આજથી લગભગ બે મહિના પહેલાં સવારના દસ વાગ્યામાં ઘરનો ડોરબેલ રણક્યો ને ખભે બેગ ભરાવીને ફરતો એક જુવાનિયો બારણે આવીને ઉભો રહયો. એના સેલ્સમેન જેવા દેખાવ પરથી જ મેં અંદાજ બાંધીને એને કહી દીધું કે ભાઈ મને કોઇ વસ્તુ લેવાનો રસ નથી. ત્યાં તો એણે એની બેગમાંથી એક નાનકડી લંબચોરસ પાતળી બુક બહાર કાઢી જેના પર મેં એક પ્રતિષ્ઠિત પેપરનું નામ વાંચીને રસ જાગ્યો ને પૂછ્તા જાણ થઈ કે આ પેપર હવે એનું નવું ઇંગ્લિશ પેપર કાઢી રહયું છે. નવા પેપરના આઈડીઆસ સાંભળીને ખુશી થઈ. એ પછી એ ભાઈએ મને ફકત ૨૭ રુપિયા પર મહિના આ પેપર પડશે અને પેપરવાળા પોતાના સ્ટાફનો માણસ આ ન્યુઝ્પેપર આપના ઘરે પહોંચાડશે એ વાત કહી. આટલા સસ્તા દરે પેપર પડતું હોવાથી થોડી લલચાઈ ગઈ અને ૨૦૦રુપિયા ચૂકવીને એ બુક લીધી. આવતા મહિનાની બીજી તારીખે પેપર લોન્ચ થઈ જશે ને આપને મળી જશે મેડમ..ઓકે..આપણે રાહ જોવામાં પડ્યાં.
મહિનાની દસમી તારીખે ધીરજ વિદાય લેવા લાગી અને બુકની પાછળ આપેલ નંબર પર ફોન કર્યો તો એમણે હજુ થોડા દિવસ રાહ જોવા વિનંતી કરી..ઓકે..
મહિનો વીતવા આવ્યો ને વાત પણ ભૂલાઈ ગઈ ત્યાં ઘરના આંગણે એ જ પેપરના સ્ટાફનો માણસ દેખાયો ને વાત તાજી થઈ ગઈ. એને આ વિશે પૂછતાં ખબર પડી કે આ પેપર મેળવવા મારે મારી પાસેની બુક મારા પેપરવેન્ડરને આપવી પડશે અને છાપું ચાલુ થાય પછી દર મહિને એને પચાસ રુપિયા બીજા પૂરા રોકડાં ચૂકવવા પડશે ! એ સેલ્સમેને એનું ટાર્ગેટ પૂરું કરવા આવી રીતે બધા કસ્ટમરને ઉલ્લુ બનાવેલા . આવી કમ્પલેઈન મળતા જ હું જાતે પેપરના સ્ટાફનો માણસ કસ્ટમર કેર માટે આવ્યો છું. વાત સાંભળીને બે મિનીટ તો આઘાત લાગ્યો. આટલા પ્રતિષ્ઠિત પેપરની આવી હાલત…!
‘મારે આ પેપર જોઇતું જ નથી મને મારા ૨૦૦ રુપિયા પાછા આપો’
‘ મેડમ પ્લીઝ…થોડી રાહ જુઓ..અમારા પેપર પર વિશ્વાસ રાખો. આ મારો ફોનનંબર આપું છું કોઇ પણ પ્રોબ્લેમ થાય તો મને કહેજો..પ્લીઝ..’
‘ઓકે..’
એ પછી બીજો મહિનો વીત્યો. મેં સ્ટાફના માણસને ફોન કર્યો ને લગભગ અડધો કલાક પછી થાકીને મેં મારા પૈસા પાછા માંગ્યા જેનો જવાબ આવ્યો કેઃ’ આમાં હું કંઇ ના કરી શકું, તમે સેલ્સમેનને જ ફોન કરીને પૈસા પાછા માંગો.’
આ પછી ફોનના ચક્કર ચાલ્યા ને મગજ ગરમ થઈ જતાં પોલીસની ધમકીઓ પણ આપી…પણ નો રીઝલ્ટ ! હજુ તો પેપર ચાલુ થયુ નથી ને ક્યારે થશે એની કોઇ જ ગેરંટી (આમે શું ગેરંટી આપવાના હવે આ લોકો !) પણ નથી. ૨૦૦ રુપિયા માટે ૫૦ રુપિયાના તો ફોન થઈ ગયા.
સવાલ પૈસાનો નથી પણ આવી દાદાગીરીનો, માનસિક ત્રાસ, બનાવટ્નો છે. ક્યાંક તમે તો આવી દાદાગીરીનો ભોગ નથી બન્યાં ને ?
જાણીતા અખબારના નામ પર ભરોસો મૂકીને આપણે એના અંગ્રેજી પેપરનું સબસ્ક્રીપ્શન ભર્યુ હોય અને એ જ પેપરના સેલ્સમેનો અને સ્ટાફમેમ્બર એના વેચાણમાં આવી છેતરપીંડી કરે તો શું કરવાનું? હમણાં બીજા પેપરની આવી કોઇ મેટર હોય તો એ પેપરે બૂમાબૂમ કરી મૂકી હોય તો હવે પોતાના જ માણસો સામે આ પેપર શું પગલાં લેશે ?

પહેલા બે નંબર સેલ્સમેનના છે અને ત્રીજો નંબર પેપરના સ્ટાફના માણસનો.

-સ્નેહા પટેલ