maro sakha maro antratmaa


મારો સખા મારો અંતરાત્માઃ

ઊંચે અનંત આભ, હવા પણ અસલ હતી
ફસકી ધજાની જાત, ફરકવાનું રહી ગયું!
સુરેન્દ્ર કડિયા.

સવારના સાત વાગ્યાંનો સમય હતો.એક દિવસની પીકનીક ચાર મિત્રો ગાડીમાં નીકળ્યાં હતાં.મનસ્વીએ ચાલુ ગાડીમાંથી બહાર ડોકું કાઢીને ઠંડી હવાની લહેરખીને પોતાના મનોપ્રદેશ પર ઝીલવાનો પ્રયાસ કર્યો , આંખો અનાયાસે બંધ થઈ ગઈ. બંધ આંખે અનુભૂતિ વધારે તેજ બની જાય છે. મન્સ્વીને પણ એવો જ અનુભવ થયો. ખુલ્લાં રુખા કેશ હવામાં ફરફરતાં હતાં. આંખની લાંબી કાળી પાંપણ સુધ્ધાં હવાની ઠંડી ઠંડી લહેરખીમાં ફરફર કરતી હતી. એના કોમળ ગોરા કપોળ આછી રતાશ પકડી રહ્યાં હતાં. એની બાજુમાં કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વૈભવ, એનો પતિ એને ડ્રાઈવિંગના સમયમાંથી થોડી પળૉ ચોરીને એને ચૂપચાપ નિહાળી લેતો હતો. વૈભવ – બોલે કશું નહીં પણ મનસ્વીના આવા શાંત સૌમ્ય રુપનો એ દિવાનો હતો. મનસ્વીનો સાથ કાયમ એને એક અદભુત પોઝિટીવ ઊર્જાથી ભર્યો ભર્યો કરી દેતો. ગાડીમાં પાછળની સીટ પર બેઠેલ મિત્ર – કપલ કૃપા અને ધૈર્ય એમની આ મસ્તી ચૂપચાપ જોતું હતું અને હરખાતું હતું. કૃપાની નજર પણ અચાનક ધૈર્ય તરફ જતાં એ પણ એને નિહાળી રહેલો જણાયું અને એ અચાનક હસી પડી. શાંત વાતાવરણમાં કાંકરીચાળો થઈ ગયો અને બધો નજરનો ખેલ ખલાસ થઈ ગયો.
‘મિત્રો, ત્યાં એક મંદિર છે. બહુ જૂનું છે અને એનું સત બહુ છે. વધારે ડીટેઇલ્સ નથી ખબર પણ મંદિરનું રમ્ય વાતાવરણ મૂડ ફ્રેશ કરશે. શું કહો છો બધાં ?’
શાંત રમ્ય વાતાવરણ, ચોતરફ હરિયાળી અને મંદ મંદ વહેતો પવન- એમાં નજીકમાં કોઇ ઝરણું વહેતું હશે એનો ધીમો ધીમો ખળખળ અવાજ. મંદિર ના હોત તો પણ અહીં બે પળ રોકાઈ જવાને મન લલચાઈ જાય એમ હતું. જોકે મનસ્વી થોડી અચકચાઈ અને એનું ડોકું નકારમાં એક વાર ધૂણી ગયું પણ ઉત્સાહથી છલકાતી જુવાનીમાં એ ધીમો નકાર કોઇના કાન – આંખ લગી પહોંચ્યો જ નહીં. બધા ગાડીમાંથી ઉતરી જ ગયા. છેવટે મનસ્વીને પણ ઉતરવું જ પડ્યું.
આરસના પથ્થરોથી બનેલ પગથિયાં, એની આજુ બાજુમાં હાથી અને સિંહની લાલ પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓ, મંદિરના શિખર પર ફરફરતી પદ્યધજા, કળશ અને મંદિરમાંથી પડઘાતો ઘંટારવ ! અદ્બભુત અને અલૌલિક વાતાવરણ હતું. હાથ મોઢું ધોઇ ફ્રેશ થઈ, વાળ – કપડાં સરખા કરીને બધાએ બોટલમાંથી પાણી પીધું અને મંદિરમાં જવા પગ ઉપાડ્યો. મનસ્વી થોડી અચકાઈ. ‘હું નથી આવતી, તમે લોકો જઈ આવો.’ કહીને ગાડીમાં જઈને પાછી બેસી ગઈ. બધા બે મિનીટ તો એના આ વર્તન થી ડઘાઈ ગયાં.
જોકે વૈભવને આછો પાતળો અંદાજ આવી ગયેલો એટલે એ ચૂપ રહ્યો પણ કૃપાથી ના રહેવાયું અને ગાડીમાં બેઠેલી મનસ્વી પાસે જઈને બોલી,
‘મનુ, આ શું ? આટલું સરસ વાતાવરણ અને તું ગાડીમાં જ ગોંધાઈને બેસી રહીશ ? આવું ના ચાલે, કંઈ આમ બેસી રહેવા થોડા નીકળ્યા છીએ. ચાલ.’ અને એને હાથ ખેંચ્યો.
‘ના કૃપા, હું મંદિરમાં નહીં આવી શકું. તમતમારે જઈ આવો.’
‘અરે પણ પ્રોબ્લેમ શું છે ડીઅર ?’
‘કંઈ ખાસ નહીં – પીરીઅડસ.’
