આધુનિક વાલિયો


આધુનિક વાલિયો

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,

આ હવા પણ બહુ ભયાનક છે !

-લેખિકાના કાવ્ય સંગ્રહ ‘અક્ષિતારક’માંથી.

 

 

રાતના દોઢ વાગ્યો હતો. વોલ કલોકની ટકટક આખા રુમની નીરવ શાંતિનો ભંગ કરી રહી હતી. બે વર્ષ પહેલાં જ વિધુર થયેલો અને બે દીકરીનો પિતા એવા શિશિરે થોડો સમય એ ટકટક સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કર્યો પણ વિફળ રહ્યો. એકાગ્રતા ના સાધી શકાતા એનું બેચેન મન વધુ બેચેન બની ગયું. અડધા બેઠા થઈને બાજુમાં પડેલી પાણીની બોટલ ઉઠાવી અને બે ઘૂંટડાં પાણી પીધું. મનનું વંટોળિયું જપવા નહીં જ દે અને તરત ઉંઘ નહીં જ આવેની ખાતરી હતી એટલે લેપટોપ ઓન કરીને નેટ ખોલ્યું અને સર્ફીગ કરવા લાગ્યો. ફેસબુકમાં એની મનગમતી છોકરીઓ સાથેની ચેટીંગની રમત ચાલુ કરી. બીજા દેશમાં હજુ બપોર હતી એટલે એવી ત્રણ ચાર સ્ત્રીમિત્ર મળી પણ ગઈ વાતો કરવા. સુંદર સ્ત્રીઓ સાથે વાત કરવામાં શિશિરને એક અનોખો આનંદ મળતો. ત્યાં જ અચાનક એના જ શહેરની અને એક પ્રોગ્રામમાં એક વખત મળીને એની મિત્ર બની ગયેલી સાડત્રીસ વર્ષની નિશા નામની સ્ત્રી ઓનલાઈન આવી. ખબર નહીં કેમ પણ શિશિરને એક જ મુલાકાતમાં આ નિશા માટે અદમ્ય આકર્ષણ ઉભુ થઈ ગયેલું.

નાજુક પાતળો બાંધો, ગોરી ત્વચા, લાંબા કાળા લીસા વાળ અને કાળી મોટી મોટી પાણીદાર આંખો ..જ્યારે શિશિરે એ જાણ્યું કે નિશાના પતિનું પાંચ વર્ષ પહેલાં જ એક રોડઅકસ્માતમાં અવસાન થયું છે અને નિશા એના વીસ વર્ષના દીકરા સાથે એકલી રહે છે ત્યારે આ અદમ્ય આકર્ષણ તીવ્ર ખેંચાણમાં બદલાઈ ગયેલું પણ મનને સંયમમાં રાખેલું. સમાજમાં એની છાપ એક સમજુ, ઠરેલ અને સંયમશીલ વ્યક્તિની, જવાબદાર – લાગણીશીલ બાપની હતી એ છબી ખરડાય એ ના ચાલે. આખરે બે જુવાનજોધ દીકરીઓનો પિતા હતો એ !

પણ આજે અચાનક આમ રાતે નિશાને ઓનલાઈન જોઇને શિશિરનું મન મચલી ગયું અને એની સાથે વાત કરવા લાગ્યો. થોડી હાય હલો પછી નિશા પણ ખૂલી ગઈ અને ભરપૂર વાતો કરવા લાગી. એ પછી તો આ રોજનું થયું. વાતોનો સિલસિલો મુલાકાત સુધી પહોંચી ગયો. બે ય પક્ષે કોઇ બોલનારું – ટોકનારું નહતું. બે ય વ્યક્તિ ભરપૂર સમજુ હતી. એકલા મળવા માટેના બહાના શોધવાની ય જરુર નહતી. મુલાકાતો નિરંકુશ બનતી ગઈ અને નિશા શિશિરના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ . પ્રેમમાં ગળાડૂબ સ્ત્રી જે માંગણી કરે એવી જ માંગ એણે પણ કરી.

‘શિશિર, ચાલને હવે આપણે પરણી જઈએ. તારા ઘરના બધા મને ઓળખે જ છે ને અંદરખાને મેં ફીલ કર્યું છે કે એ મને અને મારા દીકરા અરમાનને પસંદ પણ કરે છે.’

