શરુઆત – કબૂલાત


એ અમસ્તી વાત પણ છે

પ્રેમની શરુઆત પણ છે

 

હાથમાં એ હાથ પણ છે

ને ભીતરનો સાથ પણ છે

 

સમજીને બોલાય નહીં કંઇ

લાગણી ખુદ ઘાત પણ છે

 

આંખ રાતીચોળ કરતી

એક કાળી રાત પણ છે

 

વાતની શરુઆત પણ છે

અંતે એ કબૂલાત પણ છે.

– -સ્નેહા પટેલ

મહેંદીમાં નામ લખ્યું છે


my 2nd gazal in gazal vishwa -2014

my 2nd gazal in gazal vishwa -2014

મહેંદી પર નામ

my another gazal in Gazal vishwa -2014

મહેંદી્માં એક્ નામ લખ્યું છે,
કેવું ખુલ્લે આમ લખ્યું છે!

ચિઠ્ઠીમાં શરુઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.

દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.

પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.

દ્રાક્ષાસવ જેવું જીહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.

જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે
-સ્નેહા પટેલ

તું એવું બાળક છે !


Gazalvishwa-,march 2014

Gazalvishwa-,march 2014

IMG_20140329_135417

– તું એવું બાળક છે !

થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.

સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ.

ટેરવે ટેરવે બલમ…


published in  Feelings 2014- valentine issue
ટેરવે ટેરવે અડાય બલમ
સ્પર્શ ભીતરમાં ઊતરી જાય બલમ

તારામૈત્રક સમું રચાય બલમ
પીગળ્યાં જેવું પીગળાય બલમ

આપણી ખૂબ ખાનગી વાતો
પગની પાનીમાં ચીતરાય બલમ

જો હથેળી અને હથેળી મળે
ભાગ્યરેખાઓ એક થાય બલમ

સ્પર્શની નાવ તરતી મૂકી છે
આમ તરતાં કદી ડૂબાય બલમ !

-સ્નેહા પટેલ.

બધું ક્યાંક છૂટ્યું !


કંઈ ગમ્યું ને પછી કંઈક ખૂંચ્યું
ના ખબર છે કશી કે શું દુખ્યું !

વિશ્વ મારું હતું કંઈ સભર પણ
કોણ જાણે બધું ક્યાંક છૂટ્યું !

ચરમસીમાએ સપનુ પહોંચ્યું
સૂર્ય કિરણ અચાનક ત્યાં ફૂટ્યું !

જે રખેવાળ છે ખુશીઓના
એણે આબાદ ઘર એ જ લૂંટ્યું !

કોઇને કંઈ કહી ના શકાયું
દર્દ મનમાં વલોવ્યું ને ઘૂંટ્યું !

-સ્નેહા પટેલ.
ગાલગાગા લગાગા લગાગા

પડઘાય છે.. gazal.


પડઘાય છે..

આમ રસ્તા પર કોઇની આંગળી પકડાય છે
હાથ આખેઆખો ત્યારે આપણો જકડાય છે.

આંખ આવી છે ભરાઈ કાં તે છલકાતી નથી
રોજ આંસુના સમીકરણો જ ખુદ પલટાય છે.

તેં કહ્યું તે મેં ના માન્યું, મેં કહ્યું તે તેં કદી
આમ નાની જીદમાં એક વારતા સરજાય છે.

રાહ જોતું હોય છે કોઇ વહેતા ઢાળ પર
છોડી તરવાનું અને વહેવાનું મન થઈ જાય છે.

એક ખાલીપો ઉછેર્યો તેં ને મેં બીજો અહીં
કુંપળો ફુટે અહીં ને પાન ત્યાં લહેરાય છે.

એક સાથે બેઉ શ્વાસોચ્છવાસ જ્યાં મહેંકી ઉઠે
એ પળો જાણે વસંતોત્સવ સમી ઉજવાય છે.

જાણકારી દુઃખતી રગની રાખનારા દોસ્ત, હા
એ ન તારાથી કે મારાથી કદી છેદાય છે.

