
Marriage anniversary

phoolchhab newspapaer > navrash ni pal column > 28-9-2016
શું અન્ય કોઇ રીતે એ સંભવી શકે ના ?
સાબિત થવાનું જીવિત ધક ધક કરી કરીને ?
-સંજુવાળા.
રાજન અને નીકી નેટ પર સર્ફીંગ કરી રહ્યાં હતા. આ દિવાળીમાં એમને દુબઈ ફરવા જવાનો પ્લાન હતો અને એ પણ એમના ફેવરીટ છ મિત્રોના ગ્રુપ સાથે. એ બધા સ્કુલકાળના મિત્રો હતાં.કોલેજકાળમાં બધા થોડાં વિખરાઈ ગયેલાં. ફેસબુક અને વોટસએપના કારણે એ લોકોનો સંપર્ક શક્ય બન્યો હતો. ત્રણ મહિના પહેલાં એક સન્ડે એ લોકો મળ્યા હતાં અને ત્યાં આ પ્રોગ્રામ બન્યો હતો. બાળપણની દોસ્તી એમાં ય સ્કુલની મૈત્રીના સંભારણા તો કાયમ હર્યા ભર્યા અને સુખદ જ હોય ! રાજન અને નીકીને વારે ઘડીએ એ દિવસોની યાદ આવતી હતી અને ખુશીથી રુંવાડાં ઉભા થઈ જતા હતા, આંખો બંધ થઈ જતી અને બંને ફ્રોક ને ચડ્ડી પહેરતા એ બાળપણની ગલીઓમાં ભૂલા પડી જતાં. ઇન શોર્ટ બન્ને ખુબ જ એક્સાઈટેડ હતાં.
દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં હતા અને ઘરની સાફસફાઈ શોપિંગ સાથે દિવસો પવનવેગે ઉડતાં હતાં. નીકી રહી ઘરરખ્ખુ સ્ત્રી. એને ઘરની સાફસફાઈ અને નાસ્તા બનાવવામાં જ પહેલો રસ. એ કારણે એને ઘરની બહારના કામોમાં અનિયમિતતા આવી જતી. અમુક શોપિંગ તો રાજને એકલાં જ પતાવવા પડ્યાં હતાં. પણ બે ય જણ આ રીતથી ટેવાઈ ગયા હતાં. રાજનના શોપિંગથી નીકીને કોઇ પ્રોબ્લેમ કે કોઇ કચકચ નહતી એથી રાજન પણ બિન્દાસ થઈને પોતાની સમજ મુજબ શોપિંગ કરી લાવતો. આમ ને આમ દિવાળીના દિવસો આવી ગયા અને રાજન – નીકી બેસતા વર્ષના દિવસે બધા સગા સંબંધીઓને મળીને બીજા દિવસે ઉડ્યાં દુબઈ જવા – પોતાના ચડ્ડી બડી સાથે.
લગભગ બાર દિવસ પછી રાજન અને નીકી ટ્રીપ પતાવીને ઘરે પાછા વળ્યાં ત્યારે એ નીકીનો મૂડ થોડો અલગ જ હતો. મિત્રો સાથે આનંદ લૂંટવાનું જેટલું એકસ્પેક્ટેશન હતું એનાથી અડધા ભાગનો સંતોષ પણ એને નહતો મળ્યો. આવું કેમ ? સોહિનીનો એટીટ્યુડ તો એને ખૂબ જ ખટકતો હતો. જાણે એ નવાઈની એક બિઝનેસ વુમન હતી ! આખો દિવસ બધા ઉપર ઓર્ડર છોડ્યાં કરતી અને જાણે આટલા બધામાં બધી જ જાતની સમજ એને એકલીને જ પડતી હોય એમ વર્તન કરતી. માન્યું કે એ નોલેજેબલ હતી, એને બિઝનેસ ટ્રીપના કારણે પોતાના કરતાં રખડવાનો વધુ એકસપીરીઅન્સ હતો. પણ એમાં શું નવાઈ ? એ બહાર ફરવામાં એકસપર્ટ હતી તો પોતે ઘર સાચવવામાં અને રસોઈકળામાં પાવરધી હતી. જે જેનું કામ એમાં આટલા વહેમ શું મારવાના ? રોજ ઉઠતાંની સાથે એની બકબક ચાલુ થઈ જાય. આજે આટલાં વાગ્યે આમ જવાનું , આમ ભેગાં થઈ જવાનું, ફલાણો રસ્તો પકડવાનો , ઢીંકણું વાહન ટ્રાન્સપોર્ટ માટે પકડવાનું…ઉફ્ફ. રોજ એના હુકમોની ધાણી ફૂટે. વળી ગ્રુપના બધા લોકો ય એનાથી અંજાઈ ગયેલા કે શું ? એ ચિબાવલી કહે એમ જ ચાલતાં હતાં. આમે નાનપણથી જ સોહિની થોડી ડોમિનેટીંગ હતી પણ એ સમય અલગ હતો. એ વખતની એની દાદાગીરીમાં એક ઇનોસન્સ અને દોસ્તીભાવ હતો આજના સમયે એ એક સમજુ ને અક્કલવાળી સ્ત્રી હતી. મનોમન ચાલતો રઘવાટ આખરે ઘરે પહોંચીને સોફા પર બેસીને પાણી પીતા જ રાજન સામે નીકળવા લાગ્યો.
‘રાજુ, તને આ સોહિનીની કચકચથી કંટાળો નહતો આવતો ?’
ને રાજન ચમક્યો. એને સોહિનીના વર્તનથી કોઇ જ પ્રોબ્લેમ નહતો થયો. એ એક સ્માર્ટ ને ઇન્ટેલીજન્ટ લેડી હતી જે દરેક પ્રકારની સ્થિતી ખૂબ સારી રીતે મેનેજ કરી લેતી હતી. પણ નીકીના મોઢા પરથી એવું લાગતું હતું કે એ એનાથી ખૂબ કંટાળી ગયેલી હતી એટલે સોહિનીનો પક્ષ લેવામાં સાર નહતો જ. ખૂબ જ સાચવીને રાજને શબ્દો ગોઠવ્યાં ને બોલ્યો,
‘નીકુ, આમ જોવા જઈએ તો સોહિની થોડી વધુ જ લાઉડ હતી. હું તારી સાથે એગ્રી છું.’
‘અરે, લાઉડ શું – એ તો રીતસરની બધા પર હુકમો જ કરતી હતી, અને ગ્રુપના બધા જ લોકો પણ એની વાતો ચૂપચાપ કોઇ જ આર્ગ્યુ કર્યા વિના સાંભળી લેતાં હતાં. નવાઈ તો મને એની લાગતી હતી કે કોઇ એને ચૂપ કરાવવા કે વિરોધ કરવાની તસ્દી સુધ્ધા નહતું લેતું.’
‘જોકે એની વાતોમાં વિરોધ કરવા જેવું તને શું લાગ્યું?’
રાજને હળ્વેથી પ્રશ્ન તરતો મૂક્યો.
‘અરે, જાણે નવીનવાઈની એ જ આખી દુનિયા ફરતી હોય એમ દરેક પ્રોગ્રામના અને એની પણ આગળના પ્રોગ્રામના શિડ્યુલ એ જ ગોઠવ્યે રાખતી હતી. આપણે તો જાણે એના ચિઠ્ઠીના ચાકર, એ બોલે ને આપણે પગ ઉપાડવાના. આપણી કોઇ ઇચ્છા કે સગવડ અગવડનું કોઇ મહત્વ જ નહીં ?’
‘જો નીકી, શાંત થા બકા ને એક વાત કહે, જમવા, ઘરની સજાવટ રીલેટેડ, રેસીપી કોઇ પણ વાત હોય ત્યારે તું કેવી આગળ થઈ થઈને તારા મત રજૂ કરતી હતી ને ? એ સમયે તને ખબર છે સોહિનીને તો કંઈ ગતાગમ જ ના પડતી હોય એમ ચૂપચાપ તારું મોઢું તાક્યા કરતી હતી.’
‘હા, એ વાત તો મેં પણ નોટીસ કરી હતી.’ ને નીકીનું વદન ગર્વથી ભરાઈ ગયું.
