નાનકો


Phoolchhab newspaper > navrash ni pal column > 17-07-2014

કર્યાં કોણે આવાં મુજ અખિલનાં બે અડધિયાં ?

અને એ બે વચ્ચે કુણ થઈ વળી આડશ ઝૂકે ?

– કવિ ઉશનસ્

 

સૌમ્યએ દસમાની પરીક્ષા આપી દીધી હતી અને હવે વેકેશનની મજા માણી રહયો હતો. ગોળ મટોળ માસૂમ ચહેરો અને પ્રમાણમાં થોડા મોટા દાંતવાળી પણ આકર્ષક સ્મિત ધરાવનાર સૌમ્યના વાળ લીસા લીસા, મુલાયમ અને ભૂખરા રંગના હતાં જેને ગમે તે રીતે ઓળો પણ કાયમ કપાળ પર આવી જ જતાં વળી એના ગાલમાં એક, બે, ત્રણ નહીં પણ પૂરા પાંચ જગ્યાએ ખાડાં પડતાં હતાં. કપાળ પર ઝૂલતાં વાળ અને ચિત્તાકર્ષક સ્મિતવાળો સૌમ્ય ઘરમાં સૌથી નાનો હતો અને બધાંયનો બહુ જ લાડકો હતો. એની મોટીબેન સુલક્ષણાએ હમણાં જ એની માસ્ટર ડીગ્રી મેળવીને એક સારી કંપનીમાં નોકરીએ લાગી ગઈ હતી. રાહુલ-દીશા-સુલક્ષણા અને સૌમ્ય. ચાર જણનું હસતું રમતું કુટુંબ હતું.

વેકેશનનો સમય એટલે આખો દિવસ દીશાના ઘરમાં સૌમ્યના મિત્રોની ધમાચકડી મચી રહેતી. રોજ સવારથી આખીય ટોળકી એમના ઘરે આવી પહોંચે. પી.એસ.ટુ પર ફીફા જેવી મેચો રમવાનું ચાલુ થાય. જે મિત્રોનો નંબર ના આવ્યો હોય એ બાજુમાં કેરમ કે પત્તા કે બીજી કોઇ બોર્ડગેમ્સ રમે. એક બાજુના ખૂણામાં મ્યુઝિક સિસ્ટમ પરથી અંગ્રેજી ગીતોના બૂમબરાડા રેલાતા હોય ને વચ્ચે વચ્ચે સૌમ્યના ઓર્ડરો ચાલુ થઈ જાય.

‘મમ્મા, પાણીની બોટલ આપને…ચોકલેટનો આઈસક્રીમ ખાવો છે…મેંગોશેક બનાવી દ્યો…પોપકોર્ન ફોડી દો…’ દીશા એના ઓર્ડરોથી કંટાળી જતી.

‘સૌમ્ય, બાર વાગ્યા ચાલ હવે નાહવા જા અને આ બધું આચર કૂચર ખાવાનું છોડ હમણાં જમવાનો સમય થઈ જશે.’

ત્યાં તો સુલક્ષણાને એના નાનાભાઈ પર વ્હાલ ઉભરાઈ જાય અને એ ગેમ્સ રમતાં સૌમ્યના લીસા ઝુલ્ફામાં આંગળા પૂરોવીને એના ગાલ વ્હાલથી ચૂમી ભરીને બોલી ઉઠે,

‘છોડને મમ્મા, તું પણ શું આની પર ચિડાય છે ? હજુ નાનો છે. એને એનું બાળપણ પૂરેપૂરું માણવા દે ને. વેકેશન જ છે ને શું ખાટું મોળું થઈ જશે થોડું મોડા નહાવા જશે તો ? ચાલ બાય મીઠ્ઠું…ઓફિસે જઉં છું.’

સૌમ્ય પણ એના ગળામાં હાથ પૂરોવીને લાડમાં બોલી ઉઠે,

‘દીદી, આવતી વખતે પેલા રામજીના દાળવડાં લેતી આવજે ને.’

‘ઓ.કે.’

કોઇ વખત રાહુલ અકળાય તો તરત જ સૌમ્ય દીશા પાસે જતો રહેતો અને એને વળગીને વ્હાલમાં કહેતો,

‘મમ્મી, પપ્પાને સમજાવને..હું તો નાનો છું ને…આમ ગુસ્સે કેમ થાય છે મારી પર.’ ને દીશા એનું ઉપરાણું લેતી.

આમ ને આમ નાના સૌમ્યનો પક્ષ લેનારું કોઇ ને કોઈ નીકળી જ આવે ને સૌમ્ય ઘરમાં સૌથી નાના સદસ્ય હોવાની ભરપૂર મજા ઉઠાવતો રહેતો. નાના હોવાના ફાયદા ઉઠાવવામાં જ મસ્ત રહેતો સૌમ્ય પોતાની જવાબદારીઓથી ભાગતો રહેતો અને કોઇ પણ કામમાં ડીસીઝન લેવાનો વારો આવે તો એના ઘરનાની બુધ્ધિ પર ભરોસો મૂકીને જીવતો. એના ભાગે બહુ સમજવા -વિચારવાનો વારો જ ના આવતો.

સમયને વીતતા વાર નથી લાગતી. પાંખો લગાવીને એ ઉડી જાય છે. એમાં ય મસ્તી – બેજવાબદરીભર્યો સમય તો વધુ ઝડપી પસાર થઈ જાય અને આવે છે જવાબદારીઓ નિભાવવાનો સમય.

