Corona wariors book


પ્રિય મિત્રો, મારે કોરોનામાં હિંમતથી લડેલા, પોતાના અને બીજાના જીવન માટે ઝઝૂમેલા લોકોની સત્યઘટનાઓ ઉપર પુસ્તક બનાવવું છે.

જે પણ મિત્રોને પોતાની વાત પ્રેરણાત્મક લાગતી હોય એ બધા જ મિત્રો મારા ઇમેઇલ એડ્રેસ

sneha_het@yahoo.co.in

પર પોતાના અનુભવો મોકલી શકે છે.

માત્ર પોતાના અનુભવ જ લખવા, હા આપના મિત્રો સાથે આ પોસ્ટ શેર કરીને એમને જણાવો અને તેઓ પોતાના અનુભવ મોકલે એ આવકારદાયક.

અનુભવ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:

દરેક ઘટનાની તારીખ, સ્થળ, ટ્રીટમેન્ટની વિગતો જે પણ હોય એ જરૂર પૂરતી વિસ્તારથી લખવા વિનંતી જેથી મને બધી ઘટનાના અનુસંધાન મળી રહે અને હું પૂરતી છણાવટ સાથે લખાણને ન્યાય આપી શકું. આડું અવળું અને કોઈ પણ પ્રકારના કોઈને દોષરોપણ કે નેગેટિવ લખાણ હશે તો મને એના ઉપર લખવું નહિ જ ગમે માટે નેગેટિવિટીથી મહેરબાની કરીને દૂર રહેજો. તમારી હિંમત ને સકારાત્મકતા જ મારા માટે મહત્વની છે.

આપના અનુભવ પુસ્તકમાં લઈશ તો આપને જાણ કરીશ. આપનું નામ, એડ્રેસ,ફોન નંબર વગેરે આપવા જેથી પુસ્તક છપાય ત્યારે આપને એની નકલ મોકલી શકું.

ખાસ નોંધ: અહીં કે ફોન ઉપર મેસેજમાં કોઈ જ પ્રકારની વાતચીત ના કરવી. જે પણ જણાવવા યોગ્ય હશે એ માત્ર ને માત્ર ઇમેઇલથી જ વાત થશે. એક જ જગ્યાએ વાત થાય તો મારો સમય ને શક્તિ બચી જાય અને પુસ્તકનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરી શકું.

આભાર,

સ્નેહા પટેલ, 12nov, 21.

લાચારી નું સામ્રાજ્ય


ફેસબુક, વોટ્સએપ કશું પણ ખોલતા હવે ડર લાગે છે…રોજ કોઈક ને કોઈકના મૃત્યુના સમાચાર જોવાના ? પહેલા તો મહિને એકાદ આવતા પણ હવે તો દિવસમાં ત્રણ ત્રણ આવા સમાચાર જોવા મળે છે. ક્યાં અટકશે આ બધું?
નેટ ના ખોલીએ તો આજુ બાજુ ઉપર નીચે, નજીક દૂર બધે આ નું આ જ ચાલે છે. રોડ ઉપર એમબ્યુલન્સ લાઈટ, હોર્ન સતત ચાલુ ને ચાલુ જ. દર કલાકે રેમડેસીવર નથી, ઓક્સિજન નથી, બેડ નથી, જગ્યા નથી જેવા અતિલાચારીના સમાચાર જ સાંભળવા મળે છે.

મિનિટે મિનિટે વધી રહેલો કોરોના પોઝીટીવનો આંકડો માંડ માંડ ગોઠવીને રાખેલા શ્વાસ વેરણ છેરણ કરી નાખે છે. યોગા, ફિટનેસ,ઉંમર જેવા કોઈ જ ગણિત કામમાં નથી લાગતા, કોણે કેટલી વેકસીન લીધી, કેટલી સાવધાની રાખી, કોના કેટલા સંપર્કમાં આવ્યા એ બધાની સમજણનો કોઈ જ કરતાં કોઈ જ અર્થ નથી.

