Najar – akshitarak


નજરઃ

अज मौतो हयात चंद पुरसी मन ?

खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?

સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો.

-રૂમી

આરુષિના ઘરે આજે એનું મિત્ર વર્તુળ ભેગું થયેલું. દરેક જણ પોત પોતાના ફેમિલી સાથે ત્યાં હાજર હતાં અને પાર્ટીની મજા માણી રહ્યાં હતાં. આરુષિ પાર્ટીલવર હતી. એને પાર્ટી આપવાનો અનોખો શોખ હતો. એની આગતા સ્વાગતા એના સર્કલમાં બહુ જ વખણાતી હતી. એના ઘરની બહાર એના મોટા ગાર્ડનમાં લગભગ વીસ બાવીસ જણ હાજર હતાં. ચોમેર ચહલપહલ મચી રહી હતી. એમાં લગભગ સાત આઠ બાળકો પણ હતાં. આરુષિની સખી અરુંધતીનો દસ વર્ષનો દીકરો અદ્વૈત આ બધા ટોળામાં જરા અલગ પડતો હતો. એના હાથમાં ક્યાંકથી થોડી બોલપેન આવી ગઈ હતી – કાં તો એ ઘરેથી એની સાથે જ લઈને આવેલો. અત્યારે બધા છોકરાંઓ ગાર્ડનમાં દોડાદોડ કરી રહ્યાંં હતા, ધમાચકડી ! પણ અદ્વૈત એની બોલપેનની દુનિયામાં મગ્ન હતો. કોઇ એક બોલપેનની રીફિલને આગળથી ખોલી કાઢેલી અને એની ભૂંગળીમાં બીજી બાજુથી ફૂંક મારી મારીને એમાં રહેલી શ્યાહીને એ આગળ ધકેલી રહ્યો હતો.બોલપેન બહુ વખતથી બંધ હશે કદાચ, શ્યાહી જલ્દી આગળ વધતી નહતી. અદ્વૈત એના નાજુક ગાલ ફુલાવી ફુલાવીને એને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યો હતો. એ શ્યાહી ભૂંગળીના છેક છેડાં સુધી આવી એટલે એણે બીજી અડધી ભરેલી બોલપેનની રીફિલ એની આગળ ધરી દીધી અને એક રીફિલની શ્યાહી બીજી રીફિલમાં ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ કડાકૂટમાં રીફિલની થોડી શ્યાહી એના કપડાં પર પડી અને પતી ગયું. અરુંધતીનું ધ્યાન જતાં જ બધાંની વચ્ચે એણે દીકરાને એક ઝીંકી દીધી. આખું ય ખુશનુમા વાતાવરણ બે ઘડી સ્તબધ થઈ ગયું. આરુષિએ ધીમેથી અરુંધતિના ખભા પર હાથ મૂક્યો અને બોલી,

‘જસ્ટ રીલેક્સ, તારો દીકરો તો બહુ જ ક્રીએટીવ – સ્માર્ટ છે.’

‘શું ધૂળ ને ઢેફાં સ્માર્ટ ? એનું રીપોર્ટ કાર્ડ જોજે . મેથ્સમાં ૩૦, સાયન્સમાં ૪૨, અંગ્રેજીમાં તો માંડ ૨૫. આખો દિવસ આવું આડું અવળું કામ જ કર્યા કરશે. ભણવામાં તો એનું ચિત્ત જ નથી ચોંટતું. સાવ ડબ્બો છે. શું કરું ?’

‘અરે તારો દીકરો જે કરતો હતો એ વિશે વિચાર. એની નજર સાવ અલગ છે. એ એની રીતે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાની મહેનત કરે છે. ચોપડીમાં લખ્યું હોય એ પ્રમાણે એને નથી ફાવતું. વળી ચોપડીઓ તો કેટલાં વર્ષો પહેલાં છપાઈ હોય, એમાંથી અમુક અમુક વસ્તુઓ તો સમય સાથે બદલાઈ પણ જાય છે. એટ્લે પુસ્તકીયું જ્ઞાન એ જ બુધ્ધિ કે હોંશિયારી માપવાનું સાધન નથી. સવાલ નજરનો છે. આ જો સામે ડોઇંગરુમના ખૂણામાં વ્હીલવાળી બેગ દેખાય છે ને ? હું ખોટી ના હોઉં તો આપણે બધાંએ પહેલાં ખભે , પીઠ પર થેલાં ઉંચકીને અને હાથમાં વિશાળ બેગો લઈ લઈને સવારી કરી જ હશે.કોઇના મગજમાં એ વજન વિશે કોઇ વિચાર જ નહીં આવ્યો હોય. બધા ગધેડાંની જેમ વજન ઉંચકી ઉંચકીને દોડાદોડ કરતાં હતાં – દુનિયા આમ જ ચાલે છે ને મારે પણ એમ જ ચાલવાનું છે, કોઇ ઓપ્શન જ ક્યાં છે ? એ પછી કોઇ આવા જ ક્રીએટીવ મગજમાં વિચાર આવ્યો હશે કે આ વજન શું કામ ઉચકવાનું ? એનો કોઇક રસ્તો તો હોવો જ જોઇએ. રસ્તો ખબર તો નથી પણ શોધવાથી દરેક સમસ્યાનો ઉકેલ નીકળે જ એવી મક્ક્મ વિચારધારા વાળાએ એના વિશે વિચારવાનું શરુ કર્યું ને વિચારતાં વિચારતાં એ એના સોલ્યુશન સુધી ગયો અને આમ બેગની નીચે વ્હીલની શોધ કરી. અત્યારે આપણે બધાંને બહારગામ જવું હોય તો આ વ્હીલના લીધે કેટલી શાંતિ થઈ ગઈ છે એ વિચાર.’

અરુંધતિ બે ઘડી અસમંજસમાં પડી ગઈ.

‘તું કહેવા શું માંગે છે આરુ?’

‘એ જ કે માનવીના સકસેસ અને એણે ભણેલા ચોપડાંને કોઇ લેવા દેવા નથી હોતું. ખરો વિજય તો સમસ્યાઓના નિરાકરણ માટેના એટીટ્યુડમાં છે. સિક્યોરીટી – સેફ્ટીના ચોકઠામાં જો ગોઠવાઈ ગયાં તો ખલાસ, દુનિયા તમને એનો ઝાંસો આપીને તમારો પૂરતો ઉપયોગ કરી લેવા તૈયાર જ બેઠી છે. પણ જે માનવીમાં સિક્યોરીટીની બહાર જઈને વિચારવાની, વર્તવાની ક્ષમતા છે એ ખરો ક્રીએટીવ છે. કોલેજમાં પહેલો નંબર આવ્યો તો ય ઠીક, સારી જોબ મળશે તો ય ઠીક નહીં તો હું મારી કાબેલિયતના બળ પર મને ગમતું કંઇક ઢંગનુ તો કરી જ લઈશ. આ એટીટ્યુડ ખૂબ જરુરી છે.તારા દીકરાનો નજરિયો સાવ અલગ છે. એક પેનની સૂકાઈ ગયેલી શ્યાહી કાઢી નાંખીને બીજી રિફિલમાં એને પૂરીને એ એક આખી રીફિલ તૈયાર કરવાનો પ્ર્યત્ન કરે છે જે એક ચોકઠાંથી બહારનું થીન્કીંગ છે . એના આ થીંકીંગને તું પ્રોત્સાહન આપ. એકાદ કપડાંની પેર ખરાબ થાય તો થવા દે…તને ક્યાં કંઈ ફરક પડવાનો છે? દીકરાના રચનાત્મક કાર્ય આગળ એ કપડાંની કિંમત પણ શું ? એકચ્યુઅલી સૌપ્રથમ મા બાપને એમના સંતાનોની ખૂબી – કમીની ખબર પડવી જોઇએ. એ થઈ જાય તો સંતાનના ઉછેરમાં -વિકાસમાં એ બહુ જ મદદરુપ થઇ શકે છે. છોકરાંઓને આખો દિવસ ભણ, આ કર તે કર ના ચોકઠાંઓથી મુકત કરીને થોડાં દુનિયામાં એકલા પણ મૂકવા જોઇએ જ્યાં એ પોતાની મરજી, આવડત પ્રમાણે વર્તી શકે અને પછી એમાંથી જ એક દિવસ એ પોતે સૌથી સારું કામ કયું કરી શકે એ વિશે માહિતગાર પણ થઈ શકે. બાકી રોજ રોજની બદલાતી ટેકનોલોજીમાં આ પુસ્તકો તો દર છ મહિને બદલાઈ જાય છે. પુસ્તકના આધારે જ છોકરાંઓને ઉછેરવા એ તદ્દન ખોટો અભિગમ છે.’

અને આરુષિએ બોલવાનું બંધ કયું ત્યારે એની આજુબાજુ બધાં ટોળે વળીને ઉભા હતાં, દરેકના કપાળ પર એક વિચારની પતલી સી લાઈન સ્પષ્ટપણે દેખાતી હતી.

અનબીટેબલઃ જીવનના દરેક તબક્કે આપણે કંઈક ને કંઇક ચોકક્સપણે શીખતાં જ હોઇએ છીએ, શાંતિથી વિચારતાં શું શીખ્યા ? એનો ઉત્તર ચોકક્સપણે મળી આવે છે.

-સ્નેહા પટેલ.

Satmo maal


19 March

જબરું થયું..આ વાતની આમતો મેં મારી સખી મનીષાને ક્રેડિટ આપેલી, કારણ એ ફિલ્મલાઈનની હોવાથી આ વાર્તા મને ફોનમાં બખૂબી ડિસકસ કરીને કહેલી ને આ મને બહુ જ ગમતા મેં એને શબ્દદેહ આપેલો. જોકે એણે પણ નિર્દોષભાવે જ કહેલું ને આજે પોસ્ટમાંથી પોતાનું નામ કાઢી નાંખવા વિનંતી પણ કરી.

આજે 3-4 મિત્રોના મેસેજ ને ફોન આવ્યા ત્યારે ખબર પડી કે આ તો અનુરાગ કશ્યપની 3લાખ લોકો જોઈ ચુક્યા છે એવી શોર્ટ ફિલ્મ છે.

મેં પણ આજે એ ફિલ્મ જોઈ, ને થોડો અફસોસ થયો કે પહેલા જોઈ હોત તો એની છોકરીનું ચિત્ર આખું છૂટી ગયું છે એ પણ વાર્તામાં લઇ લેત,નોડાઉટ 100% ક્રેડિટ એ ફિલ્મને જ..મને ક્રેડિટની કોઈ પડી નથી પણ આ વાર્તામાં જે સ્ત્રીને ,ટીસ્કાને બતાવી છે એવી દરેક સ્ત્રી બને એવી ઈચ્છા. મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં કે અસ્સલ એવી જ વાર્તા લખી છે..જાણે નજર સમક્ષ એ ફિલ્મ જોતા હોઈએ..આ મારી સફળતા, બાકી તો મિત્રો તમે ય આ ફિલ્મ જુવો ને વિચારો..અને હા,કે ઘણા મિત્રો ફોનમાં પોતાની વાત કહીને એના પર લખવાનું કહે છે..તો એમને વિનંતી કે આવી કોઈ મૂવીની વાર્તા ડિસકસ કરો તો મને ચોખ્ખું કહેવું જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ક્રેડિટ આપી શકું.

નોર્મલી હું પોતાની રીતે જ વિચારીને, જોઈને વાર્તા જ લખું પણ આ બહુ અપીલ કરી ગઈ ને લખી. તમને ય ગમે તો વધુ ને વધુ share કરી મૂવી, વાર્તા આગળ પહોચાડજો.
બીજું કોઈ બીજી પંચાત સાથે અહીં આવે ઍ પહેલાં જ બધી ક્રેડિટ અનુરાગભાઈની ટીમને આપું છું. 😀

 

સાતમો માળઃ
‘ઠક..ઠક…ઠક..’
હિમાનીના સેંડલની હીલ થોડી નાની હતી પણ દાદર ચડતાં એક લયાત્મક ધ્વનિ ઉતપન્ન કરતી હતી. પરસેવાની બૂંદ એના લમણાંની બે બાજુથી વહેવા લાગી હતી. ‘ટપ..ટપાક..’ અચાનક એક બૂંદ એમાંથી એના આસમાની કલરના કલમકારી કુર્તા પર ટપકી અને હિમાની એની ઠંડકથી છેક અંદર સુધી થરથરી ઉઠી. જોકે વાતાવરણમાં એટલી ઠંડી નહતી કે આમ સાવ થથરી જવાય પણ….

સીડીઓની વચ્ચેથી પડતાં ગોળાકારમાંથી હિમાનીએ છેક ઉપર સુધી જોયું. લગભગ પચીસે’ક માળના ફ્લેટ હતાં, એ હજુ પાંચમા માળે પહોંચી હતી અને એની મંજિલ લગભગ સાતમા માળે હતી. હજી બે માળ આગળ.
‘આ સીડીઓ પણ મારા નસીબ જેવી જ છે – કાયમ બે ડગલાં આગળ’ વિચારતા વિચારતાં હિમાની મનોમન દર્દ અનુભવતી હસી પડી.

હર્ષ સાથે આજથી વીસ વર્ષ પહેલાં એના પ્રેમલગ્ન થયાં હતાં. બે ફૂલ જેવા સંતાન પણ હતાં. હર્ષ એને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ છેલ્લાં ચાર પાંચ વર્ષથી હર્ષ થોડો બદલાયેલો બદલાયેલો લાગતો હતો. આખો દિવસ ફોન – મેસેજ – મીટીંગ- બહારગામ જેવી પ્રવ્રુતિઓ વધી ગઈ હતી. આટલા વર્ષોથી ધંધો કરતો હતો પણ આટલું બહારગામ જવાનું એને ક્યારેય નહતું થતું. શરુઆતમાં ઘરમાં બધાને થોડુંક ઓકવર્ડ લાગ્યું પણ પછી બધા ટેવાઈ ગયા હતાં.

‘ઠક …ઠક..ઠક…હાશ…’ ને હિમાનીની મંઝિલ આવી પહોંચી. ‘સાતમો માળ’

દુપટ્ટાથી પરસેવો લૂછીને અસ્ત વયસ્ત થઈ ગયેલ વાળ પર એક હાથ ફેરવીને સરખા કર્યાં અને ડોરબેલ વગાડીને પોતાના આજકાલ કંટ્રોલ બહાર જતાં બ્લ્ડ પ્રેશરના કારણે વધારે ફુલી જતાં શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવા લાગી.
‘ડીંગ ડોંગ.’
ફરી બેલ વગાડી. પણ હજુ દરવાજો ખુલતો નહતો.
‘ચિરાગી ઘરમાં નહીં હોય કે ? ના…ના…ઘરમાં ટીવીનો અવાજ તો આવે જ છે. વળી હમણાં જ એની સાથે વોટસઅપમાં મેસેજમાં વાત થયેલી ત્યારે એ એવું જ કહેતી હતી કે,’ આજે તો ક્યાંય બહાર નથી જવું. બહુ કામ કર્યું છે આખું વીક.આજે ફુલ આરામનો મૂડ છે.’