‘નીકી, હવે શાંતિથી સાંભળ. સોહિની રહી એક બિઝનેસ લેડી એટલે એને રોજેરોજ મેનેજમેન્ટ લેવલના માણસો સાથે પનારો પડે. એ મેનેજમેન્ટમાં કાચી પડે તો ધંધો જ ના થઈ શકે. રાઈટ ? તો મેનેજમેન્ટ એનું કામ છે. આપણે ફરવા જઈએ ત્યારે શક્ય એટલાં ઓછા ખરચા અને સમયમાં મેક્સીમમ જગ્યા જોઇ શકીએ અને એમાં કોઇ અડચણ ના પડે એ માટે પ્રોપર મેનેજમેન્ટ જરુરી થઈ પડે. વળી સોહિનીને કામના અર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે એથી એ ત્યાંથી ખાસી એવી પરિચીત પણ છે તો એ આ બધા પોઈન્ટ્સને લઈને આપણને હેલ્પ કરવાના આશયથી સૂચનો કરતી હતી અને બધા આ વાત જાણતાં હતાં એથી એની વાત પર વિશ્વાસ મૂકીને ચૂપચાપ ફોલો પણ કરતાં હતાં. આઈ થીન્ક એના સજેસન્સને લઈને આપણે કોઇ ખોટી પરેશાનીમાં તો નથી જ ફસાયા ને આખી ટ્રીપ શાંતિથી મેનેજ કરીને પતાવી શક્યાં એ વાત તો માને છે ને ? યાદ કર તું ઘર સાચવવામાં બહારના કામ મેનેજ નથી કરી શકતી એવું જ સોહિનીના કેસમાં હોય કે ઓફિસના કામમાં એક્સપર્ટ એવી એ ઘરના કામોમાં ‘ઢ’ હોય. દરેકે પોતપોતાની ચોઇસ મુજબની જીન્દગી જ સિલેક્ટ કરી હોય.’
‘હા, એ વાત તો છે રાજન.’
‘ તો પછી…સી..એ મેનેજમેન્ટ લેવલની વ્યક્તિ એટલે એને આજ સવારના પ્રોગ્રામથી માંડીને રાતના પ્રોગ્રામોના ટાઈમટેબલો બનાવીને જીવવાની આદત પડી ગઈ હોય અને એમાં એ સ્માર્ટ પણ થઈ ગઈ હોય. બહાર ફરવા જઈએ ત્યારે અનેક લોકો વચ્ચે આવા નાના નાના કારણૉને લઈને જ ઘર્ષણ થાય છે અને સંબંધો વણસી જાય છે એથી સૌથી પહેલાં તો વાતને સમજતા અને પછી થોડું ચલાવી લેતાં શીખવાનું ડીઅર. હું તો એટલું જ જાણું.’
‘હા રાજુ તારી વાત સાચી છે. એ મેનેજમેન્ટમાં ખાસી સ્માર્ટ છે એ વાત સ્વીકારતા મને અંદરખાને તકલીફ એક ઇર્ષ્યા જેવું થતું હતું પણ હવે એ નીકળી ગયું. થેન્ક્સ.’
‘ચાલ પગલી…હવે ફ્રેશ થઈને ચા પીએ.’
અને રાજને એના માથા પર હળવી ટપલી મારી દીધી.
અનબીટેબલ ઃ માનવી સરળ વાતોને અટપટી બનાવી દેવામાં માહેર છે.
સ્નેહા પટેલ
phoolchhab newspaper > navrash ni pal column > 1-10-2014
આ બધા તારા બળાપા વ્યર્થ છે,
કાચ જેવું પણ કશું તૂટ્યું નથી !
રાકેશ હાંસલિયા
‘કોયલ, તમારી કુંડલી તો અતિશ્રેષ્ઠ છે. તમારી સાસરી ખૂબ પૈસાવાળી હશે વળી તમે તમારા સાસુ -સસરાના લાડકા વહુ બનશો. બધા તમને હાથમાં ને હાથમાં રાખશે.’
‘ સાસુ સસરા તો ઠીક પણ મારા સપનાના રાજકુમાર વિશે પણ કંઈક કહો ને…એ કેવો હશે ?’ અને કોયલની કાજળમઢેલી આંખોમાં સપ્તરંગ વેરાઈ ગયા.
‘બેટા, તમારી કુંડળીના સપ્તમ ભાવમાં વૃષભ રાશિ સ્થિત છે એટલે તમને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થઇ શકે છે. આવી રાશિવાળાનો જીવનસાથી મધુરભાષી અને પત્નીની વાત ધીરજથી સાંભળીને એને માનવા વાળો હોય છે. ‘
અને નયનના સપ્તરંગમાંથી એક રંગ હળ્વેથી કોયલના લીસા ગોરા ગાલ પર ઢોળાઈ ગયો.
વીસવર્ષની ઉંચી કદકાઠી અને પતલો બાંધો ધરાવતી કોયલ અતિસુંદર અને સમજદારયુવતી હતી. સમજણી થઈ ત્યારથી એ પોતાના સપનાના રાજકુમાર અંગે જાતજાતના ખયાલીપુલાવો રાંધતી રહેતી. બાહ્ય દેખાવ અંગે થોડી બાંધ છોડ કરવા માટે કોયલ તૈયાર હતી પણ એક વાત એવી હતી કે જેમાં એની સહેજ પણ બાંધછોડ કરવાની તૈયારી નહતી . એ રાજકુમાર એની દરેક વાત ધીરજપૂર્વક સાંભળનારો, એને સમજનારો હોવો જોઇએ તો જ લગ્ન કરવા, આવો યુવાન ના મળે તો આખી જિંદગી કુંવારી રહેવાની ય એની તૈયારી હતી.
બે દિવસ અગાઉ સવારે એના મમ્મી ઉષાબેન સાથે બેસીને એમનું કબાટ સરખું કરતી હતી અને ત્યાં એમના કબાટના ડ્રોઅર ખેંચતા જ એના હાથમાં પોતાની જન્મકુંડળી આવી ગઈ હતી અને અત્યારે એ પંડિત જાણે એના મનની જ વાત બોલી રહ્યાં હતાં ને કોયલનું રૂંવેરૂંવું રોમાંચિત થઈ ગયું હતું.
થોડો સમય વ્યતીત થયો અને કોયલના મમ્મી પપ્પાએ યોગ્ય મુરતિયો ને ખાનદાન જોઇને કોયલને કવન સાથે પરણાવી દીધી. કોયલને પણ બે મહિનાની વીસ પચીસ મુલાકાત દરમ્યાન કવન પોતાના સપનાના રાજકુમારની પ્રતિકૃતિ જ લાગ્યો. સમયને વીતતા વાર નથી લાગતી અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા અને એમના ઘરમાં એક રુપાળી ઢીંગલીનો ઉમેરો થયો. કવનને પોતાની વધતી જવાબદારીઓનું પૂરું ધ્યાન હતું એ પણ કાળામાથાનો માનવી હતો આખરે ! બાપદાદાના વખતથી ચાલ્યા આવતાં ધંધામાં એ હવે ઉંડે ઉતરતો ચાલ્યો પરિણામે એમના લગ્નજીવનમાં સમયની ખેંચ અનુભવાવા લાગી. જો કે અટેન્શન ઓછું થયું હતું , પ્રેમ નહીં. પણ કોયલને તો એની આખી દુનિયા જ બદલાઈ ગયેલી લાગતી હતી. એનો સપનાનો રાજકુમાર હીન્દી પિકચરોના વિલનમાં પરિવર્તીત થઈ રહેલો અનુભવતી હતી. એની નાની નાની વાત સાંભળવાનું કવન માટે શક્ય નહતું. મહિનાના વીસ દિવસ જે બહારગામ હોય એની પાસેથી શું આશા રાખવી અને દિવસે દિવસે ઉદાસીનો અજગર કોયલને ભરડો લેવા લાગ્યો.એનું શરીર સાવ નંખાઈ ગયું, ચહેરાની ચમક ઓછી થવા લાગી, આંખો નીચે કુંડાળા થઈ ગયા, સદા હસતા રમતા રહેતા નાજુક સ્મિતે એના ગુલાબી હોઠથી જાણે નાતો તોડી કાઢેલો..કીટ્ટા કરી નાંખી હતી. કોયલનો આ ફેરફાર એના મમ્મી ઉષાબેનથી જોયો ના ગયો અને એમણે કોયલને શાંતિથી પૂછતાં જ કોયલ પોતાનો ઉભરો ઠાલવી બેઠી.
‘મમ્મી, કવન મને હવે પહેલાં જેવો પ્રેમ નથી કરતો.’
‘કેમ આવું બોલે બેટા ? મને તો કવનકુમાર હજુ એવા ને એવા ઉર્મિશીલ જ લાગે છે. ઉલ્ટાના પહેલાં કરતાં વધુ ઠરેલ ને સમજુ થયા છે. મારી તો આંખ ઠરે છે એમને જોઇને.’
‘મમ્મી, એમની પાસે મારી વાતો સાંભળવાનો સહેજ પણ સમય નથી.એ મને સહેજ પણ અટેન્શન જ નથી આપતાં. બે દિવસ પહેલાં જ એ બોમ્બે ગયેલાં. મેં ત્યાંથી ઢીંગલી માટે થોડા કપડાંનું શોપિંગ કરવા કહેલું તો ભૂલી ગયાં.બોલ, આવું થોડી ચાલે ?’
‘બેટા, આ તો નોર્મલ વાત છે. કવનકુમાર એક સાથે ચીન, યુકે, યુ એસ, ભારત એમ ચાર દેશમાં બિઝનેસ ફેલાવી રહ્યાં છે. કેટલી દોડાદોડ છે એ નથી જોતી તું ? વળી આ બધી મહેનત કોના માટે..તમારા લોકો માટે જ ને !’
