સ્ત્રી હોવાનો ભાર


સ્ત્રી હોવાનો ભાર:

‘હું સ્કૂલમાં જતી ત્યારથી એ લોકોએ મને જોતા હતા અને એક દિવસ મારા મા બાપની સમક્ષ મને એમની સાથે પરણાવી દેવાની માંગ કરી. મારા પેરેન્ટસે એમની વાત ના સ્વીકારતા એ હેવાનોએ મારા ઘરની લાઈટપાણી ને બધી જીવનજરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય બન્ધ કરી દીધો ને ચોવીસ કલાક મારા ઘરની બહાર પહેરો ગોઠવીને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું. ના છૂટકે મારા માતાપિતાએ મને એમની સાથે પરણાવવી પડી અને ત્યારે મારી ઉંમર હતી માત્ર 14 વર્ષ! પરણ્યાં પછી રોજ  મારી ઉપર ઢોર માર સાથે શારીરિક જુલ્મ થતો. ચાર મહિના ચૂપચાપ બધું સહન કર્યું ને પછી તક મળતાં હું ત્યાંથી ભાગીને હિન્દુસ્તાન આવી ગઈ.’આ શબ્દો છે અફઘાનની સ્ત્રી રુખસાનાના – જે અત્યારે 19-20 વર્ષની છે. 6 વર્ષ પહેલાં અફઘાનમાં સ્ત્રીઓની આ હાલત હતી તો અત્યારની હાલત તો વિચાર પણ નથી આવતો.
આજે જગત આખામાં એકવીસમી સદીની નારી માટે કેટકેટલું વિચારાઈ રહ્યું છે, કામ થઈ રહ્યું છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ. ઓલિમ્પિકમાં આપણી ભારતની મહિલા ખેલાડીઓના શાનદાર પ્રદર્શન પછી તો દરેક સ્ત્રીને પોતાના નારી અવતાર પર ગર્વ થઈ ગયો હતો, મનોમન આવતો ભવ પણ સ્વભાવે કોમળ ને મનથી આવા મજબૂત એવો સ્ત્રીનો અવતાર જ દેજો – એવી ભગવાનને પ્રાર્થના પણ કરી દીધી હતી. દુનિયાભરના પુરુષોને સ્ત્રીઓના માનસિક વિકાસ અને સમજભરી વિચારશૈલી ઉપર માન થવા લાગ્યું હતું, એમની તાકાત સ્વીકારવા લાગ્યા હતાં.


આજની નારી સ્વતંત્રતા સાથે પોતાના મૂલ્યો સાચવી જાણે છે એ જોઈને મનમાં હરખનો સાગર ઉછાળા પણ મારતો હતો ત્યાં અચાનક જ અમેરિકાએ અફઘાનમાંથી પોતાનું સૈન્ય હટાવી દીધું અને અફઘાનિસ્તાન ઉપર તાલિબાનીઓએ કોઈ જ પ્રકારની ઝાઝી મહેનત વિના જ કબજો જમાવી દીધોના સમાચાર જાણવા મળ્યાં અને થોડો શોક લાગ્યો. પછી તો રોજ રોજ ટીવી, નેટ, સમાચારપત્રો બધી જ જગ્યા તાલિબાનીઓના મહિલાઓ પ્રત્યેના ક્રૂર વર્તાવના સમાચારથી છલકાવા લાગી. જાત- જાતનાં અમાનવીય નિયમો બહાર પડવા લાગ્યા:
-મહિલાઓ એકલી ઘરમાંથી બહાર નહિ નીકળી શકે- ઘરની બહાર બુરખામાં જ નીકળી શકશે-  ઘરની બાલ્કની કે બારીમાં કોઈ મહિલા દેખાવી ના જોઈએ- નેલપોલિશ ના કરી શકે, હિલ્સ નહિ પહેરી શકે તેમ જ એમની મરજી મુજબ લગ્ન પણ ના કરી શકે.- ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરની બારીઓને કલર કરવો જેથી કોઈ મહિલા દેખાય નહિ.- મહિલાઓ ફોટો પડાવી ના શકે અને કોઈ જ જગ્યાએ એમના ફોટા છપાવા પણ ના જોઈએ.-કોઈ જગ્યાના નામમાં મહિલાનું નામ લખાયું હોય તો એ દૂર કરી નાંખવું.-મહિલાઓ નોકરી નહિ કરી શકે તેમ જ શિક્ષણ પણ નહીં મેળવી શકે.-આ બધા નિયમોનો ભંગ કર્યો તો મહિલાઓને સજા થશે.
આ છપાશે ત્યાં સુધીમાં તો આવા કેટલાય નવા નિયમો બની જશે ખબર નહિ જાણે સ્ત્રી નહિ નિયમોનું પોટલું ના હોય!


આવું બધું વાંચીને મગજ બે ઘડી સુન્ન થઈ ગયું ને વિચાર આવી ગયો કે, ‘આ અચાનક જ આપણે કયા જમાનામાં પાછા વળી ગયા ?’
ધમધમતા વિકાસના પંથે સડસડાટ દોડતી સ્ત્રીઓની આવી અધોગતિ ! ક્યાં હજી તો આપણે સ્ત્રીઓની પસંદગી – નાપસંદગી, હક – મરજી જેવા વિવિધ પાસાઓ ઉપર ડિબેટ કરતાં હતાં,  દુનિયા પાસે નારીની વધુ ને વધુ સન્માનજનક સ્થિતિનો સ્વીકાર કરાવી રહ્યાં હતાં ત્યાં તો અચાનક આવા સમાચાર મળ્યાં ને જાણે બધું કરેલું કારવેલું પાણીમાં મળી ગયું. સમાજની બધી જ મહેનત, સમજ, સ્વીકાર, સપોર્ટ બધું જ એળે ગયું એવું લાગ્યું.


તાલિબાનોની પશુતા દિન બ દિન વધતી જ ચાલી છે. બાર વર્ષથી ઉપરની છોકરીઓ, 45થી નીચેની વિધવા સ્ત્રીઓ અમને સોંપી દો જેવી ક્રૂર માંગણીથી માંડીને જબરદસ્તી ત્યાંની સ્ત્રીઓ સાથે નિકાહ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સૂકામેવાના ભાવ આસમાને પહોંચી ગયા પણ  મા -દીકરી – બહેનની ફદિયાના ભાવે, માત્ર મનોરંજન હેતુ છડે ચોક નિલામી થઈ રહી છે -જેનાથી ત્યાંની દરેક સ્ત્રી પારેવડાં ની માફક ફફડી ઉઠી છે. એમાં પણ જે સ્ત્રી કોઈ બાળકીની માતા હોય એની હાલત તો ઓર ખરાબ. એ પોતાની દીકરીની ચિંતામાં પોતાના વિશે કશું વિચારી શકે એવી હાલતમાં જ નથી.

તમે બધાએ જોયું જ હશે કે છાપામાં એક અફઘાની ‘મા’નો ફોટો છપાયો હતો જે કાબુલ એરપોર્ટની અંદર પોતાની બે વર્ષની દીકરીને ફેંકીને ત્યાંના અફસરોને વિનંતી કરી રહી છે કે,’ મારું જે થવું હોય એ થશે પણ મારી દીકરીને અહીંથી બહાર કાઢી લો, બચાવી લો.’

ઊ…ફ…ફ…

આવી ઘટના લખતા મારા આંગળા કાંપી ગયા, દિલમાં ક્યાંક સતત નાગમતી લાગણી રમતી રહી..સાવ બે વર્ષની માસૂમ બાળકી જેના મોઢા પરથી હજી ભગવાનના ઘરેથી આ ધરતી ઉપર આવ્યાના પડછાયા પણ ઓસર્યા નથી, સરખું બોલતાં ચાલતાં ય માંડ શીખી હશે અને સમજણ તો હજી પારણાની રેશમી દોરીએ લહેરાતી હશે એવી માસૂમની આ હાલત ! 
આ તો એક ઘટના આપણા ધ્યાનમાં આવી બાકી તાલિબાનોની રાક્ષસી માનસિકતા સામે તો આવી કેટલી ય ઘટનાઓ ઘટતી હશે, કેટલી અબળાઓ રોતી કકળતી હશે, માર ખાતી હશે, પાશવી વિકૃતિઓ સહન કરતી હશે, જેનમાં આત્મહત્યા કરવાની હિંમત આવી હશે એ છૂટી ગઈ હશે પણ જેનામાં એ હિંમત ના હોય એ પણ જીવતી લાશની જેમ જ ક્યાંક પડી રહેતી હશે ને !
શું સ્ત્રી જન્મની આ જ સચ્ચાઈ છે? આટલા વર્ષોમાં એનો સરસ વિકાસ થયોની માન્યતાઓ, સ્વતંત્રતા બધું તકલાદી – ખ્યાલી પુલાવ માત્ર હતું? કાલે સ્ત્રી જન્મના આત્મગૌરવમાં જીવતી સ્ત્રીને આજે સ્ત્રીનો અવતાર એક શાપ જેવો લાગવા લાગ્યો છે, બહેન – દીકરી- પત્ની જેવા સંબંધો હોવા એ એક ભાર જેવું લાગવા માંડ્યું છે,
આજની અફઘાની સ્ત્રી સદીઓ પહેલાંની સ્ત્રી કરતાં પણ બદતર હાલતમાં જીવી રહી છે.એ જોઈને એક આર.એચ.શીનનું એક પ્રખ્યાત વાક્ય યાદ આવી ગયું,

‘Pain shapes a woman into a warrior.’

દુનિયાની મહાસતાઓ જ્યાં નિષફળ જઈ રહી છે ત્યાં કદાચ અફઘાનની સ્ત્રીઓ જાતે પોતાના ગૌરવ માટે યોદ્ધા બનીને ઉભરે એવી આશા રાખીએ, બાકી તો આ ઘટના સદીની સૌથી કરુણ ઘટના કહી શકાય એમ છે.

-સ્નેહા પટેલ.

શ્વાસ પર માસ્ક


શ્વાસ પર માસ્ક:
“બળ્યું, આ કોરોનાએ તો માસ્કની પાછળ શ્વાસ લેવાનું પણ અઘરું કરી નાંખ્યું છે. એમાં કોઈને મળવામાં 4 ફૂટનું અંતર રાખી રાખીને મળવાનું જાણે આપણે કોઈ પાપી, અધમ,  અછૂત  હોઈએ એવી લાગણી થઈ આવે છે.”બોલતાં બોલતાં અશ્વિનભાઈની નજર એમના પત્ની મનોરમાબેન ઉપર ગઈ. એમની ભીની આંખો જો તેઓ મૂળથી હાલી ગયા,’એમની પત્ની તો 13 વર્ષની ઉંમરથી દર મહિને આવું અછૂતપણું સહન કરતી હતી!’
-સ્નેહા પટેલ.

મારી મોજ


મારો એક ચિકનકારી પિંક ડ્રેસ મને બહુ જ ગમે, પણ હવે કાપડ થોડું પતલું થતું ચાલ્યું હતું એટલે પહેરવાનો નહતો ગમતો, પણ આખો ડ્રેસ વર્કવાળો એટલે બહુ જ સરસ ને કાઢી નાંખતા જીવ પણ નહતો ચાલતો. 
હવે ?
ત્યાં મારી નજર મારા નવા જ લીધેલા, ઝગારા મારતા સફેદ જ્યુસર -મિક્સર પર પડી ને મગજમાં આઈડિયા ક્લિક થયો. બરાબર એનું માપ લઈ સોયદોરાથી જ બખિયા જેવી મજબૂત સિલાઈ કરી પિંક ડ્રેસમાંથી એનું કવર બનાવી દીધું. સાથે યાદ આવ્યું કે, વર્ષો પહેલા જ્યારે મોબાઈલ, નેટ જેવું કશું નહતું ત્યારે ફાજલ પડતાં સમયમાં ઘરમાં આવું જાતે બનાવેલ ઢગલો વસ્તુઓ જોવા મળતી અને મુખ્ય વાત એના કોઈ જ ફોટા નહતા પડાતા ફક્ત આત્મસંતોષ, નિજની મોજ! ઘરમાં કોઈ મહેમાન આવે ને વખાણ કરે એ ભાવ નફામાં પણ એવી અપેક્ષા સાથે ઘર શણગારવાના આવા કામ કદી નહતા થતા.એટલે જ એ મોજ દિલમાં હરફર કરતી રહેતી ને કાયમ માટે રહેતી.
 હવે તો બધું ફાસ્ટ. આમ જાતે સિલાઈકામ કરવામાં સમય બગાડે છે ખરી નવરી છે આ એવો જ ભાવ આવે…પણ મને તો આ સમયનો રચનાત્મક સદુપયોગ લાગ્યો. મારું ચાલે તો મારું આખું ઘર મારી બનાવેલી વસ્તુઓથી જ શણગારી દઉં. 
આજે તો બધા એક ‘વાહ’ મળી હવે બીજી ક્યાંથી મેળવીશું ? એની ચિંતામા જ ફરતા હોય છે. સંતોષ – ધીરજ એ બધું શું વળી ? એ તો અસફળ વ્યકિતઓના રોદણાં…આવી જ ભાવનામાં સાચી ને કાયમી ખુશી કયાંય નથી મળતી.
હશે, દરેકની પોતાની જિંદગી. એ કવરના ફોટા પાડીને શેર કરવાની કોઈ ખાસ ઈચ્છા નથી, હું આવી પર્સનલ મોજ માટેના ફોટા બહુ ઓછા શેર કરું. આ તો મારી નાનકડી, બકુડી, મીઠડી મોજની આપ સૌ મિત્રો સાથે વહેંચણી.  એ પ્યોર મોજના એક બે છાંટા તમને ય ઉડી જાય ને તમારો દિવસ પણ મસ્તીનો જાય એવી આશા!
-સ્નેહા પટેલ.

Dadh no dukhavo


Phoolchhab newspaper > Navrash ni pal column >11oct,2017.

દાઢનો દુઃખાવોઃ

 

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.

-રમેશ પારેખ.

 

કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને પોતાની જાતની કંપની જ એંજોય કરતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઇ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઇ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર  વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.

આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો..  ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.

કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.

શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજ્વા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.

‘ઓહ..તો આ વાત છે.’

વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’

અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.

‘અરે મારી વ્હાલુડી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’

‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’

‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’

ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે  વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.

એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઇ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.

‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’

શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત  રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘કલીક’ જ નહતી થતી.

આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?

ખાવાનું ખાવું કેવી રીતે ?

ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી લીકવીડ ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !

બોલાતું નહતું અન સહેવાતું પણ નહતું.

અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.

‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઇ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.

‘નોનવેજ !’

અને ક્રુપાના અવાજમાં ના ઇચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.

‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’

‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’

‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’

‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લીકવીડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુધ્ધાં છે ?’

‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લીકવીડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’

અને કૃપાની કમાન છટકી.

‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’

‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઈફ ?’

‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’

‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઇ. તારામાં આત્મ્વિશ્વાસ, સમજની કોઇ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’

‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.

‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.

‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઇની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’

‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,

‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઇ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.

 

‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,

‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.

ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.

સ્નેહા પટેલ

love merrige- arrange merrige


લવ મેરેજ – અરેંજ મેરેજઃ

phulchhab newspaper > 30-8-2016 > navrash ni pl column

 

તાર કાં તો માર રસ્તા બે જ છે.

જીત કાં તો હાર રસ્તા બે જ છે.

– ઇશિતા દવે

‘તમારા તો લવમેરેજ થયેલાં છે ને ? અમને તમારી સ્ટોરી તો કહો ? કુમારભાઈએ કેવી રીતે તમને પ્રપોઝ કરેલું એ તો કહો ? તેઓ આ ઉંમરે આટલા સ્માર્ટ – હેન્ડસમ કનૈયાકુંવર જેવા લાગે છે તો કોલેજકાળમાં તો એમની પાછળ કેટલીય છોકરીઓ પાગલ હશે કેમ ? આટલા હેન્ડસમ માણસની પ્રેમિકા બનીને આપને પણ ગર્વ થતો હશે કેમ રાધિકાભાભી ? જોકે તમે પણ કંઇ કમ રુપાળા નથી હોંકે – તમારી બે ય ની જોડી તો ‘રામ મિલાય’ જેવી છે.’

ઉત્સુકતાથી અને ઉતાવળથી ભરપૂર સોનાલીબેને રાધિકાની ઉપર એકસાથે પાંચ છ વાક્યોનો રીતસરનો મારો જ ચલાવી મૂક્યો હતો. એકસાથે આટલું બોલીને હાંફી ગઈ હોય એમ હવે એ શ્વાસ લેવા બેઠી અને રાધિકાબેન એના પ્રશ્નોના શું ઉત્તર આપે છે એ જાણવા એના મોઢા પર એણે પોતાની આંખો ખોડી દીધી.

‘સોનાલીબેન શું તમે પણ ? એવું કંઇ ખાસ નહતું. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ બધું આખરે તો સરખું જ હોય છે. તમારું લગ્નજીવન પણ કેટલું સુંદર છે જ ને !’લગ્નજીવનના બે દાયકાં વીતી ગયા છતાં રાધિકાને પોતાની પર્સનલ વાતો આમ કોઇની પણ સાથે શેર કરવામાં શરમ નડતી હતી. એને આવી સહેજ પણ આદત નહતી.

‘ના હો….લવ મેરેજ અને અરેંજ મેરેજમાં આભ જમીનનો ફર્ક હોય છે મારી બેના. તમે લગ્ન પહેલાં એકબીજાને જાણતાં હોવ, પૂરી રીતે સમજતાં હો અને એ પછી તમે બે વ્યક્તિએ આખી જીંદગી એકબીજા સાથે વીતાવવાનો નિર્ણય લીધો હોય. લવ મેરેજે એટલે ચોઇસવાળા લગ્ન જ ને આખરે તો. અમારે તો શું વડીલોએ બતાવ્યાં હોય એમાંથી પસંદ કરી લીધેલા. લગ્ન પહેલાં અમારી સગાઈનો ગાળો લગભગ ૬ મહિના રહેલો એટલા સમયમાં તો અમે એકબીજાને શું ઓળખી શકવાના ? અને ઓળખીએ તો પણ લવમેરેજના પ્રેમ – આકર્ષણ જેવી વાત એમાં ક્યાંથી ? ‘

‘સોનાલીબેન કેમ આમ બોલો છો ? પરમભાઈ તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમારા બે દીકરા ય હવે તો ટીનએજર્સ થઈ ગયાં છે. તો ય એમનો પ્રેમ યથાવત જળવાયેલ જણાઇ આવે છે જ.લવમેરેજમાં વ્યકતિને પહેલાં પૂરેપૂરી જાણી લો કે અરેંજ મેરેજમાં વ્યક્તિને મેરેજ પછી જાણો એમાં લગ્નજીવન પર ખાસ કંઇ ફર્ક નથી પડતો. ઉલ્ટાનું અરેંજ મેરેજમાં તો તમારે વડીલોનો સ્વીકાર પહેલેથી જ મળી ગયેલ હોય એટલે કોઇ જ વાતમાં વાંધા વચકા પડવાની શકયતાઓ ઓછી રહે જ્યારે લવમેરેજમાં છોકરીનું એક વર્ષ તો ઘરનાની નજીક જવામાં જ વીતી જાય.’

‘મારું હાળું આ વાત તમે  સાચી કહી હોં રાધિબેન. મારી સાસરીમાં બધા ય મને પહેલેથી જ પ્રેમથી સ્વીકારીને રહે છે. પણ તો ય લવમેરેજ વાળા લગ્નજીવનમાં રોમાંચ, આકર્ષણનું તત્વ વધારે રહેલ છે એવું તમને નથી લાગતું ?’

‘ના, મારા માનવા પ્રમાણે ખરું લગ્નજીવન તો લગ્નના પાંચ વર્ષ પછી જ થયું ગણાય – એ પછી લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ ! લવમેરેજમાં પણ તમે વ્યકતિની સાથે રહ્યાં વિના એની અમુક આદતો – બાબતો -સ્વભાવથી પૂરેપૂરા પરિચીત તો નથી જ હોતા. અમિક સ્થિતીમાં એ કેવી રીતે વર્તન કરશે – પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે એની તો એ સ્થિતીમાં હકીકતે મૂકાયા પછી જ સમજણ પડે. અરેંજ હોય કે લવ-  બે ચાર વર્ષ તો આકર્ષણથી – રોમાંચથી ભરપૂર જ રહે છે પછી જ જ્યારે જવાબદારીઓ ઉપાડવાનો સમય આવે ત્યારે એ બે જણ કેવી રીતે એ સ્થિતીનો સંયુકતપણે નિભાવે છે એ જોવાનું હોય છે. જીવન પળે પળે બદલાતું હોય છે. નોકરી-કામધંધો-સામાજીક જવાબદારીઓ-છોકરાંઓનો ઉછેર આ બધી જ સ્થિતીઓને લવ મેરેજ કે અરેજ મેરેજથી કોઇ જ ફર્ક નથી પડતો. સમય જતાં જતાં જ વ્યક્તિ એકબીજાને સમજે અને એકબીજાની વધુ નજીક આવે કે દૂર જાય છે. તમારે જેવા ઝગડાં થાય છે એવા નાના મોટાં ઝગડાં તો અમારે પણ થાય છે જ. જેમ અમુક સમયે  કુમાર હવે શું વિચારતો હશે કે શું ફીલ કરતો હવે એવું સ્મજાઈ જાય છે એવું તમને પણ પરમભાઈની આદતો, મૂડ સ્વભાવ વિશે પૂરેપૂરો ખ્યાલ હોય જ છે ને !  પરમભાઈમાં થોડી ખામી હશે તો ખૂબી પણ હશે જ ને..એમ કુમારમાં પણ અનેજ્ક ખૂબી છતાં અમુક ખામી છે જ..હોય જ ને..આખરે માણસ છે એ.  લગ્ન કરે એટલે માણસ સંપૂર્ણપણે સામેવાળાની મરજી પ્રમાણે થોડી જીવે ? એમને પણ સ્વતંત્રતા જેવું કંઇ હોય કે નહીં ? હા ઘરની બહાર એ આપણને સાચવી લે પણ પર્સનલ લાઈફમાં તો દરેકની સ્થિતી સરખી જ હોય. કોણ એ સિચ્યેશનસ કેવી રીતે હેન્ડલ કરે છે બધો દારો મદાર એની પર છે બેના.વળી  આજકાલ તો એક બીજાને પૂરી રીતે સમજવા વળી એક નવી ફેશન નીકળી છે – પસ્ચિમના લોકોથી રહેણી કરણીના આકર્ષણમાં ફસાઈને આજના યુવાનિયાઓ ‘લીવ ઇન રીલેશનશીપ’ કે જેમાં છોકરાં છોકરી પોતાનું ઘર લઈને મા બાપથી જ અલગ રહીને જીવે છે એમ છતાં ય અમુક વર્ષો પછી એ લોકો હસી ખુશીથી છૂટાં પડી જાય છે. લવમેરેજ કરતાં તો આ કમ સે કમ દસ સ્ટેપ આગળનો રસ્તો તો પણ એ સંબંધો ફેઇલ જાય છે બોલો.. માટે જ કહું છું કે લગ્નજીવનમાં ‘લવમેરેજ’ કે ‘એરેંજ મેરેજ’ની ટેગ કશું ખાસ કામ નથી કરતી. આખરે તો જીવન એકબીજા સાથે જીવતી વ્યક્તિની સમજણ, પ્રેમ, સ્વભાવ પર નભે છે.’

સોનાલી ચૂપચાપ એકીટશે રાધિકાની વાત સાંભળી રહી હતી. આજે રાધિકાએ એનો મોટો ભ્રમ બહુ જ સરળતાથી તોડી કાઢ્યો હતો.

અનબીટેબલ ઃ લગ્ન પછી ‘કોઇ હવે સંપૂર્ણપણે મારું’ એ લાગણી બહુ જ સુખદ હોય છે.

-sneha patel

કંઈક એટલે કે…


અંદર
કોઇક નાજુક ખૂણામાં
કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે.
વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં.
આ કંઇક શું હશે ?
દુનિયા બહુ ઉદાર છે.
અમુક લોકો મતલબથી ઉદાર છે
અમુક દિલથી !
હોય હવે..જેવી જેની જરુરિયાત.
એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા
પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને!
સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું.
ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ –
ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે.
કિચૂડાટ –
કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી,
કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે,
ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો !
થોડી વિચારમાં પડી ગઈ…
આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ?
કેટલાં વખતથી હું આમ જ
મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં
ગૂંચળું બનીને પડી રહી છું ?
ચમક તો મારામાં છે જ…
એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે.
એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે
કાચ જેવી આભાસી પણ નથી
એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે.
જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે.
હું બધું જ જાણું છું..સમજુ છું..
કદાચ હવે એ જાણવા, સમજવાથી વાત આગળ વધારીને
બીજા લોકો એ જાણે,માને ત્યાં, સ્વીકારે ત્યાં સુધી મારે જવાનું છે.
જોકે, એ માટે તો સૌપ્રથમ મારે મારી જાતને માનવાની છે.
આ કામ મારે જ કરવું પડશે
કોઇ ઓપ્શન જ નથી.
બીજાઓ બહુ બહુ તો બહારથી ટેકો આપી શકશે
અંદરથી તો મારે જ વિકસવાનું – મજબૂત થવાનું છે.
રસ્તો અજાણ્યો છે, પણ પાંખોમાં ભરપૂર સમજણ ભરી છે,
વળી મંઝિલની પણ જાણ છે,
નીકળવાની શરુઆત તો કરવા દે,
જ્યાં છું એ સ્થાનથી આગળ
ક્યાંક તો પહોંચીશ જ ને..
મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે
એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.
ચાલ જીવ…હામ ભીડ ત્યારે
બીજા તારામાં વિશ્વાસ મૂકી શકે ત્યાં સુધીની સફર ખેડવા !
પેલું કંઈક એટલે શું –
હવે મને પૂરેપૂરું સમજાય છે.
સ્નેહા પટેલ.

forth book – akshitarak (poetry )


akshitarak (2)-page-001

sneha patel - kachhamitra 4-8-2015મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.

મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી  લગભગ સાત – આઠ  વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર  સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.

પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.

આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.

 

સ્ત્રીઆર્થ


25-03-2015 > Phoolchhab newspaper > Navrash ni pal column

લખીને ભૂંસી પાછું લખવાનું હોય,

પ્રથમ નિજની આંખે ઉકલવાનું હોય.

 

સ્મિતા ચા નો કપ લઈને ડાયનિંગ ટેબલ પર બેઠી . ટેબલ પર સફેદ પારદર્શક ટેબલક્લોથ પથરાયેલું હતું જેમાંથી નીચેનો લાઈટ ગ્રીન શેઈડવાળો કાચ અદભુત લાગતો હતો. એની ઉપર સરસ મજાનું પેપર નેપકીન સ્ટેન્ડ અને લકી બાંબુનો સાત સ્ટીકવાળો છોડ હતો. ટૂંકમાં ડાયનિંગ ટેબલ પર એક ખુશનુમા ફીલ ઉભી થતી હતી ને એ આહ્લલાદક લાગણી સાથે સ્મિતાએ ચા નો પહેલો ઘૂંટડો ભર્યો ને મોબાઇલનું સ્ક્રીનલોક ખોલ્યું. ચા ના ઘૂંટડા સાથે મોબાઈલમાં મેસેજીસ વાંચવાની સ્મિતાની જૂની ટેવ ! એની નાજુક અને ફ્લોરોસન્ટ આસમાની રંગથી રંગાયેલ નખવાળી આંગળી સ્માર્ટફોનના સ્ક્રીન પર ફરતી હતી. સ્મિતા વારેઘડીએ પોતાના સુંદર મજાના શૅઇપવાળા નખને જોતા જોતા મનોમન ખુશ થતી હતી. સ્ત્રી એટલે સુંદરતા જ્સ્તો, અને પોતે બહુ ભાગ્યવાન હતી કે ભગવાને ખોબે ખોબા ભરીને પોતાની ઉપર એ વરદાન વરસાવેલું. અચાનક સ્મિતાની આંગળી વોટસએપના એક મેસેજ પર અટકી ગઈ. મેસેજ કંઈક આવો હતો,

‘अकसर लोग ये कहते है के औरते अपनी सही उम्र का इजहार नही करती करती ! पर वो क्या करे, मजबूर है ! दरअसल वो अपनी उस उम्र का हिसाब ही नही लगा पाती है जो सहीमें खुद के लिए जी पाती है !’

 

અને સ્મિતા છેક અંદર સુધી હલી ગઈ. ઓહોહો…આ તે કેવી વિડંબણા ! સ્ત્રીને પોતાના માટે જ સમય ના મળે અને એના મગજમાં એણે અત્યાર સુધી એણે સ્ત્રીઓ પર થયેલા અન્યાય વિશે વાંચેલી, સાંભળેલી, અનુભવેલી અનેકો વાત – વાર્તાઓ પસાર થઈ ગઈ. દિલ ઉદાસીનતાથી છ્લકાઈ ગયું, મૂડ ઑફ ! ને એણે એનો આ મેસેજ એની એક બહુ જ સુલઝેલા અને સ્વસ્થ દિમાગની સખી પારુલને ફોરવર્ડ કરી દીધો અને ચા નો એક લાંબો ઘૂટડો ભરી દીધો. ફુદીના અને આદુવાળી ચા ના સ્વાદથી મગજ પાછું તરબતર થઈ ગયું. સ્ત્રી હોવાનું દુઃખ ઓછું થઈ ગયું !

ત્યાં તો પારુલનો મેસેજ આવ્યો ને સ્મિતાએ મેસેજ ઓપન કર્યો.

‘સ્મિતુ, તું ક્યાં સુધી આવી પાગલ રહીશ..?’

‘મતલબ ?’

‘આ સવાર સવારમાં શું રોત્તલ મેસેજીસ ફોરવર્ડ ?’

‘ઓહ, પણ એ સાચું તો છે જ ને પારુ. વેઈટ, કોલ કરું.’

અને સ્મિતાએ પારુલને ફોન કર્યો.

‘હા, હવે બોલ. મેસેજીસમાં ચર્ચા કરવાની ના ફાવે. તું લખે કંઈક ને હું સમજું કંઇક. વળી એ મેસેજ વાંચી વાંચીને ટાઇપ કરવાનો કંટાળો આવે.’

‘કૂલ ડાઉન ડીઅર. મારે તો ફકત એમ કહેવું હતું કે આપણે ખુદના માટે જીવવાનો સમય કેમ ના કાઢી શકીએ ?’

‘પારુ, આ બધું જેવું બોલાઈ જાય એવું જીવી જવું ઇઝી નથી. આપણે ઇચ્છીએ તો પણ આ જવાબદારીઓ આપણને ક્યાં એમ કરવા દે ?’

‘એવું કશું નથી હોતું. એમાં ય વળી આપણે તો શહેરની, ભણેલી – ગણેલી અને સારા ઘર – વર ધરાવતી સ્ત્રીઓ. આપણે જ આમ વિચારીશું તો આપણાથી નીચું જીવનધોરણ જીવનારી સ્ત્રીઓની માનસિકતાનું તો શું કહેવાનું ?’

‘પારુલ, તારી વાત સાથે સહમત પણ આપણે રહ્યાં લાગણીશીલ અને પૂરેપૂરા સમર્પિત. આમ પોતાના માટે જીવવું એટલે શું વળી ?’