ફરીથી બેલ વગાડી અને પોરો ખાવા એ દરવાજાની બાજુમાં આવેલી સીડી પર બેસી ગઈ. ત્યાં જ દરવાજો ફટાક દઈને ખૂલી ગયો.
અંદરથી ચિરાગીના દર્શન થયા. અડધો દરવાજો ખોલીને એ હિમાનીને જોઇ રહી.
અસ્ત વયસ્ત ઉતાવળમાં આંતરવસ્ત્ર પર ચડાવેલી પારદર્શક નાઈટી, લીસા સુવ્યવસ્થિત કપાયેલ અને કાયમ સેટ રહેતા વાળની અમુક લટ પણ ડાબેથી જમણે ને જમણેથી ડાબે થઈ ગઈ હતી. એક કાનમાંથી બુટ્ટી પણ ગાયબ હતી.

‘મને એક ગ્લાસ પાણી મળશે કે ? તમારી લિફ્ટ બંધ હતી તો…’

‘હા..હા ચોક્કસ..અને પાણીનો જગ ને ગ્લાસ લાવીને ફટાફટ એણે હિમાનીને પાણીનો ગ્લાસ ભરીને પકડાવી દીધો. પાણી પીધા પછી બે સેકંડે હિમાનીનો શ્વાસ હેઠો બેઠો અને એની નજર ચિરાગીના અધખુલ્લા ઘરમાં ફરી વળી.

‘શું હું થોડી વાર અંદર આવીને બેસી શકુ?’

ચિરાગીનું મોઢું ઉતરી ગયું, કમને પણ એણે હા પાડવી જ પડી.

અચાનક હિમાનીની નજર ચિરાગીના ખૂણામાં પડેલા સુંદર નકશીકામ કરેલા સફેદ સંગેમરમરના ફ્લાવરવાઝ પર પડી.
‘અરે..અદ્દલ આવું જ ફ્લાવરવાઝ હર્ષ ચાઇનાની ટ્રીપ પર ગયેલો ત્યારે લાવેલો.’ને હિમાની ઉભી થઈને એના ઉપર હાથ ફેરવવા લાગી. એની નજર ત્યાં પડદા પાછળથી જરીક જ દેખાતા સોફા નીચે પડેલ કાળા શૂઝ ને મોજા પર પડી.

‘બહુ જ સરસ ઘર સજાવ્યું છે તેં.’

‘હા હમણાં જ ઘરમાં પૂરાં સાત લાખનો ખર્ચો કર્યો છે, આ ફ્લાવરવાઝ તો મેં અહીં કોલબાદેવીની એક દુકાનમાંથી જ લીધેલુઁ સાડા ત્રણસો રુપિયામાં’ ચિરાગી બોલી .

‘સાત લાખ..બહુ કહેવાય. મારે તો ઘરમાં કલર કરાવવો છે પણ એ ત્રીસ ચાલીસ હજારનો મેળ પણ નથી પડતો. પણ ચિરાગી તું તો એ એડ એજન્સીમાં કામ કરે ને..તારો પગાર તો એટલો બધો નહીં હોય તો પછી આ..’ને હિમાની અટકી ગઈ.

ચિરાગીનું મોઢું તમતમી ઉઠ્યુ પણ કશું બોલી ના શકી.

‘ચાલ હવે સીધી વાતના મુદ્દા પર આવું?’
‘મતલબ ?’
ચિરાગી બાઘી બની ગઈ.
‘અઠવાડિઆના બે દિવસ તું એને રાખજે, બાકીના પાંચ દિવસ અમને આપી દે.’
‘હે..એ…એ…!’
‘જો વાતને ગોળ ગોળ ફેરવવાનો અર્થ નથી. આપણે આવી રીતે એક બીજાને એડજસ્ટ કરી લઈશું તો કમ સે કમ રુટીન બની જશે ને લાઈફ સરળ બની જશે, સોમ ને બુધ છોકરાઓને ટ્યુશન હોય છે તો એ બે દિવસ તને આપ્યાં બાકીના પાંચ દિવસ અમારા.’
‘ના.ના….સોમ ને બુધ તો મારે ડાન્સીંગ ક્લસ ને યોગા હોય છે.’
‘ઓહ…એમ વાત છે…તો…એક કામ કર…મંગળ અને શુક્ર તું રાખ.’
‘ના..ના…ંમંગળવાર તો મારે ડાંસ ક્લાસ હોય..’
‘પણ તું તો બુધ્વાર બોલીને હમણાં.’
‘હા પણ એક દિવસ સાલ્સા ને બીજા દિવસે ક્લાસીકલ…કેમ બે ટાઈપના ન્રૂત્ય ના શીખી શકાય?’
‘શનિ…’
‘એ તો સહેજ પણ નહીં ..શનિવાર તો હું અભિનવ..’ ને અચાનક ચિરાગી બોલતાં અટકી ગઈ.
‘ઓહ અભિનવ ..તારી એજન્સીનો માલિક એમ ને…’
‘રવિવાર તો છોકરાંઓ આખો દિવસ ઘરે હોય..એમને એ સમય એમના પપ્પા સાથે વિતાવવો હોય છે એટલે રવિવાર તો તને આપવો બહુ કઠિન પડે..પણ વાંધો નહીં એક રવિવાર તું રાખી લે બાકીના દિવસો અમારા..ચાલ…એમ તો એમ…એક રુટીન તો સેટ થશે.’
‘ના યાર રવિવાર તો હું ટોટલી રીલેક્ષ થાઉં છું. ઘરના અનેકો કામ મારે પતાવવાના હોય. હિમાનીની ઠંડક હવે ચિરાગીની સહનશક્તિની હદ વટાવતી જતી હતી.
‘ઇફ યુ ડોંટ માઈન્ડ હિમાની, મારે કામ પર જવાનું મૉડું થાય છે.’
‘અરે હા..હા..હું તો ભૂલી જ ગઈ કે તારે ઘણાં બધા કામ એકલા હાથે સંભાળવાના હોય છે ! પણ તું મારી પ્રપોઝલ પર વિચારી લે જે શાંતિથી અને પછી મને વોટ્સઅપ પર જ મેસેજ કરી દેજે. અને હા..મહેરબાની કરીને મોજાંની જોડ યાદ કરીને મોકલાવતી રહેજે..શું છે ને કે મારે હવે ઘરમાં મોજાં ખૂટવા લાગ્યાં છે. નાહકનો ખર્ચો કરવો પડશે.’
ને હિમાની ઘરની બહાર નીકળી ગઈ.
એના ગયા પછી લાકડામા વોર્ડરોબમાંથી અડધા વસ્ત્ર ધારણ કરેલો હર્ષ ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો,
‘અભિનવ..હાં…શરમ નથી આવતી તને ?’
નીચે હિમાનીએ ગાડી ચાલુ કરીને ગીયર પાડ્યું અને ત્યાં જ સાતમા માળની ગેલેરીમાંથે એની ગાડીની આગળ હર્ષનું પેંટ્, શર્ટ, મોજા, શૂઝ અને ટાઈ આવીને પડ્યાં. પાતળા ગુલાબી હોઠ પર કાતિલ હાસ્ય ફેલાઈ ગયું અને એ બધાંને ક્રૂરતાથી કચડીને હિમાનીની ગાડી આગળ વધી ગઈ.

-Sneha Patel.

zatko


ઝાટકોઃ

રાહ ભટકે નહિ અંધકારમાં ગગનદીપ મૂક્યો અટારીએ,
આગંતુક બની દ્વાર ખટકાવે તું તો દિવાળી જેવું લાગે.
-શીતલ ગઢવી ‘શગ’

શોભમનું બારમા ધોરણનું પહેલી ટેસ્ટનું પરિણામ આજે આવી ગયું હતું અને નવાઈજનક રીતે એમાં શોભમ માત્ર ને માત્ર બાવન ટકા ગુણ જ મેળવી શક્યો હતો. રીઝલ્ટકાર્ડ હાથમાં હતું અને શોભમને પોતાને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. એ ભણવામાં હોશિયાર હતો, પૂરેપૂરો ‘ડેડીકેટેડ’ ‘ફોકસ્ડ’ અને મહેનતુ છોકરો હતો. સ્માર્ટનેસમાં કોઇ કમી નહતી. અત્યાર સુધી સ્કુલમાં દરેક કક્ષામાં એક્ધારો નંબર વન પકડી રાખ્યો હતો. ૯૦ ટકાની નીચે ક્યારેય ગયો નહતો – તો આજે અચાનક આ શું થઈ ગયું ?
ઘરે જઈને સ્કુલબેગ સોફામાં ફેંકી અને બીજા સોફામાં પોતાની જાતને ફેંકી. ગળાની ટાઈની ગાંઠ ઢીલી કરતો હતો ને મમ્મીનો અવાજ કાનમાં પડ્યો,
‘શું થયું બેટા ? કેમ આટલો થાકેલો ને નિરાશ દેખાય છે ? બહુ ભૂખ લાગી છે કે ? ચાલ થાળી પીરસી દઉં.’
‘ના મમ્મી, રીસેસમાં સેન્ડવીચ અને કોફી પીધેલા તો ભૂખ તો એવી કંઇ ખાસ નથી પણ આજે મારું રીઝ્લ્ટ હતું અને એ બહુ જ ઓછું આવ્યું છે.’
હકીકતથી સહેજ પણ ડર્યા વિના પૂરેપૂરી પ્રામાણિકતાથી શોભમે મમ્મીને કહ્યું.
શોભમની મમ્મી ઋત્વી પણ બે મિનીટ થંભી ગઈ અને વળતી પળે પોતાની જાત પર કાબૂ મેળવીને શોભમના વાળમાં હાથ ફેરવતી બોલી,
‘અરે પણ આ તો પહેલી ટેસ્ટ છે, થાય આવું બધું. ઘણાં વિધ્યાર્થીઓ સાથે આવું થાય જ છે. એમાં આમ નાસીપાસ નહીં થવાનું. શું આવ્યું પરિણામ, બોલ.’
‘બાવન ટકા.’
‘ઓહ…’ વાત બહુ નાજુક હતી એની ગંભીરતા ઋત્વી પૂરેપૂરી સમજતી હતી એટલે આગળ બોલતાં પહેલાં પોતાની જાતને પૂરેપૂરી સંભાળી લીધી.
‘આવું થાય તો નહીં. પણ થયું છે એ હકીકત છે દીકરા. દરેક વાતની પાછળ કોઇક કારણ તો હોય જ ને ! તને શું લાગે છે ? તારા પેપર્સ કેવા ગયેલાં.?’
‘મમ્મી સાચું કહું ને તો મહેનત તો દર વખત જેટલી જ હતી પણ ખબર નહીં પેપર્સ જોઇએ એવા સંતોષકારક નહતા ગયાં. રાતના બે-ત્રણ વાગ્યાં સુધી બેસીને બધો કોર્સ સંપૂર્ણ કંપ્લીટ કરેલો તો પણ પેપર્સ લખતી વખતે જોઇએ એટલું યાદ નહતું આવતું. મગજ થાકી જતું હોય એવું ફીલ થતું હતું.’
‘હમ્મ..તું તો દર વર્ષે રાતના વાંચીને ભણે છે તો આ વખતે જ કેમ આવું થયું? મને કંઈ સમજાતું નથી. કદાચ તારા ઉજાગરાની દિશા ખોટી તો નહતી ને ?’
અને શોભમના મગજમાં લાઈટ થઈ.રાતના લેપટોપ પર પાવરપોઈટ્સ અને ઇબુક્સ વાંચતા વાંચતા વચ્ચે આવતી જાહેરખબરોથી લલચાઈને એ નેટ પર અમુક એવી સાઈટ્સ પર જઈ ચડતો હતો જે એનું ફોકસ ભણવામાંથી હટાવી દેતી હતી અને એના કલાકોના કલાકો એમાં બગડતાં હતાં. ઉંમર નાજુક હતી એટલે આવી લાલચ થવી સ્વાભાવિક હતી. ઋત્વી અને એ મા દીકરો જ નહીં પણ પાકા દોસ્તારો હતાં. એણે પુત્ર તરીકેની મર્યાદા જાળવીને પૂરેપૂરી હકીકત એની મમ્મીને જણાવી દીધી. એને મમ્મીની સમજ અને લાગણી પર પૂર્ણ વિસ્વાસ હતો એટલે એણે એ પણ કબૂલ્યું કે,
‘મમ્મા, આ બધી સાઈટ્સ પર સમય વેડફવાની હવે જાણે કે ટેવ પડી ગઈ હોય એમ લાગે છે. હું હવે એ બધું સંપૂર્ણપણે છોડી દઈશ. ચિંતા ના કરો.’
અને ઋત્વીએ તરત જ શોભમને અટકાવ્યો,
‘દીકરા, મુખ્ય વાત એ છે કે તને તારી કમજોરીની, ટેવની ખબર પડી. હવે કોઇ પણ ટેવ અચાનક છોડી દઈએ તો એનું આકર્ષણ વધારે ઉથલો મારે અને એ તમને તમારું રુટીન કામ પણ સખેથી ના કરવા દે. કોઇ પણ ટેવ ત્યારે જ પડે જ્યારે એનાથી તમને મજા આવતી હોય. અમુક ટેવ બિનહાનિકારક હોય છે એટલે એની ચિંતા નહી પણ અમુક ટેવ તમારી લાઈફ, કારકીર્દીને જોખમી હોય છે એનાથી સમજણપૂર્વક પીછો છોડાવવાનો હોય. તારા કેસમાં તારી ટેવની ખબર પડી ગઈ એ સૌથી મહત્વનું કામ થઈ ગયું. હવે તું એના સ્ટાર્ટીંગ પોઈંટ શોધ. કયા સમય અને કઈ હાલતમાં એની જરુરત ઉદભવે છે એનું નિરીક્ષણ કર. એ ટેવની જરુરત જ્યારે ઉભી થાય ત્યારે જ તું એ જગ્યાએથી, સ્થળેથી અલગ થઈ જા અને મગજને બીજે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર.પણ આ બહુ જ સ્વાભાવિક રીતે થવું જોઇએ. જોરજબરદસ્તી તને એ ટેવોની વધુ નજીક લઈ જશે. એવા સમયે તારે તારા મગજમાં ખેંચી રાખેલી તારા ઉજ્જ્વળ ભવિષ્યની તસ્વીરોને આંખ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તારા અતિકિંમતી કલાકો બે ઘડીના આનંદની ટેવ પાછળ પાણીની જેમ વેડફાઈ રહ્યાં છે એ મગજને સમજાવું જોઇએ. તારા મગજને આ રીતે રીલેક્શ થવાની આદ્ત પડી ગઈ હશે એટલે એવા સમયે તારે તારા રીલેક્ષેશન માટે બીજો રસ્તો શોધવાનો રહેશે. જેમ કે એ સમયે કોઇ મિત્રને ફોન કર, કાં તો થોડી વાર ગમતું મ્યુઝિક સાંભળ, ગ્રીન ટી બનાવી લે કાં તો બાઈક લઈને ઘરની બહાર ઠંડી હવામાં એક આંટો મારી આવ, ડીપ બ્રીથીંગ કર, એકસરસાઈઝ કર, ના જ બને તો બીજો એક રસ્તો કે બપોરે સૂવાની આદત છોડીને રાતના બદલે બપોરના સમયે ભણવાનું રાખ. બપોરે ઘરમાં ચહલપહલ પણ હોય છે એવા સમયે તારું મગજ આવી કોઇ જ વાત માટે વિચારી જ નહીં શકે. પણ સો વાતની એક વાત – કોઇ પણ ટેવ એક ઝાટકે અને જોરજબરદસ્તીથી છોડવી એ મૂર્ખામીભર્યું અને મહાજોખમી કાર્ય છે. એ ટેવને છોડવા માટેનો એક જ સીધો રસ્તો કે એમાંથી મળતી મજા તમને તમારી હેલ્થને તંદુરસ્ત રાખી શકે એવી કોઇ સારી ટેવમાંથી મેળવવી.બાકી દરેક માણસની નબળાઈઓ હોય જ છે બેટા એટલે તારે કોઇ જ શરમાવાનું કારણ નથી. મને તો તારી ટ્રાન્સપરન્સી પર ખૂબ જ માન છે. એથી પણ વધુ ગૌરવ મારી જાત પર થાય છે કે હું તારી સાથે એવી રીતે વર્તી શકી છું કે તું મારામાં. મારી સમજણમાં આટલો વિશ્વાસ મૂકીને આવી નાજુક વાત મને કહીને શેર કરી શકે છે. આઈ લવ યુ માય સન.’
અને ઋત્વીએ શોભમના કપાળ પર એક ચુંબન ચોડી દીધું.