‘ઓહોહો..તું પણ છે ને સાવ મણીબેન છે. આજના જમાનામાં આવા બધા તાયફા…છોડ હવે આ બધું જૂનવાણીપણું ને ચાલ. મારે પણ આજે ત્રીજો દિવસ ચાલે છે પણ મને એની કોઇ ફિકર નથી. હું તો મસ્તીથી જઈશ. આવા આભડછેટવેડાં શીદને ?’
‘પણ તું તારે જા ને. મને તારા જવા સામે કોઇ વિરોધ નથી. હું તો મારે શું કરવું ને ના કરવું એની વાત કરું છું. આજકાલ બધા મોર્ડન – મોર્ડનના નામે જે ‘માસિકમાં હોવ તો પણ મંદિરે જાવ’ જેવી વાતો કરે છે અને એની સામે એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે જે એનો તીવ્ર વિરોધ કરે છે. હું એ બધામાં આવતી જ નથી. મારા માટે દર્શન કરવા એ શારિરીક કરતાં માનસિક સ્થિતી વધારે છે. મારે એના માટે આવા ચોક્કસ પ્રકારના મંદિરોની પણ જરુર નથી પડતી. મનોમન હું આંખ બંધ કરીને પણ ભગવાનને મળી શકું છું. વળી હું એવા પ્રકારના વાતાવરણમાં ઉછરી છું કે જ્યાં આવા બધા બંધનો હતાં જ નહીં. અમને કદી કોઇ રોક ટોક કે ખૂણૉ પાળવાનું જેવી વાતો શીખવાડાઈ જ નથી. પણ હું આ મંદિરની મનોમન એક આમન્યા રાખું છું. મને મનથી જ આવી અવસ્થામાં મંદિરમાં જવાની ઇચ્છા નથી થતી. વળી જે અંદર બિરાજમાન છે એ તો મારા હ્રદયસિંહાસનમાં ય હાજરાહજૂર છે જ. હું કોઇ ચોક્કસ પ્રકારના ટોળાઓમાં જોડાઈને મારા મનની વાતને વણસાંભળી કરવા નથી ઇચ્છતી. આપણે કોઇને કહીએ નહીં તો લોકોને શારિરીક સ્થિતીની કોઇને સમજ પણ નથી પડવાની. હા , હલ્કી વરણના સમાજમાં જે આભડછેટના નામે અતિરેક થાય છે એની હું તદ્દન વિરોધી છું. બાકી તું જ કહે કે આપણા જેવાંને આ દિવસોથી શું ફર્ક પડે છે ? આપણે આપણી મરજીના માલિક! આજકાલ ઠેર ઠેર લોકો આ વાતને વિવાદ બનાવીને હો-હા કરતા ફરતાં હોય છે એવા ટોળાઓમાં હું ક્યારેય નથી જોડાતી. મારી પોતાની બુધ્ધિ અને પરિસ્થિતી જોઇને મારું જીવન હું મારી રીતે જ જીવું છું. મારો સખા મારો અંતરાત્મા. એને જે કામ કરતાં મજા આવતી હોય એ કામ હું આરામથી કરી નાંખુ છું પણ આ મૂર્તિદર્શનમાં મારું મન કચવાય છે. સમાજ ગયો તેલ પીવા પણ મારું મન એ મારો ભગવાન. લોકોને બતાવી દેવા હું કોઇ કામ ક્યારેય નથી કરતી. કોઇનાથી આકર્ષાઈ જવું કે કોઇને આપણાંથી આંજી કાઢવા જેવી અર્થહીન પ્રવ્રુતિઓથી હું કાયમ દૂર રહું છું. આ મેં તને મારા મનની વાત કહી.બાકી હું મારા વિચારો ક્યારેય કોઇ પર થોપતી નથી. લોકોએ શું કરવું ને શું નહીં એ તદ્દન એમની પોતાની સ્થિતી અને સમજને અનુસાર જ હોય ને હોવું જ જોઇએ. બાકી ‘લાંબા સાથે ટૂંકો જાય’ જેવી હાલત થઈ જાય.’
‘હમ્મ…હું તને બરાબર ઓળખું છું મનસ્વી અને તારી એકે એક વાત હું સમજી પણ શકું છું. તારી ઇચ્છાને હું આદર પણ કરું છું ડીઅર. કાયમ આવીને આવી સરળ અને સુકોમળ જ રહેજે.તારા સાથ સુધ્ધાંથી અમને લોકોને એક આધ્યાત્મિક વાતાવરણ જેવી ફીલીંગ આવે છે. ચાલ હું દર્શન કરી આવું- કારણ મેં તો કદી આ વિષય પર તારી રીતે વિચાર્યુ જ નથી. સમાજનો આ સ્ત્રી વિરુધ્ધનો નિયમ છે અને મારે એનો વિરોધ કરવાનો છે એ જ વિચારથી આ પગલું ભરતી આવી છું તો એક વાર ઓર સહી.’
અને મનસ્વીને ટાઈટ હગ અને ગાલ પર કીસ કરીને ધ્રુવીએ મંદિર તરફ ડગ માંડ્યાં.
અનબીટેબલઃ માણસ મુખ્યત્વે મનથી આધ્યાત્મિક જોઇએ, તન તો માધ્યમ માત્ર.
-સ્નેહા પટેલ

