રોજ નવું વર્ષ


રોજ નવું વર્ષ

તમારું વર્તમાન નું વર્તન તમારી જન્મકુંડળીના ચોકઠા દોરીને એમાં એમાં ‘ભવિષ્ય’ નામના આંકડાં ભરે છે. નવું વર્ષ એ રોજ સવારે ઉઠીને આંખો બંધ કરીને આ રુધિરાભિસરણની પ્રક્રિયા હજુ પણ યથાવત છે, સૂરજના તાજા તાજા  કિરણો તમને હૂંફ આપે છે, તાજા ખીલેલા ફૂલો ગઈ કાલે મુરઝાઈને ખરી ગયેલા ફૂલોની સ્મશાનયાત્રા કાઢીને રોવાના બદલે ‘ આ અને અત્યારની પળ જ  હકીકત છે અને એ ખૂબ સુંદર છે ‘ની વાતમાં આપણી માન્યતા દ્રઢ કરવા સસ્મિત મંદ મંદ વહી રહેલા સમીરની સંગાથે ડોલી ડોલીને વાતાવરણમાં તાજગી અને સુવાસનો છંટકાવ કરે છે, અસિત્ત્વને તરબતર કરે છે, રોજ સવારે ભૂખ્યાં ઉઠાડે છે પણ ભૂખ્યો સુવાડતો નથી અને એથી જ આ સૃષ્ટિના સર્જનહાર પર જેનો ભરોસો અકબંધ છે એ પંખીઓ પણ સઘળી ચિંતાનો ભાર એના માથે નાંખીને પોતાના ભાઈ-ભાંડુઓ સાથે ખાવાનું શોધવા નીકળી પડતા  એમની જ મસ્તીમાં ઉડતા ઉડતા એમના મધુર અવાજથી, ગીતોથી ચોમેર જીવંતતા ભરી દે છે અને આ બધાની વચ્ચે તમે  ઉમંગસભર એક નવા દિવસની શરુઆત કરો છો એના માટે ઇશ્વરનો આભાર માનવાની એક પ્રક્રિયા (જેને આમ તો પ્રાર્થના જેવું પણ કહી શકાય ) એ છે.

પણ આપણે તો હિસાબોના પાક્કા. આપણા માટે તો ૩૬૫ દિવસે એક જ  વાર નવું વર્ષ આવે, બાકી બધાં તો વાસી દિવસો જ કહેવાય. આવી બધી કુદરતની રોજેરોજ બદ્લાતી કરામતો સાથે આપણે શું લેવા દેવા ? જે જેનું કામ કરે. આટલી જીવંતતા આપણને થોડી પોસાય ? આપણે તો એદી માનવીઓ…રોજે રોજ બહારથી તનને સાફ કર્યા કરીએ પણ મનમાં તો ઇર્ષ્યા, વેર, ગુસ્સાનો કચરો ભેગો જ કર્યા કરીએ. એ બધી મોંકાણો કાઢવા માટે સમય જ નથી મળતો.

એક ક્ષણ થોભી જાઓ મિત્રો અને વિચારો તો ખ્યાલ આવશે,

ઇશ્વરના આ સૃષ્ટિમંદિરમાં આપણે પૂજારી થઈને એક ચોકકસ હેતુ સાથે આ પ્રુથ્વી પર અવતર્યા છીએ. આપણા હેતુ -કાર્યની રોજેરોજ આરતી ના ઉતારીએ તો સહસ્ત્ર દીવડાં બંધ થઈ જશે, એમાં ભજન નહીં ગાઈએ તો દસે દિશામાં અકળાવી કાઢતો શૂનકાર છવાઈ જશે. પર્વતો, ખીણ, વરસાદ, તાપ,તોફાન, લહેર, વૃક્ષ, બીજ સર્વત્ર ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનપૂજારીઓની પૂજા. એમાં આપણી શ્રધ્ધાનો શંખનાદ હંમેશા વાગતો રહેવો જોઇએ, આપણી નિર્મળ ઉર્મિઓનો અખંડદીપ સદા જલતો રહેવો જોઇએ, આપણી પ્રાર્થનાનો ઘંટનાદ પળે પળે રણઝણવો જોઇએ. આ બધી ક્રિયાઓ માટે નવું વર્ષ આવવાની રાહ ના જોવાય રે નાદાનો !

કોઇ પણ કાર્ય કરવાની પૂર્વશરત સંતોષ અને શાંતિ હોવી જોઇએ. કારણ એ જ શાશ્વત છે. આ બધાંયને મદદ કરવા માટે ઇશ્વરે મનુષ્યને અદભુત ગુણ આપ્યો છે અને એ છે પ્રેમ. કોઇને પણ ફકત આપવાની ભાવના સાથે તન્મયતાથી પ્રેમ કરશો તો એ વર્ણવવા ભલભલાં શબ્દો પણ ફીકા પડી જશે. એને સાબિત કરવા માટે કોઇ જ સાબિતીઓની જરુર નહી પડે.એ પ્રેમ તમારા રુધિરમાં ઓકસીજનની માત્રા વધારી દેશે, ભાવજગતને અલૌલિક વળાંક મળશે, સર્વત્ર આનંદની છોળો ઉડશે, થાક -દુઃખ-કલેશ જેવા કકળાટ કાયમ તમારાથી જોજનો દૂર રહેશે અને એને કાઢવા નવા વર્ષની પૂર્વે કાળીચૌદશની રાહ નહી જોવી પડે. તો મિત્રો આજથી ને અત્યારથી જ પ્રક્રુતિના સર્જનહાર પ્રત્વે પ્રેમ, આદર, શ્રધ્ધા રાખીને પૂર્ણ રીતે સમર્પિત થઈને પ્રભુ ના આશીર્વાદ લઈ તમારી મહેનત, વિશ્વાસ અને આવડતના પાયા પર તમારા માટે નિર્ધારીત કરાયેલા કાર્યની ઇમારત ચણવાનું શરુ કરી દો તો આજ જ નહીં પણ જીવતરનો એકે એક દિવસ આપણા માટે નવું વર્ષ છે, મંગળમય છે !

આપના દરેક કાર્ય સફળ થાય-આમીન !

-સ્નેહા પટેલ.

2011 in review


The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Syndey Opera House holds 2,700 people. This blog was viewed about 26,000 times in 2011. If it were a concert at Sydney Opera House, it would take about 10 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

‘બાય બાય -૨૦૧૧’.


આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..

અધધધ…!!

આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?

કેટ-કેટલી યાદગાર ઘટનાઓ

લીલીછમ ક્ષણો

સોનેરી સંભારણા

યાદોના રુપેરી ચંદરવા

કંકુ ને અક્ષત લઇને વધાવેલી

એ નવી નવેલી ઘડીઓ

હવે એકદમ જ ઘરડી

પાનખર..!!

સાવ આમ તો

એને કેમની વિદાય આપી દઊં..!!

આ પળો

આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?

મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..

પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..

પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..

વળી એવા માલિકીહક મને શોભે કે..

કેટ કેટલી અવઢવ..

પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.

આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!

સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’

પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે

વધુ ડાહ્યાં લાગે..

ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..

૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.

સારું ત્યારે…

આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!

એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.

મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..

આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!

હા એક ભલામણપત્રની અરજી

મન થાય તો સહી કરજે…

આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને

તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.

પછી તો હરિ ઇચ્છા બળવાન..

આમે મારો વ્હાલીડો અંતે

જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..

‘બાય બાય -૨૦૧૧’.

સ્નેહા પટેલ