‘મમ્મી તમારી વાત સાચી છે. પણ ધંધામાં પોતાની પત્નીની વાત સાંભળવાનો સમય જ ના રહે એ કેવી રીતે પોસાય ? બે રુપિયા ઓછા કમાશે તો ચાલશે પણ આમ મારાથી વાત કરવાનો સમય જ કપાતમાં જતો રહે એ ન ચાલે.લાખ વાતની એક વાત એ મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. પપ્પા હજુ આજની તારીખે પણ તમારી સાથે બેસીને કેટલી વાતો કરે છે, તમને કેટલા ધીરજપૂર્વક સાંભળે છે. ‘
‘મારી ભોળી દીકરી, તારી દરેક વાત સાંભળવાનો સમય એમની પાસે ના હોય એટલે એ તને પ્રેમ નથી કરતાં એવું અર્થઘટન થોડી કરાય ? જોકે પહેલાં તો ભૂલ મારી જ છે. તારા મનમાં જ્યારે તારા સપનાના રાજકુમાર વિશે રેખાચિત્ર દોરાતું હતું ત્યારે જ મારે તને રોકવાની હતી , સમજાવવાનું હતું કે , ‘બેટા, લગ્નજીવન એ તો બે આત્મા વચ્ચેનો જીવનભરનો સંબંધ કહેવાય.પ્રેમની કોઇ જ વ્યાખ્યાઓ ના હોય કે કોઇ પણ બે લગ્નજીવન પણ કદી સરખાં ના હોય એટલે એમાં કોઇની સાથે સરખામણી કરવી એ તો નર્યું ગાંડપણ જ.પ્રેમ એટલે તો નર્યો પ્રેમ જ .. આલેખી ન શકાય એવી લાગણી, જેમાં તમારે ભરપૂર વિશ્વાસ રેડવાનો હોય અને મનમાં ઉગી નીકળવા અપેક્ષાના જંગલમાં ધીરજ રાખીને દાવાનળથી બચાવવાનો હોય. કોઇ વ્યક્તિ તમને સાંભળે તો જ એને તમારા માટે પ્રેમ છે એવી વાત જ પાયાહીન છે. દરેક માનવીની પોતાની લિમિટેશન હોય જ એને સમજીને સહર્ષ સ્વીકારતા શીખવું એનું નામ પ્રેમ. કલ્પનાની અતિશયોક્તિ જ માનવીના લગ્નજીવનમાં ભંગાણ પડાવે છે. પ્રેમમાં પડવા માટે બહુ વિચારવાની જરુર નથી હોતી, ફક્ત એને ટકાવી રાખવા માટે થૉડા સહનશીલ થવાની જરુર હોય છે. બાકી કોઇ વ્યક્તિ તમારી અપેક્ષાની હદમાં પૂરાઈને તમને સાચો પ્રેમ કદી ના કરી શકે. પ્રેમ તો સ્વતંત્ર.અને વિશ્વાસથી સભર હોય તો જ સ્વસ્થ બને છે.’
અને કોયલ વિચારમાં પડી ગઈ. વાત એણે ધારી લીધી એવી તો સહેજ પણ નહતી. મમ્મી બરાબર કહી રહેલાં. કવન આજે પણ એનો ઘણો ખ્યાલ રાખે જ છે પણ એણે ખુદની અભિવ્યક્તિના વિશ્વમાંથી એ જોવા તરફ પ્રયાસ જ નહતો કર્યો.
અનબીટેબલ : જ્યાં સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.
Phoolchhab newspaper > navrash ni pal column > 17-09-2014
जलने के किस शौक में पतंगा,
चिरागो को जैसे, रातभर ढूंढता है !
अजीब फितरत है उस समंदर की,
जो टकराने के लिए, पत्थर ढूंढता है !
अज्ञात.
રચનાના વિશાળ અને વૈભવશાળી, પરદાથી સજાવાયેલ એરકન્ડિશન્ડ બેડરૂમમાં વાયરા, તડકા, આકાશ, રાત દિવસના તફાવત, ધૂળ,અસ્વછતાને કે કોઇ જ ઘોંઘાટ – ખલેલને દાખલ થવાની છૂટ ન હતી. અત્યાધુનિક સગવડો ધરાવતી આ ભવ્યકેદમાં છેલ્લાં અઠવાડિયાથી અસહ્ય લાચારી બળજબરીથી દાખલ થઈ ગઈ હતી. લાચારીથી કોસો દૂર રહીને ઉછરેલ રચનાને આજે જીવનનો આ નવો રંગ સહન નહતો થતો. ગૂંગળામણ હદ વટાવતી જતી હતી અને આંખમાં ચોમાસું બેસું બેસું થઈ રહ્યું હતું. મગજ ડાયવર્ટ કરવા છેવટે રચનાએ ટીવી ચાલુ કર્યું.
ટીવીમાં ચેનલો ફેરવતા ફેરવતા રચનાની નજર એક ચેનલ પર ચોંટી ગઈ અને જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હોય એમ સ્થિર થઈને એ પ્રોગ્રામ જોવા લાગી.ટીવીના સ્ક્રીન પર ખોડાયેલી આંખોથી જોવાતા કાર્યક્રમનો એક એક અક્ષર એના જ દિલની હાલત બયાન કરતું હતું. આજની અતિઆધુનિક – સ્વછંદ પેઢીની અને એમની પાસે લાચાર એવા એમના પેરેન્ટસની.
સત્તર અઢાર વર્ષની યુવતી એના મા – બાપને પોતે એની સાથે ભણતા મિત્ર સાથે ‘લીવ ઇન રીલેશનશીપ’માં રહેવા જવાની વાત કરતી હતી. મિત્ર પૈસાવાળો હતો અને પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. કારણ એક જ કે, બંનેને હજુ આગળ ભણવું હતું ને કેરિયર બનાવવી હતી એટલે પરણવાની ઉતાવળ કે બચ્ચા કચ્ચાની ઝંઝટમાં નહતું પડવું.
અને માંડ માંડ દબાવી રાખેલ રચાનાના આંસુ ધોધમાર વરસી પડયાં.
‘રે એની એકની એક વ્હાલુડી, એની મીઠડી ઢીંગલી ત્વિશા…હજુ તો હમણાં જ જે પા પા પગલી કરતાં શીખી હતી. બા..બા..મા..મા..બોલતા શીખી હતી અને જોતજોતામાં વીસ વર્ષની થઈ ગઈ ખ્યાલ જ ના રહયો અને આજે એ એક છોકરા સાથે લીવ ઇન રીલેશનશીપ…છી..છી…આવો વિચાર પણ કેમ આવતો હશે આ લોકોને ?’
ત્યાં જ ધૈવત – એના પતિએ રુમમાં પ્રવેશ કર્યો. ધૈવત પણ ત્વિશાના આકરા નિર્ણયથી પરેશાન હતો. પણ ત્વિશાની જીદ સામે એની કે રચનાની એક પણ ના ચાલી. ત્વિશુ નાનપણથી જ એવી હતી – ધાર્યુ કરીને જ જપે. જોકે ત્વિશા સ્માર્ટ અને મજબૂત મનોબળવાળી હતી. એના નિર્ણયોની જવાબદારી પોતાના માથે લઈને એને સહન કરી લેવાની તાકાત પણ ધરાવતી હતી. પણ આ તો આખા જીવનની – આબરુની વાત હતી. એમાં કોઇ ચાન્સ કે તકને સ્થાન ના હોય. સમજી વિચારીને એક જ વાર નિર્ણય લઈ લેવાનો હોય. પણ વાત સમજવા તૈયાર હોય એને કોઇ સમજાવે ને ! ત્વિશા તો એનો નિર્ણય કહીને એમને એક અઠવાડીઆની મુદ્દત આપીને બેસી ગઈ હતી. આજે ત્વિશાને જવાબ આપવાનો છેલ્લો દિવસ હતો. વળી વન-વે રસ્તાની જેમ પ્રત્યુત્તરમાં ‘ના’ ને તો કોઇ સ્થાન જ નહતું. દિલ કાઠું કરીને ધૈવતે રચનાની સાથે વાત ચાલુ કરી.
‘રચુ, આ આજની પેઢી પ્રમાણમાં પ્રામાણિક તો ખરી કેમ ?’
આગ વરસાવતી નજરે રચનાએ ધૈવત સામે જોયું અને ધૈવતે એને અનદેખી કરીને વાત આગળ ધપાવી.
‘જો ને રચુ, તને તો મારા મમ્મી પપ્પા એમની લવસ્ટોરી આખો દિવસ સંભળાવે છે, તને તો ખબર જ છે ને કે એમણે ભાગીને પ્રેમલગ્ન કરેલા ત્યારે સમાજમાં કેવી હોહા થઈ ગઈ હતી…એ પછી આપણે પ્રેમલગ્ન કર્યા ત્યારે એ વાત સામાન્ય થઈ ગઈ હતી. બે ય પક્ષના વડીલોએ તપાસ કરીને પાત્ર યોગ્ય લાગતા આપણને પરણાવી દીધા હતાં. એમને ખબર જ હતી કે એ લોકો ના પાડશે તો ય આપણે તો પરણવાના જ. એમણે ‘હા’ પાડ્યા વગર છૂટકો જ નહતો. ‘
‘ધૈવત, તું કોની સાથે કોને કમ્પેર કરે છે એ તો જાણે છે ને ? આપણે પરણવા માટે બળવો પોકાર્યો હતો. જ્યારે આપણી લાડલી તો એમાં ય એકસપરીમેન્ટ કરવાની છૂટ માંગે છે. લગ્ન જેવા સંબંધોમાં ય ‘ટ્રાયલ એન્ડ એરર’ થોડી હોય ?’