મમ્મી સાથેની વાતચીત પછી શોભમનું મન ખૂબ જ હલ્કુ થઈ ગયું હતું. હલ્કા મગજમાં એને એની મનગમતી રમત ફૂટબોલ અને ક્રિકેટ દેખાઈ. એણે બપોરે બપોરે ભણવાનું ચાલુ કરીને રાતના મિત્રો સાથે આ બધી ગેમ્સ રમવાનું ચાલુ કરી દીધું- જરુરિયાતનો પોઈંટ ડાયવર્ટ થતો ગયો અને મિત્રો સાથે રમવામાં તન -મનને પૂરતો સંતોષ મળવા લાગ્યો. જીવનમાં ‘મજા’નામનું પરિબળ ઓર મજબૂત બનતું ચાલ્યું. એની જરુરિયાતનો સ્ટાર્ટીંગ પોઈંટ જ ફીનીશ થઈ ગયો, અને ધીમે ધીમે એ પોતાની આદ્ત પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શક્યો. આ બધાથી એનામાં તાજ્ગી વધતી ગઈ, પરિણામે ઓછી મહેનતે વધુ ફોકસ કરી શક્વા લાગ્યો અને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં બોર્ડની પરીક્ષામાં એ પોતાના મનવાંછિત પરિણામને મેળવીને જ રહ્યો.
મમ્મી પરના પ્રેમનો રંગ વધુ ગાઢો બની ગયો.

અનબીટેબલઃ જીવનમાં કોઇ ‘મજા’ સ્વાસ્થ્ય કે સમાજને હાનિકારક બની જતી હોય તો તરત જ ચેતી જઈને એના સ્ટાર્ટીંગ પોઈંટને સમજી, ડાયવર્ટ કરીને બીજો તંદુરસ્ત રસ્તો શોધવાનો પરિશ્રમ કરવો જોઇએ.

સ્નેહા પટેલ.

addal maraa jevi j chhe


અદ્દલ મારા જેવી જ છેઃ

નક્કી ત્યાં તો કૈંક પાછું ઝળહળે છે,
જાત નામે કોડિયું ધીમું બળે છે !
-ભરત પ્રજાપતિ ‘આકાશ’

આરોહી આજે ખૂબ ખુશખુશાલ હતી. એની દીકરી અન્વેષા આજે સ્કુલમાં વાર્ષિક ફંકશનમાં યોજાયેલ દોડની સ્પર્ધામાં ૮૬ સ્પર્ધકોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવી શકેલી. એ બદલ એને સ્કુલ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અન્વેષાના સફેદ ઝગ ફ્રોક ઉપર એના ગળામાં લાલ સાટીનની રીબીનમાં પીળો ચંદ્રક વીંટીમાં જડેલા હીરા જેવો ચમકી રહયો હતો. બે ગાલ પર હાથ મૂકીને આંખો અહોભાવમાં પહોળી કરીને આરોહી એકીટશે એની લાડકવાયીને જોઇ રહી હતી. આમ જ ભાવાવેશમાં એની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા એની પણ એને ખબર નહતી રહી.
અન્વેષા અચાનક હસી પડી અને એની મમ્મીના આંસુ પોતાની તર્જની પર લઈને રાજકુમારની જેમ ફિલ્મી અદામાં બોલી,
‘ આ બહુ જ મૂલ્યવાન મોતી છે માતા, એને જમીન પર ના પાડો.’
અને આરોહી ભફ્ફાક.. દેતાં’કને હસી પડી. પ્રેમથી અન્વેષાનો કાન ખેંચીને બોલી,
‘ચાલ હવે ચિબાવલી, ચૂપ થઈ જા તો. એ તો તું જ્યારે મા બનીશ અને તારું સંતાન આવી સિધ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તને આ લાગણી સમજાશે.’
અને અન્વેષાનું કપાળ પ્રેમથી ચૂમતાં બોલી,
‘સાવ મારી પર જ ગઈ છે, હું પણ સ્કુલમાં કાયમ આમ જ પ્રથમ નંબર લાવતી હતી.’
અને વળતી પળે જ માતાના પ્રેમ ઝરણમાં નહાતી અન્વેષાના મોઢામાં કાંકરો આવી ગયો હોય એવી લાગણી ઉભરાઈ. જો કે એણે પોતાની લાગણી બહુ જ સફળતાથી છુપાવી લીધી એથી આરોહીને એના વિશે કશું જાણ ના થઈ.
થોડા સમય પછી,
અન્વેષા એના મિત્રો સાથે કાશ્મીર બાજુમ ટ્રેકીંગ પર નીકળી પડી હતી. નેટ પર જોઇ જોઇને બધી જ જગ્યાનું પૂરેપૂરું એનાલીસીસ કરીને જોઇતા પૈસા, સામાન અને બધી જ સાવધાનીનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. માત્ર એક ખભા પર પાછળ લટકાવવાની બેગ લઈને એ સાહસયાત્રા પર નીકળી પડી. લગભગ આઠ દિવસનો પ્રોગ્રામ હતો અને એનું પૂરું સંચાલન અન્વેષાના હાથમાં. મુસાફરીમાં અનેક જગ્યાએ એની અનેક વખત કસોટી થઈ અને આપસૂઝથી અન્વેષા એમાંથી આસાનીથી બહાર પણ નીકળી ગઈ.
સાહસયાત્રા પરથી પાછી આવ્યા પછી થાક ઉતારીને બીજા દિવસે અન્વેષા પૂરાં ઉત્સાહથી પોતાની કહાની મમ્મી પપ્પાને સંભળાવી રહી હતી. કેવી કેવી મુશ્કેલીઓ આવી એનો એ લોકોએ કેવી રીતે સામનો કર્યો, ક્યાં ક્યાં કેવી અગવડ પડી – કેટલી ય જરુરિયાતની વસ્તુઓ વગર પણ ચલાવ્યું અને એ બધી જગ્યાને કેવી રીતે પોતાના એસ. એલ. આરમાં યાદગીરીરુપે કંડાર્યુ એ બધાની માહિતી આપતી હતી અને અચાનક એના પપ્પા અશ્વીન બોલી ઉઠ્યો,
‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અમે પણ આવી યાત્રાઓ બહુ જ કરતાં હતાં. અસ્સલ મારી પર જ ગઈ છે મારી ઢીંગલી.’
અને અન્વેષાના મોઢામાં ફરીથી ક્વીનાઈનની ટીક્ડી ઘોળાઈ ગઈ. આજે એની સહનશક્તિ એનો સાથ છોડતી જણાઈ અને એના મોઢામાંથી શબ્દો ફૂટી નીકળ્યાં,
‘મમ્મી – પપ્પા, નાનપણથી મારી દરેક સફળતા, હોંશિયારીમાં તમે લોકો તમારી જ સફળતા અને સ્માર્ટનેસ કેમ શોધો છો?’
‘મતલબ ?’ આરોહી અને અશ્વીન અચાનક જ આવા વિચિત્ર અને અણધાર્યા પ્રશ્નથી ચોંકી ગયા.
‘મતલબ એ જ કે મારી કોઇ પણ સિધ્ધી હોય ભલે દોડવાની હોય કે આવી રીતે ટ્રેકીંગની હોય કે પછી કપડાંની પસંદગી હોય કે મેથ્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાની – દરેક વાતનો અંત તો ‘અસ્સલ મારી પર ગઈ છે’થી જ હોય છે. માન્યું કે સંતાનોમાં એમના માતા પિતાના અનેક ગુણ હોય જન્મજાત જ હોય પણ એની પાછળ તમે મારી હોંશિયારીની કોઇ કદર ના કરો કાં તો નજરઅંદાજ કરીને બધો જશ પોતાના માથે જ લઈ લો છો એ વાતની તમને ખબર જ નથી હોતી. મારે તમારા મોઢે સાંભળવું હોય છે કે,
‘અન્વેષા બેટા, તું બહુ જ સાહસી છો, હોંશિયાર છું, તાકાતવાન છું. તારી સાથે આટલા બધા મજબૂત હરીફો હોય છે એનાથી ગભરાયા વિના હિંમત રાખીને તું એમનાથી આગળ નીકળી જાય છે એ ખરેખર કાબિલે તારીફ કામ છે, આટલી નાની ઉંમરમાં તેં તારામાં આટલા બધા ગુણ વિક્સાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એના બદલે કાયમ મને તમારા તરફથી ‘તું તો અસ્સલ મારા પર જ ગઈ છું’ જેવી એકની એક રેકોર્ડ જ સાંભળવા મળે છે.માન્યું કે તમારા જીન્સ મને મળ્યાં છે પણે બધાંને સમજીને મેં મારી રીતે મારામાં એ બધાને ડેવલોપ કરવામાં બહુ મહેનત કરી છે.તમારા જેવી ભલે ને વીસ વીસ ટકા માનો અને મને મારી પોતાની જેવી બાકીના સાઈઠ ટકા તો માનો. કાયમ સરખામણી કરવાનો આ સ્વભાવ ત્યજી દો પ્લીઝ.’
‘હા દીકરા , તારી વાત સાચી જ છે. નાનપણથી અમે અમારા સંતાનોમાં અમારા અંશ અને ગુણ જ શોધતા ફરીએ છીએ અને બીજાંઓ અમારી કમજોરી અમારા સંતાનોમાં શોધીને એક વિચિત્ર આનંદ મેળવે છે. પણ આજે તેં જે વાત કહી એ વાત તો અમારા હરખઘેલાં વાલીઓને ખ્યાલ જ માં નથી આવતી કે,’અમારું સંતાન ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, એના આજુબાજુના વાતાવરણમાંથી જાતે બધું શીખતું થયું છે, એની પોતાની પણ એક આઈન્ડેટીટી છે. અમને માફ કરજે દીકરાં. આજે તેં અમારી આંખો ખોલી દીધી.વી આર રીઅલી પ્રાઉડ ઓફ યુ. અમારું સંતાન આટલું વિચારશીલ છે એનો અમને ખૂબ જ આનંદ છે.’
અને અશ્વીને અન્વેષાના કપાળ પર ચુંબન અંકીત કરી દીધું.
અન્વેષાની આંખમાંથી એની જાણ બહાર આંસુ વહી રહ્યાં હતાં.
-સ્નેહા પટેલ

Khachko


ખચકોઃ

वो पहली दफ़ा सुना रहा है कहानी
जो सो गये है उन्हें जगाओ दिये जलाओ !

-फैझल खयाम.

સલૂણી સંધ્યા એના હલ્કા ગુલાબી રંગ આભમાં વિખેરી રહી હતી, પક્ષીઓ એમના ઘર તરફ સમૂહમાં ઉડી રહ્યાં હતાં. ગુલાબી -કેસરીયાળી ઝાંયમાં ઉડતાં પંખીઓની છાયા, ડૂબતો સૂર્ય, પવનની હલકી સી થરથરાહટ પર ઘટાદાર વૃક્ષોના પર્ણનું લયાત્મક નર્તન, વાતાવરણ બેહદ ખુશનુમા હતું. રસ્તાને અડીને આવેલ દસમાળીયા ફ્લેટના આઠમા માળના ડોઇંગરુમમાંથી એક ઘેરો સત્તર – અઢાર વર્ષીય અવાજ રેલાયો.

‘મમ્મી, તમે જરા ધ્યાનથી જુઓ જરા, આ મેમરીકાર્ડ છે એમાં છેવાડે એક ખચકો આપેલો છે, દેખાય છે?’ સ્વર્ણિમ બોલ્યો.

મૃણાલે બેતાળાના ચશ્મા પહેરીને ધ્યાનથી જોયું,

‘હા બેટા, તું કહે છે એવું દેખાય તો છે.’

‘તો મમ્મી, એ ખચકો એમ જ નથી આપ્યો. એની પાછળ એ ખચકામાં તમારો અંગૂઠાનો નખ ભરાવીને ફોનમાંથી બહાર કાઢી શકો એ કારણ છે. તમે જોશો તો અદ્દલ તમારા નખ જેવી સાઈઝ્નું જ એ હશે.’

