Just happening – sakhaiyo


અમેરિકાથી પ્રગટ માસિક મેગેઝીન દેશ પરદેશ – નિયમિત કોલમ સખૈયો – એપ્રિલ2022.

સખૈયો: જસ્ટ હેપનિંગ

સખૈયા, આજે વળી એક નવો વિચાર મારા મનોપદેશમાં ભમતો હતો 

‘આખરે હું કોણ છું ?’, 

અને એ પછી તો મનના પેટાળમાં જાતજાતના વિચાર-તરંગોની ભરતી ઓટ આવતી ગઈ, ચાલ બધું ય તારી સાથે વહેંચી લઉં નહીં તો મને ચેન નહીં પડે. પેટમાં, મગજમાં આફરો ચડી જશે.

હા તો સખા, ‘મારી સામાન્ય સમજ પ્રમાણે તો , ‘હું એટલે કર્તા, કર્તા એટલે કર્મ કરનારી વ્યક્તિ’. કર્મ – ઇગોસેંન્ટ્રીક ! 

જો હું મારી મરજી પ્રમાણે કર્મ કરતી હોઉં તો મને દરેક કર્મમાંથી જોઇતો આનંદ કેમ નથી મળતો હેં સખા? મને ખુશી મળે એવા કર્મ ના હોય તો મારે કોઇ જ કર્મ નથી કરવું – ‘ધ ડુઅર’ નથી બનવું, કારણ હું તો કંઈ જ કર્મ કર્યા વિના – અકર્મી રહીને પણ તને યાદ કરીને ખુશ થઈ શકું છું. મારી એ ખુશીને શાશ્વતપણાની અલૌલિક સીમા સુધી માણી શકું છું.

ઘણી વખત લોકો  સાવ અર્થહીન, વેરઝેરની પતાવટ – ખોટો આડંબર બતાવવો જેવી પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે, મૂલ્યવાન જીવનનો મોટાભાગનો સમય બરબાદ કરે છે. ત્યારે મને એક વિચાર આવે  કે : આપણે માનવીઓ કશું જ કર્મ ના કરીએ તો પણ દુનિયામાં ઘણા ‘નેગેટીવ વેવ્સ’ ઉદભવતા ઓછા થઈ જશે.’

હું જ્યારે ચૂપચાપ બેસીને અકર્મી રહીને મારી ચેતનાના પેટાળમાં ઉતરું છું ત્યારે મને તારો ભેટો થઈ જાય છે!  મનમાં આ ક્રિયા હું જ કરું છું એવું કોઇ કેન્દ્ર બિંદુ નથી ઉદભવતું. બધું જ સાવ ખાલી ખમ અને હળ્વાશથી ભરપૂર લાગે છે. હળ્વાશના એ તરંગો પર હું તરતી તરતી તારી સમીપે પહોંચી જાઉં છું અને ચેતનાના પેટાળમાં તારી વાંસળીના સૂરો ગુંજી ઉઠે છે. તારા મોરપીચ્છની મખમલી સુંવાળપ માંહ્યલાને ભીતર – બહાર- સર્વત્ર જગ્યાએ મને અમીર બનાવી મૂકે છે. મનની આ અમીરાત મારા મનની અંદર જ છુપાયેલી છે, કસ્તૂરી મૃગ જેવી હાલત છે મારી નહીં ?

જો કે હું અકર્મી બની જાઉં તો તારી આરતી – પ્રસાદ – પૂજા એ બધું કોણ કરશે ? કદાચ સાવ અકર્મી બની જવું શક્ય નથી કારણ મારી ચેતના ઉપરાંત હું જે ભૌતિક જગતમાં શ્વસું છું ત્યાં અમુક ક્રિયાઓ -વિશેષ કર્મ જરુરી છે. હું કશું જ ના કરતી હોવું ત્યારે પણ મારા શ્વાસોછ્વાસ તો ચાલે જ છે, રુધિર એની ગતિ પકડી જ રાખે છે. એ બધું એની જાતે થયા જ કરે છે – ‘જસ્ટ હેપનિંગ’. તારી મરજીને આધીન. કારણ એમાં મારી મરજી કે તાકાત ક્શું જ કામ નથી કરતું. હું ઇચ્છું તો પણ મારા શ્વાસની પ્રક્રિયા બંધ કરીને જીવી ના શકું.

અમુક કર્મ વિશેષ કર્મ કહેવાતા હોય છે.

કર્તા બન્યાં વિના અકર્મી બનીને કર્મ કરવાનું હોય કે કોઇ વિશેષ ધ્યેય સાથે વિકર્મી બનીને કોઇ કર્મ કરવાનું હોય – એ જે હોય એ પણ મારું અંતિમ ધ્યેય તો તું જ છે મને તો એટલી જ સમજ પડે છે.મારે યેન કેન પ્રકારેણ તારી સમીપે રહેવું છે, કારણ એ મારા જીવનની સૌથી મોટી જરુરિયાત છે. તને ચાહ્યાં વિના હું જીવિત નહીં રહી શકું એ વાત સો ટચના સોના જેવી સાચી હકીકત બાકી બધું ધૂળ !

આજે સવારે તું એક નવા વિચાર સાથે મને યાદ આવેલો. કહું ?

‘આજે સવારે હું મારી ઓસરીમાં હીંચકા પર હિલ્લોળતી હતી અને મારા કેશ ગૂંથતી હતી ત્યાં જ અચાનક મારી નજર અંદરના વિશાળ મકાન પર પડી ને વિચારે ચડી ગઈ. આટલા મોટા ભવનની આવડી અમથી ઓસરી પણ એનું મહત્વ તો જુઓ ! ઓસરી વિના આ ભવ્ય મકાન કેવું વરવું લાગત ? ઓસરીમાં પગ મૂક્યા વિના ભવનમાં પ્રવેશ પણ શક્ય ના બને. ભવનનો મોહ હોય તો તમારે ઓસરીનું મહત્વ સ્વીકારવું જ પડે – એને નકારી ના જ શકાય. હેં વ્હાલા – મને તારી ઓસરી બનવાની તક આપીશને?’

