
Chhaalak july 2022

એક ચકલી ચણને માટે નીકળે,
તું ધરે શીરો તો એનું શું કરે?
-સ્નેહા પટેલ.
કવિતાનું પુસ્તક તો વેચાય જ ક્યાં…
આ એક વાક્ય મેં જ્યારથી કવિતાઓ લખવાનું ચાલુ કર્યું ત્યારથી માંડીને આજે કવિતાનું પુસ્તક ‘અક્ષિતારક’ મારા હાથમાં આવ્યું ત્યાં સુધી સાંભળતી આવી છું. જો કે સાંભળવાનું અને અનુભવવાનું બે અલગ વાત છે ને હું વર્ષોથી મને જે ગમે એવા પ્રયોગો કરીને સફળ થવાની એક કુટેવ પડી છે. વળી પ્રયોગોમાં સફળતા હાથ આવે છે એથી કુટેવને વધુ ખાતર મળી રહે છે. આ પુસ્તકમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી છે.
કોઇ મિત્રને ફોન કરીને એડ્રેસ પૂછું છું તો એ હકથી એની કોપી માંગે છે અને ધીરે રહીને ઉમેરે છે,’સ્નેહા, બીજી પાંચ, પચીસ, બે કોપી પણ બિલ સાથે મોકલજે. મારે તારી બુક પરચેઝ કરવી છે.’ અને આ સાંભળીને મારી નવાઈનો પાર નથી રહેતો. આ ઓછું હોય એમ મને અહીં મેસેજીસ, ઇમેઇલમાં તો આ બુકની સાથે સાથે મારી આગળની ટૂંકી વાર્તાઓની છપાઈ ગયેલી ‘વાત સીરીઝ’ની બુકનો આખો સેટ પણ માંગે છે. ચાર બુક અને સાથે પોસ્ટેજ ખર્ચ પણ અમે જ ભોગવીશું નો આગ્રહ રાખે છે. (આ પોસ્ટેજ ખર્ચ સાથે પુસ્તક ખરીદવામાં ફકત ગુજરાત, ઇન્ડીઆ જ નહીં યુકે, યુ.એસ., કેનેડા, ઓસ્ટ્રેલિયા..જ્યાં જ્યાંથી મારો બ્લોગ વંચાય છે ત્યાંના મિત્રો સામેલ છે. ૧૬૦ રુપિયાના પુસ્તકના એ લોકો ૪૦૦ રુપિયા સુધી ખર્ચે છે.) !!!
હવે તમે જ કહો મિત્રો, આ બધાની પાછળ શું કારણ હોઇ શકે ?
વિચારવાની ટેવ હોવાથી મને એક જ કારણ દેખાય છે અને આખી ઘટનાનો સાર હું કંઈક આમ કાઢી શકી કે ,
‘હું કોઇ મોટી કવિ નથી બની ગઈ કે મારા નામથી કવિતાની બુક્સ વેચાઈ જાય. પણ આ એક નવા સર્જકને પ્રમોટ કરવાની વાત માત્ર છે. ઠાલા શબ્દોથી નહીં પણ નક્કર વર્તનથી લોકો પ્રોત્સાહન આપવાનો ઉત્સાહ બતાવે છે. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે પણ બીજા સર્જકોની બુક પૈસા આપીને એની પાસેથી સાદર ખરીદતા શીખીએ અને
‘ગુજરાતી બુક્સ,કવિતાની બુક્સ તો ખાસ ખરીદે છે જ કોણ? ‘નું ગ્રહણ દૂર કરીએ.
આ માટે આપણે મિત્રો સિવાય લોકોને આપણું પુસ્તક ફ્રીમાં આપવાની ટેવ પણ દૂર કરવા જેવી ખરી. સાવ ફ્રી હોય એની કિંમત બહુ ઓછા લોકો જ કરી જાણે છે. આપણે આપણા સર્જનને સાવ એવું સસ્તુ તો ના જ બનાવીએ દોસ્તો !
જોકે, આ મારો સાવ જ અંગત મત છે અને હું પહેલેથી છાપું હોય કે મેગેઝિન..ક્યારેય એક પણ શબ્દ પૈસા વગર નથી લખતી એ બધા મિત્રો બહુ જ સારી રીતે જાણે છે.
જે લોકો મને પ્રોત્સાહન આપે છે એ બધા મિત્રોની હું કાયમથી આભારી રહી છું અને આજે પણ એ જ …..આભાર મારા મિત્રો.
-સ્નેહા પટેલ.
મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.
મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી લગભગ સાત – આઠ વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.
પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.
આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.
તેં નકાર્યું મૂળથી અસ્તિત્વને,
કૂંપળો જો આજ મારામાં ફૂટી !