‘હ્મ્મ્મ…’

‘આની પહેલાં પણ ફોનના કે લેપટોપના ચાર્જર ભરાવતી વખતે સહેજ ધ્યાન રાખો તો એ વાયર વારંવાર ઉધો ચત્તો કરીને ચેક ના કરવું પડે કે આ સાચો કે ખોટો નાંખ્યો. પણ તમે છો કે ના…કંઇ જ વિચારવાનું નહીં. ધડામ દઈને મન ફાવે એમ વાયરો ભરાવવાના ને પછી કાઢીને પાછા ભરાવવાના. વળી કાઢતી વખતે પણ ધ્યાન નથી રાખતા ને હોય એટલું જોર લગાવીને બધા વાયર હચમચાવી કાઢો છો. એમાં ને એમાં કેટલામ ચાર્જરના વાયરો શહીદ થઈ ગયા ! મમ્મી, સમજો..દરેક ડીવાઇસમાં દરેક વસ્તુનું એક મહત્વ હોય છે. તમે પરિસ્થિતીને અનુસાર અપડેટ થતા રહો છો એ સારી વાત છે પણ આ બધું બેઝીક્સ નહી સમજો ત્યાં સુધી તકલીફો પડશે જ. માટે સહેજ સજાગ રહીને દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરવાનું રાખો, થોડું સજાગ રહેવાનું રાખો, વસ્તુનો વપરાશ શું છે એની પાછળ થોડું વિચારો તો મને લાગે છે તમારે મને કોઇ જ બાબતે પૂછવા નહીં આવવું પડે, તમે ઇનફ સ્માર્ટ છો. જાતે જ સમજી શકશો.’

‘હા બેટા, તારી વાત સાચી છે. તને પ્રશ્ન પૂછતાં પહેલાં હું આ બધી વાતો ચકાસી લઈશ ને નહીં ફાવે તો જ તને પૂછીશ. થેંક્સ મને સમજાવવા બદલ.’ અને મૃણાલે એક વ્હાલભરી નજર એના લાડકવાયા પર નાંખી.

પાંચ દિવસ પછી એ જ ફ્લેટના બેડરુમમાં ત્રણ વિવિધ અવાજ રેલાતા હતાં. મા દીકરાની સાથે એક પૌરુષી અવાજ પણ જોડાયો હતો.

‘સ્વર્ણુ, તારી આ બાઈક લેવાની જીદ ખોટી છે બેટા, અત્યારે તું આ સેકન્ડ હેન્ડ સ્કુટરથી ચલાવી લે, બે વર્ષ પછી આપણે તારા માટે એક નવું નક્કોર બાઈક તને જે પણ જ જોઈએ એ

ખરીદી લઈશું.’

‘શું પપ્પા તમે પણ? હું જ્યારે પણ જે વસ્તુ માંગુ ત્યારે તમે મને ના જ પાડો છો અને પછી પછી કરીને મને ટટળાવી ટટળાવીને એ વસ્તુ અપાવો છો. તમને ખબર છે આમ વર્ષો સુધી મને મારી પ્રિય વસ્તુ માટે રાહ જોવડાવો છો અને પછી જ્યારે એ વસ્તુ માટેની ઇચ્છા જ મરી પરવારે છે ત્યારે તમે એ વસ્તુ અપાવો છો ને તો મને એ વસ્તુ મેળવીને કોઇ ખાસ ખુશી જ નથી થતી.અંદરથી બધું સાવ કરમાઈ ગયેલું જ લાગે છે. શું કરવાનું આવી બોરીંગ જીંદગી જીવીને? હવે આ ‘પછી પછી’ સાંભળીને  હું કંટાળી ગયો છું, બસ – બહુ થયું. ઇનફ ..’

અતુલ – સ્વર્ણિમના પપ્પાના વદન પર ઘોર નિરાશાના વાદળ છવાઈ ગયા અને એ રુમ છોડીને બહાર જતાં રહ્યાં.

‘સ્વર્ણિમ, આ રીતે વાત થાય પપ્પા સાથે?’ મૃણાલના અવાજમાં ગુસ્સા કરતાં પોતાની પરવરીશ પરત્વેની નિરાશા વધુ છલકાતી હતી જે એણે બે પળમાં સંભાળી લીધી ને આગળ બોલી,

‘ બેટા, તેં મેમરીકાર્ડના ખચકાંનો મતલબ મને સમજાવ્યો હતો યાદ છે? ‘

‘હા મમ્મી, પણ આજે એ વાતને અહીંઆ શું લેવાદેવા?’

‘બહુ બધી. તેં એ વખતે મને એક બહુ સરસ વાત શીખવી હતી કે,’મમ્મી, દરેક ડીવાઇસમાં દરેક વસ્તુનું એક આગવું મહત્વ હોય છે, જેના પ્રત્યે થોડાં સજાગ રહેતાં તમે એનું મહત્વ સમજી અને વાપરી શકો છો.’

‘હા..તો એમાં ખોટું શું કહ્યું મેં?’

‘સાચું જ કહેલું બેટા, એટલે જ તને એ વાત યાદ કરાવી. એ આખી વાત હવે ફરી યાદ કર તો જરા અને એ જ સમજણ આ ઘટનામાં લગાવ તો. આપણી ટૂંકી આવકની અનેક મર્યાદા એ તારી પૂરપાટ દોડતી ગાડીમાં ખચકાં છે. પપ્પાની દરેક ‘પછી પછી’ પાછળ પણ આવા અનેક કારણો હોય છે. એમને પણ તારા માટે ખૂબ જ પ્રેમ છે એ તો તું સ્વીકારે જ છે ને..પૈસા નથી એમ ખુલીને કહી નથી શકતા, સ્વમાન ઘવાય છે ને વિચારે છે કે,’પોતાના સંતાનોની ખુશી પૂરી કરવામાં એમની લાયકાત અને પૈસા ક્માવાની તાકાત ઓછી પડે છે.’ મનોમન સોસવાય છે. એમ છતાં મનમાં ને મનમાં જાતને સધિયારો આપે છે કે ખર્ચા પર કાપ મૂકીને થોડી બચત કરીને પોતાના લાડકાના શોખ પૂરા કરવા માટેના પૈસા ભેગાં કરી જ લેશે. હવે સમજાય છે તને એમની ‘પછી’ શબ્દ પાછળની મજબૂરીઓ?’

‘ઓહ, મમ્મી હું તમને જે વાત શીખવતો હતો એ હું પોતે જ ના શીખી શક્યો એનો અફસોસ થાય છે. હું પપ્પાને ‘સોરી’ કહીને આવું છું.’

-સ્નેહા પટેલ

 

Halvu phool


હળવું ફૂલઃ

કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમઃ શિવાય,

ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત.

-લલિત ત્રિવેદી.

‘ધડ..ધડ..ધડા ધડ..’ સાથે સાથે ‘ દ્રુ…ઉ….ઉ….ઉ…’નો તીણો તીખો કાનસોંસરવો નીકળી જતો સ્વરનો સથવારો. શૌર્ય કંટાળી ગયો. એમની નીચેના ફ્લેટમાં બાથરુમ અને રસોડું તોડાવીને સમારકામ કરાવવાનું કામ ચાલતું હતું અને એનો હથોડા- ડ્રીલનો સતત અવાજ એના ભણવામાં ડીસ્ટર્બ કરતાં હતાં. સાત દિવસ પછી એની બારમાની પરીક્ષા હતી. બારમું એનું કારકીર્દીનું વર્ષ. આખા વર્ષની સ્કુલ, ઇન્સ્ટીટ્યુટસની દોડધામ – પરીક્ષાઓ પછી હવે મુખ્ય પરીક્ષા માથે આવીને ઉભી હતી અને એ ટાણે જ આવા વિધ્ન ! આમ તો શૌર્ય ખૂબ જ શાંત, ડાહ્યો અને તેજસ્વી છોકરો હતો. ક્યારેય અકળાય નહીં પણ  છેલ્લાં બે કલાકથી એ એક દાખલામાં અટવાયેલો હતો, જવાબ જ નહતો આવતો, વળી આ તો એનું મનગમતું ચેપ્ટર – આમાં તો રાતે આંખ બંધ કરીને ભણવા બેસે તો પણ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એવી માસ્ટરી…પણ અત્યારે પ્રોબ્લેમ મચક નહતો આપતો. ભણવામાં વિધ્ન પડે અને એના ટાઇમટેબલો ખોરવાય એ શૌર્ય ને સહન નહતું થતું.  ઘરની ગેલેરીમાં ગાર્ડન બનાવેલું હતું અને હીંચકો પણ હતો.શૌર્ય પોતાના પુસ્તકો લઈને ત્યાં જઈને બેઠો. નજર સામે નભમાં ગઈ. કાળાં કાળાં વાદળો પાછળ એને ઘેરી નિસ્તબ્ધતા વર્તાઈ. જાણે પોતાના દિલનો પડઘો જ જોઇ લો ને ! એની આંખો બંધ થઈ ગઈ. ગગનની ઉદાસી એની આંખોમાં ઉતરી ગઈ.

‘બેટા, અહીં શું કરે છે?’ સ્મ્રુતિ પોતાના દીકરાના કાળા ઘમ્મર ઘટાદાર વાળમાં વ્હાલભર્યો હાથ પરોવતાં બોલી.

‘કંઇ નહીં મમ્મી, ડ્રોઈંગરુમમાં અવાજ બહુ આવે છે એટલે અહીં આવી ગયો, થયું કે ખુલ્લામાં કદાચ અવાજ ઓછો લાગશે અને ખુલ્લી હવામાં મન હલ્કું થશે. વિચાર્યા મુજબ વાંચી શકીશ.’

ત્યાં જ એક ડમરી ઉડી અને ધૂળ સાથે રજોટાયેલો પવન શૌર્યના તનને હળવો ધક્કો મારીને આગળ વધી ગયો.

‘આ લે ચા અને સાથે પોપકોર્ન. હમણાં જ તાજી તાજી ફોડી છે. તને બહુ ભાવે છે ને? ચોપડાં બાજુમાં મૂક અને મારી સાથે ચા પીતાં પીતાં પેલું નવું કયું મૂવી આવ્યું છે…બળ્યું નામ ભૂલી ગઈ…એની વાતો કર. એકાદ દિવસ થોડો સમય કાઢ આપણે બે જણ જઈને એ જોઇ આવીએ. મને ય બહુ મન થયું છે.’

અને શૌર્ય ચા -પોપકોર્ન – મૂવી અને મમ્મી ના અદભુત વાતાવરણ વચ્ચે ખરેખર અડધો જ કલાકમાં ફ્રેશ થઈ ગયો. એની મમ્મી એની બેસ્ટી ! જરુર પડે ત્યારે ગુસ્સો પણ કરતી, વઢતી પણ ખરી…પણ મોટાભાગે એની બધી જરુરિયાતો સમજનારી, અને દરેક સમસ્યાનો અંત લઈને ઉભી રહેતી એની સૌથી પ્રિય દોસ્ત હતી.

‘મમ્મી,મસ્ત પોપકોર્ન હતી. બીજી હોય તો આપો ને થોડી અને હા, ઉપર થોડો ચાટ મસાલો પણ નાંખતા આવજો.’

‘ઓકે.’ અને સ્મ્રુતિ પોપકોર્નનો બાઉલ ભરીને આવી.

‘મને લાગે છે કે રોજ પાંચ સાડા પાંચે નીચે મજૂરો જતાં રહે છે, હજી સાડા ચાર થયાં છે. તું ચા પી લે પછી આપણે નીચે ગ્રાઉંડમાં  જઈને બેડમીન્ટન રમીએ ચાલ. અત્યારે ગાડીઓની અવર જવર પણ નહીં હોય એટલે મજા આવશે. એ પછી જ ભણવા બેસજે.’

‘ઓકે મમ્મા…એઝ યુ સે..’ અને એ પછીનો કલાક હસતાં રમતાં ક્યાં પસાર થઈ ગયો એની શૌર્ય ને ખબર જ ના પડી.

મજૂરો હવે જતાં રહ્યાં હતાં. સ્મૃતિનો રસોઇનો અને શૌર્ય નો ભણવાનો સમય થઈ ગયો હતો.

લગભગ બે કલાક પછી ઘરના બધા સદસ્ય ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ભેગાં થયેલ હતાં.

‘શું થયું બેટા? આજનું ભણવાનું પતી ગયું ?’

‘અરે હા મમ્મી, એક પ્રોબ્લેમ પાછળ સવારે લગભગ ૩ કલાક મહેનત કરેલી એ અત્યારે માત્ર પાંચ જ મીનીટમાં સોલ્વ કરી દીધો અને એ પછી બીજું પણ ખાસું એવું ભણાઈ ગયું.’ શૌર્ય  ઉત્સાહસભર બોલી ઉઠ્યો.

‘હું પણ તને એમ જ કહેતી હતી કે જ્યારે વાતાવરણ બહુ જ અજંપાવાળું હોય ત્યારે આપણે થોડી સમતા રાખતા શીખી લેવાનું. દરેક પ્રવાહમાં સામે તરવા ના જવાનું હોય. જ્યારે પરિસ્થિતી આપણા કાબૂ બહાર હોય ત્યારે તરવા કરવા ટકી જવામાં પણ બહુ મોટી જીત છે. અવાજ્વાળા વાતાવરણમાં તું કલાકોના કલાકો જેની પાછળ મહેનત કરીને મગજ બગાડે એના કરતાં મગજ ફ્રેશ હોય ત્યારે માત્ર કલાક ભણી લે તો પણ બધું સરભર છે બેટાં. દરેક પરિસ્થિતીનો એક શક્ય એવો પોઝીટીવ રસ્તો હોય જ છે એ વાત યાદ રાખીને દરેક સ્થિતીનો સમજણ, ધૈર્યથી મુકાબલો કરવાનો તો તમે ક્યારેય નહીં હારો કે પસ્તાઓ.’

‘યસ મમ્મી, યુ આર ઓલવેઝ રાઈટ!’ અને શૌર્ય એ ઉભા થઈને મમ્મીના ગળામાં હાથ પૂરોવીને વ્હાલ કરી લીધું.

ઘરની પાછળ વિસ્તરેલાં પીપળાનાં પાંદડાં પર ‘ટપ ટપ’ અવાજ સંભળાઈ રહ્યો હતો. આકાશ વરસી ને ચોખ્ખું થઈ રહ્યું હતું. ચોમેર વાતાવરણ હળવું ફૂલ થઈ રહ્યું હતું.

અનબીટેબલઃ સુખ – દુઃખ , ઉત્સાહ – હતાશા, સફળતા – નિષ્ફળતા આપણી સાથે સતત સંતાકૂકડી રમે છે, ક્યારેક પકડાઈ જવાનું હોય અને ક્યારેક પકડી લેવાનું !

-sneha patel

મીઠડાં જમાનાની કડવી વાતો.


Phoolchhab newspaper > navrash ni pal column > 17-09-2014
The-New-Generation-4ff4d6b476bd4_hires

जलने के किस शौक में पतंगा,

चिरागो को जैसे, रातभर ढूंढता है !