-સ્નેહા પટેલ

મરશિયાં


શબ્દસર-ઓગસ્ટ, ૨૦૧૯
“””””””””””””””””””””””””””””””””
મરશિયાં, કરુણપ્રશસ્તિ અને મૃત્યુ વિષયક કાવ્યો  /અરવિંદ બારોટ
~~~~~~~~~~~~~~~~~
કોઈ પણ બહાને લોકસમાજે જીવનને રસમય બનાવવાની  મથામણ કરી છે.સામાજિક કે ધાર્મિક અવસરને શણગારવા માટે ગીત અને નૃત્ય તો કંઠવગાં અને અંગવગાં જ હોય છે.જન્મથી મરણ સુધી, હાલરડાંથી મરશિયાં સુધી,ગળથૂથીથી ગંગજળ સુધી સૂર અને શબ્દના આધારે આનંદ અને આઘાતને ઝીરવ્યા છે.
જીવનમાં ભલે અવનવા રંગો ઊઘડતા હોય; પણ, લોકસમાજે મૃત્યુના કાળા રંગને પણ સ્વીકાર્યો છે..એમાંથી જ સ્વજનના મૃત્યુ વખતના રુદન સાથે વિલાપના સૂર પ્રગટ્યા. પ્રિયજનના વિરહના તીવ્ર સંવેદનો વ્યક્ત કરવા સહજ શબ્દો કંઠે ચડ્યા, અને કલ્પાંતના ઘેરા પ્રલંબ સૂર સાથે ઘૂંટાયાં, એ મરશિયાં…
અચાનક કોઇ ઘરમાંથી પ્રાણપોક મૂકાય… 
ધડાપીટ બોલે અને આખી શેરીને ધ્રાસકો પડે. કોઇના કંધોતરની અણધારી વિદાયથી આખા ગામમાં સૂનકાર ફરી વળે. કોઇનો પતિ, કોઇનો દીકરો, કોઇનો ભાઇ,કોઇનો પિતા….ખોળિયું છોડીને, પત્ની, બાળકો, મા-બાપ,ભાઇ-બહેન, ઘર-બાર ..બધું છોડીને ,આ જગ છોડીને જાય છે..ને સર્જાય છે એક ખાલીપો. આઘાત અને વલોપાતમાંથી નિપજે છે આંસુ, હીબકાં અને ધ્રૂસકાં.. વેદના ઘૂંટાય છે..છાતી ફાટે છે…અને રૂદનના પ્રલંબ સૂરમાં વેણ ભળે છે… મરનારને સંભારી-સંભારીને મરશિયાં ગવાય છે.
એ…ઘરનો મોભ ખડેડ્યો..
એ…અમે ઉઘાડાં થઇ ગ્યાં…
એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગ્યો…
એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગ્યા…
એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી નીકળ્યા..
એ..અમને ઓશિયાળાં ને અણોહરાં કીધાં…
એ…તમે અણધાર્યા પરિયાણ કર્યા..
એ…અમને છેતરીને છેટાં કીધાં…
એ…કૂણી કાતળિયે ઘા પડ્યા..
જેમજેમ દુઃખ વલોવાતું જાય એમ આ વિલાપગાન વધુ વેધક થતું જાય છે. ચોધાર વહેતા આંસુથી ઘૂમટો પલળી જાય છે.પથ્થર પણ પીગળી જાય એવી ઘેરી કરૂણતા સર્જાય છે.
માનવીના જીવનમાં પ્રથમ સૂર હાલરડાનો અને અંતિમ સૂર મરશિયાનો હોય છે… અને આ બન્ને નારીના કંઠેથી નીતરે છે.
આ ‘મરશિયા’શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.
અરબી ભાષામાં मरसी એટલે વિલાપ કરવો. मर्सिय: >मर्सिया > મરશિયાં  અર્થાત્ મરનાર માણસની પ્રશસ્તિ.(દૂરના ભૂતકાળમાં આરબો સાથેના વ્યપાપાર-વ્યવહારના કારણે અરબી ભાષાના ઘણા શબ્દો આપણી ભાષામાં ઉતર્યા છે)
સ્વજનના મૃત્યુ પછી દુઃખ અને આઘાતથી હૈયું વ્યાકુળ થાય છે, દ્રવિત થાય છે. મૃત સ્વજનના ગુણોનું સ્મરણ થાય છે. અંતરનો શોક શબ્દોમાં વ્યક્ત થાય છે.આ અભિવ્યક્તિ માટે  અંગ્રેજી સાહિત્યમાં (Elegy)એલેજી નામનો કાવ્યપ્રકાર છે.સોળમી સદીમાં ઈંગ્લેંડમાં મૃત્યુગીતો અને શોકગીતો તરીકે ‘એલેજી’નો પ્રયોગ શરૂ થયો. ગુજરાતીમાં ચિંતનમિશ્ર શોકગીતોનો પ્રયોગ પણ અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે થયેલો જણાય છે.અંગ્રેજીમાં જેને ‘એલેજી’ કહે છે તે કાવ્યપ્રકાર માટે ઈ.સ. ૧૯૧૫માં આનંદશંકર ધ્રુવે ગુજરાતીમાં ‘મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ’ અથવા ટૂંકમાં ‘ કરુણપ્રશસ્તિ’ એવું નામ આપ્યું હતું.એવું ધીરુભાઈ ઠાકરે ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ના ઉપોદ્ઘાતમાં નોંધ્યું છે.
મિલ્ટન અને ટેનિસનના મિત્રવિરહમાંથી નિપજેલા  ‘લિસિડાસ’ અને ‘ઇન મેમોરિયમ’ ઘણા વિખ્યાત છે.
દલપતરામનું ‘ફાર્બસવિરહ’ પણ આવી જ કરૂણપ્રશસ્તિ છે.ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ અને  નરસિંહરાવનું ‘ સ્મરણસંહિતા’ ઉપરાંત ‘ઉશનસ્’નાં સોનેટ્સ કરૂણપ્રશસ્તિનાં ઉલ્લેખનીય ઉદાહરણો  છે. સુંદરજી બેટાઈ રચિત  ‘સદગત ચંદ્રશીલાને’ શોકપ્રશસ્તિની એક નોંધપાત્ર રચના છે.પત્નીના અવસાન પછી આ દીર્ઘ શોકપ્રશસ્તિ રચાયેલી(૧૯૫૯).
૩૬ વર્ષના દામ્પત્યજીવનની  કેટલીયે મધુર ક્ષણોનું ઘણી વિશદતાથી નિરૂપણ થયેલું છે. સપ્રમાણ નવનવ ભાગોમાં વિવિધ છંદો, સુઘડ ભાષાકર્મ, સૂક્ષ્મ અને તીવ્ર  ભાવાભિવ્યક્તિ અને સંયમિત આર્દ્રતાના કારણે ગુજરાતી સાહિત્યમાં ‘કરુણપ્રશસ્તિ’ની આ એક નોંધપાત્ર કૃતિ ગણાય છે.
ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ ‘ કોઇનો લાડકવાયો’, સૂના સમદરની પાળે’, ‘ફૂલમાળ’ મૃત્યુની છાંયા અને ઘેરી કરૂણતાને લીધે હૃદયને સ્પર્શે છે. 
લોકપરંપરાનાં ‘રોણાં’માં-મરશિયામાં શીઘ્ર રચના થતી હોય છે. લાંબા ઢાળે ગવાતા ‘વેણ’ની લઢણ દુહાના સ્વરૂપની નજીક હોય છે.
મરશિયામાં એકલપંડ્યે ગવાતા શબ્દોના ઝૂમખાં કે પંક્તિઓ હોય છે. જ્યારે લાંબી-ટૂંકી સળંગ રચના એ રાજિયાનું સ્વરૂપ છે. મોટા ભાગે પૂર્વરચિત હોય છે.
ફળિયામાં, શેરીમાં કે ચોકમાં કુંડાળે વળીને છાતી કૂટતાં કૂટતાં ‘ છાજિયા’ લેવાય છે.એક સ્ત્રી ગાય છે અને બાકીની સ્ત્રીઓ ‘ હાય હાય… વૉય વૉય ‘ શબ્દોથી ઝીલે છે.
નાના બાળકનું મરશિયું-
અરેરે…ઊગ્યો એવો આથમ્યો…
અરેરે…છોડવો મોર્યો એવો કરમાણો..
૦૦
નાના બાળકના છાજિયા-
રત્નાકર ઘેર્યો રે, હાય ધાવણા હાય !
માંય રતન તણાતાં રે, હાય ધાવણા હાય !
ઘેર દોશીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો આંગલા-ટોપી લાવે રે, હાય ધાવણા હાય !
ઘેર સોનીડો આવે રે, હાય ધાવણા હાય !
ઇ તો કંદોરો લાવે રે, હાય ધાવણા હાય !
૦૦૦
બચરવાળ યુવતીનાં છાજિયા
હાય હાય રે, કૂવામાં ઢેલ વિંયાણી..
હાય હાય રે, ઢેલને ચાર બચળાં..
હાય હાય રે, બચળાં કોણ ધવરાવશે ?
૦૦૦૦
દીકરીનું મરશિયું
ખળખળિયું ખોવાઇ ગ્યું, મનનું માદળિયું;
આ શિર પર તે સરિયું, વળીયું વાદળિયું.
પ્રિયજનના મૃત્યુના શોકને વ્યક્ત કરવામાં ન આવે તો આઘાત અસહ્ય બની જાય છે. છાતીમાં ભરાયેલા ડૂમાને રૂદનથી-વિલાપના શબ્દોથી બહાર કાઢવો જરૂરી છે.
જૂના સમયમાં રાજપરિવારો અને ગિરાસદારોમાં મરણ પ્રસંગે ધંધાર્થી મરશિયાં ગાનારી મીરાણીઓ, લંઘણો કે ખવાસણોને ખાસ બોલાવવામાં આવતી. યુરોપમાં પણ આવી વ્યાવસાયિક ‘રૂદાલીઓ’ હતી એવું મેઘાણીભાઇએ નોંધ્યું છે.
૦૦૦
મરશિયાના કાળજું વીંધી નાખે એવા વેણ જ્યારે ઘૂંટાયેલા લાંબા સાદે ગવાય ત્યારે સાંભળનારને પણ મરવાનું મન થાય.પોતાનાં મરશિયાં સાંભળવાના કોડ થાય એવી લોકકથાઓ પણ આપણે ત્યાં છે.
દાયકાઓ કે સૈકાઓ પહેલાં થઇ ગયેલા કોઇ અજાણ્યા નરબંકાને યાદ કરીને નાનકડી કન્યાઓ વરસોવરસ મરશિયાં ગાતી હોય એવી એક દંતકથા છે દેદાની.
દેદો
લોકજીવનના રીત-રિવાજો, પ્રથાઓ અને પરંપરાઓ, માન્યતાઓ કે વરત-વરતોલાં નિરર્થક નથી હોતા. એમાં પ્રકૃતિ સાથેનો તાલમેલ અને સામાજિક અનુસંધાન અને  ગોઠવણ હોય છે. 
અષાઢ સુદ અગિયારસથી પૂનમ એટલે ગૌરીવ્રત-ગોર્ય-અલૂણાવ્રત એટલે કે મોળાકત. નાનકડી કન્યાઓનું વ્રત.પાંચ દિવસ મીઠા વગરનું મોળું ખાય. પૂનમની રાતનું  જાગરણ કરે..
