યોર મોજના એક બે છાંટા તમને ય ઉડી જાય ને તમારો દિવસ પણ મસ્તીનો જાય એવી આશા!
-સ્નેહા પટેલ.
વેલ સ્નેહા કિપ,ઈટ અપ
LikeLiked by 1 person
સ્નેહા તું ખરેખર નાની-નાની ખુશીઓની માણસ…આજે માણસ મોટી-મોટી ખુશીઓ મેળવવા નાની-નાની ખુશીઓને નજરઅંદાજ કરે છે અને બને છે એવું કે મોટી ખુશીઓ મેળવવાનાં ચક્કરમાં નાની ખુશીઓની જીવનમાંથી બાદબાકી થતી જાય છે અને મોટી ખુશીઓમાંથી પણ રાજીપો તો મળતો નથી, કારણ કે, જે વ્યક્તિ નાની નાની વાતમાંથી રાજીપો મેળવી શકતી હોય તે જ વ્યક્તિ મોટી મોટી વાતમાંથી રાજીપો મેળવી શકે કે રાજીપો મેળવતા આવડે અને ખુશ રહી શકે…બસ, આમ જ જીવનમાંથી આવી નાની-મોટી ખુશીઓ મેળવતા રહો અને સદા મોજમાં રહો એજ શુભેચ્છાઓ…
LikeLiked by 1 person