Chhaalak july 2022


ટુચકાઓઃ


ટુચકાઓઃ

 

સાવ સીધા સવાલના ઉત્તર,

દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ’અક્ષિતારક’ સંગ્રહમાંથી.

 

‘અલી રાધિકા, તેં બિટકૉઇન વિશે કશું સાંભળ્યું છે કે ?’

‘શું..બિટ…બિટ્કોન..આ કઈ ભાષા બોલે છે અલી તું ?’

અને તૃપ્તિ ખડખડાટ હસી પડી.મનમાં ને મનમાં પોતે રાધિકા કરતાં વધુ સારી જાણકારી ધરાવે છે અને વધુ અપડેટેડ છે એવો ગર્વભાવ મગજમાં છલકાઈ આવ્યો.

‘બિટક્વોઈન એટલે એક જાતના ડીજીટલ પૈસા! એનાથી કોમ્પ્યુટરમાંથી ચૂકવણી કરી શકાય. મોસ્ટલી ગેરકાયદેસર ધંધો કરતાં હોય એમને આવા ડીજીટલ નાણાં ખૂબ જ કામમાં આવે, કારણકે આનો કોઇ હિસાબ મળે નહીં!’

‘તેં અલી , તને આવું બધું ક્યાંથી સમજ પડી ? જબરી છે તું!’ રાધિકાની આંખોમાં અહોભાવ સ્પષ્ટપણે વાંચી શકાતો હતો.

‘કંઇ નહી મારી બુન, આ તો મારા ઘરમાં નવીનવેલી આજકાલની લેટેસ્ટ જાણકારીઓ ધરાવતી અને પોતાનો ધંધો કરતી છોકરી વહુ તરીકે આવી છે એની સંગતનો પ્રતાપ. એની અને મારા દીકરા રાજનની વચ્ચે આખો દિવસ આવી બધી વાતો ચાલતી હોય તેમાં અમુક આપણાં કાને પડી જાય, બીજું શું ?’

‘ઓહોહો, તમારા તો નસીબ ખુલી ગયા છે ને આવી ભણેલી ગણેલી, પોતાનો બિઝનેસ સંભાળતી સ્માર્ટ વહુ લાવીને.’

‘શું ખાખ નસીબ ખુલી ગયા છે ? મા બાપે કામ ધંધો કરીને પૈસા કમાતા શીખવ્યું છે પણ ઘરના કામમાં ‘ઢગાભાઈનો ઢ’ છે એ સાવ. માનસિક શ્રમ ગમે એટલો કહો કરી શકે છે પણ શારીરિક કામ કરવાનું આવે એટલે બહેનબાને આળસ ચડે છે. શરુઆતમાં તો મને એમ કે નવી નવી છે તો દસ દા’ડા ભલે આરામ કરતી પણ પછી કામ કરશે, ત્યારે આમણે તો કામ કરવાનું નામ દીધું એટલે ચોખ્ખું સંભળાવી દીધું કે,’માફ કરશો, મરા મા બાપના ઘરે મેં કશું ઘરકામ કર્યું નથી તો મને એ સહેજ પણ નથી આવડતું, વળી મારી પાસે એ શીખવા માટે સમય પણ નથી એટલે તમે પ્લીઝ, મારી પાસે એ આશા પણ ના રાખશો. તમને ના ફાવે તો એક નોકર, રસોઇઓ રાખી લેજો પણ મને તો એ બધું ના જ કહેશો.’ લો બોલો, આમને હવે શું કહેવું?’

‘ઓહોહો, સાવ આમ બોલે છે ? તેં અલી મહિને દા’ડે કેટલું કમાઈ લે છે તારી આ વહુ ?’

‘કમાણી તો સારી…લગભગ ૫૦-૬૦,૦૦૦ કમાઈ લે મહિને આરામથી.’

‘અને તારો દીકરો?’

‘એ જો ને ૩૦-૪૦,૦૦૦ કમાતો હશે.’ થોડું અચકાતાં અચકાતાં રાધિકા બોલી.

‘ઓહોહો, મતલબ વહુ દીકરા કરતાં ય વધુ કમાય છે એમ !આમ પણ આજના જમાનામાં ૫૦,૦૦૦ કમાતી હોય એવી કેરીઅર ઓરીએન્ટેડ છોકરીઓને ઘરકામ ના આવડે એમાં કંઈ નવાઈ નથી. મેં આવો લગભગ દસમો કેસ સાંભળ્યો છે.’

‘પણ છોકરીની જાત ને સાવ જ કામ ના શીખી હોય એ થોડી ચાલે ? ને એવું જ હોય તો પરણાવી શું કામ ? વળી આ તો લવમેરેજ એટલે મારે દીકરાને ય કશું ના કહેવાય. બેય ધણી ધણિયાણી સવારના નવ વાગ્યાંના તો નીકળી જાય ને આવે રાતે છેક આઠ વાગ્યે. રોજ મારે દીકરા-વહુ સાથે ઝઘડાં થાય છે, સાલું આ ઉંમરે લોહી ઉકાળા જ નસીબમાં કેમ લખ્યાં હશે ?’