‘નિશા,શું સાવ નાના છોકરાંઓ જેવી વાત કરે છે. મેં તને પરણવાનું વચન ક્યાં આપ્યું જ છે કદી? વળી મારે બે જુવાનજોધ દીકરીઓ છે. હું લગ્ન કરું તો એમને અરમાન માતા આવે અને એની સાથે કેવું વર્તન કરે એ મને શું ખબર ? ના…આ તો શક્ય જ નથી.’

‘તો..તો…આ બધી મુલાકાતો, શારિરીક મિલન …આ બધું શું ? શું માત્ર એક શરીરની જરુરિયાત પૂર્ણ કરવાના બહાના માત્ર કે ?’

‘ઓહ કમઓન નિશા, બી મેચ્યોર ડીઅર.’

‘શું મેચ્યોર….હું તારા બાળકની મા બનવાની છું ઇડીઅટ, હવે તો તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે અને એ પણ વહેલી તકે !’

‘શું…શું વાત કરે છે ? બાળક…ના ના…આ તો શક્ય જ નથી. તું આ બાળકને પડાવી કાઢ ને વળી આપણા લગ્ન તો શક્ય જ નથી.’

‘શિશિર શું સાવ આવી બાયલા જેવી વાતો કરે છે ? સાવ પાણીમાં બેસી જવાનું કે ?તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી લઈશ. હું તારા વગર નહીં જીવી શકું..પ્લીઝ મારી મજબૂરી સમજ..’

‘નો વૅ…આ કોઇ કાળે શક્ય જ નથી. તું હવે મને ક્યારેય ના મળીશ. તારા ને મારા રસ્તા હવે સાવ અલગ છે. બે પળ મન બહેલાવવાની વાતો હતી. તેં પણ મારી સાથે સાથે ઘણી મજા માણી જ છે ને ! ગુડબાય.’

ને નિશા પાછળ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી બેસી રહી ગઈ.

થોડા દિવસ રહીને શિશિરના કાને નિશાની આત્મહત્યાની ખબર પડી. બે પળનું મૌન પાળીને એ પોતાના કામે વળગી ગયો.

આખી ય ઘટનાને છ મહિના વીતી ગયા અને એક દિવસ એની મોટી દીકરી પ્રિયાના બેડરુમમાંથી કોઇક અવાજ આવતો હતો. શિશિરે કાન સરવા કર્યા તો એ અવાજ એની વ્હાલુડીના રુદનનો હતો. શિશિર સન્નાટામાં ઉભો રહી ગયો. એને પોતાની દિકરી માટે અનહદ વ્હાલ હતું. એ દુનિયાની કોઇ પણ તકલીફ સહન કરી શકે એમ હતો પણ એના સંતાનની વાત આવે એટલે એ સાવ ઢીલો ઢફ થઈજતો. હળ્વેથી એણે બેડરુમનો દરવાજો ખોલ્યો અને પ્રિયાની નજીક જઈને ઉભો રહ્યો. ધીમેથી એના વાળમાં હાથ ફેરવીને બોલ્યો,

‘શું વાત છે બેટા, આમ આટલું બધું રડવાનું કોઇ કારણ..?’

પહેલાં તો પ્રિયાએ ગલ્લાં તલ્લાં કર્યા પણ પછી જ્યારે પ્રિયાના રડવાનું સાચું કારણ એના ધ્યાનમાં આવ્યું ત્યારે એ હક્કો બક્કો રહી ગયો. આ એનું લોહી…ના..ના…એ આવું કરી જ કેમ શકે…જે પોતે હજુ બાળકી હતી એ આજે કોઇ છોકરાંના પ્રેમમાં પાગલ થઈને એના બાળકની ‘કુંવારી મા’ બનવાની હતી…આવું સાંભળતા પહેલાં એનો જીવ કેમ ના જતો રહ્યો ? થોડી પળ વીતી અને શિશિરે પોતાના મનને સ્થિર કર્યું.

‘પ્રિયા, કાલે એ છોકરાંને મળવા બોલાવી લે ઘરે.’ ને એ પોતાના બેડરુમમાં જતો રહ્યો.

બીજા દિવસના બપોરના બાર વાગ્યે જમી કરીને બેઠા જ હતાં ને શિશિરના દરવાજે એક હેન્ડસમ ફૂટડો જુવાનિયો આવીને ઉભો રહી ગયો.

