phoolchhab newspapaer > navrash ni pal column > 28-9-2016
શું અન્ય કોઇ રીતે એ સંભવી શકે ના ?
સાબિત થવાનું જીવિત ધક ધક કરી કરીને ?
-સંજુવાળા.
રાજન અને નીકી નેટ પર સર્ફીંગ કરી રહ્યાં હતા. આ દિવાળીમાં એમને દુબઈ ફરવા જવાનો પ્લાન હતો અને એ પણ એમના ફેવરીટ છ મિત્રોના ગ્રુપ સાથે. એ બધા સ્કુલકાળના મિત્રો હતાં.કોલેજકાળમાં બધા થોડાં વિખરાઈ ગયેલાં. ફેસબુક અને વોટસએપના કારણે એ લોકોનો સંપર્ક શક્ય બન્યો હતો. ત્રણ મહિના પહેલાં એક સન્ડે એ લોકો મળ્યા હતાં અને ત્યાં આ પ્રોગ્રામ બન્યો હતો. બાળપણની દોસ્તી એમાં ય સ્કુલની મૈત્રીના સંભારણા તો કાયમ હર્યા ભર્યા અને સુખદ જ હોય ! રાજન અને નીકીને વારે ઘડીએ એ દિવસોની યાદ આવતી હતી અને ખુશીથી રુંવાડાં ઉભા થઈ જતા હતા, આંખો બંધ થઈ જતી અને બંને ફ્રોક ને ચડ્ડી પહેરતા એ બાળપણની ગલીઓમાં ભૂલા પડી જતાં. ઇન શોર્ટ બન્ને ખુબ જ એક્સાઈટેડ હતાં.
દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં હતા અને ઘરની સાફસફાઈ શોપિંગ સાથે દિવસો પવનવેગે ઉડતાં હતાં. નીકી રહી ઘરરખ્ખુ સ્ત્રી. એને ઘરની સાફસફાઈ અને નાસ્તા બનાવવામાં જ પહેલો રસ. એ કારણે એને ઘરની બહારના કામોમાં અનિયમિતતા આવી જતી. અમુક શોપિંગ તો રાજને એકલાં જ પતાવવા પડ્યાં હતાં. પણ બે ય જણ આ રીતથી ટેવાઈ ગયા હતાં. રાજનના શોપિંગથી નીકીને કોઇ પ્રોબ્લેમ કે કોઇ કચકચ નહતી એથી રાજન પણ બિન્દાસ થઈને પોતાની સમજ મુજબ શોપિંગ કરી લાવતો. આમ ને આમ દિવાળીના દિવસો આવી ગયા અને રાજન – નીકી બેસતા વર્ષના દિવસે બધા સગા સંબંધીઓને મળીને બીજા દિવસે ઉડ્યાં દુબઈ જવા – પોતાના ચડ્ડી બડી સાથે.