– સ્નેહા – અક્ષિતારક.
phoochhab newspaper > 25-02-2015 > navrash ni pal
હું તારાથી ઊંચે ન હોઇ શકું,
પગથિયાં ઊતરવાનું મન થાય છે.
– મારો જ એક શેર આજે અહીં રજૂ કરું છું મિત્રો !
અને પાનિનીના હાથમાંથી ફોન છૂટી ગયો…….
ગનીમત હતી કે જમીન પર પટકાયેલ મજબૂત છાતીવાળો ફોન પછડાયા પછી પણ સહી સલામત હતો.સામે છેડેથી ‘હલો હલો’ પડઘાઈ રહ્યું હતું ..પણ પાનિનીની આંખો શૂન્યમાં કંઇક તાકી રહી હતી..શું એની તો એને પણ નહતી ખબર !
પાનિની એક ગૌરવશાળી પ્રતિભા. એનું મુખારવિંદ કાયમ સ્ત્રીત્વના અનોખા તેજથી ચમકતું રહેતું. નાક પર કાયમ બેઠેલો એ એનો ગર્વ, અહમ કે સ્વાભિમાન એ સરળતાથી નક્કી ના જ કરી શકાય. કુલ મળીને એક સુંદર મજાનું અને તંદુરસ્ત વ્યક્તિત્વ હતું પાનિનીનું. પણ આજે એના ગર્વીલા નાક પર કોઇક અણગમતી વાતનો ગુસ્સો ફરકી રહ્યો હતો.નાજુક નાકના ફણાં રતાશ પકડતા જતા હતા. શું હતી એ અણગમતી વાત ?
વાત જાણે એમ હતી કે પાનિનીના નસીબે એક વધુ વખત એને ધોખો આપેલો. એના પતિ શિવાંશના ધંધાનો સૂરજ બરાબર મધ્યાન્હે તપતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી એ જે પ્રોજેક્ટની પાછળ આંખ બંધ કરીને પડેલો હતો એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થવાના આરે જ હતો અને હમણાં જ શિવાંશની ફેક્ટરી પરથી ન્યૂઝ આવ્યાં કે એમની ફેકટરીમાં શોર્ટશર્કીટના કારણે અચાનક જ આગ ફાટી નીકળી હતી અને પોણા ભાગની ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. લગ્નજીવનના પચીસ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પાનિનીના નસીબમાં આર્થિક – માનસિક શાંતિનો સૂર્યોદય થવાનો હતો પણ ક્રૂર કુદરતની લીલા આગળ કોનું ચાલી શક્યું છે ! વર્ષોથી ચાલ્યા આવતાં સંઘર્ષના આરે આવીને ઉભો રહેલો પાનિનીનો મનોરથ અચાનક જ એની મંઝિલની નજીક જ ખોટકાઈ ગયો હતો. પંદર દિવસ પછી તો પાનિની અને શિવાંશ એમના બે ય સંતાન સાથે સિંગાપુર જવાનો પ્લાન બનાવતા હતા ત્યાં આવા ન્યૂઝ ! આવા મૂડમાં તો એ શિવાંશને સાંત્વનાના બે શબ્દો કહેવાના બદલે એની ઉપર અકળાઈ જ જશે એવું લાગતા પાનિનીએ કપડાં બદલી, મોઢું ધોઇ, તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ . એની ગાડી એના ઘરના પાર્કિંગમાંથી સીધી જ એના માનેલા ગુરુ આનંદિકાબેનના આશ્રમમાં જઈને ઉભી રહી. આખા રસ્તે એના વિચારોનો વેગ એની ૬૦ -૮૦ ની સ્પીડે ચાલતી ગાડી કરતાં વધુ જ રહેલો. આશ્રમ આવતાં જ ગાડી અને પાનિનીના મગજ બે ય ને વિરામ મળ્યો.
આશ્રમનું શાંત અને રમણીય વાતાવરણ જોઇને જ પાનિનીની અડધી અકળામણ ગાયબ થઈ ગઈ. ધીમા સજાગ ડગ માંડતી એ ગુરુના રુમમાં પ્રવેશી. ૨૦-૨૫ ફૂટના આખાય રુમમાં ખપ પૂરતી વસ્તુઓની હાજરી જ હતી. એક સાદો લાકડાંનો પલંગ- એની પર સ્વચ્છ અને સૌમ્ય કલર- ડિઝાઈનની ચાદર વાળી ગાદી, એક ઓશિકું ને ચાદર, છત પર નાનો શો પંખો, અને ખૂણામાં એક માટલું ને એની પર એક સ્વચ્છ ઝગઝગ કરતો ગ્લાસ, બારી આગળ એક ચોરસ ટેબલ અને એ ટેબલ પર ગુરુમાની એક ડાયરી, પેન, નાઈટ્લેમ્પ ! આખા રુમમાં મોકળાશ મોકળાશ. પાનિનીના નસકોરા વાટે એ મોકળાશની હવા એના દિલ દિમાગ સુધી પહોંચી ગઈ અને સઘળું ય શાંત થઈ ગયું. પાનિની બે પળ આંખ મીંચી ગઈ.