taro ishwar tari andar


તારો ઇશ્વર તારી અંદરઃ

ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।

— संत कबीर.

આરોહી આજે એની બાર વર્ષની દીકરી વંશિકા ઉપર  બહુ જ ગુસ્સે હતી અને એનો કાન આમળીને એને બરાડા પાડી પાડીને કંઇક સમજાવી

રહી હતી. એની આંખોની કિનારી ગુસ્સામાં લાલ થઈ રહી હતી, નાકના નથુણાં બહુ જ ઝડપથી ફૂલી અને પીચકી રહ્યાં હતાં. ગુસ્સો હતો કે બૂમો પાડીને પણ શમતો નહતો તો છેવટે આંખના ખૂણેથી આંસુ બનીને વહેવા લાગ્યો હતો પણ આરોહીને એ વાતની જાણ સુધ્ધાં નહતી. આજે એ બહુ ‘હર્ટ’ થઈ હતી અને એનું કારણ એની વહાલસોઇ, આજ્ઞાકારી દીકરી વંશિકા આજે એની પાડોશમાં રહેતી બહેનપણી જોન્સી સાથે એમના ચર્ચમાં જવાની જીદે ચડેલી હતી. આરોહીને વંશિકાની અને જોન્સીની દોસ્તી પર કોઇ જ આપત્તિ નહતી. જો કે એ લોકોના ઘરમાં વારેઘડીએ ‘નોનવેજ’ ખાવાનું બનતું, મહિનામાં એક વખત શહેરમાં વસતા ઘણાં ખરાં ખ્રિસ્તીઓ એમના ઘરે પ્રાર્થના કરવા ભેગાં થતાં, અવાજ અવાજ.. આ બધું એને પસંદ નહતું પડતું પણ એમાં એ કશું બોલી ના શકે. એમનું  ઘર અને એમનો ધર્મ, એમનું ખાવા પીવાનું બધું એમની મરજી. કોઇના ધર્મ વિશે આપણાંથી કોઇ ટીકા ટીપ્પણી ના કરી શકાય, એટલે એ મન મસોસીને  પણ ચૂપ રહેતી હતી. વળી જોન્સીનો સ્વભાવ પણ ખૂબ જ સૌમ્ય. એ કાયમ આરોહી- આલોકને ખૂબ  જ માન આપતી અને વંશિકાને કોઇ પણ તક્લીફ હોય તો એને મદદ કરવા કાયમ તત્પર રહેતી હતી. એની અને વંશિકાની સ્કૂલ અલગ અલગ હતી પણ સ્કુલથી છૂટવાનો અને ઘરે પહોંચવાનો સમય લગભગ સરખો. જોન્સી દસ મિનીટ વહેલી આવી જતી પણ એ આવીને વંશિકા માટે રાહ જોતી અને એ આવતાં જ બે બહેનપણીઓ સાથે જ જમવા બેસતી.બહાર ક્યાંક જવાનું હોય તો પણ બે ય જણ મોટાભાગે સાથે ને સાથે જ હોય. જોન્સીનો પરિવાર દર

રવિવારે સવારે વહેલાં ઉઠીને ચર્ચમાં પ્રાર્થના કરવા જતો અને પછી એ બધાં ત્યાં જ જમીને

પાછા આવતાં. આ એમનો નિત્યક્રમ હતો. એમાં આ રવિવારે વંશિકાને પણ ભૂત ભરાઈ ગયું કે,

‘હું પણ ચર્ચ જઈશ.’

કોઇ પણ રીતે એ એકની બે થવા તૈયાર જ નહતી. બાળહઠ અને સ્ત્રીહઠ બે ય સામસામે ટકરાતાં હતાં. ક્યારેય વંશિકાને મોટા અવાજે ના બોલનારી આરોહી આજે વંશિકા પર હાથ ઉગામી રહી

હતી. આ બધી ધમાલથી રવિવારની રજાની મીઠી નીંદર માણી રહેલ આલોક – વંશિકાના પપ્પાની આંખ ખૂલી ગઈ. બેડરુમની બહાર આવીને આરોહીને પૂછ્યું અને બધી

હકીકત સમજાઈ ગઈ. સ્થિતી જરાક વિચિત્ર હતી. આલોક પોતે પણ બે પળ માટે વિચારમાં પડી ગયો પછી થોડું વિચારીને એણે આરોહીને કહ્યું,

‘આરુ, વંશિકાને જવા દે. એની બહેનપણી સાથે એનું ધર્મસ્થાન જોવું છે તો ભલે ને જોવે.

નોનવેજ જમવાનું હશે તો નહીં જમે. બાકી એના ચર્ચમાં જઈને કોઇ મોટો ધાર્મિક ગુનો નથી કરી દેવાની.’

‘આલોક, આ તમે શું બોલો છો ભાન બાન છે કંઈ?’

‘હા,પૂરેપૂરું ધ્યાન છે. આપણી દીકરીને આમ બંધનમુકત કરીને નથી જીવાડવી. આજે એ નાની છે, આપણી વાત માને છે, થોડી ડરાવી ધમકાવીને એને કાબૂમાં રાખી લઈશું પણ આમ કરતાં આપણે એના મનોપદેશ પર આપણાં વિચારો, માન્યતાઓ થોપી રહ્યાં છીએ એ વાત નથી

દેખાતી? આજેથોડી ધાકધમકીથી આ વાત પણ માની લેશે પણ એના આજાગ્ર્ત મગજમાં આપોઆપ આપણાં મંદિર પ્રત્યે નારાજગી ઉતપ્ન્ન થશે અને ભવિષ્યમાં એ મોટી – સશકત થતાં કદાચ આપણો વિરોધ કરવાના ઉદ્દેશ સાથે જ આપણાં મંદિરમાં જવાથી પણ દૂર ભાગશે ત્યારે તું શું કરીશ? અત્યારે તું ચર્ચમાં જવાની ના પાડે છે એ વાત એના મગજમાં ઘર કરી ગઈ તો આપણને બતાવી દેવા માટે પણ ભવિષ્યમાં એ રોજ ચર્ચના દર્શને જતી થઈ જશે તો શું કરીશ? કોઇ વાતમાં અતિરેક નહીં જ સારો. વળી આ જનરેશન તો ધર્મમાં આપણાં જેટલું માનશે કે કેમ એ જ પ્રશ્રાર્થ છે, કારણ આ પ્રજા બહુ જ બુધ્ધિશાળી છે, જાણકારીવાળી છે. એ તમે કહો એ વાતમાં કોઇ જ દલીલ,પુરાવા કે

તથ્ય વિના સ્વીકારી લે એ શક્ય જ નથી. વળી આંખો બંધ કરીને જે વસ્તુ દેખાતી હોય એનો

વિરોધ કરવા જેટલી મૂર્ખી પણ નથી. એ લોકો એમના નિર્ણય એમની સમજ પ્રમાણે જ લેશે,

એટલે તું અત્યારથી જ એમના નિર્ણયોને માન આપતાં, સ્વીકારતાં શીખી લઈશ તો તને ભવિષ્યમાં ઓછી તકલીફ પડ્શે. આપણે તો આપણાં વડિલો

દ્વારા બાંધેલ ધર્મ નામના નાનકડાં વાડા – સંપ્રદાયોમાં બંધાઇને આપણાં સીમાડાંઓ બહુ જ નાના કરી નાંખ્યા છે , કમ સે કમ આપણી પ્રજાને તો એમાંથી મુક્તિ આપીએ.’