‘રચના, તને ખ્યાલ છે આપણે ત્વિશાના લગ્ન માટે વિચારતા ત્યારે આપણા થનારા જમાઈની જન્મકુંડળીના બદલે આપણે એની હેલ્થકુંડળી જોવા પર વધુ ફોકસ કરવાનું વિચારતા હતાં.’
‘હા ધૈવત, આજકાલ એઈડ્સ ને બધા જાતજાતના રોગો અસ્તિત્વમાં આવ્યાં છે એટલે થનારા જમાઈની સ્વસ્થતા વિશે થૉડા સજાગ રહેવું જ પડે ને.’
‘તો રચુ, આ પેઢી આપણાંથી ય થોડું આગળ વિચારે છે. એક બે મુલાકાતોમાં મુરતિયો નક્કી કરીને નાની ઉંમરમાં પરણી જવું કે નાની ઉંમરે થયેલ આકર્ષણ એ ખરેખર પ્રેમ છે કે નહીં એ બાબતમાં શ્યોર થવા માંગે છે. આપણે તો પરણ્યાં પછી એક બીજાને સમજતા થઈએ ત્યાં સુધીમાં તો છોકરાંય થઈ જતાં એટલે એના ભાવિ માટે ય મને કે કમને આપણી સંસ્કૃતિ આપણને પડ્યું પાનું નિભાવી લેવાનું રહેતું. જ્યારે આજકાલના છોકરાંઓને પોતાની કેરિયર બનાવવામાં, પોતાના પગ પર ઉભા રહેવામાં વધુ રસ છે. કેરિયરના રસ્તામાં લગ્ન આડે આવે છે. પણ વધતી ઉંમર અને શરીરની માંગ સામે એ લોકોએ પોતાની સમજ મુજબ જ આ ‘લીવ ઇન રીલેશનશીપ’નો રસ્તો કાઢયો છે. પરણ્યાં પહેલાં બે ય એકબીજાને બરાબર રીતે જાણી સમજી લેવા માંગે છે જેથી લગ્ન પછી પસ્તાવાનો કે રોદણાં રડવાનો વારો ના આવે. લગ્ન કરી લીધા પછી તેઓ સંપૂર્ણ રીતે એકબીજાને પ્રામાણિક થઈને રહેવાની ઇચ્છા ધરાવે છે. આપણી આજુબાજુ જીવાતા સેંકડો અણસમજુ લગ્નજીવનમાં લગ્ન પછીના લફરાંઓની ઘટનાથી તું ક્યાં અજાણ છે ? એવી છેતરપીંડી કરતાં ખુલ્લેઆમ પોતાના વિચારો જાહેર કરીને મનગમતા વ્યક્તિ સાથે રહેવાની ઇચ્છા ધરાવનારા લોકો વધુ પ્રામાણિક એવું તને નથી લાગતું ?’
‘ધૈવત, તું આમ વાતો ના કર, ત્વિશાનો પક્ષ ના લે. જે ખોટું છે એ છે…છે ને છે જ…’
‘હા રચુ, એમનો નિર્ણય ખોટો તો છે જ. લગ્ન પહેલાં આવી છૂટછાટો લેવી એ સહેજ પણ યોગ્ય નથી અને મારું દિલ કે સંસ્કાર સહેજ પણ નથી માનતાં. આશા રાખીએ કે એનો કોઇ વચ્ચેનો રસ્તો નીકળે. પણ આ પેઢીની એક વાત બહુ ગમી કે એ અપ્રામાણિક સહેજ પણ નથી. આ પેઢી પોતે પડવા માંગે છે ને પછી જાતે ઉભી થવામાં માને છે. એમને ભૂલો કરીને એમાંથી શીખવું છે. બહુ મજબૂત અને સમજુ છે આ લોકો. વળી આપણી ‘હા’ કે ‘ના’થી એમને કોઇ જ ફર્ક નથી પડવાનો. આપણી જેમ ઇમોશનલ ફૂલ્સ પણ નથી એ. તો પછી આપણી પાસે કોઇ ઓપ્શન જ ક્યાં છે…પડવા દે એને…અને જ્યારે જાતે ઉભી ના થઈ શકે ને આપણી મદદ માંગે ત્યારે આપણો ટેકો દઈ દેવાનો. બાકી આ આઝાદ પંછીઓ આપણા પાંજરામાં પૂરાવાથી રહ્યાં. એમને એમના આકાશમાં ઉડવા દે ઉદાર મને શકયતાની એક તક આપ એમને . બની શકે એની જાતે પોતાની સાચી મંઝિલ શોધી પણ લે..આમ જીવ ના બાળ.’
‘હા ધૈવત, તારી વાત સાચી છે. પંખીને આત્મવિશ્વાસી ને આત્મનિર્ભર બનાવવા એને જાતે જ ઉડવા દેવું પડે. આપણે બહુ બહુ તો રાહ ચીંધી શકીએ પણ ઉડવાનું તો એમણે જાતે જ હોય છે.’
અનબીટેબલ : માનવી સુખી થવાના પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર સુખી થઈ જાય છે.
phoolchhab newspaper > navrash ni pal column > 27-08-2014
हीरेकी शफक् है तो अंधेरेमें चमक,
धूपमें आके तो शीशे भी चमक जाते है !
-अज्ञात.
છેલ્લાં સાત દિવસથી એકધારો વરસી રહેલો વરસાદ આજે પોરો ખાઈ રહયો હતો. એના વાદળિયા વાતાવરણના સામ્રાજ્યનો એકહથ્થુ ઘેરો તોડીને આજે સૂરજના કિરણો પોતાનો અજવાશ રેલાવી રહયા હતાં. લાંબા અંતરાલ પછી મળેલ રશિમિકિરણોનો વૈભવ માણવા આખું ય વાતાવરણ હવાઈ ગયેલી આળસ ખંખેરીને સ્ફૂર્તિ ભેગી કરવામાં મગ્ન થઈ ગયેલું. પ્રકૃતિએ ખુલ્લી મૂકી દીધેલ હથેળીમાં ‘હાશકારા’ની હસ્તરેખા વાંચતી સુરમ્યાએ બટેટા પૌંઆમાં લીંબુ નીચોવ્યું અને એમાં ચમચી મૂકી. કાચના ગ્લાસમાં હૂંફાળું દૂધ રેડીને એક ચમચી ખાંડ નાંખીને દૂધ હલાવતી હલાવતી ડાઇનીંગ ટેબલ સુધી પહોંચી ને વિવાનને બૂમ પાડી,
‘વિવુ, જલ્દી આવ બેટા, નાસ્તો ઠંડો થાય છે.’
એની નવાઈ વચ્ચે સામે પક્ષેથી કોઇ જ જવાબ ના મળ્યો. કદાચ બાથરુમમાં હશે તો અવાજ નહીં સાંભળ્યો હોય એમ વિચારી સુરમ્યાએ વિવાનના રુમમાં ઇન્ટરકોમ કર્યો. વિવાને તરત ફોન ઉપાડ્યો,
‘હા મમ્મા, બોલ.’
‘અરે બેટા દૂધ નાસ્તો કરી લે..કેટલું મોડું થઈ ગયું છે જો સાડા નવ થઈ ગયા.’
‘મમ્મી, મૂડ નથી.’ ટૂંકાણમાં આવેલ નકારાત્મક જવાબ અને એમાં છુપાયેલ વ્યથા એક મા ના દિલને તરત ઓળખાઈ ગઈ અને સુરમ્યા તરત વિવાનના બેડરુમમાં ગઈ.
‘શું થયું બેટા, કેમ આજે આવો ‘ડલ ડલ’ છું ?’ અને વિવાનના સીધા લીસા કાળા કપાળ પર ધસી આવેલ વાળમાં આંગળી પરોવીને સુરમ્યાએ કપાળ પર સરખા ગોઠવ્યાં.
‘મમ્મી, તું તો જાણે છે ને કે હું છેલ્લા ચાર મહિનાથી આ ‘કેન્ડી ક્રશ’ ગેમ રમું છું. એ મારી ફેવરીટ ટાઇમપાસ ગેમ છે અને એમાં બહુ જ મહેનત કરી કરીને હું માંડ માંડ ૩૫૦માં લેવલ પહોંચ્યો હતો પણ છેલ્લા અઠવાડીએ મેં એક એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી તો એમાં કોઇ વાઈરસ આવી ગયેલો ને ફોન વારંવાર હેન્ગ થઈ જતો હતો એટલે મારે મારો મોબાઈલ ‘ફેકટરી રીસેટ’ કરવો પડ્યો અને એમાં મારી આ ગેમ નીકળી ગઈ. આખા દિવસના વાંચન વચ્ચે થોડો સમય ફ્રેશ થવામાં મને આ ગેમ બહુ જ મદદરુપ થતી હતી પણ હવે એ મારે ફરીથી નાંખવી પડશે ને એક ડે એક થી ફરીથી રમવાની ચાલુ કરવી પડશે. બસ આના લીધે મારો મૂડ ડાઉન થઈ ગયો છે .’