‘જો આપણને ભગવાને સંવેદનશીલતાનું વરદાન આપ્યું છે. આ વરદાનને આપણે આપણી નબળાઇ ના બનાવીએ તો ના ચાલે ? આપણે સ્ત્રીઓ અહીં જ માર ખાઈએ છીએ, વહેવા જ લાગીએ છીએ અને પછી, ‘બધું આપણા હાથ બહાર છે’ કહીને રડતા રડતા ઉભા રહી જઈએ છીએ. આપણે જે ભૂલો કરીએ એના પરિણામો તો આપણે જ ભોગવવા પડે ને ! શું કામ આપણે આપણી સંવેદનશીલતાને આપણી પર હાવી થવા દઈએ ! હું તો એક વાત જાણું કે, ‘યોગ્ય માત્રામાં યોગ્ય લાગણીનું પ્રમાણભાન’ એ મુખ્ય વાત. કોઇની જિંદગી કોઇના પર આધારીત થાય તો એ ક્યારેય ખુશીનું કારણ ના જ બને. શું કામ ઘરનાંને તમારી ટેવ પાડી દો છો ? આમ કરીને તમે તમારી અસલામતતા તો છતી નથી કરતાં ને ? તમે સ્વતંત્ર રહો અને એમને પણ સ્વતંત્ર રહેતા શીખવો. બસ..બાકી બધું જ સરળ સરળ. પુરુષ જે રીતે લાગણીનું બેલેન્સ કરીને ‘પુરુષાર્થ’ કરે છે અને એની કમાવાની જવાબદારી પૂરી કરે છે એમ સ્ત્રીઓએ પણ લાગણી અને દિમાગનું બેલેન્સ કરીને ‘સ્ત્રીઆર્થ’ કરવાનો હોય છે. કેટલી સરળ વાત છે શું કામ આપણે આવા મેસેજોના રોદણાં રડીને એને વારંવાર ગૂંચવતા જઈએ છીએ એ જ નથી સમજાતું ?’

‘પારુ, તું સાચું કહે છે.વાતના આ છેડાં સુધી તો હું ક્યારેય પહોંચી જ નથી. ફકત રોદણાં રડતા રહેવાથી કંઇ નથી વળવાનું. આપણાં વાડાઓમાંથી બહાર નીકળવા આપણે સ્ત્રીઆર્થ કરવો જ પડશે. દુનિયા તો પછી સ્વીકારશે પહેલાં આપણે તો આપણી જાતને સ્વીકારીએ. ચાલ રે, મારે સંજુને સ્કુલે લેવા જવાનો સમય છે. મળ્યા પછી.’ અને સ્મિતાએ ફોન કટ કરવા માટે સ્ક્રીનમાં નીચે આવેલ ‘લાલ રિસીવર’ની નિશાની પર આંગળી દબાવી.

અનબીટેબલ : આપણી જિંદગી ફકત અને ફક્ત આપણે જ બહેતર બનાવી શકીએ !

શિર્ષક પંક્તિ – લેખિકા.

સપનાનો અસબાબ !


 

એકલો ઊગે નહીં તો શું કરે?

આ સુરજને કંઈ નથી ઘરબારમાં.

-અંકિત ત્રિવેદી.

 

‘રીયા, તું કેવી આળસુ છું ! સ્કુલમાંથી ત્રણ દિવસ માટે આબુ ટ્રેકિંગમાં લઈ જાય છે અને તું છે કે જવાની ના પાડે છે ? નસીબવાળી છું કે આમ ફરવા મળે છે બાકી અમારા સમયમાં તો અમને વન ડે પીકનીકમાં ય જવા નહોતું મળતું.’ પરિમીતા હાથમાં કટકો લઈને ઘરનું ફર્નિચર ઝાપટતાં ઝાપટતાં એની દીકરીને ય શાબ્દિક ઝાપટતી જતી હતી.

‘ઓહ કમ ઓન મમ્મા, આ શું પાછા સવાર સવારના ‘અમારો સમય ને તમારો સમય’ની રામાયણ લઈને બેસી ગયા છો ? શાંતિથી ઉંઘવા દ્યો ને. માંડ હમણાં જ ‘હાફ યર એક્ઝામ’ પતી છે થોડો થાક તો ઉતારવા દો.’

‘તું તારે ઉંઘ્યા જ કર આખી જિંદગી. કાલે ઉઠીને સાસરે જઈશ ત્યારે શું થશે કોને ખબર ? આમ ને આમ ઉંઘતી રહી ને તો તારું નસીબ પણ ઉંઘતું જ રહેશે છોકરી, કહું છું હજી સમય છે સુધરી જા.’

હવે રીયાનો પિત્તો ગયો. એક હાથે ઓઢવાનું બાજુમાં ઉછાળીને વાળ ઝાટકતી પથારીમાં બેસી ગઈ.

‘મમ્મી, શું છે તમારે ? હું સોળ વર્ષની સમજદાર છોકરી છું. મારે શું કરવું ને શું નહી એની પૂરેપૂરી સમજ છે મને. જ્યાં નથી સમજ ત્યાં આપને કે ડેડીને જરુરથી પૂછીશ. પણ તમે મતલબ વગર સવાર સવારમાં મને આમ લેકચર ના આપો. સ્કુલમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આબુ લઈ જાય છે અને હું જઉં છું. આ વખતે કોઇ જ મિત્ર નથી જવાના તો મૂડ નથી જવાનો..દેટ્સ ઇટ. આમાં વાતને રબરની જેમ આટલી ખેંચવાની ક્યાં જરુર છે ? ‘

પરિમીતાનો અવાજ થોડો ઢીલો પડી ગયો.

‘દીકરા, તારા જેવડી હતી ત્યારે મને આમ બહારગામ જવાનો બહુ શોખ પણ ઘરની આર્થિક પરિસ્થિતીને વશ થઈને મને આપણા શહેરમાં ય મન મૂકીને ફરવા નહતું મળતું. મારો એ હરવા ફરવાનો શોખ લગ્ન પછી પણ તારા પપ્પાની વારંવાર છૂટતી રહેતી નોકરી અને અનિસ્ચિત આવકના કારણે પૂરો નથી થયો. આમ ને આમ પીસ્તાલીસ તો પૂરા થઈ ગયાં હવે તો એ શોખ પણ જાણે મરી ગયો છે પણ તને જોઇને એમ થાય કે મારી દીકરીને મારે આમ સબડવા નથી દેવી એટલે તો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરી કરીને ય તને આમ પીકનીક અને બહેનપણીઓ સાથે બહાર ફરવાનું પ્રોત્સાહન આપું છું. દરેક મા બાપને પોતાના સપનાની અને ના જીવી શકાયેલ જિંદગી એના સંતાનોને આપવાની ઇચ્છા હોય જ. પણ જવા દે, તું નહીં સમજે આ વાત. તું જ્યારે મા બનીશ ને ત્યારે જ તને એક મા ની લાગણીની કદર થશે.’ ને પરિમીતાની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યાં.

વાત ગંભીરતાના પાટે જઈ રહી હોવાની જાણ થતાં જ રીયા પથારીમાંથી ઉઠી પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને મોઢું ધોઈ, કોગળા કરીને પરિમીતાની પાસે બેઠી. પરિમીતાનો હાથ હાથમાં લઈને બોલી,

‘મમ્મા, પ્લીઝ કૂલ ડાઉન. હું તમારી લાગણી સમજુ છું પણ તમે આ વાતને જેટલી સંવેદનશીલતાથી લો છો એટલી એ લેવાની જરુર નથી. આ તમારો સ્વભાવ તમારી જિંદગીના દસ વર્ષ ઓછા કરી નાંખશે. તમારી ઉંમર જ શું થઈ છે કે તમે આમ તમારી જિંદગી મારામાં જીવવાનું વિચારો છો ? તમારા શોખ – ઓરતાં પૂરા કરવાને એક ડગલું તો ભરો પછી જુઓ મંઝિલ કેટલી દૂર છે !’

‘હવે આ ઉંમરે પ્રેશર, ઘૂંટણની તકલીફ, ઉંઘની તકલીફ…આ બધા રોગો લઈને ક્યાં ફરવા જઉં બેટા ? વળી તારા ડેડીને તો સહેજ પણ સમય નથી, બહાર જવાનું તો વિચારાય જ કેમ ?’

‘મમ્મી, તમે વર્ષોથી મને આત્મવિશ્વાસની જે ઘુટ્ટી પાઈ છે એ તમે કેમ નથી શીખતા ? દરેક સંજોગો સામે લડવાનું, એકલા બિન્દાસ્ત પોતાની જાતને સુરક્ષિત રાખીને કેમ ફરી શકાય એના બધા પાઠ તમે મને આટલી ઉંમરમાં શીખવ્યા છે તો તમે એ કેમ અમલમાં નથી મૂકતાં? પપ્પા ના આવે તો કંઈ નહીં, મારા માટે જે પૈસા ભેગા કર્યા છે એ તમે તમારા ફરવા માટે વાપરો. મને કોન્ફીડન્સ આપનારી મારી માતામાં આત્મવિશ્વાસની કોઇ કમી હોય એવું હું સહેજ પણ નથી માનતી.મારી સામે તો હજુ આખી જિંદગી પડી છે શકયતાઓની. પણ તમે તમારી શક્ય છે એ જિંદગી જીવવાની શરુઆત ક્યારે કરશો ? મમ્મી, દરેક મા બાપ પોતાના અધૂરા સપના એમના સંતાનોમાં પૂરા કરવા ઇચ્છતાં હોય તો સામે પક્ષે દરેક સંતાન પણ એમના પેરેન્ટ્સને એમના ખુદના સપના સાકાર કરીને ખુશીથી જીવતા જોઇને આનંદ પામી શકે એવું કેમ નથી વિચારતા ? ચાલો હું ઓનલાઈન તમારા માટે શ્રીનાથજીની જવાની ને આવવાની બે ય ટિકિટ બુક કરાવી લઉં છું, તમે બેગ તૈયાર કરો.રહી પપ્પાની વાત. તો પપ્પાને તો તમારા કોઇ જ નિર્ણય માટે કદી કોઇ જ વાંધો નથી હોતો.’

‘રીયુ, હું એકલી તો કેટલાંય વર્ષોથી આપણા શહેરની ય બહાર નથી ગઈ. આમ એકલાં એકલા ટ્રાવેલિંગ , નવું શહેર…ના ના, મને ના ફાવે. વળી મને તો રસ્તા યાદ રાખવાની ય તકલીફ, આપણું શહેર હોય તો ગમે એને પૂછીને પાછી આવી શકું પણ બીજા શહેરમાં કેમનું પહોંચી વળાય ?’

‘મમ્મી, હું તમને ગુગલ પરથી મેપ ડાઉનલોડ કરીને આખા રૂટની પ્રીન્ટ કાઢી આપીશ. તમારી પાસે તમારો એન્ડ્રોઈડ ફોન છે, જવા આવવાની ટિકીટ છે ને પૂરતા પૈસા છે, પ્રોબ્લેમ ક્યાં છે ? મમ્મી, એક ડગલું જ ભરવાનું છે તમારે. જેમ તમને તમારી પરવરીશ પર ગર્વ છે, વિશ્વાસ છે એમ મને પણ મારો આવો તંદુરસ્ત ઉછેર કરનારી મારી મા ઉપર મારા કરતાં ય વધુ વિશ્વાસ છે. કમ ઓન…ચાલો આજે હું ચા બનાવું છું ત્યાં સુધી તમે સોફા પર બેસીને શાંતિથી વિચાર કરો.’

સોફા ઉપર સૂનમૂન થઈને બેઠેલી પરિમીતાના મગજમાં ઢગલો વિચારોના વાવાઝોડાં ફૂંકાઈ ગયા. જીવાઈ ગયેલ જીવનના, અધૂરા રહી ગયેલા ને દબાઈ રાખેલા સપનાંઓમાં આજે એની યુવાન દીકરીએ ફૂંક મારી દીધી હતી અને છેવટે ભય, આશંકાઓ ઉપર સંતાનના વ્હાલનો વિજ્ય થયો અને આગ પ્રજવલ્લિત થઈ ગઈ.

અનબીટેબલ ઃ સપનાં પર બાઝેલાં ઝાંઝવાને દૂર કરવા થોડી હિંમતના શ્વાસ જોઇએ, વધુ કંઇ નહી !

 

-sneha patel

khalipo /ખાલીપો


ખાલીપો : ૧

આજે બહુ દિવસોની ધગધગતી ગરમી પછી વરસાદ પડ્યો. ઘરની બાલ્કનીમાં ઉભેલી ઈતિએ છાલકો મારી મારીને મોઢુ ભીનું કરવાનો એક નિરર્થક પ્રયત્ન કર્યો તો ખરો પણ..દિલના દાવાનળ એમ કંઈ વર્ષાની કોમળ બૂંદોથી કદી બુઝાયા છે, તે આજે ઈતિ સફળ થવાની? એણૅ તો જાણી જોઈને હારવાનો એક પ્રયત્ન જ કર્યો બસ… આશા હતી એમ જ એ વર્ષા-બૂંદો તો સટ…ટ દઈને મોઢા પર અડતા પહેલાં જ વરાળ બનીને ઊડી ગઈ. આજે બહુ જ બેચેન હતી..એના એક એક ડગલાંમાં એની એ બેચેની છલકતી હતી..ભારે ભરખમ અતૃપ્ત અપેક્ષાઓની બેડીઓ, ગરમા ગરમ ઊના લ્હાય જેવા નિસાસાઓ…ઓહ..!! ઈતિ આખેઆખી સળગતી હતી..પીગળતી હતી…જમીન પર પ્રસરતી જતી હતી..કોઈ જ સમેટી ના શકે એવા કાચની કરચોમાં તૂટતી જતી હતી…

આમ તો ઈતિ સફળ બિઝનેસવુમન હતી..એની સફળતાના સૂરજની રોશની ભલભલાને ચકાચોંધ કરી જતી હતી..કોઈને પણ ઇર્ષ્યા કરવા માટે પ્રેરી શકે એમ એનો સક્સેસનો પારો ઉંચે ને ઉંચે જ ચડતો જતો હતો..પણ અંદરની વાતની કોને ખબર પડે..? એ ઠેર ઠેરથી ઠોકરો ખાઈ ખાઈને ગોબાઈ ગયેલી..ચારે બાજુથી મન, એને પડેલ ઊઝરડાઓથી લોહીલુહાણ હતું. એના મનગમતા, તૂટતા સંબંધનો ખાલીપો એના જીવનને અઝંપા ભરેલી રાતો સિવાય કંઈ જ નહોતું આપી શકતું.
કોઈને કહેવાય નહી ….સહેવાય નહી..!!
માનવીની એક અતિ પીડાદાયક સ્થિતિ. દિલ ચોધાર આંસુથી રડતું હોય…તરફડતું હોય…પણ આંખો કોરી ધાકોર..!! ઈતિ રોજ રોજ એ સૂક્કી ભઠ્ઠ આંખોની કિનારીઓ પર કાજળની એક લાંબી રેખા ખેંચી દેતી. જેથી આંજણની એ કાળાશમાં એના ભડ-ભડ સળગી રહેલાં અરમાનોની કાળી – ભૂખરી રાખનો દરિયો જે સતત આંખોમાં હિંડોળા લેતો રહેતો..ઉફનતો રહેતો..ગમે ત્યારે આંખોની કિનારીઓ તોડી વહી આવવા, આંસુ નામના પ્રવાહમાં તૈયાર રહેતો..એ કાળો-ભૂખરો દરિયો , કોસ્મેટીકના  રૂપાળા આંચળ હેઠળ છુપાઈ જાય. આજે રહી રહીને એને એ સંબંધનો ખાલીપો સતાવતો હતો..શાંતિથી જપવા જ નહતો દેતો.

રસોડામાં જઈને થોડી કડક કોફી બનાવી..કોફી મગ લઈને ફરીથી બાલ્કનીમાં આવીને એની મનપસંદ જગ્યા..હિંચકા પર બેઠી. ધીમી ધીમી ઠેસથી ઝુલવા લાગી..ત્યાં નજર સામે પડેલ કાગળ અને પેન પર પડી. એને લખવાનો અનહદ શોખ હતો . હંમેશા નોટ અને પેન હાથવગી રહે એમ ચાર પાંચ જગ્યાએ મૂકી જ રાખતી..લખી નાંખતી..મનઃસ્થિતિ કાગળ પર ઉતારીને થોડી હળવી થઈ જતી..અને પછી જ્યારે શાંતિથી એ વાંચે ત્યારે હોઠ પર એક નાજુક સ્મિત છલકી આવતું..એ આટલું સરસ લખી શકે છે એનો એને લખતી વખતે ખ્યાલ જ નહ્તો આવતો..આજે પણ એ નોટ પેન જોઈ હાથ કંઈક લખવા માટે સળવળી ઉઠ્યો..અને બેધ્યાનપણે જ નોટ લઈને શબ્દો ટપકાવવા માંડી..

તને ખબર છે..
મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા..
અને
તને મળવાની તીવ્ર ઝંખના છતાં
મિલનની આઘે ઠેલાતી પળો..
નિરર્થક કોશિશો…
હવાતિયાં જેવું જ કશુંક..
એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!
એ બેય મારા હૈયે ક્યારેય ના પૂરી શકાતો
અંધકારના કાળા ડિબાંગ સમો,
છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,
સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,
ખાલીપો જ ભરતો જાય છે…

આટલું લખતા લખતા તો એની છાતી ધમણ પેઠે હાંફી ગઈ..
માઈલોનું અંતર કાપીને આવેલ દોડવીરની જેમ થાકીને લોથપોથ.. !!
કાગળ અને પેન બંધ કરી, આંખોનો વરસાદ દુપટ્ટામાં સમેટતી કોફીનો મગ પુરો કરતી ઈતિ હિંચકા પર પાછળની બાજુ માથુ અઢેલીને લાશવત થઈને ઝુલતી રહી….

[ક્રમશઃ]

ખાલીપો-ભાગ-૨
____________

ઈતિને ખ્યાલ જ નહોતો રહ્યો કે એ થાકીને ચૂર થઈને ક્યારે એમ જ હતાશાભરેલ હૈયે હિંચકા પર જ સૂઈ ગઈ…આમે સવારે ૬.૦૦ વાગ્યે તો ઊઠવાનું જ હોય એણે..હાથમાં બાકી તો ફકત ૨-૩ કલાક જ વધેલા ને…!!!
રાતનો ઉજાગરો લાલધૂમ આંખોમાં સ્પષ્ટ વંચાતો હતો.
જોકે હવે તો ઈતિ એની જિંદગીમાંથી આવા કલાકોની બાદબાકીથી ટેવાઈ ગયેલી ..!!
માણસ પાસે જ્યારે નાગમતી સ્થિતિનું કોઈ ઓપ્શન ના હોય એટલે એણે નાછૂટકે એ પરિસ્થિતિથી ટેવાવું જ પડે છે. ‘નો ઓપ્શન’ આ શબ્દ માણસને ક્યારેક હતાશાની ઉંડી ખીણમાં ધકેલી દે, પણ જો માનવી એનો સાચો અને પોઝીટીવ ઉપયોગ કરતાં શીખે તો તો આસમાનની ઉંચાઈઓ પણ સર કરાવી દે છે.
આ જ ‘નો ઓપ્શન’ શબ્દ વિચારતાં વિચારતાં ઈતિથી એમ જ હસી પડાયું.  માથું ખંખેરીને બધા વિચારોને ભગાડી અને ફટા ફટ તૈયાર થઈ..બ્રેક્ફાસ્ટ…લંચબોક્સ…બાથ…અને એજ રોજ ઘરના ડ્રોઈંગરુમમાં કલાકે કલાકે ટહુકતી કોયલવાળી ઘડિયાળ સાથે હરિફાઈ..
આજે તો પણ અડધો કલાક મોડું તો થઈ જ ગયેલું..ઉતાવળે ઉતાવળૅ પાર્કિંગમાંથી ગાડી કાઢી અને ૮૦ની સ્પીડે ભગાવી …!!

ઝુમ…ઝુમ…મગજ્ના વિચારો તેજ હતાં કે ગાડીની સ્પીડ…એનું માપ તો કઈ રીતે નીકળે? ?
કાલ રાતનો યાદોનો ‘હેંગ ઓવર’ હજુ પણ માથે સવાર હતો .

ઈતિ નાનપણથી જ બહુ મહત્વાકાંક્ષી છોકરી હતી. એને જિંદગીમાં ખૂબ જ આગળ જવું હતું. ખૂબ પૈસા કમાવા હતા. મા બાપનું નામ રોશન કરવું હતું. એટલે જ કોલેજ સમય દરમ્યાન એ પોતાની સખીઓની પ્રેમકથાઓ સાંભળીને ફકત હસીને જ સાંભળી લેતી..એક કાનથી બીજા કાને બહાર. એને ના પોસાય આ બધા લાગણીવેડાં. એ ચકકરમાં એ પોતાના કેરિયર સાથે ચેડા ના કરી શકે. એકચિત્તે ઈન્ટીરીઅર ડિઝાઈનીંગનો કોર્સ કરી અને ખૂબ  સારી કંપનીમાં પાંચ આંકડાના પગાર સાથે જોડાઈ ગયેલી. એની ધગશ..આવડત અને હિંમત… બધુંય ભેગું થાય પછી એને સફળ થતાં કોણ રોકી શકવાનું..??
ત્યાં એની મુલાકાત એક મોટી કન્સ્ટ્રકશન કંપનીના એન્જિનીયર અર્થ સાથે થઈ. તરવરીયો , હસમુખો, શાર્પ દિમાગનો માલિક એટલે અર્થ મહેતા.કંપનીની એક મિટીંગ દરમ્યાન ચર્ચાઓ દરમ્યાન ઈતિ એના બહુમુખી અને હસમુખા વ્યક્તિત્વથી ખાસી અંજાઈ ગયેલી. સામે અર્થને પણ આ રુપકડી રુપકડી એના થોડી અંતર્મુખી હોવાના કારણે અભિમાની લાગતી ઈતિ પણ એટલી જ આકર્ષી ગયેલ.બંને બહુ જ ઝડપથી એક-બીજાની નજીક આવેલા અને થોડા સમયના પરિચય પછી પરણી ગયેલા..
શરુઆતના લગ્ન-જીવનના દિવસો તો ક્યાં ઝડપથી પસાર થઈ ગયા એ બેય ને ખ્યાલ જ ના રહ્યો.
લગ્નના ૨ વર્ષના ટુંકા ગાળામાં તો એમના પ્રેમની નિશાની રુપે, ઈતિ અને અર્થના સંસારમાં એક સરસ મજાનો રાજકુમાર જેવો ‘સ્પર્શ’ નામનો દિકરો પણ પ્રવેશી ચુકેલો.
સુખના સમયને સાચે પાંખો જ હોય છે.
ક્યાં એ પસાર થઈ જાય એ સમજાય જ નહી. એવું જ કંઈક ઈતિ અને અર્થની જિંદગીમાં પણ થયેલું. બંનેને જીવન ધન્ય ધન્ય લાગવા માંડેલું..
અર્થની સ્વપ્નસુંદરી જેવી ઇતિ અને ઈતિનો ઘોડેસવારવાળો રાજકુમાર એટલે અર્થ…
આ સમયગાળા દરમ્યાન ઈતિ એક્દમ જ ઘરરખ્ખુ આદર્શ ગૃહિણી બની ચુકેલી. સ્પર્શના જન્મ બાદ એણે પોતાની કેરિયર વિશે વિચારવાનું લગભગ છોડી જ દીધેલું.
ત્યાંતો એક્દમ જ ઈતિની ગાડી સામે એક નાનો છોકરો દોડતો દોડતો આવ્યો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….

ખાલીપો – ભાગ – ૩.

ત્યાંતો એક્દમ જ ઈતિની ગાડી સામે એક નાનો છોકરો દોડતો દોડતો આવ્યો અને ઈતિએ બ્રેક મારવી પડી…ચરરરર….
સાથે જ ઈતિના વિચારોને પણ જોરદાર આંચકા સાથે બ્રેક વાગી ગઈ..ગભરાટમાં ગાડીનું ઈગ્નિશન ચાવી ફેરવીને બંધ કર્યુ અને હાંફળી ફાંફળી ગાડીમાંથી નીચે ઉતરી.
પાંચેક વર્ષનો માસૂમ છોકરો બોલની પાછળ દોડતો દોડતો રસ્તા પર આવી ગયેલો.
એને જોતા જ ઈતિના દિલમાં એક જોરદાર સણકો વાગ્યો.મમતા..ઉર્મિઓનો સાગર હિલ્લોળા લેવા માંડ્યો.
અરે, આ તો અસ્સલ એના સ્પર્શ જેવડો જ, એવો જ ગોરો ગોરો..વાંકડિયા ઝુલ્ફાંવાળો,ગુલાબી ગુલાબી હોઠ અને રડે ત્યારે એના ચેહરાના હાવભાવ અદ્દ્લ સ્પર્શની કાર્બન કોપી જ જોઈ લો.
એનો સ્પર્શ પણ આવડો જ થઈ ગયો હશે ને..આવો જ લાગતો હશે કદાચ..ના ના…આનાથી પણ વધુ રુપાળો..
ઈતિએ ધ્યાનથી જોયું તો એ છોકરાને બહુ ખાસ કંઈ વાગ્યુ નહોતું. બસ, ખાલી થોડો ગભરાઈ ગયેલો ..એના ઢીંચણ પર થોડી ચામડી છોલાઈ ગયેલ..ઈતિને મોઢેથી એક હાશકારો નીકળી ગયો.સામે જ એક પ્રોવિઝનની દુકાન હતી એમાંથી એ છોકરાને એક મોટી ‘ડેરીમિલ્ક’ કેડબરી અપાવી દીધી…છોકરો ખુશ થતો થતો બધી ઈજા ભુલીને, ‘થેંક્સ આંટી’ કહીને પાછો ભાગી ગયો.
કેટલી સહજ હોય છે આ છોકરાઓની દુનિયા..કાશ, મોટેરાંઓને પણ આમ જ મનાવીને સંબંધો યથાવત કરી શકાતા હોત તો ઈતિની દુનિયા આજે કેટલી સુંદર હોત…!!!

પણ એક્વાર તૂટેલ કાચ કે એક વાર તૂટેલ સંબંધ એમ કદી સંધાયા છે..??

સંબંધો પર સમાધાનોના થીંગડા મારી મારીને જ ચલાવવા પડે છે.

આ સંબંધોની દુનિયા પણ અજબ હોય છે. જેટલી સરળ એટલી જ જટિલ.

____________________________________________________________

ઈતિએ ઓફિસે પહોંચીને એક હાશ…નો શ્વાસ લીધો. બેલ મારીને પહેલાં તો બુમ પાડી…

‘હરિકાકા..’

હરિકાકા…૫૦-૫૫ વર્ષના પ્યુન જેને ઇતિ કાકા કહીને જ બોલાવતી…

‘એકદમ ચીલ્ડ પાણીની બોટલ અને એક કડક કોફી કાકા…પ્લીઝ્…’

રુમમાં ચાલતું એસી થોડું ફાસ્ટ કર્યુ…આજકાલની ગ્લોબલ વોર્મિંગીયા ગરમી આમે માનવીની અડધી તાકાત તો એમ જ ચુસી લેતું હતું..!!

અસહ્ય ગરમી પડતી હતી..લોકોના જીવવા માટેની – જીવન જરૂરિયાતની માંગમાં હવા, પાણી, ખોરાકની સાથે સાથે જાણે ઠંડા પીણા , એ.સી, કુલર..આવું કેટ કેટલુંયે લિસ્ટમાં વધતું જતું હતું.

પાંચેક મિનિટ પછી થોડું ફ્રેશ થઈ ઈતિએ કોમ્પ્યુટરમાં સૌમ્ય પટેલની ફાઈલ ખોલી…

‘સૌમ્ય પટેલ..’

અમદાવાદના પોશ ગણાતા એરિયા ‘બોપલ’માં એમનો બંગલો હતો.. એમના બઁગલાનું ઈન્ટીરિયરનું કામ ઈતિના હાથમાં હતું.

જોકે પતિ અને પત્ની બેયના મતભેદ બહુ રહેતા ઈન્ટીરિયર બાબતે. પતિદેવને થોડું ચલાવી લેવામાં અને થોડું સુવિધાજનક ફર્નીચર જોઈતું હતું, જ્યારે પત્નીને કોઈ જ બાંધ છોડ કરવી નહોતી.ભલેને પૈસો પાણીની જેમ રેલાય પણ ૧૦ માણસ આવીને કહેવા જોઈએ ,
‘વાહ..શું ઘર છે..”

બારીનાં પડદાનું કાપડ..એને સિલાઈ..છોકરાઓનો પલંગ બધુંયે અત્યારની લેટેસ્ટ ડિઝાઈન અને સ્ટાઈલમાં જોઈએ.

બેબીના રુમની વોલનો કલર રેડ શેડમાં જ જોઈએ અને બાબાનો થોડો ડાર્ક યલો..
સોફા તો સૈફ અલીની પેલી એડ છે ને એવા જ અદદ્લ.. એ જ ડીઝાઈન ..અને ટેપેસ્ટ્રીના કલરમાં જ..

બહુ જ કચ કચ..
પણ ઈતિ હવે ટેવાઈ ગયેલી.
ક્લાયન્ટની બધી વાત ધીરજથી સાંભળતી અને પછી શાંતિથી પોતાના મુદા એવી હોંશિયારીથી રજુ કરતી કે ક્લાયન્ટ બીજાના ઘરે અને શો-રુમો કે ટી.વી.ની લોભામણી એડમાં જોયેલ ફર્નિચર ભુલીને ઈતિની ‘હા’ માં ‘હા’ કરતું થઈ જ જતું.

બધીય ડિટેઈલ્સ ધ્યાનથી જોઈ…સામે પડેલ કોફી અને મેરી બિસ્કીટ્ને ન્યાય આપી, ઈતિ સૌમ્ય પટેલના ઘર તરફ જવા ઓફિસેથી નીકળી.