‘આલોક તું સાચું કહે છે,ચર્ચ જોવા જેવી નાની શી વાતમાં આજે મેં કેટલા ઉધામા કરી નાંખ્યા

કેમ? સારું થયું સમય રહેતાં તેં મને ચેતવી દીધી નહીંતર નાહકની જ આજે હું આપણી

માસૂમના મગજમાં મારી માન્યતાઓ થોપી થોપીને એને વિચારવા -વિકસવાની જગ્યા જ છીનવી લેત. આપણાં સંસ્કારો એનામાં રોપાય અને એ એક સારી માણસ બને એટલું જ મારા માટે ઘણું છે, ધર્મ એને જે પાળવો હોય – કે ના પાળવો એની મરજી! બસ, એક માણસ તરીકે એ સારી અને સાચી સિધ્ધ થાય એટ્લે

ભયો ભયો. દરેકનો ઇશ્વર આખરે તો એની અંદર જ છુપાયેલો હોય છે અને એ જ સાચો ઇશ્વર !’

વંશિકાનું કરમાયેલું મોઢું ખીલી ઉઠ્યું.

અનબીટેબલઃ સંતાન પૂર્ણ આજ્ઞાંકિત બને એ કરતાં પોતાની જાતે ‘સાચું શું ને ખોટું શું’ સમજીને જાતે નિર્ણય લેતાં શીખવાને સક્ષમ બને એ વધુ મહત્વનું છે

-sneha patel

ઇશ્વરની શોધ


phoolchhab newspaper > 23-09-2015 > navrash ni pal column

છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે,
એમ લાગ્યું કે બસ મૄગજળ સુધી ચાલ્યા અમે !
– સુરેશ વિરાણી

‘દિત્સુ, આ સમાચાર વાંચ્યા કે ?’
‘શું છે ચાણક્ય , સવાર સવારમાં કેમ આમ બૂમાબૂમી કરી મૂકી છે તેં?’
‘આ તો તું રહી આધ્યાત્મિક જીવડો અને એ બાબતે મને આ સમાચારમાં કંઇક નવું લાગ્યું એટલે ઉત્સાહ વધી ગયો યાર, તને નહીં ગમતું હોય તો નહીં વાત કરું જા.’
અને ચાણક્યનું મોઢું પડી ગયું.
‘ઓહ મારો ચારુ, સોરી ડાર્લિંગ. મારો કહેવાનો મતલબ આવો નહતો. હું થોડી રસોઇ પતાવવાની ઉતાવળમાં હતી એટલે ‘વૉઇસ ટોન’ તને એવો લાગ્યો હશે. બોલ બોલ શું નવી નવાઈના સમાચાર છે ?’
અને ચાણક્ય એકદમ ઉત્સાહમાં આવી ગયો. પેપર ખોલીને પેજ નંબર પાંચ પર રહેલી ચોથી કોલમના ન્યુઝ દિત્સાને બતાવવા લાગ્યો.
‘આ જો, આ બાબા કેવા મહાન છે ! એ વર્ષોથી એકાંતવાસ ગાળે છે અને ચૂપચાપ સાધના કરે છે. આ સાધનાના પરિણામે એ બાબાને ઝાડ,પાન, ઝરણાં, પક્ષી..અત્ર તત્ર સર્વત્ર..બધ્ધે બધ્ધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. કેવો ઉચ્ચકોટીનો આત્મા કહેવાય આ કેમ ? આપણે આવા લેવલે ક્યારે પહોંચીશું દિત્સુ ?’
દિત્સાએ ચાણક્ય પાસેથી પેપર લઈને ધ્યાનથી ન્યૂઝ વાંચ્યા. ચાણક્ય સાચું કહી રહ્યો હતો. બે પળ તો એ પણ વિચારમાં પડી ગઈ. દિત્સા બાળપણથી જ આધ્યાત્મમાં ખાસી રુચિ ધરાવતી હતી અને સદા એ આચાર વિચારોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેતી હતી. એના એ જ સાદાઈભર્યા સ્વભાવને લઈને ચાણક્યને એ બહુ જ પસંદ હતી. પણ આ જે વાત કરી એવી તો દિત્સાના જીવનમાં ક્યારેય નહતી બની. એ પણ ભગવાનના દર્શનની ઇચ્છા ધરાવતી હતી, એના માટે ચાતક નજરે રાહ પણ જોતી રહેતી હતી. અચાનક એનો પાંચ વર્ષનો મીઠડો -એનો દીકરો એની સામે આવ્યો. એના હાથમાં ‘યૉ યૉ બોલ’ હતો.
‘મમ્મા, આ જુઓ તો આ લાલરંગનો બોલ ગોળ ગોળ ફેરવું છું તો પીળો બની જાય છે કેવું મેજીક છે ને!’
અને મીઠડો યૉ યૉ બોલને સ્પીડમાં હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો ને દિત્સા હસી પડી.
‘અરે બેટા, આ તો આપણો ભ્રમ – ઇલ્યુશન છે. બોલ તો હકીકતે લાલ જ છે. એને ઝડપથી ફેરવે એટલે એ પીળો કલરનો લાગે’ આટલું બોલતાં બોલતાં તો દિત્સુના મગજમાં કંઈક નવાઈની ક્લીક થઈ અને એ એક્દમ જ ખુશ થઈ ગઈ.
‘ઓહ મમ્મા, એવું હોય કે ? ‘ ને મીઠડાંના ભોળા મુખ પર અચરજના રંગ લીંપાઈ ગયા.
‘હા દીકરા,એવું જ હોય.’ અને દિત્સાએ મીઠડાંને નજીક ખેંચીને એના ગાલ પર પપ્પી કરીને વ્હાલ કરી લીધું.
‘ચાણક્ય એક કામ કર તો આ બાબાને આપણાં ઘરે આવવા માટે આમંત્રણ આપ તો, છાપામાં એડ્રેસ છે જ. મારે એમની સાથે થૉડી વાત, સત્સંગ કરવો છે.’
‘ઓકે મેડમ, જેવો આપનો હુકમ’ અને ચાણક્ય એ ફોન કરીને બાબાની બે દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મેળવી લીધી.
બે દિવસ પછી,
‘અહાહા, શું સુંદર અને પોઝિટીવ વાતાવરણ છે દીકરા તારા ઘરનું , અહાહા… પગ મૂકતાં જ હું તો પ્રસન્ન થઈ ગયો ! ‘ બાબા દિત્સાના ઘરમાં પ્રવેશ કરતાં જ બોલી ઉઠયાં.
‘જી આભાર બાપજી.’દિત્સા સાવ ટૂંકાણમાં જ બોલી. જાતજાતના ફળાહાર કરાવીને શાંતિથી દિત્સા અને ચાણક્ય બાબાની સાથે બેઠાં.
‘બાપજી, એક વાત કહો તો. તમને આ જે વૃક્ષ, પહાડ, નદી બધી જ જગ્યાએ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી ?’
‘હા બેટા, મેં વર્ષોથી એનો અભ્યાસ કર્યો છે. તપસ્યા કરી છે એટલે આજે હું ઇશ્વરને જોઇ શકવા સક્ષમ થઈ શક્યો છું. બધી ઉપરવાળાની મહેરબાની.’
અને આટલું બોલતાં બોલતાં તો બાપજીનું મોઢું તેજથી, અનોખી આભાથી ભરાઈ ગયું.
‘અચ્છા બાપજી, તમે આજનો દિવસ અહીં મારા ઘરે રોકાશો ? પણ હા એક શરત – તમે ક્યાંય ઇશ્વરને શોધવાનો પ્રયત્ન ના કરતાં.’
દિત્સાએ ખૂબ જ ભાવપૂર્વક બાબાને આમંત્રણ આપ્યું અને બાબા એનો અસ્વીકાર ના કરી શક્યાં. સાંજે જમી કરીને થોડી વાતો કરીને નિત્યક્રમ મુજબ સાડા દસ વાગે બાબા ‘ગેસ્ટરુમ’માં સૂવા ગયાં.
સવારે દિત્સા ઉઠીને રસોડામાં ગઈ તો બાબા ઘરની ગેલેરીમાં ઉદાસ મોઢે બેઠેલાં દેખાયા અને દિત્સા ગભરાઈ ગઈ.
‘શું થયું બાપજી ? કેમ આમ ઉદાસ ?’
‘તમે મારા ઇશ્વર છીનવી લીધાં. કાલથી મેં બધે ભગવાનને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધો તો હવે એ મારાથી રિસાઈ ગયા. મારી વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું.’
અને દિત્સા ધીમું હસી પડી.
‘બાપજી એક વાત કહું. તમે જે ઇશ્વરને જોતાં હતાં એ તો તમારી કલ્પના માત્ર હતી. તમે તમારી નજર, દિમાગને એ રીતે જ ટ્રેઈન કરેલું પણ હકીકત ને કલ્પના બહુ અલગ હોય છે. તમારે નદી, ઝરણામાં ઇશ્વરને શું કામ શોધવાના ?’
‘મતલબ ?’
‘મતલબ એ જ કે તમારે એ લેવલે તમારી સાધનાને લઈ જવાની કે તમને ચોતરફ ફકત ને ફકત ઇશ્વર જ દેખાય. પ્રશ્ન એ થવો જોઇએ કે નદી – ઝરણાં ક્યાં ગયાં ? કારણ – જે છે એ તો બધું જ ભગવાન જ છે ! આ વાત, અનુભવ માણસ જ્યારે પોતાની જાતને ભૂલી જાય અને પોતાની અંદર જ ઇશ્વરને શોધવાનો યત્ન કરે ત્યારે જ શક્ય બને. આટલા વર્ષોના મારા ચિંતન, મનન પછી હું તો આટલું જ જાણી શકી છું. બાકી તો આપ વધુ અભ્યાસુ.’
‘હા દીકરી, અભ્યાસ તો વધારે છે પણ કોર્સ ખોટો હતો. હું તારી વાત સમજી શકું છું અને એની સાથે સર્વથા સહમત પણ થાઉં છું. મને રાહ ચીંધવા બદલ ખૂબ ખૂબ આભાર.’
અનબીટેબલઃ ઘણીવાર પ્રયત્નોથી ના મળે એ સહજતાથી જરુર મળી શકે.
-સ્નેહા પટેલ.