સુરમ્યા પોતાના દસ વર્ષના લાડકાનું ભોળું ભાળું મુખડું બે પળ તાકી રહી ને બીજી જ પળે એ ખુલ્લા મનથી હસી પડી- પ્રકૃતિની ખુલ્લી હથેળી જેવું !
‘પાગલ છોકરા, આજથી લગભગ બે વર્ષ પહેલાં મારા લગભગ ૨,૦૦૦ જેટલાં ફોટા કોમ્પ્યુટર ફોરમેટ કરાવવું પડ્યું એમાં ઉડી ગયા હતા અને કોઇ જ રીતે રીકવર નહતાં થઈ શક્યા.’
‘હા મમ્મી, તમારા લગભગ ચાર પાંચ ફંકશનના વીડિઓ ને ફોટાની યાદગીરી હતી મને બરાબર યાદ છે. તમને બહુ દુઃખ થયેલું ને ?’
‘સાચું કહું વિવાન તો હા, બહુ દુઃખ થયેલું.પણ એ તો ક્ષણિક જ …મેં એ દુઃખમાં ખાવા પીવાનું વિસારે નહતું પાડ્યું. એ હતાશા પર મારી બીજી અનેકો પ્રસન્નતાનો અભિષેક કરી દીધેલો. ટેકનોલોજીના અમુક ફાયદા છે તો એના ગેરફાયદા પણ સ્વીકારવા જ રહ્યાં. વળી એ તો મારો ભૂતકાળ થઈ ગયો હજુ તો મારી સામે આખું ભવિષ્ય પડ્યું છે જેમાં કેટકેટલાં પ્રસંગો આવશે ને કેટકેટલી મીઠીમધુરી યાદોના સંભારણાના ફોટા – વીડિઓ લઈશું. મને ખબર છે કે તું આખા દિવસમાં માંડ કલાક જ ગેમ રમે છે પૂરતા કંટ્રોલ સાથે મોબાઈલ વાપરે છે અને મને તારી પર ગર્વ પણ છે. જે થઈ ગયું એ ‘નહતું’ તો નથી જ થઈ શકવાનું તો પછી શું કામ એની પાછળ આટઆટલા ઉધામા કરવા ? એના બદલે એને સહજ રીતે સ્વીકારી લે..ફરીથી ગેમ ચાલુ કરજે. વળી એ ગેમ તો તું ફકત ટાઈમપાસ માટે જ રમતો હતો ને, તારે ક્યાં કોઇને બતાવવાનું કે પારિતોષક મેળવવાનું હતું…કશું ગુમાવ્યું નથી બેટા તેં…ઉલ્ટાનું ફરીથી રમવામાં તને ગેમની સ્ટ્રેટેજી ખ્યાલ આવી ગઈ હશે તો વધુ મજા આવશે અને ના જ મજા આવે તો બીજી ગેમ ડાઉનલોડ કરી લે પણ ટેકનોલોજીને તારા ઇમોશન્સ પર ક્યારેય હાવી ના થવા દઈશ. એ માત્ર આપણી સવલતો વધારવા માટે જ વપરાય પણ એનાથી ડીપ્રેશન્સ આવે તો વેળાસરતા ચેતી જવું જોઇએ એમાં જ ભલાઈ. ‘
અને વિવાનની માંજરી પાણીદાર આંખોમાં બેડરુમની બારીમાંથી ચળાઈને આવતા તડકાનું પ્રતિબીંબ પડ્યું ને એની નજરમાં ચમકારો થઈ ગયો. હતાશા ખંખેરીને તરત જ એ ઉભો થઈ ગયો ને ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયો ને બોલ્યો,
‘મમ્મી, બટેટા પૌંઆમાંથી લીંબુની સ્મેલ ઉડી ગઈ છે મને તાજું લીંબુ નીચોવી આપને પ્લીઝ !’
સુરમ્યા પોતાના લાડકવાયાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન કરીને રસોડામાં લીંબુ લેવા ગઈ.
અનબીટેબલ : ધસમસતા નીરમાં સમજણના શઢને મજબૂતાઈથી પકડીને ઇચ્છિત દિશામાં વાળવાનો પુરુષાર્થ કરવાથી જ પ્રચંડ નીરની શક્તિનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.
Phoolchhab newspaper > 19-06-2014 > Navrash ni pal column
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું,મહા હેતવાળી દયાળી જ મા તું !
પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી .
પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું !
-દલપતરામ
શીયાનું અત્યાધુનિક ઘર અત્યારે ૪૬ ડીગ્રીની ગરમીમાં એસીની ઘરઘરાટીથી ગૂંજી રહ્યું હતું. શીયાને એના ઘરમાં સિમ્પલ પણ રીચ લૂક જોઇતો હતો. એણે એના ઘરમાં માર્બલ અને વુડની મદદથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બીનેશનથી પોતાની આ ઇચ્છા સંતોષજનક રીતે પૂર્ણ કરી હતી. એના ઈન્ટીરીઅર ડેકોરેટરે ઘરમાં માર્બલની સિમ્પલીસીટી સાથે વુડન પેનલિંગથી રીચ લૂક આપ્યો હતો. સાદગીની સફેદાઈ અને વુડનનો બ્રાઉન કલર આખા ઘરને એક અલગ જ ચાર્મ આપતું હતું. શીયાને વાંચનનો ખૂબ શોખ હતો. ચોરસ કે લંબ ચોરસ ફ્રેમના બદલે જગ્યા અનુસાર બુકસના પેઇન્ટીંગ કટીંગ કરીને લગાવેલાં. ઘર અદભુત રીતે સુંદર અને સૌમ્ય લાગતું હતું.
શીયા સ્વભાવે પણ એવી જ હતી. પહેરવેશ, બોલ ચાલમાં અત્યાધુનિક પણ ભારતીય સ્ત્રીની મર્યાદા, સંકોચશીલ સ્વભાવ, નાજુકાઈ એનામાં ભારોભાર ભરેલી હતી. ટીવીનું રીમોટ હાથમાં લઈને હજુ તો એ પોતાનો મનપસંદ પ્રોગ્રામ જોતી હતી અને એના ટીનેજરી દીકરા આશિષે આવીને ફ..ટ…ટા..ક દઈને ચેનલ બદલી કાઢી. નોર્મલી તો શીયા આશિષને બહુ ટોકતી નહીં. બને ત્યાં સુધી એ ધીરજ રાખી અને આશિષને સોફ્ટ રીતે પોતાની વાત સમજાવતી પણ આજે એ બહુ કંટાળેલી હતી અને એને માઈન્ડ ડાયવર્ટ કરવા થોડી વાર ટીવી જોવું હતું. ધારત તો એ પોતાના બેડરુમમાં પણ ટીવી જોઇ શકત, મોબાઈલમાં ગેમ પણ રમી શકત, લેપટોપમાં મનપસંદ સાઈટ્સ સર્ફ કરી શકત, વીડીઓસ જોઇ શકત….પણ ના, આશિષે જે વ્યવહાર કર્યો એ શીયાને થોડો ઇન્સલટીંગ લાગ્યો.
‘આશુ, આ શું ? આમ બ્લન્ટલી ચેનલ કેમ બદલી કાઢી ? મારે ડીસ્કવરીનો આ પ્રોગ્રામ જોવો છે. રીમોટ લાવ.’
‘હે ય..ચીલ મોમ. આ શું પ્રાણીઓ અને કુદરતની વાતો જોયા કરો છે ? મારી ડબ્લ્યુ ડબ્લ્યુ એફની મેચ આવે છે એ જોવા દો.’
‘આશુ, મમ્મી સાથે વાત કરવાની આ રીત છે ? અમે તમારી ઉંમરના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા સામે એક અક્ષર પણ ઉંચા અવાજે નહતાં બોલી શકતાં. અમે તમને ફ્રીડમ -સ્પેસ આપીએ એનો મતલબ એમ નહીં કે તમારે મનમાની કરતાં શીખવાનું’
‘મોમ પ્લીઝ, તમારો જમાનો અલગ હતો અને આ અલગ છે. આવી જૂનવાણી વાતો થકી આપણી બે ય પેઢી વચ્ચેનું અંતર ઘટાડવાના બદલે તમે વધારો છો. અત્યારે તો મા બાપ પોતાના સંતાનોના મિત્ર બનીને રહે છે જ્યારે તમે આ નક્કામી વાતો…હુમ્મ્મ..’ આશિષે નારાજગીનો એક સૂર કાઢ્યો.
