નજરઃ
अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો.
-રૂમી
આરુષિના ઘરે આજે એનું મિત્ર વર્તુળ ભેગું થયેલું. દરેક જણ પોત પોતાના ફેમિલી સાથે ત્યાં હાજર હતાં અને પાર્ટીની મજા માણી રહ્યાં હતાં. આરુષિ પાર્ટીલવર હતી. એને પાર્ટી આપવાનો અનોખો શોખ હતો. એની આગતા સ્વાગતા એના સર્કલમાં બહુ જ વખણાતી હતી. એના ઘરની બહાર એના મોટા ગાર્ડનમાં લગભગ વીસ બાવીસ જણ હાજર હતાં. ચોમેર ચહલપહલ મચી રહી હતી. એમાં લગભગ સાત આઠ બાળકો પણ હતાં. આરુષિની સખી અરુંધતીનો દસ વર્ષનો દીકરો અદ્વૈત આ બધા ટોળામાં જરા અલગ પડતો હતો. એના હાથમાં ક્યાંકથી થોડી બોલપેન આવી ગઈ હતી – કાં તો એ ઘરેથી એની સાથે જ લઈને આવેલો. અત્યારે બધા છોકરાંઓ ગાર્ડનમાં દોડાદોડ કરી રહ્યાંં હતા, ધમાચકડી ! પણ અદ્વૈત એની બોલપેનની દુનિયામાં મગ્ન હતો. કોઇ એક બોલપેનની રીફિલને આગળથી ખોલી કાઢેલી અને એની ભૂંગળીમાં બીજી બાજુથી ફૂંક મારી મારીને એમાં રહેલી શ્યાહીને એ આગળ ધકેલી રહ્યો હતો.બોલપેન બહુ વખતથી બંધ હશે કદાચ, શ્યાહી જલ્દી આગળ વધતી નહતી. અદ્વૈત એના નાજુક ગાલ ફુલાવી ફુલાવીને એને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યો હતો. એ શ્યાહી ભૂંગળીના છેક છેડાં સુધી આવી એટલે એણે બીજી અડધી ભરેલી બોલપેનની રીફિલ એની આગળ ધરી દીધી અને એક રીફિલની શ્યાહી બીજી રીફિલમાં ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ કડાકૂટમાં રીફિલની થોડી શ્યાહી એના કપડાં પર પડી અને પતી ગયું. અરુંધતીનું ધ્યાન જતાં જ બધાંની વચ્ચે એણે દીકરાને એક ઝીંકી દીધી. આખું ય ખુશનુમા વાતાવરણ બે ઘડી સ્તબધ થઈ ગયું. આરુષિએ ધીમેથી અરુંધતિના ખભા પર હાથ મૂક્યો અને બોલી,
‘જસ્ટ રીલેક્સ, તારો દીકરો તો બહુ જ ક્રીએટીવ – સ્માર્ટ છે.’
‘શું ધૂળ ને ઢેફાં સ્માર્ટ ? એનું રીપોર્ટ કાર્ડ જોજે . મેથ્સમાં ૩૦, સાયન્સમાં ૪૨, અંગ્રેજીમાં તો માંડ ૨૫. આખો દિવસ આવું આડું અવળું કામ જ કર્યા કરશે. ભણવામાં તો એનું ચિત્ત જ નથી ચોંટતું. સાવ ડબ્બો છે. શું કરું ?’
‘અરે તારો દીકરો જે કરતો હતો એ વિશે વિચાર. એની નજર સાવ અલગ છે. એ એની રીતે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાની મહેનત કરે છે. ચોપડીમાં લખ્યું હોય એ પ્રમાણે એને નથી ફાવતું. વળી ચોપડીઓ તો કેટલાં વર્ષો પહેલાં છપાઈ હોય, એમાંથી અમુક અમુક વસ્તુઓ તો સમય સાથે બદલાઈ પણ જાય છે. એટ્લે પુસ્તકીયું જ્ઞાન એ જ બુધ્ધિ કે હોંશિયારી માપવાનું સાધન નથી. સવાલ નજરનો છે. આ જો સામે ડોઇંગરુમના ખૂણામાં વ્હીલવાળી બેગ દેખાય છે ને ? હું ખોટી ના હોઉં તો આપણે બધાંએ પહેલાં ખભે , પીઠ પર થેલાં ઉંચકીને અને હાથમાં વિશાળ બેગો લઈ લઈને સવારી કરી જ હશે.કોઇના મગજમાં એ વજન વિશે કોઇ વિચાર જ નહીં આવ્યો હોય. બધા ગધેડાંની જેમ વજન ઉંચકી ઉંચકીને દોડાદોડ કરતાં હતાં – દુનિયા આમ જ ચાલે છે ને મારે પણ એમ જ ચાલવાનું છે, કોઇ ઓપ્શન જ ક્યાં છે ? એ પછી કોઇ આવા જ ક્રીએટીવ મગજમાં વિચાર આવ્યો હશે કે આ વજન શું કામ ઉચકવાનું ? એનો કોઇક રસ્તો તો હોવો જ જોઇએ. રસ્તો ખબર તો નથી પણ શોધવાથી દરેક સમસ્યાનો ઉકેલ નીકળે જ એવી મક્ક્મ વિચારધારા વાળાએ એના વિશે વિચારવાનું શરુ કર્યું ને વિચારતાં વિચારતાં એ એના સોલ્યુશન સુધી ગયો અને આમ બેગની નીચે વ્હીલની શોધ કરી. અત્યારે આપણે બધાંને બહારગામ જવું હોય તો આ વ્હીલના લીધે કેટલી શાંતિ થઈ ગઈ છે એ વિચાર.’