ખાલીપો- ભાગ-૪
______________

ગાડીમાં બેસીને ઈતિએ આબિદા પરવિનના ગીતોની સીડી પ્લૅયરમાં સરકાવી … મ્યુઝિક સિસ્ટમમાંથી રેલાતા સૂર અને સીડીની ચોઈસ.. બેય ઈતિના સંગીતના શોખ અને એના ઊંચા ટેસ્ટની સાબિતી આપતા હતા.. એસીની ઠંડકથી એને થોડી રાહત થઈ.. થોડું ડ્રાઈવ કરીને તે ક્લાયન્ટ સૌમ્ય પટેલના બંગલાની સાઈટ પર પહોંચી. જો કે એ પહેલા સૌમ્ય પટેલ અને એના ફેમિલી વિષે જે કંઈ જાણકારી હતી એ મનોમન વાગોળી લીધી… આખરે પ્રોફેશનલ ઇન્ટીરિયર ડિઝાઈનર તરીકે એના ક્લાયન્ટના ગમા અણગમા વિષે અને એની પર્સનાલીટી વગેરે અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હતું… સાઈટ પર પહોંચી એણે કારના ડેશ બોર્ડ પર રાખેલા સુગંધિત વેટ ટિશ્યુઝ કાઢી ચહેરો લૂછ્યો અને વાળ પર હાથ ફેરવી થોડા સરખા કર્યા અને પોલેરોઈડના સન ગ્લાસીઝ માથા પર ચડાવ્યા.. સૌમ્ય પટેલના ફેમિલી મેમ્બર્સ સાથે ઈતિની આ પ્રાથમિક મુલાકાત હતી. એ સૌને જોઇ રહી..
લગભગ છ ફૂટ હાઈટ, સપ્રમાણ બાંધો અને બ્લ્યૂ લીવાયસ જિન્સ, વ્હાઈટ રીચ કોટન શર્ટ, બ્રાઉન શૂઝ… રીમલેસ ફ્રેમના ચશ્માં… ગોરો વાન… આ બધાનું મિશ્રણ સૌમ્યને અદ્દલ એના નામ પ્રમાણે જ સૌમ્ય હોવાની સાબિતી આપતું હતું .જ્યારે એની પત્ની સોનિયા એનાથી સાવ વિરુદ્ધ… ઝીરો સાઈઝ ફિગર, સૌમ્યના કાન સુધીની ઊંચાઈ… બ્રાઈટ રેડ કલરનું ટોપ, બ્લેક શોર્ટસ એના લાંબા અને સુડોળ પગને વધુ લાંબા હોવાનો અભાસ કરાવતા હતા.. ખભા સુધીના વ્યવસ્થિત રીતે કપાયેલા કલર્ડ વાળ, અને ટોપ સાથે મેચ થતી બ્રાઈટ રેડ લિપસ્ટિક અને લાઈટ ગોલ્ડ ચેઇનમાં ભરાવેલું સિંગલ રુબીના પ્રેશ્યસ સ્ટોનનું પેન્ડન્ટ અને એવીજ ઈયરિંગ્સ… કોપર બ્રાઉનથી એક શેઈડ લાઈટ ત્વચા… સોનિયાના દેખાડાવૃતિવાળા સ્વભાવની ચાડી ખાતું હતું
પળભરમાં બન્નેને જાણે નજરથી માપી લઈને તેણે વિચારી લીધું કે સોનિયા અને સૌમ્ય વચ્ચે સજાવટ અંગે ચોક્કસ મતભેદ રહેશે અને એ એણે કેવી રીતે સિફતથી દૂર કરવા પડશે એ અંગે પણ માનસિક તૈયારી કરી લીધી…. ઈતિની આ ખાસ આવડત હતી.. એના ક્લાયન્ટને એ પહેલી જ દ્રષ્ટિએ પારખવાની કોશિશ કરતી. અને એ સાયકોલોજી અને બિહેવિયરલ સાયન્સમાં માહેર હોવાને કારણે તેની ધારણાઓ ખરી ઊતરતી.. અલબત્ત આ એનો શોખ હતો.

બંગલીનો ઝાંપો ખોલતા જ એણે વિચારી લીધું કે આ જુનવાણી આડેધડ ઉગાડેલા મોટા મોટા કડવા લીમડા કે જંગલી ઝાડવાળો બગીચો તો ના જ ચાલે..અત્યાધુનિક ઓર્નામેઁટ્લ પ્લાંટસ્..વિવિધ પ્રકારના હિઁડોળા…ગાર્ડનનો વોક વે…બધાંયના ચિત્રો ઇતિના કોમ્પ્યુટર જેવા મગજમાં ફટાફટ દોરાઇ ગયા. બંગલીના પ્રવેશદ્વાર પાસે સાયકસ પામ તો જોઇએ જ અને નારિયેળીના ઝાડ તેમજ બોટલ પામ ગાર્ડનની બેય બાજુ નાખી એક મનોરમ્ય વાતાવરણ ઉભુ કરી શકાય…

ગાર્ડનનો જે ખુણો મંદીરની દિવાલ બાજુ પડતો હતો, ત્યાં ઇતિએ થોડા મહેંકતા અને પુજાના કામ લાગે તેવા ફુલોવાળા ગુલાબ અને જાસુદના છોડ અને જૂઇની વેલ અને ચંપાના તેમજ પારિજાતના ઝાડ નાંખવાનુ સજેસ્ટ કરી.. જેના લીધે મંદીરની શાંતી અને બગીચાના ફુલોની મહેંક સાથે મળીને એક પવિત્ર વાતાવરણ ઉભું કરી જાય.

ડ્રોઇંગરુમ અને ગાર્ડનની વચ્ચે એક કાચનું વોલ ટુ વોલ પાર્ટીશન આપ્યું. ગાર્ડનના ખૂણામાં વ્હાઇટ સ્ટોનવાળો વોટરફોલ ….ડિઝાયનર સ્ટેચ્યુ અને એને ફરતે અલગ અલગ કલરની નાની નાની લાઇટ નાંખવાનું ઇતિને યોગ્ય લાગ્યું જે ડ્રોઇંગરુમના સોફામાં બેસનારને સીધું જ નજરે પડે અને એમનું મન પ્રસન્ન કરી જાય. વળી ડ્રોઇંગરુમની એક દિવાલ રસોડામાં લગાવાના ગ્રેનાઇટથી જ સજાવવાનું નક્કી કર્યું. જે એકદમ રિચ અને ડિઝાઇનર લુક આપી જતું હતું. ડ્રોઇંગરુમની દિવાલને અનુરુપ પિકચરોની વુડન એંટિક ફ્રેમોવાળા એબસ્ટ્રેકટ પેઈન્ટિંગ્સ સજેસ્ટ કર્યા. ઉપરની બાજુએ પિક્ચર લાઇટ્સ મૂકાતા ચિત્રો વધુ સોહામણા બનાવી દેશે. સોફાની બાજુમાં પડતા એક ખાલી ખૂણાને પનિહારીના મનોરમ્ય સ્કલ્પ્ચરથી જાણે એકદમ જીવંત બનાવી દીધો.

આજકાલના ખુબ જ પ્રચલિત ઓક..ચેરી જેવા વુડન ફ્લોરિંગ થોડા મોઁઘા પડતા હતા..પણ ખુબ જ રીચ લુક આપતો હોવાથી સૌમ્યભાઇએ પણ પૈસા અંગે થોડી બાંધ છોડ સ્વીકારી લીધી.

સૌમ્યપટેલના પિતા અમરીષભાઇ પણ એમના જેવા જ સૌમ્ય હતા..એમની રુમમાં લાઇટ ક્રીમ કલર સિલેક્ટ કર્યો અને એમને યોગાસનો માટે મદદરુપ થઇ પડે એ માટે બેડરુમમાંથી એક દરવાજો પાછ્ળ બગીચામાં પાડવાનું વિચાર્યુ.

વુડનફ્લોરવાળી સીડીથી ઉપર ચડતા જમણી બાજુ આવતા બાળકોના બેડરુમમાં, ૮ વર્ષના છોકરાના રુમ માટે એણે ‘સ્પાઇડરમેન’ની થીમ સિલેક્ટ કરી એ મુજબ જ એના વોર્ડરોબ અને પડદાં તેમજ પલંગની ચાદરોની ડિઝાઇન બતાવી જેના પરિણામ સ્વરુપે રુમ એનર્જેટીક ફિલીંગ્સથી ભરી દીધો હોય એમ લાગે… ટીનએજ છોકરી માટે એણે ‘હેના મોંટેના’ની થીમને અનુરુપ જ લાઇટ બેબી પિંક કલર સજેસ્ટ કર્યો. એના ડ્રેસિઁગટેબલ..વોર્ડરોબના બધાયના કલર એ મુજબ જ થોડા બ્રાઇટ સિલેક્ટ કર્યા જેથી એક રોમેંટીક વાતાવરણ ઉભુ થતું હતું.

તો ડાબી બાજુ આવતા સૌમ્યભાઇ અને સોનિયાબેનના માસ્ટર બેડરૂમ માટે બહુ જ મહેનત કરી અને બન્નેને પસંદ આવે તેવો થોડો બ્રાઇટ લાગતો બે કલર ભેગા કરીને બનતો એક નવો જ ગ્રીન કલરનો એક શેડ સજેસ્ટ કર્યો. સોનિયા તો ખુશ ખુશ. આવો કુલ કલર એણે ક્યાંય જોયો નહતો..

‘બહેનપણીઓમાં વટ પડી જશે હવે..!!’

અને સૌમ્યભાઇ પણ ખુશ.. એમના શાંત નેચરને અનુકૂળ આવે તેવો જ આ કલર લાગતો હતો…

વળી ઈતિ એ બેઉના લગ્નપ્રસંગના અને અમુક રોમેન્ટિક પ્રસંગોના ફોટાની થીમથી સામેની દિવાલની સજાવટની વાત કરી એ પરથી એમને એક આશા પણ બંધાઈ કે, જુની યાદોને વાગોળતા એમની જુની પ્રેમાળ સોનિયા કદાચ પાછી જીવતી થઈ પણ જાય…!!!

વળી એક રુમ ખાલી પડતો હતો ત્યાં ઇતિએ મ્યુઝિક સિસ્ટમ..ટી.વી. અને લેટેસ્ટ સાઉંડ સિસ્ટમ ગોઠવી એને એક અલગ હોમ થિયેટર બનાવવાનું સજેસન કર્યુ જેથી બેડરુમ બેડરુમ જ રહે..ટી.વી.ના પ્રોગ્રામો પતિ પત્નીના માંડ માંડ મળતા સમયમાં વચ્ચે ના આવે….!!!

એકદમ સુવિધાજનક ગોઠવણ્…ના કોઇ જ ફેસીલિટીની કમી લાગે કે ના રુમો નાના લાગે…બહુ જ હોંશિયારીથી ઇતિએ આખા ઘરની સજાવટ સૌમ્ય પટેલ પાસે રજુ કરી…
થોડાક નાના નાના મુદ્દા સિવાય સૌમ્યપટેલ અને સોનિયા પટેલ ઇતિના બધા જ સજેશન સાથે સહર્ષ રીતે સહમત થયા.બીજા દિવસે સોફાની ટેપેસ્ટ્રી અને પડદાંના કાપડ માટે સાથે આવવાનું વચન આપી ઈતિ ઘરે પહોંચી.

હવે ઓફિસે જવાનો મૂડ અને સમય બેય નહતા. કપડાં બદલી, એનું ફેવરીટ લૂઝ ટી શર્ટ અને કોટન ચેકસની કેપ્રીઝ પહેરીને સોફામાં આડી પડી.

સૌમ્ય અને સોનિયાના મતભેદ ભરેલા સંવાદો યાદ આવતા એક લખલખું ઈતિના એકવડા બાંધાના નાજુક શરીરમાં ઝડપથી ફરી વળ્યું…એનું મન પણ વારંવાર ભૂતકાળમાં જાણે ડૂબકી લગાવી આવતું…… વીજળીની જેમ એક વિચાર આવી ગયો અને ચહેરા પર એક ફિક્કું સ્મિત પણ…

એની અને અર્થની જિંદગીમાં પણ આવા નાના નાના મતભેદોની વણઝારો ક્યાં નહોતી..!!
એને ખાવામાં દાળ-ભાત-રોટલી-શાક જેવું સાદું અને પૌષ્ટિક ખાવાનું ભાવતું. જ્યારે અર્થ.. એની જીભને તો જાત જાતની.. મસાલેદાર વાનગીઓના જોરદાર ચટાકા હતા. ભલે ને બે દિવસ એસિડિટીથી પીડાય. પણ જીભ પર કંટ્રોલ કદી ના રહે..!!! ઈતિ હંમેશા એને ટોકતી એ બાબતે.પણ નકરું પથ્થર પર પાણી.

અર્થનો જીવનમંત્ર એક જ હતો, ‘જિન્દગી મળી તો જીવી લો.. માણી લો.. કાલ કોણે જોઈ છે..?’
એ જીવનને માણવાની ઘેલછામાં શરાબ.. સિગારેટ.. નોનવેજ ખાવાનું.. એ બધા શોખનો ગુલામ થતો ચાલ્યો હતો.. મિત્રો પાછળ પૈસાનો દેખાડો કરવા માટે દિલ ખોલીને પૈસા પાણીની જેમ વાપરતો.. પરિણામે ઘરમાં હંમેશા પૈસાની ખેંચ રહેતી.

ઈતિ ઘરના બે છેડા ભેગા કરતા કરતા જાતે તૂટી જતી.
‘અર્થ, આ સિગારેટ.. શરાબ.. આ બધું તને અંદરથી ખોખલો કરી દેશે..’
થોડા વાદ-વિવાદ.. પ્રેમભરી સમજાવટ અને પછી અર્થ ડાહ્યા છોકરાની જેમ માની જતો..
‘ઓ.કે. હવેથી એ બધાને હાથ પણ નહીં લગાવું..’

થોડા દિવસ બધું સરખું ચાલતું.. ઈતિને થોડી શાંતિ વળતી.
ત્યાં તો અર્થની અંદરનો પુરુષ પાછો ઊથલો મારતો..

‘એણે મારી સાથે જીવવું હોય તો આમ જ રહેશે.. એને થવું હોય તો એ એડજસ્ટ થાય. બાકી હું તો આમ જ રહીશ. મારે શા માટે મારી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાની..? અરે, વર્ષોથી હું મારી મરજીથી જ જીવ્યો છું..હવે હું કઈ રીતે બદલાઈ શકું? આ બૈરાંઓને થોડી સ્વતંત્રતા આપીએ એટલે માથે જ ચડી વાગે સા….આના કરતા પહેલાંના બૈરાઓ સારા..!!! ઝાઝી ગતાગમ ના પડે.. પતિ એ જ પરમેશ્વર માનીને જ જીવન વિતાવી કાઢે.. બહુ ટક ટક ના કરે..!!’

અને અર્થની એજ જીવન વ્યવસ્થા પાછી ચાલુ ..!!

ઈતિ ફરી પાછી જ્યાં હતી ત્યાંની ત્યાં…!!! એ જાતને બહુ સમજાવતી. જાત સાથે વાતો કરવાની એની ટેવ હતી. એમાં હવે થોડો વધારો થતો ચાલ્યો હતો. જોકે એમાં ને એમાં બેય પતિ – પત્ની વચ્ચે સંવાદોની આપ – લે ઓછી થતી જતી હતી.. એ વાત એ બેયના ધ્યાન બહાર જ જતી હતી..ખબર જ ના પડી કે એક નાનકડી તિરાડ ક્યારે ધીમે ધીમે ખાઈ બનવા તરફ વધતી ચાલી…!!

પાણીમાં શ્વાસ રૂંધાય એવું જ કૈંક ક્ષણવાર માટે એને લાગ્યું..લોકો માટે ચોક્કસ અનુમાન બાંધી શકતી, એ મુજબ એમને સમજાવી શકતી ઈતિ એના અંગત જીવનમાં પતિને કદી સમજાવી નહોતી શકી…

પરિણામે ઈતિના જીવનમાં ધીમે ધીમે વ્યાપતો જતો હતો એક ખાલીપો….
અર્થથી ઈતિ સુધીનો ખાલીપો …
અથથી……… ઈતિ સુધીનો ખાલીપો……

ખાલીપો ભાગ-૫

ધીમે ધીમે પૈસાની એ ખેંચમાં ઈતિના દીકરા સ્પર્શની સુવિધાઓ પણ તણાતી ચાલી. ઈતિ બધું ય સહન કરી શકતી પણ સ્પર્શના ઉછેરમાં સહેજ પણ કચાશ એ નહતી સાંખી શકતી. એનું કોમળ માતૃ-હ્રદય ચૂર ચૂર થઈ જતું…. અર્થ પણ સ્પર્શને બહુ જ પ્રેમ કરતો હતો. પણ એના આવ્યા પછી ઈતિના પ્રેમના જાણે બે ભાગ થઈ ગયા હોય એમ સતત લાગ્યા કરતું… પહેલાં ઈતિ એનું સતત નાની નાની વાતોમાં ધ્યાન રાખતી એ જ ઈતિ હવે ૨૪માંથી ૧૫ કલાક તો સ્પર્શની દેખરેખ અને વાતોમાં જ કાઢતી..

અર્થની પ્રકૃતિ બહિર્મુખી હતી..એને સતત કોઈ ને કોઈ માણસ જોઇએ પોતાને સાંભળવા..પોતાનું ધ્યાન રાખવા..ઈતિએ લગ્ન પછી એ જ પ્રમાણે એને સતત સાથ આપેલો. જ્યારે હવે તો ઉલ્ટાનું અર્થ પોતે બાપ બનતા એને માથે સ્પર્શની જવાબદારી આવી પડેલી. રાતે સ્પર્શ ઊઠી જાય.. રડે ત્યારે..એની નેપીઝ્ બદલવાની હોય…અડધી ઊંઘમાં એને હીંચકા પર બેસીને ઊંઘાડવો પડતો..શરૂઆતમાં તો અર્થ બહુ જ ખુશી ખુશીથી આ બધામાં ઈતિ સાથે સહિયારી જવાબદારી સમજી સાથ આપતો..પણ થોડા વખતમાં તો એ કંટાળતો ચાલેલો. ઉલ્ટાનું ઈતિ એનું બરાબર ધ્યાન નથી રાખતી એ ભાવ જ એના મગજમાં સતત ઘુમરાયા કરતો અને પરિણામે એનું બહાર મિત્રો સાથે રખડવાનું વધતું ચાલ્યું.

અર્થના વિધવા મમ્મી વિમળાબેન આ બધી યે પરિસ્થિતિ જોતા.. મનમાં દુઃખી થતા .. એકાદ બે વાર અર્થને ઈતિની મજબૂરી સમજાવવાનો આડકતરો પ્રયત્ન પણ કરી જોયો..પણ બધુંયે નકામું…

આખરે કંટાળીને ઈતિએ પોતે નોકરી કરીને આર્થિક રીતે પગભર થવાનું વિચાર્યું. આખો દિવસ અર્થ પાસે હાથ લાંબો કરી કરીને હવે એ થાકી ગઈ હતી. મનની મૂંઝવણ લઈને વિલાસબેન પાસે ગઈ…!!!!!

‘મમ્મી… હું વિચારું છું કે હવે સ્પર્શ થોડો મોટો થઈ ગયો છે.. જો તમે એને થોડો સમય સાચવી લેતા હો તો હું મારી જુની નોકરી પાછી જોઈન કરી લઉં.. ઘરની આર્થિક પરિસ્થિતિને પણ થોડો ઘણો ટેકો મળી રહેશે..’

‘ભલે બેટા.. મને તો કોઈ વાંધો નથી.. પણ.. અર્થને પૂછ્યું..?’
‘ના..’
‘કેમ.?’
‘એને ક્યાં ટાઈમ જ છે મમ્મી અમારા માટે..મારે એને શા માટે પૂછવાનું? એ એના નિર્ણયો મને પૂછી પૂછીને લે છે..??’

વિમળાબેનથી એક ઊંડો નિઃસાસો નંખાઈ ગયો..

‘બેટા..એ કરે છે એ ભૂલ તું ના કર..પતિ- પત્ની વચ્ચે તો આવી તકરારો ચાલતી જ હોય..આપણે સ્ત્રીઓએ થોડું જતું કરીને ચલાવી લેવાનું.’

‘પણ મમ્મી શા માટે..? આપણે એક સ્ત્રી છીએ એટલે જ..!!! દર વખતે ઝઘડો થાય ત્યારે મારે જ શા માટે પહેલ કરવાની..એને અહમ હોય તો, મને પણ સ્વમાન જેવું કંઈક તો હોય ને..? મારે દર વખતે સમાધાનો કરવાના કારણ કે એ કમાઈને લાવે છે.. ઘરનું પૂરું કરે છે.. સામે પક્ષે એ સ્પર્શનું લેશ માત્ર ધ્યાન નથી રાખતો એ તમને નથી દેખાતું.. ના.. હવે બહુ થયું.. હું પણ ભણેલી ગણેલી છું.આર્થિક રીતે સ્વતંત્ર થઈશ જ.. મારે મારા દીકરાને એક સુરક્ષિત ભવિષ્ય આપવા અર્થના સહારાની કોઈ જરૂર નથી…!!!’

એ રાત્રે જ્યારે વિમળાબેને આ વાત અર્થ સામે મૂકી ત્યારે અર્થનો મગજનો પારો છટક્યો…

‘અરે.. પણ મને પૂછવું તો જોઇએ જ ને.. હું થોડો ના પાડત.. મને પણ આ જ વિચાર આવતો હતો મગજમાં.. આમ તો થોડી ચાલે.. સ્વતંત્રતાના નામે ઊઘાડે છોગ મનમાની… કોઈ જાતની સમજદારી જ નહીં… હું પણ આખરે સ્પર્શનો બાપ છું. એના જેટલો જ હું પણ સ્પર્શને પ્રેમ કરું છું.. હા… એની જેમ મારો પ્રેમ વ્યકત નથી કરી શકતો.. એનો મતલબ એમ થોડી થાય કે મને એના ભવિષ્યની ચિંતા નથી…!!’

એ રાત્રે ઇતિ અને અર્થનો બેડરૂમ કટાક્ષ ભરેલા ઉગ્ર અવાજોથી સતત પડઘાતો રહ્યો.. એ.સી. રૂમ છતાં બહાર આવતો એ ઝગડાનો અવાજ વિમળાબેનનું કાળજું ચીરતો ચાલ્યો. ઈતિનુ ઓશીકું ઊના ઊના આંસુઓથી ભરાતું ચાલ્યું અને એનાથી વિપરીત દિશામાં મોઢું ફેરવીને સૂતેલા અર્થને પણ દિલમાં આ નાગમતી સ્થિતિઓના ચાબખા સટ..સટ…સટ..પ્રહારો કરતા રહ્યાં..આમ જ એ ઘટનાના ભારથી રાત હિજરાતી ચાલી…ચંદ્રનું તેજ પણ જાણે વ્યથિત થઈને આજે ઝાંખુ પડી ગયેલું હતું.

બંને વિચારતા હતાં કે, ‘પ્રેમ તો બેય પક્ષે છે…ખાત્રી છે..તો પછી આવી પરિસ્થિતીઓ કેમ ઊભી થતા હશે લગ્નજીવનમાં..? ફકત ૪-૫ વર્ષના સહજીવનમાં જ બેય પરિસ્થિતીઓને વશ થઈ સંબંધોના સામ સામા છેડે કેમ જતા રહ્યાં..કેટકેટલી કલ્પનાઓ કરેલી બેય જણે લગ્નજીવન વિશે…એ બધાયનું સાવ આમ જ બાષ્પીભવન..!!!’

ખાલીપો – ભાગ-૬
______________
ચૂંથાયેલી રાતના સળ સાથે બીજા દિવસનો સૂરજ ઊગ્યો… કોમળ રશ્મિકિરણો ઈતિના ચહેરા પર પથરાતા હતા. એના કારણે ઈતિનો નમણો, નાજુક ચહેરો જાણે કે સોનાનો ઢોળ ચડાવેલો હોય એવો મનમોહક લાગતો હતો. ઈતિ ખૂબ જ સુંદર હતી. અર્થ એનો સુકોમળ ચહેરો જોતો જ રહ્યો. મન થયું હાથ લંબાવી રોજની જેમ જ ઈતિના ગાલ પર પંખાના પવનથી ઊડતી લટોને સરખી કરીને ઈતિના કાન પાછળ ગોઠવી દે, જેથી ઈતિની ઊંઘમાં ખલેલ ના પહોંચે. એની કાળી લાંબી પાંપણો ઉપર પોપચાંમાં જે રતાશભરી પતલી, બારીક નસોનું જાળું છે એના પર એક મૃદુ ચુંબન કરી લે.. ડાબે પડખે સૂતેલી ઈતિનું રેશમી ગાઉન પણ ગળા પાસેથી થોડું નીચે અને પગ પાસેથી ઊંચું સરકી ગયેલું.. એકસરખી લયમાં લેવાતા શ્વાસોછવાસથી ઈતિની છાતી જે લયમાં ઊંચી નીચી થતી હતી, એ જોઈને એના સ્પર્શ માટે અર્થની અંદરનો પુરુષ એકવાર તો થોડો ઢીલો પડી ગયો. મન થયું એની છાતી પર માથું મૂકીને ફરી થોડીવાર સૂઈ જાય.. એના ધબકારાનું સૂરીલું સંગીત સાંભળે. ઈતિને જોરથી પોતાની છાતી સાથે વળગાડીને ચુંબનોના વરસાદથી નવડાવી દે…

પણ… હાયરે.. અહમ..!!!

‘એણે મને પૂછવું તો જોઇતું હતું એકવાર… હું ના થોડો પાડત? એણે સામે ચાલીને ઝઘડાની શરૂઆત કરી છે. તો ભોગવે એના પરિણામ.’

અને… એ ઊઠીને તૈયાર થઈને ટિફિન.. નાસ્તો કશાની પરવા કર્યા વગર, કશું જ બોલ્યા વગર ઓફિસ જવા નીકળી પડ્યો.

ઈતિ પણ મક્કમ હતી. રાતના ઉજાગરાથી આંખો રાતીચોળ હતી.. બહુ થાકેલી હતી.. પણ ફટાફટ સ્પર્શનું, ઘરનું બધું કામ આટોપી .. અને પોતાની જુની ઓફિસ પહોચી. એનો પહેલાનો રિપૉર્ટ તો સરસ જ હતો. એટલે નોકરીમાં ફરી જોડાવામાં કોઈ જ તકલીફ ના પડી.
..અને એ ફરીથી એ નોકરીમાં જોડાઈ ગઈ.

જો કે, અહમનો આ ટકરાવ ઈતિ અને અર્થના જીવનને નવો જ કદાચ ખતરનાક વળાંક આપી રહ્યો હતો એની તો બેમાંથી એકેય ને ક્યાં સમજ જ હતી..?
____________________________________________________________

બન્ને વચ્ચે જાણે કે એક નવી જ જીવનવ્યવસ્થા ગોઠવાતી જતી હતી…

‘કોઈ કોઈને રોકે નહીં… કોઈ કોઈને ટોકે નહીં..!!”

આમ જુવો તો બહુ સગવડભરી પરિસ્થિતિ કહેવાય..

પણ પતિ અને પત્નીના સંબંધોમાં આવું કેમ અને ક્યાં સુધી ચાલે..?? પ્રેમ અને વિશ્વાસનો આ સંબંધ જાણે બેય છેડેથી ચિરાતો જતો હતો ..!!!
____________________________________________________________

ઘરનું કામ, ઑફિસનું ટેન્શન.. સ્પર્શની જવાબદારી.. અને અર્થના બેજવાબદારી ભર્યા વર્તનથી અનુભવાતી માનસિક તાણ આ બધુંય ઈતિના શરીર પર પોતાની છાપ છોડવા માંડ્યું… વિમળાબેન પોતાનાથી બનતી બધી મદદ કરતા એને.. પણ અર્થ જેવો માનસિક ટેકો એ થોડી આપી શકવાના હતા.?

સામે પક્ષે અર્થ પણ અંદર ને અંદર અકળાતો… ધૂંધવાતો… પણ કોને કહે એ અકળામણ..?
એ અકળામણ છુપાવવાના અને તેનાથી બચવાના ઉપાયરૂપે નેટ.. શરાબ.. સિગારેટ.. મિત્રો પાછળ પૈસા વેડફવા જેવી પ્રવૃત્તિઓ વધવા લાગી.. રાતના ૨-૩ વાગ્યે તો એ ઘરે આવતો..
વિમળાબેન પણ હવે તો એને સમજાવી સમજાવીને થાક્યા..
‘આખરે એના લોહીમાં જ છે આ ઈગો ને ગુસ્સો… અસલ એના બાપ જેવો જ – રમેશભાઈનો જ વારસો જોઈ લો જાણે.. એને સમજાવવાનો કોઈ જ મતલબ નથી હવે…’

અર્થ પણ મનમાં વિચારતો..

‘ઈતિને બતાવી દઉં કે હું પણ તારા વિના મજાથી, કદાચ વધારે સારી રીતે જીવી શકું છું.. મારી સાથે મિત્રતા કરવા હજુયે કેટલી ય છોકરીઓ તરસે છે…!!”

બસ.. પત્યું… ઈતિને બતાવી દેવાની દાઝને શસ્ત્ર બનાવીને અર્થ રેશમા નામની એક છોકરીને વધુ મહત્વ આપવા માંડ્યો.. એને તો બસ ઈતિને બહુ જલાવવી હતી..
‘બળીને એની રૂપાળી ગોરી કાયા કાળી મેશ થઈ જાય.. એ હદ સુધી એને જલાવીશ હવે.. જલનમાં ને જલનમાં એ મારી તરફ પાછી ફરશે… મને ખાત્રી છે. હું મારા માટેનો એનો માલિકીભાવ બહુ સારી રીતે ઓળખું છું.’

અર્થ ઝેરના પારખા કરવા બેઠો હતો.. સાચો પ્રેમ નફરત કરીને કે ઈર્ષ્યાના પાયે કદી ના મેળવી શકાય એટલી સમજણ જ જાણે ગુમાવી બેઠો હતો..

ઈતિને રોજ અર્થના મોબાઈલમાં સમય કસમયે આવતા મેસેજીસ.. ફોન કોલ્સ.. અર્થના કપડામાંથી.. એના અસ્તિત્વ સુધ્ધામાંથી પરસ્ત્રીની ગંધ આવવા માંડેલી..

અર્થની સાથે એકાદવાર એ બાબતે વાત કરવાનો પ્રયત્ન પણ કરી જોયો.. પણ અર્થે એ સાંભળવાની દરકાર જ ના કરી.. ઈતિનું સ્ત્રીત્વ… સ્વમાન ભયંકર રીતે ઘવાયું. ખૂબ અકળાઈ ગઈ હતી હવે તે… એની સહનશક્તિની હદ આવી ગઈ જાણે કે.

એવામાં એક દિવસ સ્પર્શ માંદો પડ્યો..

એટલે નાછૂટકે થોડાઘણા સંવાદોની આપ-લે કરવી પડી પતિ પત્નીને..!!!

“આજે મારે ઓફિસે બહુ કામ છે અર્થ.. સ્પર્શને દવાખાને લઈ જઈશ તું?”

“ના.. મારે આજે બહારગામ જવાનું છે.. કદાચ બે- ત્રણ દિવસ પણ લાગી જાય.. તું તારી રીતે મેનેજ કરી લેજે..”

અર્થ ઘરની બહાર નીકળી ગયો… ઈતિની એક પણ વાત સાંભળવા ના રોકાયો..

ઈતિએ મજબૂરીમાં રજા પાડવી પડી.. પણ આખો દિવસ આંખો સામે બોસનો ગુસ્સેલ ચહેરો જ ફરતો રહેલો…
ને રાતે…
અર્થ પાછો ઘરે આવી ગયો..
‘અરે.. મારે જવાનું કૅન્સલ થયું. બપોરના ૩ વાગે જ કામ પતી ગયેલું.. મેં તને ફોન કરેલો પણ એંગેંજ આવતો હતો.. એ પછી મારા ફોનની બેટરી જ ખતમ થઈ ગઈ .. નહીંતો તારે નાહક રજા ના પાડવી પડત .. સોરી, હવે સ્પર્શને કેમ છે..?!!’

ઈતિ અર્થના એ ના કરાયેલા ફોન કોલ્સના જૂઠાણામાં ભડ ભડ સળગતી ઊભી રહી… કશું જ ના કરી શકી.. કરી શકે એ હાલતમાં પણ ક્યાં હતી..? એ મા હતી… દીકરાની માંદગી એ એની વણલખેલી, વણકહેલી ફરજમાં પહેલી આવતી હતી.. જેમાંથી અર્થે પોતાના હાથ સિફતથી ઊંચા કરી દીધેલા.. ચૂપચાપ સ્પર્શની દવાની બોટલ લઈને ત્યાંથી નીકળી ગઈ.. અને અર્થ પોતાની ચાલાકી પર ખુશ થતો ત્યાં જ ઊભો રહ્યો.