‘આશિષ, તું સૌપ્રથમ મારું સંતાન છે એ પછી મિત્ર…અમારા જમાનામાં તો…’
‘મોમ પ્લીઝ…અમારા જમાનામાં તો આમ ને તેમ ના કર્યા કરો. તમારો જમાનો આટલો એડવાન્સ નહતો તો અમારો પ્રોબ્લેમ નથી. આમ નાની નાની વાતોને મોટું સ્વરુપ ના આપો. જમાનાની સાથે બદલાતા શીખો.’
અને આઘાતની મારી શીયા બે પળ સૂન્ન થઈ ગઈ. દીકરાને મિત્ર માન્યો હતો પણ એથી દીકરો થોડો મટી જતો હતો. જ્યાં જરુર પડે ત્યાં સલાહ તો આપવી જ પડે અને આશિષે એ સલાહનું માન રાખતાં શીખવું જ જોઇએ. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઇએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ?
‘આશિષ, પરિવર્તન ઇચ્છનીય છે બેટા પણ દરેક પરિવર્તન સારા જ હોય એવું જરુરી નથી. પરિવર્તનના નામે આંધળૂકીયા ના કરાય. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક સુંદર વાતો છે, રિવાજો છે જેનાથી આપણે ઉજળિયાત છીએ. પરિવર્તનના નામે એ બધા સામે આંખ આડા કાન કરીને મનસ્વી વર્તન કરવું એ સહેજ પણ હિતાવહ નથી. નવા અને જૂના જમાનામાંથી જે સારી વાતો હોય એટલી વીણી લેવાની અને બાકીની વાતો ઘઉંના કાંકરાની જેમ જીવનમાંથી ફેંકી દેવાની. ગમે એટલો તેજીલો ઘોડો હોય પણ એના મોઢામાં નકેલ જોવા મળશે જ. બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઇ્ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જ…’
અને શીયાની આંખમાં આંસુ ધસી આવ્યાં , આગળ કશું ના બોલી શકી.
મા ની આંખમાં આંસુ જોઇને આશિષ પીગળી ગયો આખરે એનામાં પણ ઉંડે ઉંડે શીયા જેવી મમતાળુ મા ના અંશ ધબકતા હતાં.’સોરી મમ્મા’ બોલીને આગળ વધીને એણે શીયાને પોતાની બાહુમાં સમાવી લીધી.
અનબીટેબલ : પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.
phoolchhab newspaper > navrash ni pal column > 4-06-2014
रेत से बुत ना बना ए मेरे अच्छे फनकार,
एक लम्हे को ठहर मैं तुझे प्थ्थर ला दूं .
-अहेमद नदीम क़समी
શ્વેતા લેપટોપમાં માથું નાંખીને એનો લેખ લખતી હતી. આજે શનિવાર થઈ ગયો ઉફ્ફ..લેખ તો એણે ગુરુવાર સુધીમાં પહોંચાડી દેવાનો હતો પણ લગ્નની આ સિઝનમાં એના બધા શિડ્યુલ ડીસ્ટર્બ થઈ ગયા હતાં. કાયમ રેગ્યુલર લેખ આપતી હોવાથી એડીટરને પણ એની પર પૂરો ભરોસો હોય એ સ્વાભાવિક છે. એ નિયમિતતાની શરમે એ પણ લેખની માંગ નહતો કરતો. શ્વેતા જેવી કુશળ અને લોકપ્રિય લેખિકા ઉપર પૂરો વિશ્વાસ હતો. વિશ્વાસનો ભાર બહુ વજનદાર હોય છે. શ્વેતાએ નકામા વિચારોને બળપૂર્વક ધક્કો માર્યો અને પોતાના સબજેક્ટ પર ફોકસ કર્યું. મસ્ત મજાની સ્પીડ પકડાઈ અને એનો ફોન રણક્યો.
ઓહ, આજે ફોન સાઈલન્ટ કરવાનો જ ભૂલી ગઈ..વિચારતાં વિચારતાં શ્વેતાએ ફોનમાં નામ જોયું તો એની નવી નવી બનેલી નેટની બહેનપણી અને કવિતાઓ લખવાનો પ્રયત્ન કરતી રાધા દવેનો ફોન હતો. ઓહ, હવે લખવાની લિંક તૂટી જ છે તો ચાલ આની સાથે વાત કરી જ લેવા દે, લાગણીશીલ છોકરી છે આમે…
‘હલો…બોલો બોલો રાધાબેન. અમારું શું કામ પડ્યું ?’
‘શ્વેતાબેન, સાચે જ આજે તમારું કામ છે. ફેસબુક્માં એક છોકરી છે – કાજર. છે છોકરી પણ દેખાવ છોકરા જેવો જ છે. એ આપણાં મ્યુચ્યુઅલ ફેન્ડલિસ્ટમાં જ છે. તમે કદાચ ઓળખતા હો તો’
‘હા રાધા, હું એને પર્સનલી ઓળખું છું, ફેસબુક નહીં પણ છેક ઓરકુટના સમયથી. બોલો..શું જાણવું છે ?’
‘કંઈ ખાસ તો નહી પણ એનું મારી સાથેનું વર્તન કંઈક વિચિત્ર છે એટલે મને થયું તમને એના વિશે પૂછીને માહિતી મેળવું, હેલ્પ કરશો મને પ્લીઝ.’
અને તેજતર્રાર શ્વેતા આખીય ઘટનાનો તાગ પામી ગઈ.
‘જો રાધા – સીધી ને સટ વાત કહું તો કાજર પહેલેથી આવી જ છોકરી (!) છે. એને છોકરાંઓની જેમ રહેવાનો, વર્તવાનો, નેટ ઉપર સંવેદનશીલ કવિતાઓ લખતી કવિયત્રીઓ સાથે ઘરોબો કેળવવાનો તેમ જ અનેકો ગર્લફ્રેન્ડ રાખીને ફરવાનો, ફોટો પડાવવાનો શોખ છે. એ કાયમ મારા ઘરે આવવાના બહાના જ શોધતી રહેતી હતી. વળી જ્યારે હોય ત્યારે એને મારા પતિની ઇર્ષ્યા થાય છે અને એને મારાથી પ્રેમ થઈ ગયો છે જેવું અષ્ટમ પષ્ટમ બબડયાં કરતી. મને એની એવી વાતો સાંભળવાનો સહેજ પણ રસ ના હોવાથી એની એ માનસિકતા એને મુબારક કરીને બે હાથ જોડીને એને પ્રેમસહ મારા લિસ્ટમાંથી વિદાય આપેલી. હવે આટલામાં જ તું બધું સમજી જા. મેં તો હું જે જાણતી હતી એ તને બધું કહ્યું પછી તારી મરજી. જોકે આમ બીજો કોઇ ત્રાસ નથી એનો પણ મારી પાસે એવો ટાઇમપાસ માટેનો સમય નથી અને એવો ફાલતૂ વાતોનો રસ પણ નથી. બાકી આ તો નેટ છે, અહીં હજ્જ્જારોની સંખ્યામાં સાયકીકો ફરે રાખે છે, કેટલાં વિશે વિચારવા બેસવાનું ?’
‘ઓહ, મને એવું જ લાગતું હતું શ્વેતા..એ મારા અને આપણી બીજી મિત્ર રુપલ જે સારી કવિતાઓ લખે છે એના પણ ઘરે…એનીવેસ જવા દે એ બધું, સારું થયું તમે મને બધું જણાવ્યું. આપણે પરણેલાં – ઘરસંસારવાળા વ્યક્તિઓ, આવી જંજાળમાં કોણ ફસાય …આ તો કોક દિવસ આપણને બદનામ કરી મૂકે. આપણને આવી હલ્કી પબ્લીસીટી ના પોસાય..આભાર બેન.’
અને રાધાએ ફોન મૂક્યો. અડધો કલાક ચાલેલા ફોનથી શ્વેતાનું મગજ થોડું ડીસ્ટર્બ થઈ ગયેલું જેમ તેમ કરીને એ લેખ લખવા પાછી બેસી ગઈ.
