Darshan – sakhaiyo


દર્શન:

મારા ઈશ્વર સાથેના સંવાદો:

સખૈયા..હે સખૈયા…
કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય.આમ તો માંહ્યલી કોર જાતજાતનાં નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે, પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે.

અત્ર – તત્ર સર્વત્ર અંધકાર.

અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન સ્થાપી રુઆબ સાથે એમનો પ્રભાવ વિખેરવા લાગે ,પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે! હું સતત એ અંધારામાં ઊંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું. કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું, પણ જ્યારે સફળ થઇ જાઉં ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું.
આજે પણ અંધકારમાં મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાવીએ એટલાં વધુ જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.

સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક એક નવું મંદિર બન્યું હતું. હું બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઊઠીને ઝાકળભીનાં વાતાવરણમાં હું મંદિરે ઉપડી જ ગઈ . સૂર્યદેવતાના કોમળ કિરણોમાં ચોમેર વાતાવરણ પણ પ્રફુલ્લિત જણાતું હતું જાણે આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને આળસ મરડીને ના બેઠું હોય! આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !

મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું તો રહ્યો મારો મનમોજી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.

મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં અને સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો..અહાહા.. મારો સખા સાક્ષાત! ગુલાબ, જાસૂદ, મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી તારા મુખારવિંદની આછી ઝલક જોવા મળી જ ગઈ. તારા મસ્તકની ફરતે અનોખી આભા નિહાળી આંખમાં હર્ષ, સંતોષના આંસુ આવી ગયા.

સખૈયા, એ ક્ષણે મને અફસોસ પણ થયો કે, “હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?” આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ , બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.

‘દાનવીર કર્ણ.’

ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં રહેલાં દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને આવકારવા લાગ્યો.

એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ? મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ.
એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નથી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે..
ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ?
આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે..
સ્નેહા પટેલ.

સખૈયો – ભાષાવૈભવ


અમેરિકા – દેશવિદેશ મેગેઝીન- સપ્ટેમ્બર 2021 માં મારી નિયમિત કોલમ ‘ઓટલો’નો લેખ:

ભાષા:

विशंविशं मघवा पर्यशात जनानां धेना
अवचाकसद्वषा !
यस्याह् शक्रः सवनेषु रण्यति स तीव्रैः
सोमैः सहते प्रूतन्यतः !!

  • वह आत्मा जो सदैव भगवदभक्ति में लीन रहती है, उसे दुख दर्द कभी नहीं सताते है !

-ઋગવેદ.

સખૈયા, સાંભળ્યું છે કે ભાષા એ સંવાદની મહત્વની કડી છે, પણ હું તો કાયમ મને જે પણ ભાષા આવડે છે એમાં જ તારી સાથે બોલું છું, કશું જ નવું શીખવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કરતી ! ઘણીવાર તો બોલી લીધા પછી મને ખુદને એની વાક્યરચનામાં પણ ભૂલ લાગે છે. લાગે છે કે, મારે જે કહેવું હતું એ વ્યવસ્થિત રીતે કહેવાયું જ નથી, વળી જે કહેવું હતું એ કહેવાયું જ નહીં તો તું એ વાત બરાબર સમજીશ કેમનો ? આંખોમાં દ્વિધા આંજીને હું તારી સૂરત સામે નજર કરું છું અને મારી બધી ચિંતા – દ્વિધાની ભૂલ-ભૂલામણી સરળ થઈ જાય છે. એની પાછળ એક જ કારણ છુપાયેલું હોય છે અને એ છે ફક્ત તારું સુમધુર, નયનાકર્ષક સ્મિત અને તારી સ્નેહાંજનવાળી નજર !

નવા માટલામાંથી ધીમે ધીમે પાણી ઝમ્યાં કરે અને પછી એનું પાણી મીઠું ને મધુરું લાગે, એના સ્વાદની તોલે કોઇ પણ ફ્રીજના પાણી કે રંગબિરંગી શરબતો પણ ના આવે પણ તારી નેહભરી નજર તો એ મીઠા મધુરા શીતળ પાણી કરતાં પણ વધુ આહલાદક, અવર્ણનીય હોય છે, ઝમ્યાં જ કરે..ઝમ્યાં જ કરે !
તારા બંધ હોઠના નાજુક સ્મિત પાછળથી મને દિવ્યવાણી સંભળાય છે અને ખ્યાલ આવી જાય છે કે તું મારી બધી ય વાતો બહુ સરળતાથી સમજી ગયો છે – જે વ્યવસ્થિત બોલાઈ શકાઈ નહીં, બરાબર સમજાવી શકાઈ નહીં અને હદ તો એ કે જે અનુભવાયેલી અને જેને અનુરુપ શબ્દો ના મળતાં ફકત દિલમાં જ ઉગીને રહી ગઈ – મુખમાંથી બહાર જ ના નીકળી શકી એ વાત પણ તું સરળતાથી અને અદ્દલ એના મૂળ અર્થમાં જ સમજી જાય છે.

તો દુનિયામાં ભાષાઓનું જે મહત્વ ગણાવાયું છે એ સાવ નક્કામું જ કે ?