‘કેમ છે બેટા ?’
ગુરુમાનો શાંત, મીઠો અવાજ પાનિનીના કર્ણપટલ પર અથડાયો ને એ તંદ્રામાંથી જાગી.
‘મા,શું કહું ? ખોટું ખોટું શાંતિ છે એમ કહીશ તો આપની સમક્ષ જુઠ્ઠું બોલ્યાનો રંજ થશે. મારી એ જ કહાણી. કિનારે આવીને વહાણ ડૂબી જાય છે. મોઢા આગળ શાંતિનો કોળિયો આવીને ઝૂંટવાઈ ગયો.’ અને પાનિનીએ આખી ય ઘટના ટૂંકાણમાં ગુરુમાને કહી.
‘મા, સાચું કહું હવે ઇશ્વરમાંથી શ્રધ્ધા ખૂટતી જાય છે. જાત પરનો , શિવાંશ પરનો , પ્રામાણિકપણા -નીતિ જેવા ગુણ બધાંયમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારે શું જોઇએ ? મારું ઘર ચલાવવા થોડી ઘણી આર્થિક શાંતિ જ સ્તો. એના માટે હું ને શિવાંશ દિન રાત જોયાં વિના, કોઇની ય આંતરડી કકળે નહીં એનું ખાસ ધ્યાન રાખીને ભરપૂર મહેનત કરીએ છીએ પણ ઇશ્વર મને કેટલી ટટળાવે છે જુઓ !’
‘દિકરી, હું તારી હાલત સમજું છું પણ એક વાતનો જવાબ આપ. આજથી પાંચ વર્ષ પહેલાં તારા ઘરનો જીવન જરુરિયાતનો માસિક ખર્ચો કેટલો હતો ?’
‘આશરે વીસ હજાર.’
‘અને અત્યારે ?’
‘આશરે ત્રીસ સમજો ને.’
‘તારે કોઇ દિવસ ભૂખ્યાં સૂવું પડ્યું કે કોઇની પાસે હાથ લંબાવવો પડ્યો એવી ઘટના બની છે કે ?’
‘ના…ના ગુરુમા..એવું તો શું બોલ્યા ! ‘
‘બેટા, તમે આટલા વર્ષોમાં ત્રીસ હજારના માસિક ખર્ચા લગી પહોંચ્યા છો તો એટલું કમાતા હશો ત્યારે જ પહોંચ્યા ને ? બાકી તમે જીવનની શરુઆત તો સાવ ખાલી ખિસ્સે કરેલી. યાદ કર પંદર વર્ષ પહેલાંનો એ સમય દીકરા. ને આટલું કમાઈ લો છો તો પછી તારે તકલીફ શું છે ?’
‘મા, ફકત ખાઈ પીને જ જીવ્યાં એને જીવ્યાં ના જ કહેવાય ને ? અમે હજુ જુવાન છીએ, પહેરવા-ઓઢવા-ફરવાના ઓરતા અમને પણ હોય ને ? અને એ માટે અમે બે ય તનતોડ મહેનત કરીએ છીએ, બંને સ્માર્ટ અને કરકસરીયા પણ છીએ. અમારાથી અડધી મહેનત કરનારા પણ કેવી મજાથી જીવે છે જ્યારે અમે .. અમારો સુખનો સમય આવતો જ નથી. રાહ જોઇ જોઇને આંખના અમી ખૂટી ગયા છે હવે.એક વાર બે વાર ત્રણ વાર હોય તો પહોંચી વળાય પણ આ સતત અને વારંવાર મળતી નિષ્ફળતાઓ હવે મનને અજંપાથી ઘેરી લે છે. અમારા હકની સુખ – શાંતિ અમને કેમ ના મળે ?’ અને પાનિનીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
‘થોડી ધીરજ રાખ બેટા. તમારો સમય પણ આવશે.’
‘મા, કેટલી ધીરજ ? વસ્તુઓનો, સુખ સગવડોનો મોહ પણ છૂટી જાય પછી જ એ મળે એ ક્યાંનો ન્યાય ? જ્યારે એ વસ્તુ મળે ત્યારે એનો કોઇ આનંદ જ નથી થતો. વર્ષોની પ્રતિક્ષામાં બધો ય ઉત્સાહ જ સુકાઈ જાય છે.’