જાગરણમાં કન્યાઓ  ‘દેદો’ કૂટે છે. દેદા નામના કોઇ શૂરવીરને યાદ કરીને દેદાના રાજિયા ગાય છે. છાજિયા કૂટે છે.
એકલે હાથે લડીને,પોતાના પ્રાણની આહૂતિ આપીને કુંવારા દેદાએ ચાલીસ કન્યાઓને મુસ્લિમ સુબાના સકંજામાંથી છોડાવેલી.એ ઋણ યાદ કરીને કન્યાઓ દેદાના મરશિયાં ગાય છે.
દેદાનો રાજિયો
દેદો પીઠી ભરેલો લાડડો રે,
દેદાને જમણે હાથે મીંઢોળ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને માથે છે કેસરી પાઘડી રે,
દેદાને ખંભે ખંતીલો ખેસ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને રોજી ઘોડી છે રાંગમાં રે,
દેદાને જમણે હાથે તલવાર..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
૦૦
દેદાના છાજિયા
દેદો કૂટ્યો,     હાય હાય..
કોણે માર્યો,    હાય હાય..
લીળનો લાડો,હાય હાય..
મીંઢળબંધો,   હાય હાય..
દેદો કોણ હતો ? ક્યાંનો હતો એના ઐતિહાસિક તથ્યો  કરતાં વધારે મહત્વની વાત એ છે કે દૂરના ભૂતકાળમાં બનેલી ઘટનાનો તંતુ કેટલીયે પેઢીની કન્યાઓએ પકડી રાખ્યો છે.આ પરંપરાનું સામાજિક મૂલ્ય પણ છે.આપ્તજનના મૃત્યુ વખતે મરશિયા અને છાજિયા કૂટવાની નાની દીકરીઓને તાલીમ મળે છે.આ જ તો લોકજીવનની જીવંત પાઠશાળા છે.મોં વાળતાં શીખે છે. ‘લવો’ વાળતાં ( વિલાપના વેણ બોલતાં) શીખે છે. રૂદનની કળા શીખે છે.
મરશિયાની મોજ
કોઇ લગ્નગીત સારાં ગાતું હોય, કોઇ રાસડાની જમાવટ કરતું હોય, કોઇને ભજનની ફાવટ હોય, કોઈ ધોળ-કીર્તનમાં પાવરધું હોય, પણ નાગાજણ ગઢવીની ઘરવાળીને રોવાનો કસબ હાથ બેસી ગયેલો.એ જ્યારે કોઈના મરણ ટાણે મરશિયાં ગાય ત્યારે ઝાડવાં રોવરાવે..એવું એનું કલ્પાંત… એવાં એનાં વેણ…
ગામલોકો કાયમ નાગાજણને કહેતા કે નાગાજણ તું મરીશ ત્યારે તારી ઘરવાળી કાંઇ મણા નહીં રાખે..તે દી તો પાણા ફાટી પડશે..
અને નાગાજણને જીવતેજીવ પોતાનાં મરશિયાં સાંભળવાનું મન થયું. એ  માટે નાગાજણે પોતાના મરણના ખોટાં સમાચાર મોકલીને સંતાઇને મરશિયાંની મોજ માણી. અને તે દી વગર વરસાદે નેવાં નીતરેલાં.જડ-ચેતન રોયેલાં. પણ નાગાજણને એ મોજ બહુ મોંઘી પડેલી. 
“ચારણ ! મેં તારા મરશિયાં ગાયાં.તને મૂઓ ભણ્યો.. તું હવે મડું ગણાય…અને મડાનું મોઢું નો જોવાય..તું જતો રે’ ચારણ !” 
અને એ ચારણ્યે આખું આયખું પતિનું મોઢું ન જોયું.
( ‘મરશિયાની મોજ’, સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૪, ઝવેરચંદ મેઘાણી)
પરંપરાગત મરશિયાં, રાજિયા અને છાજિયા લોકની વેદનાના  ઉદગાર છે.સ્વજનના મૃત્યુના આઘાતને ગાઈને હળવો કરનારા શોકોદ્ગાર છે.તો કોઇ સ્વજન , કોઇ વીર , કોઇ આત્મીય મિત્રના શોકમાં કે પછી વિરહમાં ઝૂરતાં પાત્રોના વલોપાતને લોકવિઓએ દુહા, ગીત કે છંદમાં ઉતાર્યા છે. અને લોકકંઠે એને ઝીલ્યા છે.
હમીરજી ગોહિલ
દરિયા જેવડી સેના લઈને ઝફરખાન  સોમનાથનું મંદિર તોડવા આવે છે એવા વાવડ મળતાં અરઠિલાના ભીમજી ગોહિલનો નાનેરો કુંવર હમીરજી  પોતાના બસો જેટલા લવરમૂછિયા ભેરુબંધોને લઇને સોમનાથની સખાતે ઉપડ્યો. રસ્તામાં ગીરની ઘાટી વનરાઇમાં રાતવાસો કર્યો. રાતના બીજા પહોરે કોઇ રૂદન સાથે ગાતું હોય એવું સંભળાયું. હમીરજીએ એ દિશામાં પગલાં માંડ્યાં. એક ઝૂંપડામાં એક ચારણ્ય આઈ પોતાના દિવંગત દીકરાને યાદ કરીને મરશિયાં ગાતાં હતાં.
” આઈ ! હું મરવા જાઉં છું. સોમનાથ દાદાને મારું શિર ધરવા જાઉં છું. મરતાં પહેલાં તમારા કંઠે મારાં મરશિયાં સાંભળવાની હોંશ છે… ગાશો ?
” અરે, દીકરા ! તું તો લીલો છોડવો…તારા જીવતાના મરશિયાં મારે કેમ ગાવાં ?”
” તો આઇ..! મારી અંતવેળાએ મને મરશિયાં સંભળાવશો ?”
” ભલે, દીકરા..!”
અને આઈએ વચન નિભાવેલું.
એ પ્રસંગના મરશિયા દુહા ઘણા પ્રચલિત છે.
૦૦
વન કાંટાળાં, વીર ! જીવીને જોવા રિયાં,
એવો આંબો અળવ, હમીર ! ભાંગ્યો મોરીને ભીમાઉત.
પાટણ આવ્યાં પૂર, ખળહળતા ખાંડા તણાં;
શેલ્યો માહીં તું શૂર, ભેંસાસૂર શો ભીમાઉત.
રતન ગિયું રોળ..
જેતપુરને પાદર વહેતી ભાદર નદીમાં માલધારી ચારણની પત્ની તણાઇ જાય છે. ચારણ્યના વિજોગમાં ચિત્તભ્રમ થયેલા ચારણનાં મરશિયાં સાંભળીને જેતપુરના રાજા પોરહા વાળાનું કાળજું ચિરાય છે. કોઇ લોકકવિએ રચેલા આ મરશિયા દુહા લોકસાહિત્યમાં નોખી ભાત પાડે છે.
૦૦
હુતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોઇ;
કામણગારું કોઇ, પાદર તમાણું, પોરહા !
હતી કામણની કોર, છેડેથી છૂટી ગઇ;
મારું રતન ગિયું રોળ, પાદર તમાણે, પોરહા !
તરિયા ગઈ , તૃષ્ણા રહી, હૈયું હાલકલોલ;
રતન ગિયું રોળ, પાદર તારે પોરહા !
તરસ્યા જાઇં તળાવ, સરોવર સૂકે ગિયાં;
અગનિ કિં ઓલાય, પાણી વિનાની, પોરહા !
ચેલૈયો
અતિથિ થયેલા અઘોરી સાધુની હઠના કારણે વહાલસોયા દીકરાનું માથું ખાંડણિયામાં ખાંડવા માટે ચંગાવતી અને સગાળશા તૈયાર થયા છે. શણગાર સજીને, હસતા મુખે , હાલરડું ગાતાં-ગાતાં લાડકવાયાનું મસ્તક ખાંડે છે એટલે એ ‘ચેલૈયાનું હાલરડું’ કહેવાય છે. પણ છે તો વિલાપ અને આક્રંદનાં સૂર. એ રીતે આ ‘ચેલૈયાનું મરશિયું’ છે. ધર્મના નામે ચડેલી એક ઘાતકી ઘટનાનું આ ગીત એની કરૂણતાને કારણે ઘણું લોકપ્રિય છે.
૦૦
મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને
મારે હાલરડે પડી હડતાળ, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને..
અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અને જાડેરી જોડશું જાન;
ઓચિંતાના મરણ આવિયાં,એને સરગેથી ઊતર્યાં વેમાન- કુંવર ચેલૈયા…
વળી નમે તો ભલે નમે, તું કાં નમ્ય ઘરના મોભ ?
જેના કંધોતર ઊઠી ગિયા, એને જનમો-જનમના સોગ-કુંવર ચેલૈયા..
લોકગીતોમાં વિલાપના સૂર
લોકગીતોમાં હરખ પણ ગવાય છે, શોક પણ. હાલરડાં છે, લગ્નગીતો છે..તો મરશિયાં પણ છે. રાસડાની તાળી છે તો છાતીને લોહીલુહાણ કરતી -છાજિયા કૂટતી હથેળી પણ છે. આભલાં ભરેલો કમખો ને ચોખલિયાળી ચૂંદડી છે તો શોકનાં કાળાં મલીર પણ છે.
કવળાં સાસરિયાં, પાતળી પરમાર્ય, જળદેવતાને બલિદાન(માધાવાવ), હાજી કાસમની વીજળી , નગર સાસરે – જેવાં કેટલાંય ગીતોમાં મૃત્યુ પછીનું ક્રંદન છે. ગામડે-ગામડે રાવણહથ્થો વગાડતા ભરથરી-નાથબાવા અને તૂરીઓએ રચેલાં અને ગાયેલા અનેક કથાગીતો તેમજ બહારવટિયાઓની ‘કરૂણપ્રશસ્તિઓ’ આજે પણ ગવાય છે.
ઉત્તરા-અભિમન્યુ
પરંપરાગત મૃત્યુગીતોમાં પૌરાણિક કથાનકો પણ ગવાય છે .એમાં અભિમન્યુ અને ઉત્તરાની કથાના રાજિયા નોંધનીય છે.
મને મારીને રથડા ખેલ રે, બાળારાજા !
કે મેં તો ધાવતાં બાળ વછોડ્યાં રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો છાણે છાણું ભાંગ્યું રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો દીવે દીવો કીધો રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે હું તો પગ રે પાનીએ ધોતી રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે મેં તો વહેતી નીકે પગ દીધા રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