પાગલપણનો સંબંધ


‘હું ગુજરાતી’ નામના ઇ મેગેઝિનમાં ચાલતી મારી કોલમ ‘સખૈયોનો ભાગ – 3’

નાનપણથી મને ભગવાનની સાથે રીસામણાં – મનામણાંનો બેહદ શોખ ! એના તરફ મનમાં અહોભાવ કરતાં પ્રેમ વધુ. એટલે મારે રોજબરોજ એની સાથે મનોમન ઢગલો વાતચીત થતી રહે. આ વર્ષોથી થતી રહેતી વાતોનો ખજાનો આપ સૌ સમક્ષ ‘સખૈયો’ કોલમમાં લઈને આવું છું. હું ગુજરાતી એક ઇ મેગેઝિન છે એટલે હું કાયમની માફક મારો આખો લેખ અહીં બ્લોગ પર નહીં મૂકી શકું મિત્રો માફ કરશો. કારણ એમ કરતાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રાઈડની એપ્લીકેશનને અન્યાય કર્યો કહેવાય. તો મારી આ કોલમ માટે આપ મિત્રોએ અહીં આપેલી લિંક પર જઈને જ વાંચવું પડશે. જોકે એ એપ ડાઉનલોડ કરીને લેખ વાંચવાની તસ્દી લેતાં એ શ્રમ વ્યર્થ તો નહીં જ જાય એની તો હું તમને સો ટકા ગેરંટી આપું છુ હોં કે !

લો આ લેખના થોડાંક અંશ આપની સમક્ષ રાખુ છું જેથી આપને આ વખતનો વિષય ખ્યાલ આવે :

જોકે, આવું કેમ થતું હશે ? તારી અને મારી વચ્ચે વળી એવો તો શું સંબંધ છે ? મને તારા માટે બહુ આસક્તિ નથી કે બહુ વિરક્તતા પણ નથી. તને જોયા વિના દિ’ ના ઉગે ને તને જોયા વિન સાંજ ના ઢળે એવું કંઈ નથી થતું. તારા માટે અતિપ્રેમ છે..ના.ના. તો તો તારા માટે મારા મનમાં અઢળક અપેક્ષાઓના ફૂલ ખીલી ચૂક્યા હોત, તને હર ઘડી મારી નજરમાં કેદ કરી લેવાની ઇચ્છા થઈ જાય. એવી કોઇ કેદમાં તો હું તને કેવી રીતે જોઇ શકું ? તો શું નફરતનો સંબંધ છે કે ? કારણ – સાંભળ્યું, જાણ્યું છે કે તમારે જેની સાથે નફરતનો સંબંધ હોય એ તમને હર ઘડી યાદ આવ્યા કરે, ઘડી બે ઘડી ય ચેનનો શ્વાસ ના લેવા દે આ નફરત. હાય રામ, તારી સાથે નફરત તો કેમની થાય !
આખો લેખ તો અહીં જ વાંચી શકાશે મિત્રો.

