garvili


: ગર્વીલી :

આસમાની રંગની ચૂંદડી રે

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે
માની ચૂંદડી લહેરાય !

-ગરબો.

અંશિતાનો મૂડ આજે ‘ઓફ’ હતો. વરસાદે આ વખતની નવરાત્રીની મજા બગાડી મૂકી હતી. એ લગભગ છેલ્લાં દોઢ મહિનાથી એના ગ્રુપ સાથે સ્પેશિયલ ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટીસ કરી રહી હતી. સ્પેશિયલ કચ્છી બનાવટના બ્લ્યુ અને મરુન રંગના કોડીઓઅને ફૂમતાઓથી ભરપૂરચણિયાચોળી અને સાથે પહેરવાના ઓકિસ્ડાઇઝ, કોડીના લેટેસ્ટ સ્ટાઇલના ઘરેણાં – આ બધા પાછળ લગભગ એણે નહીં નહી તોય પચીસે’ક હજારનું આંધણ કરી નાંખેલું. વળી મન મૂકીને ગરબે રમી શકે એ માટે છેલ્લાં મહિનાથી એક કૂકને પણ રસોઈ માટે ટ્રેઈન કરી રાખેલો. નવરાત્રિ તો મન મૂકીને મહાલવાનું જ બસ ને દિવસે થાક ઉતારી કાઢવાનો! બહુ થાકી હોય એ દિવસે તો એ ઓફિસમાં પણ અડધી કે આખી રજા મૂકી દેતી. બધા એના આ શોખથી વાકેફ એટલે આ દિવસો દરમ્યાન કોઇ એની સાથે કોઇ મગજમારી ના કરતું.