૦૦
અભિમન્યુનો રાજિયો
અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :
ગયા દોશીડાને હાટ રે, ઘરચોળાં વસાવે મોંઘા મૂલનાં :
આપ્યાં ઓતરાને હાથ રે,ઓતરા હોંશીલીને પહેરવા:
પહેર્યાં છે વાર-તહેવાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં:
લોકસાહિત્યના મોંઘેરા મોતી જેવા
મરશિયા દુહા
આંબેથી ઉડેલ, બાવળ મન બેસે નહીં;
ચંદનવન ચૂકેલ, વન કોઈ વિસામો નહીં.
લાગેલ હત જો લા’, આડા પડીને ઓલવત;
પણ દલડે લાગ્યો દા , હડેડ્યો ડુંગર હેમિયા.
ગર્ય સળગી ગજબ થિયો, સળગ્યાં સાતે વન;
લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને બાનરા.
કાપડ ફાટ્યું હોય તો, તાણો લઈને તૂણીએ;
કાળજ ફાટ્યું હોય, સાંધો ન મળે સુરના.
સિંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય;
લોડણ ચડાવે લોય, તારી ખાંભી માથે ખીમરા .
ભરદરિયે કોઇ વહાણ, ભેડાનું ભાંગી ગિયું;
પંડ્ય થિયાં પાખાણ, રસ ગ્યો, રેશમિયા !
મળશું મેળે-ખેળે, મળશું ગામ ગિયાં;
એ સજણ નહીં સાંપડે, જે ધરતી ઢંક થિયાં.
તારી કવિતા તણાં, જેણે પીધેલ હોય પાણી;
એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી.
(કવિ કાગ)
લેખક સઘળા લોકની, ટાંકું તોળાણી,
તે દી વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી.
(કવિ કાગ)
સંસ્કૃત સાહિત્ય અને મરશિયાં
સંસ્કૃત સાહિત્યમાં સ્વજનના મૃત્યુ પછીના  આવા શોકોદ્ગારો ‘વિલાપ’ નામથી ઓળખાય છે. કવિ કાલિદાસ કૃત ‘કુમારસંભવ’માં શિવના ત્રીજા નેત્રથી બળીને ભસ્મ થયેલા કામદેવ પાછળ રતિનો વિલાપ ઘણો જ હૃદયદ્રાવક છે.
રતિવિલાપ
” તમારી આવી દશા છતાં હું ફાટી પડતી નથી ! કેવી કઠોર હોય છે સ્ત્રીઓ..!”
न विदीर्ये कठिना: खलु स्त्रिय: |
(कुमारसंभव ४/५)
“મારું જીવન તમને સમર્પિત હતું, છતાં પળવારમાં બંધન તોડીને તમે અદૃશ્ય થઇ ગયા..?જળનો ધસમસતો પ્રવાહ કમળવેલીને તોડીને વહી જાય તેમ મને સાવ અનાથ કરી મૂકી ? મારો અપરાધ શું ?”
૦૦
અજવિલાપ
નગરના ઉપવનમાં રાજા અજ અને રાણી ઈન્દુમતી વિહાર કરી રહ્યાં છે. એ વખતે દેવર્ષિ નારદ આકાશમાર્ગે પસાર થયા. નારદની વીણાના અગ્રભાગે દૈવી પુષ્પોથી ગૂંથેલી માળા હતી તે પવનના વેગને કારણે  ઇન્દુમતીના વક્ષ:સ્થળ પર પડી. ઇન્દુમતીનું મૃત્યુ થયું. પ્રિયતમાના મૃત્યુના શોકથી રાજા અજ વિલાપ કરવા લાગ્યા.
‘ રાત્રિ પુનઃ ચન્દ્રને મળે છે. ચક્રવાકી ચક્રવાકને મળે છે. અને એટલે જ એ બે તો વિરહ ખમી શકે છે. પણ તું તો હમેશ માટે ચાલી ગઈ. આ મારાથી કેમ સહેવાશે ?
(રઘુવંશ ૮/૫૬)
गृहिणी सचिव: सखी मिथ: प्रियशिष्या ललिते कालविधौ |
करुणाविमुखेन मृत्युना हरता त्वां वद किं न मे हृतम ||
(रघुवंश ८/६७)
(તું મારી ગૃહિણી, મંત્રી, એકાંતમાં સખી, લલિત કલાવિધિમાં પ્રિય શિષ્યા હતી.ઘાતકી મૃત્યુએ તને એકલીને હરી નથી.તને હરીને, મારું કહે, શું શું નથી હરી લીધું ?)
૦૦૦
મંદોદરીવિલાપ
(તુલસીદાસ, રામચરિત માનસ, લંકાકાંડ)
तव बल नाथ डोल नित धरनी |
तेज हीन पावक ससि तरनी ||
सेष कमठ सही सकहीँ न भारा |
सा तनु भूमि परेउ भरी छारा ||३||
હે નાથ ! તમારા બળથી પૃથ્વી કાંપતી રહેતી. અગ્નિ, ચંદ્ર અને સૂર્ય તમારી સામે તેજવિહીન લાગતા. શેષ અને કચ્છપ પણ જેનો ભાર સહન ન કરી શકતા એ જ તમારું શરીર આજ ધૂળમાં પડ્યું છે.
૦૦૦૦
મદાલસા આખ્યાનમાં સતી મદાલસાના વિરહમાં રાજા ઋતુધ્વજનો વિલાપ પણ જાણીતો છે.
આધુનિક કવિતામાં મરશિયાં અને મૃત્યુ વિષયક સંવેદનો 
મડદું, મસાણ અને મરશિયાની નજીક જવામાં સહેજે ખચકાટ થાય  એટલે કદાચ આધુનિક સર્જકો દ્વારા મરશિયાં ઓછાં લખાયાં છે.પણ, જેટલાં લખાયાં છે  એમાં પરંપરાગત સ્વરૂપ નું પોત અને કાવ્યત્વ  સારી રીતે પ્રગટે છે.
મારા ધ્યાનમાં થોડાં આવ્યા છે.
રમેશ પારેખ
કાંધ રે દીધી ને દેન દીધાં રે, સોનલદે !
પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી.
આ  ઉપરાંત ‘રાણી સોનલદેનું મરશિયું’ ધ્યાનાહાર્ય છે. 
‘લાખા સરખી વારતા’  એ દીર્ઘકાવ્યનો એક અંશ જુઓ:
°
વીર કાચી રે કરચથી કપાણો, હાય હાય !
વીર ઊભી રે બજારમાં મરાણો, હાય હાય !
વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાય હાય !
વીર હાથપગધડનો ત્રિભેટો, હાય હાય !
વીર કાગળ-પતરમાં લખાશે, હાય હાય !
વીર વારતામાં ફૂલડે ગૂંથાશે, હાય હાય !
°°
વીર અડધો મર્યો ને આખો પાળિયો ખોડાય.
વીર અડધો મર્યો ને આખી ચૂડિયું ફોડાય.
વીર અડધો મર્યો ને આખી છાતીયું કૂટાય.
વીર અડધો મર્યો ને આખી છાવણી રંડાય.
◆ 
માધવ રામાનુજ
હળવા તે હાથે ઉપાડજો, અમે કોમળ કોમળ
સાથરે ફૂલડાં ઢાળજો, અમે કોમળ કોમળ..
આયખાની આ કાંટયમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે, અમને રૂંધ્યા રગેરગ,
ઊનાં તે પાણીડે ઝારજો, અમે કોમળ કોમળ..
ખેપનો થાક ઉતારજો, અમે કોમળ કોમળ..
રાવજી પટેલ 
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો, વીરા ! શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
સંજુ વાળા
સૂમસામ સન્નાટો પહેરી લખલખવું ચોધાર: બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર: બલમજી
ખરેડે ઘરના ટોડલા, ખરતાં મેડી-માઢ;
રે કડકડતી ટાઢ, ખમવી કિયા ખંતથી ?
પેલ્લી મારી રાતી ચટ્ટક ચૂંદલડી અંગાર: બલમજી
સેંથીમાં ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર: બલમજી
અરવિંદ બારોટ 
મોભીનું  મરશિયું
ચાંદલે- ચૂડલે ચોર પડ્યા, હાય રામ ! 
મોટા ઘરના મોભ ખડ્યા , હાય રામ !
ઢળ્યા ઢોલિયે  ધાડ પડી, હાય રામ ! 
વાડી  માથે   વીજ  પડી, હાય રામ ! 
જોરાવર   જોધાર  પડ્યા, હાય રામ ! 
પલંગમાં   પોકાર  પડ્યા,  હાય રામ ! 
કૂણી કાતળિયે વાઢ પડ્યા,હાય રામ !
મેડીબંધા    માઢ    પડ્યા, હાય રામ ! 
તડકે  મેલી  તેલ  છાંટ્યાં, હાય રામ ! 
પાઘડિયાળાં ચીર  ફાટ્યાં, હાય રામ !
માથાં વાઢી ધડ રખડાવ્યાં, હાય રામ !
અંતરિયાળાં કાં રઝળાવ્યાં, હાચ રામ !
કૂવે  ઉતારી  વરત વાઢ્યાં, હાય રામ ! 
પગલે પગલે થોર ઉગાડ્યા,હાય રામ ! 
શગે  બળતા  દીવા  ઠાર્યા, હાય રામ !
ટહુકા  કરતા   મોર   માર્યા, હાય રામ !
પારૂલ ખખ્ખર
ગુલમહોરનું મરશિયું
ફટ રે મૂવા કાળ, અરે તે ઝાડને માર્યું !
ફટ રે કાયર , મારી મારી ને ઝાડને માર્યું !
હાય..રે મારી રંગભરી મોલાતને મારી,
હાય..રે મારા છાંયડાની સોગાતને મારી,
હાય..રે મારી રાત,
મારી વાત
મારી આખેઆખી જાતને મારી !
નેહા પુરોહિત
માતા કુંતાના મુખે અભિમન્યુનું મરશિયું
હાય રે, મારાં પેટ ! તું રણે હાય રોળાણો,
હાય રે, મારાં પેટ ! તું ખાંભી થઈ ખોડાણો.
હાય રે, મારા બાળ !તું મારી આંખનું રતન
રાખડી બાંધી  તોય ના થયું જીવનું જતન
હાય રે, તને હણનારા પર કાળ ઝળૂંબે,
હાય રે, એને જળનું ટીપું એક ન પૂગે. 
હાય રે, તારું શોણ પીધેલી ભોમકા લાજો !
હાય રે, એની કૂખ ભવોભવ વાંઝણી થાજો !