‘રાધિકા, એક વાત કહે તો ? તેં તારા દીકરાને રસોઇ – ઘરકામ કરતાં શીખવ્યું છે ?’

‘ના…અલી તું તો કેવી અવળવાણી બોલે છે, મરદની જાત ને રસોઇ ને ઘરકામ કરે, તને તે આવું બોલતાં ય શરમ નથી આવતી અલી ? એ તો મારે પાણીનો ગ્લાસ પણ ના ઉપાડે હો.’

‘મારી વાત ધ્યાનથી સાંભળ બેના. આમ તો તારી વહુ બહુ મિલનસાર છે, જ્યારે જોઇએ ત્યારે હસતી ને હસતી જ હોય છે, વળી મને રસ્તામાં મળે તો, ‘કેમ છો માસી’ ક્હ્યાં વિના ક્યારેય નથી જતી. હવે જો તારી વહુ વર્ષોથી સ્ત્રીઓના ભાગે આવેલ ઘરનું કામ છોડીને પોતાના પતિના ભાગનું કામ કરવામાં હિસ્સો આપે છે, પૈસા કમાવા ઓફિસે જાય છે એની આપણને કોઇ નવાઈ ના લાગતી હોય તો તને પણ તારો દીકરો ઘરકામ કરે એમાં નવાઈ કેમ લાગે છે ? કામ તો બે ય કરે છે ને પૈસા ય બે ય કમાય છે. તો એમાં છોકરા છોકરીનો ભેદ કેમ નડી જાય છે ? અત્યારનો જમાનો બહુ જ સ્પીડમાં બદલાઈ રહ્યો છે. આપણે હવે આપણી જૂની ઘરેડમાંથી બહાર નીકળ્યે જ છૂટકો છે બેના. ના ફાવે તો બેય ને એમનું એક અલગ ઘર કરી આપો જેમાં એ લોકો શાંતિથી પોતાની જીન્દગી પોતાની રીતે જીવશે ને જ્યારે અટકશે ત્યારે તમારી સલાહ લેવા આવશે જ ને ?બાકી આ લોકોને બદલવા જઈશ તો તું દસ વર્ષ વહેલી ઉકલી જઈશ. આજની પેઢીના નસીબમાં અઢળક મહેનત કરીને કે યેન કેન પ્રકારેણ ખૂબ પૈસો કમાવાનો શ્રાપ લખાયેલો છે, એ લોકો એ ભોગવે જ છે ને સાથે એમની મસ્તી પણ બરકરાર રાખે છે તો એ જોઇને તમે વડીલો ખુશ થાઓ. બાકી એમના ક્દમ સાથે કદમ નહીં મીલાવો તો એમની દોડમાં એ લોકો એમની ઇચ્છા ના હોવા છતાં તમને સાવ  પાછળ છોડી દેશે.’

‘હા તૃપ્તિ, તારી વાત સાચી છે. આમ મારી વહુ બહુ સારા સ્વભાવની છે. હજુ પરમદિવસે જ એ એના માટે એક ડ્રેસનું કાપડ લાવી તો મારા માટે એક બાંધણીની સાડી પણ લઈ આવેલી. ઘરની અને ઘરના માટેની લાગણીમાં તો એને કોઇ કંઈ ના કહી શકે. તારી વાત પર હું ચોકકસ વિચાર કરીશ. ચાલ હવે થોડી વાર સૂઇ જવું છે. સવારની છ વાગ્યાંની ઉઠી છું.’

ને બે બહેનપણીઓ છૂટી પડી.

અનબીટેબલઃ જ્યારે સ્ત્રીઓ કમાણી કરવા ઘરની બહાર નીકળે એની પર આપણને શરમ આવે એ જ સમયે જ માળિયામાં ચડીને કામ કરાવતાં પુરુષોની દશા પર ટુચકાઓ બોલીને આનંદ મેળવવાને લાયક કહેવાઈએ. આ બધા જાતિભેદના ટુચકાઓ હવે આ ધરતી પરથી નામશેષ થવા જ જોઇએ.

સ્નેહા પટેલ.

વેલેન્ટાઇન ડે ના બીજા દીવસે…


કાલે બહુ બધા વેલેન્ટાઇન મેસેજીસ મળ્યાં.જાત-જાતના…ભાત-ભાતનાં…અલબેલા વિચારોને થોડા કોપી-પેસ્ટીયા વાઘા સજાવેલા, લાગણીથી લથબથ તો મસ્તીના હિંડોળે ઝુલાવતા ..જાતજાતની ચોકલેટસ..ફ઼્લાવર્સ, ટેડીબીય઼રવાળા ચિત્રોથી મઢેલા અઢળક મેસેજીસની ..ઇમેઇલની ભરમાર રહી. મેં આખો દિવસ એ બધું જોયા કર્યુ…વિચાર્યા કર્યું..શું આ જ સાચો પ્રેમ છે..??