અરુંધતિ બે ઘડી અસમંજસમાં પડી ગઈ.
‘તું કહેવા શું માંગે છે આરુ?’
‘એ જ કે માનવીના સકસેસ અને એણે ભણેલા ચોપડાંને કોઇ લેવા દેવા નથી હોતું. ખરો વિજય તો સમસ્યાઓના નિરાકરણ માટેના એટીટ્યુડમાં છે. સિક્યોરીટી – સેફ્ટીના ચોકઠામાં જો ગોઠવાઈ ગયાં તો ખલાસ, દુનિયા તમને એનો ઝાંસો આપીને તમારો પૂરતો ઉપયોગ કરી લેવા તૈયાર જ બેઠી છે. પણ જે માનવીમાં સિક્યોરીટીની બહાર જઈને વિચારવાની, વર્તવાની ક્ષમતા છે એ ખરો ક્રીએટીવ છે. કોલેજમાં પહેલો નંબર આવ્યો તો ય ઠીક, સારી જોબ મળશે તો ય ઠીક નહીં તો હું મારી કાબેલિયતના બળ પર મને ગમતું કંઇક ઢંગનુ તો કરી જ લઈશ. આ એટીટ્યુડ ખૂબ જરુરી છે.તારા દીકરાનો નજરિયો સાવ અલગ છે. એક પેનની સૂકાઈ ગયેલી શ્યાહી કાઢી નાંખીને બીજી રિફિલમાં એને પૂરીને એ એક આખી રીફિલ તૈયાર કરવાનો પ્ર્યત્ન કરે છે જે એક ચોકઠાંથી બહારનું થીન્કીંગ છે . એના આ થીંકીંગને તું પ્રોત્સાહન આપ. એકાદ કપડાંની પેર ખરાબ થાય તો થવા દે…તને ક્યાં કંઈ ફરક પડવાનો છે? દીકરાના રચનાત્મક કાર્ય આગળ એ કપડાંની કિંમત પણ શું ? એકચ્યુઅલી સૌપ્રથમ મા બાપને એમના સંતાનોની ખૂબી – કમીની ખબર પડવી જોઇએ. એ થઈ જાય તો સંતાનના ઉછેરમાં -વિકાસમાં એ બહુ જ મદદરુપ થઇ શકે છે. છોકરાંઓને આખો દિવસ ભણ, આ કર તે કર ના ચોકઠાંઓથી મુકત કરીને થોડાં દુનિયામાં એકલા પણ મૂકવા જોઇએ જ્યાં એ પોતાની મરજી, આવડત પ્રમાણે વર્તી શકે અને પછી એમાંથી જ એક દિવસ એ પોતે સૌથી સારું કામ કયું કરી શકે એ વિશે માહિતગાર પણ થઈ શકે. બાકી રોજ રોજની બદલાતી ટેકનોલોજીમાં આ પુસ્તકો તો દર છ મહિને બદલાઈ જાય છે. પુસ્તકના આધારે જ છોકરાંઓને ઉછેરવા એ તદ્દન ખોટો અભિગમ છે.’
અને આરુષિએ બોલવાનું બંધ કયું ત્યારે એની આજુબાજુ બધાં ટોળે વળીને ઉભા હતાં, દરેકના કપાળ પર એક વિચારની પતલી સી લાઈન સ્પષ્ટપણે દેખાતી હતી.
અનબીટેબલઃ જીવનના દરેક તબક્કે આપણે કંઈક ને કંઇક ચોકક્સપણે શીખતાં જ હોઇએ છીએ, શાંતિથી વિચારતાં શું શીખ્યા ? એનો ઉત્તર ચોકક્સપણે મળી આવે છે.
-સ્નેહા પટેલ.