‘હાય અંકલ. આઈ એમ અરમાન. પ્રિયાનો ફ્રેન્ડ ‘, સહેજ અટકીને એણે ઉમેર્યુ, ‘ ખાસ ફ્રેન્ડ’ ને હસ્યો.

ખબર નહીં કેમ પણ શિશિરને એના હાસ્યમાં થોડી ખંધાઈ લાગી પણ કદાચ…મનનો વહેમ હશે વિચારીને એણે અરમાનને પગથી માથા સુધી નિહાળ્યો. છોકરો બહુ જ સરસ હતો. ઉઠવા, બેસવા, બોલવા ચાલવા કપડામ પહેરવાની – વાળની સ્ટાઈલ…બધું ય આકર્ષક હતું. શિશિરને એક નજરે જ છોકરો ગમી ગયો. પૂછપરછ કરતાં છોકરો સારી કંપનીમાં છ આંકડાના પગારથી કામ કરતો હતો. પોતાનો બંગલો હતો અને મેઈન વાત કે આ દુનિયામાં એ સાવ એકલો જ હતો. મા બાપ બે ય ભગવાનને પ્યારા થઈ ગયેલા હતાં. શિશિરને તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું થયું. આધુનિક જમાનો છે…ભલે ને છોકરાં છોકરી જાતે એક બીજાને પસંદ કરી લે…પાત્ર સારું હોય પછી શું વાંધો હોય ? વિચારીને એણે ધીમે રહીને અરમાનને કહ્યું,

‘બેટા, અમે બધા ઇચ્છીએ છીએ કે તું અને પ્રિયા બને એટલી વહેલી તકે પરણી જાઓ. કારણની તો તને ખબર જ છે ને ?’

‘લગ્ન..શું અંકલ ..તમે પણ સારી મજાક કરો છો . મેં અને પ્રિયાએ તો ફકત મોજમજા માટે જ આવી દોસ્તી બાંધેલી છે બાકી પ્રિયાને મેં ક્યારેય કોઇ જ વચન નથી આપ્યું કે હું એની સાથે લગ્ન કરીશ…હું તો રહ્યો મુકતજીવ…લગ્નના બંધનમાં બંધાઈ જવાનું મને ના ફાવે…’ અને અચાનક જ એની આંખોમાં ખુન્ન્સ ઉતરી આવ્યું ને બોલ્યો,

‘જેમ તમને નહતું ફાવ્યું…મારી મા નિશા સાથે લગ્ન કરવાનું અને એના કારણે મેં મારી માતાથી હાથ ધોઈ કાઢવા પડ્યાં.’

‘શું……શું…’

‘હા મિ.શિશિર ઉપાધ્યાય. હું એ જ નિશાનો દીકરો છું જેને તમે પ્રેગનન્ટ કરીને તરછોડી દીધી ને એણે આત્મહત્યા કરી લીધી. મેં તમને એ પાછું વાળ્યું. પ્રિયાને કહેજો હવે પછી મને મળે નહીં હું કંઈ એને પ્રેમ બ્રેમ નથી કરતો. આ તો એક સોદો હતો…ગુડ બાય.’

હાથમાં પાણીની ટ્રે લઈને આવતી ને બારણા પાસે જ અટકી ગયેલી પ્રિયાએ અરમાન અને એના પપ્પાની બધી વાતો સાંભળી લીધી અને એનું દિલ ધક્ક થઈ ગયું, આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નાનપણમાં દાદીએ કહેલી વાલિયા લૂંટારાની વાર્તા યાદ આવી ગઈકે જે એ એના કુંટુંબીજનોને પૂછતો હતો,

‘મારા પાપની કમાણીમાં તો તમે સૌ ભાગીદાર છો પણ એ કમાણી ભેગી કરતાં કરેલાં મારા પાપમાં – કુકર્મોમાં તમે કેટલા ટકાના ભાગીદાર ?’

 

અનબીટેબલ ઃ નાનપણથી ગોખાઈ ગયેલી અનેક કહેવત, શીખ સંજોગો અનુસાર અર્થ બદલી શકે છે ને ખોટી પણ પડી શકે છે.

-સ્નેહા પટેલ.