મારો સખા મારો અંતરાત્માઃ
ઊંચે અનંત આભ, હવા પણ અસલ હતી
ફસકી ધજાની જાત, ફરકવાનું રહી ગયું!
સુરેન્દ્ર કડિયા.
સવારના સાત વાગ્યાંનો સમય હતો.એક દિવસની પીકનીક ચાર મિત્રો ગાડીમાં નીકળ્યાં હતાં.મનસ્વીએ ચાલુ ગાડીમાંથી બહાર ડોકું કાઢીને ઠંડી હવાની લહેરખીને પોતાના મનોપ્રદેશ પર ઝીલવાનો પ્રયાસ કર્યો , આંખો અનાયાસે બંધ થઈ ગઈ. બંધ આંખે અનુભૂતિ વધારે તેજ બની જાય છે. મન્સ્વીને પણ એવો જ અનુભવ થયો. ખુલ્લાં રુખા કેશ હવામાં ફરફરતાં હતાં. આંખની લાંબી કાળી પાંપણ સુધ્ધાં હવાની ઠંડી ઠંડી લહેરખીમાં ફરફર કરતી હતી. એના કોમળ ગોરા કપોળ આછી રતાશ પકડી રહ્યાં હતાં. એની બાજુમાં કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વૈભવ, એનો પતિ એને ડ્રાઈવિંગના સમયમાંથી થોડી પળૉ ચોરીને એને ચૂપચાપ નિહાળી લેતો હતો. વૈભવ – બોલે કશું નહીં પણ મનસ્વીના આવા શાંત સૌમ્ય રુપનો એ દિવાનો હતો. મનસ્વીનો સાથ કાયમ એને એક અદભુત પોઝિટીવ ઊર્જાથી ભર્યો ભર્યો કરી દેતો. ગાડીમાં પાછળની સીટ પર બેઠેલ મિત્ર – કપલ કૃપા અને ધૈર્ય એમની આ મસ્તી ચૂપચાપ જોતું હતું અને હરખાતું હતું. કૃપાની નજર પણ અચાનક ધૈર્ય તરફ જતાં એ પણ એને નિહાળી રહેલો જણાયું અને એ અચાનક હસી પડી. શાંત વાતાવરણમાં કાંકરીચાળો થઈ ગયો અને બધો નજરનો ખેલ ખલાસ થઈ ગયો.
‘મિત્રો, ત્યાં એક મંદિર છે. બહુ જૂનું છે અને એનું સત બહુ છે. વધારે ડીટેઇલ્સ નથી ખબર પણ મંદિરનું રમ્ય વાતાવરણ મૂડ ફ્રેશ કરશે. શું કહો છો બધાં ?’
શાંત રમ્ય વાતાવરણ, ચોતરફ હરિયાળી અને મંદ મંદ વહેતો પવન- એમાં નજીકમાં કોઇ ઝરણું વહેતું હશે એનો ધીમો ધીમો ખળખળ અવાજ. મંદિર ના હોત તો પણ અહીં બે પળ રોકાઈ જવાને મન લલચાઈ જાય એમ હતું. જોકે મનસ્વી થોડી અચકચાઈ અને એનું ડોકું નકારમાં એક વાર ધૂણી ગયું પણ ઉત્સાહથી છલકાતી જુવાનીમાં એ ધીમો નકાર કોઇના કાન – આંખ લગી પહોંચ્યો જ નહીં. બધા ગાડીમાંથી ઉતરી જ ગયા. છેવટે મનસ્વીને પણ ઉતરવું જ પડ્યું.
આરસના પથ્થરોથી બનેલ પગથિયાં, એની આજુ બાજુમાં હાથી અને સિંહની લાલ પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓ, મંદિરના શિખર પર ફરફરતી પદ્યધજા, કળશ અને મંદિરમાંથી પડઘાતો ઘંટારવ ! અદ્બભુત અને અલૌલિક વાતાવરણ હતું. હાથ મોઢું ધોઇ ફ્રેશ થઈ, વાળ – કપડાં સરખા કરીને બધાએ બોટલમાંથી પાણી પીધું અને મંદિરમાં જવા પગ ઉપાડ્યો. મનસ્વી થોડી અચકાઈ. ‘હું નથી આવતી, તમે લોકો જઈ આવો.’ કહીને ગાડીમાં જઈને પાછી બેસી ગઈ. બધા બે મિનીટ તો એના આ વર્તન થી ડઘાઈ ગયાં.
જોકે વૈભવને આછો પાતળો અંદાજ આવી ગયેલો એટલે એ ચૂપ રહ્યો પણ કૃપાથી ના રહેવાયું અને ગાડીમાં બેઠેલી મનસ્વી પાસે જઈને બોલી,
‘મનુ, આ શું ? આટલું સરસ વાતાવરણ અને તું ગાડીમાં જ ગોંધાઈને બેસી રહીશ ? આવું ના ચાલે, કંઈ આમ બેસી રહેવા થોડા નીકળ્યા છીએ. ચાલ.’ અને એને હાથ ખેંચ્યો.
‘ના કૃપા, હું મંદિરમાં નહીં આવી શકું. તમતમારે જઈ આવો.’
‘અરે પણ પ્રોબ્લેમ શું છે ડીઅર ?’
‘કંઈ ખાસ નહીં – પીરીઅડસ.’
