ખાલીપોઃ ભાગ-૧૩


સ્પર્શનો એ બોબડો અવાજ ઇતિને ઊંઘવા નહ્તો દેતો. રહી રહીને એના માનસપટ પર એનો ચહેરો અથડાતો હતો. માંડ આંખ મીંચે અને સ્પર્શ આવીને ઊભો રહી જતો..કલાકેકની મથામણ પછી એણે વિકાસને મોબાઈલ કર્યો..

“વિકાસ..પ્લીઝ..થોડી વાર આવશો અહીં?”

વિકાસનું ઘર હોસ્પિટલથી નજીક જ હતું. એ નાહીને ફ્રેશ થઈને સફેદ ઝગઝગતા ઝભ્ભા અને પાયજામાનો નાઈટડ્રેસ ચડાવીને સૂવાની તૈયારી જ કરતો હતો. ત્યાં ઇતિનો ફોન આવ્યો. પળભર તો થયું કે ના પાડી દે…બહુ જ થાકેલો આજે..નિંદ્રાદેવીએ જબરા કામણ કરેલાં..પછી વિચાર્યુ કે ,

“ઇતિ ખાલી તો ફોન કરે જ નહી. કોઈ ખાસ કારણ હોવું જોઈએ..”

પગમાં ફ્લોટર્સ ચડાવી બાઈકને કીક મારીને બે મિનિટમાં તો ઇતિની સામે જઈને ઊભો રહી ગયો.

‘બોલો, કેમ યાદ કર્યો મને તમે?”

ઇતિ બે ઘડી તો જોતી જ રહી ગઈ વિકાસને. સફેદ ઝભ્ભા-પાયજામામાં ગોરો ચિટ્ટો અને થોડી ઊંઘરેટી રતાશ પકડતી આંખો જબરી નશીલી લાગતી હતી. એણે કોઈ જ દિવસ વિકાસ સામે ધ્યાનથી નજર જ નહોતી નાંખી. એના રૂંવે રૂંવે હજુ પણ અર્થ જ શ્વસતો હતો. કોઈ પણ પુરુષ એ અર્થ નામનો અભેદ્ય કિલ્લ્લો તોડીને અંદર આવવા સક્ષમ નહોતું. પણ આજે વિકાસને જોઈને એના મનમાં એકદમ જ એક નવાઈનું તોફાન ઊમટયું. વિકાસને એ એક ખૂબ જ સારા ડોકટર અને સજ્જ્ન મિત્ર તરીકે જ જોતી હતી.

“હલો…આટલી રાતે મને કેમ બોલાવ્યો..?’

વિકાસે ઇતિના ખભા પર હાથ મૂકીને માર્દવતાથી પૂછ્યું.

અને ઇતિ એકદમ જ સચ્ચાઈને ધરતી પર પછડાઈ..

‘અહ્હ…કંઈ ખાસ નહીં..બસ..આ તો સ્પર્શને બહુ સમય પછી જોયો અને પાછો ખોયો..એટલે થોડી અકળામણ થતી હતી…

અમુક સમયે આ એકલતાનો સાપ જબરો ડંખી જાય છે.
એનું લીલું લીલું કાચ જેવું ઝેર મારી રગ રગમાં ના સહી શકાય એવો દાહ લગાડી જાય છે.
એમાંથી પછી સર્જાય છે લાગણીના વમળો…
ચક્રવાતો..
અને એમાં હું ઘૂમરાતી ઘૂમરાતી ચકરાવે ચડી જઊં છું.
ઘણી વાર એમાંથી પાછી આવી જાઉં છું,
પણ અમુક સમયે એમાં જ અટવાઈ જવાય છે..
આજે એવું જ કંઈક…”

વિકાસ અપલક નયને ઇતિને જોઈ જ રહ્યો. ઇતિ બેહદ ખૂબસૂરત હતી. પણ એની વિચારશીલતાનું આ રૂપ આજે જ એણે જોયું.ઇતિ બેહદ બુધ્ધિમાન સ્ત્રી હતી અને એની આવી અવદશા..!! એને આવી નમણી નારી પર બેરહમ કુદરતના આ કાળા કેર પર બેહદ ગુસ્સો આવી રહ્યો હતો. આગળ વધીને ઇતિનો હાથ કુમાશથી હાથમાં લઈને બોલ્યો..

“ચાલો..થોડી વાર બહાર આંટૉ મારી આવીએ.તમને થોડી હળવાશ અનુભવાશે. આ બંધિયાર વાતાવરણ અને આ એકલતા..આમાંથી તમને બહાર કાઢીને જ તમારો ઈલાજ થઈ શકશે..અને હું એ કરીને જ જપીશ. તમે પાગલ નથી ઈતિ. બસ સમયના સતાવેલા છો. ચિંતા ના કરો. હું એ સમય સાથે લડીને તમને પાછા પહેલાં જેવા બનાવીશ. વચન આપું છું”

ઇતિ આટલી રાતે એક પરપુરુષ સાથે બહાર નીકળતા થોડી ખચકાઈ. પણ વિકાસની એ વાત પણ એટલી જ સાચી હતી કે એ આ બંધિયાર વાતાવરણથી અકળાતી હતી. એના ફેફસાને બહારની હવાની તાતી જરૂર હતી. મન મક્ક્મ કરીને એ બહાર નીકળી.
———————————————————