દૂરથી એક સાદ સંભળાયા કરે ‘સ્નેહા’ અને
નામ એક હુલામણું ભીતર સતત પડઘાય છે.
-સ્નેહા પટેલ.

bharam tutya – gazal


bharam tutya

bharam tutya – nisyanadan mag. – dec.2013

http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan_11.pdf#page=13&zoom=auto,0,773

નફ્ફટ બને છે – gazal


થાય ઇચ્છા ત્યારે એ નફ્ફટ બને છે,

પૂર્વજો માફક નર્યા મર્કટ બને છે.

 

હોય છે નાજુક સંબંધો જે પ્રથમથી

કેવી ક્ષણ આવી કે એ બરછટ બને છે !

 

આથમીને ઊગે, ઊગીને આથમે છે

જલકમલવત જેવી જ કંઈ બાબત બને છે.

to be continue

સ્નેહા.

કહેવાય છે


 

ધીમે ધીમે જે ખૂલે એને શરમ કહેવાય છે
બાકી સઘળા ભેદ છે અથવા ભરમ કહેવાય છે.

એ ન હો એવી ક્ષણોને માત્ર ગમ કહેવાય છે
પ્રિય છે એથી જ એને પ્રિયતમ કહેવાય છે.

એની ઋતુમાં જ વરસે તેને કહીએ વાદળા
સાદ દેતા ભીંજવે એને સનમ કહેવાય છે.

જન્મદિવસ જેમ નોંધી રાખવા જેવો જ છે
તું મળે ત્યારે થયેલો પણ જનમ કહેવાય છે.

રોજ મળીએ ને છૂટા પડીએ તો એવું થાય છે
કેટલું કહેવું હતું ને કેમ કમ કહેવાય છે !

હાથ પથ્થર પર મૂક્યો તો એને પણ ફુટી કૂંપળ
સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.

એને ચાહું છું અને પૂજા કરું છું એમની
પ્રિય જે કહેવાય છે તે પણ પરમ કહેવાય છે.

-સ્નેહા પટેલ.

લાંબી મઝલ


લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે,
મંઝિલ હો હાથવેંત ને થાકી જવાય છે.

સદીઓનો થાક જાત ઉપર વીંટળાય છે,
આભૂષણો પીડાના ત્વચા ઉપર જડાય છે.

કાઢીને જાત બહાર ચરણમાં ધરી દઈ,
એમ જ હંમેશ પ્રેમની પૂજા કરાય છે.

આંસુનો સ્વાદ પણ કદી મીઠો જ હોય છે,
ખુશીઓમાં કોઇ વાર રડી પણ પડાય છે.

ચૂપચાપ રોજ ચાલ્યાં  કરું એ દિશા તરફ,
કોને ખબર કે કેટલો રસ્તો કપાય છે ?

-સ્નેહા પટેલ

બાકી રહે…


કહેવી છે એ વાત બાકી રહે,
અને એક શરુઆત બાકી રહે.

હજારો વખત વાતચીત થાય છે,
કરોડો સવાલાત બાકી રહે.

તને ચાહવામાં જ હું વ્યસ્ત છું,
ગુનાની વકીલાત બાકી રહે.

હું સમજું છું સમજાવી શકતી નથી,
ને મારી રજૂઆત બાકી રહે.

રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે.

-સ્નેહા પટેલ.

નથી…


હેત છે કે હૈયામાં માતુ નથી,

એ ય સાચું છે કે છલકાતું નથી.

 

સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,

રાગ જાણીતો કોઈ ગાતું નથી.

 

હેમથી શણગારી છે આ પાંખને,

ઉડવું છે પણ ક્યાંય ઉડાતું નથી.

 

જેની ચાહતમાં રગેરગ રિકત થઈ,

પ્રેમનું અમૃત તે પાતું નથી.

 

માર્ગ પણ કેવો મળ્યો અચરજ ભર્યો

ચાલવા માટે ય થોભાતું નથી.

-સ્નેહા પટેલ.

ઝંખના.


આંગણું શોભાવવાની ઝંખના
હોય તારા આવવાની ઝંખના.

ભીડની વચ્ચે હું બેઠી છું, તને
નામ દઈ બોલાવવાની ઝંખના.

છે અનેકો કામ, પડતાં મૂકશું
તારી પાસે બેસવાની ઝંખના.