‘ઓહોહો..તું પણ છે ને સાવ મણીબેન છે. આજના જમાનામાં આવા બધા તાયફા…છોડ હવે આ બધું જૂનવાણીપણું ને ચાલ. મારે પણ આજે ત્રીજો દિવસ ચાલે છે પણ મને એની કોઇ ફિકર નથી. હું તો મસ્તીથી જઈશ. આવા આભડછેટવેડાં શીદને ?’
‘પણ તું તારે જા ને. મને તારા જવા સામે કોઇ વિરોધ નથી. હું તો મારે શું કરવું ને ના કરવું એની વાત કરું છું. આજકાલ બધા મોર્ડન – મોર્ડનના નામે જે ‘માસિકમાં હોવ તો પણ મંદિરે જાવ’ જેવી વાતો કરે છે અને એની સામે એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે જે એનો તીવ્ર વિરોધ કરે છે. હું એ બધામાં આવતી જ નથી. મારા માટે દર્શન કરવા એ શારિરીક કરતાં માનસિક સ્થિતી વધારે છે. મારે એના માટે આવા ચોક્કસ પ્રકારના મંદિરોની પણ જરુર નથી પડતી. મનોમન હું આંખ બંધ કરીને પણ ભગવાનને મળી શકું છું. વળી હું એવા પ્રકારના વાતાવરણમાં ઉછરી છું કે જ્યાં આવા બધા બંધનો હતાં જ નહીં. અમને કદી કોઇ રોક ટોક કે ખૂણૉ પાળવાનું જેવી વાતો શીખવાડાઈ જ નથી. પણ હું આ મંદિરની મનોમન એક આમન્યા રાખું છું. મને મનથી જ આવી અવસ્થામાં મંદિરમાં જવાની ઇચ્છા નથી થતી. વળી જે અંદર બિરાજમાન છે એ તો મારા હ્રદયસિંહાસનમાં ય હાજરાહજૂર છે જ. હું કોઇ ચોક્કસ પ્રકારના ટોળાઓમાં જોડાઈને મારા મનની વાતને વણસાંભળી કરવા નથી ઇચ્છતી. આપણે કોઇને કહીએ નહીં તો લોકોને શારિરીક સ્થિતીની કોઇને સમજ પણ નથી પડવાની. હા , હલ્કી વરણના સમાજમાં જે આભડછેટના નામે અતિરેક થાય છે એની હું તદ્દન વિરોધી છું. બાકી તું જ કહે કે આપણા જેવાંને આ દિવસોથી શું ફર્ક પડે છે ? આપણે આપણી મરજીના માલિક! આજકાલ ઠેર ઠેર લોકો આ વાતને વિવાદ બનાવીને હો-હા કરતા ફરતાં હોય છે એવા ટોળાઓમાં હું ક્યારેય નથી જોડાતી. મારી પોતાની બુધ્ધિ અને પરિસ્થિતી જોઇને મારું જીવન હું મારી રીતે જ જીવું છું. મારો સખા મારો અંતરાત્મા. એને જે કામ કરતાં મજા આવતી હોય એ કામ હું આરામથી કરી નાંખુ છું પણ આ મૂર્તિદર્શનમાં મારું મન કચવાય છે. સમાજ ગયો તેલ પીવા પણ મારું મન એ મારો ભગવાન. લોકોને બતાવી દેવા હું કોઇ કામ ક્યારેય નથી કરતી. કોઇનાથી આકર્ષાઈ જવું કે કોઇને આપણાંથી આંજી કાઢવા જેવી અર્થહીન પ્રવ્રુતિઓથી હું કાયમ દૂર રહું છું. આ મેં તને મારા મનની વાત કહી.બાકી હું મારા વિચારો ક્યારેય કોઇ પર થોપતી નથી. લોકોએ શું કરવું ને શું નહીં એ તદ્દન એમની પોતાની સ્થિતી અને સમજને અનુસાર જ હોય ને હોવું જ જોઇએ. બાકી ‘લાંબા સાથે ટૂંકો જાય’ જેવી હાલત થઈ જાય.’
‘હમ્મ…હું તને બરાબર ઓળખું છું મનસ્વી અને તારી એકે એક વાત હું સમજી પણ શકું છું. તારી ઇચ્છાને હું આદર પણ કરું છું ડીઅર. કાયમ આવીને આવી સરળ અને સુકોમળ જ રહેજે.તારા સાથ સુધ્ધાંથી અમને લોકોને એક આધ્યાત્મિક વાતાવરણ જેવી ફીલીંગ આવે છે. ચાલ હું દર્શન કરી આવું- કારણ મેં તો કદી આ વિષય પર તારી રીતે વિચાર્યુ જ નથી. સમાજનો આ સ્ત્રી વિરુધ્ધનો નિયમ છે અને મારે એનો વિરોધ કરવાનો છે એ જ વિચારથી આ પગલું ભરતી આવી છું તો એક વાર ઓર સહી.’
અને મનસ્વીને ટાઈટ હગ અને ગાલ પર કીસ કરીને ધ્રુવીએ મંદિર તરફ ડગ માંડ્યાં.
અનબીટેબલઃ માણસ મુખ્યત્વે મનથી આધ્યાત્મિક જોઇએ, તન તો માધ્યમ માત્ર.
-સ્નેહા પટેલ