લગભગ બાર દિવસ પછી રાજન અને નીકી ટ્રીપ પતાવીને ઘરે પાછા વળ્યાં ત્યારે એ નીકીનો મૂડ થોડો અલગ જ હતો. મિત્રો સાથે આનંદ લૂંટવાનું જેટલું એકસ્પેક્ટેશન હતું એનાથી અડધા ભાગનો સંતોષ પણ એને નહતો મળ્યો. આવું કેમ ? સોહિનીનો એટીટ્યુડ તો એને ખૂબ જ ખટકતો હતો. જાણે એ નવાઈની એક બિઝનેસ વુમન હતી ! આખો દિવસ બધા ઉપર ઓર્ડર છોડ્યાં કરતી અને જાણે આટલા બધામાં બધી જ જાતની સમજ એને એકલીને જ પડતી હોય એમ વર્તન કરતી. માન્યું કે એ નોલેજેબલ હતી, એને બિઝનેસ ટ્રીપના કારણે પોતાના કરતાં રખડવાનો વધુ એકસપીરીઅન્સ હતો. પણ એમાં શું નવાઈ ? એ બહાર ફરવામાં એકસપર્ટ હતી તો પોતે ઘર સાચવવામાં અને રસોઈકળામાં પાવરધી હતી. જે જેનું કામ એમાં આટલા વહેમ શું મારવાના ? રોજ ઉઠતાંની સાથે એની બકબક ચાલુ થઈ જાય. આજે આટલાં વાગ્યે આમ જવાનું , આમ ભેગાં થઈ જવાનું, ફલાણો રસ્તો પકડવાનો , ઢીંકણું વાહન ટ્રાન્સપોર્ટ માટે પકડવાનું…ઉફ્ફ. રોજ એના હુકમોની ધાણી ફૂટે. વળી ગ્રુપના બધા લોકો ય એનાથી અંજાઈ ગયેલા કે શું ? એ ચિબાવલી કહે એમ જ ચાલતાં હતાં. આમે નાનપણથી જ સોહિની થોડી ડોમિનેટીંગ હતી પણ એ સમય અલગ હતો. એ વખતની એની દાદાગીરીમાં એક ઇનોસન્સ અને દોસ્તીભાવ હતો આજના સમયે એ એક સમજુ ને અક્કલવાળી સ્ત્રી હતી. મનોમન ચાલતો રઘવાટ આખરે ઘરે પહોંચીને સોફા પર બેસીને પાણી પીતા જ રાજન સામે નીકળવા લાગ્યો.
‘રાજુ, તને આ સોહિનીની કચકચથી કંટાળો નહતો આવતો ?’
ને રાજન ચમક્યો. એને સોહિનીના વર્તનથી કોઇ જ પ્રોબ્લેમ નહતો થયો. એ એક સ્માર્ટ ને ઇન્ટેલીજન્ટ લેડી હતી જે દરેક પ્રકારની સ્થિતી ખૂબ સારી રીતે મેનેજ કરી લેતી હતી. પણ નીકીના મોઢા પરથી એવું લાગતું હતું કે એ એનાથી ખૂબ કંટાળી ગયેલી હતી એટલે સોહિનીનો પક્ષ લેવામાં સાર નહતો જ. ખૂબ જ સાચવીને રાજને શબ્દો ગોઠવ્યાં ને બોલ્યો,
‘નીકુ, આમ જોવા જઈએ તો સોહિની થોડી વધુ જ લાઉડ હતી. હું તારી સાથે એગ્રી છું.’
‘અરે, લાઉડ શું – એ તો રીતસરની બધા પર હુકમો જ કરતી હતી, અને ગ્રુપના બધા જ લોકો પણ એની વાતો ચૂપચાપ કોઇ જ આર્ગ્યુ કર્યા વિના સાંભળી લેતાં હતાં. નવાઈ તો મને એની લાગતી હતી કે કોઇ એને ચૂપ કરાવવા કે વિરોધ કરવાની તસ્દી સુધ્ધા નહતું લેતું.’
‘જોકે એની વાતોમાં વિરોધ કરવા જેવું તને શું લાગ્યું?’
રાજને હળ્વેથી પ્રશ્ન તરતો મૂક્યો.
‘અરે, જાણે નવીનવાઈની એ જ આખી દુનિયા ફરતી હોય એમ દરેક પ્રોગ્રામના અને એની પણ આગળના પ્રોગ્રામના શિડ્યુલ એ જ ગોઠવ્યે રાખતી હતી. આપણે તો જાણે એના ચિઠ્ઠીના ચાકર, એ બોલે ને આપણે પગ ઉપાડવાના. આપણી કોઇ ઇચ્છા કે સગવડ અગવડનું કોઇ મહત્વ જ નહીં ?’