સાવ હું લોઢું ને તું પારસમણી
પાસ આવી  સ્પર્શવાની ઝંખના.

થાય નહી ક્યારેય પોતાથી અલગ
હાથ એવો થામવાની ઝંખના.

ઝંખનાઓ તારી પૂરી થાય એ
જોઇને રાજી થવાની ઝંખના.

-સ્નેહા પટેલ.

ગઝલસમ્રાટ- મિર્ઝા ગાલિબ


‘ગાલિબ’નો અર્થ થાય છે શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ.

‘હુઇ મુદ્દત કે ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ,

વો હર એક બાત પે કહના, જો યૂં હોતા તો ક્યા હોતા’.

ગાલિબ તો ગાલિબ જ હતા. એમના આ શેર સાથે કોણ અસંમત થઈ શકે..? સદીઓથી એ પોતાની રચનાઓના કારણે લોકોને યાદ છે અને રહેશે.

ઈ. સ.૧૭૯૭ના ડિસેમ્બર માસની, સત્તાવીસમી તારીખે આગરામાં જન્મેલા- ‘મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન’ ઉર્ફ ‘મિર્ઝા ગાલિબ’ની ગઝલો- પર્શિયન અને મુખ્યત્વે ઉર્દૂ ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. ઉર્દૂ-ફ઼ારસી ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરો, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે.

પિતા અને કાકાના મૃત્યુ પછી એમનું પાલન પોષણ નૈનિહાલમાં (મોસાળમાં) થયું હતું. એમના શિક્ષણ વિશે તો બહુ માહિતી નથી. પણ એમની ગઝલોમાં જ્ઞાનની ઊંડી ગહન વાતો જે રીતે ભરેલી પડી છે, એ જોતા એમ લાગે કે એમને સારું એવું શાસ્ત્ર અને વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત હશે. ઈરાનના એક મોટા વિદ્વાન ’અબ્દુલ સમદ’ પાસેથી તેઓ ફારસી ભાષા શીખ્યા હતાં.જ્યારે સ્કૂલમાં ભણતા હતા અને ૧૦ – ૧૧ વર્ષના હતા ત્યારથી જ તેઓ અદભુત શેર કહેતા હતા. ઘણી બધી પ્રખ્યાત ગઝલો એમણે ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં જ લખી કાઢી હતી.

લગભગ તેર વર્ષની ઊંમરે એમના લગ્ન દિલ્હીની ઉમરાવ બેગમ સાથે થઈ ગયા હતા. થોડાંક વર્ષો આગરામાં ગાળીને આખરે તેઓ દિલ્હી આવી ગયા અને ત્યાં જ કાયમ માટે વસી ગયા. દિલ્હીમાં શાયરીનું વાતાવરણ અદભુત રહેતું. નિયમિતપણે ત્યાં શેરો-શાયરીની મહેફિલો યોજાતી રહેતી. ગાલિબ એમાં જતા અને પોતાના અવ્વલ દરજ્જાના શેર રજૂ કરતા.

‘હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહોત અચ્છે,

કહતે હૈં કિ ગાલિબકા હૈ અંદાજે બયાં ઔર…’

ગાલિબ કહેતાં કે, દુનિયામાં આમ તો કેટલાંય કવિઓ અને શાયરો છે પણ, પોતાનો શેર કહેવાનો અંદાજ સૌથી નોખો જ છે. હકીકતે આ અનોખા અંદાજને કારણે તેઓ કેટલાય મુશાયરાની શાન બની રહેતા.