 

अजीब फितरत है उस समंदर की,

जो टकराने के लिए, पत्थर ढूंढता है !

अज्ञात.

 

રચનાના વિશાળ અને વૈભવશાળી, પરદાથી સજાવાયેલ એરકન્ડિશન્ડ બેડરૂમમાં વાયરા, તડકા, આકાશ, રાત દિવસના તફાવત, ધૂળ,અસ્વછતાને કે કોઇ જ ઘોંઘાટ – ખલેલને દાખલ થવાની છૂટ ન હતી. અત્યાધુનિક સગવડો ધરાવતી આ ભવ્યકેદમાં છેલ્લાં અઠવાડિયાથી અસહ્ય લાચારી બળજબરીથી દાખલ થઈ ગઈ હતી. લાચારીથી કોસો દૂર રહીને ઉછરેલ રચનાને આજે જીવનનો આ નવો રંગ સહન નહતો થતો. ગૂંગળામણ હદ વટાવતી જતી હતી અને આંખમાં ચોમાસું બેસું બેસું થઈ રહ્યું હતું. મગજ ડાયવર્ટ કરવા છેવટે રચનાએ ટીવી ચાલુ કર્યું.

ટીવીમાં ચેનલો ફેરવતા ફેરવતા રચનાની નજર એક ચેનલ પર ચોંટી ગઈ અને જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હોય એમ સ્થિર થઈને એ પ્રોગ્રામ જોવા લાગી.ટીવીના સ્ક્રીન પર ખોડાયેલી આંખોથી જોવાતા કાર્યક્રમનો એક એક અક્ષર એના જ દિલની હાલત બયાન કરતું હતું. આજની અતિઆધુનિક – સ્વછંદ પેઢીની અને એમની પાસે લાચાર એવા એમના પેરેન્ટસની.

સત્તર અઢાર વર્ષની યુવતી એના મા – બાપને પોતે એની સાથે ભણતા મિત્ર સાથે ‘લીવ ઇન રીલેશનશીપ’માં રહેવા જવાની વાત કરતી હતી. મિત્ર પૈસાવાળો હતો અને પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. કારણ એક જ કે, બંનેને હજુ આગળ ભણવું હતું ને કેરિયર બનાવવી હતી એટલે પરણવાની ઉતાવળ કે બચ્ચા કચ્ચાની ઝંઝટમાં નહતું પડવું.

 

અને માંડ માંડ દબાવી રાખેલ રચાનાના આંસુ ધોધમાર વરસી પડયાં.

 

‘રે એની એકની એક વ્હાલુડી, એની મીઠડી ઢીંગલી ત્વિશા…હજુ તો હમણાં જ જે પા પા પગલી કરતાં શીખી હતી. બા..બા..મા..મા..બોલતા શીખી હતી અને જોતજોતામાં વીસ વર્ષની થઈ ગઈ ખ્યાલ જ ના રહયો અને આજે એ એક છોકરા સાથે લીવ ઇન રીલેશનશીપ…છી..છી…આવો વિચાર પણ કેમ આવતો હશે આ લોકોને ?’

 

ત્યાં જ ધૈવત – એના પતિએ રુમમાં પ્રવેશ કર્યો. ધૈવત પણ ત્વિશાના આકરા નિર્ણયથી પરેશાન હતો. પણ ત્વિશાની જીદ સામે એની કે રચનાની એક પણ ના ચાલી. ત્વિશુ નાનપણથી જ એવી હતી – ધાર્યુ કરીને જ જપે. જોકે ત્વિશા સ્માર્ટ અને મજબૂત મનોબળવાળી હતી. એના નિર્ણયોની જવાબદારી પોતાના માથે લઈને એને સહન કરી લેવાની તાકાત પણ ધરાવતી હતી. પણ આ તો આખા જીવનની – આબરુની વાત હતી. એમાં કોઇ ચાન્સ કે તકને સ્થાન ના હોય. સમજી વિચારીને એક જ વાર નિર્ણય લઈ લેવાનો હોય. પણ વાત સમજવા તૈયાર હોય એને કોઇ સમજાવે ને ! ત્વિશા તો એનો નિર્ણય કહીને એમને એક અઠવાડીઆની મુદ્દત આપીને બેસી ગઈ હતી. આજે ત્વિશાને જવાબ આપવાનો છેલ્લો દિવસ હતો. વળી વન-વે રસ્તાની જેમ પ્રત્યુત્તરમાં ‘ના’ ને તો કોઇ સ્થાન જ નહતું. દિલ કાઠું કરીને ધૈવતે રચનાની સાથે વાત ચાલુ કરી.

‘રચુ, આ આજની પેઢી પ્રમાણમાં પ્રામાણિક તો ખરી કેમ ?’

આગ વરસાવતી નજરે રચનાએ ધૈવત સામે જોયું અને ધૈવતે એને અનદેખી કરીને વાત આગળ ધપાવી.

‘જો ને રચુ, તને તો મારા મમ્મી પપ્પા એમની લવસ્ટોરી આખો દિવસ સંભળાવે છે, તને તો ખબર જ છે ને કે એમણે ભાગીને પ્રેમલગ્ન કરેલા ત્યારે સમાજમાં કેવી હોહા થઈ ગઈ હતી…એ પછી આપણે પ્રેમલગ્ન કર્યા ત્યારે એ વાત સામાન્ય થઈ ગઈ હતી. બે ય પક્ષના વડીલોએ તપાસ કરીને પાત્ર યોગ્ય લાગતા આપણને પરણાવી દીધા હતાં. એમને ખબર જ હતી કે એ લોકો ના પાડશે તો ય આપણે તો પરણવાના જ. એમણે ‘હા’ પાડ્યા વગર છૂટકો જ નહતો. ‘

‘ધૈવત, તું કોની સાથે કોને કમ્પેર કરે છે એ તો જાણે છે ને ? આપણે પરણવા માટે બળવો પોકાર્યો હતો. જ્યારે આપણી લાડલી તો એમાં ય એકસપરીમેન્ટ કરવાની છૂટ માંગે છે. લગ્ન જેવા સંબંધોમાં ય ‘ટ્રાયલ એન્ડ એરર’ થોડી હોય ?’

‘રચના, તને ખ્યાલ છે આપણે ત્વિશાના લગ્ન માટે વિચારતા ત્યારે આપણા થનારા જમાઈની જન્મકુંડળીના બદલે આપણે એની હેલ્થકુંડળી જોવા પર વધુ ફોકસ કરવાનું વિચારતા હતાં.’

‘હા ધૈવત, આજકાલ એઈડ્સ ને બધા જાતજાતના રોગો અસ્તિત્વમાં આવ્યાં છે એટલે થનારા જમાઈની સ્વસ્થતા વિશે થૉડા સજાગ રહેવું જ પડે ને.’

‘તો રચુ, આ પેઢી આપણાંથી ય થોડું આગળ વિચારે છે. એક બે મુલાકાતોમાં મુરતિયો નક્કી કરીને નાની ઉંમરમાં પરણી જવું કે નાની ઉંમરે થયેલ આકર્ષણ એ ખરેખર પ્રેમ છે કે નહીં એ બાબતમાં શ્યોર થવા માંગે છે. આપણે તો પરણ્યાં પછી એક બીજાને સમજતા થઈએ ત્યાં સુધીમાં તો છોકરાંય થઈ જતાં એટલે એના ભાવિ માટે ય મને કે કમને આપણી સંસ્કૃતિ આપણને પડ્યું પાનું નિભાવી લેવાનું રહેતું. જ્યારે આજકાલના છોકરાંઓને પોતાની કેરિયર બનાવવામાં, પોતાના પગ પર ઉભા રહેવામાં વધુ રસ છે. કેરિયરના રસ્તામાં લગ્ન આડે આવે છે. પણ વધતી ઉંમર અને શરીરની માંગ સામે એ લોકોએ પોતાની સમજ મુજબ જ આ ‘લીવ ઇન રીલેશનશીપ’નો રસ્તો કાઢયો છે. પરણ્યાં પહેલાં બે ય એકબીજાને બરાબર રીતે જાણી સમજી લેવા માંગે છે જેથી લગ્ન પછી પસ્તાવાનો કે રોદણાં રડવાનો વારો ના આવે. લગ્ન કરી લીધા પછી તેઓ સંપૂર્ણ રીતે એકબીજાને પ્રામાણિક થઈને રહેવાની ઇચ્છા ધરાવે છે. આપણી આજુબાજુ જીવાતા સેંકડો અણસમજુ લગ્નજીવનમાં લગ્ન પછીના લફરાંઓની ઘટનાથી તું ક્યાં અજાણ છે ? એવી છેતરપીંડી કરતાં ખુલ્લેઆમ પોતાના વિચારો જાહેર કરીને મનગમતા વ્યક્તિ સાથે રહેવાની ઇચ્છા ધરાવનારા લોકો વધુ પ્રામાણિક એવું તને નથી લાગતું ?’

‘ધૈવત, તું આમ વાતો ના કર, ત્વિશાનો પક્ષ ના લે. જે ખોટું છે એ છે…છે ને છે જ…’

‘હા રચુ, એમનો નિર્ણય ખોટો તો છે જ. લગ્ન પહેલાં આવી છૂટછાટો લેવી એ સહેજ પણ યોગ્ય નથી અને મારું દિલ કે સંસ્કાર સહેજ પણ નથી માનતાં. આશા રાખીએ કે એનો કોઇ વચ્ચેનો રસ્તો નીકળે. પણ આ પેઢીની એક વાત બહુ ગમી કે એ અપ્રામાણિક સહેજ પણ નથી. આ પેઢી પોતે પડવા માંગે છે ને પછી જાતે ઉભી થવામાં માને છે. એમને ભૂલો કરીને એમાંથી શીખવું છે. બહુ મજબૂત અને સમજુ છે આ લોકો. વળી આપણી ‘હા’ કે ‘ના’થી એમને કોઇ જ ફર્ક નથી પડવાનો. આપણી જેમ ઇમોશનલ ફૂલ્સ પણ નથી એ. તો પછી આપણી પાસે કોઇ ઓપ્શન જ ક્યાં છે…પડવા દે એને…અને જ્યારે જાતે ઉભી ના થઈ શકે ને આપણી મદદ માંગે ત્યારે આપણો ટેકો દઈ દેવાનો. બાકી આ આઝાદ પંછીઓ આપણા પાંજરામાં પૂરાવાથી રહ્યાં. એમને એમના આકાશમાં ઉડવા દે ઉદાર મને શકયતાની એક તક આપ એમને . બની શકે એની જાતે પોતાની સાચી મંઝિલ શોધી પણ લે..આમ જીવ ના બાળ.’

‘હા ધૈવત, તારી વાત સાચી છે. પંખીને આત્મવિશ્વાસી ને આત્મનિર્ભર બનાવવા એને જાતે જ ઉડવા દેવું પડે. આપણે બહુ બહુ તો રાહ ચીંધી શકીએ પણ ઉડવાનું તો એમણે જાતે જ હોય છે.’

અનબીટેબલ : માનવી સુખી થવાના પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર સુખી થઈ જાય છે.

વાત બદલાતા સ્થાનની


phoolchhab newspaper > Navrash ni pal column > 3-09-2014

 

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,

દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

– ગૌરાંગ ઠાકર.

 

મુદ્રાના મૃગનયની લોચનિયામાં આજ કાલ એક રુપાળું શમણું ઉછરી રહેલું – મા બનવાનું ! રોજ પોતાના ઉદરમાં પાંગરતા પોતાના શિશુને કોમળ હાથે પંપાળતી, કલાકોના કલાકો એની સાથે વાતો કરતી, આંખ બંધ કરીને એકધ્યાન થઈ જતી ! એક – એક દિવસ એક – એક યુગ જેવડો વીતતો હતો.પ્રતીક્ષાનો રસ્તો ધીરજ ખોવડાવી દે એવો કઠોર લાગતો હતો.રોજ ભગવાનને એ આ દિવસો જલ્દી વીતી જાય એવી પ્રાર્થના કરતી રહેતી અને એક દિવસ મુદ્રાના આંગણે ભગવાનની મહેરબાનીની વર્ષા થઈ અને જળમાં ઉછરેલ પોયણી જેવી નાજુક દીકરી શ્રેયાનો જન્મ થયો. શમણાંની – લોચનની ઉર્મિ હવે એના ખોળામાં એના હાથમાં આવીને વસી ગઈ ને મુદ્રા અને વિવેકનું જીવન બદલાઈ ગયું.

મુદ્રાનો આખો દિવસ શ્રેયા પાછળ જ વીતતો. શ્રેયુ આમ .. શ્રેયુ તેમ..એના માટે આ લાવવાનું છે..એને ફલાણું ખવડાવવાનું…ઢીંકણું પહેરાવવાનું..હાથ પકડીને પા પા પગલી પાડતાં શીખવવાનું , બા…બા…બા થી આગળ વધીને પપ્પા…દાદા…મમ્મા બોલતા શીખવવાનું, લીકવીડમાંથી સેમીલીકવીડ અને સેમીમાંથી સોલિડ ખોરાક ખાતા શીખવાડવાનું..એ પછી ભણવાનું, દોસ્તો બનાવતા, ડાન્સ, મ્યુઝિક, ઇમોશન્સ મેનેજમેન્ટ શીખવવાનું…અને શીખતાં શીખતાં મુદ્રા અને વિવેકની લાડલી આજે ૧૮ વર્ષની થઈ ગઈ હતી. આજે ઘરે એની બર્થડે પાર્ટી રાખી હતી.મુદ્રા અને વિવેક પોતાના નાજુક – સુંદર સર્જનને સસ્નેહ નિહાળી રહ્યાં હતાં ત્યાં જ શ્રેયા એમની પાસે આવી અને બોલી,

‘ડેડી, મેં અઠવાડીઆ પહેલાં બર્થ-ડે કેકનો ઓનલાઈન ઓર્ડર આપેલો એની ડીલીવરી અત્યારે થઈ જવી જોઇએ પણ હજુ સુધી આવી નથી. પ્લીઝ તમે ટ્રેકિંગ નંબર પરથી નેટ પર ચેક કરી લેશો ? હું દરજીને ત્યાંથી મારો ડ્રેસ લઈ આવું. ‘

‘બેટા, મારે ઓફિસનું કામ બાકી છે એ પાર્ટી ચાલુ થાય ત્યાં સુધીમાં પતાવી દઉં. તું મમ્મીને કહી દે એ ચેક કરી દેશે.’

‘મમ્મી ! શું પપ્પા તમે પણ… આ બધી બાબતમાં મમ્મી તો સાવ ‘ઢ’ છે.’

‘શ્રેયા, બેટા એક કામ કર. તું મને સમજાવી દે હું શીખી લઈશ ને તમે બે જણ આવો ત્યાં સુધીમાં કામ પતાવી દઈશ.’

