addal maraa jevi j chhe


અદ્દલ મારા જેવી જ છેઃ

નક્કી ત્યાં તો કૈંક પાછું ઝળહળે છે,
જાત નામે કોડિયું ધીમું બળે છે !
-ભરત પ્રજાપતિ ‘આકાશ’

આરોહી આજે ખૂબ ખુશખુશાલ હતી. એની દીકરી અન્વેષા આજે સ્કુલમાં વાર્ષિક ફંકશનમાં યોજાયેલ દોડની સ્પર્ધામાં ૮૬ સ્પર્ધકોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવી શકેલી. એ બદલ એને સ્કુલ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અન્વેષાના સફેદ ઝગ ફ્રોક ઉપર એના ગળામાં લાલ સાટીનની રીબીનમાં પીળો ચંદ્રક વીંટીમાં જડેલા હીરા જેવો ચમકી રહયો હતો. બે ગાલ પર હાથ મૂકીને આંખો અહોભાવમાં પહોળી કરીને આરોહી એકીટશે એની લાડકવાયીને જોઇ રહી હતી. આમ જ ભાવાવેશમાં એની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા એની પણ એને ખબર નહતી રહી.
અન્વેષા અચાનક હસી પડી અને એની મમ્મીના આંસુ પોતાની તર્જની પર લઈને રાજકુમારની જેમ ફિલ્મી અદામાં બોલી,
‘ આ બહુ જ મૂલ્યવાન મોતી છે માતા, એને જમીન પર ના પાડો.’
અને આરોહી ભફ્ફાક.. દેતાં’કને હસી પડી. પ્રેમથી અન્વેષાનો કાન ખેંચીને બોલી,
‘ચાલ હવે ચિબાવલી, ચૂપ થઈ જા તો. એ તો તું જ્યારે મા બનીશ અને તારું સંતાન આવી સિધ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તને આ લાગણી સમજાશે.’
અને અન્વેષાનું કપાળ પ્રેમથી ચૂમતાં બોલી,
‘સાવ મારી પર જ ગઈ છે, હું પણ સ્કુલમાં કાયમ આમ જ પ્રથમ નંબર લાવતી હતી.’
અને વળતી પળે જ માતાના પ્રેમ ઝરણમાં નહાતી અન્વેષાના મોઢામાં કાંકરો આવી ગયો હોય એવી લાગણી ઉભરાઈ. જો કે એણે પોતાની લાગણી બહુ જ સફળતાથી છુપાવી લીધી એથી આરોહીને એના વિશે કશું જાણ ના થઈ.
થોડા સમય પછી,
અન્વેષા એના મિત્રો સાથે કાશ્મીર બાજુમ ટ્રેકીંગ પર નીકળી પડી હતી. નેટ પર જોઇ જોઇને બધી જ જગ્યાનું પૂરેપૂરું એનાલીસીસ કરીને જોઇતા પૈસા, સામાન અને બધી જ સાવધાનીનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. માત્ર એક ખભા પર પાછળ લટકાવવાની બેગ લઈને એ સાહસયાત્રા પર નીકળી પડી. લગભગ આઠ દિવસનો પ્રોગ્રામ હતો અને એનું પૂરું સંચાલન અન્વેષાના હાથમાં. મુસાફરીમાં અનેક જગ્યાએ એની અનેક વખત કસોટી થઈ અને આપસૂઝથી અન્વેષા એમાંથી આસાનીથી બહાર પણ નીકળી ગઈ.
સાહસયાત્રા પરથી પાછી આવ્યા પછી થાક ઉતારીને બીજા દિવસે અન્વેષા પૂરાં ઉત્સાહથી પોતાની કહાની મમ્મી પપ્પાને સંભળાવી રહી હતી. કેવી કેવી મુશ્કેલીઓ આવી એનો એ લોકોએ કેવી રીતે સામનો કર્યો, ક્યાં ક્યાં કેવી અગવડ પડી – કેટલી ય જરુરિયાતની વસ્તુઓ વગર પણ ચલાવ્યું અને એ બધી જગ્યાને કેવી રીતે પોતાના એસ. એલ. આરમાં યાદગીરીરુપે કંડાર્યુ એ બધાની માહિતી આપતી હતી અને અચાનક એના પપ્પા અશ્વીન બોલી ઉઠ્યો,
‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અમે પણ આવી યાત્રાઓ બહુ જ કરતાં હતાં. અસ્સલ મારી પર જ ગઈ છે મારી ઢીંગલી.’
અને અન્વેષાના મોઢામાં ફરીથી ક્વીનાઈનની ટીક્ડી ઘોળાઈ ગઈ. આજે એની સહનશક્તિ એનો સાથ છોડતી જણાઈ અને એના મોઢામાંથી શબ્દો ફૂટી નીકળ્યાં,
‘મમ્મી – પપ્પા, નાનપણથી મારી દરેક સફળતા, હોંશિયારીમાં તમે લોકો તમારી જ સફળતા અને સ્માર્ટનેસ કેમ શોધો છો?’
‘મતલબ ?’ આરોહી અને અશ્વીન અચાનક જ આવા વિચિત્ર અને અણધાર્યા પ્રશ્નથી ચોંકી ગયા.
‘મતલબ એ જ કે મારી કોઇ પણ સિધ્ધી હોય ભલે દોડવાની હોય કે આવી રીતે ટ્રેકીંગની હોય કે પછી કપડાંની પસંદગી હોય કે મેથ્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાની – દરેક વાતનો અંત તો ‘અસ્સલ મારી પર ગઈ છે’થી જ હોય છે. માન્યું કે સંતાનોમાં એમના માતા પિતાના અનેક ગુણ હોય જન્મજાત જ હોય પણ એની પાછળ તમે મારી હોંશિયારીની કોઇ કદર ના કરો કાં તો નજરઅંદાજ કરીને બધો જશ પોતાના માથે જ લઈ લો છો એ વાતની તમને ખબર જ નથી હોતી. મારે તમારા મોઢે સાંભળવું હોય છે કે,
‘અન્વેષા બેટા, તું બહુ જ સાહસી છો, હોંશિયાર છું, તાકાતવાન છું. તારી સાથે આટલા બધા મજબૂત હરીફો હોય છે એનાથી ગભરાયા વિના હિંમત રાખીને તું એમનાથી આગળ નીકળી જાય છે એ ખરેખર કાબિલે તારીફ કામ છે, આટલી નાની ઉંમરમાં તેં તારામાં આટલા બધા ગુણ વિક્સાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એના બદલે કાયમ મને તમારા તરફથી ‘તું તો અસ્સલ મારા પર જ ગઈ છું’ જેવી એકની એક રેકોર્ડ જ સાંભળવા મળે છે.માન્યું કે તમારા જીન્સ મને મળ્યાં છે પણે બધાંને સમજીને મેં મારી રીતે મારામાં એ બધાને ડેવલોપ કરવામાં બહુ મહેનત કરી છે.તમારા જેવી ભલે ને વીસ વીસ ટકા માનો અને મને મારી પોતાની જેવી બાકીના સાઈઠ ટકા તો માનો. કાયમ સરખામણી કરવાનો આ સ્વભાવ ત્યજી દો પ્લીઝ.’
‘હા દીકરા , તારી વાત સાચી જ છે. નાનપણથી અમે અમારા સંતાનોમાં અમારા અંશ અને ગુણ જ શોધતા ફરીએ છીએ અને બીજાંઓ અમારી કમજોરી અમારા સંતાનોમાં શોધીને એક વિચિત્ર આનંદ મેળવે છે. પણ આજે તેં જે વાત કહી એ વાત તો અમારા હરખઘેલાં વાલીઓને ખ્યાલ જ માં નથી આવતી કે,’અમારું સંતાન ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, એના આજુબાજુના વાતાવરણમાંથી જાતે બધું શીખતું થયું છે, એની પોતાની પણ એક આઈન્ડેટીટી છે. અમને માફ કરજે દીકરાં. આજે તેં અમારી આંખો ખોલી દીધી.વી આર રીઅલી પ્રાઉડ ઓફ યુ. અમારું સંતાન આટલું વિચારશીલ છે એનો અમને ખૂબ જ આનંદ છે.’
અને અશ્વીને અન્વેષાના કપાળ પર ચુંબન અંકીત કરી દીધું.
અન્વેષાની આંખમાંથી એની જાણ બહાર આંસુ વહી રહ્યાં હતાં.
-સ્નેહા પટેલ