ઉર્દૂ શાયરીમાં ઉસ્તાદ અને શાગિર્દની પરંપરા રહેલ છે. ગાલિબના વખતે પણ હતી. પણ ગાલિબ કોઇના શાગિર્દ ક્યારેય નહોતા. એમ છતાં મોટા મોટા ઉસ્તાદ શાયરોની બિન્દાસપણે આલોચના કરી દેતા. ગાલિબ તો ઉસ્તાદોના પણ ઉસ્તાદ હતા. દરેક રચનાકારને પોતાની નબળી રચના પણ પોતાના સંતાન જેટલી વહાલી હોય છે એમ ગાલિબને નહોતું. પોતાની શાયરીના કઠોરમાં કઠોર આલોચક એ પોતે જ હતા. એમનો એક એક શેર જિંદગીની હકીકતોને ઊંડાણપૂર્વક અનોખી મસ્તી સાથે સમજાવે છે. ગાલિબની શાયરી ઉર્દૂ શાયરીના ઊંચામાં ઊંચા મૂલ્યોને એવી રીતે સ્પર્શે છે કે, એને ચુંબન કરીને આંખે અડાડવાનું મન થઈ જાય. ગાલિબની શાયરીને ભાષા કે બીજા કોઇ જ પ્રકારની સીમા રેખામાં બાંધી નહોતા શકાતા. નાની-નાની સંવેદનાઓ પણ ભરપૂર સજાગ રહીને પોતાની ગઝલોમાં ઊતારતા. એ શબ્દોના જાદુગર હતાં. કલમમાં માણસાઇની શાહી ભરી-ભરીને ગાલિબે કેટલાંય યાદગાર શેર આપ્યાં છે. એમના શેર હંમેશા સામાન્ય માણસના દુખ દર્દને વાચા આપતા આવ્યા છે.

ઉર્દૂના પ્રખર કવિ ‘મીર તકી મીરે’ અગિયાર વર્ષની ઉંમરના ગાલિબની ગઝલ વાંચીને કહ્યું હતું કે ‘આ છોકરાને જો યોગ્ય ગુરુ મળશે તો ભવિષ્યમાં એ ઉર્દૂનો મહાન શાયર બનશે. ગાલિબે મીરની આ ભવિષ્યવાણી સાચી પાડી બતાવી.

ગાલિબ માયાળુ અને રમૂજી સ્વભાવના હતા. શાયરીની ચીલાચાલુ, સાંકડી ગલીઓવાળી રસમને તોડીફોડીને ઉર્દૂ ગઝલને શણગારી છે. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નતિની ટોચ પર મૂકી છે. ગાલિબના કહેવા મુજબ તે મુસ્લિમ હોવા પહેલા તે એક માણસ હતા. તે બીજા કોઇ ધર્મમાં માનતા ન હતા પરંતુ માનવધર્મમાં માનતા હતા. જીવનભર માનવતાવાદના ધર્મને માનતા રહ્યા.

ગાલિબે એક એકથી ચડિયાતા એવા શેર આપ્યા છે કે, તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન જમાવે છે. સામાન્ય માણસ હોય કે મોટા મોટા લોકપ્રિય નેતાઓ કે પ્રખ્યાત વ્યક્તિઓ, પોતાની વાતમાં કે ભાષણમાં એક વજન લાવવા માટે બધા ગાલિબના શેરનો પુષ્કળ માત્રામાં ઉપયોગ કરતા આવ્યાં છે.

પોતાની બધી આપવીતી ગાલિબે પોતાના પુસ્તક ‘દસ્તંબો’માં લખી છે. ’બેદિલ’ કરીને એક ખ્યાતનામ શાયર હતા. એમનાથી પ્રભાવિત એવા ગાલિબે કમસે કમ ૨,૦૦૦ જેટલા શેર તો લગભગ પચીસેક વર્ષની ઊંમરે જ લખી નાંખેલા.

સામાન્ય માનવીની વાતોને પોતાની શાયરીઓમાં અગ્રસ્થાન આપતા ગાલિબે ક્યારેય ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો. એ પણ માનવીય કમજોરીથી ભરપૂર હતાં અને કોઇ જ શરમ-સંકોચ વગર એનો સ્વીકાર પણ કરી લેતા.પણ સ્વમાન માટે અતિ આગ્રહી હતા.સ્વમાનની સાચવણી કરવા માટે એ સામેવાળા વ્યક્તિના હોદ્દાની શેહ-શરમમાં આવ્યા વગર સણસણતી સંભળાવી પણ દેતા. દિલ્હી કૉલેજમાં ફારસી અધ્યાપકની જરૂર પડી. ગાલિબને આમંત્રણ મોકલાવ્યું. પાલખીમાં બેસી ગાલિબ નોકરી આપનાર ટોમસનસાહેબને મળવા ગયા. મનમાં હતું કે પોતાનો સંદેશો મળતાં જ ટોમસન પાલખી સુધી આવશે. ખાસો સમય રાહ જોયા પછી તે આવ્યા ને ટોણો માર્યો કે, ‘તમે અહીં નોકરી માટે આવ્યા છો. તેથી હું તમને સત્કારવા આવું એવી નાહકની આશા ના રાખો” ગાલિબે કહ્યું, ‘નોકરી કરવાનો મતલબ જો ઇજ્જ્ત ઘટાડવાનો હોય તો મને એવી નોકરી ના ખપે.‘ આટલું કહી પાલખીમાં બેસી પાછા ચાલ્યા ગયા. આવી જ ખુદ્દારી એમના આ શેરમાંથી ભારોભાર ટપકે છે..