મુદ્રા બોલી.

અને શ્રેયાનો પિત્તો ગયો.

‘મમ્મી, રહેવા દે ને. તું શું શીખવાની ? મેં હજારો વખત કહ્યું કે ડેડીએ લેટેસ્ટ સ્માર્ટફોન અપાવ્યો છે તો એ પ્રોપર વાપરતાં શીખી જા. આ ટેકનોલોજી દ્વારા આજનું જગત કેટલું નાનું ને સરળ થઈ ગયું છે, ઘરે બેઠા શોપિંગ થાય તો તને એમાં ય વાંધો…ના દુકાનમાંથી ખરીદી કરવા જેવી મજા એમાં ના આવે ! ટચ ફોન ઓપરેટ કરતાં નથી ફાવતું…ગમે ત્યારે કોઇને પણ એની જાતે ફોન લાગી જાય છે એટલે ફોન વાપરવો જ નથી અને તારો ફોન જ્યારે હોય ત્યારે સાઇલન્ટ મોડ પર જ મળે..પૂછીએ કે કેમનો સાયલન્ટ થઈ ગયો તો જવાબ મળે કે શી ખબર…એની જાતે થઈ ગયો હશે. બોલો, ફોન કદી જાતે સાયલન્ટ થાય કે !’

‘અરે પણ અત્યારે તું સમજાવ તો ખરી બેટા, હું શીખીને તારું કામ કરી દઈશ કહ્યું તો ખરું. મારે જરુર નથી પડતી તો હું આ બધી જંજાળોમાં નથી પડતી. પણ જરુર હોય તો હું દુનિયામાં કોઇ પણ વસ્તુ શીખી શકું છું યુ નો .’

‘મમ્મી, ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી. તું તારે રસોડામાં જઈને મારા માટે એક કપ કડક ને મસાલાવાળી ચા બનાવી લાવ, હું મારું કામ મારી જાતે જ કરી લઈશ. તને શીખવવામાં ક્યાં માથાપચ્ચી કરું ? જે ફોનમાં નંબર સેવ કેવી રીતે કરવો કે વોલપેપર કેવી રીતે ચેઇન્જ કરવું એના માટે મારી સાથે માથું દુખાડે છે એને હું એપ્લીકેશન્સ વાપરતા શીખવાડવા બેસું ! મારા તે ભોગ લાગ્યાં છે કે શું ?’

શ્રેયાનો આ મિજાજ અને વ્યવહાર જોઇને વિવેક અને મુદ્રા બે પળ સ્તબ્ધ રહી ગયા.

‘શ્રેયુ બેટા, તને આ જ મા એ જન્મ આપ્યો છે એ વાતની ખબર છે ને ?’

‘શું પપ્પા તમે પણ ?’

‘ઓકે. જન્મ આપ્યાં પછી શું, કેવી રીતે ખાવું, ચાલવું, જીવવું બધું ય આ જ બુધ્ધિ વગરની મમ્મીએ પૂરી ધીરજથી શીખવ્યું છે એ વાત પર કદી વિચાર કર્યો છે ? માન્યું કે મુદ્રાને ફોન – લેપટોપ બધું નથી ગમતું પણ એ મૂર્ખ નથી. એના સમયમાં એ રેન્કર રહી ચૂકી છે અને રસોઈ, ડ્રેસિંગ, વ્યવહારકુશળતામાં પણ તારી મા નંબર વન છે.એને કોઇ પણ વસ્તુ શીખતા સહેજ પણ વાર નથી લાગતી. અત્યાર સુધી એણે ફોન વાપરવામાં રસ જ નહતો લીધો એટલે આ બધી વાતોથી અજાણ છે પણ એ ધારે તો એને શીખી લેતા ખાસ સમય ના લાગે બેટા.’

‘પપ્પા, મમ્મીનું કામ નહીં તમે રહેવા દ્યો ને.’

‘શ્રેયુ, તું જ્યારે નાની હતી ને સોફા, પલંગ પકડી પકડીને માંડ ઉભી થતાં શીખતી હતી ત્યારે તારી આ મા એ એમ વિચારી લીધું હોત કે જવા દો..જે માંડ ઉભી રહી શકે છે એ ચાલતા ક્યાં શીખી શકવાની તો ? પણ ના, એણે એમ ના વિચાર્યું ને તારી પાછળ સતત ધીરજ રાખીને પ્રેમ ઢોળીને ચૂપચાપ મહેનત કરતી જ રહી.આ જ મા એ તને ચાલતા નહી દોડતાં, ડાન્સ કરતાં પણ શીખવ્યું ને આજે તો…તો…તું હવામાં જ ઉડે છે બેટા..’

‘પપ્પા, એવું નથી પણ…’

અને શ્રેયાની કાજળ મઢેલી આંખમાં બે આંસુના મોતી ચમકી ઉઠ્યાં. પપ્પાની વાત સાચી હતી. મુદ્રા દરેક વાતે હોંશિયાર હતી. એને કોઇ જ વાત શીખવામાં સહેજ પણ સમય ના જતો. સમાજ આખા ય માં એની વ્યવહારદક્ષતાના વખાણ થતાં હતા ને એ જ સ્માર્ટ મા ને પોતે સાવ આમ ગમાર સમજી બેઠી હતી એનો પારાવાર અફસોસ થતો હતો. પળનો ય સમય વીતાવ્યા વિના શ્રેયાએ પોતાની ભૂલ સુધારવા તરફ પહેલું કદમ માંડ્યું અને ફોનનું સ્ક્રીનલોક ખોલીને એણે મુદ્રાને એપ્લીકેશન્સ સમજાવવાનું ચાલુ કર્યું.

અનબીટેબલ ઃ દરેક બદલાતા સ્થાન સાથે માનવીએ પણ બદલાવું પડે છે અને આ પ્રક્રિયા અંતહીન છે.

ગાળ ઇન ફેશન !


phoolchhab newspaper > navrash ni pal column > 7-05-2014

અરે હાલ મારા તો એવા થયા છે

પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

– ભરત ત્રિવેદી.

‘ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે

ભક્તજનો કે સંકટ ક્ષણમેં દૂર કરે ..’

સવારનો નવ વાગ્યાનો સમય હતો. ઘરના પૂજારૂમમાં આસન પર બેઠેલી આભાના છુટ્ટા કાળા અને ભીના વાળ એની પીઠ પર ફેલાયેલાં હતાં અને ભીંજાયેલ વાળમાંથી ટપ ટપ પાણીની બૂંદ એની સાડીમાં સરતી હતી. અમુક બુંદ એના લીસા ખભા ઉપર પડીને ત્યાં જ અટકી જતી અને ઝાકળની જેમ ઝળહળી ઉઠતી હતી. પૂજારુમ ચંદનની સુવાસથી મઘમઘી રહ્યો હતો. આરતીની થાળીમાં પ્રજ્વલી રહેલા દીપકની જ્યોત સાથે પવન રમત કરતો હતો અને એ ધીરેથી હાલક ડોલક થઈને પાછી પોતાની જગ્યાએ ગોઠવાઈ જઈને સ્થિર થઈ જતી હતી. મોગરાં -ગુલાબના રાતા-શ્વેત પુષ્પોથી આખો પૂજારુમ ખીલી ઉઠ્યો હતો અને સાથે નાજુક ઘંટડીની રણઝણ અને આભાની આ પ્રાર્થના – અલૌલિક વાતાવરણ હતું . આભા પોતાની જાત ભૂલીને પોતાના કાનુડાંની પૂજામાં વ્યસ્ત હતી ત્યાં જ એના કાને મોબાઈલની રીંગ સંભળાઈ.

‘આટલા વહેલાં કોણ હોય ? જે હોય એ ..જવા દે..નથી લેવો…મારી પૂજા ડિસ્ટર્બ નથી કરવી. પછી કોલબેક કરી લઈશ કરીને એણે પ્રાર્થના આગળ ચલાવી.

‘જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા

સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા … ઓમ જય

 

માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી

તુમ બિન ઓર ન દુજા, આશ કરું મૈં ….’

 

ફરીથી રીંગ વાગી. પુત્ર સુકેતુ કોલેજ અને પતિદેવ ઓફિસે ગયા હતાં. આભા ઘરમાં એકલી હતી. આખરે કંટાળીને એ ઉભી થઈને ડ્રોઈંગરુમમાં ગઈ અને ફોન જોયો તો સુકેતુનો ફોન હતો.

‘આ છોકરો..હજુ કલાક પહેલાં તો કોલેજ ગયો છે ને એટલામાં ફોન…? વળી અત્યારે તો એના ક્લાસીસ હોય તો ફોન કેમનો કરી શકે..શું એ ક્લાસમાં નહીં હોય?’

સેકંડના સો માં ભાગમાં આવા અનેકો પ્રશ્નો એના મનમાં આવી ગયા અને સ્કીનલોક ખોલ્યું,

‘હલો…સુકેતુ..બોલ દીકરા…હલો…હલો…’

સામેથી કોઇ જ જવાબ ના આવ્યો..કદાચ ભૂલમાં ફોન લાગી ગયો હશે. આભાનું નામ જ આલ્ફાબેટીકલી એવું હતું કે દરેકના ફોનમાં એ સૌથી પહેલું જ આવતું હતું અને ઘણીવાર એને આવા ફોનકોલ્સ આવતાં હતાં જે ભૂલથી લાગી ગયા હોય, આજે પણ એમ જ હશે વિચારીને એ ફોન કટ કરવા ગઈ ત્યાં એના કાને સુકેતુનો અવાજ અથડાયો,

‘અરે જવા દે ને, આજે તો મેથ્સના ક્લાસમાં દિમાગની વાટ લાગી ગઈ..સા…એ પ્રોફેસર સાવ બબૂચક જેવો છે…..એની મા ને ***** , એ ઘનચક્કરના લેકચર હું કાયમ છોડું છું , આજે તમે કોઇ જ દેખાતા નહતાં ને હું સાવ એકલો હતો તો એમ જ એના ક્લાસમાં બેસી ગયેલો. બહુ ભયંકર ભૂલ થઈ ગઈ મારાથી..મારી માની *****…..’

પોતાનું ફ્ર્સટ્રેશન કાઢવા માટે સુકેતુ જે બોલ્યો એ સાંભળીને આભાના હાથમાંથી ફોન છટકી ગયો. એક જ વાક્યમાં એણે પહેલાં એના પ્રોફેસરને ‘મા બેન’ની ગાળ આપી અને છેલ્લે એણે પોતાને…એની સગી મા ને ગાળ આપી !

આભાને આખો રુમ ગોળ ગોળ ફરતો દેખાયો અને ધબ…બ કરતી’ક ને એ સોફામાં ફસડાઈ પડી. એના ઉછેરમાં આવી તો ક્યાં ભૂલ થઈ ગઈ કે એનો દીકરો પોતાની સગી જનેતા વિશે જાહેરમાં આમ બોલે ?

આખો દિવસ બેચેનીમાં જ ગયો.

બપોરના બે વાગ્યે એનો સુપુત્ર કોલેજથી આવ્યો.

‘મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. જલ્દી જમવાનું પીરસી દે’

‘સુકેતુ, જમવાનું પછી પહેલાં તું તારો મોબાઈલ આપ.’

‘કેમ ?’

‘આપ કહ્યુ ને.’

અને સુકેતુએ અવાચક થઈને એનો મોબાઈલ આભાને આપ્યો. આભાએ એમાં પોતાને ડાયલ થઈ ગયેલો નંબર બતાવ્યો.

‘અરે એ તો મમ્મી તને એમ જ લાગી ગયેલો. ભૂલથી યુ નો..બાકી એ સમયે તો હું ક્લાસમાં…’

‘જુઠ્ઠું ના બોલ. મને ખબર છે કે તું એ સમયે તારા મિત્રો સાથે હતો..ક્લાસની બહાર અને તારી મા ને ગાળો દઈ રહેલો.’

કોઇ જ આડી અવળી વાત કર્યા વગર આભાએ છાતીમાં ભરાઈ ગયેલું અસહ્ય વજન એક સાથે શબ્દોમાં ઠાલવી દીધું. બે મીનીટમાં આખી વાત સમજી ગયેલ સ્માર્ટ કોલેજીયને પોતાની જાતને તરત જ સંભાળી લીધી.

‘ઓહો મમ્મી, એમાં એમ છે ને કે આજે મગજ ઠેકાણે નહતું. એટલે અકળામણમાં..’

‘અકળામણમાં પોતાની મા – સગી જનેતાને ગાળો ? અરે, બહારનો કોઇ બોલી જાય તો એને ય ઢીબી નાંખે, મરવા ને મારવા ઉપર આવી જાય એનું નામ સંતાન એના બદ્લે આજે ઉઠીને પોતાનું સંતાન જ પોતાની જનેતાને ગાળ…ઉફ્ફ…’

સુકેતુ થોડો થોથવાઈ ગયો, ક્યાં કાચું કપાયું એનો એને બરાબર ખ્યાલ આવી ગયો હતો. આમ તો ગાળો બોલવી, સાંભળવી એના માટે કોમન વાત હતી પણ આજે એ વાત એની ધર્મપારાયણ મમ્મીને ખબર પડી ગઈ હતી અને મમ્મી એ પચાવી નહતી શકતી. પણ ગાળો બોલવી ઈટ્સ નોટ અ બીગ ડીલ…એ તો બોલાઈ જાય..એમાં શું ? આ જનરેશન અમને નવી પેઢીને ક્યારે સમજશે ? અમારી તકલીફો, હરિફાઈઓ, ફ્સ્ટ્રેશન્સ આમને ઘરમાં બેસી રહેનારને શું સમજાશે ?

‘મૉમ – ચીલ ! આજના જમાનામાં ગાળો બોલવી એ તો એક ફેશન છે. ? બે વાક્યમાં એક પણ ગાળ ના બોલો તો આજના જમાનામાં તમે જૂનવાણી ગણાઓ, લોકો તમારી મજાક ઉડાવે પણ જવા દો ને…તમને આ બધી વાતોની શું ખબર પડે ? મારા હરિયાણવી અને પંજાબી મિત્રો તો કાનના કીડા ખરી પડે એવી ગાળો બોલે છે. અમુક મિત્રો દીકરીના નામની ગાળો આપે છે. જમાનો બદલાઈ રહયો છે મમ્મી. આટલી નાની શી બાબતમાં આવો મોટો હોબાળો ના કરો. એક તો કોલેજમાંથી થાકીને કંટાળીને ભૂખ્યાં તરસ્યાં આવ્યાં હોઈએ અને એમાં તમે આમ ઉપદેશોના, ફરિયાદોનાં ટોપલાં ખોલીને બેસી જાઓ છો. ખબર નહીં અમને ક્યારે સમજશો ? રાખો તમારું જમવાનું તમારી પાસે, હું બહાર જઈને જમી લઈશ’

અને આભાના પર્સમાંથી હજારની નોટ લઈ અને ગાડીની ચાવી લઈને સુકેતુ ઘરની બહાર નીકળી ગયો.