સ્પર્શને દવા આપી… થર્મોમીટરથી તાવ માપ્યો…. થોડું સીઝનલ ફીવર જેવું હતું. પણ ચિંતાને કોઈ કારણ નહોતું.

આખા દિવસની દોડાદોડીથી થાકેલી ઈતિ કપડાં બદલી અને સ્પર્શની બાજુમાં આડી પડી.. બહુ જ થાકેલી પણ ઊંઘ આજે એને દગો દેતી હતી. એની સાથે સંતાકૂકડી રમતી હતી. તન કરતાં મન વધુ થાકેલું હતું.. અર્થ પર ગુસ્સો આવતો હતો.. બહુ બધો.. પણ એના સ્વભાવ મુજબ એ એને નફરત નહોતી કરી શકતી. ચૂપ ચાપ પોતાની જાત સાથે જ વાતો કરતી રહી..

” હું તને સહેજ પણ નફરત નથી કરી શકતી
ઊલટાનું એ પ્રયત્નોમાં પ્રેમ વધતો જાય છે.
તારા માટે પ્રેમ વધે એ તો કેમ પોસાય…?
કારણ તું તો હવે મારાથી દૂર – સુદૂર વસી ગયો છે ને…
તને નફરત કરીશ તો કોઇ પર વિશ્વાસ નહીં મૂકી શકું,
કોઇને પ્રેમ નહીં કરી શકું…
વિશ્વાસ… પ્રેમ.. નફરત.. હાય રે…!!!
આ બધા ચક્કરો શું મારો જીવ લઇને જ જંપશે કે શું?”

ખાલીપો : ભાગ – ૭
સ્પર્શનું ગોરું ગોરું ગોળ મટોળ મોઢું તાવથી તપીને રતૂમડું થઈ ગયેલું.. એને થતા તકલીફ એના મોઢા પર સ્પષ્ટપણે દેખાતી હતી. !! અર્થ બાપ હતો આખરે સ્પર્શનો.. બેધ્યાનપણે જ એનો હાથ લંબાઇ ગયો સ્પર્શ તરફ..એના વાંકડિયા ઘુંઘરાળા વાળમાં એની આંગળીઓ પરોવી અને એના લલાટ પર મૃદુ ચુંબન ચોડી દીધું.
સ્પર્શ થોડો સળવળ્યો.. તાવના લીધે એની ઊંઘ થોડી કાચી હતી અને એકદમ જ ઊઠવું પડ્યું એટલે હોય કે હમણાંથી અર્થના સ્પર્શની ટેવ છૂટી ગઈ હશે એના કારણે હોય.. ખ્યાલ નહીં… પણ એ એકદમ જ ભેંકડો તાણીને રડી પડ્યો…!!
“શું થયું બેટા..?” ઈતિ એકદમ જ સફાળી બેઠી થઈ ગઈ.
એક તો તાવ અને એમાં ભેંકડો તાણ્યો ભાઇએ… અને. થોડા ટાઇમ પહેલાં જ માંડ માંડ થોડી ખીચડીના સથવારે આપેલી દવા બેય ભફાક્…ક…. દઇને સ્પર્શના પેટમાંથી ઊલટી રૂપે બહાર..!!!
ઈતિ આખા દિવસની થાકેલી… મેન્ટલ અને ફિઝિકલી બેય રીતે… માંડમાંડ સ્પર્શને ઊંઘાડીને એ આડે પડખે થયેલી.. હજુ તો બે પાંપણોનો માંડ મેળાપ થયેલો.. નિદ્રાદેવીએ એના શરણે લઈ.. હળવેથી થપકીઓ આપી.. જાણે સાંત્વના આપીને ઊંઘાડવાની શરૂઆત જ કરેલી.. અને સ્પર્શનો આ કકળાટ.

”આહ.!! “

એની સહનશક્તિ જવાબ દઈ ગઈ હવે…

”બહુ પ્રેમ છે દીકરા માટે તો આખો દિવસ ક્યાં હતો આ પુત્રપ્રેમ.?”

” તે હું ખોટું બોલ્યો એમ કહેવું છે તારું કેમ …?”

”મેં એવું ક્યાં કહ્યું..”

” પણ તારી વાતનો મતલબ તો એવો જ થતો હતો ને… ”

” જો અર્થ… હું સખત થાકેલી છું… પ્લીઝ… મને ઊંઘની સખત જરૂર છે… આપણે કાલે વાત કરીશું.”
” કેમ.. ? ખોટી પડી એટલે હવે વાત બદલી કાઢી એમ જ ને… અને ના મેનેજ થતું હોય તો નોકરી કરવા શેના નીકળી પડ્યા’તા આમ.. !!!”

”અર્થ તું બધી લિમિટ ક્રોસ કરે છે ”

” લો, સત્ય કહ્યું તો મરચાં લાગી ગયા…! આખી દુનિયાના બૈરાં નોકરી કરે છે, પણ આમ ઘરબાર ને છોકરાને રઝળતા નથી મૂકી દેતા કોઇ.. એક બહાનું જ જોઇએ છે તારે તો જવાબદારીમાંથી છટકીને સ્વતંત્રતાના નામે બહાર રખડવાનું .. મને બધું ય સમજાય છે.. કંઈ નાનો કીકલો નથી હું… તારી જુની ઑફિસમાં તારી પાછળ પાગલ પેલા આકાશીયાને પણ હું જાણું છું… એ હવે પાછો તને દાણા નાંખશે અને તને મજા આવશે કે “જો.. હજુ પણ મારા આશિકો મને એટલા જ ચાહે છે… અને હું પણ ધારું તો….”
”સટ્ટાક……..ક્….. ” ઈતિનો હાથ ઊપડી ગયો…!!!
ઈતિથી બધું સહન થઈ જતું. પણ એના ચારિત્ર્ય પર આવો કાદવ ઉછાળાય એ એનાથી ક્યારેય સહન ના થતું. અર્થ એની આ કમજોરી બહુ સારી રીતે જાણતો એટલે આજે હાથે કરીને એણે આવી રીતે વાત કરી..એ ઈતિને ઝુકાવવા માંગતો હતો..એની માફી માંગે એ માટે એ ગમે તે કરવાની હદ સુધી જવા તૈયાર થઈ ગયેલો. એનો ઘવાયેલો અહમ્ એને પશુતાની હદ સુધી ખેંચી ગયેલો.. એની આંખે નફ્ફટાઈના પાટા બંધાઈ ગયેલા જાણે. ઈતિને….એ જ ઈતિને જેણે અર્થે પાગલપણની સીમા સુધી પ્રેમ કરેલો.. એના એક એક વચને એ જાન આપવા તૈયાર થઈ જતો હતો.. એ જ ઈતિ સામે આજે વેર વાળવાની જીદ્દ લઈને બેઠેલો…!!!
અને ઈતિ … સાવ જ જડવત્ થઈ ગયેલી… આ એનો જ અર્થ બોલતો હતો..!!! જેને એણે પોતાની પાછલી જિંદગીની રજેરજ વિગત એકદમ નિખાલસતાથી કહી દીધેલી.. આકાશને એના માટે બહુ લાગણી હતી પણ એ એને એક સારો મિત્ર જ માનતી હતી એ વાત પણ એણે જ અર્થને કહેલીને… !! એ વાતનો અર્થ આવી રીતે પોતાને નીચી પાડવા માટે વાપરશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. થોડા દિવસ રહીને આ રિસામણા મનામણામાં ફેરવાઈ જશે એવો થોડો ઘણો વિશ્વાસ દિલના એક ખૂણે સતત ધબકતો હતો.. પણ અર્થના આજના વર્તને એ મનામણાનો સેતુ રચવાને બદલે એ રિસામણાની દિવાલને નફરતનું વધુ એક મજબૂત પ્લાસ્ટર ચણવાનું કામ કર્યું હતું..!!
અર્થને દુખતું હતું પેટ અને કૂટતો હતો માથું… સ્પષ્ટપણે દેખાતું હતું…!!
જ્યારે… આ બાજુ અર્થ પણ સાવ જ બઘવાઇ ગયો… ઈતિના એ લાફાએ તન કરતા મન પર ..એના પુરુષત્વ પર જ જાણે સીધો પ્રહાર કર્યો હતો..!!! ઈતિ જેવી શાંત પત્ની આવું વર્તન કરે એ હજુ પણ એના માન્યામાં નહોતું આવતું..!!! ધૂંધવાતો…અંદર ને અંદર તરફડતો એ રૂમમાંથી બહાર નીકળી ગયો…
અને ઈતિ ઘસી આવેલા આંસુના વેગને ખાળવા અસમર્થ એવી નિઃસહાય બનીને છુટ્ટે મોઢે રડી પડી…
__________________________________________________________________________
બીજા દિવસની સવાર ઈતિ માટે એક કાળમુખો સંદેશ લઈને જાણે કે ઊગેલી.. ચા-નાસ્તાના ગોળ ટેબલ પર અર્થ ઈતિની સામે જઈને બેઠો…
ઈતિ સ્પર્શને ચમચીથી બોર્નવિટાવાળું દૂધ પિવડાવી રહી હતી.
” ઈતિ … તું અને હું હવે એક છત નીચે એક સાથે નહીં રહી શકીએ..માફ કરજે મને. ”
” મતલબ…? તું શું કહેવા માંગે છે એ સ્પષ્ટપણે કહીશ અર્થ મને.. ”
” ના જ સમજાતું હોય તો લે એકદમ સરળ શબ્દોમાં કહું છું, મારે ડિવોર્સ જોઇએ છે..!! ”
”અર્થ… દીકરા… તું શું બોલે છે એ તને ભાન છે કંઈ.. ” વિમળાબેનનું દિલ જાણે કે એક ધબકારો જ ચૂકી ગયું..
”મમ્મી..તમે વચ્ચે ના આવશો પ્લીઝ.!! ”
ઈતિ સાવ જ અવાચક..!!!! એને ધારણા તો હતી જ કે રાતની ઘટનાના પ્રત્યાઘાતો તો આવશે જ ..પણ સાવ અર્થ આમ છેલ્લી કક્ષાની વાત કરશે એ તો એના માન્યામાં જ નહોતું આવતું.. રડી જ પડી એ ……
”અર્થ… સમજવાનો પ્રયત્ન તો કર… હું સ્પર્શની બીમારીને લઈને સખત ટેન્શનમાં હતી… એમાં તારી આવી વાત સાંભળીને મારો કાબૂ ના રહ્યો મારી જાત પર…. પણ એને લઈને સાવ આમ બાલિશ વર્તન ના કર… ”
”ઓહ્.. તો સ્પર્શની બીમારીનું ટેન્શન તને જ છે એમ કે… ઓ.કે… તો સાંભળ.. સ્પર્શને હું ઊછેરીશ.. મારા જેવો એક સારો અને મજબૂત માણસ બનાવીશ.. તું એકલી જ આ ઘરમાંથી જે જોઇતું હોય તે લઈને જઈ શકે છે.. જે ખાધા-ખોરાકી કે ભરણ-પોષણ પેઠે જોઇતું હોય તે અહીં જ કહી દેજે… નકામું કોર્ટમાં ભવાડા ના કરીશ..!! ”
ઈતિ પર જાણે કે વીજળી ત્રાટકી હોય એવી હાલત થઈ ગઈ..
એનું માથું ભારે થઈ ગયું.. આખી પૃથ્વી જરા વધુ જ સ્પીડમાં ફરવા લાગેલી… ચક્કર જ આવી ગયા એને.. અને
“ધબાક…”
એક મોટો અવાજ થયો… એના ખોળામાંથી દૂધ ના પીવા માટે ધમપછાડા કરતા સ્પર્શ પર એનો કાબૂ ના રહ્યો અને એ નીચે ફસડાઇ પડ્યો…!!!

ખાલીપોઃ ભાગ-૮
સ્પર્શ ના માથામાં પાછળના ભાગમાં ટેબલનો ખૂણો ઘુસી ગયો અને લોહીની ધાર વહેવા લાગી. નાના મગજની એકદમ જ બાજુમાં વાગેલું. લોહી હતું કે બંધ થવાનું નામ જ નહોતું દેતું. ઇતિ અને અર્થ બેય એકદમ સ્તબ્ધ..ઇતિનું મન તો અપરાધભાવથી જકડાઇ જ ગયું…

‘અરે..મારી બેદરકારીની સજા મારા દીકરાને..!!”

એક્દમ જ જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ અર્થે સ્પર્શને ખભા પર ઉપાડ્યો. ટેબલ પરથી ગાડીની ચાવી લીધી અને બહાર પાર્કિગમા પડેલી ગાડીમા એને નાંખ્યો. ઇતિ પણ
દોડતીકને એની સાથે જ બેસી ગઈ..સાથે એક બરફનો મોટો ગાંગડો પણ રુમાલમાં વીંટાળતી આવેલી. જે સ્પર્શના માથામાં ઘસવા માંડી.

અર્થે રસ્તામાંથી જ ડોકટરને મોબાઈલમાં બધી હકીકતથી જાણકારી આપી દીધી..
રડતાં રડતાં સ્પર્શ એક્દમ જ બેભાન થવા લાગ્યો..ઇતિ હવે જબરદસ્ત મૂંઝારો અનુભવવા માંડી. એક બાજુ એનો રક્ત-પ્રવાહ અટકવાનુ નામ નહતો લેતો અને એમાં આ દીકરો સાવ જ ખામોશ થતો ચાલ્યો..દિલમા સતત કંઈક તૂટતું જતું હોય એમ અનુભવવા લાગી.

‘અર્થ મને માફ કરી દે..હું બદનસીબ..બેદરકાર મા..આપણા દીકરાને સાચવી ના શકી એટલે જ આમ થયું ને..”

અર્થને ઇતિની પર ગુસ્સો આવતો હતો પણ સાથે હવે એની દયા આવવા લાગી..

‘ઇતિ..એ તો બનવાકાળ હશે..તે બની ગયું. તું આમ નિરાશ ના થા. આપણા સ્પર્શને કંઈ નહી થાય..હું બેઠો છું ને હજાર હાથવાળો એનો બાપો..”

પણ ઇતિ તો જાણે આ દુનિયાથી પર થઈ ગઈ હોય એમ શુન્યમાં જ તાક્યા કરતી હતી..એના કાને કશું જ અથડાતું જ નહતું..!!! સ્પર્શની ખામોશી જાણે કે એની વાચા હરી ગઈ હતી.

એટલામાં હોસ્પિટલ આવી ગઈ..સફેદ ડગલાંની દોડાદોડ–સ્ટ્રેચર લાવીને સ્પર્શને ફટાફટ ઓ.ટીમાં લીધો. અને ઓ.ટી. રુમની બહાર લાલ બલ્બ બળવા માંડ્યો..
એટલામાં હાંફળા ફાંફળા થતાંકને વિમળાબેન પણ રિક્ષામાં આવી પહોંચ્યા.,

“શું છે સ્પર્શની હાલત બેટા..? ડોકટરો શું કહે છે..કંઈ ચિંતાજનક પરિસ્થિતી તો…પ્લીઝ..મને કંઈક તો કહે..”

“મમ્મી…હજુ હમણાં જ તો સ્પર્શને અંદર લીધો છે..થોડી રાહ તો જુવો..શાંતિ રાખો..કંઇ નથી થવાનું એને..એ તો થોડું વાગ્યું છે….બસ, તમારા કાન્હાને પ્રાર્થના કરો બેઠા બેઠા…!!!”

વિમળાબેન હતપ્રભ થઈ ગયાં. આમ તો એમને એમના દીકરા પર પૂરો વિશ્વાસ હતો. કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવાની કુનેહ હતી એનામાં. પણ આ વાતમાં દીકરાની વાત પર ભરોસો કેમનો રહે..?? કંઈક અમંગળની એંધાણી સતત એમના દિલને અંદરથી બેચેન કરતી રહેતી હતી.

“મૂઈ..આ જમણી આંખ પણ સવારની ફરક ફરક કરતી હતી..મને ખ્યાલ હતું જ કે આવું કંઈક…” મનમાં ને મનમાં બબડયા ને જઈને ઈતિની પાસે બેન્ચ પર બેસી ગયા.

સતત ઓ.ટી.માં ડોકટરોની અવર-જવર..લોહીના બાટલા લઈને દોડતી નર્સો…દવાઓની ઉબાઉ ગંધ..વારેઘડીએ ખુલતો બંધ થતો ઓપરેશનરૂમનો દરવાજો થોડો ખુલ્લો જોઈને ઇતિથી ના રહેવાયું..એ તિરાડમાંથી અંદર નજર નાંખીને પોતાના લાડલાનું મુખ જોવાની લાલચ જતી ના કરી શકી..અને અંદર સ્પર્શની હાલત જોઈને હૈયુ જાણે કે બેસી જ ગયું. નાનકડા નાજુક સા હાથમાં પારાવાર સોયો…ટ્યુબોના ગુંચળા…પાછળ જાત જાતના મશીનો…અને ચારેબાજુ ડોકટરોથી ઘેરાયેલો એનો લાડકવાયો પારાવાર દુઃખ અનુભવતો હતો એના ચહેરા પરની વ્યથા આંખે ઊડીને વળગતી હતી..ઇતિએ ખાલી ખાલી નજરથી જ એને જોયા કર્યુ. એની આંખો જાણે કે મગજને કોઈ જ સંદેશો પહોંચાડવા માટે નિષ્ફળ જતી હતી. કોઈ જ જાતની સંવેદનાનો અનુભવ નહતો થતો એને..!!!

એટલામાં ઓ.ટી.ની બહાર લીલા રંગનો બલ્બ ઝબૂકી ઊઠ્યો..ડોકટરોની ટીમ બહાર આવી. સફળતા અને નિષ્ફળતા મિશ્રિત થોડા વિચિત્ર ભાવ હતા એમના મોઢા પર..

“ડોકટર..શું થયું..બધું બરાબર તો….” આગળનું વાક્ય બોલાયું જ નહી અર્થથી.

ડોકટરે અર્થના ખભે હાથ મૂકીને સાંત્વના આપી..

‘આમ તો બધું સરસ છે..ઓપરેશન પણ સક્સેસફુલ જ છે..તો પણ એ ભાનમાં આવે પછી જ ચોકકસ કહી શકાય..મોટાભાગે એ ૪-૫ કલાકમાં તો ભાનમાં આવી જ જવો જોઈએ..”

થોડો હાશકારો અનુભવ્યો અર્થ અને વિમળાબેને..

ઇતિને ખભેથી પકડીને હચમચાવતો અર્થ બોલ્યો..

‘ઇતિ જો..આપણા સ્પર્શને કંઈ જ નહી થાય હવે..હવે તો કંઈક બોલ..”

પણ ઇતિને તો જાણે કંઈ અસર જ ના થઈ..

ડોકટરોએ ધ્યાનથી એની સામે જોયું, “અર્થ..આમને કંઈક બોલાવો..રડાવો..આ હાલત બહુ ખતરનાક છે એમના માટે..”

અર્થ હવે સાવ જ તૂટી ગયો..ઇતિના વાળમાં હાથ ફેરવતા ફેરવતા એને નાના છોકરાની
જેમ સમજાવવા માડ્યો..પણ એક પણ શબ્દ ઇતિના કાને પડતો જ નહતો..પડદા સાથે અથડાઇને પાછો જ આવતો હતો..!!

વિમળાબેનથી પણ એમની નાજુક અને કહ્યાગરી વહુની હાલત જોવાતી નહતી..એમને ઓછાબોલી અને એમનું પૂરું ધ્યાન રાખતી આ રમકડા જેવી વહુ માટે અનહદ લાગણી હતી.

“બેટા..જો સ્પર્શને તો હમણાં સારું થઈ જશે..મારો હજાર હાથવાળો બેઠો છે ને…આમ ચિંતા ના કર બેટા..લે આ પાણી પી લે થોડું..સારુ લાગશે..વળી સ્પર્શ ભાનમાં આવે તો માનું આવું દીવેલીયું મોઢું જોઈને એને કેવું લાગે..ચાલ થોડું હસતું મોઢું રાખ હવે..”
થોડી થોડી એ નજરની સફેદાઈ ઓછી કરતી ઇતિની સ્થિર કાળી કીકીઓએ હલન ચલન કર્યું..

એનાથી અર્થને થોડી શાતા વળી.. હાશ…હવે સ્પર્શની કાલીઘેલી વાણીમાં..’મમ્મી’ શબ્દો સાંભળશે એટલે ઇતિને આમાંથી બહાર લાવતા પળનો સમય પણ નહી લાગે..!

આ બધી મથામણોમાં સામેની દિવાલ પર અર્થની નજર સતત ચોંટેલી જ હતી..પળ પળનું ધ્યાન રાખતો હતો એ..આ ૪-૫ કલાક…એટલે બપોરના બે કે ત્રણ..હવે તો પાંચ વાગવા આવેલા..હજુ પણ સ્પર્શને ભાન નહોતું આવેલું..બીજા બે- ત્રણ ડોકટરો પણ આવીને એને તપાસી ગયેલા અને ઠાલા શબ્દોથી એની સારી તબિયતના સમાચાર આપતા ગયેલા….અર્થને પણ હવે તો સમજાતું નહોતું કે શું કરવું..??

આખરે સાંજે સાત વાગે સ્પર્શ થોડો સળવળ્યો..અને નર્સ દોડતી દોડતી મોટા ડોકટરને બોલાવી લાવી..

ડોકટર પણ દોડતા દોડતા ઓ.ટી.માં ઘૂસ્યાં…અને એને ચેક કરવા લાગ્યાં.એક સ્પર્શની હાલત જોઈને એક લ્હાય જેવો નિઃસાસો નાંખી ગયા..એમને જે ડર હતો એ આખરે સાચો પડ્યો હતો..

સ્પર્શની બોલવા અને સાંભળવાની શક્તિ ચાલી ગયેલી…!!!!!

બહાર આવીને ભારે હૈયે એમણે આ સમાચાર અર્થને અને વિમળાબેનને આપ્યાં..
અર્થ અવાચક જ થઈ ગયો..બહુ મોટો આઘાત હતો આ એના માટે..એણે ઇતિ સામે નજર ફેરવી…
ઇતિએ કદાચ ડોકટરની વાત સાંભળી લીધેલી..એનું શરીર હવામાં લહેરાવા લાગ્યું..અર્થ બે સેકંડ માટે જ મોડો પડ્યો એને ઝીલવામાં, અને એ જમીન પર ધડામ દઈને ફસડાઇ પડી..ને બેભાન થઈ ગઈ..!!!

ખાલીપોઃ ભાગ- ૯

વિમળાબેન અને અર્થ બેય એક-બીજાનું મોઢું તાકતા રહી ગયા.
ફટાફટ ડોકટરોએ ઇતિને તપાસવા માંડી.

“ચિંતા ના કરો. માનસિક આઘાત છે એટલે આમ થયું. થોડી કળ વળતા આપો આપ હોશમાં આવી જશે..આ થોડો સમય એમને ‘ટ્રાંક્વિલાઈઝર’ની ગોળી આપીને પણ ઉંઘાડી દો..પૂરતી ઉંઘ લેવાતા મગજના સ્નાયુઓને આરામ મળશે એટલે ‘સૌ સારા વાના’ થઈ જ્શે. પણ એમને થોડા સાચવજો. બહુ ઉંડો આઘાત લાગ્યો છે.”

સ્પર્શની તબિયત ધીમે ધીમે સુધરતી જતી હતી. હવે એ પહેલાંની જેમ જ હસતો – રમતો થઈ ગયેલો. હા ..ખાટલે જે ખોટ પડેલી એ કદી પુરાવાની નહતી એ બધા જાણતાં હતાં. એ સિવાય એ એકદમ તંદુરસ્ત અને સુંદર મજાનો છોકરો હતો.

પણ, એ બધાની અસર ઈતિના મનોજગત પર ઊંડી છાપ પાડતી ગયેલી.
સ્પર્શની આ હાલત માટે પોતાને જવાબદાર માનવા લાગેલી. એક અપરાધભાવ એના દિલને અંદરો-અંદર કોરી ખાતો હતો. એને રાતોની રાતો ઊઘવા નહતો દેતો.

ઈતિ એ આઘાત સહન નહોતી કરી શકેલી.આખો દિવસ ઘરની દિવાલો પર ખાલી ખાલી નજરોથી જોયા કરતી.. શૂન્યમાં જ તાક્યા કરતી. કોઈની સાથે બે-ચાર ખપ પૂરતા શબ્દો બોલતી બસ એટલું જ..બાકી એકલી એકલી ખબર નહી શું વિચાર્યા કરતી? શરીર પણ અપૂરતી ઊંઘ અને માનસિક થાકથી સાવ  લેવાઈ ગયેલું. હાલત દિવસે દિવસે ખરાબ થતી હતી. કોઇ જ પ્રશ્ન પૂછો તો સાવ બાઘાની માફક એ મોઢા સામે તાકયા કરતી..

એકવાર ઇતિ સ્પર્શને ઊંચકીને જતી હતી ને એની નજર સ્પર્શના ટેડી બીઅર પર પડી. એકદમ જ ખબર નહી એને શું થયું કે એ ખડ્ખડાટ હસવા લાગી..સ્પર્શનું ટૅડી બીઅર બે હાથમાં ઊંચકી હવામાં ઝુલાવવા માંડી..
‘રે મારા સોના બેટા..જો તો આને શું કહેવાય? ચાલ તો..મમ્મા એ તને શીખવેલું ને..”
સ્પર્શ  એની સામે ટગર ટગર જોઈ રહ્યો.
“બોલ તો જોઈએ..”
‘….ખાલીખમ પળો…”

હવે ઇતિની ધીરજ દગો દઈ ગઈ જાણે કે. ગુસ્સે થઈ ગઈ..એના મગજે બેલેન્સ ગુમાવી દીધું..

‘બોલ ..બોલ…કેમ બોલતો નથી? મોઢામાં મગ ભર્યા છે કે શું?”

સ્પર્શને આખે આખો ઝંઝોડી નાંખ્યો..અને એક્દમ જ ચકકર ખાઈને નીચે પડી..!!

સ્પર્શે ગભરાટમાં રોકકળ મચાવી દીધી..અર્થ ઓફિસે હતો અને ઘરમાં વિમળાબેન એકલા જ હતા. સ્પર્શને ચૂપ કરાવતા-કરાવતા નાકે દમ આવી ગયો એમનો.

એ પછી ઇતિને વારંવાર આવા દોરા પડવા માંડ્યા.. હવે સ્પર્શને એક મિનિટ પણ એની સાથે છુટ્ટો મૂકવાનું હિતાવહ નહોતું.

આખરે થાકીને અર્થ ઇતિને શહેરના નામી મનોચિકિત્સક એવા ડો.રાવલ પાસે લઈ ગયો. ડો. રાવલે ધ્યાનપૂર્વક ઇતિને ચકાસી.

‘મિ. અર્થ..આપની પત્નીની હાલત બહુ જ નાજુક છે. ચેતાતંત્રને ભારે ફટકો પહોંચ્યો છે.  એમને ઉંઘની દવાઓ પણ અસર નથી કરતી. માંડ ૨-૩ કલાકની ઉંઘ અને એ પણ સાવ જ ઉપર છલ્લી..આમ તો આમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. તમે આમને યોગા, હીલિંગ,રેકી જેવા ઉપચારો પણ સાથે સાથે કરાવી જુવો. કદાચ એ કારગત નીવડે. કાં તો છેલ્લાં ઉપાય તરીકે થોડો સમય દિલ પર પથ્થર રાખીને શહેરના પાગલખાનામાં દાખલ કરી દો.”
અર્થ હવે થાકેલો. સ્પર્શની દેખ-રેખ..આર્થિક સંકડામણ, અને ઇતિની કથળતી જતી માનસિક હાલત..

સાંજે જમતાં જમતાં જ એણે ટેબલ પર વિમળાબેનને પુછ્યું,

‘મમ્મી, હું ઇતિને છુટા-છેડા આપવા માંગુ છું અને સ્પર્શને મારી પાસે રાખવાનો છું. કારણ એ ઇતિ પાસે સુરક્ષિત નથી. એના મગજ્નો કોઈ ભરોસો નથી. આમ ને આમ તો એ સ્પર્શને ક્યાંક મારી નાંખશે. હવે મારાથી આ બેયને સાથે લઈને નહી ચલાય. મારે પણ કામ ધંધો જેવું કંઈ છે. આમ ને આમ જ કરીશ તો મને કોઈ ઘરે બેસીને પૈસા નહી આપી જાય. તમે સ્પર્શની જવાબદારી લઈ લેશો??”

વિમળાબેનનો કોળીયો ગળે જ અટકી ગયો.

આ એનો દીકરો એને કેવી દ્વિધામાં ફસાવી રહ્યો હતો. ઇતિને આમ એકલી છોડી દેવી …એમનું મન નહોતું માનતું..થોડી દલીલો કરી જોઈ દીકરાને સમજાવવાની..પણ પરિણામ શૂન્ય..

ડો.વિકાસ પંડ્યા, માનસિક રોગોના દર્દીના ડોકટરે, અર્થની સાથે આવેલી નાજુક,રુપકડી ઇતિને જોયા જ કર્યું. અર્થે ઇતિની આખી કથની વિકાસને કહી સંભળાવી. ઇતિ એકદમ ચૂપચાપ બેઠી બેઠી દિવાલના સફેદ રંગને જ તાકયા કરતી હતી. અત્યારે એ એક્દમ જ નોર્મલ હતી. વિચારોમાં ગુમ-સુમ. અર્થે થોડું ઘણું વધારી વધારીને એની વાત કહી. પણ એણે કોઈ જ વિરોધ ના નોંધાવ્યો. એને ખ્યાલ હતો કે આ બધુંય અર્થ એને સરળતાથી છૂટા-છેડા મળી જાય એ માટે જ કરતો હતો. એને પોતાના વિચારો દર્શાવવાની કોઈ જ ઇચ્છા જ નહોતી થતી. ખબર નહી કેમ..અંદર કંઈક સુકાઈ ગયેલું..લાગણીઓ સાવ બરડ થઈ ગયેલી..સાવ રુંછે રુંછા..લીરે લીરા….તિરાડો..દિલ ઠેક ઠેકાણેથી તરડાઈ ગયેલું ..તૂટેલા અરમાનોની કરચો એના દિલમાં ચુભતી જતી હતી, કાળજામાં ઊંડે ઊંડે ઊતરતી જતી હતી. સતત લોહી નીંગળતી હાલત..પણ અર્થ પાસે એ સંવેદનો સમજવાની અક્ક્લ પણ નહોતી કે નહતો ટાઇમ..!!! એ તો નક્કી કરીને આવેલો એમ જ ઇતિને ત્યાં ઇલાજ માટે (!!!)મૂકીને ચાલતી પકડવાના મૂડમાં જ હતો…

 

અર્થ ઘરે ગયો ત્યારે વિમળાબેન સ્પર્શને ડીવીડી મુકીને કાર્ટુન બતાવી બતાવીને ખુશ રાખવા મથતા હતા. પણ દિલ તો ઇતિ પાસે જ હતું. મનનું ધારેલું નહોતા કરી શકતા એટ્લે થોડા અકળાતા હતા.
અર્થને આવેલો જોઈને ડીવીડીના રીમોટમાં પૉસ બટન દબાવ્યું.
‘શું થયું દીકરા..? બધું ય બરાબર થઈ જશે ને..કેટલા સમય માટે ઇતિની સારવાર કરાવવી પડશે? એ સાજી સમી તો થઈ જશે ને પહેલાં જેવી જ..?”