‘એક વાત કહે બેટા, તમારી સુખ શાંતિનો સમય નક્કી કરનારા તમે કોણ ? ઘરમાં એક છાપું આવતું હતું તે બે કરી નાંખ્યાં ને એક ટીવી હતું તે ત્રણ ! આવા તો કેટલાં વણજોઇતાં ને ઉપાધિયા ખર્ચા કરો છો તમે ? વળી તમે તમારા સમય કરતાં વહેલાં સુખબિંદુની ધારણાં બાંધી દ્યો એમાં ઇશ્વર કે નસીબનો શું વાંક ? તમારો સમય આજે ને અત્યારે જ છે એવો દુરાગ્રહ કેમ ? તમારી સુખ શાંતિની સરહદો તમે બાંધી હોય એ જ નીકળે એ જરુરી તો નથી ને ? ગણિત તમારા ખોટાં ને માર્કસ ઇશ્વરના કાપો એ ક્યાંનો ન્યાય ? બાકી તો ધીરજ તમારી પોતિકી સંપત્તિ. એને વાપરવી હોય ત્યાં સુધી વાપરી શકો છો ક્યાં તો એક ઝાટકે ખૂટાડી પણ શકો છો. બે ય ના સારા – નરસા પરિણામ તમારે જ ભોગવવાના આવશે. શાંતિથી વિચારી લે.’
અને પાનિની વિચારમાં પડી ગઈ ઃ’ ગુરુમાની વાત કેટલી સાચી હતી ! પોતાની જરુરિયાતો આ જ સમયે પૂરી થાય એવો દુરાગ્રહ કેમ ? મારો સમય જ ના આવ્યો હોય અને એ સુખની ખેવના કર્યા કરું છુ એ મ્રુગજળીયા વમળ મને એની અંદર ખેંચતા જ જાય છે ને છેલ્લે હતાશાના સાગરમાં હું ડૂબી જાઉં છું. મારો સારો સમય કદાચ કાલે કે પરમદિવસે લખાયો હશે. એની આજે ને આ જ ઘડીએ આશા રાખવી જ ખોટી છે. સમય નક્કી કરનાર હું કોણ વળી ?’ અને એના અંતરમનમાં છેક અંદર સુધી એક ઠંડક પ્રસરતી ચાલી.
અનબીટેબલ ઃ ખીણમાંથી દેખાતા શિખર પર પહોંચવાની શરુઆત ખીણમાં રહેલા એક એક પગથિયા ચઢીને જ કરવી પડે.
20th dec. 2014- NavGujarat Samay -my sher on page no 10 :-)
એક જણ ધારદાર થઈ જીવે,
ને બીજો તાર તાર થઈ જીવે !
એક સુખની ને બીજી દુઃખની છે,
કઈ કથાનો તુ સાર થઈ જીવે ?
જ્યાં નથી કોઇ પ્રતિક્ષારત,
ત્યાં કોઇ આવનાર થઈ જીવે !
ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઈ જીવે ?
હું ય જીવી શકુ ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !
સ્નેહા પટેલ.
એ અમસ્તી વાત પણ છે
પ્રેમની શરુઆત પણ છે
હાથમાં એ હાથ પણ છે
ને ભીતરનો સાથ પણ છે
સમજીને બોલાય નહીં કંઇ
લાગણી ખુદ ઘાત પણ છે
આંખ રાતીચોળ કરતી
એક કાળી રાત પણ છે
વાતની શરુઆત પણ છે
અંતે એ કબૂલાત પણ છે.
– -સ્નેહા પટેલ
વેબગુર્જરી દ્વારા ‘ગુજરાતી બ્લોગજગતનાં કાવ્યપુષ્પો’ નામના ઇપુસ્તકનું વિમોચન થયું છે જેમાં હેમંત પૂણેકરજીએ ગુજરાતી બ્લોગજગતના ૨૮ કવિઓની કાવ્યરચનાઓનું સંપાદન કર્યુ છે અને અશોક મોઢવડીઆજીએ ફોટો એડીટીગનું કામ સંભાળી લીધું છે.
http://webgurjari.in/2014/07/02/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%97%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5/
૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે
https://akshitarak.wordpress.com/2013/07/07/lambi-mazal/
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને
આ ૨૮ રચનાઓમાં મારી રચના પણ સ્થાન પામી છે એનો આનંદ આનંદ.
આભાર વેબગુર્જરી પરિવાર
કાન તારા નજીક આવે છે
હોઠ પર છૂપી વાત લાવે છે.
ઉંઘ પણ આવતી નથી હમણાં
આવે તો સ્વપ્ન પણ સતાવે છે.
પ્રેમ સોળે કળાએ ખીલેલો
આંખમાં જુઓ તો બતાવે છે.
હા અને ના ની મીઠી રકઝક છે
હું ઝુરું છું ને તું ઝુરાવે છે
-સ્નેહા પટેલ