એક એક લેખને ધૈર્યપૂર્વક વાંચીને એના વિશે છણાવટપૂર્વક લખવાની મહેનત કરનારા મૌલિકાબેન દેરાસરીનો – વેબગુર્જરી બ્લોગનો આભાર.
http://webgurjari.in/2014/02/18/blog-bhraman-55-56/
“શબ્દ જ્યારે સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.”
ધૂની માંડલિયાની આ પંક્તિઓ છે. કોઈ પણ રીતે કહેવાયેલા કોઈના શબ્દોને આપણી સમજણનો અર્થ મળે, ત્યારે એક માણસની અનુભૂતિ જાણે બીજામાં સાકાર થાય છે.
શબ્દોનું આ જ તો કામ છે ને..!!
અહીં એક હૂંફાળું વિશ્વ ખૂલે છે, માનવ સંવેદનાઓનું.
લાગણીઓ એક જ એવી વાત છે કે જે ઈશ્વરે ફક્ત માણસને આપી છે !
લાગણી એક, પણ રંગો એના અનેક.
‘ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ, એવા આપણે માનવ શું કામના ?’
એક વાક્ય પણ કેટલું ગહરૂં !!
અહીં વાંચતાંવાંચતાં મનની કડવી યાદો ખરતી જાય છે અને ગમતીલી યાદોની મહેંકતી લીલાશ ફૂટતી જાય છે.
‘નિયમિત મારી જિંદગીમાં
એક
તારી યાદ
નિયમિત રીતે અનિયમિત !’
યાદોનું તો કામ જ એવું ને !! એને નિયમ હોય ?
ઊમટી પડે તો વણથંભી વણજારની જેમ.. નહીંતર રણનો વરસાદ જાણે !
ક્યારેક મનમાં ઊઠતા પ્રશ્નો શબ્દોમાં ઊમડી આવે.
સ્ત્રીઓએ જ શું કામ સાસરે જવાનું ?
સંબંધોને ઇસ્ત્રી મારી શકાય ?
ઓનલાઈન વાંચન પુસ્તકોનું સ્થાન લઈ શકશે ?
તુંડેતુંડે મતિર્ભિન્ના અને મતિમતિએ ભિન્નભિન્ન સવાલો ઊઠતા રહે છે પણ…
‘દરેક સવાલ ઉત્તર લઈને જ નથી જન્મતો.’
છતાં મનમાં ઊઠતા સંવાદોને રોકી શકાય ખરા !
જાત સાથે વાત થતી રહે એ શબ્દોમાં ઊતરતી રહે છે.
સોશિયલ સાઈટ્સમાં થતી ગ્રુપબાજી વિષે, સ્ત્રી-પુરુષના સંબંધ વિષે, દોસ્તોની દિલદારી કે સાહજિક પ્રેમ વિષે, સમજણનાં ફાંફાં કે પીડાના નશા વિષે… કે પછી ક્યારેક ખુદની આસપાસ જ એક કોચલું બનાવીને પોતાની જ હુંફમાં પૂરાઈ જઈને પારાવાર શાંતિ મેળવવાની પ્રબળ ઇચ્છાની વાત છે.
સંબંધો હવે ફક્ત પ્રેમ, લાગણી કે સમજ્દારીના જ નથી રહ્યા.
હવે મેસેજિયા સંબંધો છે, જ્યાં લાગણી, પ્રેમ, નફરત, ગુસ્સો બધુંય ૧૬૦ શબ્દોમાં વહે છે.
રેઇનકોટી સંબંધો છે, જ્યાં બહાર મીણનું કોટિંગ હોવાથી સંવેદનો બહારથી જ વહી જાય છે. અંદર સુધી એટલે કે અંતર સુધી ભિંજાવા દેવાનો મોકો જ નથી અપાવા દેવાતો. સંવેદન બધિર સમાજમાં સંબંધોની ભાંજગડ છે, હવે.
સંબંધોનો ખરખરો થાય છે. કોઈની જિંદગીમાં ચંચૂપાતો કરી ઝેરના રોપા રોપાય છે.
આ બધાની વચ્ચે રહીને અહીં વાત બે પળની કરી છે, વાત થોડી હૂંફની કરી છે. મમ્મી, સાસુ, સંતાન કે પતિના ચાહવાની વાત છે, મેઘધનુષના ગમવાની વાત છે. આપણી અંદરના આપણેની વાત છે.
સાથેસાથે ફિલ્મો, અભિપ્રાયો, ગરમી, વરસાદ, આસ્તિક, નાસ્તિક, ઘડપણ, લગ્ન, ચાહત, સુખડાં કે દુઃખડાંની વાત છે.
વાર્તાઓના જરિયે કહેવાયેલી – દિલ, દિમાગ, સમાજ કે સમજની આપણાં માંહ્યલાંને દસ્તક દેતી વાત છે.
ક્યારેક વાત અસહ્ય વેદનાની, અજંપ ખાલીપાની છે.
‘એક ખાલીપો ઊછેર્યો તે ને મેં બીજો અહીં
કુંપળો ફૂટે અહીં ને પાન ત્યાં લહેરાય છે.’
શબ્દે શબ્દે સહજ લહેરાતી અનુભૂતિનું આ શબ્દ-વિશ્વ એટલે સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ ||૫૫||નો આ બ્લૉગ.
અમદાવાદમાં વસતાં એક પ્રોફેશનલ લેખિકા છે તેઓ. વિચારવું, અનુભવવું અને લખવું એને જ જિંદગી માનતા સ્નેહાજીને જાણે વરદાન છે હૃદયની તીવ્રતમ અનુભૂતિઓને શબ્દમાં ઢાળવાનું.
તેઓ કહે છે કે,
‘નદી જેવી બિન્દાસ વહું છું,
હાં પણ… વળાંકોને અનુરૂપ થઈ જઉં છું.
ખેર…
આ તો એક ઝલક માત્ર છે. ખરી મજા તો એ છે કે, તમારી જ આંખોથી જોઈ લો એ વિશ્વને, મહેસુસ કરો એને તમારી જ સંવેદનાઓથી.
-મૌલિકા દેસાઈ