“મા, બહુ થાકેલો છું…પ્લીઝ..કાલે વાત..હું સૂવા જઊ છું..જય શ્રીક્રિશ્ના..”

વિમળાબેન તો સાવ અવાચક જ થઈ ગયા…

હાથમાં રહેલ રીમોટના બટ્નો સામે જોતા જોતા પોતાના દીકરાના સુખી લગ્ન-જીવનની મીઠી યાદો મમળાવતા રહ્યાં..

‘કેટલો પ્રેમ હતો બેય વચ્ચે..!! લોકો સારસ બેલડી જ કહેતા હતા. ફકત થોડીક ગેરસમજ..થોડી ધીરજનો,સમજણનો, સહનશક્તિનો અભાવ અને આ સુંદર મજાનું લગ્ન-જીવન ભંગાણના આરે પહોંચી ગયેલું.. કોઈએ સ્વપ્નામાં પણ ના વિચારેલું હોય એવા પરિણામો એમની વયસ્ક નજર સામે આવતા જતા હતા. ખીલેલા ગુલાબ જેવો, મઘમઘતો પ્રેમ આજે કેવો કરમાતો ચાલેલો..ઇતિના પ્રેમમાં ભરપૂર ભીંજાયા પછી આમ સાવ જ કોરાકટ રહેવાની આ કેવી સજા પોતાનો દીકરો ભોગવવા તૈયાર થઈ ગયેલો..!! રીમોટ પર હાથ વારે વારે એમના ધ્યાનબહાર જ’પૉસ’ના બટન પર દબાવતા જતા હતા..જાણે અર્થની પ્રેમાળ દુનિયા એમની એ ક્રિયાથી ત્યાં જ ‘પૉસ” ના થઈ જવાની હોય..!!’

કાશ,પ્રેમ જ્યારે પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે માનવી ‘પૉસ’નું બટન દબાવી શકતો હોત તો..!!!

ખાલીપોઃ ભાગ – ૧૦

કાશ,પ્રેમ જ્યારે પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે માનવી ‘પૉસ’નું બટન દબાવી શકતો હોત તો..!!!

તો… કદાચ માનવીને આંસુ, દુઃખ, વેદના, વિરહ એ બધાની ઓળખ જ ના હોત.. સુખનો અતિરેક માણતા માણતા માનવી કદાચ છકી જાય. પ્રેમ મફતમાં મળતા પાણી જેવો જ મામૂલી લાગત. ધોધમાર વરસતો જ રહે બારેમાસ..કોઇ જ કમી નહી એની. તો કદાચ પ્રેમની આટલી કિંમત પણ માનવીને ના હોત. પ્રેમ સાથે વિરહની વેદનામાં તરસવું, માલિકીભાવથી પીડાતા પીડાતા બળતા અગ્નિમાં કુદી પડવા જેવું જ અનુભવવું, વળી પાછા પ્રિયના પ્રેમમાં ભરપૂર ભીંજાવું..બધી સ્થિતી ઉપરવાળાએ બહુ સમજી વિચારીને નક્કી કરેલી છે. એને ખબર છે કે ‘પૉસ’ની સ્થિતીમાં તો માનવી એક જ જગ્યાએ ઉબાઈ જશે..અટકી જશે અને કદી પ્રગતિ નહી કરી શકે..નવું નવું શીખી નહી શકે..એડજ્સ્ટ થતા પણ નહી શીખે…અને એક દિવસ સુખના વમળોમાં ઘેરાઈ ઘેરાઈને ગોળ ગોળ ઘૂમરીઓ ખાતો ખાતો ડચકાતો ડચકાતો ત્યાં જ ડુબી જશે..એટલે જ એણે એના રિમોટમાં ‘ફાસ્ટ ફોરવર્ડ’ જેવી જ સહુલિયત આપી છે. ના ‘રિવાઈન્ડ’ કે ના’પૉસ’.. બસ,જીવનના અવિરત પ્રવાહમાં વહેતા જ રહો અને એને અનુકૂળ થતા શીખો…ના શીખી શકો તો મધ-દરિયે ડૂબી જાઓ, નાક દબાવો તો જ મોઢું ખોલવાના ને…વાહ રે પ્રભુ તારી લીલા…!!!
____________________________________________________________

અર્થના થોડાક ઘમ-પછાડા અને ઇતિની અકળ ખામોશી..આ બધાયના કારણે અર્થને બહુ તકલીફ ના પડી એનાથી ‘ડિવોર્સ’ લેવામાં. આસાનીથી સ્પર્શ પણ એને મળી ગયો.. એ તો જાણે કે છૂટ્યો..પણ ઇતિ…અર્થ, સ્પર્શ અને મા સમાન વિમળાબા…એને બૂમો પાડી પાડીને અર્થની બધી વાતોનો વિરોધ કરવો હતો. આ બધામાં એની સ્પષ્ટ્તઃ નામરજી બતાવવી હતી..પણ ખબર નહી..એની અંદર કોઈ જ જોમ નહોતું રહ્યું. એને જાણે બોલતા જ ના આવડતું હોય એમ એની જીભ સાથ જ નહોતી આપતી. એની લાચારી એના જીવનમાં ‘ખાલીપા’ નામની કાળીમેશ જેવી ચાદર પાથરતી ચાલી. જેમાં હવે કોઈ પણ રંગની ભાત પડી શકે એવી શક્યતા નહોતી..!!
હવે તો ઇતિ અને એનો ખાલીપો…એક બીજાના કાયમના સાથી-સંગાથી જેવા જ થઈ ગયેલા.
____________________________________________________________

હોસ્પિટલના રુમમાં પોતાના પલંગ પર બેઠી બેઠી ઇતિ ઉપર ચાલતા પંખાને ગોળ ગોળ ફરતો જોતી હતી. ક્યારની ચાલતી એ પ્રક્રિયાથી હવે એણે થાકોડો અનુભવ્યો. ઉભી થઈને રુઅમની બારી પાસે ગઈ. એના રુમની બહાર એક સરસ મજાનો બગીચો પડતો હતો. એમાં પવનની લહેરખીઓ સાથે ઝુમતુ સૂરજમુખીનું સોનેરી ફુલ ઇતિને બહુ જ પ્રિય હતું..એકીટશે એની સામે જોયા કરતી હતી..એ વિચારતી હતી કે ,’જો એના બદલે અર્થને આવા પાગલપણના દોરા પડતા હોત તો શું એ પણ આમ જ અર્થને છૂટાછેડા આપીને એની જવાબદારીઓથી મ્હોં ફેરવી દેત..? એક્દમ જોરથી અંતરમનમાંથી ‘ના..કદાપી નહી’નું એક વાવાઝોડું આવ્યું. એ તો પ્રેમથી અર્થની દેખરેખ કરત અને એને એ ડીપ્રેશનમાંથી પાછો લઈ આવત. એ અર્થની તાકાત બની જાત..કોઈ પણ ટેન્શન ‘ઇતિ’નામની દિવાલ સાથે અથડાઇને પાછા ફંટાઇ જાત. તો અર્થે કેમ આમ કર્યું? શું સ્ત્રી અને પુરુષના પ્રેમમાં આવો જ તફાવત હોતો હશે? અને હા..તો કેમ આમ..? વિચારતા વિચારતા એના કપાળની નસો તંગ થવા લાગી અને એને યાદ આવ્યું..ડોકટર વિકાસે એને ચોખ્ખી ના પાડેલી કોઈ પણ જાતના નકામા અને ટેન્શનવાળા વિચારોનો બોજ મગજ પર ના લાદતા.. તમારું મગજ અત્યારે બહુ જ નાજુક હાલતમાં છે..જો નહી સાચવો તો કદાચ આખી જિંદગી તમારે એનું દુઃખદ પરિણામ ભોગવવાનું રહેશે. એ રોગ લાઈલાજ થઈ જશે..

ડોકટર વિકાસ..ઇતિની રુમના દરવાજે ઉભા ઉભા એને જ નિહાળી રહ્યાં હતા..ઇતિના કાળા ભમ્મર વાળની થોડીક અલકલટો એના નાજુક રુપકડા ચેહરા પર નફફ્ટાઇથી મનમાની કરતી ગાલ..કપાળ..નાકને વારેઘડીએ ચૂમતી હતી. જેને હટાવવાની દરકાર સુધ્ધા ઇતિ નહોતી કરતી. એનાથી એ વધુ આકર્ષક લાગતી હતી…ગોરીગોરી..તીખો નાક-નકશો ધરાવતી ઈતિ બહુ રુપાળી હતી. હોસ્પિટલના સફેદ યુનિફોર્મમાં તો વળી એની સાદગી ઓર ખીલી ઊઠ્તી હતી. નાજુક ગુલાબી ગુલાબી હોઠ હંમેશા ઝાકળથી નહાયેલા ગુલાબ જેવા જ લાગતા…વિકાસને પહેલા દિવસથી જ ઇતિ માટે એક અદ્મ્ય આકર્ષણ જાગેલું. એમાં પણ એની કહાની  સાંભળ્યા પછી એના માટે દિલમાં સહાનુભૂતિનો ધોધ વહેવા માંડેલો..અત્યારે એના મનમાં આવ્યું કે ઇતિની નજીક જાય અને એની નફ્ફટ અલકલટોને પોતાના હાથેથી ખસેડીને એના કાન પાછળ વ્યવસ્થિતપણે ગોઠવી દે. એના લીસા ગાલ પર પોતાનો હાથ ફેરવી લે…સહાનુભૂતિ ધીરે ધીરે પ્રેમના રુપમાં પરિવર્તિત થતી જતી હતી એ વાતથી ડો. વિકાસ પોતે પણ બેખબર હતા.

ખાલીપો – ભાગ-૧૧.

 

અર્થ..ઈતિ વગરના ઘરમાં મમ્મી વિમળાબેન અને પુત્ર સ્પર્શ સાથે બેઠેલો. ખબર નહી પણ ઘરનો કોઈ ખૂણો સતત ખાલી ખાલી લાગતો હતો. જાણે કે આ એનું ઘર હતું જ નહી.!! એણે અને ઇતિએ કેટ કેટલા અરમાનોથી સજાવેલું આ ઘરને. અત્યારે એમાં નીરવ ખામોશીનું જ વર્ચસ્વ હતું. હિંચકા પર ઝૂલતા ઝૂલતા એંણે ચોતરફ એક ખાલીખમ નજર ફેરવી. સામે જ સરસ મજાનું ગાર્ડન હતું. જેમાં ઈતિની હયાતી હજુ સ્પ્ષ્ટપણે છલકતી હતી. ઇતિના હાથમાં જાણે કે જાદુ હતો. એમાં પણ ઇતિએ ખૂબ જ મનથી એક બાજુ પારિજાતનું ઝાડ રોપેલું. એ હવે ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું. એના ઉપર મનમોહક સફેદ અને નારંગી રંગની દંડીવાળા નાજુક નમણા ફુલો આવી રહ્યાં હતાં..પણ એનો આનંદ ઊઠાવવાની જેને ચાહ હતી એ ઈતિ ક્યાં..??

ડગલે ને પગલે અર્થને ઇતિની યાદ હેરાન કરતી હતી…અકળાઈને બૂમ પાડી…

“મમ્મી, આ સ્પર્શને શાંત રાખને..પ્લીઝ..અને એક કપ ચા પીવડાવીશ..ઇતિ બનાવતી હતી એવી કડક, આદુ-ફુદીનાવાળી..”

વિમળાબેન અંદરથી બહાર આવ્યાં. સ્પર્શને અર્થના હાથમાંથી લઈ લીધો અને એક તીખી નજર અર્થ સામે નાંખી..ના ઈરછવા છતાં બોલાઈ ગયું..

‘અસ્સલ ઈતિ જેવી જ…!!”

ના બોલાયેલા શબ્દોના કટાક્ષબાણોનો સામનો કરતાં કરતાં અર્થ આરપાર વીંધાઈ જ ગયો જાણે..!

પણ શું થાય..પોતે જ પોતાના પગ પર કુહાડો મારેલો ને..!!!!

ઇતિ વગર એનું જીવન સાવ જ આમ ખાલીખમ થઈ જશે એવો તો એને અંદાજ પણ નહોતો. સામે હતી ત્યારે એનું મહત્વ એણે ક્યારેય આંક્યું જ નહોતું ને..”ઘરકી મુર્ગી દાલ બરાબર ” જેવું જ તો..!!

—————————————————

ઇતિ…સાવ પાગલ તો નહોતી જ ..એને ક્યારેક કયારેક પાગલપણના કાં તો વધારે પડતી લાગણીના ઍટેક્સ આવી જતા હતાં..બસ એ સમયે એને સાચવવી બહુ જ અઘરી પડતી. બાકી એ સાવ જ નોર્મલ હતી. આમે એ ઈન્ટેલીજન્ટ તો હતી જ.. એણે ડો.વિકાસની મદદથી ત્યાં જ પોતાના શોખની ઈન્ટીરીયર ડિઝાઇનની લેટેસ્ટ બુક્સ મંગાવી લીધેલી..

જે પરિસ્થિતી હતી એને સ્વીકાર્યા વગર એની પાસે કોઈ જ છૂટકો ક્યાં હતો? ના સ્વીકારે તો પણ એ જ હેરાન થાય. એટલે એણે એના ખાલીપાને પોતાના શોખ તરફ ડાયવર્ટ કરવાનું નક્કી કરી લીધું હતું.  બેઠાં બેઠાં એ મેગેઝિનના પાના જ ઉથલાવતી હતી ..નજર એક પાના પર પારિજાતના વિશાળ અને સફેદફુલોથી સુશોભિત વૃક્ષ પર અટકી ગઈ.ત્યાં એની નજરે એ સ્તબ્ધ થઈ ગઈ.

’પારિજાત’..કેટ કેટલી યાદો હતી આ નામ સાથે…એના કુમળા કુમળા ફુલો..એની કેસુડી નાજુક નમણી દંડીઓ..રોજ રાત્રે એ પારિજાતના વ્રુક્ષ નીચે એક સફેદ ચાદર પાથરીને સૂઈ જતી હતી. વહેલી સવારે ઊઠીને એ ચાદરમાં મન મૂકીને રીતે વેરાયેલ પારિજાતને ચાદરમાં સમેટીને ગાલ સાથે અડાડીને વ્હાલ પણ કરી લેતી..પાગલ હતી એ પારિજાતના ફુલો પાછળ..!! આજે એ યાદ આવી ગયું. પોતાના (!!!) ઘરમાં પોતે આટલા જતનથી ઊછેરેલ પારિજાતની હાલત કેવી હશે?  હવે એનું ધ્યાન કોણ રાખતું હશે..?

વળી યાદ આવ્યું..”રે પાગલ તારો અંગનો એક કટકો..સ્પર્શ…અને આખેઆખી જેનામાં તું વસેલી એ અર્થ જ જ્યાં તારા નથી ત્યાં આ પારિજાતની ચિંતા તને શીદને સતાવે..?”

સ્પર્શ…એક હાયકારો નીકળી ગયો..એના મનમાં વિચારોનું તોફાન ચાલુ થઈ ગયું.. કોઈ જ મતલબ વગરના વિચારો એના મનનો કબ્જો જમાવવા માંડ્યા. સ્પર્શ…અર્થ…બેયના ચહેરા એક બીજામાં જાણે કે મળી ગયા હોય એમ જ લાગ્યું..બેય જાણે કે એની આ હાલત પર હસતાં હોય એમ જ લાગ્યું..અને ઇતિ બે હાથેથી માથું પકડીને બેસી ગઈ..

ડો. વિકાસની ભલામણથી મળેલ સેલફોનમાંથી ડો. વિકાસને જ ફોન કર્યો..

“ડો. પ્લીઝ..કમ સૂન…આઈ નીડ યોર હેલ્પ અર્જન્ટલી”

____________________________________________________________

વિકાસ ઓફિસની કેબિનમાં બેઠો બેઠો ઇતિ વિશે જ વિચારતો હતો..કાલે તો એ દરવાજેથી જ ઇતિને નીહાળીને પાછો વળી ગયેલો. ઇતિને જોઈને એના દિલમાં વ્હાલનું ઝરણું ફૂટી નીકળતું હતું. ધસમસ એના પાણી..વિકાસને કંઈ જ સમજાતું નહોતું કે એની સાથે આ શું થઈ રહ્યું છે…! કદાચ એને ઇતિથી પ્રેમ થઈ રહ્યો છે..એ વિચારોથી જ એની નસનસમાંથી વહેતા લોહી જાણે શિરા-ધમની ફાડીને બહાર આવવાને આતુર થઈ ગઈ હોય એમ લાગ્યું..જાણે ચિલ્લાઈ ચિલ્લાઈને ના કહેતી હોય..

‘અરે નાદાન..કદાચ નહી…સો એ સો ટકા તમે ઇતિન પ્રેમમાં છો..પાગલોના ડોકટર વિકાસ..એમની પાગલ પેશન્ટ ઇતિના પ્રેમમાં પાગલ..!!”

આમ વિચાર કરતા કરતાં જ વિકાસ એકદમ હસી પડ્યો..અને ત્યાં તો એના સેલની રીંગ રણકી.

’અરે..આ તો ઇતિનો નંબર…”

વિચારતા વિચારતા એણે ફોન ઉપાડ્યો અને ઇતિનો વ્યાકુળ અવાજ સાંભળીને તરત જ એના રૂમ તરફ દોડ્યો. ઇતિનું માથું ભયંકર વેદનાથી ફાટું ફાટું થઈ રહ્યું હતું. વિકાસને જોઈને એ એકદમ જ એને વળગી પડી..અને એકદમ જ રોવા લાગી. વિકાસ બે ઘડી તો અવાચક જ.. ઇતિ એની આટલી નજીક પહેલી વાર જ આવેલી..એ પણ હાડ- માંસનો બનેલો માણસ હતો આખરે. ધૂજતા હાથે ઇતિના લીસા વાળમાં હાથ પૂરોવીને એને સાંત્વના આપતા બોલ્યો,

’ઇતિ..જાતને થોડી સંભાળ..વિચારવાનું બંધ ક્રર..”

હળ્વેથી ઇતિને પલંગ પર બેસાડી. ઇતિના ગોરા ગોરા કોમળ બાવડે, વોર્ડબોય પાસે મંગાવેલ ઘેનનું ઈંજેકશન આપતાં આપતાં વિચાર્યું કે…

” જાત તો મારે પણ સંભાળવાની છે..ઇતિ મારી એક પેશન્ટ છે..આમ એના વિશે કંઇ પણ વિચારવું ઠીક તો નથી જ..”

ઘેનના ઇજેકશનની અસર હેઠળ ઇતિને ઉંઘ આવવા માંડી..્વિકાસે ઇતિને સંભાળીને પલંગ પર સુવાડી. ઇતિના કાળા ભમ્મર વાળ એના મોઢા પર આવી જતા હતા..આ ઘડીએ વિકાસ એની જાતને ના સંભાળી શક્યો અને અવશપણે એના મોઢા પર આવતા વાળ હળ્વેથી ખસેડીને કાન પાછળ સા્ચવીને ગોઠવી દીધા. ઇતિ ઉંઘમાં એક્દમ માસૂમ લાગતી હતી. વિકાસ ધીમે ધીમે એની જાણ બહાર જ એના ચહેરા તરફ ઝુકતો ચાલ્યો..અંદરથી એક તીવ્ર આવેગ ઊઠી રહ્યો હતો..ઇતિને કપાળ પર ચુંબન કરી લેવાની ઇરછા બળવત્તર થતી જતી હતી..એક્દમ જ ઇતિએ ઉંઘમાં પડખું ફેરવ્યું અને ડો. વિકાસને હકીકતનું ભાન થયું કે પોતે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. પણ બહુ જ મજબૂર હતો દિલના હાથે એ. એનું દિલ તો ઇતિના નામથી જ ધડકી ઉઠ્તું હતું..જલતરંગ વાગવા લાગતા હતાં..

બહુ જ મુશ્કેલભરી સ્થિતીમાં મુકાઈ ગયેલા ડો .વિકાસ….!!!

ખાલીપોઃ ભાગ-૧૨

 

વિમળાબેન…અર્થના મમ્મી, સ્પર્શના દાદી, ઇતિના સાસુમા…રોજના નિયમ પ્રમાણે સવારે વહેલાં ઊઠીને નિત્યક્ર્મથી પરવારી અને પૂજા પાઠ માટે ઘરના પાછળના ભાગમાં ઇતિએ પ્રેમથી સજાવેલા બગીચામાં ગયા.જૂઈ – ચંપો – જાસુદ બધાંય પર રુડાં રૂપાળા ફૂલો આવેલા. મન પ્રસન્ન થઈ ગયું. ત્યાં  જ એમની નજર પારિજાતના વૃક્ષ પર પડી. એની નીચે તેઓ રોજ રાતે ચાદર પાથરીને સૂઈ જતાં અને સવારે પારિજાત એની આખી જાત જાણે કે ઠાલવીને ઢગલોક ફૂલોથી એને ભરી દેતું. ઇતિની જેમ જ એ પણ મન મૂકીને વરસી પડતું હતું. ક્દાચ ઇતિએ એને બહુ પ્રેમથી ઊછેરેલું એટલે એના ગુણો પારિજાતે પણ અપનાવી લીધા હશે..!!

પારિજાત…અહા..એ નામ સાથે જ વિમળાબેનને ઇતિની યાદ તાજા થઈ ગઈ. બહુ નજીક હતી એ એમના દિલની. પણ કિસ્મત તો જુઓ..
ત્યાં જ એમની નજર કંપાઉન્ડ વોલની બહાર એક ગાય અને એને બચ…બચ..ધાવતા એના વાછરડાં પર પડી. એમનું હૈયું વલોવાઈ ગયું. એ પણ એક મા હતા આખરે. એમને પણ ખબર હતી કે એક દીકરાને અને એની માને છૂટા પાડવા એ કેટલા મોટું પાપ છે. અર્થ તો ઓફિસના કામ માટે અઠવાડિયાની ટૂર પર ગયેલો. વિમળાબેને પળભરમાં જ એક મકકમ નિર્ણય કર્યો અને સ્પર્શને ઉપાડી ઘરને તાળું વાસીને ઘરની બહાર નીકળ્યા.

‘રિક્ષા…”

‘ક્યાં જવું છે માજી..?”

“પ્રભાત મેન્ટલ હેલ્થ કેરમાં..”

અને મનોમન પા્છળનું વાક્ય પૂરું કર્યું..
“એક માને એના દીકરાનો મેળાપ કરાવવા…ભગવાનની પૂજા કરતાં એ કામ વધુ મહત્વનું છે.”
____________________________________________________________

ઇતિ.. નાહી ધોઈને પરવારીને રૂમની બારી આગળ ઊભી હતી. વાળ ધોઈને હમણાં જ બહાર નીકળેલી. સદ્યસ્નાતા ઇતિ…ખુલા કાળા ભમ્મર વાળ..એમાંથી ટપકતું ટપ ટપ પાણી એના ચહેરા પર જાણે ફૂલ પર ઝાકળની બુંદો જેવું જ લાગતું હતું. ઇતિના સુંવાળી ત્વચા પર બારીમાંથી સૂરજનો કુણો સોનેરી તડકો અડપલાં કરતો હતો. એનાથી ઇતિ જાણે કે સોનપરી જેવી જ નાજુક નમણી લાગતી હતી. ઇતિની કાળી કાળી લાંબી પાંપણો જાણે કે હજુ કોઈ પ્રણયના સ્વપ્નના નશામાં ડૂબેલી હોય એમ અધખુલી હતી. ગજબની રૂપાળી લાગતી હતી ઇતિ..ત્યાં એને બારીમાંથી એક રિક્ષા બિલ્ડીંગના દરવાજે ઊભી રહેલી દેખાઈ. એમાંથી કો’ક જાણીતો અણસાર ડોકાયો..અને એનું હ્રદય જાણે કે એક ધબકાર ચૂકી ગયું..!!

‘આ તો…આ તો…”
અને એ એકદમ જ બહારની તરફ દોડી…
‘મારા લાલ..” અને સ્પર્શને રીતસરનો ઝૂંટવી જ લીધો એણે વિમળાબેનના હાથમાંથી.
વિમળાબેને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને અનેરા સંતોષ સાથે એ મા-દીકરાનું સુભગ મિલન નિહાળી રહ્યાં.
‘ઇતિ દીકરા..અંદર જઈશું..?”
“અહ્હ..હાઆઆ…ચાલો મમ્મી..”

સાસુ વહુ અંદર ગયાં.

“કેમ છે દીકરા તબિયત હવે તારી?”

“બસ મમ્મી..બહુ સુધારો છે..પણ અમુક ટાઈમે હજુ લાગણી એના પૂરમાં મને ધસેડી જાય છે. જો કે હવે એની તીવ્રતા ઓછી થતી જાય છે.”

આટલું બોલી ત્યાં તો ડો. વિકાસ એમના રોજના ક્રમ મુજબ રાઉન્ડ પર આવ્યાં.
“ઇતિ..આ કોણ..?”

“કહેવાને ખાતર મારા સાસુ..પણ માથી યે સવાયા..”

‘ઓહોહો…માજી..તમારા તો બહુ બધા વખાણ સાંભળ્યા છે ઇતિના મોઢે. કેમ છો?”

વિમળાબેન એ ફૂટડા યુવાનને જોઈ જ રહ્યાં. બહુ જ પ્રતિભાશાળી અને શાલીન વ્યક્તિત્વના માલિક વિકાસને જોઈને ખબર નહી પણ દિલના એક ખૂણે એક વસવસો ઊઠ્યો..કાશ..મારો અર્થ પણ આવો હોત તો..!!”

‘માજી..ક્યાં ખોવાઈ ગયાં?”

“અરે..કંઇ નહી બેટા..બસ જો મજામાં ..પણ અમે તો હવે પીળું પાન કહેવાઈએ..આ સ્પર્શની થોડી ચિંતા રહ્યાં કરે…બસ..”

‘માજી..તમે લગીરેક ચિંતા ના કરશો..તમારી વહુ ઇતિ હવે મારા હવાલે છે ને..”

અને એક્દમ જ ડો. વિકાસને સમજાયું કે પોતે શું બોલી રહ્યો છે…જીભ કચડતા તરત જ આગળ બોલ્યો..

“ઇતિની તબિયત હવે ખાસી સુધારા પર છે. બસ થોડો સમય..પછી તો એ એક્દમ જ નોર્મલ..મારી ગેરંટી છે..”

બોલીને એક પ્રેમાળ નજરથી ઇતિને નિહાળી લીધી એમણે.

એની આ ચેષ્ટા વિમળાબેનની અનુભવી આંખોએ તરત જ પકડી પાડી. મનનો વ્હેમ…ના ના..પાક્કું કંઈક તો છે જ આ ડોકટરના દિલમાં..એક ગુસ્સાની તીખી લહેર ઊઠી એમના દિલમાં..પણ વળતી પળે જ દિલને સંભાળીને થોડું વિચારતા એમને લાગ્યું કે આ છોકરો ઇતિને કદાચ એ બધી જ ખુશીઓ આપી શકશે જે એનો દીકરો નહોતો આપી શક્યો. અર્થ થોડો નાદાન અને ઊતાવળીયો હતો. જ્યારે આ તો ધીર-ગંભીર અને ઠરેલ છોકરડો છે.

“જોઈએ હવે..જેવી હરિ ઈચ્છા..મારો વ્હાલીડો જેમ રમાડે એમ રમવાનું..આપણે તો માત્ર ક્ઠ્પૂતળી જ ને..!!”

બે એક ક્લાક જેવો સમય ચપટી વગાડતાંક ને આમ જ વહી ગયો. સ્પર્શને જમડવાનો સમય થઈ ગયો હતો. વિમળાબેને કહ્યું,”
‘ચાલો દીકરા..હવે અમે જઈએ.. પછી ક્યારેક આવીશ.આ મુલાકાતની વાત અહીંથી બહાર ના જાય ..પ્લીઝ ડો.”

એક આજીજીપૂર્વક નજરે વિમળાબેને બે હાથ જોડીને રીતસરનું વિકાસ સામે કરગરી  જ લીધું.

‘અરે હોય માજી..તમે મને શું એટલો નાદાન સમજો છો..તમતમારે બેફીકર રહો..”
વિકાસે એમના બે હાથ પોતાના હાથમાં લઈને સાંત્વના આપતા કહ્યું

ઇતિ લગભગ કલાકેક સ્પર્શ સાથે રમી..મન ભરીને એને વ્હાલ કર્યું…પણ હવે એને પાછો પોતાનાથી અળગો કરવો પડશે એ વિચાર માત્રથી જ એ હલબલી ગઈ.
પણ સચ્ચાઈનો સામનો કર્યા વગર છૂટકો જ નહતો ને એને તો…ભીની આંખે એણે સ્પર્શને વિમળાબેનના હાથમાં સોંપ્યો. સ્પર્શે પણ મોટો ભેંકડો તાણ્યો..બોબડા સ્પર્શનું એ રૂદન ઇતિને પાછો પોતાનો અપરાધ યાદ કરાવી ગયો..અને કાળજે શૂળ ભોંકાયાની કાળી વેદના ઉપડી. અને
વિમળાબેન એક સારું કામ કર્યાનો સંતોષ લઈને ઘરે જવા નીકળ્યા.
___________________________________________________________

સ્પર્શનો એ બોબડો અવાજ ઇતિને ઊંઘવા નહ્તો દેતો. રહી રહીને એના માનસપટ પર એનો ચહેરો અથડાતો હતો. માંડ આંખ મીંચે અને સ્પર્શ આવીને ઊભો રહી જતો..કલાકેકની મથામણ પછી એણે વિકાસને મોબાઈલ કર્યો..
“વિકાસ..પ્લીઝ..થોડી વાર આવશો અહીં?”

 

ખાલીપોઃ ભાગ-૧૩

સ્પર્શનો એ બોબડો અવાજ ઇતિને ઊંઘવા નહ્તો દેતો. રહી રહીને એના માનસપટ પર એનો ચહેરો અથડાતો હતો. માંડ આંખ મીંચે અને સ્પર્શ આવીને ઊભો રહી જતો..કલાકેકની મથામણ પછી એણે વિકાસને મોબાઈલ કર્યો..

“વિકાસ..પ્લીઝ..થોડી વાર આવશો અહીં?”

વિકાસનું ઘર હોસ્પિટલથી નજીક જ હતું. એ નાહીને ફ્રેશ થઈને સફેદ ઝગઝગતા ઝભ્ભા અને પાયજામાનો નાઈટડ્રેસ ચડાવીને સૂવાની તૈયારી જ કરતો હતો. ત્યાં ઇતિનો ફોન આવ્યો. પળભર તો થયું કે ના પાડી દે…બહુ જ થાકેલો આજે..નિંદ્રાદેવીએ જબરા કામણ કરેલાં..પછી વિચાર્યુ કે ,

“ઇતિ ખાલી તો ફોન કરે જ નહી. કોઈ ખાસ કારણ હોવું જોઈએ..”