‘હું હાક મારું એટલે પ્રિયાના ઘરનો દરવાજો ઊઘડે

એ તો અપમાન છે, એ રીતે પ્રિયાને ઘેર કોણ જાય ?

બંધ દ્વાર પર અવાજ આપે એ ગાલિબ નહિ.‘

ગાલિબના સાત સંતાનો હતાં જે બધાય મૃત્યુ પામેલા. એ પછી ગાલિબે આરિફ નામનો છોકરો દત્તક લીધેલો હતો. એ પણ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો. એ વખતે મરસિયારૂપે એક ગઝલ લખેલી જેનો એક શેર..

‘આયે હો કલ, ઔર આજ હી કહતે હો કી જાઉં,

માના, કિ નહીં આજસે અચ્છા, કોઈ દિન ઔર.. ‘

મતલબ..હું પણ માનું છું કે કોઈ અજર-અમર નથી આ દુનિયામાં. પણ હજુ તો તું કાલે તો આ દુનિયામાં આવ્યો છે ને આજે કહે છે કે જાઉં એ વાત પણ વાજબી તો નથી જ ને ‘આરિફ’..થોડા દિવસ વધુ રોકાઈ જવું હતું ને..

મિર્ઝા ગાલિબને કેરીનું એટલું ઘેલું હતું કે કેરીની સિઝનમાં તેઓ સમગ્ર ભારતમાં રહેતા તેમના મિત્રોના ઘરે જતાં.જેથી દરેક જાતના આંબાની કેરીનો રસાસ્વાદ શક્ય બને. એક વાર તેમણે કલકત્તામાં રહેતા તેમના મિત્ર સરફરાઝ હુસેનને બંગાળની સુપ્રસિદ્ધ ગુલાબ કેરી મોકલવા ૧૫ પત્રો લખ્યા હતા. હુસેને પણ પ્રેમપૂર્વક તેમને બે ટોપલા ભરીને આંબા મોકલી આપ્યા હતા. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે, છેલ્લા મોગલ સમ્રાટ હયાત બક્ષ અને મિર્ઝા ગાલિબ એક વખત આંબાના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે, ગાલિબની નજર વૃક્ષ પર લચી રહેલા એક એક આંબાનું રસપાન કરી રહી હતી. દરબારના ગઝલકારને આ રીતે કેરીઓ સામે જોઈને સમ્રાટને આશ્ચર્ય થયું. હયાત બક્ષે ઉત્સુકતાભાવે ગાલિબને પૂછ્યું કે,” તમે આ રીતે કેરી સામે શા માટે જુઓ છો?” ત્યારે ગાલિબે કહ્યું હતું કે,” ડાળ પર લટકતી પ્રત્યેક કેરી પર તેના ખાનારનું નામ લખેલું છે. હું આમાં મારું નામ ક્યાંય લખેલું છે કે નહીં તે શોધી રહ્યો છું.” ગઝલસમ્રાટનો ત્વરિત ઉત્તર સાંભળીને તખ્તનશીન સમ્રાટે તેમને આંબા મોકલી આપ્યા હતા. કેરી ભેટ મોકલવા માટે તે સમયમાં ચોક્કસ નિયમોનું કડક પાલન કરવામાં આવતું. સમ્રાટોના આંબાવાડિયામાં ખાસ ઉગાડવામાં આવેલા આંબા માત્ર મિત્રોને અને શ્રીમંતોને જ મોકલવામાં આવતા. મિર્ઝા ગાલિબ શ્રીમંત પણ નહોતા અને મિત્ર પણ નહોતા. આમ છતાં તેમણે રાજદરબારની કેરીનો સ્વાદ માણ્યો હતો.

આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી. પેન્શન બંધ થઈ ગયું. કર્જદારોના કર્જાના બોજ નીચે રોજ વધુ ને વધુ દબાતા ચાલ્યા. નાનો ભાઈ પાગલ થઈ ગયો. ગાલિબ બેહદ ગભરાઈ ગયેલા. એક શેરમાં પોતાની હાલતને વર્ણવતા કહ્યું કે,

‘કર્જ કી પીતે થે મય (શરાબ) ઔર સમજતે થે કી

હાં, રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન.. ‘

એક દિવાની કેસમાં ફસાયા પછી એમણે ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધેલું. એ વખતે એવો નિયમ હતો કે કોઈ પણ નામી વ્યક્તિ દિવાની કેસમાં ફસાયા હોય અને જો એ રકમ ચૂકવી ના શકતી હોય તો, એને એના ઘરમાંથી તમે ગિરફતાર ના કરી શકો. એ ઘરબહાર નીકળે ત્યારે જ એમની ધરપકડ સંભવ બને.

આમ એ કરજની રકમમાંથી શરાબ પીતા તો બીજી બાજુ એમને ધનિકોના શોખ -શતરંજ અને જુગાર રમવાનો બેહદ ચસકો લાગેલો. ચાંદનીચોકના મિત્રો સાથે જુગાર રમવામાં ને રમવામાં તો એક વાર ત્રણ મહિના જેલની ચક્કી પણ પીસવી પડેલી. ગાલિબ જેવા માટે તો આ સજા મોત બરાબર.. પણ એને પણ સહી લીધી અને કહ્યું, ‘મુશ્કિલેં મુજ પર પડી ઇતની કિ આસાન હો..’ પરેશાન ગાલિબ આખરે કંટાળીને બાદશાહ જફરને મળ્યા. એમણે ગાલિબને તૈમુર ખાનદાનનો ઇતિહાસ ફારસીમાં લખવાનું કામ સોપ્યું. સાથે સાથે ‘નજ્મુદૌલા દબીદુલમુલ્ક નિજામ જંગ’ની પદવીનું સન્માન પણ આપ્યું. થોડી ઘણી આર્થિક સહાયતા મળવા માંડી.ગાડું ગબડવા માંડ્યું ત્યાં તો એ સહાયતાઓ છિનવાવા માંડી. અંગ્રેજ સરકારે બાદશાહ જફરને કેદ કરીને રંગૂન મોકલી દીધા ને ગાલિબ ગાતા રહ્યાં… ‘દો ગજ જમીન ભી ના મિલી કુચે યાર મેં’ ફાકા મારવાની આ હાલતમાં શરીર પણ લથડતું ચાલ્યું. શરીર પર ગૂમડાં ફૂટી નીકળેલા, પેટમાં ચૂંક આવ્યા કરતી.. આંતરડા અમળાઇ જતા.. આ બધું છેક સુધી ચાલ્યું..

એમણે લખ્યું.. મારા પ્રિય મિત્ર, તને મારી ખબર છે? પહેલાં પરેશાનીઓ.. પછી અંધ થયો હવે તો બહેરો પણ થતો ચાલ્યો છું. થોડુંક લખું ને આંગળીઓ વળી જાય છે.. અક્ષરોની સજાવટ અધૂરી રહી જાય છે. એકોતેર વર્ષ જીવ્યો.. બહુ જીવ્યો.. હવે જિંદગી વર્ષો નહીં પણ મહિના અને દિવસોમાં ગણાઈ રહી છે.. આવી ભવિષ્યવાણી બાદ ગાલિબ બહુ લાંબું જીવ્યા નહીં. જિંદગીના આખરી વર્ષો દરમિયાન એ સતત મૃત્યુની રાહ જોતા. વરસોવરસ જયોતિષીઓ પાસે મરણની તારીખ કઢાવતા. શરીર અશક્ત બન્યું. અંતે ઈ.સ. ૧૮૬૯ના ફેબ્રુઆરી માસની પંદરમી તારીખે તેમનો નશ્વર દેહ નષ્ટ થયો. પાછળ છોડી ગયા એમનો એક પ્રખ્યાત શે’ર

‘પૂછતે હૈં વો કિ ‘ગાલિબ’ કૌન હૈ,

કોઇ બતલાએં કિ હમ બતલાયે ક્યા .?

