Tag Archives: gazal
jivi jais – gazal
કહેવાય છે
ધીમે ધીમે જે ખૂલે એને શરમ કહેવાય છે
બાકી સઘળા ભેદ છે અથવા ભરમ કહેવાય છે.
એ ન હો એવી ક્ષણોને માત્ર ગમ કહેવાય છે
પ્રિય છે એથી જ એને પ્રિયતમ કહેવાય છે.
એની ઋતુમાં જ વરસે તેને કહીએ વાદળા
સાદ દેતા ભીંજવે એને સનમ કહેવાય છે.
જન્મદિવસ જેમ નોંધી રાખવા જેવો જ છે
તું મળે ત્યારે થયેલો પણ જનમ કહેવાય છે.
રોજ મળીએ ને છૂટા પડીએ તો એવું થાય છે
કેટલું કહેવું હતું ને કેમ કમ કહેવાય છે !
હાથ પથ્થર પર મૂક્યો તો એને પણ ફુટી કૂંપળ
સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.
એને ચાહું છું અને પૂજા કરું છું એમની
પ્રિય જે કહેવાય છે તે પણ પરમ કહેવાય છે.
-સ્નેહા પટેલ.
ઝંખના.
આંગણું શોભાવવાની ઝંખના
હોય તારા આવવાની ઝંખના.
ભીડની વચ્ચે હું બેઠી છું, તને
નામ દઈ બોલાવવાની ઝંખના.
છે અનેકો કામ, પડતાં મૂકશું
તારી પાસે બેસવાની ઝંખના.
સાવ હું લોઢું ને તું પારસમણી
પાસ આવી સ્પર્શવાની ઝંખના.
થાય નહી ક્યારેય પોતાથી અલગ
હાથ એવો થામવાની ઝંખના.
ઝંખનાઓ તારી પૂરી થાય એ
જોઇને રાજી થવાની ઝંખના.
-સ્નેહા પટેલ.