હાય રે, એનાં થાન વસૂકે આગ ભભૂકે,
હાય રે, એને આભ કદી વાદળ ન ઝૂકે.
રાહુલ તૂરી
પાનેતરનું થયું અચાનક મોત, 
કે માથે થોપી દીધો પોથ,
રહી ના કોઈ દિશાની ઓથ…
હુંશીલા હાય હાય…
મૂકી ચાલ્યા હાય નોઁધારા,
પૂગ્યા છેક તમે પરબારા,
આંખે આંસુડાંની ધારા,
ભરિયા સાત સમંદર ખારા..
ટાઢી થઇ ગઇ ઝળહળ જ્યોત…
છોગાળા હાય હાય..
તમ વિણ કેમ કરી રહેવાશે ?
મનખો કેમ કરીને જાશે..?
ઘરની દિવાલો પડઘાશે,
સઘળું મુજથી ના સહેવાશે..
જીવતર ફાટી ગ્યેલું પોત…
છબીલા હાય હાય…
મરશિયા, રાજિયા કે છાજિયામાં તો વિલાપ હોય, આક્રંદ હોય. પણ રાવજી પટેલે ચીલો ચાતરીને એક દંભી, લોભી,કુટિલ, લંપટ અને મિથ્યાભિમાની પાત્ર હુંશીલાલની ટીખળમાં મરશિયાના સ્વરૂપની રચના કરી છે. કરૂણ જ્યારે વિકૃત થાય ત્યારે હાસ્યમાં પરિણમે એ વાતનું આ સરસ ઉદાહરણ છે.
રાવજી પટેલ
સ્વ. હુંશીલાલની યાદમાં
છાજિયા
હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ નરદમ કડકો
હાય હુંશીલાલ ગામનો પાડો
હાય હુંશીલાલ આંખ ઉઘાડો
હાય હુંશીલાલ અમને વરતો
હાય હુંશીલાલ હમ્બો હમ્બો
લાગણી અને મમતાથી બંધાયેલા માનવીને આપ્તજનના મરણનું દુઃખ અસહ્ય લાગે છે. આઘાતના કારણ ચિત્તતંત્ર હચમચી જાય છે. હૈયા પર આકરો બોજ વરતાય છે. જીવવું વસમું થઇ પડે છે. ત્યારે રૂદન કરીને હૈયું ખાલી કરવું જરૂરી છે. મરશિયાના સૂર અને શબ્દોથી સંવેદના પ્રવાહિત થાય છે. ડૂમો ઓગળે છે.અને વાસ્તવિકતાના સ્વીકારની ભૂમિકા રચાય છે.
મરશિયા હવે લુપ્ત થવાના આરે છે. મમત્વ હોય એટલે પીડા હોય જ.
આવનારા સમયમાં વેદના અને વલોપાત હશે, પણ વહેવા માટે ‘વેણ’ નહીં હોય.
કલ્પાંત હશે, એની કલા નહીં હોય…
સંદર્ભ:
લોકસાહિત્યનું સમાલોચન -ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર,ભાગ ૪,૫ -ઝવેરચંદ મેઘાણી
રઢિયાળી રાત, ભાગ ૧,૨,૩- ઝવેરચંદ મેઘાણી
યુગવંદના-ઝવેરચંદ મેઘાણી
કાગવાણી ભાગ ૩-કવિ દુલા ભાયા કાગ
કરુણપ્રશસ્તિ કાવ્યો-સં: ધીરુભાઈ ઠાકર
પરબ – નવેમ્બર, ૨૦૧૬
कुमारसम्भव-कवि कालिदास
रघुवंश- कवि कालिदास
रामचरितमानस -तुलसीदास
उर्दू-हिंदी शब्दकोश-सं:डॉ.सच्चिदानंद शुक्ल/ ज़हिर हसन कुद्दूसी.

Taajgi


Mઘણાં લોકો અભિવ્યક્તિના નામે અહી- તહી વિચારોની ઉલટી કરતા ફરતા હોય છે. ને મગજમાં – દિલમાં આવ્યું બેબાકપણે બોલી – લખી નાખ્યું.

માનવીના મગજમાં સેંકડો વિચારોની આવનજાવન હોય છે.મનુષ્યનો એની પર ખાસ કોઈ કન્ટ્રોલ નથી હોતો. અમુક સિદ્ધ કહેવાતા લોકોને પણ આ વાત નિર્વિવાદપણે નડતી જ હોય છે. તમારા વિચારોને તમારા જીવન, આજુબાજુની દુનિયા, તમારી મહત્વાકાંક્ષા,લાગણી, ગમા અણગમા સાથે સારી એવી ગાઢ દોસ્તી હોય છે. જો એમાંથી તમે વ્યક્ત થવા માટે એમાંથી યોગ્ય વિચારની પસંદગી કરી શકો તો તમારી અડધી સમસ્યાઓનો ત્યાં જ ઉકેલ આવી જાય છે.

ઉદભવતા વિચારોમાંથી યોગ્ય વિચારની પસંદગી જેટલી સમજણના બીજ આજના જ શુભ ચોઘડિયે સર્વેમાં રોપાય ને વિકાસ પામે એવી શુભેચ્છા સાથે શુભ સવાર.

સ્નેહા પટેલ.

1-5-2019

Miss perfectionist


Phulchhab newspaper > 20-9-2017> navrashni pal column

મિસ પરફેક્શનીસ્ટઃ

 

ક્યાં કહું છું કે દાવ છોડી દો?

ખેલ ખેલો, તણાવ છોડી દો.

-ડો. મનોજ જોશી ‘મન’

 

શતરુપા એની કોલેજના બસસ્ટોપ પર ઉભી હતી. બસને આવવાને હજુ પાંચ દસ મિનિટની વાર હતી. શતરુપાને સમય કરતાં થોડાં વહેલા જ પહોંચી જવાની ટેવ હતી. છેલ્લી મિનિટ સુધી ઘરમાં પરવાર્યા વિના હાંફ્ળા ફાંફળા ફર્યા કરવાનું એને સહેજ પણ પસંદ નહતું. એના ઘણાં બધા મિત્રોને એવી ટેવ હતી.સવારના ઉઠીને મોબાઈલમાં માથું ઘાલીને બેસી જાય, ટીવી ચાલુ…છેલ્લે જોવા જાવ તો બસને આવવાની દસ પંદર મિનિટ માંડ બાકી હોય અને એ લોકોની બેગ ભરવાની, લંચબોકસ, વોટરબોટલ, કપડાંનું મેચીંગ બધું બાકી હોય. ઘણીવખત વહેલાં ઉઠ્યાં છતાં એ લોકોને નહાવાનું સ્કીપ કરવું પડે. શતરુપાને એવું બધું નહતું પસંદ. એને બધું ટાઈમ ટુ ટાઈમ જોઇએ.

 

‘મિસ પરફેક્શનીસ્ટ’

 

રોજ સવારે બસ સ્ટોપ પર આવીને એ વધેલી દસ મિનિટ આજુબાજુનું નિરીક્ષણ કરવામાં પસાર કરતી. એની સાથે બસમાં એક આંટી ચડતાં. તેલ નાંખીને સુવ્યવસ્થિત રીતે ઓળાયેલા વાળ, કપાળ પર બરાબર મધ્યમાં મધ્યમ કદનો ગોળ લાલ ચાંદલો, આર કરેલી અવરગંડીની સાડી, હાથમાં ટીફિન, ફાઈલ ને ખભે મરુન ચોરસ પર્સ, પગમાં કોલ્હાપુરી ચંપલ. બધું જ વ્યવસ્થિત. શતરુપાને એમને જોવાની બહુ મજા આવતી. મનોમન એ સ્ત્રીની એ મોટી ફેન બની ગઈ હતી. ઘણી વખત એ સ્ત્રી ફોન પરથી એની કામવાળી બાઈ સાથે વાત કરતી.

 

‘રાધા, આજે રસોડાનું કબાટ ખાલી કર્યું છે. તો ત્યાં કચરો વાળી, પોતું કરીને પેપર મૂકીને બધું સરખું પાછું ગોઠવી દેજે. પ્લેટફોર્મ પર કાલનો હાંડવો છે એ લાલ ડબ્બામાં મૂકેલો છે એ તું લઈ જજે. તારા દીકરાને બહુ ભાવે છે ને એટલે થોડો વધુ બનાવેલો.’

 

‘……..’  સામે છેડેથી કંઈક બોલાય અને એ સ્ત્રી આખી વાત ધ્યાનથી સાંભળે પછી જવાબ વાળે,

 

‘હોય હવે રાધા, એ ય પુરુષ જાતિ છે, કંટાળે ને  ધોલધપાટ કરે તો સહી લેવાનું…તારે થોડું ચલાવી લેવાનું. તારી જાતિમાં તો આવું બધું ચાલ્યા જ કરવાનું બેન. એને સમજાવવાનો પ્રયત્ન કરતા રહેવાનું, અકળાવાનું નહીં.’

 

ઘણીવખત એ એમની સખીઓ સાથે વાત કરતી.

 

‘હાય બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ.’

 

‘……’

 

‘હા. આજે સાંજે ધાત્રીના ઘરે ચોક્કસ મળીએ છીએ. એનો પતિ એને આમ અપશબ્દો બોલે, અપમાન કરે એ કેમનું ચલાવી લેવાય? આપણું મહિલા મંડળ એને બરાબરનો પાઠ શીખવીશું.’

 

એની વાતોના અમુક અંશો ઘણી વખત શતરુપાના કાને પડતાં. આજે પણ આવા બે ફોન સળ્ંગ આવ્યાં ને એમાં સાવ જ વિરોધાભાસી વાત જોઇને એ ચમકી ગઈ. એનાથી ના રહેવાયું ને એ બોલી,

 

‘હાય આંટી, એક વાત પૂછી શકું?’

 

‘બોલ ને બેટા, એક શું બે વાત પૂછ.’

 

‘આંટી તમે તમારી કામવાળીને એનો પતિ મારપીટ કરે છે તો પણ ચલાવી લેવા કહ્યું અને તમારી બહેનપણીને એનો પતિ અપશબ્દો બોલે છે તો પણ એની ખબર લઈ નાંખવાની વાત કરી. આ બધું મને સમજાયું નહીં. આવું વિરોધાભાસી વલણ કેમ?’

 

