‘મહિલા દિન મુબારક’ – ‘પુરુષ દિન મુબારક’ ‘ મુબારક..મુબારક..મુબારક.


ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત ‘નમસ્તે ગુજરાત’ છાપામાં મારી કોલમ ‘અક્ષિતારક’નો આ મહિનાનો લેખ..

મહિલા દિન મુબારક‘ – ‘પુરુષ દિન મુબારક‘ ‘ મુબારક..મુબારક..મુબારક.

આજકાલ મોબાઇલનેટ જેવી સુવિધાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ જતાં મુબારકબાદીનો એક નવીનવાઈનો ચીલો ચાલુ થઇ ગયો છેજેમાં મોટાભાગના લોકો તરંગોના ઘોડાં પર સવાર થઈને જે મનમાં આવે છે એના પર લાંબુ વિચાર્યા વિના ફટાક દઇને વ્યક્ત થઈ જવાનો‘ રોગ લઈને ફરતો થઈ ગયો છે. એની પાછળ બીજો વર્ગ કંઇ જ લાંબુ વિચાર્યા વિના વાહ વાહી‘ કરીને સમય પસાર કરતો પણ જોવા મળે છે. કોઇને કોઇ જ વાત સાથે કોઇ જ લેવા દેવા નથી હોતી પણ સમર્થનવિવેચનમાં દેખાડો તો આખા વિશ્વનો કરવામાં આવે છે.

જોકે કોઇને શુભેચ્છાઓ આપવી એ ક્યારેય ખરાબ હોતી જ નથી એ તો આપનાર અને લેનાર બેયને સકારાત્મક ઊર્જાથી ભરપૂર રાખે છે પણ એનો મુખ્ય ઉદ્દેશ ભૂલાઇનેશુભેચ્છાઓ આપીને- લઇને પાછળથી તુલનાત્મક ચર્ચા-વિચારણાઓ થાય છેફાયદા ગેરફાયદા વિચારવામાં બિનઉત્પાદક રીતે સમય વેડફાય છે ત્યાં ખરી તકલીફ ઊભી થાય છે.

પછી…પછી શું થાય છે?

સરસ મજાની શુભેચ્છાઓ વિસરાઇ જાય છે અને સામે આવે છે જાતિભેદની છીછરી વ્યાખ્યાઓસરખામણીઓ અને સદીઓથી ચાલી આવતી કડવી – વરવી માનસિકતાઓ કે જેની માનવીને પોતાને પણ જાણ નથી હોતી. એના અચેતન મનમાં પોતે જે સમાજમાં ઉછરેલો છેજે સારુ નરસું ભોગવ્યું છે કે ભોગવવું પડ્યુ છે એ બધાનો સાર નીચોવાઈને ક્યારે આ અંતહીન – અર્થહીન ચર્ચાઓમાં આવીને બેસી જાય છે એ એમની સમજ બહાર હોય છે અને શરુ થાય છે એક નાદાનિયતથી ભરપૂર ખેલ. કોઇ ગમે એટલા મનથી તમને શુભેચ્છાઓ આપે પણ એ બધું છોડીને તમારું મન એની પાછળના એના ઉદ્દેશલાગણી વગેરે વિશે જાતજાતના તર્ક વિચારવા બેસી જાય છે.

આ એક જ દિવસ અમારો એમજો એમ જ તો એમ કેમ?’  જેવો વિચાર તો સૌથી પહેલો આવે.

આ છાપ પણ મારી ને કાંટો પણ મારો – આપણે જે વિચારીએ છીએ એ જ સાચું છે અને આખો જમાનો અમારી ( સ્ત્રી કે પુરુષ બે ય ની વાત છે) વિરુધ્ધ જ છેઅમે વર્ષોથી સહન કરતાં આવ્યાં છીએઅમારી જાતિને કાયમ અન્યાય જ થયો છે જેવા અનેક વિચારો લોકોને સતાવવા લાગે છેપરિણામે જે એમના ભાગે આવી ચડેલા એક સ્પેશિયલ દિવસની મજા પણ તેઓ સુખેથી માણી નથી શકતાં.

વળી આજકાલ નવી ફેશન ચાલુ થયેલી છે –  સ્ત્રી થઈને પુરુષને સપોર્ટ કરતી વાત કરો કે સ્ત્રી થઈને પુરુષના સપોર્ટની- તો તમે બહુ જ ઉદાર બની જાઓ છો ! વાંચીને સમજી શક્યાં હોય એ લોકોને ચોકકસ આ વાક્ય વાંચીને હસવું આવ્યું જ હશે.