સત્ય એ જ ઇશ્વર


images
તપી, તૂટી, તણાઈ સોનું સાબિત થાય

બધી સ્થિતિ વટાવી હોવું સાબિત થાય

—સંજુ વાળા

સાકેત નદીકાંઠે કેડસમાણા પાણીમાં ઉભો હતો. કમરની ઉપરનું આખું શરીર વસ્ત્રવિહીન હતું અને સૂર્યના કુણા તેજમાં ચમકી રહેલું. સાકેતે ક્ષિતિજે ઉગતા સૂર્યદેવ સામે બે હાથ માથાની બાજુમાં બરાબર બે ય કાનને અડીને ઉંચા કરીને એ બે હાથમાં પકડેલા પિત્તળના ચકચકતા કળશને ધીમે ધીમે આગળની તરફ નમાવ્યો અને એમાંથી પાણીની એક ધાર થઈ. ભાવવિભોર થઈને સાકેત એ પાણીની ધારને એકીટશે જોઇ રહયો. જળધારામાંથી રવિકિરણો પસાર થઈને એની આંખમાં ઠંડકનો સૂરમો આંજતા હોય એવું અનુભવ્યું. કુદરતના ખોળે અલૌકિક આનંદ અનુભવી રહેલ સાકેતનું દિલ ભાવવિભોર થઈ ગયું. ઇશ્વરની દરેક શક્તિમાં એનો અતૂટ વિશ્વાસ દ્રઢ થતો જણાયો. ત્યાં જ સૂર્ય અને નદીના સંગમસ્થળે વહી રહેલ પાણી પર એક પંખી બેસીને પાણી પીવા લાગ્યું અને સાકેતની સમાધિ તૂટી ગઈ. ખુદની સાથે ખુદની ગર્ભનાળ કપાઈ ગઈ અને છુટકારા વેળા એક ખાટો સ્વાદ મોઢામાં ફેલાઈ ગયો અને તરત જ સૂર્ય સામે પીઠ ફેરવી પાણીની બહાર નીકળી ગયો. દૂરથી એને નિહાળી રહેલા એક વયોવૃધ્ધ કાકા સાકેતના અચાનક આ પગલાંથી નવાઈ પામી ગયા અને સાકેતની પાસે ગયા અને એના ખભા પર હાથ મૂકીને હળવેથી બોલ્યા,

‘બેટા, શું થયું ? આટલી તલ્લીનતાથી અને પ્રેમપૂર્વક પૂજા કરી રહેલો અને અચાનક જ વદન પર આવા કાળામેંશ ઓછાયા ?’

સાકેત થોડી ક્ષણ એ કાકા સામે જોઇ રહ્યો અને અચાનક ખુદની વ્યથા એમની સમક્ષ ઠલવાઈ ગઈ.

સાકેત અને એનો ભાઈ ઉમેશ. સાકેત મહામહેનતુ, ઇમાનદાર,વિશ્વાસુ અને બોલેલું પાળનારો માણસ. કદી કોઇનો એક રુપિયો ય અણહકનો ના સ્વીકારે જ્યારે એનો ભાઈ એનાથી સાવ જ ઉલ્ટો. એદી, મોજમસ્તીમાં રાચનારો અને પૈસા માટે ભલભલાને ભૂ પીવડાવી દે એવો. બે ય એક જ મા બાપના સંતાન અને એક જ સંસ્કારની છત્રછાયામાં ઉછરેલાં પણ તદ્દન વિરોધી. માતા પિતાના અવસાન બાદ બે ય ભાઈઓ પરણીને પોતપોતાના ઘર વસાવીને જીવતા હતા. પણ બે ય ના સ્વભાવની જેમ નસીબ પણ નોખાં. મહેનત કરીને ઇમાનદારીથી પૈસો કમાતો સુકેતુ મજૂરી કરી કરીને તૂટી જતો તો પણ એના ઘરમાં બે છેડા ભેગા થવાની તકલીફ કાયમ શ્વસતી. જ્યારે ઉમેશ…આખો દિવસ એની દુકાનમાં પડ્યો પાથર્યો રહે અને શેરબજારમાં પૈસા રોક્યાં કરે . પણ એના ઘરમાં કાયમ લક્ષ્મીદેવી વાસ કરતાં.

સાકેત કાયમ નાણાંની ભીડમાં રહેતો હોવાથી કરકસર કરી કરીને જીવતો જ્યારે ઉમેશ હાથ પરનો પૈસો પાણીની જેમ ઉડાવ્યાં કરતો. કુદરતના આ ન્યાય સામે સાકેતને ઘણીવાર બહુ ગુસ્સો આવતો. જેવું વાવો એવું લણો – તમારા કરેલા કર્મ તમારે ભોગવવા જ પડે છે – તમારા હકનું તમારી પાસેથી કોઇ છીનવી નથી શક્વાનું જેવા સુવાક્યોથી હવે એ કંટાળ્યો હતો. એનો ભગવાન – પ્રામાણિકતા પરથી વિશ્વાસ ઉઠતો જતો હતો. પોતે આટઆટલું વાવ્યું અને વાવેલાંની બરાબર માવજત પણ કરી તો પણ લણણીના સમયે તો હાથ ખાલીખમ જ રહેતો હતો.કોઇ મિત્ર કે શુભચિંતક આગળ પોતાની હૈયાવરાળ કાઢતો તો એ વળી અલગ જ રાગ આલાપતા.