પગમાં ફ્લોટર્સ ચડાવી બાઈકને કીક મારીને બે મિનિટમાં તો ઇતિની સામે જઈને ઊભો રહી ગયો.

‘બોલો, કેમ યાદ કર્યો મને તમે?”

ઇતિ બે ઘડી તો જોતી જ રહી ગઈ વિકાસને. સફેદ ઝભ્ભા-પાયજામામાં ગોરો ચિટ્ટો અને થોડી ઊંઘરેટી રતાશ પકડતી આંખો જબરી નશીલી લાગતી હતી. એણે કોઈ જ દિવસ વિકાસ સામે ધ્યાનથી નજર જ નહોતી નાંખી. એના રૂંવે રૂંવે હજુ પણ અર્થ જ શ્વસતો હતો. કોઈ પણ પુરુષ એ અર્થ નામનો અભેદ્ય કિલ્લ્લો તોડીને અંદર આવવા સક્ષમ નહોતું. પણ આજે વિકાસને જોઈને એના મનમાં એકદમ જ એક નવાઈનું તોફાન ઊમટયું. વિકાસને એ એક ખૂબ જ સારા ડોકટર અને સજ્જ્ન મિત્ર તરીકે જ જોતી હતી.

“હલો…આટલી રાતે મને કેમ બોલાવ્યો..?’

વિકાસે ઇતિના ખભા પર હાથ મૂકીને માર્દવતાથી પૂછ્યું.

અને ઇતિ એકદમ જ સચ્ચાઈને ધરતી પર પછડાઈ..

‘અહ્હ…કંઈ ખાસ નહીં..બસ..આ તો સ્પર્શને બહુ સમય પછી જોયો અને પાછો ખોયો..એટલે થોડી અકળામણ થતી હતી…

અમુક સમયે આ એકલતાનો સાપ જબરો ડંખી જાય છે.
એનું લીલું લીલું કાચ જેવું ઝેર મારી રગ રગમાં ના સહી શકાય એવો દાહ લગાડી જાય છે.
એમાંથી પછી સર્જાય છે લાગણીના વમળો…
ચક્રવાતો..
અને એમાં હું ઘૂમરાતી ઘૂમરાતી ચકરાવે ચડી જઊં છું.
ઘણી વાર એમાંથી પાછી આવી જાઉં છું,
પણ અમુક સમયે એમાં જ અટવાઈ જવાય છે..
આજે એવું જ કંઈક…”

વિકાસ અપલક નયને ઇતિને જોઈ જ રહ્યો. ઇતિ બેહદ ખૂબસૂરત હતી. પણ એની વિચારશીલતાનું આ રૂપ આજે જ એણે જોયું.ઇતિ બેહદ બુધ્ધિમાન સ્ત્રી હતી અને એની આવી અવદશા..!! એને આવી નમણી નારી પર બેરહમ કુદરતના આ કાળા કેર પર બેહદ ગુસ્સો આવી રહ્યો હતો. આગળ વધીને ઇતિનો હાથ કુમાશથી હાથમાં લઈને બોલ્યો..

“ચાલો..થોડી વાર બહાર આંટૉ મારી આવીએ.તમને થોડી હળવાશ અનુભવાશે. આ બંધિયાર વાતાવરણ અને આ એકલતા..આમાંથી તમને બહાર કાઢીને જ તમારો ઈલાજ થઈ શકશે..અને હું એ કરીને જ જપીશ. તમે પાગલ નથી ઈતિ. બસ સમયના સતાવેલા છો. ચિંતા ના કરો. હું એ સમય સાથે લડીને તમને પાછા પહેલાં જેવા બનાવીશ. વચન આપું છું”

ઇતિ આટલી રાતે એક પરપુરુષ સાથે બહાર નીકળતા થોડી ખચકાઈ. પણ વિકાસની એ વાત પણ એટલી જ સાચી હતી કે એ આ બંધિયાર વાતાવરણથી અકળાતી હતી. એના ફેફસાને બહારની હવાની તાતી જરૂર હતી. મન મક્ક્મ કરીને એ બહાર નીકળી.
____________________________________________________________

વિકાસની પાછળ એની બાઈક પર બેઠેલી ઇતિ થોડી સંકોચાતી હતી. બેયની વચ્ચે એક મર્યાદીત અંતર રાખીને બેઠેલી. વિકાસના પ્રમાણમાં  થોડા લાંબા ઝુલ્ફા એના મોઢા પર અથડાતા હતા. વિકાસ એની મસ્તીમાં જ બાઈક ચલાવતો હતો. અમુક વળાંકો અને ચાર રસ્તે ટ્રાફિક આવતા અણધારી બ્રેક મારવી પડતી હતી. આ બધી પ્રક્રિયામાં ઇતિ ગમે તેટલી જાત સાચવતી હતી તો પણ સીટ પર આગળ સરકી જ જતી હતી અને એના ધ્યાન બહાર જ એનો હાથ વિકાસના ખભા પર જતો રહેતો હતો. વિકાસ તો એની મસ્તીમાં જ હતો. અલક મલકની વાતો કરીને ઇતિનું ધ્યાન ડાયવર્ટ કરવાના પૂરતા પ્રયાસોમાં પ્રામાણિક્પણે લાગેલો હતો. પણ ઇતિના કાન જાણે કે બહેરા થઈ ગયેલા. એનું દિલ એટલી જોરજોરથી ધક ધક થતું હતું કે વિકાસની એક પણ વાત કાને નહતી અડતી.

“ચાલો કોફી પીશું ઇતિ..આ શંભુની કોફી બહુ વખણાય છે ને..મેં પણ નથી પીધી ક્યારેય. સમય જ નથી મળ્યો..”

જવાબમાં ખાલીખમ મૌન…!!

વિકાસ હવે થોડો ચોંક્યો . બ્રેક મારીને બાઈક ઉભી રાખી. સાઈડ મિરરમાં જોયું તો  આટલી રાતે પણ ચાંદના થોડા અજવાશમાં ઇતિના ચહેરા પર રતાશ સ્પષ્ટ નિહાળી શક્તો હતો.

“ઇતિ..આર યુ ઓલ રાઈટ..?”

ઇતિ હવે એકદમ ચમકી…

“હા ..હા..પરફેક્ટલી ઓલરાઈટ..ડોન્ટ વરી. તમારી પાછળ જ છું..કયાંય પાડી નથી આવ્યાં તમે મને. તમારું ડ્રાઇવિંગ આમ તો સરસ છે.” વાતાવરણમાં થોડી હળવાશ લાવવાના ઇરાદા સાથે જ

ઇતિએ ઉત્તર આપ્યો.

બેય જણ બાઈક પરથી ઉતર્યા. વિકાસ કાઉન્ટર પર જઈને બે એક્ષપ્રેસો કોફીના ઓર્ડર આપીને બાજુમાં પડેલી ખુરસી પર બેફિકરાઈથી બેસી ગયો. ઇતિને એનું એ બેફિકરાઇનું રૂપ બહુ જ ગમ્યું.

આજે એના દિલને શું થયું હતું આ..એ થોડી અકળાઇ હવે.

‘હા તો બોલો.શું તકલીફ હતી દેવીજી તમને?”

“તકલીફ હતી પણ.સાચું કહું..આ ઠંડી હવા અને આ વાતાવરણ..બધુંયે ભુલાઈ ગયું.” બોલીને ઇતિએ એક મધુરૂં સ્મિત વેર્યું.

વિકાસ એના એ સ્મિત તરફ અપલક જોઈ રહ્યો.

એની એ નજરમાં રહેલ પોતાના પ્રત્યેનું આકર્ષણ ઇતિ સ્પષ્ટપણે વાંચી શકી. દિલના એક ખૂણે એક અપરાધભાવ જેવું કંઈક ફીલ થયું..આ શું..મારાથી આમ કેમ વિચારાય જ..વિકાસ તો એક ડોકટરની ફરજ નીભાવે છે..કદાચ આ એની ફરજનો એક ભાગ સમજીને પણ કરતો હોય. કદાચ મેં જે જોયું એ મારી નજરનો ઘોખો પણ હોય..ના ના..આવું ના વિચારી શકાય..હજુ તો મારા તન મન બધે અર્થ જ અર્થની છાયા છે.આ જે વિચારું છું એ ખોટું છે.”

આ બાજુ વિકાસના મગજમાં કંઈક અલગ જ વિચારો રમતા હતા. એ વિચારતો હતો કે ઇતિને આમ બંધિયાર વાતાવરણમાં રાખીને ઇલાજ કરીશ તો કદાચ એ ક્યારેય સાજી નહી થાય. એને કોઈ ને કોઈ પ્રવ્રુતિમાં લગાડી દેવી જોઈએ. તો જ એ આ બધામાંથી બહાર નીકળી શકશે. મનોમન ઇતિના ઇલાજના આગળના પગલા વિચારતો હતો. ત્યાં..

‘સાહેબ ..કોફી…” ના અવાજે બેયને વાસ્તવિકતામાં લાવીને પટકયાં.
અને બંને એક-બીજાની સામે જોઈને અકારણ જ હસી પડ્યાં…
ઇતિ બહુ સમય પછી આજે આમ ખુલ્લા દિલથી હસી હતી..

ખાલીપોઃ ભાગ-૧૪

વિકાસ તો એને અપલક નયને નિહાળી જ રહ્યો…બેધ્યાનપણે જ એના હાથમાં રહેલો કોફીનો મગ એકબાજુ પર ઢળી ગયો અને ગરમ ગરમ એક્ષપ્રેસો કોફી એના હાથ પર છલકાઈ..

“આઉચ..”

‘શું થયું વિકાસ..?” ઇતિએ ઊતાવળે જ વિકાસનો દાઝેલો હાથ એના હાથમાં લઈ લીધો અને બાજુમાં પડેલ ગ્લાસમાંથી પાણી લઈને એની પર રેડવા લાગી. વિકાસ બધીયે વેદના ભૂલીને ઇતિની એ બેકરારી જોઈ રહ્યો. એને થયું કે બસ…સમય આમ જ, અહીં જ થંભી જાય અને ઇતિ આમ જ એનો હાથ એના હાથમાં પકડીને આમ સંભાળપૂર્વક કાળજી લેતી રહે.
અચાનક જ ઇતિને ખ્યાલ આવ્યો કે એ શું કરી રહી છે..અને એકદમ જ એણે વિકાસનો હાથ છોડી દીધો..એનો ચહેરો શરમથી લાલ લાલ થઈ ગયો. દિલની વાત આમ એકદમ જ ખુલ્લી પડી જશે એ તો એને વિચાર પણ નહતો આવ્યો.

હવે વિકાસે પૂછ્યું,”શું થયું ઇતિ..?” વિકાસનો સઘળો પ્રેમ જાણે કે એ પાંચ અક્ષ્રરોમાં છલકાઈને બહાર આવી રહયો હતો.

‘હ્મ્મ્મ..ક..ક્ક..કંઇ નહી વિકાસ..એ તો બસ એમ જ..” ઇતિની જીભ હવે થોડા લોચા વાળવા માંડેલી.એને સમજાતું નહોતું કે શું બોલે તો આ વાત અહીં જ અટકી જાય.

વિકાસને ઇતિને આમ પરેશાન કરવામાં એક અજબ આનંદ આવતો હતો. એને સમજાતું હતું કે આબધું શું થઈ રહ્યું છે..પણ એકદમ જ એ વાત બોલીને એ આ વાતની મજા બગાડવા નહતો માંગતો.. એનામાં ભરપૂર ધીરજ હતી. જાણે કંઈ જ ના બન્યું હોય એમ એ એકદમ જ મસ્તીમાં આવી જઈને,”યે રાતે યે મૌસમ નદી કા કિનારા…” એના મનગમતા ગીત પર વ્હીસલીંગ કરવા લાગ્યો.
ઇતિ ગભરુ હરિણીની માફક વિકાસનું આ નવું રૂપ જોઈ જ રહી. વિકાસ હરામ બરાબર જો એની સામે એક વાર પણ જોયું હોય તો..પણ એને સતત એમ જ લાગતું હતું કે એની નજર એના તન મનને આરપાર વીધી રહી છે..એના દિલની વાતનો તાગ માપી રહી છે. આ સમયે ઇતિ અર્થની પત્ની…સ્પર્શની મા…વિમળાબેનની વહુ એ બધા રૂપોને પાછળ છોડીને એક નવી જ ઇતિ બની ગઈ હોય એમ અનુભવતી હતી. લાગણીથી તરબતર ભીંજાતી…વિકાસના સ્નેહમાં તણાતી..એને સમજાતું જ નહોતું કે એ શું કરે..?
અવઢવના ચકકરો…
લાગણી..પ્રેમ…ભરપૂર ભીનાશ,
ફરજો…રુપ-બદલાનો ભાર…
દિલમાં કંઈક કૂણા કૂણાં સ્પંદનોની ધાર વહેવા માંડેલી..
બધીયે ગડમથલ એના ચહેરા પર એકદમ જ સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. વિકાસને ઇતિનું આ રૂપ બેહદ ગમ્યું..એનું મન થયું કે આ સમય..આ પળ અહીં  જ રોકાઈ જાય.કોઇ સ્વીકાર નથી જોઈતો..કોઈ જ શબ્દોની હારમાળા નથી સર્જવી..એ વણબોલાયેલા વાક્યો પાછળની અઢળક લાગણી બસ આમ જ વહેતી રહે..અને એ અસ્ખલિત ધારામાં એ જિંદગીભર પલળતો રહે.

પ્રેમ બેય જુવાન હૈયામાં ફૂટી રહ્યો હતો..પણ મર્યાદાની સાંકળો તોડીને હજુ સ્વીકાર કરી શકાય એ હદ સુધી એમનામાં તાકાત નહોતી..કદાચ સામેવાળું પોતાના જેમ ના પણ વિચારતું હોય..કદાચ આ બધો પોતાનો ભ્રમ પણ હોય..અમુક ભ્રમ જીવવા માટે જરૂરી હોય છે. એ તૂટવાની બીકે ઘણાં એને વાસ્તવિકતામાં પલટાવાની હિંમત નથી કરી શકતા.

જેમ તેમ બંને એ કોફી પતાવી…

“હવે…??”

“નાઊ આઇ એમ પરફેકટ્લી ઓલ રાઈટ…ચાલો..પાછા વળીએ..”

‘ઓ.કે.”

અને વિકાસે બાઈકને કીક મારી..ઇતિ એની પાછળ ગોઠવાઈ. એનું શરીર લગભગ ઠંડી લાગતી હોય એમ ધ્રુજતું હતું.. એના દિલની ધડકન એને પોતાના કાનમાં અથડાતી હતી.કાનની બૂટ સુધ્ધાં લાલ લાલ થઈ ગયેલી..શરમ..સંકોચ..થોડા નજીક સરકીને પાછા એક અંતરે ગોઠ્વાઈ જવું…આ બધી પ્રક્રિયામાંથી પસાર થતી ઇતિ આખરે હોસ્પિટલ આવીને નીચે ઊતરી ત્યારે એક હાશકારો અનુભવી રહી હતી…

ઉતાવળે ઉતાવળે એણે વિકાસને ગુડનાઈટ કહ્યું અને એના જવાબની રાહ જોયા વગર જ પોતાના રૂમ તરફ રીતસરની દોટ મૂકતી હોય એમ ભાગી…

વિકાસ હવે એકદમ જ ખુલ્લા દિલે હસી પડ્યો…એને બધું સમજાતું હતું..અને એ એનો આનંદ ઉઠાવી રહ્યો હતો..એ જ બેફિકરાઇથી વ્હીસલીંગ કરતો કરતો પોતાના ઘર તરફ વળ્યો..

ઘરે જઈને એણે ઇતિને ફોન લગાવ્યો..
‘ઇતિ..એક ૦.૫ની આલ્પ્રેક્ષ લઈને સૂઈ જાઓ હવે…કાલે મળીએ અને હા…ગુડ નાઈટ…મારું ઉધાર રહી ગયેલું ને..!!” અને ઇતિની વાત સાંભળ્યા વગર જ નટખટ સ્મિત સાથે ફોન કટ કરી દીધો..

ઇતિ બે પળ તો બાઘાની માફક ઉભી રહી ગઈ ..વિકાસના વિચારોમાં ને વિચારોમાં એ એમ જ પલંગમાં આડી પડી..એને આજે વિચારોને રોકવા કોઈ જ આલ્પ્રેક્ષની ગોળી લેવાની જરૂર નહોતી લાગતી. ઊલ્ટાનું  આજે તો એને આ વિચારોની એ ધારામાં બેફામ વહેવું હતું. આજે એનામાં રહેલી સ્ત્રીનું અનોખું રૂપ ભરપેટ માણી રહી હતી…એનું એ સ્ત્રીરૂપ આજે એના બધા અપરાધભાવને ધોઈ રહ્યું હતું…એના મનો-મસ્તિષ્કમાં એક અનોખી જ આનંદની છોળો ઊછળી રહી હતી…એના મનના તરંગોમાં વહેતી વહેતી એ ક્યારે નિંદ્રાદેવીના શરણે જતી રહી એને ખ્યાલ જ ના રહ્યો.

ખાલીપો- ભાગ: ૧૫

ઇતિના સુખના દિવસો પાછા આવી રહ્યાં હતાં. એણે ક્યારેય વિચારેલી નહોતી એવી દુવાઓ પણ કબૂલ થઇ ગઈ હતી. મનોમન એ અને વિકાસ એક-બીજાની નજીક આવતા જતા હતાં. બંનેયને ખબર હતી હાલત પણ બેમાંથી એકેય મગનું નામ મરી નહોતા પાડતા અને સાથે સાથે એ બંધ મુઠ્ઠીની મજા પણ માણતા હતા. વિકાસ અને વિમળાબેન બેયની મહેનત અને પ્રેમ ધીમે ધીમે રંગ લાવી રહ્યાં હતાં.

વિકાસની ભલામણથી ઇતિને એક આર્કીટેક મિત્ર સુધીર ભાટીયાને ત્યાં ઇન્ટીરીયર ડેકોરેટર તરીકે જોબ પણ અપાવી દીધેલી. બસ..ઇતિને તો જીવવા માટેનો ટેકો મળી ગયો..ભગવાને એના અસ્તિત્વના પીંડને ઘડવાનો, એક આકાર આપવાનો ફરી અવસર આપી દીધો હતો. હવે એ આ તક ખોવા નહોતી માંગતી. રોજબરોજની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ અને સ્માર્ટ ઇતિને ક્લાયંટસની અઢ્ળક પ્રશંસા મળવા માંડી. એ સફળતાનો નશો ઇતિને એના જાનલેવા ડીપ્રેશનમાંથી બહાર કાઢવામાં બહુ મોટો ભાગ ભજવી ગયો. વિકાસ દૂરથી ઇતિને સફળતાની સીડીઓ ચઢતી જોઈને મનોમન હરખાતો અને ઉપરવાળાનો ખરા દિલથી પાડ માનતો.

લગભગ છએક મહિના વીતી ગયા. હવે ઇતિ ઓલમોસ્ટ સાજી થઈ ગઈ હતી. આ સમય દરમ્યાન એને એક પણ વાર પાગલપણનો દોરો પડ્યો નહતો. વિકાસે એને વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં બે રૂમ- રસોડાનો સરસ મજાનો નાનક્ડો ફ઼્લેટ લેવડાવી દીધો. ઇતિની જીંદગીમાં ફ઼રીથી એકવાર નવા રંગો પૂરાવા માંડેલા. નવીજ ભાતની રંગોળીથી એની જિંદગી સુશોભિત થઈ ગઈ હતી. હવે એ પહેલાંની જેમ જ ઉત્સાહ,જોમ અને આત્મ-વિશ્વાસથી ભરપૂર ઇતિ બની ગઈ હતી.

આજે ઓફ઼િસમાં ઇતિ બહુ કંટાળેલી. એક ડ્રોઈંગ કેમે કરીને પુરું થતું જ નહોતું. કેટ કેટ્લી વાર પ્રયત્નો કર્યા પણ એને સંતોષજનક પરિણામ નહોતું મળતું. છેલ્લે થાકી હારીને એને પડતું મુક્યું..કાલે થોડી ફ઼્રેશ થઈને જ હાથમાં લઈશ હવે ..એ નિર્ધાર કરીને ઓફ઼િસમાંથી નીકળી…રિક્ષાવાળાને હાથ કરીને ઊભો રાખ્યો…

’રીક્ષા..’

’બોલો મેડમ, ક્યાં જવું છે?’

’વસ્ત્રાપુર લેક…’

’ઓ.કે.’

આજે બહુ દિવસ પછી ઇતિને વસ્ત્રાપુર લેક પર જવાની ઇચ્છા જાગી આવેલી. રસ્તામાં આજે બહુ ટ્રાફ઼િક નહોતો એટલે દસેક મિનિટમાં તો એ લેક પર પહોંચી ગઈ ત્યાં.

રિક્ષાવાળાનું ભાડું ચુકવીને , બહાર લારી પર તપેલામાં ગરમ પાણીમાં બાફ઼ેલી અમેરિકન મકાઈ વેચાતી હતી એના પર થોડો એક્સ્ટ્રા મસાલો લગાવડાવીને, બાજુના સ્ટોલમાંથી એક એક્વાગાર્ડની બોટલ ખરીદીને એક હાથમાં મકાઈ ને બીજા હાથમાં પાણીની બોટલ સંભાળતીકને બગીચામાં પ્રવેશી.  ત્યાંથી થોડેક અંતરે આવેલ બાંકડે હાશ કરીને બેઠી..

સાંજનો સમય હતો. સામે લેકમાં ૪એક બોટ તરતી હતી. બાજુમાં ફ઼ાઊન્ટેનનું રંગીન લાઈટોથી રંગાયેલ પ્રકાશવાળું પાણી આકાશને ચુંબન કરવાના મિથ્યા યત્ન કરી રહ્યું હતું.  આજુબાજુ નકરા જીવનથી છલકતા નવજુવાનિયાઓની ચહલ-પહલ..સામેની તરફ઼ નાના બાળકો માટેના હીંચકા અને લપસણીમાં લસરતા..ધમાચકડી મચાવતા માસૂમ ભૂલકા..અને લાલ – ભુખરા..વાદળી..આસમાની..કંઈક અલગ જ જાતના ,,ભાત ભાતના કોમ્બીનેશન વાળું આકાશ..આ બધુંય મળીને રચાતું સુંદર મજાનું વાતાવરણ ઇતિને તરબતર કરી ગયું. આખા દિવસનો થાક ઉતરી ગયો..આ બધામાં ખોવાઈને એની મકાઈ ક્યાં પતી ગઈ ખ્યાલ જ ના રહ્યો. બાજુમાં ’use me’ લખેલા કાંગારુ-ડસ્ટ્બીનમાં મકાઇનો ડોડો નાંખીને બોટલનું ઢાંકણું ખોલતા ખોલતા એ વિચારતી હતી કે,

’ હવે ઘરે જઈને શું રસોઈ બનાવું કે બહારથી એક ભાજી-પાઊંનું પાર્સલ કરાવી દઊં..?”

પાણી પીને બોટલનું ઢાંકણું બંધ કરી, અને ખભે લટકતા પર્સને સંભાળતી એ બગીચાના એકાદ બે ચકકર લગાવવાના મૂડ સાથે જેવી ફ઼રી ત્યાં એની નજરે સામેથી ગેટમાં પ્રવેશતા અર્થ પર પડી.

અર્થનું ધ્યાન નહોતું. એ તો જોર જોરથી હસતો હતો અને એની બાજુમાં ચાલી રહેલી એક ૨૫એક વર્ષની યુવતીની પીઠે જોરથી ધબ્બો મારતો હતો. ઇતિને દિલમાં એક સબાકો ઉપડ્યો. એકદમ જ એ અર્થથી વિરુધ્ધ દિશામાં મોં ફ઼ેરવી ગઈ ને ધીમેથી એક ખૂણામાં સરકી ગઈ..

ખાલીપો ભાગ- ૧૬

વિમળાબેનને આજે બહુ ઉતાવળ હતી. ફટાફટ કામ આટોપીને એમને બહાર જવું હતું. ડો. વિકાસને મળવા. થોડા સમયમાં એમને એ છોકરા માટે એક નવાઈની માયા બંધાઈ ગઈ હતી. બહુ સરળ અને સાફ દિલનો એ છોકરો એમના દિલમાં ઘર કરી ગયેલો.

જમીને છેલ્લે રસોડાના પ્લેટફોર્મને પોતાનો છેલ્લો લસરકો મારી ફટાફટ સાફ્ કર્યું. પછી બેડરૂમમાં આવેલ ડ્રેસિંગટેબલ પાસે જઈ વાળ સરખા કર્યા. સ્પર્શને કપડાં બદલાવ્યાં,પગમાં મોજા અને બૂટ પહેરાવ્યાં અને ઘરની બહાર નીકળ્યાં.
સૂરજ માથે ચડવાની તૈયારીમાં હતો. પણ આ મે મહિનાની ગરમી તૌબા…

હાથ લાંબો કરીને સામેથી આવતી રીક્ષાને ઊભી રાખી ને એમાં બેસતા વેંત જ યાદ આવ્યું કે,

‘અરે..આ સ્પર્શની ‘કેપ’ લેવાનું તો ભૂલી જ ગઈ ..હવે ઊંમર થઈ છે ને..યાદ નથી રહેતું બહુ..મારા પછી આ છોકરાની સંભાળ કોણ રાખશે? મારો અર્થ તો હજુ પોતે જ છોકરડો છે. પોતાના કપડાં અને ખાવા પીવાનું ધ્યાન તો એ રાખી નથી શકતો. આ નાજુક ફૂલને એ કેમ ઉછેરશે? ‘

મન સાથેના ચિંતાશીલ વાર્તાલાપમાં ‘પ્રભાત મેન્ટલ કેર’ ક્યાં આવી ગયું ખ્યાલ જ ના રહ્યો. નીચે ઉતરી રિક્ષાવાળાને પૈસા ચૂકવી, સ્પર્શને સંભાળતાક ને એ અંદર ગયા.
‘ડો.વિકાસ’ નેઇમપ્લેટ લગાવેલ દરવાજો ખોલતા એમના મને એમને ફરીથી ટપાર્યા..
‘વિમળા..તું જે કરવા જઈ રહી છું એ બરાબર છે? ફરી એક વાર વિચારી લે હજુ. ભાથામાંથી નીકળી ગયેલ તીર પાછું નથી આવતું. પછી આખી જિંદગી અફસોસ ના થાય..”

વિમળાબેન કોઈ અવઢવ અનુભવતા એક ક્ષણ અટકી ગયા. બે-ચાર ખાલી મિનિટો એમ જ વહી ગઈ. અચાનક કોઈ મકકમ નિર્ણય લઈ લીધાના ભાવ એમના મુખ પર કોમળ સ્મિત સાથે ફરકી ગયાં.એ જ મક્ક્મતાથી એમણે દરવાજો નોક કરીને હળ્વેકથી અંદર ધકેલ્યો.

‘કોણ..?”

‘વિકાસ દીકરા..એ તો હું…વિમળા…અંદર આવું કે..?”

વિકાસ એક્દમ ઊભો જ થઇ ગયો. દરવાજા પાસે જઈને વિમળાબેનના હાથમાંથી સ્પર્શને તેડીલીધો અને બનાવટી ગુસ્સો કરતાંકને બોલ્યો..

“શું માસી..તમારે મારી કેબિનમાં આવવા માટે કોઇ પરવાનગી લેવાની જરૂર થોડી હોય. ફરીથી આવું ના કરશો. મને તમારા દીકરા જેવો જ ગણજો હોંકે….”

અને વિમળાબેનનો ઘાવ અનાયાસે જ છેડાઇ ગયો…અર્થ અને વિકાસની તુલના…એ કયા મોઢે કરે? વળી એમનો દીકરો એ તુલનામાં સાવ વામણો ઠરતો હતો..એની એ હાર એના સંસ્કારોની હાર કહેવાય..એ ક્યા મોઢે કબૂલે. બે જ પળમાં જીન્દગીના ૫૫ વર્ષ પૂરા કરી ચૂકેલ અનુભવી મહિલાએ પોતાના એ ભાવ ઉપર સ્મિતનું મુખોટું પહેરી લીધું ને ધીમે પગલે વિકાસના ટેબલની સામેની બાજુની ખુરશી પર જઈને બેઠી.
વિકાસ સ્પર્શ સાથે  ટેબલની બીજી બાજુ ખુરશીમાં ગોઠવાયો. બેલ મારીને પટ્ટાવાળાને બોલાવી પાણી અને  બે ઓરેંજ જ્યુસનો મંગાવ્યા. પછી વિમળાબેન સામે જોતા બોલ્યો…

‘બોલો માસી..આજે અચાનક કેમ આવવાનું થયું..કોઈ ખાસ કારણ? ઇતિના ગયા પછી કદાચ તમે પહેલી વાર અહીં આવ્યા છો કેમ..?’

‘હા દીકરા..પહેલી વાર…એક ખાસ કામ માટે આવવું  જ પડે એમ હતું.’

‘બોલો ને માસી.કોઇ જ સંકોચ ના રાખશો …પ્લીઝ.’

પ્યુન આવીને બે નાજુક પતલા લાબા કાચના ગ્લાસમાં ઓરેંજ જ્યુસ અને પાણીની બોટલ અને સાથે બે ખાલી ગ્લાસવાળી એક ટ્રે ટેબલ પર ગોઠવી ગયો.

વિકાસે પાણીનો ગ્લાસ વિમળાબેનને ધર્યો..એ પીતા પીતા વિમળાબેન વાત કયાંથી શરુ કરવી એ વિચારતા રહ્યાં.

‘જો દીકરા..એક બહુ જ મહત્વની વાત કહેવા આવી છું. તું તો જાણે છે ને કે હું ઇતિને મારી દીકરી જેમ  જ માનું છું.’

‘હાસ્તો..પણ કેમ એક્દમ આમ..!! મારાથી કોઇ ભૂલ થઈ ગઈ છે ..?’

‘અરે ના…એમ નહી..પણ..પણ..મારે એમ કહેવું હતું કે..આઈ મીન..હું એમ માનું ્છું કે…વિમળાબેને લારા ચાવવા માંડયા

વિકાસ ઊભો થયો. વિમળાબેનના ખભે હાથ મૂકીને સાંત્વનાપૂર્ણ સ્વરે બોલ્યો..

‘માસી જે પણ કહેવું હોય નિઃસંકોચ કહો. મને તમારી કોઇ જ વાતનું દુઃખ કે ખોટું નહી લાગે.વિશ્વાસ રાખો.’

અને વિમળાબેનની આંખો છલકાઇ ગઈ..આવી રીતે તો એમના અર્થે પણ એમને કોઈ દિવસ કહ્યું નહોતું. વિકાસ નિઃસંકોચ એના કરતાં બેં વેંત ઊંચેરો માનવી જ હતો..એની સાથે ઇતિ જરૂરથી ખુશ રહેશે. ગળું ખોંખારીને આખરે દિલની વાત મોઢા સુધી લઈ જ આવ્યાં.

‘દીકરા..છેલ્લાં કેટલાય સમયથી હું તને અને ઇતિને જોતી આવી છું અને આ અનુભવી આંખો જો ભૂલ ના કરતી હોય તો તમે બંને એક બીજાને પસંદ કરો છો. મને એમ લાગે છે કે તમે બંને પરણી જાઓ..ચોકકસ તમે એકબીજાને ખુશ રાખી શકશો.’