‘હા, તારી વાત સાવ સાચી છે. તને ખબર છે?  માનવીના અલગ અલગ સમાજ, રીતિરિવાજો, વિચારસરણી હોય છે. એમની સમસ્યાઓનું સમાધાન આપણે એમના લેવલે જઈને શોધવું પડે. હવે આ કામવાળીને એમ કહું કે તારો વર મારે તો તારે સામે હાથ ઉપાડવાનો કે પોલિસમાં જઈને ફરિયાદ કરી દેવાની તો એ એવું કરી શકવાની નથી. કારણ એમનામાં પુરુષો વર્ષોથી આમ જ વર્તન કરતાં આવ્યાં હોય છે ને એ સ્ત્રીઓને આ બધું સામાન્ય સહજ જ લાગવાનું. એમનું માનસ આ બળવાની વાત એક ઝાટકે સ્વીકારી જ ના શકે. સૌથી પહેલાં તો એની સાથે અન્યાય થાય છે એ વાત એને સમજાવી જોઇએ અને એનો રસ્તો શોધવા આપણી પાસે આવે તો આપણે એને આગળ વધવાનો રસ્તો બતાવાય, બાકી પહેલાં એને સમજાવો કે તારી સાથે અન્યાય થઈ રહ્યો છે ને પછી એની સામે લડવાના રસ્તા બતાવવાના..આ બધા ચકકરોમાં એ કમાવા ધમાવાનું છોડીને આમાં જ પડી પાથરી રહે તો બની શકે એના છોકરાંઓને એક ટંકનો રોટલો ગુમાવવાનો વારો આવે એટલે એમના સંસારને છંછેડવાની આપણે કોઇ જરુર નથી હોતી.  આપણાં સમાજમાં આજે ઘણાં ઘરોમાં માસિક ધર્મ દરમ્યાન પણ કોઇ આભડછેટ નથી પળાતી, બધી સ્ત્રીઓ આરામથી રુટિન વર્ક કરે છે,  ઘણી તો મંદિરમાં સુધ્ધાં જાય છે. એ દિવસોમાં ખાવાપીવામાં વધારે ન્યુટ્રીશિયનસ ફૂડ લે છે જેથી એમને કામ કરવાની તાકાત મળતી રહે. મહિનાના પાંચ દિવસ આમ અટકી જવાનું આજકાલની નારીને સહેજ પણ ના પોસાય. પણ આ જ વાત હું મારી કામવાળીને કહું તો એની આંખો પહોળી થઈ જાય, જીભ બહાર નીકળી જાય..કદાચ બીજા દિવસથી એ મને પાપી ગણીને મારા ઘરે કામ કરવા આવવાનું જ છોડી દે. દરેકના સામાજીક, માનસિક સમજણના સ્તર અલગ અલગ હોય છે. એમની રહેણી કરણી જોઇને જ આપણાંથી વાત કરાય. હું કામવાળી બાઈ રાધાને પણ પરિવર્તનની વાતો કરું છું પણ એ જે લેવલે છે એનાથી એને એક સ્ટેપ આગળ લઈ જવાય તો એને સ્વીકાર્ય હોય. બાકી હજી એ પરિવર્તનના નામે એબીસી શીખતી, સ્વીકારતી હોય અને આપણે છેક ઝેડ કક્ષાની સલાહ આપીએ તો એને પચે નહીં અને એ સ્વીકારી પણ ના શકે. હું મારા પોતાના ઘરની વાત કરું તો મારા દીકરા અને દીકરીના કામકાજમાં કોઇ જ ફરક નહીં. દરેક માણસે ઇવન મારા પતિદેવ પણ પોતાના ઘણાં ખરા કામ જાતે કરી લે, હું નોકરી કરીને ઘરમાં આર્થિક સહાય કરું છું એટલે એ ઘરકામમાં મારો સાથ આપવાની એમની ફરજ સમજે છે. પણ આ બધું આપણાં જેવા સુશિક્ષિત અને સ્વીકારવા તૈયાર હોય એવા લોકોની વાતો. પણ કોઇનું માનસ ફ્લેક્સીબલ ના હોય તો સમાજના દરેક પરિવર્તન એણે સ્વીકારવા એવી ફરજ પાડીને એનું મગજ ના ખાવાનું હોય. વળી પરિવર્તનના નામે હક જોઇતા હોય તો આપણી સામે ફરજ પણ વધી જાય છે એનું પણ ધ્યાન રાખીને એ ફરજ બજાવવાની માનસિક – શારીરિક તૈયારી રાખવી જોઇએ. આ બધું એક ઝીગ શો પઝલ જેવું હોય છે બેટા, દરેક પીસ એની યોગ્ય જગ્યાએ ગોઠવવાની સમજણ ને આવડત જોઇએ નહીં તો આખું પિકચર બગડી જાય, વેરણ છેરણ થઈ જાય.’

 

‘માય ગોડ આંટી તમે કેટલી મોટી વાતો કરી દીધી. મને તો સપનામાં પણ આવા વિચાર ના આવે. હું તો કોઇ માણસ બોલે એટલે એના પરથી જ એને જજ કરી લઉં પણ આજે સમજાયું કે દરેક માણસના સમાજ અલગ અલગ હોય છે. આપણે વાત કરવા – સમજવા એ માનવીના માનસિક લેવલ સુધી પહોંચવું પડે તો જ સાચી સ્થિતીનો તાગ કાઢી શકીએ.’

 

‘સારું ચાલ હવે, આપણી બસ આવી ગઈ.’  અને બે ય જણ સામસામે મીઠું મરકીને બસમાં ચડી.

 

અનબીટેબલઃ પરિવર્તનનો પવન ધીમો પણ મક્કમ હોય, વાવાઝોડું હંમેશા વિનાશકારી જ નીવડે છે.

 

-સ્નેહા પટેલ.

God bless u


ગોડ બ્લેસ યુ !

માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.

– પાર્થ તારપરા

 

ચોમાસાની ભીની ભીની એક સાંજ હતી અને અનોખી એની મનપસંદ જગ્યા- બગીચાની એની

મનપસંદ બેન્ચ પર બેઠી હતી. સાંજનો પાંચથી છ વચ્ચેનો આ સમય એ પોતાના માટે ચોરી લેતી અને બગીચામાં અડધો કલાક ચાલીને આ બેન્ચ પર બેસીને આજુબાજુની હસતી – ખિલખિલાતી બાળપણ – જુવાન – વૃદ્ધ બધી જ જિંદગીઓને અકારણ જ નિહાળતી રહેતી. હા, અમુક ઘટનાઓ, સંવાદો એના માનસપટલ  પર જાતે જ અંકાઈ જતા એ વાત અલગ હતી. આજે બપોરે  સારો એવો વરસાદ પડી ગયો હતો અને બગીચાના બધા છોડ – વૃક્ષ ધોવાઈને લીલાછમ થઈ ગયા હતાં. અમુક પાંદડા પર હજુ વરસાદની બૂંદો સચવાયેલી હતી તો અમુક બૂંદ પર્ણ પરથી ધીરે ધીરે લસરતી જતી હતી. માટીની ભીની ભીની સુગંધ, સુંવાળી – મુલાયમ હવા..અ..હા..હા..અનોખીના મગજમાં એક નશો છવાતો જતો હતો. એને યાદ આવ્યું કે, ‘નાની હતી ત્યારે એ વરસાદની કેવી ચાતક રાહ જોતી હતી ! કારણ તો એક જ..કે  વરસાદના એકઠાં થતા પાણીના પ્રવાહમાં એને કાગળની હોડી બનાવીને તરતી મૂક્વાની બહુ જ મજા આવતી હતી. આ વિચારતી હતી ત્યાં જ અચાનક એની નજર બાંકડાંની નીચે હોવાથી કોરા રહી ગયેલ એક કાગળ પર પડી. હોડી બનાવવાની તીવ્ર ઝંખના સાથે અનોખીએ એ કાગળ હાથમાં લીધું. ત્યાં જ એની સામેની બેન્ચ પર વૃધ્ધ પુરુષ આવીને બેઠો. બે ઘડી અનોખી  પોતાની ‘હોડી બનાવવાની’ બચકાની હરકત પર થોડી ક્ષોભમાં મૂકાઈ ગઈ. આ કાકા રોજ એને આ જ બેન્ચ પર જોવા મળતાં. વળી એમના મોઢા પર કાયમ કંટાળા – ગુસ્સાના વિચિત્ર ભાવ અંકિત રહેતા હોવાથી અનોખી જેવી ખુશમિજાજ સ્ત્રીને એ સહેજ પણ પસંદ નહતા. એણે ધરાર એમની તીખી લાગતી નજરને અવગણીને કાગળને ત્રિકોણ આકારમાં વાળવા જ જતી હતી અને એની નજર કાગળમાં અંકાયેલા મરોડદાર અક્ષર ઉપર પડી અને અનોખીના મનમાં એને વાંચવાનો મોહ પ્રગટી ગયો. એણે સહેજ ભેજવાળા કાગળને સીધો કરીને કરચલીઓ સરખી કરી, ભેજ્વાળો કાગળ હોવાથી શ્યાહીન થોડી થોડી પ્ર્સરી ગયેલી, વાંચવામાં તકલીફ પણ પડતી હતી પણ અનોખીએ જેમ તેમ કરીને એ લખાણ વાંચ્યું,

‘હું મારા જીવનસાથીના મૃત્યુ પછી વેઠવી પડતી એકલતાથી ખુબ જ હતાશ છું. કોઇને મારી પડી નથી, મારી દરકાર નથી કરતું – શું તમે મને કોઇ મદદ કરી શકો?’

અને અનોખી અવાચક થઈ ગઈ. આ શું ? એણે આજુબાજુ નજર નાંખી પણ કોઇ જ નોંધનીય વ્યક્તિ ના લાગી કે જેના પર આ કાગળની માલિકી હોવાનો અંદેશો જાગે!  બધા પોતપોતાની જીંદગીમાં, મસ્તીમાં મસ્ત હતાં. ત્યાં એના કાને કોઇના મોટેથી બોલવાનો અવાજ પડ્યો અને એનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયુ, આ તો પેલા કચકચીયા કાકા..રોજ રોજ એને કોઇ ને કોઇ સાથે બબાલ થતી જ હતી. આજે શિંગવાળા સાથે શિંગ ઓછી કેમ આપી? ની બાબતે મગજ ખરાબ થઈ ગયેલું. એક ધૃણાભરી નજર એમના તરફ્ નાંખીને અનોખીએ એ કાગળની નીચે ખાલી પડેલી જગ્યામાં બાજુમાં બેઠેલાં એક કોલેજીયન પાસેથી પેન લઈને એણે એની પર લખ્યું, ‘જીવન અને મૃત્યુ તો બધો ઉપરવાળાનો ખેલ છે, તમારા જીવનસાથીએ એમના કરવાના કર્મો કરી લીધા અને હવે એ જ્યાં પણ હોય ત્યાંથી તમને નિહાળતા હશે.એમની ખુશી માટે પણ તમારે ખુશ રહેતાં શીખવું જોઇએ. એકલતા એ અભિશાપ જેવી હોય છે પણ જેમ ઝેરનું મારણ ઝેર એમ એકલતાનું મારણ તમારા જેવા કોઇ એકલતાથી પીડાતા વ્યક્તિઓને મદદ કરવામાં સમય ફાળવી જુઓ, કોઇના માટે મનમાં નિસ્વાર્થ લાગણીઓના છોડ ઉછેરી જુઓ તો મારા માનવા પ્રમાણે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જ જશે.’ લિ. આપની નવી મિત્ર.’

કાગળને ગડી કરી અને એના ઉપર એક લાલ માટીનો ઇંટાળો મૂકીને એ જ જગ્યાએ બાંકડાની નીચે મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ.

એ પછી રોજ બગીચામાં આવીને એની નજર સૌપ્રથમ બેન્ચની નીચે કાગળ શોધતી પણ એ નિરાશ થતી. મનમાં વિચારતી કે એ પણ શું નું શું વિચાર્યા કરે છે? કોઇએ ક્યારેક અકળાઈને આવું લખી કાઢ્યું હોય અને કાગળ ઉડતો ઉડતો અહીં આવી ચડ્યો હોય એમ પણ બને…કાં તો શક્ય છે કે આજના જમાનામાં કોઇ આવા ‘પ્રેન્ક’ પણ કરે અને અચાનક એને પોતાની ઉપર શરમ ઉપજી આવી.