આમ પણ અંશિતા હતી જ એવી કે એને કોઇની સાથે ક્યારેય કોઇ દિવસપ્રોબ્લેમ જ નાથાય. દરેક કામ જાતે કરી લેવાની એને આદત, વળી બીજાઓના કામ પણ એ સમય હોય તો હસતાં હસતાં કરી આપતી એટલે ઓફિસ કે ઘર બધી જગ્યાએ અંશિતા લોકોની માનીતી, લાડકી હતી. અંશિતા – એક ભરપૂર બહિર્મુખી સ્વભાવવાળું વ્યક્તિત્વ, આધુનિકા, સેલ્ફડિપેન્ડન્ટ, દરેક કામને પહોંચી વળવાની – મેનેજ કરી લેવાની એનામાં આગવી સૂઝ! કોઇ પણ બાબતમાં ક્યારેય કોઇની મદદ લેવાનું એને સહેજ પણ પસંદ નહીં. નાછૂટકે જ એ કોઇનેપોતાના કામ કરી આપવા ‘રીકવેસ્ટ’ કરે. એ અંશિતા ઉંમરમાં અડતાલીસીનો આંકડો પસાર કરી રહી હતી. શરીર હવે થોડું થાકતું હતું, પહેલાં જેટલી હાડમારી ઉઠાવતાં એ જવાબ દઈ દેતું હતું, વીટામીન્સ – આયર્નની દવાઓ, રેગ્યુલર લાઈફસ્ટાઈલ, એકસરસાઈઝ એ બધાનો એની રુટિન દિનચર્યામાં નાછૂટકે પ્રવેશ થવા માંડયો હતો. બીજું કોઇ તો ઠીક પણ હવે એનું શરીર એને ટોકતું હતું, ‘થોડી ધીરી પડ મારી બેના.’
શરુઆતના બે દિવસ વરસાદને ય અવગણીને ગ્રુપમાં મન મૂકીને ગરબા કર્યા હતાં પણ ત્રીજા દિવસે શરીરે સાથ છોડી દીધો અને એને વાયરલ ઇન્ફેકશન થઈ ગયું. તાવ હતો કે ત્રણથી નીચે ઉતરવાનું નામ જ નહતો લેતો. હવે અંશિતા બરાબર અકળાઈ હતી. એક તો વરસાદ, બીજું દવાખાનું અને ત્રીજું નોરતામાં એના મિત્રો એને મૂકીને થાય એટલાં ગરબા તો કરી જ લેતા. એને ઇવન એ ગરબાં જોવા જવા પણ નહતું મળતું. એનાથી ઉભું જ નહતું થવાતું તો બીજી શું વાત કરવાની ? બે દિવસ બાદ તાવ ઉતર્યો અને એને થોડી કળ વળી. હાશ, હજુ બીજા ચાર દિવસ તો બાકી છે, એકાદ દિવસમાં થોડી રીકવરી થઈ જ જશે પછી તો એય ને ગરબે ઘૂમવાનું ને મજ્જા માણવાની. પણ એકાદ દિવસમાં એની રીકવરી જોઇએ એવી તો ના જ થઈ. જાતે ગાડી ડ્રાઈવ કરીને જવાની હાલત નહતી. એના પતિ જીગરને તો આવા કોઇ શોખ જ નહી. અંશિતાને જ્યાં જવુ હોય ત્યાં જવાની છૂટ પણ એને તો રાતે દસ વાગ્યે પથારી જોઇએ જ. ભારત તહેવારોનો દેશ છે, તહેવારો તો આવે ને જાય, આમ એની પાછળ લાગ્યા રહીએ તો કામધંધા કોણ કરે? એટ્લે એને કહેવાનો તો કોઇ મતલબ જ નહીં. જોરજબરદસ્તીથી કોઇ પણ કામ કરાવવાનું અંશિતાના સ્વભાવમાં જ નહી. આખરી ઉપાય તરીકે એણે એના વીસ વર્ષના દીકરા ધ્રુવને પોતાની સાથે ગરબામાં આવવા માટે ઓફર કરી પણ ધ્રુવનો તો એના ફ્રેન્ડસર્કલમાં પ્રોગ્રામ ફીક્સ હતો એટલે એણે ચોખ્ખી ના પાડી દીધી અને અંશિતાના શરીરને હજુ આરામની જરુર છે તો ગરબા બરબા રમવાના વિચારો છોડીને આરામ કરવાની સલાહ પણ આપી દીધી.

હવે ?