એકીશ્વાસે આટલું બોલીને વિમળાબેને સામે ટેબલ પર પડેલ ઓરેંજ જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને એક ઘૂંટ્ડો ભર્યો.

વિકાસ એમની આ વાત સાંભળીને ભોંચક્કો થઈ ગયો.

‘માસી..આવું તમે…આઈ મીન…આવું કંઈ..’

વિમળાબેન વિકાસની નજીક ગયા..એના વાળમાં માર્દવતાથી હાથ ફેરવ્યો અને બોલ્યાં..

.દીકરા …તો હું એમ માનું કે મારી અનુભવી આંખોએ મને દગો દીધો છે..!!?’

‘ના ના…એવું નહી માસી..’પ્રત્યુત્તરમાં એકદમ જ વિકાસથી બોલાઇ ગયું.

‘તો કેવું…?”

વિકાસનો ગોરો ચિટ્ટો ચહેરો લાલ થઇ ગયો..હવે તો એનાથી પાછા હટાય એમ નહોતું. જે છુપાવી રાખેલું એ તો બોલાઈ ગયું..હવે સ્વીકાર કર્યે જ છૂટકો..સામે પક્ષે વિમળાબેન એની આ મીઠી મૂંઝવણની સહાસ્ય મજા માણી રહ્યાં હતાં.

‘જુઓ માસી…મને તો કોઈ વાંધો નથી..પણ ઇતિના મનની વાત પણ જાણવી પડે ને ‘

‘ઇતિને હું બહુ સારી રીતે જાણું છું..એના દિલની હાલત મને ખબર છે..પણ તું હા પાડ..તૈયાર થા પછી એનો વારો..’

‘ઓકે માસી પછી તો મને શું વાંધો હોય ..આમે મને તો ઇતિ..અને આગળના શબ્દો ગળી જ ગયો..એના મુખ પર ફરકતા મધુરા સ્મિતે એ શબ્દોની જગ્યા ભરી દીધી…’

વિમળાબેન આનંદપૂર્વક વિકાસને ભેટી પડ્યા અને એના માથે એક ચુંબન ચોડતા કહ્યું..

‘ભગવાન તને સો વર્ષનો કરે દીકરા..સદા ખુશ રહે…મારી ઇતિએ બહુ દુઃખ વેઠ્યા છે દીકરા..એને બહુ બધી ખુશીઓ આપજે.’
અને હર્ષાવેશમાં એમની આંખો છલકાઇ ગઈ..
____________________________________________________________

ઇતિને દિલમાં એક સબાકો ઉપડ્યો. એકદમ જ એ અર્થથી વિરુધ્ધ દિશામાં મોં ફ઼ેરવી ગઈ ને ધીમેથી એક ખૂણામાં સરકી ગઈ..

અર્થ અને પેલી છોકરી હસતા હસતા ભીડથી દૂર થોડા અંતરે આવેલ એક ખાલી બાંકડા પર ગોઠવાયા.

ઇતિએ થોડી હિંમત એક્ઠી કરીને એ દિશા તરફ નજર નાંખી. એ લોકો એનાથી થોડા દૂર હતા. પણ એમની વાતો સાંભળવાની લાલચ એનાથી જતી ના કરી શકાઈ.

માથે અને મોઢે દુપટ્ટો બાંધ્યો અને આંખો મોટા ગોગ્લસ ચડાવ્યા. અને અર્થનું ધ્યાન ના પડે પણ એની વાતો પોતે સાંભળી શકે એ રીતે બીજા બાંક્ડે એ ગોઠ્વાઈ..પર્સમાંથી એક મેગેઝિન કાઢીને એની આડશ લઈ એ પેલા બેયની વાત સાંભળવા લાગી.

અર્થે પેલી છોકરીનો હાથ પોતાન હાથમાં લઈ લીધેલો અને બીજો હાથ પાછળથી એના ખભા પર ગોઠવેલો..આમ તો આટ્લું  જ પૂરતું હતું એ બેયની નજદીકી સમજવા માટે.

‘મોના ડાર્લિગ..આજે તો ઓફિસમાં બહુ કામ હતું ..થાકીને ઠુસ્સ…થઈ ગયેલો..પણ તને મળ્યો ને ખબર નહી કેમ..બધો થાક છૂ..’

‘ઓહ..તો છોકરીનું નામ મોના છે એમ ને..’ ઇતિએ મનોમન વાત કરી.

મોના નામધારી છોકરી અર્થના વાળમાં હાથ પૂરોવતા બોલી..

‘તો કાયમ માટે હવે મને ઘરે ક્યારે લઈ જાય છે..રોજ તું ઓફિસેથી આવજે..હું તારો બધો થાક ચપટી વગાડતાંક ને આમ જ મિનિટોમાં ભગાડી દઈશ.’

બસ..આટલું તો ઇતિ માટે પૂરતું હતું..એનાથી વધુ સાંભળવાની એનામાં હવે હામ નહોતી રહી..

ફટાક દેતાંકને ત્યાંથી ઊભી થઈને બગીચાના દરવાજા તરફ જાણે કે દોટ ના મૂકતી હોય એમ ચાલવા માંડી.આજુ-બાજુમાં ચાલતા લોકોને પણ એની એ સ્પીડ પર નવાઈ લાગી..પણ ઇતિને અત્યારે એ કશાનું જ ભાન ક્યાં હતું..!!

ખાલીપો- ભાગ-૧૭

ફટાક દેતાંકને ત્યાંથી ઊભી થઈને બગીચાના દરવાજા તરફ જાણે કે દોટ ના મૂકતી હોય એમ ચાલવા માંડી.આજુ-બાજુમાં ચાલતા લોકોને પણ એની એ સ્પીડ પર નવાઈ લાગી..પણ ઇતિને અત્યારે એ કશાનું જ ભાન ક્યાં હતું..!!બહાર નીકળતા નીકળતા એક વયોવૃધ્ધ કાકા સાથે અથડાઇ ગઈ. કાકાના ચશ્મા અને ઇતિના હાથની પાણીની બોટ્લ બેય એકસાથે નીચે પડયાં અને કાકાના ચશ્મા શ્રી હરિને વ્હાલાં..!!
’આટલી ધમાલમાં ક્યાં ભાગે છે બેટા..?’
’અહ્હ…કંઇ નહી કાકા..થોડી ઇમરજન્સી છે..સોરી…હુ તમારા ચશ્માના પૈસા આપી દઊ છું..’ અને એણે પર્સમાં હાથ નાંખ્યો.
’બેટા…રહેવા દે..ચશ્મા તો નવા આવી જશે..પણ આમ વાવાઝોડાની જેમ ચાલીશ તો જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે..એ ક્યારેય પાછી નહી મળે..્તમનેઆજકાલના જુવાનિયાઓને જીન્દગીનું કોઇ મૂલ  જ નથી ને ..તમારા પેરેન્ટસનો તો કંઈ વિચાર કરો. તમારી સાથે કેટ-કેટલી જિંદગીઓ જોડાયેલ હોય છે!!’
’સારું કાકા…તમારી વાત ધ્યાન રાખીશ..ફ઼રીથી તમારી માફ઼ી માંગુ છું..માફ઼ કરજો.’

અને સડ્સડાટ કાકાના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ ઇતિ ત્યાંથી ભાગી..સીધી ફ઼્લેટમાં જઈ બેડરૂમના પલંગમાં પડતું મૂક્યું.
જેને આત્માની સચ્ચાઇથી ચાહેલો.પ્રેમ કરેલો…એના રૂંવે-રુંવે હજુ પણ એ નામ ..એ સ્પર્શ શ્વસતો હતો…એ અર્થ…આમ ખુલ્લે આમ…એનાથી હજી પોતાના છૂટાછેડાની સચ્ચાઇ સહન નહોતી થતી..સ્વીકારી જ નહોતી શકતી. વિકાસ સાથે હોય ત્યારે એના દિલમાં પણ કૂણી કૂણી લાગણીના અંકુર ફ઼ૂટતા હતા એ વાત સાચી..પણ એનો સ્વીકાર એ ક્યારેય નહોતી કરી શકતી. ઊલ્ટાનું એકલા પડતાં વિકાસ માટેની પોતાની લાગણી માટે દિલના એક
ખુણે અપરાધભાવ અનુભવાતો હતો. દિલમાં અંદરખાને તો હજુ અર્થ જ અર્થ હતો..બાકી બધું એના માટે નિરર્થક …એ જ અર્થ આમ બીજી કોઈ છોકરી સાથે…છી…એનાથી સહન ના થયું. આંખોના છેડા પલળવા માંડ્યા.
અચાનક એ ઊઠી અને ડ્રેસિંગટેબલના કાચમાં પોતાના પ્રતિબિંબને જોવા લાગી..ડાબેથી જમણે …જમણેથી ડાબે…ફ઼રી ફ઼રીને પોતાની જાતને નિહાળી..એ છોકરી..મોનામાં એવું તે શું હતું કે પોતાનામાં નહોતું.પોતે એના કરતાં લાખ દરજ્જે રૂપાળી હતી. એક છોકરાની મા બન્યા પછી તો ઉલ્ટાની એ વધુ ગૌરવશાળી….રૂપાળી અને ભરેલી ભરેલી કાયાવાળી બનેલી. તો પછી કેમ આમ..?
ઇતિના વિચારો પાછા એને હેરાન કરવા માંડ્યા..મનમાં થયું વિકાસને ફ઼ોન કરે..સેલ કાઢ્યો..નંબર લગાડ્યો..પણ ડાબી બાજુનું ગ્રીન બટન દબાવતા જ એના મનમાં એક વિચાર ઝબૂક્યો..’ઇતિ..ક્યાં સુધી તું આમ કોઇના સહારાની આશામાં જ જીવીશ? ક્યાં સુધી તકલીફ઼ોમાંથી બહાર આવવા કોઇ ખભાનો સહારો શોધીશ..આમ તો આખી જીન્દગી તારી ઓશિયાળી જ જશે..આમ ના કર..પોતાની જાતે જ જાતને સહારો આપ..અને પરિસ્થિતિમાંથી બહાર આવ..અને ત્વરાથી એણે  જમણી બાજુનુ લાલ બટન દબાવીદીધું .
મન મક્ક્મ કરી..ડો. સ્નેહ દેસાઈની રિલેક્ષેશનની સીડી ચાલુ કરી પદ્માસન લગાવી અને લાંબા લાંબા શ્વાસ લઈને ડીપ બ્રીધિંગ ક્રરવા લાગી…૨-૫-૭ મીનીટ અને ઇતિને હવે સારું લાગવા માંડ્યું હતું.
થોડીવાર આમ જ ’સેલ્ફ કાઉન્સેલિંગ’ની ટ્રીટ્મેન્ટ પછી એ વજનદાર ક્ષણો થોડી હળવી બની. ઉઠીને બાથરૂમમાં જઈ હર્બલ ફેસવોસની ટ્યુબ ખોલી એનું લીલું લીલું લિકવીડ હથેળી પર લીધું.એને હથેળીમાં રગડતા રગડતા જાણે અર્થના બધા વિચારો પણ રગડી ના કાઢવા હોય એમ જોર જોરથી બે હથેળીને ઘર્ષણ આપ્યું…સફેદ સફેદ ફીણ જોઈને એનું મન પ્રફુલ્લિત થઈ ગયું…મોઢા પર લગાવી અને પાણીની છાલકો મારી..
‘હાશ ફ્રેશ …હવે એક કપ કોફી પી લેવા દે..’નેપ્કીનથી મોઢું લૂછતા લૂછતા વિચાર્યું.
એક મોટો મગ કોફી અને સેન્ડવીચ બ્રેડની ચારેક સ્લાઈસ…ઇતિનું ડીનર પતી ગયું.
‘હવે વિકાસ પાસે જવામાં વાંધો નથી. એના સહારા માટે નથી જવું. બસ એને મળવાનું મન થયું તો જવામાં શું ખોટું..?”
જાત જોડે જ વાતો કરવા માંડી એણે..છેલ્લે નિર્ણય કરીને વિકાસને મળવા એના ફ્લેટ તરફ પગ ઊપાડ્યા…

 

વિકાસ પલંગમાં આડો પડીને ‘ઓશો’ની કોઇ બુક વાંચી રહ્યો હતો. માનવીના અંતરમનની વાતો જાણવા..સમજવા…ઊલઝનોના રસ્તા શોધવા આ બધી વાતો અને વિચારો એના પ્રિય વિષયો હતા.
ત્યાં જ ડોરબેલ વાગી..
ટીંગટોંગ..
“અત્યારે..રાતના ૯.૩૦ વાગ્યે વળી કોણ હશે?”
બારણું ખોલ્યું…
“ઓહ ઇતિ તું..અત્યારે…વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ..!! આવ આવ.”
ઇતિ થોડી ચોળાયેલી રેડ ટી-શર્ટ અને નીચે જીન્સની શોર્ટસમાં વિકાસને જોઈ જ રહી..એના થોડા અસ્ત-વ્યસ્ત વાળ..એની મધુર અને ધીરજસભર મુસ્કાન…ઇતિને દિલમાં કંઇક કંઈક થવા માંડ્યું.
‘અરે,,શું થયું..અંદર આવ. કેમ બારણે જ અટકી ગઈ .?”
વિકાસે ઇતિનો હાથ પકડી અને અંદર ખેંચી.
વિકાસનો એ સ્પર્શ ઇતિને વધારે ને વધારે શરમાવી રહ્યો હતો..એક વાર મન થયું પાછી જતી રહે..આમ આટલી રાતે એકલા રહેતા પુરુષને ત્યાં કોઈ સ્ત્રી એકલી જાય એ સારું ના લાગે..કોઈ જોઈ જાય તો શું વિચારે..??
વિકાસ ઉભો ઉભો ઇતિની એ મૂંઝવણની મજા ઊઠાવી રહ્યો હતો. એને બરાબર ખ્યાલ આવતો હતો કે ઇતિના મનોપ્રદેશમાં શું યુઘ્ઘ લડાઇ રહ્યું છે.
ઇતિને સોફા પર બેસાડી ફ્રીજમાંથી પાણીની બોટ્લ લઈ આવ્યો.
‘લે થોડું પાણી પી લે..અને જે કહેવું હોય એ શાંતિથી વિચારીને કહી દે.એટલે મનનો ભાર હળવો થઈ જશે ..ચાલ..”
ઇતિ ચમકી..
‘અરે..મારે ક્યાં કંઇ જ કહેવું છે…હું તો અમસ્તા જ..’
વિકાસ એની નજીક ગોઠવાયો..
ઇતિનો હાથ પોતાના હાથમાં લઇને એને પંપાળતા માર્દવતાથી બોલ્યો,
‘ઇતિ..તેં જ્યાં તારી જાતને પૂરી રાખી છે ત્યાંથી મારી તને સમજવાની હદ ચાલુ થાય છે. તારામાં સડસડાટપણે વહેતી ઇતિને હું બરાબર ઓળખું છું..મારે તને સમજવા તારા શબ્દોની કોઈ જ જરૂર ક્યારેય નથી પડી..”
વિકાસની નજદીકી..એના પ્રેમાળ શબ્દો..
ઇતિના શ્વાસો-શ્વાસ એક્દમ જ વધી ગયા.પોતાના દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા. આંખો બંધ થઈ  ગઈ..
વિકાસ એકીટશે ઇતિને નિહાળી રહ્યો..ગજબની રુપાળી લાગતી હતી એ અત્યારે…વિકાસનો જાત પર કાબૂ ના રહ્યો. ઇતિની થોડી વધુ નજીક સરક્યો અને બે હાથમાં એનો ચહેરો લઈને એના કપાળ ઉપર એક નાનકડું ચુંબન કરી દીધું..ઈતિની બંધ આંખો સામે અર્થ અને મોનાના ચહેરા તરવરવા માંડ્યા..અર્થ માટે એને થોડો ગુસ્સો હતો, કારણ, એણે મન મૂકીને ચાહેલ અર્થને એ નફરત તો એ કદી નહોતી કરી શકવાની..એ જ ગુસ્સો આજે એને વિકાસ તરફ ધકેલતો હતો..આજ સુધી એનામાં અર્થ ક્યાંક ઊંડે ઊંડે સળવળતો હતો..એ સળવળાટ પર વિકાસનો પ્રેમ હાવી થતો જતો હતો..એ ચૂપચાપ એ પળોને ..,વિકાસના સાન્નિધ્યને માણી રહી..આજે એને કોઈ જ અપરાધભાવ  નહ્તો રંજાડતો.

 

ખાલીપો-ભાગઃ ૧૮
વિકાસની અવિરત લાગણી ઇતિના દિલના ખૂણે સળવળતા અર્થને જાણેકે હડસેલતી હતી..
‘તને કોઈ હક નથી આવી કોમળ સ્ત્રીના દિલને દુખાડવાનો..બસ..બહુ થયું.હવે એને શાંતિથી જીવવા દે..”એવા જ કંઈક આદેશો આપતી જતી હતી

ત્યાં જ વિકાસના સેલની રીંગ વાગી…
‘ટ્રીંગ…ટ્રીંગ..’

અને બેય જણ વાસ્તવિકતાની ધરતી પર પાછા ફર્યા.

‘હલો.’

‘ડો. વિકાસ..એક અર્જન્ટ કેસ આવ્યો છે હોસ્પિટલમાં. પ્લીઝ તમે આવી શકશો?’
સામે છેડેથી હોસ્પિટલની નર્સનો અવાજ રણક્યો.
‘હા..બસ …પાંચ મિનિટ..આવ્યો..’
વિકાસ આટલું બોલીને ફટાફટ ઊભો થયો.
બેડરૂમમાં જઈને ફટાફટ કપડાં બદલીને બહાર આવ્યો. ઇતિની સામે જોતા બોલ્યો..’
સોરી..મારે જવું પડશે..ડ્યુટી ફર્સ્ટ..’ એની આંખમાં અમૂલ્ય પળ ખોવાનો રંજ સ્પષ્ટ ડોકાઇ રહ્યો હતો.
ઇતિને એ માસૂમ,ભાવવાહી આંખોમાં જોવું હતું..હજુ ઊંડા ઉતરવું હતું…એના થકી વિકાસના દિલ-દિમાગની આરપાર થઈ જવું હતુ..પણ..લાગણીઓના ઘોડાપૂરને ખાળ્યાં સિવાય એની પાસે કોઈ જ ઓપ્શન ક્યાં હતું.??
હસતા મુખે અને દુખતા દિલ સાથે વિકાસ સાથે આંખો-આંખોથી જ અમુક  વાત કરી લીધી અને પછી ખોખલું હાસ્ય કરતાં બોલી..
‘અરે, હું પણ નીકળું..આ તો અમસ્તું જ આવેલી..એક્લા એકલા કંટાળો આવતો હતો એટલે જ ..તમતમારે નીકળો.પછી મળ્યાં શાંતિથી.’
અને વિકાસના પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ સીધી નીકળી ગઈ.

ઘરે જઈને પથારીમાં પડતા વેંત જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.,!! રોજની માફક આજે એને ‘આલ્પ્રેક્ષ’ની ઊંઘની ગોળી લેવાની કોઈ જ જરૂરિયાત ના પડી.

ખાલીપોઃ- ભાગ-૧૯
_____________

ઇતિ માટે બીજા દિવસની સવાર કંઇક વધારે મનોરમ્ય જ હતી. દિલનો કોરોધાકોર ખૂણો પલળીને સંતોષાઈ ગયેલો. બહાર વાતાવરણ પણ એના જેમ જ અનુભવતું હતું. કાલે ભરઊનાળે વરસાદ પડયો હતો. ગરમીના કાળઝાળ તાપથી તરસી જમીન વરસાદના એ છાંટણાથી તૃપ્તિના ઓડકાર લેતી હતી. વાતાવરણ ગુલાબી ગુલાબી થઈ ગયેલું. સવારના છ વાગ્યાનો કૂણો તડકો ઇતિની ગેલેરીમાં, છત પર ટીંગાડેલ બોન્ઝાઇ વડના કુંડાને અથડાતો અથડાતો ઇતિના ડ્રોઈંગરુમ સુધી પહોંચી ગયેલો. ઇતિ સવારે ઊઠીને ખુલ્લા વાળને બટરફ્લાયમાં ક્લીપ કરતી કરતી રોજની આદત મુજબ ગેલેરીમાં જઈને ઉભી રહી.

ગુલાબી ઠંડક અને કોમળ રશ્મિ-કિરણો એને કોઇક અનોખો જ આનંદ આપી ગયા. વાતાવરણની માદકતાએ એનો આખો દિવસ સુધારી દીધો હતો જાણે..આંખો બંધ કરીને એના મોઢા પર દસેક મિનિટ એ સૂર્યદેવનો કોમળ પ્રેમ ઝીલતી રહી. એનું આખું શરીર જાણે કે પ્રેમમય થઈ ગયું. એક પોઝીટીવ ફિલીંગ એના તન અને મનને આનંદના રસકુંડામાં ઝબોળી રહી હતી.
દસેક મિનિટના વિરામ પછી એનો નશો ઓછો થતા કાલની વાતોએ પાછો મગજ પર ભરડો લેવા માંડ્યો..

બ્રશ કરતા કરતા કોફી અને બ્રેડ ટોસ્ટનો નાસ્તો બનાવી કાઢ્યો..સાથે સાથે મગજ્માં પેલું વિચારોનું તુમુલ યુધ્ધ તો ચાલુ જ હતું. અર્થ જો બીજા કોઇની આટલી નજીક જઈ શકતો હોય તો મને કેમ તકલીફ પડે છે? હવે તો અમે છૂટા છેડા પણ લઇ લીધા છે..હું કોઈ પાપ તો નથી જ કરી રહી. તો કેમ આમ અંતરનો અવાજ મને ઢીલી પાડે છે? વિકાસ જેવો નિષ્પાપ મિત્ર જો મારા જીવનમાં પ્રવેશવા માંગતો હોય તો ખોટું શું?

વિચારો ને વિચારો સાથે રુટિન કામ કાજ પતાવ્યું. ફટાફટ તૈયાર થઈ અને હાથે બાંધેલ ગોલ્ડ બેલ્ટવાળી નાજુક ઘડિયાળ પર નજર પડી…

‘ઓહ માય ગોડ..નવને પાંચ..’

આજે ફરીથી બોસનો ઠપકો ખાવો પડશે મનોમન વિચારતા એ ફટાફટ તૈયાર થવા માંડી.

ઇતિને રાતે ઊંઘની ગોળી લઈને સૂવાની  ટેવ પડી ગઈ હતી. એના વગર એ આખી રાતોની રાતો પડખા જ બદલ્યા કરતી. એના પરિણામે ઘણીવાર બીજા દિવસે સવારે  ટાઇમસર નહોતી ઉઠી શકતી.અઠવાડિયામાં બેએક વાર તો ઇતિને ઓફિસે પહોંચવામાં મોડું થઈ જ જતું અને ટાઇમનો પાકો એવા ઇતિના બોસનો પારો સાતમા આસમાને જ પહોંચી જતો..

‘ઇતિ..આ છેલ્લી વાર કહું છું..હવે નહી ચલાવી લઊ..અડધા દિવસની ‘લીવ’ મૂકી દઇશ વગેરે વગેરે…’
આજે પણ એ જ વાતનું પુનરાવર્તન..

‘ફરી તમે મોડા પડ્યા છો ઇતિ..આવી બેજવાબદારી તો કેમ ચલાવી લેવાય..તમે સુધરી જાઓ નહી તો..’

રોજ-રોજની કચકચથી ઇતિ આમે કંટાળી ગયેલી. પણ જાત સાથે સમાધાન કરી કરીને મોડું બંધ રાખી લેતી અને વાત પતી જતી. પણ આજે ઇતિ અકળાઇ ગઈ.

‘નહીં તો શું..?’

‘કંઈ નહી..તમારા જેવા બહુ બધા મળી રહેશે કંપનીને..રખડતા હોય છે ફૂટપાથ પર..’

બોસ પણ કદાચ ઘરે ઝઘડીને આવ્યા હશે,,એનો પારો પણ ઊંચે હતો આજે..બોલવામાં કંટ્રોલ જ નહતો એમનો..આગળ પણ કેટ-કૅટલું બોલી ગયા..પણ ઇતિને ફૂટપાથ શબ્દ સાંભળીને ગુસ્સો આવી ગયેલો આગળના શબ્દો તો કાનથી અંદર પ્રવેશ્યા જ નહી.
ફટાફટ પોતાના ટેબલ પર જઈને ‘રેઝિગ્નેશન લેટર’ કોમ્પ્યુટરમાં ટાઇપ કર્યો  અને બોસના ટેબલ પર મૂકીને બોલી…

‘તમારી સાથે જેટલો સમય કામ કર્યું..મજા આવી..ધન્યવાદ..આ મારું રેઝિગ્નેશન સ્વીકારી લેજો..હું અત્યારથી જ આપની જોબ છોડું છું’

અને સડસડાટ પોતાનું પર્સ લઈને ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.
____________________________________________________________

ઓફિસમાંથી નીકળીને વિકાસ અને વિમળાબેન બેયને નોકરી છોડ્યાના સમાચાર આપ્યાં. હવે આગળ શું નો યક્ષ પ્રશ્ન..
સામે જ આવેલા ‘હેવમોર’ રેસ્ટોરન્ટમાં જઈને એક ચણા-પુરીનો ઓર્ડર આપ્યો અને વિચારવા લાગી.

‘હવે આગળ શું?’

ત્યાં એના ટેબલ પર રસિકલાલ શાહ આવીને ઊભા રહ્યાં. રસિકલાલ શાહ..ઇતિના ક્લાયંટ અને એના કામના બહુ મોટા ચાહક. એમના ઘરના ઇતિએ કરેલ ઇન્ટિરીયર કામના વખાણ કરતા લોકો થાકતા નહોતા. બસ એ પછી કોઈ પણ સંબંધીના ઘરના કામ હોય રસિકલાલ ઇતિ પાસે જ એ કામ કરાવવાનો આગ્રહ રાખતા. આજે પણ એ એક કામ લઇને ઇતિ પાસે  જવા નીકળેલા. પણ ઇતિને હેવમોરમાં જતા જોઈ ચમક્યા. ઇતિની ચાલવાની સ્ટાઇલ પરથી સ્પ્ષ્ટ જણાતું હતું કે એ વિચારોમાં ખોવાયેલી હતી. રસિકલાલ પણ એની પાછળ પા્છ્ળ જ રેસ્ટોરાંમાં પ્રવેશ્યા અને હવે એના ટેબલ સામે ઉભા હતાં.

‘હલો ઇતિ’

‘ઓહ હાય રસિકભાઈ..કેમ છો? તમે અત્યારે અહીં..?”

‘હા..તમને મળવા ઓફિસમાં જતો હતો પણ તમને અહીં આવતા જોઈ તમારી પાછળ પાછળ અહીં આવ્યો. એક સંબંધીનું કામ છે. બહુ મોટું કામ છે..કરશો ને?.’
‘સોરી રસિકભાઈ..મેં એ જોબ છોડી દીધી છે.”
‘ઓહ..’બે મિનિટ તો રસિકભાઈ અટકી ગયા.પછી મોંઢા પર હાસ્ય ફરકાવતા બોલ્યા,’તમે તમારી પોતાની ઓફિસ ખોલી લો ને ઇતિ. તમે તમારા કામમાં નિપુણ છો, મહેનતુ છો, પ્રામાણિક છો…મારા ખ્યાલથી તમને તકલીફ નહી પડે. હા…ફાઇનાન્સની તકલીફ્ હોય તો બોલો.હું તૈયાર છું ..કેટલા રુપિયાની જરૂર પડશે? ચેક લખી દઊ છું હમણાં જ.”
અને ઇતિ જોતી જ રહી ગઈ..
“વાહ ..આ દુનિયા હજુ આવા નિઃસ્વાર્થ અને પરગજુ માણસોથી ભરેલી છે…! “

થોડી વાટાઘાટો પછી બધું નકકી થઇ ગયું અને ઇતિએ એકાદ મહિનામાં પોતાની ઓફિસ ખોલી લીધી. જુના જુના કેટલાય કલાયંટ્સ એની પાસે જ આવતા અને એના કામ અને મહેનતથી નવા નવા કલાયંટ્સ બનતા જતા હતાં.

ત્રણ વર્ષ તો ઇતિ બધું ભૂલીને કામ કામ અને કામમાં જ ડૂબેલી રહી..પરિણામે આજે એ સફળતાની ટોચ પર ઊભેલી. વિકાસ અને વિમળાબેન ચૂપચાપ રીતે હંમેશા એની પડખે જ ઊભા રહેલાં.

વિકાસ પૂરી ધીરજ સાથે ઇતિની રાહ જોઇને હજુ પણ લાગણીના રસ્તે એ જ જગ્યાએ અડીખમ ઊભેલો..એક દિવસ ઇતિ ચોક્કસ એની પાસે આ જ રસ્તે આવશે..એને પાકી ખાત્રી હતી.
કારણ..સફળતાની ટોચ પર બેઠેલી ઇતિનો દિલનો એક ખૂણો સાવ ખાલી હતો…નકરો ખાલીપો જ  વસવાટ કરતો હતો અને વિકાસથી વધારે તો એ ખૂણાની કોને ખબર હોય?

આજે સૌમ્ય પટેલ અને સોનિયા પટેલના મતભેદવાળા વિચારોથી ઇતિની નજર સમક્ષ એનો પોતાનો  ભૂતકાળ ફરી તરવરી ઊઠેલો…જૂનો ઘા ફરી રીસવા માંડેલો..

મિત્રો…આ વાર્તા અહીં સુધી ‘ફ્લેશબેક’ હતી. આના માટે ‘ખાલીપો-ભાગ- ૪’ જોઇ લેજો…
https://akshitarak.wordpress.com/2010/06/27/khalipo-4/
આ એની લિંક છે..હવે આગળની વાર્તા વર્તમાનમાં જ લખીશ. પહેલ વહેલી વાર આટલું લાંબુ લખ્યું છે તો કદાચ વાર્તાની માવજતમાં કચાશ જેવું લાગ્યું હોય તો પ્લીઝ ધ્યાન દોરજો.

ખાલીપોઃ ભાગ- ૨૦

આજે સૌમ્ય પટેલ અને સોનિયા પટેલના મતભેદવાળા વિચારોથી ઇતિની નજર સમક્ષ એનો પોતાનો ભૂતકાળ ફરી તરવરી ઊઠેલો…જૂનો ઘા ફરી રીસવા માંડેલો. જીન્દગીની કિતાબના થોડા ઉથવાલેલા પાનાનો થાકોડો ઇતિને પાયાથી હચમચાવી ગયો. માનસિક થાક્થી થાકેલી ઇતિએ પાસે પડેલ કોફીનો મગ ઊપાડ્યો. ઇતિના હોઠ સુધી પહોંચવાની રાહ જોઈ જોઈને એ હવે સાવ જ ઠરીને ઠીકરૂં થઈ ગયેલો. સૂકા થઇ ગયેલા કંઠને થોડો ભીનો કરવાની ગરજે જ ઇતિએ એ ઠંડી કોફીનો છેલ્લો બચેલો ઘુંટડો ભર્યો અને હળવેકથી બધા ય વિચારોને ખંખેરી નાંખવાની ઇરછા સાથે  ડોકને એક ઝાટકો આપ્યો. સામે સૂર્ય ડૂબવાની તૈયારીમાં હતો. આખુંય આકાશ લાલ રંગની ઓઢણી પહેરીને સજી-ધજીને ભૂખરા વાદળો સાથે મસ્તી કરી રહ્યું હતું. આ ઇતિનો  મનગમતો સમય હતો..આ ૫-૧૦ મિનિટનો ગાળૉ એ મનભરીને માણી લેતી. હતાશા..વિચારો..બધુંય બાજુમાં હડસેલીને આ જીવનને ભરપૂર માણી લેતી. આજે ખરા સમયે ફરીથી આ કુદરતે ઇતિને સહાય કરી. ધીમે ધીમે ડૂબતો સૂરજ ઇતિને તરબતોળ કરી ગયો. વાતાવરણના નશામાં રંગાઇને હળ્વેથી ઊભી થઈ અને ચેઇન્જ કરીને પીન્ક સિલ્ક્ની ટુ-પીસવાળી નાઈટી ચડાવીને પથારીમાં આડી પડી-પડી નિંદ્રાદેવીને મનાવવા લાગી.