‘જો નીકી, શાંત થા બકા ને એક વાત કહે, જમવા, ઘરની સજાવટ રીલેટેડ, રેસીપી કોઇ પણ વાત હોય ત્યારે તું કેવી આગળ થઈ થઈને તારા મત રજૂ કરતી હતી ને ? એ સમયે તને ખબર છે સોહિનીને તો કંઈ ગતાગમ જ ના પડતી હોય એમ ચૂપચાપ તારું મોઢું તાક્યા કરતી હતી.’
‘હા, એ વાત તો મેં પણ નોટીસ કરી હતી.’ ને નીકીનું વદન ગર્વથી ભરાઈ ગયું.
‘નીકી, હવે શાંતિથી સાંભળ. સોહિની રહી એક બિઝનેસ લેડી એટલે એને રોજેરોજ મેનેજમેન્ટ લેવલના માણસો સાથે પનારો પડે. એ મેનેજમેન્ટમાં કાચી પડે તો ધંધો જ ના થઈ શકે. રાઈટ ? તો મેનેજમેન્ટ એનું કામ છે. આપણે ફરવા જઈએ ત્યારે શક્ય એટલાં ઓછા ખરચા અને સમયમાં મેક્સીમમ જગ્યા જોઇ શકીએ અને એમાં કોઇ અડચણ ના પડે એ માટે પ્રોપર મેનેજમેન્ટ જરુરી થઈ પડે. વળી સોહિનીને કામના અર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે એથી એ ત્યાંથી ખાસી એવી પરિચીત પણ છે તો એ આ બધા પોઈન્ટ્સને લઈને આપણને હેલ્પ કરવાના આશયથી સૂચનો કરતી હતી અને બધા આ વાત જાણતાં હતાં એથી એની વાત પર વિશ્વાસ મૂકીને ચૂપચાપ ફોલો પણ કરતાં હતાં. આઈ થીન્ક એના સજેસન્સને લઈને આપણે કોઇ ખોટી પરેશાનીમાં તો નથી જ ફસાયા ને આખી ટ્રીપ શાંતિથી મેનેજ કરીને પતાવી શક્યાં એ વાત તો માને છે ને ? યાદ કર તું ઘર સાચવવામાં બહારના કામ મેનેજ નથી કરી શકતી એવું જ સોહિનીના કેસમાં હોય કે ઓફિસના કામમાં એક્સપર્ટ એવી એ ઘરના કામોમાં ‘ઢ’ હોય. દરેકે પોતપોતાની ચોઇસ મુજબની જીન્દગી જ સિલેક્ટ કરી હોય.’
‘હા, એ વાત તો છે રાજન.’
‘ તો પછી…સી..એ મેનેજમેન્ટ લેવલની વ્યક્તિ એટલે એને આજ સવારના પ્રોગ્રામથી માંડીને રાતના પ્રોગ્રામોના ટાઈમટેબલો બનાવીને જીવવાની આદત પડી ગઈ હોય અને એમાં એ સ્માર્ટ પણ થઈ ગઈ હોય. બહાર ફરવા જઈએ ત્યારે અનેક લોકો વચ્ચે આવા નાના નાના કારણૉને લઈને જ ઘર્ષણ થાય છે અને સંબંધો વણસી જાય છે એથી સૌથી પહેલાં તો વાતને સમજતા અને પછી થોડું ચલાવી લેતાં શીખવાનું ડીઅર. હું તો એટલું જ જાણું.’
‘હા રાજુ તારી વાત સાચી છે. એ મેનેજમેન્ટમાં ખાસી સ્માર્ટ છે એ વાત સ્વીકારતા મને અંદરખાને તકલીફ એક ઇર્ષ્યા જેવું થતું હતું પણ હવે એ નીકળી ગયું. થેન્ક્સ.’
‘ચાલ પગલી…હવે ફ્રેશ થઈને ચા પીએ.’
અને રાજને એના માથા પર હળવી ટપલી મારી દીધી.
અનબીટેબલ ઃ માનવી સરળ વાતોને અટપટી બનાવી દેવામાં માહેર છે.
સ્નેહા પટેલ