થોડાં જ દિવસમાં ફેસબુક પર રાધા, રુપલ અને કાજરના વિવિધ સ્થળોની મુલાકાતના ફોટા અપલોડ થવા લાગ્યાં. ફોટાની નીચે ગાઢ સખીઓના પ્રેમાલાપો છ્લકાવા લાગ્યાં. કાજર એમની દરેકે દરેક પોસ્ટ નીચે લાઈક, કોમેન્ટસ કરતી, શેરીંગ કરતી..ઠેર ઠેર એમની વાહ વાહ કરતી ફરતી.સસ્તી પબ્લીસીટી અને ઝડપથી આગળ વધવાના આ રસ્તાઓ..ઉફ્ફ્ફ…શ્વેતા જેવી સ્ટ્રેઈટ ફોરવર્ડ અને સંવેદનશીલ લેખિકાને બે પળ માટે આઘાત લાગ્યો. કાજરની અનેકો ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ સુધ્ધાંના દુઃખી ચહેરાઓ એની નજર સમક્ષ તરવરવા લાગ્યાં. ઓહ, તો આ બે બીજી બે માસૂમ સ્ત્રીઓ પણ….અને શ્વેતાથી આગળ કશું વિચારી જ ના શકાયું. રાધા અને રુપલ એમના ફિલ્ડમાં આગળ વધવા માટે નેતનો ,નેટના લોકો સાથે સંબંધ બનાવતા હતાં એ વાતની એને ખબર હતી અને એ કંઈ ખોટું પણ નહતું પણ એ માટે છે…ક આ કક્ષા સુધી..! એ સામેથી તો રાધાને સલાહ આપવા ગઈ નહતી. રાધાએ પૂછ્યું એટલે એણે સહ્રદયતાથી સખી માનીને એક સ્ત્રીને નેટના દૂષણોથી દૂર રાખવાનો એક પ્રયત્ન કરેલો હતો પણ આ તો…
‘કોઇ પૂછે તો જ આપણો મત આપવાનો’ એ જૂની કહેવત યાદ આવી ગઈ . વળી રાધા પણ એની નવી નવી જ સખી બનેલી ને..પોતે એના નેટપ્રવેશના ઇરાદાઓ ક્યાં જાણતી હતી ? બની શકે કે એ આ જ હેતુસર અહીં આવી હોય…ઝડપી પ્રસિધ્ધિ મેળવી લેવાની લ્હાયમાં વપરાતા આ નેટના જમાનામાં કોઇ કહેવતો સાચી નથી પડતી. દરેક માનવીએ એક નવી કહેવત જન્મ લે છે , નેટ વાપરવું હોય તો આવી બધી વિચિત્રતાઓથી ટેવાતાં શીખી જવાનું એ જ અંતિમ ઉપાય – ભગવાન સહુને સદબુધ્ધિ આપે ને નેટની ભ્રામિક લાગણીઓની દુનિયાથી બચાવે , સહુનું કલ્યાણ થાઓ..વિચારતા શ્વેતાએ લેપટોપ બંધ કર્યું.
અનબીટેબલ : ઘટનાજળને જે રીતે સ્પર્શાય એ રીતે જ એમાં વમળો ઉપસે છે
-સ્નેહા પટેલ
http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx
phoolchhab paper > navrash ni pal column > 23-1-2013
https://akshitarak.wordpress.com/2013/01/18/experiment-1/
part -2
આભમય અવકાશની ગહેરાઈમાં બોળું કલમ!
કે અગોચરનો અરથ અથથી ઈતિ પ્રગટો હવે.
-લલિત ત્રિવેદી.
અજાણતાં જ ગુનાની ગલીઓમાં ભુલી પડી ગયેલી ઝાંઝરી સતત ‘ગિલ્ટી’ ફીલ કરતી હતી. અસીમને મક્ક્મતાથી પોતાના જીવનમાંથી, મનમાંથી કાઢી મૂક્યા પછી રણકારનો સામનો કરવામાં હિચકિચાતી ઝાંઝરી હવે એક અજબ હળવાશનો અનુભવ કરતી હતી. એણે બધું ભૂલીને ફરીથી રણકારની વધુ નજીક જવાનું ચાલુ કર્યું અને પોતાના મગજને બીઝી કરી દેવા એણે બીજી સારી નોકરી પણ શોધી કાઢી.
લાઈફ ફરીથી પાછી પહેલાંની જેમ..સ્મૂધ-ફાસ્ટ !
છેલ્લાં થોડા સમયથી ઝાંઝરી રણકાર સાથેની મીઠી મધુરી અંતરંગ પળોમાં બેચેની અનુભવતી હતી. કંઈક એને રોકતું હતું..શું..સ્મજાતું નહતું. ધીમે ધીમે એ ચહેરો સ્પ્ષ્ટ થવા લાગ્યો..એ અસીમનો ચહેરો હતો. એને અસીમ માટે પ્રેમ નહતો પણ બેય જણે શારિરીક રીતે બહુ નજીક હતાં. અસીમની પ્રેમ કરવાની – વાત કરવાની બધી સ્ટાઈલ જ અલગ હતી. ઝાંઝરી હવે રણકારના ચહેરામાં, શરીરમાં, પ્રણય ચેષ્ટામાં અસીમની વાતોની ભેળસેળ અનુભવતી હતી. એ બેયને એ જુદા નહોતી તારવી શકતી.
ઝાંઝરીની નવી નોકરીમાં વિપુલ નામનો એક હેન્ડસમ, ગોરો ચિટ્ટો, મજબૂત બાંધો ધરાવતો છોકરો હતો. એની ‘સેન્સ ઓફ હ્યુમર’ પણ બહુસરસ હતી. એની વાતચીત – કપડાં પહેરવાની સ્ટાઈલ બધું ઝાંઝરીને બહુ જ ગમતું. બહુ જ ડીસન્ટ છોકરો હતો. વિપુલ ધીરે ધીરે ઝાંઝરીની નજીક આવવાની કોશિશ કરતો હતો. એને ઝાંઝરીને રોજ રોજ નવા નામોથી બોલાવતો..બ્યુટીફુલ, ગોર્જીયસ, સ્વીટ લેડી…એની ડિક્ષનરીમાં શબ્દોની કમીજ નહતી. ઝાંઝરીને પણ એની વાતો ગમતી. હવે વિપુલે ધીમે ધીમે ઝાંઝરીની કંપની પોતાને બહુ ગમે છે એ અર્થની વાતો કરવા માંડી હતી. ઝાંઝરીએ પણ થોડો વિચાર કર્યો..નોકરીમાં આગળ વધવું હોય, પ્રસિધ્ધિ જોઇતી હોય તો વિપુલ એને ખાસી મદદ કરી શકે એમ હતો.એક એક્પરીમેન્ટની જેમ જ એ વિપુલને કેમ ના લઈ શકે..અસીમના અનુભવ પછી જે ચોટ ખાધી અને પાછી બહાર નીકળીને નોર્મલ થઈને જીવી શકી એ પરથી એ ફલિત થતુ હતું કે એ ઇમોશનલી બહુ સ્ટ્રૉગ છે.વિપુલ એક હદથી વધારે એનું કશું નહી બગાડી શકે…અને ઝાંઝરીએ એક સાયકોલોજીકલ ગેમ રમવા માંડી. ધીરે ધીરે વિપુલ અને ઝાંઝરી નજીક આવતા ગયા. ઝાંઝરીને આગળ વધવામાં જે સપોર્ટ જોઇતો હતો એ સરલતાથી મળવા લાગ્યો..ઝાંઝરીના બધા આસાનીથી પતવા લાગ્યા અને એને ઓફિસમાં પ્રમોશન પણ મળી ગયું..વિપુલનું કામ હવે પતી ગયું હતું..એ અતિશય સ્માર્ટ લેડીએ વિપુલને પોતાનો હાથ પકડવાથી સહેજ પણ આગળ વધવા નહતો દીધો. આખરે એણે એક દિવસ વિપુલ સાથેની મિત્રતાને ખતમ કરવાનો નિર્ણય લીધો અને મક્કમતાથી એણે એ કાર્ય માટે જરુરી પગલા પણ લેવા માંડ્યા.
પણ આ શું…એને રહી રહીને વિપુલનો સહવાસ..એની વાતો..એના શરીરને પામવાની લાલસા કેમ તીવ્ર થતી જતી હતી…વિપુલ સાથે વાતો કર્યા વગર એનો દિવસ નહતો ડૂબતો..અને ધીરે ધીરે એ પોતાના નિર્ણયમાં ઢીલી પડતી ગઈ. ઇમોશનસની સ્ટ્રોંગનેસ વાસનાની બલિ પર વધેરાઈ ગઈ. ઝાંઝરી પોતાની બધી મર્યાદા, ઇરાદા ભૂલીને વિપુલ સાથે બધી હદ પાર કરવા લાગી.. દિવસ અને રાત નશામાં વીતવા લાગ્યા.
થોડા સમયમાં એણે વિપુલના તન-મનને આખે આખું જાણી-સમજી લીધું. વિપુલની પ્રેમ કરવાની સ્ટાઈલથી, એની રોમાન્ટીક વાતોથી ધરાઈ ગઈ..એનામાં કશું નવીન બચ્યું નહતું. એની પાસેથી કંઈ જ ના મળી શકે એમ લાગતા એણે ક્રૂરતાથી વિપુલ સાથે રીલેશનશીપ તોડી કાઢી.. વળી એ સ્માર્ટ લેડી બહુ જ સાવચેતીથી સંબંધો આગળ વધારતી હતી, સેફ પ્લેયરની જેમ જ રમતી, જેથી એ ક્યારેય સામેવાળા પાત્રના બ્લેકમેઈલિંગ જેવા સાણસામાં ફસાય એવી શકયતાઓ નહીવત જ હતી.