બરાબર દસ દિવસ પછી બગીચામાં પ્રવેશતાં વેંત જ અનોખીની નજરે પેલા વૃધ્ધ કાકા પર પડી. આજે નવાઈ વચ્ચે એ કોઇ સાથે ઝગડી નહતાં રહ્યાં પણ એમની બાજુવાળા સાથે હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. ‘આજે સૂરજ કદાચ પસ્ચિમમાંથી ઉગ્યો હશે’ વિચારતી હતી ત્યાં જ એની નજર બાંકડાંની નીચે પડેલ ઈંટાળાની નીચેના કાગળ પર પડી અને એણે રીતસરની દોટ જ મૂકી. કાગળ ખોલીને વાંચવા લાગી , કેમ જાણે એને પાક્કો વિશ્વાસ હતો કે આ કાગળ ચોકકસપણે પેલા એકલતાથી પીડાતા  માનવીનો જવાબ જ છે. આજે વાતાવરણ કોરું હોવાથી કાગળ – એની શાહી સહેજ પણ પલળ્યાં નહતાં.

‘પ્રિય મિત્ર, તમારી વાત સાવ જ સાચી છે. મેં મારા ઘરની બાજુમાં આવેલ અપંગ માનવ મંડળમાં જવાનું ચાલુ કર્યું છે. બહેરાં, મૂંગા, આંધળા એ લોકોની સાથે મારો સારો એવો સમય પસાર કરું છું અને બદલામાં એ લોકો મને ખૂબ જ માન આપે છે. મારા જવાની આતુરતાથી રાહ જોયા કરતાં હોય છે. એ લોકોને પૈસાની કોઇ જ પડી નથી, એના માટે ઢગલો ડોનેશન મળી રહે છે ,એમને જરુર છે તો ફકત મારા જેવા લોકોના સાથની, પ્રેમની, , હૂંફની. બદલામાં એ લોકો ધરાઈને પ્રેમ કરે છે, મારા જીવનમાં ચોતરફ પ્રેમ જ પ્રેમ છે. હું ખૂબ જ ખુશ છું.

થેંક્સ.’

અને અનોખી ખુશ ખુશ થઈ ગઈ. કાગળમાં જવાબ લખ્યો,

‘મને ખુબ જ ખુશી થઈ. આપની નવી મિત્ર આપને મળવા માંગે છે, મળશો?’ પેપર ઇંટ નીચે ભરાવીને એ વોક લેવા ગઈ. અડધો કલાકની વોક પછી એની નજર એ કાગળ પર પડી અને મનમાં ચળ ઉપડી,’કદાચ કાગળમાં જવાબ આવી ગયો હોય તો?’ એક પળ તો પોતાની બેચેની પર એને હસવું પણ આવી ગયું એમ છતાં કાગળ લેવાનો મોહ જતો ના જ કરી શકી. નવાઈ વચ્ચે એમાં પ્રત્યુત્તર હતો,

‘આપણે આમ જ પત્રદેહે મળતાં રહીશું ને..!’

અને અનોખીનું મોઢું એક પળ માટે પડી ગયું. હળવે પગલે એ ગાર્ડનની બહાર નીકળી ગઈ.

એના બહાર નીકળી ગયા પછી પેલા કચકચીયા વ્રુધ્ધ કાકાએ બાંકડાંની નીચે પડેલો કાગળ ઉઠાવીને ચૂમીને ખીસામાં મૂક્યો અને મનોમન બોલ્યાં,’ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ.’

અનબીટેબલઃ જીવનમાં પ્રેમ મેળવવા કોઇને નિઃસ્વાર્થ પ્રેમ આપી જુઓ.

-sneha patel

 

 

 

ગોડ બ્લેસ યુ !

માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.

– પાર્થ તારપરા

 

ચોમાસાની ભીની ભીની એક સાંજ હતી અને અનોખી એની મનપસંદ જગ્યા- બગીચાની એની

મનપસંદ બેન્ચ પર બેઠી હતી. સાંજનો પાંચથી છ વચ્ચેનો આ સમય એ પોતાના માટે ચોરી લેતી અને બગીચામાં અડધો કલાક ચાલીને આ બેન્ચ પર બેસીને આજુબાજુની હસતી – ખિલખિલાતી બાળપણ – જુવાન – વૃદ્ધ બધી જ જિંદગીઓને અકારણ જ નિહાળતી રહેતી. હા, અમુક ઘટનાઓ, સંવાદો એના માનસપટલ  પર જાતે જ અંકાઈ જતા એ વાત અલગ હતી. આજે બપોરે  સારો એવો વરસાદ પડી ગયો હતો અને બગીચાના બધા છોડ – વૃક્ષ ધોવાઈને લીલાછમ થઈ ગયા હતાં. અમુક પાંદડા પર હજુ વરસાદની બૂંદો સચવાયેલી હતી તો અમુક બૂંદ પર્ણ પરથી ધીરે ધીરે લસરતી જતી હતી. માટીની ભીની ભીની સુગંધ, સુંવાળી – મુલાયમ હવા..અ..હા..હા..અનોખીના મગજમાં એક નશો છવાતો જતો હતો. એને યાદ આવ્યું કે, ‘નાની હતી ત્યારે એ વરસાદની કેવી ચાતક રાહ જોતી હતી ! કારણ તો એક જ..કે  વરસાદના એકઠાં થતા પાણીના પ્રવાહમાં એને કાગળની હોડી બનાવીને તરતી મૂક્વાની બહુ જ મજા આવતી હતી. આ વિચારતી હતી ત્યાં જ અચાનક એની નજર બાંકડાંની નીચે હોવાથી કોરા રહી ગયેલ એક કાગળ પર પડી. હોડી બનાવવાની તીવ્ર ઝંખના સાથે અનોખીએ એ કાગળ હાથમાં લીધું. ત્યાં જ એની સામેની બેન્ચ પર વૃધ્ધ પુરુષ આવીને બેઠો. બે ઘડી અનોખી  પોતાની ‘હોડી બનાવવાની’ બચકાની હરકત પર થોડી ક્ષોભમાં મૂકાઈ ગઈ. આ કાકા રોજ એને આ જ બેન્ચ પર જોવા મળતાં. વળી એમના મોઢા પર કાયમ કંટાળા – ગુસ્સાના વિચિત્ર ભાવ અંકિત રહેતા હોવાથી અનોખી જેવી ખુશમિજાજ સ્ત્રીને એ સહેજ પણ પસંદ નહતા. એણે ધરાર એમની તીખી લાગતી નજરને અવગણીને કાગળને ત્રિકોણ આકારમાં વાળવા જ જતી હતી અને એની નજર કાગળમાં અંકાયેલા મરોડદાર અક્ષર ઉપર પડી અને અનોખીના મનમાં એને વાંચવાનો મોહ પ્રગટી ગયો. એણે સહેજ ભેજવાળા કાગળને સીધો કરીને કરચલીઓ સરખી કરી, ભેજ્વાળો કાગળ હોવાથી શ્યાહીન થોડી થોડી પ્ર્સરી ગયેલી, વાંચવામાં તકલીફ પણ પડતી હતી પણ અનોખીએ જેમ તેમ કરીને એ લખાણ વાંચ્યું,

‘હું મારા જીવનસાથીના મૃત્યુ પછી વેઠવી પડતી એકલતાથી ખુબ જ હતાશ છું. કોઇને મારી પડી નથી, મારી દરકાર નથી કરતું – શું તમે મને કોઇ મદદ કરી શકો?’

અને અનોખી અવાચક થઈ ગઈ. આ શું ? એણે આજુબાજુ નજર નાંખી પણ કોઇ જ નોંધનીય વ્યક્તિ ના લાગી કે જેના પર આ કાગળની માલિકી હોવાનો અંદેશો જાગે!  બધા પોતપોતાની જીંદગીમાં, મસ્તીમાં મસ્ત હતાં. ત્યાં એના કાને કોઇના મોટેથી બોલવાનો અવાજ પડ્યો અને એનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયુ, આ તો પેલા કચકચીયા કાકા..રોજ રોજ એને કોઇ ને કોઇ સાથે બબાલ થતી જ હતી. આજે શિંગવાળા સાથે શિંગ ઓછી કેમ આપી? ની બાબતે મગજ ખરાબ થઈ ગયેલું. એક ધૃણાભરી નજર એમના તરફ્ નાંખીને અનોખીએ એ કાગળની નીચે ખાલી પડેલી જગ્યામાં બાજુમાં બેઠેલાં એક કોલેજીયન પાસેથી પેન લઈને એણે એની પર લખ્યું, ‘જીવન અને મૃત્યુ તો બધો ઉપરવાળાનો ખેલ છે, તમારા જીવનસાથીએ એમના કરવાના કર્મો કરી લીધા અને હવે એ જ્યાં પણ હોય ત્યાંથી તમને નિહાળતા હશે.એમની ખુશી માટે પણ તમારે ખુશ રહેતાં શીખવું જોઇએ. એકલતા એ અભિશાપ જેવી હોય છે પણ જેમ ઝેરનું મારણ ઝેર એમ એકલતાનું મારણ તમારા જેવા કોઇ એકલતાથી પીડાતા વ્યક્તિઓને મદદ કરવામાં સમય ફાળવી જુઓ, કોઇના માટે મનમાં નિસ્વાર્થ લાગણીઓના છોડ ઉછેરી જુઓ તો મારા માનવા પ્રમાણે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જ જશે.’ લિ. આપની નવી મિત્ર.’

કાગળને ગડી કરી અને એના ઉપર એક લાલ માટીનો ઇંટાળો મૂકીને એ જ જગ્યાએ બાંકડાની નીચે મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ.

એ પછી રોજ બગીચામાં આવીને એની નજર સૌપ્રથમ બેન્ચની નીચે કાગળ શોધતી પણ એ નિરાશ થતી. મનમાં વિચારતી કે એ પણ શું નું શું વિચાર્યા કરે છે? કોઇએ ક્યારેક અકળાઈને આવું લખી કાઢ્યું હોય અને કાગળ ઉડતો ઉડતો અહીં આવી ચડ્યો હોય એમ પણ બને…કાં તો શક્ય છે કે આજના જમાનામાં કોઇ આવા ‘પ્રેન્ક’ પણ કરે અને અચાનક એને પોતાની ઉપર શરમ ઉપજી આવી.