————————————————————–

*અતિ લોકપ્રિય થયેલ ગાલિબના થોડાંક શે’ર સમજૂતી સાથે..

આહ કો ચાહિયે એક ઉમ્ર, અસર હોને તક,

કૌન જીતા હૈ તેરી, જુલ્ફ કે સર હોને તક..

è–>     માનવીના નિઃસાશાઓમાં અસર આવતા એક સમય જાય છે.પણ તારા કેશ ખુલતા સુધીમાં તો અમે મરી જઈશું…

*લૂ દામ (કર્જ) બખ્તે ખુફ્તા (સૂતેલું નસીબ)સે,

યક ખ્વાબે-ખુશ વલે (આરામની નીંદર),

‘ગાલિબ’ યહ ખૌફ હૈ, કિ કહાં સે અદા કરું.

è –>મારી સૂતેલી કિસ્મત પાસેથી એક રાત આરામની ઊંઘ ઉધાર તો લઈ લઊં, દુનિયાના બધા દુઃખોથી બેખબર થઈને સૂઈ જઊં.પણ તકલીફ એ છે કે એ ઉધારી જે લઈશ એ ચૂકવીશ કેવી રીતે?

*બેતલબ દેં તો મજા ઉસમેં સિવા મિલતા હૈ,

વહ ગદા (ફકીર), જીસકો ન હો ખૂં (આદત)-એ-સવાલ અચ્છા હૈ. ‘

è—>     જે ફકીરને પોતાના મોઢે માંગવાની આદત ના હોય એ જ ફકીર સારો કહેવાય. તમે પણ અમને માંગ્યા વગર જ આપી દો. બાકી, હું માંગુ અને તમે આપો એમાં વાતની મજા ક્યાં છે?

*ઉનકે દેખે સે, જો આ જાતી હૈ મુંહ પર રૌનક,

વો સમજતે હૈ કિ બીમાર કા હાલ અચ્છા હૈ..’

è—>  પ્રેમમાં પડેલ કોઈ પણ વ્યક્તિને આ શે’ર ખબર ના હોય એમ નહી બને. ખૂબ જ સરળ અને લાગણીસભર શે’ર છે.

*દેખિયે પાતે હૈ ઉશ્શાક, બુતો સે ક્યા ફૈજ,

ઇક બ્રાહ્મણને કહા હૈ કિ યહ સાલ અચ્છા હૈ.’

è—>  ચાલો જોઈએ મારા આશિક મિત્રો..આ વખતે સુંદરતા પાસેથી તમને શું લાભ થાય છે..કારણ..એક બ્રાહણે ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષ પ્રેમીઓ માટે સારું છે.

*કતરા દરિયામેં જો મિલ જાયે, તો દરિયા હો જાયે,

કામ અચ્છા હૈ વહ જિસકા કિ મઆલ અચ્છા હૈ..’

è—>  પાણીની બૂંદ જો દરિયામાં મળી જાય તો એ દરિયો બની જાય.એનું પરિણામ શુભ છે. એમ જ માનવી જો પોતાની જાતને ઇશ્વરને સમર્પી દે તો એના જીવનનું પરિણામ પણ શુભ જ આવવાનું.

‘કજા ને થા મુજે ચાહા, ખરાબ-એ-બાદ-એ-ઉલ્ફત,

ફક્ત ખરાબ લિખા, બસ ન ચલ સકા કલમ આગે.’

è—>   મારા નસીબમાં તો આખી ઊંમર શરાબ પીવાનું અને બરબાદ થવાનું લખાવાનું હતું. પણ બરબાદ લખાયા પછી કલમ આગળ જ ના વધી શકી. આમ ના શરાબ મળી અને બરબાદ થઈ ગયો એ લટકામાં.