ગાળ સાંભળીને જે તકલીફ થયેલી એ કરતાં વધારે તકલીફ પોતાના અતિસ્માર્ટ દીકરાની વર્તણૂકથી આભાને અત્યારે થઈ. ચારે બાજુ સાંભળવા મળતી ગાળોનો-અભદ્ર ઇશારાઓનો આછો પાતળો અનુભવ હતો. આજકાલ લોકો સ્ત્રી કે પુરુષનો ભેદભાવ રાખ્યાં વગર બિન્દાસ્ત ગાળોની ગંગા વહેવડાવતાં થઈ ગયેલાં. એ વખતે એમને ગાળોનો મતલબ પણ ખબર હશે કે શું ? એવો વિચાર પણ આભાને આવી જતો ને નવાઈ પામતી , પણ આજે એનો ખુદનો દીકરો એને ગાળ દે અને એ વાત મોર્ડન અને કૂલ પેરેન્ટ્સ ગણાવા માટે સહજતાથી લેવાની ? દીકરો હવે પેરેન્ટ્સના સમજાવાની હદથી બહાર હતો. એને શામ,દામ,દંડ કશાથી મનાવી શકાય એવી શક્યતા નહતી. નિરાશ થઈને આભાએ સમયદેવતાને હાથ જોડીને વિનવ્યાં,

‘સમયદેવતા – તમે મહાન. મારા દીકરાને જલ્દીથી સાચી સમજણ આપજો અને હા એ હજુ નાદાન છે – એની નાદાનિયત બહુ આકરી સજા ના આપશો’

અનબીટેબલ : બુધ્ધિનું તીવ્ર આધિપત્ય દિલની કોમળ લાગણીઓનો સર્વનાશ કરે છે.

-sneha patel

અમૂલ્ય કિંમતઃ


અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

– રવીન્દ્રનાથ ટાગોર

‘સની બેટા, ચાલ તો જલ્દી તૈયાર થઈ જા. આપણે બહાર જવાનું છે, મોડું થાય છે.’

‘મમ્મી, પાંચ મીનીટ આપો ને પ્લીઝ. મારે નેટ ઉપર આ ક્યુબની સાઈટ્સ ઉપર મારો અનુભવ લખવાનો છે.’

અને સોનેરી એના તેર વર્ષના એકના એક દીકરાનું માસૂમ, ગુલાબી મુખ તાકતી રહી ગઈ. આખો દિવસ પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો એનો લાડકવાયો બહુ ભોળિયો હતો. એને કાયમ સોનુના લાગણીશીલ સ્વભાવને લઈને ચિંતા રહેતી હતી. આજના જમાનામાં સની જેવા સેન્સીટીવ છોકરાંઓનું કામ જ ક્યાં હતું ?સ્વભાવે એ ટીચર હોવાથી જ્યાં જુઓ ત્યાં પોતાની ઉંમર કરતાં મોટા થવાના ધખારામાં રચ્યાં પચ્યાં રહેતાં ટીનેજરોથી એ બહુ સારી રીતે જાણકાર હતી. ક્લાસમાં ભણાવતી વખતે એના સ્ટુડન્ટ્સ જે રીતે ગોસિપ ,ધમાલ મસ્તી કરતાં રહેતાં એ જોઇને ઘણી વખત એ પોતાનો સ્કુલનો કાળ યાદ આવી જતો.

પોતે તો કોલેજમાં આવી ત્યારે પણ આ જનરેશન જેટલી સ્માર્ટ કે ઓવરસ્માર્ટ નહતી થઈ શકી. ભણતી વખતે ફકત ભણવાનું અને ભણી લીધા પછી જીવ ભરીને રમવાનું આ એક વાત એની મમ્મીએ એને બહુ સારી રીતે સમજાવી હતી અને એક આજ્ઞાકારી બાળકની જેમ સોનેરીએ એ વાતનું કાયમ પાલન પણ કર્યુ હતું. તો શું આજકાલની મમ્મીઓ એમના સંતાનોને આવી કોઇ જ સમજ નહીં આપતી હોય ? ત્યાં જ અચાનક એનામાં રહેલી ટીચરને એનામાં રહેલી માતા મીઠો ઠપકો આપીને વર્તમાનમાં પાછી લાવતી. આખરે એ પણ એક ટીનેજરી સંતાનની મા હતી જ ને ! એ પણ પોતાના સંતાનને પોતાને મળેલી સમજ આપતી જ હતી ને …સંતાનના હિતની વાત આવે ત્યારે મમ્મીઓ તો બધી સરખી જ હોય, કોઇ પણ માતા પોતાના સંતાનનું ભાવિ અંધકારમય થાય એવું સપનામાં પણ ના વિચારે…તો આ બધી સમજ આવતી ક્યાંથી આ છોકરાંઓમાં..હા, નેટ, મોબાઈલ, લેપટોપ આ બધી સુવિધાઓનું જ આ પરિણામ અને મનોમન એ પોતાના દિકરાને આ બધાથી દૂર રાખવાનું વિચારતી અને એ માટે પોતાના દિકરાને એ જોઇએ એટલો સમય પણ આપતી.

પણ આજના જમાનામાં કોઇ છોકરું મોબાઈલ – લેપટોપ વગર રહી શક્યું છે, એને ચાલી શક્યું છે કે સનીને ચાલવાનું ? હા, સોનેરીની કાળજીથી એ એનો દુરુપયોગ નહતો કરતો પણ માહિતી, ઓનલાઈન શોપિંગ એ બધા માટે એને પણ કોમ્પ્યુટરની જરુર પડતી જ અને સમજદર પેરેન્ટસની માફક સોનેરીએ એ વાપરવાની છૂટ આપવી જ પડતી. આજકાલ ખબર નહીં ક્યાંથી પણ સનીને ચોરસ શેઈપના લાલ,લીલા,ભૂરા અને પીળા કલરનાં ક્યુબના રમકડામાં રસ પડેલો. થોડા સમય પહેલાં અમર -સનીના પપ્પાએ એને રસ્તામાંથી એક કયુબ અપાવેલો એ એમનો એમ જ પડેલો.

એક દિવસ એ ક્યુબ ખુલી જતા સની દિવસ રાત એની પાછળ લાગી ગયો અને એને રિપેયર કરીને જ જપ્યો. ક્યુબ તો રીપેર થઈ ગયેલો પણ સનીનો બધો ફુરસતનો , રમવાનો, ખાવા-પીવા,ભણવાનો સમય ચોરી ગયો. આખો દિવસ સની એમાં જ રચ્યો પચ્યો રહેતો. નેટ ખોલી ખોલીને એ ક્યુબિક સર્ચ કરી કરીને એને સોલ્વ કરવાની સાઈટ્સ શોધતો રહેતો. આખરે એણે ક્યુબની પઝલ સોલ્વ કરતાં શીખી લીધી. એ પછી એને ઓછામાં ઓછા સમયમાં એને સોલ્વ કરવાનું ભૂત ભરાયું. બાળમાનસની મજા..જીદ્દ…ક્યુબ સોલ્વ કરવામાં એના મગજની સ્પીડ સામે સનીને ક્યુબની ક્વોલિટી નડ્વા લાગી. એણે ક્યુબ ખોલીને એના પીસીસ ધોઈ નાંખ્યા અને અંદરની બાજુ વેસેલીન લગાવ્યું અને એનો ક્યુબ સ્મૂધ થઈ ગયો. એક પછી એક મળતી સફળતાથી સનીનો ક્યુબ ક્રેઝ વધતો ગયો. હવે એ નેટ ખોલી ખોલીને ક્યુબ વિશે રીસર્ચ કરતો રહેતો. એના મિત્રોએ પણ એનું જોઇ જોઇને ક્યુબ ખરીદી લીધેલા તો ફોન પર પણ આખો દિવસ એની ને એની જ વાતો. સોનેરીને પણ એની આ બિનહાનિકારક ટેવથી કોઇ જ પ્રોબ્લેમ નહતો. થોડો સમય જશે એટલે બધું ઠેકાણે પડી જશે વળી સની એનું ભણવાનું બગાડતો નહતો. એનો ‘એ પ્લસ’નો રેન્ક હજુ સાચવી રાખતો હતો એટલે સોનેરીને એને બોલવાનું કોઇ ખાસ કારણ પણ નહતું.

એક દિવસ સનીએ સોનેરી પાસે ડિમાન્ડ કરી,

‘મમ્મી, મારે ‘ફાઈવ બાય ફાઈવ’નો ક્યુબ જોઇએ છે. આ થ્રી બાય થ્રી તો હવે બચ્ચું લાગે છે મને.’

‘ઓકે, નેટ પર સર્ચ કરીને ઓનલાઈન શોપિંગનો ઓર્ડર આપી દે જે.

સોનેરીને સનીની સ્માર્ટનેસ પર વિશ્વાસ હતો એટલે એણે સનીને આટલી છૂટ આપેલી જ હતી. એ પછી તો સનીએ લગભગ અઠવાડિયાનું રીસર્ચ કરીને ૮૦૦ રુપિયાનો એક ક્યુબ ઓર્ડર કર્યો. બે દિવસમાં તો ક્યુબ એમના ઘરે. સની ખુશખુશાલ અને એને જોઇને એના મા -બાપ પણ ખુશખુશાલ !  આજે સોનેરીને લગ્નમાં જવાનું હતું અને એ તૈયાર થતી હતી. એણે સની માટે કપડાં કાઢી રાખ્યાં હતાં અને એને ક્યુબ બાજુમાં મૂકીને તૈયાર થવાનું કહ્યું તો સનીએ જવાબ આપ્યો.

‘મમ્મી, ‘મમ્મી, પાંચ મીનીટ આપો ને પ્લીઝ. મારે નેટ ઉપર આ ક્યુબની સાઈટ્સ ઉપર મારો અનુભવ લખવાનો છે.’

અને સોનેરીનો ગુસ્સો ઉછ્ળ્યો. હવે થોડું વધારે થઈ રહ્યું હતું. સનીનો ક્યુબપ્રેમ એની સીમા વટાવી રહ્યું હતું. એણે હવે સનીને આમાંથી થોડો બહાર કાઢવો જ પડશે નહીં તો આગળ જતાં એના ભણતર પર આની અસર પડશે અને એ નેટ પર આખો દિવસ આમ જ ખાંખાંખોળા કરીને ક્યુબ પર ક્યુબના ઓર્ડરો નોંધાવતો રહેશે.

‘સની, શું કામ સમય બગાડે છે આ બધામાં ? એક વખત કહ્યું કે ક્યુબ મૂકી દે તો સમજ નથી પડતી. ક્યુબ..નેટ..સાઈટ્સ…આમ સમય ના વેડફ આ બધામાં. લેપટોપ બંધ કર. મોઢું બોઢું ધોઇને ફ્રેશ થા અને કપડાં બદલ.’

‘મમ્મી, કેમ આમ અકળાઈ ગયાં ? સોનેરીના કૂલ બોય સનીએ જવાબ વાળ્યો. હજુ એ લેપટોપમાં જ બીઝી હતો અને બહુ પ્રામાણિકતાથી પોતાના વ્યુઝ લખવાના કાર્યમાં વ્યસ્ત હતો.

‘સની, શું કામ સમય બગાડે છે આ નેટ -ફેટ અને આ એક્સપીરીઅન્સના ચકકરમાં. ચાલ ને દીકરા, એ બધું બાજુમાં મૂક ને. કોઇને કંઇ ફર્ક નથી પડવાનો તારી આ મહેનતથી. નકામી તારી શક્તિ અને સમય શું કામ વેડફે છે ?’

‘ના મમ્મી, સોરી પણ તમે આ બાબતમાં ખોટાં છો.’ સનીએ મક્ક્મતાથી જવાબ વાળ્યો.

‘એટલે…’

‘મમ્મી, તમને ખબર છે ને કે મેં પણ આમ જ સાઈટ્સ પર લોકોના રીવ્યૂ વાંચી વાંચીને જ મારો ક્યુબ ખરીદવાનો નિર્ણય લીધો હતો. એ બધાંની એ ફળની ચિંતા વગરના કરાયેલા કર્મથી મને મારો મનગમતો ક્યુબ બહુ જ સસ્તામાં અને સારામાં સારી ક્વોલીટીનો મળ્યો. હવે મારા જેવા કેટલાંય લોકો દુનિયામાં હશે કે જે આમ નેટ પર રીવ્યુસ વાંચીને પોતાની ખરીદી કરવાનો નિર્ણય લેતાં હશે. તો મમ્મી તમે જ કહો કે એમને મારા આ પ્રામાણિક કોમેન્ટથી ફાયદો નહીં થાય ? મને જે વગર કિંમતે મળ્યું એ બીજાને વગર કિંમતે આપવામાં પ્રોબ્લેમ શું હોઇ શકે ?’

અને સોનેરી પોતાના નાનકડાં દીકરાની મસમોટી સમજથી આભી  બનીને એને જોતી જ રહી ગઈ. હવે સનીને કયા મોઢે રોકવો અને રોકવો પણ શું કામ ? છેવટે પ્રેમથી સનીના લીસા વાળમાં હાથ ફેરવીને એના ગાલ પર મીઠી પપ્પી કરીને એનું મહાઅભિયાન  પતાવીને ફટાફટ તૈયાર થવાનું કહ્યું.

-sneha patel.

વાત કુમળા છોડની


fulchhab paper > Navrash ni pal column > 21-11-2013

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

આશા છે એકની અને આદત બીજાની છે,

હા હોય કે નકાર સમસ્યા કશી નથી.

-રઈશ મણીઆર.

 

ધરાની આંખો આંસુથી તગતગી ઉઠી.