અજાણતા જ એકપરીમેન્ટના નામે નવાનવા શરીરના નવા નવા પ્રેમની ટેવ પાડી ચૂકેલ ઝાંઝરી
રણકાર સાથે પણ નહતી શાંતિથી જીવી શકતી. ઝાંઝરીને પોતાની ભૂલ સ્પષ્ટ સમજાતી હતી. પણ એના એક્સ્પરીમેન્ટ કરવાની આદતો હવે એક વ્યસન બની ગયેલું અને એ વ્યસનની સજારુપે પોતાને સાચા દિલથી પ્રેમ કરનારા સીધાસાદા પતિ રણકાર સાથે એક લાશની જેમ જ જીવતી હતી. ભગવાન જાણે એ લાશમાં ફરીથી ચેતન લાવવા માટે અસીમ,વિપુલ પછી હવે કોનો વારો આવવાનો હતો..એક નવો એક્પરીમેન્ટ કોના શિરે લખાયો હશે..!
અનબીટેબલ ઃ- જીવનપથ પર ભટકાતા દરેક અનુભવો એની રીતે મૂલ્યવાન જ હોય છે. ફરક આપણી એને વિશ્લેષણ કરવાની દ્રષ્ટિમાં જ હોય છે.
-સ્નેહા પટેલ
today’s article in phulchhab paper > navrash ni pal :
એક મોકો મેં ગુમાવ્યો,કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો,કોઇને કહેશો નહીં.
એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો,કોઇને કહેશો નહીં.
-ગૌરાંગ ઠાકર
સ્વાતીને જોવા માટે આજે એક છોકરો આવવાનો હતો. નામ હતું સર્જન. એ બારણાના બેલ પર ચાતક તરસે કાન ધરીને બેઠેલી.
‘ટીંગ ટોંગ..’
અને છોકરો અને એના મમ્મી પપ્પા એમના આંગણે.
સ્વાતીએ થોડીક નજર ત્રાંસી કરીને જોયું તો હૈયું એક ધબકારો ચૂકી ગયું.૬ ફૂટની આસપાસની ઊંચાઈ ધરાવતો સર્જન ગોરોચિટ્ટો છોકરો હતો. વળી એનું સ્નાયુબધ્ધ શરીર રેગ્યુઅલર જીમમાં જવાની ટેવ ધરાવતો હોવાની ચાડી ખાતું હતું.સ્વાતી તો પહેલી નજરના પહેલા પ્રેમમાં જ પડી ગઇ.
ચા-પાણીના વ્યવહાર પછી સર્જન અને સ્વાતી એક બીજા સાથે વાત કરી શકે એ બહાને વડીલો થોડા આઘા પાછા થયા.
થોડી વારની વાતચીત અને જીવનભરના સાથની પસંદગી..!! જો કે સ્વાતીએ તો એ સમયે જ હા પાડી દીધેલી. હવે બધું સર્જનની હા કે ના પર જ આધારીત હતું. પણ સર્જનનું મન કળાતું નહતું.આવી સુંદર, સંસ્કારી છોકરીમાં એને શું ખૂટયું ? એના મોઢા પર અવઢવ અને ચીડના લક્ષણો સ્પષ્ટપણે દેખાઇ આવતા હતાં.
એકાદ બે દિવસ રહીને એના મમ્મીએ ધીરેથી એ વાત વિશે પૂછતા સર્જને ઘસીને ના પાડી દીધી. કારણ..તો બસ એમ જ, કંઇ ખાસ નહીં. મન નહોતું માનતું અને માલતીબેન દિલ મસોસીને ઊભા રહી ગયા.
પણ પછી તો સર્જનની આ ‘ના’નો સિલસિલો લાંબો ચાલ્યો અને પાછળ કારણોના કોઇ જ સંતોષકારક જવાબો નહીં.
મધુભાઈ અને માલતીબેનને સમજાતું નહોતું કે એમનો એકનો એક લાડકવાયો આવું વર્તન કેમ કરે છે..ક્યાંક એને કોઇ કહી ના શકે એવી મૂંઝવણ કે તકલીફ તો નહી સતાવતી હોય ને..બાકી આવો હટ્ટો કટ્ટો..ઢગલો ગર્લફ્રેન્ડસ સાથે તંદુરસ્ત સંબંધ જાળવી શકનારો એમનો કલૈયાકુંવર જેવો દીકરો લગ્નના નામે આમ ભડકી કેમ ઉઠે છે..!!
જાતજાતની યુક્તિઓ કરી જોઇ પણ કોઇ જ કારગર ના નીવડી.
સામે પક્ષે સર્જન મનોમન મૂંઝાતો હતો. છાતીમાં નકારાત્મક વિચારોનો ડચૂરો બાઝતો હતો.
નાનપણથી એના માનસપટ ઉછરતા આવેલા ઢગલો’ક પ્રસંગો એના મગજમાં પર ભફાક દઇને અથડાતા હતા.
પેન્સિલને અણી કાઢતો હતો..વારંવાર બટકાતી પેન્સિલની અણી જોઇને મમ્મીનું ધૈર્ય બટકાઇ ગયું,’તું રહેવા દે, તારાથી કશું ય કામ બરાબર નહીં થાય.આમે તું સાવ બેજવાબદાર છે.’
એની ઉંમરના બીજા બધા છોકરાઓ લગભગ ૫-૬ વર્ષની ઉંમરે જ સાઇકલ ચલાવતા શીખી ગયેલા.સર્જન થોડો ‘સ્લો લર્નર’. એને સાઇકલ શીખતા શીખતા લગભગ ૧૦ એક વર્ષના વહાણા વાઈ ગયા.એના પપ્પાને એ વાત એમના સ્ટેટસને ઝાંખપ પાડતી લાગી. અહમ ઘવાઈ ગયો,’સાવ ડોબો જ છે તું તો.જીંદગીમાં ક્યારેય કોઇ કામ સરખું નહીં કરી શકે, એકદમ બેજવાબદાર.’
ભણવામાં અવ્વલ નંબરનો સર્જન કોઇ પણ સ્પોર્ટસમાં આગળ પડતો નહતો. એકદમ એવરેજ પરફોર્મર.નેશનલ લેવલના ફૂટબોલ ચેમ્પિયન પપ્પા અને વોલીબોલની કપ્તાન મમ્મીને આ એમની પ્રેસ્ટીજ ખરાબ કરતો મોટો ઇસ્યુ લાગતો. એમનાથી આવો એવરેજ છોકરો સહેજ પણ ખમાતો નહી અને પાછા શબ્દો વહી જતા, ‘તું કશું નહી કરી શકે, રહેવા દે..સાવ જ બેજવાબદાર છોકરો છે તું..’
આવા અનેકો પ્રસંગોએ ભેટમાં મળેલ ‘બેજવાબદારી’ના ટાંકણાએ સર્જનના દિમાગમાં ઠોકી-ઠોકીને નકારાત્મક વિચારોથી, ભરેલી આત્મવિશ્વાસની ઊણપવાળી મૂર્તિનું સર્જન કરી દીધેલું. પોતાની જાતમાંથી પોતાનો વિસ્વાસ ગુમાવી બેઠેલો સર્જન આજે એ પણ નહતો સમજી શક્તો કે હકીકતમાં પોતાને તકલીફ શું છે..!! મમ્મી પપ્પાને કેમનું સમજાવે કે કોઇ પણ છોકરીને જોતા જ પેલી બટકણી પેન્સિલો, સાઇકલ પરથી વારંવારની પછડાટ,મમ્મી પપ્પાની રાતી આંખો, ગુસ્સાળ મુખ બધુંય અરસ પરસ એકબીજામાં ભળી જાય છે,ઘૂઘવાયા કરે છે..છાતી મહી આશંકાના વાદળો ઘેરાયા કરે છે અને છેલ્લે એ જવાબદારી સ્વીકારવાની હિંમત હારી જાય છે.
અનબીટેબલઃ-જેને સાચો પ્રેમ કરતા હો એને ક્યારેય ’ગિલ્ટ’ની લાગણીનો અનુભવ ના કરાવશો.
એને આગળ વધવું હતું
સૌથી આગળ
પણ આત્મવિકાસની અક્કલના તો વાંધા..!!
આજુબાજુ નજર દોડાવી
બહુ યે ફાંફા માર્યા
પણ કંઈ ના વળ્યું
કંઇ સમજાયું નહીં
કોઇ રસ્તો નહીં
બસ પછી તો
એક ઝનૂન ઉપડ્યું
પોતાનાથી આગળ હતા
બધાયને ધબાધબ ઢાળવા માંડ્યા
કોઇને વાણીથી
કોઇને રમતથી
કોઇને શસ્ત્રોથી…
એક જ વાક્ય મગજમાં
સો વાતની એક વાત
‘प्यार,इश्क ओर प्रगतिमें सब जायज’
અંતમાં..
બધીય ઢાળેલી લાશોના પગથિયા પર ચડીને
સફળતાની ટોચ પર જઇને બેઠો
હાશકારાનો એક શ્વાસ હેઠો બેઠો ના બેઠો
ને ત્યાં તો મગજ સૂન્ન..
આ શું..
પ્રગતિની ટોચ પર તો એ સાવ એકલો..
આજુ બાજુ દૂર દૂર સુધી નીરવ શાંતિ
એ એકલો જ બોલનારો ને એકલો જ સાંભળનારો..!!