બરાબર દસ દિવસ પછી બગીચામાં પ્રવેશતાં વેંત જ અનોખીની નજરે પેલા વૃધ્ધ કાકા પર પડી. આજે નવાઈ વચ્ચે એ કોઇ સાથે ઝગડી નહતાં રહ્યાં પણ એમની બાજુવાળા સાથે હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. ‘આજે સૂરજ કદાચ પસ્ચિમમાંથી ઉગ્યો હશે’ વિચારતી હતી ત્યાં જ એની નજર બાંકડાંની નીચે પડેલ ઈંટાળાની નીચેના કાગળ પર પડી અને એણે રીતસરની દોટ જ મૂકી. કાગળ ખોલીને વાંચવા લાગી , કેમ જાણે એને પાક્કો વિશ્વાસ હતો કે આ કાગળ ચોકકસપણે પેલા એકલતાથી પીડાતા  માનવીનો જવાબ જ છે. આજે વાતાવરણ કોરું હોવાથી કાગળ – એની શાહી સહેજ પણ પલળ્યાં નહતાં.

‘પ્રિય મિત્ર, તમારી વાત સાવ જ સાચી છે. મેં મારા ઘરની બાજુમાં આવેલ અપંગ માનવ મંડળમાં જવાનું ચાલુ કર્યું છે. બહેરાં, મૂંગા, આંધળા એ લોકોની સાથે મારો સારો એવો સમય પસાર કરું છું અને બદલામાં એ લોકો મને ખૂબ જ માન આપે છે. મારા જવાની આતુરતાથી રાહ જોયા કરતાં હોય છે. એ લોકોને પૈસાની કોઇ જ પડી નથી, એના માટે ઢગલો ડોનેશન મળી રહે છે ,એમને જરુર છે તો ફકત મારા જેવા લોકોના સાથની, પ્રેમની, , હૂંફની. બદલામાં એ લોકો ધરાઈને પ્રેમ કરે છે, મારા જીવનમાં ચોતરફ પ્રેમ જ પ્રેમ છે. હું ખૂબ જ ખુશ છું.

થેંક્સ.’

અને અનોખી ખુશ ખુશ થઈ ગઈ. કાગળમાં જવાબ લખ્યો,

‘મને ખુબ જ ખુશી થઈ. આપની નવી મિત્ર આપને મળવા માંગે છે, મળશો?’ પેપર ઇંટ નીચે ભરાવીને એ વોક લેવા ગઈ. અડધો કલાકની વોક પછી એની નજર એ કાગળ પર પડી અને મનમાં ચળ ઉપડી,’કદાચ કાગળમાં જવાબ આવી ગયો હોય તો?’ એક પળ તો પોતાની બેચેની પર એને હસવું પણ આવી ગયું એમ છતાં કાગળ લેવાનો મોહ જતો ના જ કરી શકી. નવાઈ વચ્ચે એમાં પ્રત્યુત્તર હતો,

‘આપણે આમ જ પત્રદેહે મળતાં રહીશું ને..!’

અને અનોખીનું મોઢું એક પળ માટે પડી ગયું. હળવે પગલે એ ગાર્ડનની બહાર નીકળી ગઈ.

એના બહાર નીકળી ગયા પછી પેલા કચકચીયા વ્રુધ્ધ કાકાએ બાંકડાંની નીચે પડેલો કાગળ ઉઠાવીને ચૂમીને ખીસામાં મૂક્યો અને મનોમન બોલ્યાં,’ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ.’

અનબીટેબલઃ જીવનમાં પ્રેમ મેળવવા કોઇને નિઃસ્વાર્થ પ્રેમ આપી જુઓ.

-sneha patel

Halvu phool


હળવું ફૂલઃ

કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમઃ શિવાય,

ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત.

-લલિત ત્રિવેદી.

‘ધડ..ધડ..ધડા ધડ..’ સાથે સાથે ‘ દ્રુ…ઉ….ઉ….ઉ…’નો તીણો તીખો કાનસોંસરવો નીકળી જતો સ્વરનો સથવારો. શૌર્ય કંટાળી ગયો. એમની નીચેના ફ્લેટમાં બાથરુમ અને રસોડું તોડાવીને સમારકામ કરાવવાનું કામ ચાલતું હતું અને એનો હથોડા- ડ્રીલનો સતત અવાજ એના ભણવામાં ડીસ્ટર્બ કરતાં હતાં. સાત દિવસ પછી એની બારમાની પરીક્ષા હતી. બારમું એનું કારકીર્દીનું વર્ષ. આખા વર્ષની સ્કુલ, ઇન્સ્ટીટ્યુટસની દોડધામ – પરીક્ષાઓ પછી હવે મુખ્ય પરીક્ષા માથે આવીને ઉભી હતી અને એ ટાણે જ આવા વિધ્ન ! આમ તો શૌર્ય ખૂબ જ શાંત, ડાહ્યો અને તેજસ્વી છોકરો હતો. ક્યારેય અકળાય નહીં પણ  છેલ્લાં બે કલાકથી એ એક દાખલામાં અટવાયેલો હતો, જવાબ જ નહતો આવતો, વળી આ તો એનું મનગમતું ચેપ્ટર – આમાં તો રાતે આંખ બંધ કરીને ભણવા બેસે તો પણ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એવી માસ્ટરી…પણ અત્યારે પ્રોબ્લેમ મચક નહતો આપતો. ભણવામાં વિધ્ન પડે અને એના ટાઇમટેબલો ખોરવાય એ શૌર્ય ને સહન નહતું થતું.  ઘરની ગેલેરીમાં ગાર્ડન બનાવેલું હતું અને હીંચકો પણ હતો.શૌર્ય પોતાના પુસ્તકો લઈને ત્યાં જઈને બેઠો. નજર સામે નભમાં ગઈ. કાળાં કાળાં વાદળો પાછળ એને ઘેરી નિસ્તબ્ધતા વર્તાઈ. જાણે પોતાના દિલનો પડઘો જ જોઇ લો ને ! એની આંખો બંધ થઈ ગઈ. ગગનની ઉદાસી એની આંખોમાં ઉતરી ગઈ.

‘બેટા, અહીં શું કરે છે?’ સ્મ્રુતિ પોતાના દીકરાના કાળા ઘમ્મર ઘટાદાર વાળમાં વ્હાલભર્યો હાથ પરોવતાં બોલી.

‘કંઇ નહીં મમ્મી, ડ્રોઈંગરુમમાં અવાજ બહુ આવે છે એટલે અહીં આવી ગયો, થયું કે ખુલ્લામાં કદાચ અવાજ ઓછો લાગશે અને ખુલ્લી હવામાં મન હલ્કું થશે. વિચાર્યા મુજબ વાંચી શકીશ.’

ત્યાં જ એક ડમરી ઉડી અને ધૂળ સાથે રજોટાયેલો પવન શૌર્યના તનને હળવો ધક્કો મારીને આગળ વધી ગયો.

‘આ લે ચા અને સાથે પોપકોર્ન. હમણાં જ તાજી તાજી ફોડી છે. તને બહુ ભાવે છે ને? ચોપડાં બાજુમાં મૂક અને મારી સાથે ચા પીતાં પીતાં પેલું નવું કયું મૂવી આવ્યું છે…બળ્યું નામ ભૂલી ગઈ…એની વાતો કર. એકાદ દિવસ થોડો સમય કાઢ આપણે બે જણ જઈને એ જોઇ આવીએ. મને ય બહુ મન થયું છે.’

અને શૌર્ય ચા -પોપકોર્ન – મૂવી અને મમ્મી ના અદભુત વાતાવરણ વચ્ચે ખરેખર અડધો જ કલાકમાં ફ્રેશ થઈ ગયો. એની મમ્મી એની બેસ્ટી ! જરુર પડે ત્યારે ગુસ્સો પણ કરતી, વઢતી પણ ખરી…પણ મોટાભાગે એની બધી જરુરિયાતો સમજનારી, અને દરેક સમસ્યાનો અંત લઈને ઉભી રહેતી એની સૌથી પ્રિય દોસ્ત હતી.

‘મમ્મી,મસ્ત પોપકોર્ન હતી. બીજી હોય તો આપો ને થોડી અને હા, ઉપર થોડો ચાટ મસાલો પણ નાંખતા આવજો.’

‘ઓકે.’ અને સ્મ્રુતિ પોપકોર્નનો બાઉલ ભરીને આવી.

‘મને લાગે છે કે રોજ પાંચ સાડા પાંચે નીચે મજૂરો જતાં રહે છે, હજી સાડા ચાર થયાં છે. તું ચા પી લે પછી આપણે નીચે ગ્રાઉંડમાં  જઈને બેડમીન્ટન રમીએ ચાલ. અત્યારે ગાડીઓની અવર જવર પણ નહીં હોય એટલે મજા આવશે. એ પછી જ ભણવા બેસજે.’

‘ઓકે મમ્મા…એઝ યુ સે..’ અને એ પછીનો કલાક હસતાં રમતાં ક્યાં પસાર થઈ ગયો એની શૌર્ય ને ખબર જ ના પડી.

મજૂરો હવે જતાં રહ્યાં હતાં. સ્મૃતિનો રસોઇનો અને શૌર્ય નો ભણવાનો સમય થઈ ગયો હતો.

લગભગ બે કલાક પછી ઘરના બધા સદસ્ય ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ભેગાં થયેલ હતાં.

‘શું થયું બેટા? આજનું ભણવાનું પતી ગયું ?’

‘અરે હા મમ્મી, એક પ્રોબ્લેમ પાછળ સવારે લગભગ ૩ કલાક મહેનત કરેલી એ અત્યારે માત્ર પાંચ જ મીનીટમાં સોલ્વ કરી દીધો અને એ પછી બીજું પણ ખાસું એવું ભણાઈ ગયું.’ શૌર્ય  ઉત્સાહસભર બોલી ઉઠ્યો.

‘હું પણ તને એમ જ કહેતી હતી કે જ્યારે વાતાવરણ બહુ જ અજંપાવાળું હોય ત્યારે આપણે થોડી સમતા રાખતા શીખી લેવાનું. દરેક પ્રવાહમાં સામે તરવા ના જવાનું હોય. જ્યારે પરિસ્થિતી આપણા કાબૂ બહાર હોય ત્યારે તરવા કરવા ટકી જવામાં પણ બહુ મોટી જીત છે. અવાજ્વાળા વાતાવરણમાં તું કલાકોના કલાકો જેની પાછળ મહેનત કરીને મગજ બગાડે એના કરતાં મગજ ફ્રેશ હોય ત્યારે માત્ર કલાક ભણી લે તો પણ બધું સરભર છે બેટાં. દરેક પરિસ્થિતીનો એક શક્ય એવો પોઝીટીવ રસ્તો હોય જ છે એ વાત યાદ રાખીને દરેક સ્થિતીનો સમજણ, ધૈર્યથી મુકાબલો કરવાનો તો તમે ક્યારેય નહીં હારો કે પસ્તાઓ.’

‘યસ મમ્મી, યુ આર ઓલવેઝ રાઈટ!’ અને શૌર્ય એ ઉભા થઈને મમ્મીના ગળામાં હાથ પૂરોવીને વ્હાલ કરી લીધું.

ઘરની પાછળ વિસ્તરેલાં પીપળાનાં પાંદડાં પર ‘ટપ ટપ’ અવાજ સંભળાઈ રહ્યો હતો. આકાશ વરસી ને ચોખ્ખું થઈ રહ્યું હતું. ચોમેર વાતાવરણ હળવું ફૂલ થઈ રહ્યું હતું.

અનબીટેબલઃ સુખ – દુઃખ , ઉત્સાહ – હતાશા, સફળતા – નિષ્ફળતા આપણી સાથે સતત સંતાકૂકડી રમે છે, ક્યારેક પકડાઈ જવાનું હોય અને ક્યારેક પકડી લેવાનું !

-sneha patel