*’મેરી કિસ્મત મેં ગમ ગર ઇતના થા,

દિલ ભી, યા રબ, કઇ દીયે હોતે.’

è—>   એક દિલ અનેકો ગમ .. યા રબ આ તો બેઇન્સાફી છે. આટલું દુઃખ જ આપવું હતું તો દિલ પણ બે-ચાર વધારે આપી દેવા હતાને..

*’ઇશ્ક ને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,

વર્ના હમ ભી આદમી થે કામ કે.’

è—>  એક અતિ-પ્રખ્યાત શે’ર. પ્રેમે અમને બેકાર બનાવી દીધા..બાકી તો અમે પણ કામના માણસ હતા.

*’ક્યા બયાઁ કરકે મિરા, રોયેંગે યાર,

મગર આશુફ્તા બયાની મેરી. ‘

è—>  મારા મર્યા પછી લોકો મારી કઈ વાત યાદ કરીને રડશે? એ જ કે, હું પાગલ જેવી વાતો કરતો હતો.

*’હાં, ખાઇઓ મત ફરેબ-એ-હસ્તી,

હર ચંદ કહે, કિ કૈ, નહી હૈ.’

è—>   જિંદગીના ભૂલાવામાં ના આવતા. લોકો ભલે લાખ વખત કહે કે જિંદગી એક હકીકત છે. ના, જિંદગી એક ભૂલ-ભૂલામણી.. એક ધોખો જ છે.

*’હુઇ જિન સે તવક્કો, ખસ્તગી કી દાદ પાને કી,

વહ હમસે ભી જ્યાદા ખસ્તા-એ-તેગ-એ-સિતમ નિકલે. ‘

è—>   મને જેનાથી ઉમ્મીદ હતી કે જે મારી સ્થિતિની દયા ખાઈને મારા પ્રત્યે હમદર્દી જતાવશે. એ લોકો પાસે જઈને જોયું તો તેઓ તો મારાથી પણ વધુ દયનીય સ્થિતિમાં હતા.

*’દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન,

બૈઠે રહે તસવ્વુર-એ-જાનાં કિએ હુએ.’

è—>   ‘આંધી’ ફિલ્મના આ અતિ લોકપ્રિય ગીતથી ભાગ્યે જ કોઈ ગીતોનો શોખીન માણસ અજાણ હશે. જિંદગીની પરેશાનીથી કંટાળીને આ દિલ, પોતાની પ્રેયસીના વિચારોમાં મગ્ન રહીને જેમ દિવસ-રાત વિતાવતા હતા; એ સમય ફરીથી ચાહે છે.

*’દિલ -એ-નાદાન તુજે હુઆ ક્યા હૈ,

આખિર ઇસ દર્દકી દવા ક્યા હૈ..?’

è—>   ઓ નાદાન દિલ,તને થયું છે શું? આખરે આ દુ:ખ-દર્દની દવા-ઈલાજ શું છે?

*’રગોમેં દૌડતે ફિરનેકે હમ નહી કાયલ

જબ આંખ હી સે ના ટપકા તો ફિર લહુ ક્યા હૈ?’

è—>   શરીરની રગેરગમાં ફર્યા કરવું ફક્ત એ જ લોહીનો ગુણ નથી, જો ખરેખર આંખમાંથી લોહી ના વહે તો એ લોહી શું છે?

*’હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે,

બહુત નિકલે મેરે અરમાં લેકીન ફીર ભી કમ નિકલે.’

è—>  પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઇચ્છા પર શાયરનો દમ નીકળે છે એવી બેનમૂન ગઝલનો એક શેર..

*’હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા

ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા…’

è—>  મરીને મારે તો બદનામ જ થવાનું હતું તો એના કરતાં દરિયામાં ડુબી ગયો હોત તો સારું થાત. જેથી ક્યારેય મારી નનામી ના ઊઠત અને ક્યાંય મારી કબર પણ ના હોત.

સ્નેહા પટેલ -અક્ષિતારક,

*ડિસેમ્બર માસના ’પાંચમી દિશા’ મેગેઝિનમાં છપાયેલો મારો લેખ…