લોકડાઉન, અમદાવાદ અને કોવિડ19નો સંક્રમણનો ભય – આ બધા વિશે પોલિટિકલ પાસાની ચર્ચાઓ, માણસોની માનસિકતા, લાચારી, પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની પ્રકૃતિ, રોગનું એનાલીસીસ કરીને સમજાવવુ..આ બધું જ અર્થહીન છે. આ સમજવા તમારે ચોક્કસપણે આ સ્થિતિમાં મૂકાવું જ પડે બાકી બધું વાંઝીયાપણું!
આજે લગભગ 2 મહિના પછી સવારે ચાલવા ગઈ હતી. ઠેરઠેર ચાલતી ચર્ચા, સલામતી-સાવચેતીની શિખામણો બધું ગાંઠે બાંધી માસ્ક પહેરીને ચાલવા નીકળી ત્યારે પગ જાણે ચાલવાનું ભૂલી જ ગયા હોય સાવ એવું જ લાગ્યું અને બે પળ તો આઘાત લાગ્યો. સાલું રોજ 40-50 મિનિટ ઘરમાં એક્સરસાઇઝ કર્યા પછી પણ શરીર સાવ આવું વર્તન કરશે એવી આશા તો સહેજ પણ નહોતી. મને એમ કે ઉલટાનું ખાઈ-પીને અને ઘરના કામ એકસરસાઈઝ બધાએ ભેગાં મળીને શરીરને વધુ તંદુરસ્ત બનાવ્યું હશે પણ આપણે તો પહેલે જ ડગલે ખોટા પડ્યાં.
નિયમિત શાક લેતી હતી એ દુકાનમાં તાજાં અને બહુ વખતથી દર્શન ના થયેલા શાકભાજી જોઈને લાલચ થઇ કે થોડું લઈ લઉં નહિતર પાછા વળતાં સુધીમાં તો બધું ખલાસ થઈ જશે. દુકાનમાં પ્રવેશવાનો સવાલ જ નહોતો..બહાર દોરેલા સફેદ કુંડાળા (કુંડાળાથી દૂર રહેવાની માનસિકતા પળભરમાં બદલાઈ ગઈ!) માં જઈને ઉભી રહી અને ત્યાંથી જ ઓર્ડર લખાવતી હતી. તાજા શાક જોઈને લેવાની મારી આદત શાકવાળો બરાબર જાણે એટલે દર બે સેકન્ડે એ શાકભાજી મારા હાથમાં પકડાવીને કહે, ‘જોઈ લો ને બેન.’ સુપરસ્પ્રેડરનો ડર અને ક્યાંય નહીં અડવાની સાવધાની રાખવું બહુ અઘરું લાગ્યું. ના પાડીએ તો એ ભોળા જીવને ખોટું લાગે.
આ બધી સલાહ -શિખામણ જેટલી સરળતાથી કહેવાય છે એટલી પાળવી સહેજ પણ સહેલી નથી જ – એની તીવ્ર લાગણી થઈ ગઈ.
શાકભાજી તોલાવી ત્યાં જ રખાવીને ચાલવા નીકળી તો જાણે વર્ષો પછી રસ્તાને મળતી હોઉં એવું લાગ્યું. રસ્તાની જમણી કિનારે ગરમાળો હતો. બે મહિનામાં તો એ મારી જાણ બહાર જ ફૂલોથી ભરાઈ ગયેલો અને લચી પડેલો હતો. હું એને મુગ્ધભાવે જોઈ રહી હતી તો કચરો વીણવાવાળા એક ભાઈ મને કહે, ‘બેન ઉભા રહો, હું તમને ફૂલ તોડી આપું.’ મેં બહુ ના પાડી પણ એ જીદે ચડ્યાં અને થોડી ડાળી તોડી જ દીધી. ‘ભગવાનને ચડાવવા ફૂલો લઈએ ને દઈએ એમાં કશું ના થાય, કોઈ ચિંતા વિના લઈ લો બેન.’
હવે ? આ ફૂલો કેવી રીતે લેવા? કેવી રીતે ના લેવા?😢
ચારે તરફ કોયલ, ખિસકોલી, કાગડો, ચકલીના અવાજોનું મધુર સંગીત ગૂંજી રહ્યું હતું એ બધું મેં કાનભરીને રુંવાડા ઉભા થઇ જાય એ હદ સુધી માણ્યું. વૃક્ષોમાંથી ચળાઈને આવતો કૂણો ચમકતો તડકો શરીર પર ભરપૂર ઝીલ્યો. ધ્યાન બહાર જ બધું મળે ત્યારે સ્ટોર કરી લેવાની આદત પડી ગઈ હોય એવું જ લાગ્યું.
કાયમ ટ્રાફિકથી છલોછલ રહેતાં રસ્તાઓને મળેલાં ઓચિંતા મળેલા એકલતાના શ્રાપ વિશે બરાબર જાણ્યું. માસ્ક પહેરીને પુન: દોડવા, રૂટિનમાં ગોઠવાવા મથતાં લોકોની વિહ્વળતા જોઈ.
ઘરે પાછા વળતાં સોસાયટીના ગેટ આગળ પાડોશી ભાઈ સ્કુટર લઈને મળ્યાં,’ભાભી, આ ફૂલ મારા ઘરે આપી દેજોને.’ ઘડીકમાં હું એમને અને ઘડીકમાં ફૂલોને જોઇ રહી. અને અંતે થેલી લઈને ઘર તરફ વળી.
ચારેબાજુ સ્નેહાળ જગત છે ને હું કોરોનાથી ડરેલી😓
ઘરે આવીને માસ્ક કાઢીને સેનેટાઈઝર ઘસતાં ઘસતાં એ જ વિચાર્યું કે, ‘ શું આ કોરોનાડર માણસની માણસ પરની લાગણી, સંવેદના, વિશ્વાસ બધાંનો છેદ ઉડાડીને જ જપશે કે?’
સફર લાંબી ને રસ્તો સાવ અજાણ્યો છે.-સ્નેહા પટેલ. 21 મે,2020.