ડાઉનલોડ લિંક્સ:
Matrubharti Android Link: https://goo.gl/Sg8xvd
Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ
Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

સજાગ ભક્ત


phoolchhab newspaper > 10-12-2014 > Navrash ni pal column

 

ના પહોચી શકું જો મન સુધી ,

તો કરું સ્થાન શું અચળ રાખી !

 

-પીયૂષ પરમાર

રાત ધીમે ધીમે એનો પ્રભાવ પાથરવા લાગી હતી. નરમ સાંજને હળવેકથી બાજુમાં ખસેડીને એ પગપેસારો કરી રહી હતી. આજે રીના પીયર ગઈ હોવાથી કેદારને જમવાનો કોઇ ખાસ મૂડ નહતો એટલે થોડા ભજીયા અને બિસ્કીટસ સાથે કોફી ખાઈ લેવાનું વિચાર કરેલો. ત્યાં એની નજર સામેના બંગલા પર પડી. સવારના ઉજાસમાં જે બંગલો એની ચોતરફ હરિયાળી ભરીને ઝૂમતો અને જીવંત લાગતો હતો એ અત્યારે આછા અંધારામાં એક કાળા ધબ્બા જેવો જ લાગ્યો. કાળા ધબ્બા સાથે નજરને ના ગોઠતાં કેદારે નજર ફેરવી તો એની જ ગેલેરીમાં રીનાએ નવી વાવેલી ચાંદનીની વેલ પર નજર સ્થાયી થઈ ગઈ.

‘ઓત્તારી, આ નાના નાના નાજુક સા સફેદ ફૂલ કેટલા સુંદર લાગે છે. દૂરની હરિયાળી જોવામાં પોતાને ખુદની જ ગેલેરીની આભાનું ધ્યાન જ નહતું આવ્યું. અજવાશ પછીના અંધકાર પાછળ જગતનિયંતાનું કદાચ આ જ ગણિત હશે કે દૂરનું જોવાનું છોડીને માણસ નજીકનું – પોતીકું વિશ્વ જોવા માટે સમય ફાળવે’ અને મનોમન ચાલતા મનોમંથનથી કેદાર મુકત મને હસી પડ્યો. એ પછી એણે બહુ જ સાવચેતીથી પોતાના મનગમતા ક્રીસ્પી બિસ્કિટસનું ક્રીમ કલરનું લીસું અને ચમકતું રૅપર ખોલ્યું અને દર વખતની જેમ આ વખતે પણ એક તીખી અણગમતી લાગણી એના ચહેરા પર લીંપાઈ ગઈ.

‘આ લોકો બિસ્કીટમાં અંદરનું પેકીંગ ઉંધુ કેમ રાખતા હશે ? ઉપરથી પેકેટ ખોલતા જ એની નીચે રહેલું સફેદ પ્લાસ્ટિકનું કવર આખું કાઢો તો જ બિસ્કીટ લઈ શકાય. આ રીતે તો પેકેટ ખોલો એટલે બધા બિસ્કીટ્સ બહાર જ આવી જાય પછી આપણી પાસે ઓપ્શનમાં કાં તો બધા બિસ્કીટ્સ ખાઈ જાઓ ક્યાં હવાચુસ્ત ડબ્બો શોધીને એમાં આ બિસ્કીટને ટ્ર્રાંસફર કરો. ઉત્પાદકો આટ આટલી કમાણી પછી પણ આવી અવળી નીતિ કેમ અપનાવતા હશે ?’ વિચારતા વિચારતા બિસ્કીટ પેટમાં પધરાવીને ઉપર કોફીનો ઘૂંટડો ભર્યો અને એની મિત્ર ટોળકી દરવાજામાં ડોકાઈ.

‘ઓહોહો…આવો દોસ્તો આવો.’ દોસ્તોના આગમનથી કેદારના મનની બિસ્કીટ ઉત્પાદકો સામેના રોસની લહેરખી ઠરી ગઈ.

‘અલ્યા, એકલો એકલો કોફી પીવે છે ને…અમારી પણ બનાવડાવ હેંડ્ય..અને હા, સાથે થોડો નાસ્તો બાસ્તો પણ ખરો હોંકે..’ ચાર દોસ્તોના વૃંદમાંથી બે ફરમાઈશી અવાજ રેલાયા અને મરકતા મરકતા કેદારે એના નોકરને બોલાવીને કોફી અને ગરમા ગરમ પકોડા બનાવવાનો ઓર્ડર આપ્યો.

વાતોના ગપાટા ચાલુ થયા અને એમાં કોફીને નાસ્તો તો ક્યાં પતી ગયા એનો ખ્યાલ પણ ના રહ્યો. અચાનક જ અવિનાશ નામના મિત્રની નજર કેદારના ડ્રોઈંગરુમની દિવાલ પર લટકતી શ્રીનાથજીબાબાની છબી પર પડી અને એ ચમક્યો,

‘અલ્યા, તું વળી આ ભગવાન બગવાનમાં ક્યાંથી માનતો થઈ ગયો ?’

‘લે, હું તો એ પરમશક્તિમાં પહેલેથી જ શ્રધ્ધા ધરાવું છું.’

‘ઓહ..એ દિવસે આપણે હાઈવે પર આવેલા મંદિરમાં ગયેલા અને ત્યાં પ્રસાદમાં ચરણામૃત લેવાની ના પાડેલી એ પરથી મને એમ કે તું તો સાવ નાસ્તિક છું.’ કવન નામનો મિત્ર અવિનાશના આસ્ચ્ર્યમાં સાથે જોડાયો.