આ બધું કેટલું ખોખલું છે એ ક્યારે લોકોને સમજાશે સ્ત્રી કે પુરુષના વાડાઓમાંથી બહાર આવીને સૌપ્રથમ આપણે એક સાચા માણસ ક્યારે બની શકીશું એવો વિચાર મનુષ્યોને કેમ નથી આવતોહકીકતે તો આપણી વિચારધારા વિસ્તરે અને આપણે આ વાડાઓમાંથી મુકત થઈને આપણું વિશ્વ વધારીએ તો કેટ-કેટલી સમસ્યાઓનો અંત એની જાતે જ આવી જશે એની સાદી સમજ પણ આપણને નથી હોતી. આપણે તો બસ સરળતાને ચીરફાડ કરીને કાયમ એનો ગૂંચવાડો કરવામાં જ  રચ્યાં પચ્યાં રહીએ છીએ. સરળતાથી જીવીશું અને બધી ગૂંચો ઊકલી જશે તો જાણે આપણાં વિચારોને બંધકોશ થઈ જશે એવું જ લાગે છે. કદાચ આપણને ગૂંચવાડાની જ ટેવ પડી ગઈ છે – સ્પષ્ટ ઉદ્દેશ વિના  ગોળ ગોળ અવિરતપણે એમાં ઘૂમ્યાં જ કરો – ઘૂમ્યાં જ કરો.  રખેને આ ગૂંચવણો ખૂલી જશે તો આપણે જાણે સાવ જ નવરાં થઈ જશું એવી એક બીકમાં જ જાણે આપણે સતત જીવ્યાં કરીએ છીએ. ગોળાકાર – જ્યાંથી શરુ કરો ત્યાં જ ફરી ફરીને પાછા આવી જવાની રોજેરોજની આ કસરતમાં આપણને સામે સીધો માર્ગ હોય તો પણ આકર્ષતો કે દેખાતો જ નથી. એક ને એક બે થાય એવું સરળ ગણિત પણ અવગણીને માનવી જાતજાતના સરવાળા. ભાગાકારબાદબાકીગુણાકાર કરવામાં લાગી જાય છે.

સ્ત્રી અને પુરુષ આ બધી નિરર્થક દોટમાં સતત વ્યસ્ત અને ત્રસ્ત હોય છે ત્યારે એમને જાણ સુધ્ધાં નથી હોતી અને સમાજનો એક ખાસ  વર્ગ  સ્ત્રી અને પુરુષની જાતિભેદની આ રમતોનો ફાયદો ઉઠાવીને હોંશિયારીપૂર્વક પોતાના અનેક કામ નિપુણતાથી પતાવીનેદૂરના છેવાડે બેસીને એમના પ્યાદાં બનીને એમના વતી મહેનત કરી રહેલ સમાજના મૂર્ખાઓના સમુહને જોઇને ચૂપચાપ હસતાં હોય છે.

હવે આ બધિરઅંધ સમાજને કોણ સમજાવે કે  આ પુરુષોની ખાસ વર્તણૂક કે આ સ્ત્રીઓની ખાસ વર્તણૂક જેવા વર્ષોથી માની લીધેલામનાવી લીધેલાં વિચારોને હવે ફગાવી દઇને સમજણના ફેફસામાં એક નવો વિચાર શ્વાસ ભરવાનો સમય આવી ગયો છે.  કોઇ પણ સ્ત્રી હોય કે પુરુષ – દરેક વ્યક્તિ પોતાની જરુરિયાતવાતાવરણ પ્રમાણે જ નાનપણથી ઘડાતું હોય છેએનો અર્થ એમ નહીં કે એ જ વર્તન સમાજના દરેક સ્ત્રી કે પુરુષ માટે શિલા-વર્તન થઈ જાય ! સ્ત્રીઓ મજબૂત હોય કે પુરુષ રડતો હોય તો એમાં કોઇ હો-હા કરવાનુંચર્ચા કે અચરજ કરવાનું કોઇ કારણ નથી બની જતુંઆખરે સૌથી પહેલા એ એક માણસ છે અને ભાવનાશીલ હોવુ કે પોતાની જાતનું રક્ષણ કરવું એ દરેક વ્યક્તિની પાયાની જરુરિયાતો હોય છે અને દરેક વ્યક્તિ એ જ પ્રમાણે વર્તન કરતો હોય છે. એમાં કોઇ જ સ્વાર્થી કે અન્યાયી નથી બની જતું. તમે જે પરિસ્થિતી અનુભવો છો એ મોટાભાગે તમારી પોતાની માનસિકતા અને સમજણને આધારિત છે.

વાત રહી આવા સ્ત્રી – પુરુષ દિવસ ઉજવવાની તો,

વર્ષમાં જેમ એક વખત આપણે આપણીઆપણાં સ્વજનોો મિત્રોની વર્ષગાંઠ ઊજવીએ છીએ ને મોજથી એ દિવસનો સાક્ષાત્કાર કરીએ છીએ એટલી જ સરળતાથી આપણે આપણી જાતિનો એક ઓચ્છવ ઉજવીએ છીએ એવું માની/ વિચારી લઈએ તો આપણી સમજણઅનુભૂતિને એક અનોખું વિશ્વ નસીબ થશે એટલું તો હું ચોકકસ કહી જ શકું. વળી ઘણાં લોકો સ્ત્રી – પુરુષના નામે આપણો ગેરફાયદો પણ ઉઠાવી જતાં હોય છે એવા બદમાશોથી આપણે આપણી જાતને સારી રીતે સંરક્ષિત કરી શકીશું.

હું માનવી માનવ થાઉં તો પણ ઘણું‘ આ લખતી વેળાએ કવિ સુંદરમ ચોકકસપણે સરળતાની ટોચ પર જલસાથી બિરાજતા હશે.

આપણી સાચી સમજણ એને કહેવાય કે જે આપણાં કાર્ય સરળ કરે.

ચકરડાં ભમરડાંની વિચારજાળમાંથી મુકત થઈને દરેકને મુક્તતાનો  અનુભવ,આનંદ પ્રાપ્ત હો!

સ્નેહા પટેલ.