વિકાસની પાછળ એની બાઈક પર બેઠેલી ઇતિ થોડી સંકોચાતી હતી. બેયની વચ્ચે એક મર્યાદીત અંતર રાખીને બેઠેલી. વિકાસના પ્રમાણમાં  થોડા લાંબા ઝુલ્ફા એના મોઢા પર અથડાતા હતા. વિકાસ એની મસ્તીમાં જ બાઈક ચલાવતો હતો. અમુક વળાંકો અને ચાર રસ્તે ટ્રાફિક આવતા અણધારી બ્રેક મારવી પડતી હતી. આ બધી પ્રક્રિયામાં ઇતિ ગમે તેટલી જાત સાચવતી હતી તો પણ સીટ પર આગળ સરકી જ જતી હતી અને એના ધ્યાન બહાર જ એનો હાથ વિકાસના ખભા પર જતો રહેતો હતો. વિકાસ તો એની મસ્તીમાં જ હતો. અલક મલકની વાતો કરીને ઇતિનું ધ્યાન ડાયવર્ટ કરવાના પૂરતા પ્રયાસોમાં પ્રામાણિક્પણે લાગેલો હતો. પણ ઇતિના કાન જાણે કે બહેરા થઈ ગયેલા. એનું દિલ એટલી જોરજોરથી ધક ધક થતું હતું કે વિકાસની એક પણ વાત કાને નહતી અડતી.
“ચાલો કોફી પીશું ઇતિ..આ શંભુની કોફી બહુ વખણાય છે ને..મેં પણ નથી પીધી ક્યારેય. સમય જ નથી મળ્યો..”
જવાબમાં ખાલીખમ મૌન…!!
વિકાસ હવે થોડો ચોંક્યો . બ્રેક મારીને બાઈક ઉભી રાખી. સાઈડ મિરરમાં જોયું તો  આટલી રાતે પણ ચાંદના થોડા અજવાશમાં ઇતિના ચહેરા પર રતાશ સ્પષ્ટ નિહાળી શક્તો હતો.

“ઇતિ..આર યુ ઓલ રાઈટ..?”
ઇતિ હવે એકદમ ચમકી…

“હા ..હા..પરફેક્ટલી ઓલરાઈટ..ડોન્ટ વરી. તમારી પાછળ જ છું..કયાંય પાડી નથી આવ્યાં તમે મને. તમારું ડ્રાઇવિંગ આમ તો સરસ છે.” વાતાવરણમાં થોડી હળવાશ લાવવાના ઇરાદા સાથે જ ઇતિએ ઉત્તર આપ્યો.
બેય જણ બાઈક પરથી ઉતર્યા. વિકાસ કાઉન્ટર પર જઈને બે એક્ષપ્રેસો કોફીના ઓર્ડર આપીને બાજુમાં પડેલી ખુરસી પર બેફિકરાઈથી બેસી ગયો. ઇતિને એનું એ બેફિકરાઇનું રૂપ બહુ જ ગમ્યું.

આજે એના દિલને શું થયું હતું આ..એ થોડી અકળાઇ હવે.

‘હા તો બોલો.શું તકલીફ હતી દેવીજી તમને?”

“તકલીફ હતી પણ.સાચું કહું..આ ઠંડી હવા અને આ વાતાવરણ..બધુંયે ભુલાઈ ગયું.” બોલીને ઇતિએ એક મધુરૂં સ્મિત વેર્યું.

વિકાસ એના એ સ્મિત તરફ અપલક જોઈ રહ્યો.

એની એ નજરમાં રહેલ પોતાના પ્રત્યેનું આકર્ષણ ઇતિ સ્પષ્ટપણે વાંચી શકી. દિલના એક ખૂણે એક અપરાધભાવ જેવું કંઈક ફીલ થયું..આ શું..મારાથી આમ કેમ વિચારાય જ..વિકાસ તો એક ડોકટરની ફરજ નીભાવે છે..કદાચ આ એની ફરજનો એક ભાગ સમજીને પણ કરતો હોય. કદાચ મેં જે જોયું એ મારી નજરનો ઘોખો પણ હોય..ના ના..આવું ના વિચારી શકાય..હજુ તો મારા તન મન બધે અર્થ જ અર્થની છાયા છે.આ જે વિચારું છું એ ખોટું છે.”
આ બાજુ વિકાસના મગજમાં કંઈક અલગ જ વિચારો રમતા હતા. એ વિચારતો હતો કે ઇતિને આમ બંધિયાર વાતાવરણમાં રાખીને ઇલાજ કરીશ તો કદાચ એ ક્યારેય સાજી નહી થાય. એને કોઈ ને કોઈ પ્રવ્રુતિમાં લગાડી દેવી જોઈએ. તો જ એ આ બધામાંથી બહાર નીકળી શકશે. મનોમન ઇતિના ઇલાજના આગળના પગલા વિચારતો હતો. ત્યાં..
‘સાહેબ ..કોફી…” ના અવાજે બેયને વાસ્તવિકતામાં લાવીને પટકયાં.
અને બંને એક-બીજાની સામે જોઈને અકારણ જ હસી પડ્યાં…
ઇતિ બહુ સમય પછી આજે આમ ખુલ્લા દિલથી હસી હતી..
સ્નેહા પટેલ -અક્ષિતારક