સુલક્ષણા પરણીને સાસરે ગઈ, સૌમ્ય પણ કોલેજ પૂરી કરીને જોબ શોધીને પરણી ગયો અને એની જિંદગીએ જાણે પડખું ફેરવી ગઈ. અત્યાર સુધી નાનો નાનો રહેલો સૌમ્ય એકદમ જ મોટો થઈ ગયો. જીવનમાં જવાબદારી શબ્દનું મહત્વ સમજતો થઈ ગયો, જવાબદારીઓ નિભાવતો થઈ ગયો. જે પરિસ્થિતી પર કદી વિચારેલું પણ નહતું એ હકીકત બનીને સામે આવતી થઈ. સૌમ્યને એના જીવનના વીતાવાયેલા પૂરા અટ્ઠાવીસ વર્ષો જાણે વેડફી કાઢ્યાં હોય એવું અનુભવાવા લાગ્યું. ખરી જિંદગી તો હવે શરુ થતી હતી. આટલા વર્ષે જીવનની બારાખડી શીખવાનું આવતાં સૌમ્ય ઘણી વાર અકળાઈ જતો. હજુ તો માંડ માંડ પોતાને અને પત્ની ધારાને સંભાળતા શીખ્યો હતો ત્યાં તો એમના ઘરમાં પારણું બંધાઈ ગયું અને એ પપ્પા બની ગયો !

અ..હા..હા…જીવન ખુશીઓના રંગે રંગાઈ ગયું, પપ્પા નામની જવાબદારી એને વ્હાલી લાગવા લાગી. એનો રોલ બદલાતો જતો હતો સાળો- મામા -કાકા – અને સાથે સાથે એની સમજણનો આંક પણ. સૌમ્ય ધીમે ધીમે બદલાતી જિંદગીમાં સેટ થતો જતો હતો. બે વર્ષ પછી એના ઘરમાં એક પરીએ જન્મ લીધો અને વળી જવાબદારી વધી. સૌમ્ય દિલ દિમાગથી મેચ્યોર થતો ચાલ્યો આમ ને આમ સૌમ્ય પચાસીએ પહોંચ્યો. જીવન સુખરુપ પસાર થતું હતું.

ત્યાં તો એમના ઘર પર જાણે કે વીજળી ત્રાટકી અને સુલક્ષણાના પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. વીસ વર્ષના દીકરા સાથે જીવતી સુલક્ષણાના માથે આભ ત્રાટક્યું અને એ એના પીયર જઈને રહેવા લાગી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ આ વ્યવસ્થા વ્યવહારુ તો નહતી જ. એક દિવસ પત્નીના અતિ આગ્રહને વશ થઈને સૌમ્યએ સુલક્ષણાને કહ્યું,

‘દીદી, હજુ તો તમારી ઉંમર બહુ જ નાની છે. તમારે બીજા લગ્ન કરી લેવા જોઇએ.’

‘ના સૌમ્ય, તું મારા ભવિષ્યની ચિંતા કરે છે પણ મને મારા લાડકાના ભવિષ્ય સિવાય કશું જ નથી દેખાતું. આવી વાત કહીને મને દુઃખી ના કર.’

‘દીદી, થોડાં પ્રેકટીકલ થાઓ. કાલે ઉઠીને તમારો લાડલો બહારગામ ભણવા ઉપડી જશે કે લગ્ન કરીને આવનારી સાથે જુદો રહેવા જતો રહેશે ત્યારે તમે એકલા એકલા કેમના જીવશો એ વિચાર આવે છે કદી? અત્યારે લાગણીમાં ખેંચાઓ છો પણ જ્યારે શરીર સાથ નહીં આપે ત્યારે તમારો હાથ પકડનારું કોણ હશે ?’

‘સૌમ્ય, પ્લીઝ. હું પૂરતી સમજુ છું. વળી મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે. નાનપણથી જવાબદારીઓ વચ્ચે જ ઉછરી છું. બધી તકલીફોમાંથી રસ્તા કાઢવાની કોઠાસૂઝ છે મારામાં !’

‘પણ દીદી..’

‘બસ નાનકા’ સુલક્ષણાએ એની વાત વચ્ચેથી જ કાપી કાઢી.

‘તને મારું આ ઘરમાં રહેવાનું ભારે પડતું હોય તો ચોખ્ખે ચોખ્ખું કહી દે. બાકી બહુ બોલ મા. તું નાનો છે.’

અને સૌમ્ય વળ ખાઈ ગયો. નાનપણથી ‘નાના’ રહેવાની એની આદતે એને પચાસ વર્ષે પણ મોટો થવા નહતો દીધો. નાના રહેવાની મસ્તી માણવામાં, લોકોના લાડપાડમાં ઉછરવામાં અને એના લાભ લેવામાં જ એ વ્યસ્ત રહયો હતો, કોઇ પણ પરિસ્થિતીમાં પોતાનો કોઇ મત દર્શાવવાનો કોઇ ચાન્સ જ નહતો લીધો અને આજે જ્યારે એ પરિસ્થિતીને સમજીને પોતાનો મત આપતો હતો તો કોઇ એન ગણકારવા જ તૈયાર નહતું. એ લોકો આજે પણ એને ‘નાનકો’ જ સમજતા હતાં. એની સમજદારીના પ્રકાશ આડે ‘નાનકા’ નામના વિશેષણનું કવચ આવી ગયેલું હતું અને આ માનસિકતાનો કોઇ ઉપાય નહતો એટલે જે દશામાં જાત આવીને ઉભી હતી એના દરેક રંગોનો સ્વીકાર કરીને , મન મારીને ચૂપ રહેવામાં જ ભલાઈ હતી.

અનબીટેબલ : સમય મહાન રંગારો !