આકર્ષણ..થોડી ગલતફ઼હેમીઓ અને થોડા જુવાનીના જોશમાં  લખાણમાં જે શાબ્દિક લાગણી  છલકાય છે એ બધાથી મનગમતા પાત્ર સાથે વેલેન્ટાઇન ડે ઊજવવાની મજા તો આવે છે..પણ આજે મને એમ થયું કે જોવા તો દે..કાલના લાગણીના ઘોડાપૂરમાં તણાયેલા કેટ્લા ઘોડા પોતાના વચનોને પ્રામાણીક્તાથી વળગી રહે છે..પણ થોડો અફ઼સોસ થયો.કાલના દિલથી જીવાયેલા દિવસના વચનો પર આજે દિમાગ જબરદ્સ્ત ભરડો લઈને બેઠેલું દેખાયું. બધા પાછા પોતાના રુટિન લાઈફ઼માં ’સેટલ ડાઊન’…!!

તો આ બધું ફ઼કત એક જ દિવસના ખેલ છે કે…??

ખરી જરુર તો મને મારા મિત્રોને આજે કહેવાની લાગે છે કે…કાલે કરેલા પ્રોમિસીસને ફ઼કત શબ્દો સુધી સિમિત ના રાખતા એને ભરપૂર પ્રામાણીકતાથી જીવનમાં અમલમાં મૂકવાની કોશિશ કરજો. કાલનો વેલેન્ટાઇન ડે તો ગયો..પણ એની અસર તમારા આખા જીવન પર દેખાય એવું કંઇક કરજો..

કારણ પ્રેમ તો આ બધા શબ્દો…પ્રોમીસીસ…રુપેરી રેપરમાં વિંટાળાયેલ લાલ કલરની રીબન બાંધેલ ગિફ઼્ટસથી કયાંય ઉપર છે.એને કોઇ જ શબ્દોની ક્યારેય જરુર નથી પડી..આ તો આપણે અભિવ્યક્તિના પ્રાણી છીએ..બાકી તો મૂંગા લોકો આંખોથી બોલીને કે આંધળા લોકો ફ઼કત એક નાનકડા સધિયારા ભર્યા પ્રેમાળ સંવેદનશીલ સ્પર્શ થકી કે જેને લકવા થયો હોય અને બધાંય અંગોમાંથી સંવેદના ગુમાવી બેઠું હોય એ ફ઼કત પ્રિય વ્યક્તિના હાજરીના અણસાર માત્રથી પ્રેમની લાગણી અનુભવી શકે છે..સુગંધ સુગંધ થઈને મહેંકી ઊઠે છે. દિલના તાર પર મનગમતું નામ વગાડી શકે છે. એને કોઇ જ શારીરીક ખામી કે ગિફ઼ટ ખરીદવાના પૈસાની ઇકોનોમિક ખામી કે લાગણી  અભિવ્યક્ત ના કરી શકવાની ખામી નથી નડતી.

પ્રેમ એ તો એક મહાન અને બહુ  ઊચ્ચત્ત્મ કક્ષાની લાગણી છે..જેના વાયદા કે વચનો ના હોય . એની અધુરપના હળાહળ ઝેર  જીવનમાં પચાવીને જીવવાનું હોય છે …એનો નશો કરવાનો હોય છે..રોજ -રોજ ..ધીરે ધીરે શરીરને એ નશાનું આદી કરવાનુ  હોય છે.પ્રીયપાત્રની અધૂરપને સંપૂર્ણતાના ફ઼ુલ આવશે એ આશા સાથે ભરપૂર  ધીરજથી  ને વ્હાલથી હેતના સિંચન કરતા રહેવાનુ .. એમાં વારંવાર મળતી નિષ્ફ઼ળતાને પણ સપ્રેમ વધાવીને ફ઼રીથી એક નવો અધ્યાય ચાલુ કરવાની હૈયે હામ રાખવાની..નહીં કે એ નિષ્ફ઼ળતાને આપણા ’ડીપ્રેશન’માં ફ઼ેરવી કાઢવાની.. અ સંબંધ બહુ જ ધીરજ અને હિંમત માંગી લે છે. એ બધીજ  અપેક્ષાઓથી વિમુકત અને લગભગ ભગવાનની લગોલગ ની કક્ષાનો  સંબંધ છે..જેને શબ્દોમા લખી ના શકાય કે ગિફ઼્ટોમાં ’રેપ’ પણ ના કરી શકાય..એ તો બસ અનુભવવાની..પ્રામાણીકતાથી  સતત  ભીંજાતા રહેવાની વાત છે..

શબ્દોમાં બોલાતી લાગણી કરતાં વર્તનમાંથી છલકતી લાગણી વધુ સુંદર અને સરળ તેમ જ ઇચ્છનીય છે…

જેનો નશો  આખી જીંદગી તમારા દિલો-દિમાગને રહે એવો પ્રેમ મુબારક મિત્રો…

સ્નેહા પટેલ – અક્ષિતારક