‘કવલા, એ પાણીમાં નકરો કચરો હતો. ભગવાનના નામે આવા ધતિંગમાં હું ના માનું. જુઓ મિત્રો, ભગવાન પ્રત્યેની મારી સમજ એક્દમ કલીઅર ને કટ છે. મારી સમજ પ્રમાણે આપણા સમાજમાં લગભગ ચાર પ્રકારના વ્યક્તિ છો. એક ઃ જે આંખો બંધ કરીને ભગવાનમાં માનતા હોય અને એના નામે બધું જ કરી છૂટે છે. ધર્મના નામે ચાલતા તૂતની પણ એમને સમજ નથી પડતી – સમાજમાં તેઓ આસ્તિક નામનું વિશેષણ ધરાવે છે. બીજો – કંઈ જ સમજ્યા વિના અને વિચાર્યા વિના ધરાર ભગવાનને અવગણી બેસે છે એ નાસ્તિકનામી લોકો. ત્રીજો વર્ગ જે બહુ જ મજબૂતાઈથી ‘પોતે તો સાવ નાસ્તિક છે’ ના બણગાં ફૂંકતા હોય અને જ્યારે પણ એમની પર આપત્તિ આવી પડે ત્યારે જે ‘હાથમાં એ સાથ’માં કરીને એકે એક જાતના ભગવાનમાં – દોરા ધાગામાં સુધ્ધા વિશ્વાસ ધરાવતા થઈ જાય છે એ તકવાદી સાધુ જેવા લોકો અને ચોથા જે કોઇ પણ સ્થિતીને પહેલાં જાણવાનો આગ્રહ રાખે છે, એના ઉંડાણમાં ઉતરીને એને પૂરેપૂરું સમજવાની મથામણ કરે છે અને પોતાને જેટલું યોગ્ય લાગે એટલાનો મજબૂતાઈથી સ્વીકાર કરે છે અને છેક સુધી એને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે. આજે નાસ્તિક ને કાલે આસ્તિક જેવી વાતો એને નથી સ્પર્શતી. એ આંધળો અનુનાયી નથી હોતો. એની સમજણના બધા દરવાજા ખુલ્લા રાખીને આ સંસારને એક અદભુત શક્તિ ચલાવી રહી છે અને પોતે એ સંસારનો એક નાનો શો અંશ છે એ વાત સ્વીકારીને રોજ પોતાના જીવન માટે પરમાત્માનો આભાર વ્યકત કરે છે , પોતાના દિલ ને દિમાગમાં એ શક્તિને આધીન રહીને સદા સારું આચરણ કરવાનો આગ્રહ સેવે છે એ વર્ગ એટલે કે મારા જેવા લોકો..જેને શું નામ આપવું એ વિચાર હજુ સુધી મને નથી આવ્યો…કદાચ જાગ્રત ભકત કહી શકાય. હવે બોલો મિત્રો મારી માન્યતા ક્યાં અને કેટલી ખોટી છે ?’

‘સાલા કેદારીયા…તું તો જબરું જબરું વિચારે છે યાર. આમ પણ કાયમ તારી કોઇ પણ વાતને નકારી શકાય એમ ક્યાં હોય છે ! ચાલ આજે રાતે અમે પણ આ વાત પર વિચારીશું ને ફરી મળીએ ત્યારે ચર્ચા કરીશું. તેં જ કહ્યું ને અક્કલના દરવાજા ખુલ્લા રાખીને હરિ ભજવા..’ અને અવિનાશની વાત પર બધા મિત્રો ખડખડાટ હસી પડ્યાં.

અનબીટેબલ : પ્રાર્થના એટલે ફકત હોઠથી નહીં પણ સંપૂર્ણ અસ્તિત્વથી હસવું !

-સ્નેહા પટેલ

સંન્યાસ


Phoolchhab newspaper > Navrash ni pal column > 2-07-2014.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,

કોઈ છાયાની સાથ રમવું છે.

-અશરફ ડબાવાલા.

 

‘સફેદ કપડું, બાજઠ, નારિયેળ, ગણપતિની મૂર્તિ, લાલ કપડું, અગરબત્તી, સ્ટેન્ડ, રૂ, ઘી, વાડકી, ચમચી, કંકાવટી, અબીલ, ગુલાલ,દુર્વા, નાડાછડી….’ મૌલિકાના મોઢામાંથી ફટ – ફટ ધાણીની જેમ વસ્તુઓના નામ બોલાતા જતા હતા અને એનો નોકર એટલી જ ઝડપથી પહેલેથી રસોડામાં તૈયાર કરાયેલી આ બધી વસ્તુઓ નામ પ્રમાણે રૂમમાં ગોઠવતો જતો હતો. બધું ય ડ્રોઇંગરુમમાં ગોઠવાઈ ગયું અને ગોર મહારાજનો પ્રવેશ થયો. મૌલિકા ધર્મની દરેક બાબતમાં સમયની બહુ જ પાક્કી.

દુર્વા વડે યજમાન અને આસન તેમ જ આસનની આસપાસ પાણી છાંટી મહારાજ શ્ર્લોક બોલ્યાં,

 

‘ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा !

यः स्मरेत्पुंडरीकाक्षं स ब्राह्याभ्यंतर शुचिः !!’

 

અને મૌલિકાના મોઢા પર અલૌલિક આનંદ પથરાઈ ગયો. મૌલિકા ધાર્મિક વૃતિની સ્ત્રી હતી. એના ઘરમાં વારે તહેવારે કથાઓ તો ચાલતી જ રહેતી હોય. આજે પણ મૌલિકાના એક ના એક વીસ વર્ષના પુત્ર પ્રિયાંકની વર્ષગાંઠ હતી તેથી એણે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિકાના ઘરના હવે થોડાં કંટાળેલા હતા એનાથી, પણ ધર્મનું નામ હતું એટલે એને રોકવાની કોઇની હિંમત નહતી. વળી એનો સ્વભાવ પણ બહુ જ લાગણીશીલ અને જીદ્દી – એનો વિરોધ થતાં એ કદાચ છંછેડાઈ જાય તો આખા ઘરની શાંતિ ડહોળાઈ જવાનો ભય પણ ખરો.