ઓમ – એનો એકનો એક દસ વર્ષનો લાડકવાયો એના બંગલાની બહાર આવેલા, મધ્યમવર્ગીય ફ્લેટના છોકરાઓ સાથે ફટાકડા ફોડતો હતો. ઓમની પાસે લેટેસ્ટ સ્ટાઈલના દારુખાનાની રેન્જ હતી. એ જોઇને બીજા છોકરાંઓને એની ઇર્ષ્યા થતી હતી. માસૂમ ઓમ એના ફટાકડા પોતાના એ મિત્રોની સાથે ભેગો મળીને ફોડતો હતો, એ લોકોના દિલમાં ચાલતા તુમુલ યુધ્ધની એને કલ્પના સુધ્ધાં નહતી. કોઇ મિત્ર માંગે તો એ એમને પ્રેમથી પોતાના ફટાકડાં આપતો પણ હતો. બધી આંગળીઓ સરખી નથી હોતી એમ એ મિત્રવર્તુળમાં બે ત્રણ છોકરાંઓને ઓમની એ ફટાકડાંની ભીખથી સંતોષ નહતો થતો. એમને તો એ બધાં ફટાક્ડાં ઉપર પોતાનો અધિકાર સ્થાપવો હતો. ઓમ અને બાકીના બધા છોકરાંઓનું ધ્યાન ફટાકડાં ફોડવામાં હતું ત્યારે એ છોકરાંઓ ઓમની દારુખાનાની થેલી હળ્વેથી સેરવી લઈને ત્યાંથી છુ..ઉ…ઉ થઈ ગયાં. ઓમને આ વાતનો ખ્યાલ આવતાં જ એનું દિલ તૂટી ગયું અને રડી પડ્યો.

પાણી માંગતા આઇસ્ક્રીમના સ્કુપ ખવડાવીને મોટા કરેલ પોતાના લાડકવાયાને આમ દુઃખી જોઇને સંવેદનશીલ માતા – ધરા પણ રડી પડી. બે પળ એને ઓમની માસૂમિયત પર ગુસ્સો પણ આવ્યો પણ પછી થયું કે એ જે છે એ જ બરાબર છે, દુનિયા ભૂંડી હોય તો આપણે પણ એમની સાથે ભૂંડા બનવું જરુરી નથી. છેવટે એણે મનોમન એક નિર્ણય લઈ લીધો અને ઓમને બંગલાની બહાર એના મિત્રો સાથે રમવા જવાની મનાઈ ફરમાવી દીધી. બે ત્રણ દિવસ તો ઓમે કહ્યાગરા પુત્રની જેમ એની વાત માની પણ પછી એ સોરાવા માંડ્યો. પીંજરે પૂરાયેલા પંખીની જેમ એકલો એકલો અકળાવા લાગ્યો. ધરા એની સાથે થોડો વધુ સમય પસાર કરવા લાગી પણ એનાથી એને ફર્ક નહતો પડ્તો. ઘરની બહાર એના મિત્રોને ક્રિકેટ, સંતાકૂકડી, બેડમિંગ્ટન જેવી રમતો રમતાં જોઇને ઓમની એકલતા વધુ ઘેરી બની જતી.

શિવાંગ-ધરાનો પતિ અને ઓમનો ડેડી ચૂપચાપ અઠવાડિયાથી આ ઘટનાઓને નિહાળતો હતો. એકાએક એના મનમાં શું આવ્યું તો એણે બંગલાના ગાર્ડનમાંથી ગુલાબ, તુલસી, બધા સારા સારા પ્લાન્ટસ સાચવીને મૂળ સમેત કુંડામાંથી કાઢવા માંડ્યાં. શિવાંગનું આવું વર્તન જોઇને ધરા અવા્ચક થઈ ગઈ. એણે ખૂબ જતનથી આ બધા પ્લાન્ટ્સ ઉછેરેલા હતા અને શિવાંગ એની આવી અવદશા કરતો હતો એ એનાથી સહન ના થયું. એકદમ અકળાઈ જઈને એણે શિવાંગનો હાથ પકડી લીધો.

‘શિવાંગ, પાગલ થઈ ગયો છે કે શું ? અચાનક આ પ્લાન્ટ્સ તોડી કાઢવાનું ભૂત કેમ ભરાયું તારા મગજમાં ?’

‘ધરુ, પ્લાન્ટ્સ તોડતો નથી. જો તો ખરી દરેક પ્લાન્ટ્શ કાળજીથી એના મૂળ સાથે કાઢું છું.’

‘અરે પણ કેમ…શું કામ ?’

‘ધરુ, વાત એમ છે ને કે આજુ બાજુના લોકો કાયમ આપણા ગુલાબ, ચંપો, જાસ્મીન જેવા ફૂલો અને લીમડો તુલસી પણ તોડી જાય છે. આપણે આટલી કાળજી લઈને ઉછેરેલા છોડોની આવી અવદશા મારાથી સહન નથી થતી. આપણે છોડ પરથી ફૂલ તોડતાં બે વાર વિચારીએ છીએ ને બહારના લોકો સાવ બોડીબામણીના ખેતરની જેમ એને વાઢી જાય છે એ મારાથી સહન નથી થતું.. હું હવે આ બધા પ્લાન્ટ્સ આપણાં ડ્રોઈંગરુમની જમણી બાજુએ ક્યારો બનાવીને એમાં નાંખીશ અને ત્યાં જ ઉછેરીશ.’

‘આર યુ ક્રેઝી શિવાંગ ! આ શું ધડ માથા વિનાની વાત કરે છે તું ? દરેક છોડને યોગ્ય સનલાઈટ, પાણી,ખાતર, કાળ્જી જોઇએ.એ બધું ઘરના ડ્રોઈંગરુમમાં કયાં શક્ય છે? એના માટે તો બંગલાનો બગીચો જ યોગ્ય છે. લોકો તોડી જાય એ એમની મેન્ટાલીટી, એમાં આપણે કશું ના કરી શકીએ. પણ આપણો છોડ એવા એકાદ બે ફૂલ તૂટી જવાથી મરી થોડો જવાનો? એના ઉપર બીજા ફૂલો આવશે અને એ કાયમ મઘમઘતો જ રહેશે. લોકોની બીકથી આપણાં છોડને વગર વાંકે ઘરમાં પૂરીને મારી તો ના જ કઢાય ને?’

‘ એ જ તો સમજાવું છું ધરા તને..’

અને ધરાને આખીય વાતનો સંદર્ભ સેકન્ડ્માં સમજાઈ ગયો. શિવાંગના બાહુમાં સમાઈ જઈને એના કાનમાં હળ્વેથી ‘સોરી’ કહીને માફી માંગી લીધી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એનું વચન આપ્યું.

અનબીટેબલ : દુનિયાને  બદલી નથી શકાતી  પણ તમારું વર્તન તો તમારી માનસિકતાને આધીન રહી જ શકે છે.

-સ્નેહા પટેલ

સુપર પરવરીશ.


foolchhab paper > navrash ni pal column > 06-03-2012

મૈં કિતના હી તાલાબમેં ક્યોં ન ખડા રહું,

પર યે કૈસે ભૂલ જાઉં મૈં મૈં હું-કંવલ નહી !

– રમેશ પારેખ.

પ્રાર્થના એક આધુનિક માતા. એમાં પણ અભિદ્યુ એનો એકનો એક દીકરો એટલે એ આખો દિવસ એની પાછળ પાછળ જ લાગેલી રહેતી. એની જીંદગીમાં જેટલું પણ જ્ઞાન મેળવેલું, જેટલી સ્માર્ટનેસ હતી એ બધું રેડીને એ પોતાના ચાઈલ્ડને ‘સુપરચાઈલ્ડ’ બનાવવાનો પ્રયત્ન કરતી.એના પ્રયાસો બધે જ પ્રશંસનીય બની રહેતા.

ધીરે ધીરે અભિદ્યુ મોટો થતો ચાલ્યો. મા નો લાડલો ટીનેજરી થઈ ગયો. મૂછનો ઝીણો ઝીણો દોરો ફૂટવા લાગ્યો. એ સાથે એના અંતઃમનમાં બીજું બધું પણ બહુ ફૂટતું જતું હતું. પ્રાર્થના હજુ પણ પોતાની સ્માર્ટનેસને અપડેટ કરી કરીને પોતાના લાડલાની શારિરીક, માનસિક બધી જરુરિયાતો પૂરી કરવાના પ્રયત્નોમાં વ્યસ્ત હતી. આજકાલની પેઢી બહુ જ સમજદાર છે. આજના ઘોર હરિફાઈના જમાનામાં એ પોતાની ક્ષમતા અને પોતાની ખામીઓથી સારી રીતે વાકેફ થતો જતા હોય છે એમાં અધકચરું જ્ઞાન પણ આવી જાય. માહિતીના વિસ્ફોટના જમાનામાં, ટીવી -મોબાઈલ -નેટ જેવી ટેકનોલોજી હાથવગી – આંગળીઓના ટેરવાવગી હોય છે.

અભિદ્યુ પણ આ બધાને કારણે અનેકો વિકલ્પોમાં ઘેરાયેલો રહેતો પણ પોતાનો એક ગોલ નક્કી નહતો કરી શકતો. એને ખબર હતી કે એને આગળ જતા આ દુનિયાને કઈક અલગ જ કરી બતાવવું પડશે તો જ એના જીવનનો કોઇ મતલબ સરશે. સતત દુનિયા સાથેની દોડમાં એ ક્યાંક પાછળ ના પડી જાય એ પ્રયત્નોમાં એનામાં એક જાતનું ડીપ્રેશન ઘર કરતું ચાલેલું.એ સાથે એની ટીનેજરી અવસ્થામાં એને વિજાતીય પાત્રોનું આકર્ષણ પણ સતત રહેતું. એની ઉંમરના મિત્રો પણ આખો દિવસ એવી બધી જ વાતોમાં વ્યસ્ત રહેતા. અભિદ્યુ પોતાની જાતને બહુ મહેનત કરી કરીને એ બધામાંથી પાછો ખેંચી લાવતો પણ એમાં એ આખે આખો નીચોવાઈ જતો..ખેંચાઈ જતો. પરિણામે ધીમે ધીમે એ ડલ થતો ચાલ્યો.

પ્રાર્થના પોતાના લાડલાની માનસિક સ્થિતીથી સાવ જ અનભિજ્ઞ હતી. એ તો પોતાની રીતે પોતાના દીકરાને સારામાં સારો ખોરાક, હેલ્થી કૌટુંબિક વાતાવરણ, પ્રેમ અને ઉંચામાં ઉંચી કક્ષાનું શિક્ષણ આપતી હતી અને એના સોનેરી ભવિષ્યના સપના જોતી હતી. પણ જ્યારે અભિદ્યુની માર્કશીટ ઉત્તરોઉત્તર બગડતી ચાલી ત્યારે એ ચિંતાથી ઘેરાઈ ગઈ.

આટલા વર્ષોમાં બધી એક્ટીવીટી સાથે ભણવામાં પણ નંબર વન રહેતો એનો દીકરો સાવ જ આમ છેલ્લી કક્ષાનું પરિણામ લાવે એ કેમનું ચાલે? રાતે એણે પોતાના પતિ પરમ સાથે આ વાત છેડી. પરમને પ્રાર્થના પર પૂરો વિશ્વાસ હતો એટલે એ અભિદ્યુની બાબતમાં બહુ મગજમારી ના કરતો. પણ દરેક વ્યક્તિના જીવનમાં એક સ્ટેજ તો એવું આવે જ છે કે એ વખતે એ પોતાના સ્વજનો કરતાં પોતાના મિત્રવર્તુળ પર વધુ વિશ્વાસ મૂકે, મા બાપને બધું ના કહી શકે પણ એની ઉંમરના મિત્રો જોડે ચર્ચા કરીને પોતાના રસ્તા શોધવાના પ્રયત્નો કરે. ટીનેજરી અભિદ્યુ એ તબક્કામાંથી પસાર થઈ રહેલો એ વાત એના ધ્યાનમાં તરત આવી ગઈ. એણે પ્રાર્થનાને કહ્યું,

‘પ્રાર્થુ, આપણે અભિદ્યુની સ્કુલમાં જઈને એના ટીચર્સને મળીએ, એમના કાઉન્સેલરોને મળીએ તો કદાચ આપણને કોઇ રસ્તો સૂઝે પણ ખરો..’

અને પ્રાર્થના વિફરી,

‘અરે, મારો દિકરો એકદમ હેલ્ધી છે એને વળી કાઉન્સેલિંગની શુ જરુર પડવાની ? મેં એને પાળીપોસીને મોટો કર્યો છે. મને મારા ઉછેર પર પૂરતો વિશ્વાસ છે, એવા કાઉન્સેલર – ફાઉન્સેલરો વળી એક દીકરાને એની મા થી વધુ થોડા જાણી શકવાના.. તમે સાંભળ્યું નથી કે ‘એક મા સો શિક્ષકોની ગરજ સારે’ એને અપડેટ કરો તો ‘એક મા આવા હજારો કાઉન્સેલરીયાઓની ગરજ સારે’ એમ હોય છે. આ તો બધા એમના પૈસા કમાવાના ત્રાગા છે. તમે વળી ક્યાંથી આવા ચક્કરોમાં પડવા લાગ્યા ?’

‘પ્રાર્થુ, આજના ઈ-યુગમાં કાઉન્સેલરોનો રોલ બહુ જ મહત્વનો છે. થોડું મોટું મન રાખી એની અગત્યતા સ્વીકાર. કોઇ પણ મા – બાપને પોતાના દીકરાની ખામી ના દેખાય. અભિદ્યુ જે વાતો આપણી સાથે શૅર ના કરી શકતો હોય એ વાતો એ કાઉન્સેલરો બહુ જ હળ્વેકથી અને પ્રેમપૂર્વક કઢાવી શકે છે, એની ઇચ્છાઓ સારી રીતે જાણી શકે છે એની ક્ષમતા મુજબ માર્ગદર્શન આપી શકે છે..એક પ્રયત્ન કરવામાં તને શું વાંધો છે.’

થોડું વિચાર્યા પછી પ્રાર્થના એ વાત માટે તૈયાર થઈ અને સ્કુલ કાઉન્સેલરનો સંપર્ક કર્યો. સાઇકોલોજીમાં માસ્ટર ડીગ્રી ધરાવનાર કાઉન્સેલરે બહુ જ સાવચેતીથી અભિદ્યુની તકલીફોને સમજી અને ધીમે ધીમે એના એક પછી એક માનસિક પ્રશ્નોનું નિરાકરણ લાવી આપ્યું. પરિણામે અભિદ્યુ એક સ્વસ્થ અને તેજસ્વી વિદ્યાર્થી બની ગયો.

અને પ્રાર્થના વિચારતી હતી કે પોતાના જેવી કેટલી મા હશે આ દુનિયામાં જે પોતાને સુપરમોમ અને કાઉન્સેલિંગને એક નક્કામી પ્રક્રિયા ગણીને,  માનસિક રોગ ગણીને નાછૂટકે જ લેવી પડતી મદદ સમજીને, પોતાની ‘સુપરપરવરીશ’ના ઘમંડમાં  પોતાના  તેજસ્વી સંતાનોનું ભાવિ જોખમમાં મૂકતી હશે..?

 

અનબીટેબલ ઃ દરેક સમયની એક અલગ માંગ હોય છે. જમાના સાથે કદમ મિલાવવા એનો સ્વીકાર કરવો જ પડે છે.