પાંદડા ઉપરનું ભીનું – ઠંડું – મોતી જેવું ચમકતું ઝાકળ મને તારી મમતાનો અનુભવ કરાવે છે. પવનમાં ડોલતાં ઝૂમતાં વૃક્ષના પાંદડા, ફૂલ , ફૂલની આસપાસ ફરતાં ભ્રમરો, અલબેલા રંગીન પતંગિયાઓ થકી તારી મસ્તી હું બરાબર સમજી શકું છું. ઉંચા પહાડ પરથી નીચે પછડાતાં ઝરણામાં તારો આદેશ અને એ જ ઝરણું નદી બનીને ખળખળ વહેતા વહેતી દરિયા તરફ આગળ ધપે છે ત્યારે મહાન સમર્પણનો પાઠ શીખી શકું છું. સૂર્યનો અનુવાદ દિવસ અને ચંદ્રનો રાત થાય એ સમજણ તો મારામાં જન્મજાત જ હતી. રોજ રાત પડે સૂઇ જવાનું ને દિવસ ઉગે એટલે ઉઠી જવાનું, આ સંવેદનોની ભાષા તો હું તારી પાસે હતી ત્યારની શીખી ગયેલી, કડકડાટ ગોખી ગયેલી.

આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી. વળી એ આવડત મેળવવા કોઇ મોટી હાઈ- ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરી, દિલમાં ઠસોઠસ તારી યાદ ભરી, બે હાથ જોડીને આંખ બંધ કરવાની એટલે આપોઆપ આવડી જાય છે. કોઇ જ ભ્રમ કે અણસમજને ત્યાં સ્થાન નથી. ત્યાં તો ‘જે છે એ જ છે’ ને કશાથી એને જુઠલાવી જ ના શકાય એવું જ કંઇક છે. આ અનુભવ એકલતાના વનમાં ફરતાં સાંભળવા મળતાં પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી, સ્થાન છે તો ફક્ત મધુરપને જ ! એ સ્થળ -કાળમાં એક જ વિચાર આવે કે અત્યાર સુધી જે પણ મળ્યું, જે પણ માણ્યું આ સમય એનાથી ક્યાંય આગળનો અદકેરો છે, અદભુત છે. જીવનમાં એ સમયે સતત કંઇક ઉમેરાતું જ જાય છે, બાદબાકીઓની બાદબાકી થઈ જાય છે ને ચિંતા -પીડા -દુઃખના ભાગાકાર ! તને લખતી નથી છતાં તું લખાઈ જાય છે, મારામાં દૂર સુદૂર અનહદ ફકત તું જ તું વિસ્તરાઇ જાય છે. કશું ય બોલાયા વિના મારામાં તારા પડઘા પડે છે.
તારી સાથે સંધાતી તાદાત્મયની ક્ષણો પછી એમ થાય છે કે , ‘ વ્યક્ત થવા ભાષાની ક્યાં કોઇ જરુર જ છે ? એ તો દુનિયાના લોકો બસ એમ જ…’
-સ્નેહા પટેલ.

Sakhaiyo – sadehe .


ઈશ્વર  સાથેના  મારા  સંવાદ : સખૈયો -સ દેહે !

સખા, પ્રેમ એ શબ્દ તેં સાંભળ્યો છે કદી ? સાંભળ્યો તોઅનુભવ્યો છે ખરો ? પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતીછે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણરહો. દિવસ, રાત જેવા કોઇ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં યજાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજરસમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો  ઇન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જકરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરુ થાય છે પ્રિય !

મેં તને સદેહે તો કદી જ જોયો નથી. તારી ફરકતી પાંપણ, હોઠપર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વીહળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી …આ બધું તો મારીરોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનનીસ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તુંબહુ જ રુપાળો લાગે છે – દુનિયાનો સૌથી સુંદર – સુંદરતમ

પણજ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવીપડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુરલાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ – દુનિયાની સર્વખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આબધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તનેમાનવસ્વરુપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્યઆકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાનજ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્તિમાં કાયમ પડછાયોપડે છે. આમ તો મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્તિમાંજ શોધવાનો યત્ન કરું છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હુંકેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઇ જ જાણકારીમને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવાઆવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરું. મનેસમજાવી શકવાની શકવાની તાકાત જો કોઇમાં પણ હોય તો એફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઇ કાળામાથાનો માનવી, કોઇ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવાઆવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખીદુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાનીચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એમર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખતમન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તોમર્યાદા પુરુષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવીજોઇએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધીમર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઇ જ ના શકે. મારી શ્રધ્ધાથીઘડેલી તારી કલ્પના – મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ‘ખંડન’ સમો લાગેછે. હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારીપાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારનીઅપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શનમાટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહેજોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ‘સ્વાર્થી’નું બિરુદપણ માન્ય છે દોસ્ત.  કમ સે કમ તને એક વાર સદેહે જોઇશ પછીમને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતીજતી તારી મૂર્તિમાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટીએની સમજ પણ પડશે.

તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્યનિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્તિ નહીં – સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનુંમન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટેસીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું,અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારીચાહતની સાર્થકતા લાગે છે. આ એક અદના માણસનીમનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું ?  મારેપણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથીછલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ  લે છે અને ચૂપચાપઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષાલો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસએટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારું પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એનારીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું ! -સ્નેહા પટેલ.