‘સાકેત, બની શકે કે આ તારા ગયા જન્મના કર્મ હોય જે તારે આ ભવે ભોગવવાના હોય, પૂરા કરવાના હોય.’

ધીમેથી સાકેત કાકાની સામે જોઇને બોલ્યો,

‘બોલો કાકા, આ વાત સાથે તમે કેટલા સહમત થાઓ છો ? જો હું અત્યારે પુણ્ય કરું અને એનું ફળ મને આવતા ભવે જ મળવાનું હોય તો મારે પણ શું કામ સત્કર્મ કરવા જોઇએ ? સારા માનવી બની રહેવા માટે ની કોઇ જ લાલચ ના મળે ? મારે માથે એક તો ગયા ભવના કર્મોનું ભારેખમ પોટલું લદાયેલું જ હોય તો એના ઉપર મારે પ્રામાણિકતા, પુરુષાર્થનો બોજો લાદવાનો શું અર્થ સરવાનો ? મને મારી જોબમાં સામાનની હેરાફેરી કરીને પૈસા બનાવવાની બહુ મોટી તક મળી છે તો વિચારું છું કે હું પણ કેમ ઉમેશની જેમ અનીતિનો આસાનીથી મળતો પૈસો કમાઈને ના જીવું ? આજનું તો સચવાઈ જશે બાકી તો કાલ કોણે દીઠી છે…’

સાકેતની વાત સાંભળીને કાકા પણ ચૂપ થઈ ગયાં પણ તેઓ અંદરખાને એ વાત જાણતા હતાં કે જો આ ઘડીએ જ સાકેતને નહીં વાળે તો એ કદાચ એના નિર્ણય લીધેલ માર્ગ પર બહુ આગળ વધી જશે. એક પ્રયત્ન તો કરવો જ ઘટે વિચારીને બોલ્યાં,

‘જો બેટા, તારી જગ્યાએ તું સાચો છે. આ કર્મ – પરિણામ વગેરે બહુ કોમ્પ્લીકેટેડ ચર્ચાઓ છે. પણ એક વાત જરુરથી કહીશ કે આ દુનિયામાં ઇશ્વર એક મહાન સત્ય છે અને સત્ય જ ઇશ્વર. પૂર્વજન્મના બાંધેલા કર્મોના ફળ વિશે વિચારવા કરતાં જે પરિસ્થિતી જીવનમાં આવી ચડે એને હકીકત માનીને સ્વીકારી લેવાની અને એનો સામનો કરવાની ક્ષમતા મેળવવાના પ્રયત્નો કરતા રહેવાનાં. મને નથી ખબર કે આ બધા કાર્યોનાં તને આવતા જન્મે તને શું ફળ મળશે..મળશે કે નહીં…પણ તારે એ આવી ચડતી કસોટીઓને પહોંચી વળવાની માનસિક અને શારિરીક તાકાત એકત્રિત કરતા રહેવાનું. આટલું કર બાકીનું કામ ઇશ્વર સંભાળી લેશે. કારણ સત્ય જ ઇશ્વર છે અને તું સત્યના પંથે છું. એથી જ ઇશ્વરનો માનીતો બાળ. બસ તારી શ્રધ્ધા ઇશ્વરમાંથી ના ડગાવીશ નહીંતો તારા જેવો ઋજુહ્રદયનો માનવી ખોટી કમાણીનું નાણું કમાઇ તો લેશે પણ એને વાપરતી વેળા તારો જીવ કળીએ ને કળીએ કપાઈ જશે. અનીતિનો પૈસો તારા કામનો તો સહેજ પણ નથી દીકરા.’

અને સાકેતની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ ટપકી પડ્યાં.

‘હા કાકા, તમે સાચું કહો છો. આવો પૈસો કમાઈ લઈશ તો ય સુખેથી વાપરી નહી શકું. હવેથી હું સામી છાતીએ વાસ્તવિકતાના સત્યનો સ્વીકાર કરીશ. કારણ સત્ય જ ઇશ્વર છે. આભાર.’

અનબીટેબલ : ‘છે’ એ ‘છે’ -એના અસ્વીકાર કે બળાપાથી ‘નથી’ નથી થઈ જવાનું.

-sneha patel