બધે ડર, ખૌફનો માહોલ છે. લોકો આપાધાપીમાં પોતે શું કરી રહ્યા છે એ પણ સમજી નથી શકતા ને સાવ આંધળુકિયા જ કરે છે. સરકારને ગાળો આપવી, પ્રજાને જવાબદાર ગણવી, નેટ પર કે ફોનમાં લોકોને ફરિયાદો કરવી એવો સમય કે હિંમત પણ નથી બચી. કોઈને પૂછો કે, ‘કેમ છો?’ ત્યારે એક નવો જવાબ સાંભળવા મળે છે – હજી સુધી તો બધું ok છે પછી ખબર નહિ. નરી અસુરક્ષિતતામાં લિમિટલેસ જીવવાનું છે ને જે થાય એ જોયા કરવાનું, સ્વીકાર્યા કરવાનું. ભવિષ્યના કોઈ પલાનિંગ નહિ કરવાના કારણ કેટલું ભાવિ બાકી છે એ તો કોઈને ખબર જ નથી. દરેક જણ બીજાને સાંત્વના આપતાં આપતાં એનું ખોખલાપણું પોતે જાતે જ અનુભવી શકતો હોય છે ને અંદર અંદર એ પણ ડરતો જ હોય છે.
દરેક પોઝીટીવ આવતો માણસ પોતાનાને પણ infected કર્યાના guilt સાથે જીવી રહ્યો છે.
જે ગુનો કર્યો નથી એની માનસિક સજા ભોગવી રહ્યો છે.

હે પ્રભુ, હવે બહુ થયું – થોડા ખમૈયા કરો, શાંતિનો શ્વાસ લેવા દો તો સારું.
-સ્નેહા પટેલ.
17એપ્રિલ,2021