કથાને લગભગ પંદરે’ક મીનીટ થઈ. મૌલિકાની બાળપણની સખી રજનીએ પ્રવેશ કર્યો અને એની બાજુમાં ગોઠવાઈ ગઈ. આખી ય કથા દરમ્યાન રજનીએ ચૂપચાપ બધીય વિધી નિહાળ્યા કરી. છેલ્લે પ્રસાદના પડિયાં ભરતાં ભરતાં એનાથી ના રહેવાયું અને એ બોલી ઉઠી,

‘મૌલિકા, પ્રિયાંક હમણાં મને તારી કમ્પ્લેઈન કરતો હતો. એને આજે આખો દિવસ એના મિત્ર સાથે બહાર રહેવું હતું અને સાંજે ફેમિલી સાથે ક્યાંક બહાર જવું હતું તો જુવાનજોધ દીકરાને આમ જબરદ્સ્તીથી પૂજામાં બેસાડવાનો મતલબ ?’

‘રજની , એને તો બધું કરવું હોય પણ સૌપ્રથમ તો ભગવાન જ હોય ને ? ‘

‘શું જડ જેવી વાતો કરે છે તું ? ઘરમાં કાયમ બધાએ તારી મરજી મુજબ થોડું ચાલવાનું હોય ? બધાં તારી વાત માને છે એનો મતલબ એવો તો નહીં ને કે તારે એમની ઉપર તારી મરજી થોપવાની ! તારાથી થતો ધર્મ કરવાની કોઇ ક્યાં ના પાડે છે તને. ‘

‘ હવેથી એવું નહીં થાય…’

અને રજની ચમકી : ‘મતલબ ?’

‘મતલબ એ જ કે હું હવે મારા ગુરુજીની શરણમાં જ જતી રહેવાની છું… કાયમ માટે. ‘

અને રજની સ્તબ્ધ રહી ગઈ.

‘મૌલિકા – આ શું પાગલ જેવી વાત કરે છે ? આવો સુંદર મજાનો સંસાર છોડીને આમ ભાગે છે શું કામ ?’

‘ઘરના માટે બહુ કર્યું હવે મારે મારા માટે થોડો સમય કાઢવો છે. મારા આત્માની શુદ્ધિ કરવી છે.મારા વ્હાલા પ્રભુની પૂજામાં બાકીની જિંદગી વિતાવવી છે’

‘ઓહ…પણ પાછળ આ જે સંસાર ઉભો કરેલો છે એનું શું ? તારા સંતાન, પત્નીધર્મની જવાબદારીથી ભાગીને ભગવાન મળશે કે ? તારે ધર્મ કરવો હોય તો સંસારમાં રહીને બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા પણ કરી જ શકે છે ને. સંસાર અને ધર્મ બે ય નું સાથે વહન કરવું એજ સૌથી શ્રેષ્ઠ,સૌથી અઘરો – માનવીની પરીક્ષા કરતો ધર્મ છે.’

‘રજની, બધા માટે બહુ કર્યું. દરેક માનવી પોતાના નસીબનું લખાઈને જ લાવ્યો હોય છે. એમના નસીબમાં જે હશે એ થશે જ ને.’

‘ના મૌલિ… મારા મતે આ બરાબર નથી. પરણવું, સંતાનને જન્મ આપવો એ બધું તમારી મરજીથી જ થયું છે તો એને જીવનપર્યંત નિભાવવું એ જ સૌથી મોટો ધર્મ. કોઇ પણ ભગવાનની કે ગુરુજીની પૂજા એની તોલે ના આવી શકે. ઘરબાર છોડીને સંન્યાસ લઈ લેવો એ તો કાયરોનું – આળસુઓનું કામ. માનવીએ પોતાના ભાગની જવાબદારીઓ સુપેરે નિભાવવી એના જેવો ધર્મ બીજો કોઇ નથી.

‘તારી વાત તારી દ્રષ્ટીએ સાચી હશે પણ મારી નજરથી તો મારો ભગવાન જ મારું સર્વસ્વ છે. આ ઉંમરે હવે પ્રભુને શાંતિથી ભજવા છે. મારી ભક્તિની આડે સમય, સંબંધના કોઇ જ બંધન નથી જોઇતા. મેં મારાથી બનતા બધા સંસ્કારો, સમય મારા ઘરને કુટુંબને આપ્યાં છે હવે બસ…થોડું મારા માટે જીવવું છે.’

અને રજની સ્તબ્ધ બની ગઈ.એની નાનપણની સખી એને આજે સાવ સ્વાર્થી લાગી જે ફક્ત પોતાના આત્માના ઉદ્ધારની જ વાતો વિચારતી હતી. ધર્મની વાતનો વિરોધ પણ ના કરી શકાય પણ મૌલિકાના ફેમિલી માટે દિલના એક ખૂણામાં દુઃખ થતું હતું. પોતાની જવાબદારી છોડીને ભાગી જવું એવી વાતને ઉપરવાળો કઈ રીતે માન્ય રાખતો હશે એની જ એને તો સમજ નહતી પડતી. હા, મૌલિકાએ લગ્ન જ ના કર્યા હોત તો એનો આ નિર્ણય બરાબર હતો પણ આજની પરિસ્થિતીમાં વાત જે વળાંકે વળી રહી હતી એ બરાબર નહતી જ. રજની લાચાર હતી. છેલ્લે એ એક જ વાક્ય બોલી,

‘મૌલિ, તું કદાચ સાચી હોઇશ પણ હું સહેજ પણ ખોટી નથી. થોડો સમય કાઢીને આ વાત પર ફરીથી વિચારજે પ્લીઝ.’ અને પ્રસાદનો પડિયો લેવાની પણ તસ્દી લીધા વગર રજની ત્યાંથી બહાર નીકળી ગઈ.

અનબીટેબલ : ઇશ્વર આટલો સુંદર છે તો એને પામવાના રીતિ – રિવાજો કેમ આવા કુરૂપ ?

સ્નેહા પટેલ