જીવનમાં આવી સ્થિતી તો ક્યારેય ઉભી નહતી થઈ. પોતાની જાતને આટલી પાંગળી, આટલી અસહાય તો અંશિતાએ ક્યારેય નહતી અનુભવી. આમ પરિસ્થિતીઓથી હારવાની એને સહેજ પણ આદત ન હતી. અકળામણને ઝાટકો આપીને એ ઉભી થઇ અને ચણીયાચોળીપહેરીને તૈયાર થવા લાગી. વચ્ચેવચ્ચે તાકાત જાળવી રાખવા ‘વાઈટ્લઝેડ’નું શરબત પીતી જતી હતી. આખરે તૈયાર થઈને જાતને અરીસામાં જોઇને એ ‘ગર્વીલી’ એની જાત પર ગર્વ કરવા લાગી અને ચપ્પલમાં પગ નાંખવા જતાં જ એને જોરદારચક્કર આવ્યાં અને એ ધડામ દઈને જમીન પર પછ્ડાઈ.
આંખો ખૂલી ત્યારે બે કલાક વીતી ગયા હતા અને ધ્રુવ અને જીગર એની પાસે પથારીમાં ચિંતાતુર વદને બેઠાં હતાં.
‘અંશુ, આ શું પાગલપણ છે ?આટલી વીકનેસ અને તું ગરબા કરવા ઉપડી ! તું કંઈ નાની છોકરી છે કંઈ?’ જીગર અકળામણમાં બોલી ઉઠ્યો.
‘ના, નાની તો નહીં પણ બુઢ્ઢી પણ નથી થઈ ગઈ જીગર.’ આંખમાં આંસુ સાથે અંશિતા બોલી.
‘જીગર તને ખબર છે હું મારી લાઈફમાં પહેલીવાર જાતને આવી અસહાય સ્થિતીમાં જોઇને અકળાઈ ગઈ હતી. હું અંશિતા અને આવી હેલ્પલેસ ! સહન ના થયું. કાલે ઉઠીને ધ્રુવ એના પોસ્ટગ્રેજ્યુએશન માટે ફોરેન જતો રહેશે, તું તારી બિઝનેસટ્રીપમાં બીઝી તો એ વખતે મારી શું હાલત થશે એવો વિચાર આવી ગયો અને ઇમોશન્સ મારી પર હાવી થઈ જતા હોય એમ લાગ્યું. કોઇની ઉપર ડીપેનડન્ટ થોડી થઈ જવાય. જે હોય એ બધી સ્થિતીનો સામનો કરવાની તાકાત આ અંશિતામાં હોવી જ જોઇએ પછી એ શારિરીક હોય કે માનસિક કે ઇમોશનલ – આખરે હું એક આધુનિક સ્ત્રી છું – ઇન્ડીપેન્ડન્ટ રહેવું એ મારી જરુરિયાત, સંતોષ છે ! બસ ને એ પછી મારો મારા વિચારો પર કાબૂ ના રહ્યો ને હું તૈયાર થવા ઉભી થઈ ગઈ.’
‘ઓહ, હવે આખી સ્થિતી સમજાય છે અંશુ, સમયને માન આપતા – સ્વીકારતા શીખ. હવે આપણે ધીમે ધીમે યુવાનીમાંથી પ્રૌઢાવસ્થા તરફ જઈ રહ્યાં છીએ. એની પણ એક અલગ મજા હોય છે. હવે આપણી પાસે અત્યાર સુધીના અનુભવોનું ભાથું છે. શારિરીક સ્વાસ્થ્ય હવે પંદર- અઢાર વર્ષના નવજુવાનિયાઓ જેવું ના જ હોય. જરુર પડે તો ઇમોશનલ કે શારિરીક સપોર્ટ લેવામાં કંઈ ખોટું નથી. કોઇનો સહારો લેવાની તને સહેજ પણ આદત નથી એમાં તને નાહકનો સ્ટ્રેસ ઉભો થાય છે. ઇમોશનલ હોવું એ એક હાનિકારક સ્વભાવ માની બેઠી છું. એવું ના હોય ડીયર. તેલ જુઓ ને તેલની ધાર જુઓની જેમ જ સમય જુઓ ને સમયને માન આપતાં શીખો. કોઇ પણ આદત કે સ્વભાવ કાયમ જીવનમાં સ્થાયી ના કરવો, ફ્લેક્સીબલ રહેતા રહેવું જેથી વણજોઇતાં સ્ટ્રેસ ઉભા ના થાય.’
‘હા જીગર, આજની આધુનિકાઓ કમાતી થાય છે પછી પોતાની જાતને વધુ ને વધુ ઇન્ડીપેન્ડન્ટ ફીલ કરતી થઈ જાય છે એમાં આમ કોઇની સહાય લેવાનું આવે ત્યારે ઇગો હર્ટ થાય છે, સહન નથી થતું પણ તું કહે છે એમ – સમય મહાન છે. એને માન આપતાં શીખવું જ પડે અને મેઇન વાત – ઇમોશનલ હોવું કંઇ ખોટું નથી- હા એની અમુક સાઈડઇફેક્ટ્સ થાય પણ એ ઇમોશન્સની સુંદર પળો સામે નહીવત હોય છે. હું નક્કામી મારી જાતને ‘સપ્રેસ’ કરીને બેઠી હતી. થેન્ક્સ મારી આંખો ખોલવા બદલ ડીઅર.’

સ્નેહા પટેલ