Covid-19 and Ahmedabad


લોકડાઉન, અમદાવાદ અને કોવિડ19નો સંક્રમણનો ભય – આ બધા વિશે પોલિટિકલ પાસાની ચર્ચાઓ, માણસોની માનસિકતા, લાચારી, પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની પ્રકૃતિ, રોગનું એનાલીસીસ કરીને સમજાવવુ..આ બધું જ અર્થહીન છે. આ સમજવા તમારે ચોક્કસપણે આ સ્થિતિમાં મૂકાવું જ પડે બાકી બધું વાંઝીયાપણું!
આજે લગભગ 2 મહિના પછી સવારે ચાલવા ગઈ હતી. ઠેરઠેર ચાલતી ચર્ચા, સલામતી-સાવચેતીની શિખામણો બધું ગાંઠે બાંધી માસ્ક પહેરીને ચાલવા નીકળી ત્યારે પગ જાણે ચાલવાનું ભૂલી જ ગયા હોય સાવ એવું જ લાગ્યું અને બે પળ તો આઘાત લાગ્યો. સાલું રોજ 40-50 મિનિટ ઘરમાં એક્સરસાઇઝ કર્યા પછી પણ શરીર સાવ આવું વર્તન કરશે એવી આશા તો સહેજ પણ નહોતી. મને એમ કે ઉલટાનું ખાઈ-પીને અને ઘરના કામ એકસરસાઈઝ બધાએ ભેગાં મળીને શરીરને વધુ તંદુરસ્ત બનાવ્યું હશે પણ આપણે તો પહેલે જ ડગલે ખોટા પડ્યાં.
નિયમિત શાક લેતી હતી એ દુકાનમાં તાજાં અને બહુ વખતથી દર્શન ના થયેલા શાકભાજી જોઈને લાલચ થઇ કે થોડું લઈ લઉં નહિતર પાછા વળતાં સુધીમાં તો બધું ખલાસ થઈ જશે. દુકાનમાં પ્રવેશવાનો સવાલ જ નહોતો..બહાર દોરેલા સફેદ કુંડાળા (કુંડાળાથી દૂર રહેવાની માનસિકતા પળભરમાં બદલાઈ ગઈ!) માં જઈને ઉભી રહી અને ત્યાંથી જ ઓર્ડર લખાવતી હતી. તાજા શાક જોઈને લેવાની મારી આદત શાકવાળો બરાબર જાણે એટલે દર બે સેકન્ડે એ શાકભાજી મારા હાથમાં પકડાવીને કહે, ‘જોઈ લો ને બેન.’ સુપરસ્પ્રેડરનો ડર અને ક્યાંય નહીં અડવાની સાવધાની રાખવું બહુ અઘરું લાગ્યું. ના પાડીએ તો એ ભોળા જીવને ખોટું લાગે.
આ બધી સલાહ -શિખામણ જેટલી સરળતાથી કહેવાય છે એટલી પાળવી સહેજ પણ સહેલી નથી જ – એની તીવ્ર લાગણી થઈ ગઈ.
શાકભાજી તોલાવી ત્યાં જ રખાવીને ચાલવા નીકળી તો જાણે વર્ષો પછી રસ્તાને મળતી હોઉં એવું લાગ્યું. રસ્તાની જમણી કિનારે ગરમાળો હતો. બે મહિનામાં તો એ મારી જાણ બહાર જ ફૂલોથી ભરાઈ ગયેલો અને લચી પડેલો હતો. હું એને મુગ્ધભાવે જોઈ રહી હતી તો કચરો વીણવાવાળા એક ભાઈ મને કહે, ‘બેન ઉભા રહો, હું તમને ફૂલ તોડી આપું.’ મેં બહુ ના પાડી પણ એ જીદે ચડ્યાં અને થોડી ડાળી તોડી જ દીધી. ‘ભગવાનને ચડાવવા ફૂલો લઈએ ને દઈએ એમાં કશું ના થાય, કોઈ ચિંતા વિના લઈ લો બેન.’
હવે ? આ ફૂલો કેવી રીતે લેવા? કેવી રીતે ના લેવા?😢
ચારે તરફ કોયલ, ખિસકોલી, કાગડો, ચકલીના અવાજોનું મધુર સંગીત ગૂંજી રહ્યું હતું એ બધું મેં કાનભરીને રુંવાડા ઉભા થઇ જાય એ હદ સુધી માણ્યું. વૃક્ષોમાંથી ચળાઈને આવતો કૂણો ચમકતો તડકો શરીર પર ભરપૂર ઝીલ્યો. ધ્યાન બહાર જ બધું મળે ત્યારે સ્ટોર કરી લેવાની આદત પડી ગઈ હોય એવું જ લાગ્યું.
કાયમ ટ્રાફિકથી છલોછલ રહેતાં રસ્તાઓને મળેલાં ઓચિંતા મળેલા એકલતાના શ્રાપ વિશે બરાબર જાણ્યું. માસ્ક પહેરીને પુન: દોડવા, રૂટિનમાં ગોઠવાવા મથતાં લોકોની વિહ્વળતા જોઈ.
ઘરે પાછા વળતાં સોસાયટીના ગેટ આગળ પાડોશી ભાઈ સ્કુટર લઈને મળ્યાં,’ભાભી, આ ફૂલ મારા ઘરે આપી દેજોને.’ ઘડીકમાં હું એમને અને ઘડીકમાં ફૂલોને જોઇ રહી. અને અંતે થેલી લઈને ઘર તરફ વળી.
ચારેબાજુ સ્નેહાળ જગત છે ને હું કોરોનાથી ડરેલી😓
ઘરે આવીને માસ્ક કાઢીને સેનેટાઈઝર ઘસતાં ઘસતાં એ જ વિચાર્યું કે, ‘ શું આ કોરોનાડર માણસની માણસ પરની લાગણી, સંવેદના, વિશ્વાસ બધાંનો છેદ ઉડાડીને જ જપશે કે?’
સફર લાંબી ને રસ્તો સાવ અજાણ્યો છે.-સ્નેહા પટેલ. 21 મે,2020.