સર્જન કરવું એટલે દિલ ભરાઈ જાય ત્યારે શબ્દોની ધાર વતી છેક અંદર સુધી ખોદાઇ જવાનું – ઉલેચાઈ જવાનું, પછી રેલમછેલ – અને આનંદ જ આનંદ. ક્યારેક શબ્દ કોમળ મળે તો ક્યારેક અથરો પણ મારા દિલ માટે એ એક રામબાણ ઈલાજ છે એ વાત ચોક્કસ. એણે ક્યારેય મને દગો નથી આપ્યો. ભીડમાં એણે મારી આંગળી પકડી છે ને એકાંતમાં ખોળો પાથરીને કાયમ મળ્યો છે. આમ કે તેમ અહીં કે તહી દરેક જગ્યાએ મેં એની સુગંધની મોજ માણી છે. એ અઢી અક્ષરના ‘શબ્દ’ને મારા અઢી અક્ષર ના ‘પ્રેમ’ની ભેટ ચડાવું છું.
– સ્નેહા પટેલ.