‘આ ભી જા…આ ભી જા..એ સુબહ આ ભી જા…રાત કો કર વિદા…’ની રિંગટોનથી ઇતિ ઝબકીને જાગી ગઈ. સામે વોલ-ક્લોક પર જોયું તો સવારના ૬-૦૦ વાગેલાં. ફોન હાથમાં લેતા સ્ક્રીન પર વિકાસનું નામ વાંચતા જ એના કોમળ ગુલાબી હોઠ પર એક નાજુક હાસ્ય ફરકી ગયું.

‘ગુડ મોર્નિંગ…’

‘વેરી ગુડ મોર્નિંગ ઇતિ..’ શક્ય એટલો અવાજને  કોમળ બનાવવાના પ્રયાસમાં થોડો ઘીમો થઈ ગયેલા વિકાસના અવાજમાંથી નીતરતો ભરપૂર સ્નેહ ઇતિ અનુભવી શકતી હતી.

‘શું કરે છે? મૂડ હોય તો ચાલ..યુનિવસિટી પાસે ચા-નાસ્તો કરવા જઈએ..હું હમણાં વોક લેવા ગયેલો, ત્યારે વાતાવરણ ખૂબ જ આહલાદક હતું ..એ જોઇને તારી યાદ આવી ગઇ..’

‘ઓકે..૧૫ એક મિનિટ આપ મને..હું ફ્રેશ થઈ જઊં છું.’

‘ઓ.કે..તો હું તારા ઘરે પહોંચું છું ‘

ફટાફટ ફ્રેશ થઇ જીન્સ અને કોટન કુર્તો ચડાવી, પાણીદાર આંખોને લાઇનરનો એક ઘસરકો માર્યો અને સુંવાળા કાળા વાળમાં બ્રશ ફેરવતી ફેરવતી ઘરની ચાવી હાથમાં લઇને ઇતિ તૈયાર થઈ, ત્યાં સુધીમાં તો વિકાસ એના ડોરબેલની ઘંટડી વગાડી ચૂકેલો..

વ્હાઈટ ટી-શર્ટ અને નેવી બ્લ્યુ જીન્સમાં સજ્જ વિકાસ જબરો હેન્ડસમ લાગતો હતો. ઇતિનું દિલ એક પળ તો ધબકારો ચૂકી ગયું. પણ દર વખતની માફક જાતને સંભાળી લીધી.

ઇતિને સમજાતું નહોતું કે એના દિલમાં વિકાસ માટે જે લાગણી ઊદભવે છે એને ‘પ્રેમ’ કહી શકાય કે? અને જો હા..તો એના અજાણતાંક ને પણ થયેલા સ્પર્શ એને અર્થની યાદ કેમ આપાવી જાય છે? જબરી ગડમથલમાં ફસાયેલી હતી એ અર્થ ને વિકાસની વચ્ચે..

મનમાં તો એને પણ ખબર હતી કે વિકાસ ભલેને કંઈ જ બોલતો નથી. પણ એ પોતાને અનહદ પ્રેમ કરે છે અને પોતે એને કેરિયરના ચકકરમાં છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી નજર-અંદાજ કરતી આવી છે. એમ છતાં એ ધીરજ ધરીને શાંતિથી  પોતાની રાહ જોઈ રહ્યો છે. ઇતિને પોતાની જાત પર થોડો ગુસ્સો અને વિકાસ માટે માનની લાગણી ઊત્પન્ન થઈ રહી હતી. એકાંતમાં સતત પોતાની જાત સાથે વાતો કરતી કે,

‘વિકાસ માટે પ્રેમ હોય તો એમાં ખોટું શું છે? અર્થ દિલના ખૂણામાંથી નીકળતો કેમ નથી? પોતાને વિકાસ અને અર્થ બેય માટે પ્રેમની લાગણી કેમ અનુભવાય છે? શું એક વ્યક્તિ બે જણને સાચો પ્રેમ કરી શકે? ‘

એને આવા સમયે સાચો રાહ બતાવનાર, જમાનાના અનુભવો પોતાના સફેદવાળમાં પૂરોવીને જીવતા વિમળાબા…પોતાની સાસુની બહુ યાદ આવી ગઈ. એવામાં વિકાસે એને ખભેથી પકડીને હલબલાવી..

‘હલો..ક્યાં છો મેડમ? અહીં હું એકલો એકલો બોલ્યા કરું છું ને તમે તો ક્યાંય બીજી દુનિયામાં..?’

અચાનક જ ઇતિ બોલી..

‘વિકાસ..ચાલ ને વિમળા બા અને સ્પર્શને મળી આવીએ..કાલે એમનો ફોન હતો..અર્થ બહારગામ છે. વળી સ્પર્શને જોયે પણ ખાસો સમય થઈ ગયો છે..તો..પ્લીઝ ઇફ યુ ડોન્ટ માઈન્ડ..”

વિકાસ બે ઘડી ઇતિને જોઈ જ રહ્યો…એ ઇતિને બહુ સારી રીતે સમજતો હતો. એટલે એને ઇતિના આવા બદ્લાતા મૂડથી સહેજ પણ નવાઈ નહોતી લાગી. એક પણ અક્ષર બોલ્યા વગર હલ્કું સ્મિત કરીને એણે તરત જ ‘યુ ટર્ન’ મારી ગાડી વિમળાબાના ઘર તરફ  દોડાવી.  ઇતિ આભારવશ આંખોથી વિકાસના એકપણ અક્ષ્રર બોલાયા વગરના સમજદારી ભર્યા વર્તનને સલામી આપી રહયા વગર કશું જ ના કરી શકી..

 

‘ટીંગ ટોંગ’…’

“આ આટલી સવારમાં કોણ આવ્યું હશે વળી?” થોડા ધોળા ને થોડા કાળા પણ કમર સુધી પહોચતા વાળનો બેફિકરાઇથી લૂઝ અંબોડો વાળતા વાળતા વિમળાબા એ એક ચિંતાતુર નજર સ્પર્શના પલંગ તરફ નાંખી દીધી..આ બેલના અવાજથી રખેને એ વહેલો જાગી ના જાય..થોડી ચીડ ચડી ગઈ બેલ મારનાર પર એમને..

‘બોલો..કોનું કામ છે’

કહેતાંકને બારણું ખોલ્યું. પણ સામે ઇતિને જોઈને એમનો મૂરઝાયેલો ચહેરો ખીલી ઊઠ્યો.

‘આવ આવ દીકરા.તું અત્યારે…?’

ત્યાં તો નજર પાછળ ઉભેલા વિકાસ પર અથડાઇ અને અકારણ જ હસી પડયાં..

‘ઓહ્હ…આજે તો સૂરજ પશ્ચિમમાંથી ઊગ્યો છે ને કંઈ’

વિકાસ અને ઇતિ બેય એક્સાથે હસતા હસતા ઘરમાં પ્રવેશ્યા. ઇતિની વ્યાકુળ નજરને વાંચતા વાંચતા વિમળાબા તરત જ અંદર જઈને સ્પર્શને ઢંઢોળીને ઉઠાડી લાવ્યાં.

‘આમે એનો ઉઠ્વાનો સમય તો થએલો જ છે..’

ઇતિ આજુ-બાજુનું બધું ય ભાન ભૂલીને પોતાના લડકવાયાને જોઇ રહી.આગળ વધીન વિમળાબેનના હાથમાંથી એને તેડી લીધો અને જોરથી એને ભેટી પડી..

‘ઉમ..ઉમ..ઉઉઉ’

બોબડો સ્પર્શ રડતો ત્યારે એના મોઢામાંથી થોડો વિચિત્ર અવાજ નીકળતો..અને એ રૂદન ઇતિને પોતાનો અપરાધ યાદ કરાવી જતું.   મા-દીકરાનો મેળાપ જોઈને વિકાસ અને વિમળાબાની આંખોમાં આંસુ આવી ગયા .

‘ચાલો ચાલો..હું ગરમા ગરમ આદુ-ફુદીના અને મસાલાવાળી કડક ચા અને બટાકા-પૌંઆ બનાવી દઊ. તમે બેસો દીકરા..’

કરતાંકને વિમળાબા આંખ પર સાડીનો ખૂણો દાબતાંકને રસોડા તરફ વળ્યાં. મનમાં ને મનમાં પોતાના એક ના એક દીકરા પર થોડો ગુસ્સો પણ આવી ગયો.

“શું મળશે આમ મા-દીકરાને અળગા રાખીને? આ એક એવી હાય ભેગી કરી રહ્યો છે કે એના પરિણામો ભોગવતા ભોગવતાં નવ ના તેર થઇ જશે…”

 

 

 

 

 

 

 

ખાલીપો ભાગ-૨૧

 

વિમળાબાના ગરમા ગરમ બટાકા-પૌંઆ અને ચાને ન્યાય આપ્યો. ત્યાં ‘રિસ્ટવોચ’ પર નજર પડતાં જ વિકાસ ચમક્યો..

‘અરે બાપરે…સાડા દસ…ઇતિ..તું તારે બેસ..હું ભાગું છું…આજે તો મારે દસ વાગે જ હોસ્પિટલ પહોંચવાનું હતું. બાય”

કહેતાંક ને કોઇના પણ જવાબની રાહ જોયા વગર જ એ ભાગ્યો.ઇતિ અને વિમળાબા બેય સમજી ગયા કે વિકાસ એ બેયને થોડો સમય એકાંત આપવા માટે જ આવા નાટકો કરતો હતો.. મીઠડા વિકાસ માટે બેયના મનમાં વ્હાલનો ભાવ ઉભરાઇ આવ્યો.

‘કેટલો સરસ છોકરો છે આ વિકાસ, નહી ઇતિ…પરાણે વ્હાલો લાગે એવો જ તો..શું કહે છે તું.?”

ઇતિ એક ક્ષણ ખચકાઈ ગઇ. થોડી શરમના ભાવ ઊપસી આવ્યા એના ચહેરા પર. રતુંબડા ચહેરામાંથી ફકત એક જ અક્ષર નીકળી શક્યો ’હા’.

વિમળાબા ધ્યાનથી એને જોઈ રહ્યાં. બહુ વખતથી મનમાં ઘુમરાતી વાત આખરે આજે એમણે જુબાન પર લાવી જ દીધી.

‘ઇતિ દીકરા..તું અને વિકાસ આટલા સરસ મિત્રો છો..આટ-આટલું એક બીજાને સમજો છો તો..લગ્ન કેમ નથી કરી લેતા તમે બેય જણ..?”
ઇતિને જે વાતનો ડર હતો એ જ સામે આવીને ઉભી રહી ગઇ.. દિલ એકદમ જ જોર- જોરથી ધડકવા લાગ્યું.

‘ના મમ્મી….તમે વિચારો છો એવું કશું જ નથી…’આઈ મીન’ અમે હજુ એવું કશું જ વિચાર્યુ નથી…’ એની જીભે લારા ચાવવા માંડ્યા.

‘તો હવે વિચાર દીકરા..હવે તો તું માનસિક રીતે પણ એક્દમ સ્વસ્થ છે. વળી અર્થ સાથે તો તે છૂટા-છેડા પણ લઈ લીધા છે. તો ખોટું શુ છે ? આમે અર્થની સાથે તો રોજ કો’ક ને કો’ક નવી નવી છોકરીઓ દોસ્ત તરીકે જોવા મળે જ છે. જ્યારે એ તને ભૂલીને એની જીન્દગીમાં સેટ થઈ રહ્યો છે, તો તું કેમ આમ પાછી પાની કરે છે દીકરા. શું અર્થ હજુ પણ તારા નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમને લાયક છે?’

ઇતિ ફાટી આંખે વિમળાબા સામે તાકી રહી…આ એક મા બોલે છે..પોતાના સગા દીકરા માટે…??

‘જો બેટા, એક વાત ગાંઠે બાંધી રાખ, કોઈ પણ સંબંધ હોય પણ જો એનું ભાવિ સ્પષ્ટ ના હોય તો, એને ત્યાં છોડીને આગળ વધવામાં જ સમજદારી છે. નહીંતો તમે ત્યાં વમળોમાં ફસાઇને આખી જીંદગી ગોળ-ગોળ ફર્યા કરશો અને કોઇ જ પરિણામ પર નહી આવી શકો. આ ‘દુધ અને દહીં બેયમાં પગ’ જેવી હાલતમાં ના જીવ…રસ્તો તારી સામે જ છે…મંઝિલ પણ સાફ દેખાય છે..બસ…તારો પગ ઉપડે એટલી જ વાર..થોડી હિંમત ભેગી કર અને દિલને થોડો પોરો ખાવા દઇ દિમાગને સતેજ કર..’

દીકરાની વિરુધ્ધમાં એકીશ્વાસે આટલું બોલી તો કાઢ્યું પણ છેલ્લે વિમળાબાની આંખો ભરાઈ આવી. એક – બે પળમાં જ એ ભાવ કુશળતાથી છુપાવી દીધાં અને ઇતિના વાળમાં હાથ ફેરવતા બોલ્યાં,

‘મારે એક પણ દીકરી નથી ને..આ વખતે તારું કન્યાદાન હું કરીશ..મને એ લ્હાવો આપીશ ને બેટા..???”

ઇતિ તો હજુ પણ બઘવાયેલી હાલતમાં જ ઊભી હતી.. એના મોંઢામાંથી એક પણ શબ્દ બહાર જ નહો્તો નીકળી શકતો. પોતાના મનની ગડમથલ કેટલી સરળતાથી વિમળાબા સમજી ગયા..!! ખુદ ઇતિ પણ પોતાના હિતની વાત સમજતી હતી,  બસ એના સ્ત્રીમાનસથી એ વાત સ્વીકારાતી નહોતી. બહુ અઘરો હતો એ સ્વીકાર એના માટે. બધી ગુંગળામણ આંખોમાંથી ધોધમાર વરસાદ રૂપે વરસી પડી અને એક બાળકીની જેમ જ એ વિમળાબાને વળગી પડી…
____________________________________________________________

’લાલ ચટ્ટ્ક ઘુઘરિયાળું જરદોસીવર્ક વાળું લેટેસ્ટ ડિઝાઈનવાળું પાનેતર, હાથીદાંતનો ચૂડલો, સોનીને ત્યાંથી દાગીના લાવવાના,ચાંદલા,બંગડીઓ, કોસ્મેટીકસ..હ્મ્મ્મ….કેટરીંગવાળાનું કામ તો વિકાસને સોંપેલું છે..પણ એ ભુલક્ક્ડરામને ફ઼રીથી યાદ કરાવવું પડશે મારે’

વિમળાબેન એક હાથમાં કાગળ અને એક હાથમાં પેન પકડીને પતી ગયેલા કામની યાદી પર ખરાનું નિશાન કરતા જતા હતાં. ત્યાં એક્દમ જ યાદ આવ્યું,

“અરે..હજુ તો હોલવાળાને ફ઼ોન કરીને છેલ્લું કન્ફ઼ર્મેશન લેવાનું બાકી છે…કેટલા કામ બાકી છે મારે તો..”

એ ફ઼ોન ઉપાડવા જ જતા હતાં ને ત્યાં જ કંકોત્રીવાળાનો ફ઼ોન આવ્યો..

’માસી, આમંત્રક તરીકે કોનું નામ લખવાનું છે એ ડિટેઇલ્સ લેવાની તો બાકી રહી છે હજુ…’

“લખો..’વિમળાબેન પટેલ’..તમને એમની દીકરી ઇતિ પટેલના ડો. વિકાસ સાથેના લગ્ન પ્રસંગ નિમિતે ભાવભીનું આમંત્રણ આપે છે. તો  પ્રસંગની શોભામાં અભિવ્રુધ્ધિ કરીને નવદંપતિને આશીર્વાદ આપવા આપ સૌ જરુરથી પધારશો..”

આટલું બોલતા બોલતા તો એમનું મોં અનેરા તેજથી ઝગમગી ઉઠ્યું.
___________________________________________________________

આજે ઇતિ-વિકાસના લગ્ન હતાં. વિમળાબેને કંકોત્રી ઘરના ડાઇનિંગ ટેબલ પર અર્થને દેખાય એમ જ મૂકી રાખેલી.આમે કેટ્લાય સમયથી એમની દોડા-દોડી જોઈને અર્થને કોઇક શંકા તો હતી જ. પણ કશું પૂછ્યું નહોતું. આજે ચાનો કપ લેતા લેતા જ એની નજર સુંદર મજાની ડોળી દોરેલ આછા પીન્ક કલરના હેન્ડમેડ પેપરવાળી કંકોત્રી પર પડી. ઉત્સુકતાવશ જ એણે એ ખોલી અને નામ પર નજર પડતાં જ દિલને એક ધક્કો લાગ્યો..

’ઇતિ અને વિકાસ….!!’

ઘણા સમયથી આમ તો એ બેય વિશે વાતો સાંભળતો હતો. પણ ઇતિ એને ભૂલીને આમ એક નવી મંજ઼િલ તરફ઼ પ્રયાણ કરશે એ તો એના માન્યામાં જ નહોતું આવતું. ચાનો કપ પાછો ટેબલ પર મૂકીને ફ઼ટાફ઼ટ તૈયાર થઈને એક પણ અક્ષર બોલ્યા વગર એ ઓફ઼િસે જવા નીકળી ગયો. વિમળાબા સાથે વાત કરવાનો તો મતલબ જ નહતો..એણે નીચે આમંત્રક તરીકે એમનું નામ વાંચી લીધેલું. અને આમ ઇતિ અને વિકાસના ઘડિયા લગ્ન લેવાઈ ગયા..
____________________________________________________________

સુખનો સમય બહુ જલ્દીથી પસાર થઈ જાય છે..એવું જ ઇતિ અને વિકાસની સાથે થયું.લગ્નના ૫-૬ મહિના તો ચપટી વગાડતાંક ને પસાર થઈ ગયા.ઇતિને ડો. વિકાસ અને મિત્ર વિકાસ પછી હવે એક નવા વિકાસનો પરિચય થઇ રહ્યો હતો…એના પતિ વિકાસનો…જે સૌથી સારો અને સમજુ હતો. એના નસીબમાં ખુશીઓની આટલી મોટી રેખા પણ ખેંચાયેલી હતી એની એને નવાઈ લાગતી હતી. નાહક જ પોતે અર્થ અને વિકાસની વચ્ચે ઝોલા ખાયા કરતી હતી. વિકાસે એના જીવનનો ખાલીપો પોતાના સ્નેહથી ભરપૂર કરી દીધેલો. દુઃખની નાનકડી વાદળી પણ ત્યાં ના ફરકી શકે એવી જડબેસલાક પ્રેમની દિવાલ ઇતિની અને પોતાના સુખી સંસારની ચોતરફ રચી દીધેલી. ખુશીઓની રેલમછેલ હતી એમના ઘર-સંસારમાં…
____________________________________________________________

અર્થ અને મોનાની વચ્ચે ઝઘડો થયેલો આજે. એમાં કોઈ નવાઈ નહોતી. એકની એક જ વાત. મોનાને અર્થ સાથે લગ્ન કરીને સંસાર માંડવો હતો. એક અસલામતીનું ચક્ર એનો સતત પીછો કરતું હતું. જ્યારે અર્થને એવી કોઈ જ ઇચ્છા નહોતી. એ તો આટલા વકહતથી ચાલતા આવેલા ‘લીવ-ઇન-રીલેશનશીપ’ના સંબંધમાં સરસ ગોઠવાઈ ગયેલો. લગ્ન કરીને કોણ ફરીથી એ ઝંઝાળમાં પડે? મન થતું હોવા છતાં એ ઇતિના લગ્નમાં ના ગયો. એની અંદરનો પુરુષ જડબેસલાક રીતે એને રોકતો હતો..સતત એક હારેલો-થાકેલો અર્થ જ એની હાંસી ઊડાવતો સંભળાતો હતો. દિલ હજુ પણ માની નહોતુ શક્તું કે ઇતિ….એને દિલ ખોલીને પ્રેમ કરનારી ઇતિ આમ સરળતાથી બીજાનું ઘર માંડી જ કેમ શકે? પોતે જ એને છૂટા-છેડા લેવા માટે મજબૂર કરેલી પણ એ તો એનો અધિકાર હતો હજુ પણ એ એમ જ માનતો હતો ..કોઇ ક્યાં સુધી આમ પાગલ સ્ત્રી સાથે જીન્દગી કાઢી શકે? પણ જો ઇતિ સ્વસ્થ થઇ રહી હતી તો મારી સામે ફરીથી કેમ ના જોયું..? ફરીથી હાથ કેમ ના લંબાવ્યો? એણે લંબાવ્યો હોત તો એનો કોમળ હાથ હું ચોક્ક્સ થામી લેત. પણ સાવ આમ છેલ્લી કક્ષાનો નિર્ણય લેતા પહેલાં મારા માટે એક વાર વિચાર્યું પણ નહીં..?

પ્રેમ….પછી દયા અને હવે એ સતત નફરતની લાગણી જ અનુભવતો હતો ઇતિ માટે..અને એટલે જ કદાચ એ આખી નારીજાતિને નફરત કરવા માંડેલો..મોના સાથે એ આમ ‘લીવ-ઇન-રીલેશનશીપ’ દ્વારા અંદરના પૌરુષને સંતોષતો હતો. બાકી મોના માટે એને ક્દી સાચી લાગણી ઉતપન્ન થઈ જ નહોતી. આજે એ મોના એની સાથે લગ્ન કરવાની જીદ્દ લઇને બેઠેલી. મનો-મન હસતાં એણે સિગારેટ કેસમાંથી સિગારેટ કાઢીને સળગાવી અને બેફિકરાઇથી ફુંકવા માંડ્યો…દેખાવ તો બેફિકરાઇનો હતો, પણ એનું મન જ જાણતું હતું કે આમ ને આમ એ પોતાની જાતને ફૂંકી રહ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ખાલીપો – ભાગ – ૨૨

ઇતિ વિકાસના કાનમાં કંઈક ગણગણી રહી હતી..

‘શું…શું કહે છે ઇતિ તું..આ સાચું છે..કે મજાક…પ્લીઝ આવી મજાક ના કર..’

‘ના ડોકટરસાહેબ..આ એક્દમ સાચું છે..તમે ‘ડેડી’ બનવાના છો…”

અને વિકાસ આનંદના અતિરેકમા ઇતિને  ઊંચકીને ગોળ ગોળ ફરવા માંડ્યો…

ઇતિ અને વિકાસના મધુરા હાસ્યથી એમના ઘરની દિવાલોમાં પણ જીવ આવી ગયો અને દિવાલને અથડાઇને એ હાસ્યના પડઘા ઘરમાં રેલાઇ રહ્યાં.
____________________________________________________________

વિમળાબેનને આજે સવારથી જ મન બેચેન લાગતું હતું..કશાય કામમાં મન નહોતું ચોંટતું. માથામાં થોડા થોડા સમયે એક જોરદાર સબાકો ઉઠતો હતો..

‘સટ્ટાક..’

પણ બે પળમાં તો બધું પાછું બરાબર થઇ જતું હતું.

‘આ શિયાળાના દિવસો ચાલુ થઇ ગયાને..થોડું કળતર તો રહેવાનું જ હવે આ બુઢ્ઢી હડ્ડીઓમાં..’

જાત જોડે વાત કરતાં કરતાં ઇતિ અને વિકાસના લગ્નનું આલ્બમ લઈને એ પોતની પ્રિય લાકડાંની ખુરશી પર બેઠાં અને એમાં આગળ -પાછળ ઝૂલતાં ઝૂલતાં આલબ્મના પાના ફેરવવા માંડ્યા..

‘આહા..મારી દીકરી કેટલી રુપાળી લાગતી હતી..અને વિકાસ..ભગવાન બેયની જોડી સલામત રાખે..દુનિયાની બુરી નજરથી બચાવે આ સારસ બેલડીને..’

લાગણીના અતિરેકમાં આંખમાં હર્ષાશ્રુ ઊભરાવા માંડ્યા..
ઇતિ અને વિકાસ બેયનું સુખી દાંપત્ય-જીવન જોઈને વિમળાબાને એક અનોખો સંતોષ મળતો હતો. જાણે આમ કરીને પોતાના દીકરાના પાપનું પ્રાયસ્ચિત ના કરી કાઢયું  હોય ..!!
ત્યાં તો પાછું મગજમાં પેલું ‘સટ્ટાક’ બોલ્યું. આજે બહુ થાક લાગતો હતો એમને..ખબર નહી કેમ..? સ્પર્શના નાના નાના કામ પણ આજે પહાડ જેવા મોટા લાગતા હતાં. પાનેતરમાં શોભતી ઇતિ પર વાત્સલ્યપૂર્ણ નજર નાંખતા નાંખતા આગળનું પાનું ફેરવ્યું, ત્યાં તો આંખ આગળ અંધારા છવાઈ ગયા. કાળા..લાલ..પીળા..કેટલાય વર્તુળો રચાવા માંડ્યા..આગળનું પાનું સાવ કાળું ધબ્બ જ દેખાવા લાગ્યું..માથામાં એક સામટા કેટલાંય બોમ્બ ફ્ટાફટ ફૂટી રહ્યાં હતાં. આખું ઘર ગોળ-ગોળ ફરવા માંડ્યું.. શરીર પાણી પાણી થઇ ગયું. હાથમાંથી આલ્બમ એક બાજુ પડી ગયું. ચીસો પાડવાનો વ્યર્થ યત્ન કરતાં કરતાં બે મિનિટ્માં તો એમની ડોક એકબાજુ ઢ્ળી પડી અને આંખો કો’ક વિચિત્ર ભાવ સાથે ખુલ્લી જ રહી ગઈ..
નાનક્ડો સ્પર્શ આ બધું જોઈને ગભરાઇ જ ગયો. નાજુક  હાથે વિમળાબેનને હચમચાવી કાઢ્યા પણ કોઇ  હલન ચલન નહીં..  દોડતા- દોડતા બાજુમાંથી નીલમઆંટીને એની બોબડી ભાષામાં જેમ-તેમ સમજાવી પટાવીને ઘરે લઇ આવ્યો. નીલમબેન પણ વિમળાબેનની હાલત જોઇને ગભરાઇ ગયા. સૌથી પહેલાં તો એમણે ’૧૦૮’માં ફ઼ોન કરીને તાત્કાલિક એમબ્યુલન્સ મંગાવીઅને પછી અર્થને મોબાઈલ કર્યો.

અર્થ ‘જીમ’માં પુશ-અપ્સ કરી રહ્યો હતો અને પાડોશી નીલમબેનનો ફ઼ોન આવ્યો.  બે મિનિટના આઘાત પછી જાતને સંભાળી વ્હાઇટ ટર્કીશ ટોવેલથી પરસેવો લૂછતાંકને ઝડપથી એ જ કપડામાં  ફ઼ટાફ઼ટ એ ઘરે દોડ્યો. ઘરે પહોંચતાવેંત જ જોયું તો બધુંય પતી ગયેલું. ડોકટરે આવીને વિમળાબેનને તપાસી લીધેલા. લોહીના ઊંચા દબાણના કારણે વિમળાબેનનું બ્રેઇન હેમરેજ થઇ ગયેલું અને થોડી જ મિનિટમાં તો એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયેલું…અર્થ તો એક્દમ અવાચક જ થઇ ગયો..એના માન્યામાં જ નહોતુ આવતું હજુ આ બધુ..!!પંણ સચ્ચાઇ  સામે હતી ..
____________________________________________________________

ઇતિ ચ-નાસ્તો તૈયાર કરી રહી હતી અને વિકાસ હજુ ઊંઘતો હતો. રાતે એને હોસ્પિટલથી આવતાં થોડુ મોડું થઇ ગયેલું. ત્યાં વિકાસનો સેલ રણકી ઊઠ્યો. સ્ક્રીન પર વિમળાબેનના પડોશી નીલમબેનનું નામ ઝળકી ઉઠ્યું. થોડીક નવાઇના ભાવ સાથે જ ગ્રીન બટન દબાવતાં ઇતિ બોલી..

‘હેલો…’

‘ઇતિબેન..તમે તરત જ અહીં આવી જાઓ’

‘કેમ’

‘બસ..આવી જાઓને…’

ઇતિનુ દિલ કંઇક અમંગળની ભાવનાથી એક્દમ જ ધડકવા લાગ્યું.

‘પણ વાત શુ છે એ તો કહો…’

‘તમારા સાસુ..આઇ મીન વિમળાબેન..મતલબ કે હવે…’નીલમને સમજાતું નહોતું કે શું બોલવું..છેલ્લે બધી હિંમત ભેગી કરીને બોલી જ કાઢ્યું,

‘ઇતિ…તમારા સાસુ હવે આ દુનિયામાં નથી રહ્યાં..’

‘હેં.. શુ કહો છો નીલમબેન..પણ આવુ કેમનું થઇ ગયું..એક્દમ જ ..અચાનક…!!!”

ઇતિનો અવાજ સાંભળીને વિકાસ જાગી ગયેલો. આંખો ચોળતોકને એ પથારીમાંથી ઊભો થયો. નીલમબેન આગળ પણ કંઇક બોલતા હતા પણ ત્યાં સુધીમાં તો આઘાતના મારી ઇતિએ બેલેન્સ ગુમાવી દીધેલું અને ફોનસમેત એ ચક્કર ખાઇને જમીન પર પડી અને બેહોશ થઇ ગઇ.

___________________________________________________________

એક બાજુ વિમળાબા અને બીજી બાજુ ઇતિ…બે સ્ટ્રેચર પર મા-દીકરી…સાસુ-વહુ એક જ હોસ્પિટલમાં જઈ રહ્યા હતાં.  એકમાં જીવ નહતો જ્યારે બીજીમાં બે-બે જીવ ધબકી રહ્યાં હતાં.અર્થ અને વિકાસ એક સામે થઇ ગયા..અર્થની નજરમાં વિકાસ માટે ભારો ભાર તિરસ્કાર છલકી રહ્યો હતો. ધૃણાથી એણે બીજી દિશા તરફ઼ મોઢું ફ઼ેરવી દીધું..એ જોઇને વિકાસનો મૂડ પણ બગડી ગયો..પણ સામે વિમળાબા હતા..એમની મા સમાન…એટલે નાછૂટકે એણે અર્થની સામે થયા વગર છૂટકોજ નહતો. બધું ય ભૂલીને એ સતત હોસ્પિટલના બેય રૂમ વચ્ચે આંટા-ફ઼ેરા કરી રહ્યો હતો. વિકાસની ઓળખાણના લીધે વિંમળાબાનુ ડેથ સર્ટીફ઼િકેટ અને બીજી બધી ય વિધિ ફ઼ટાફ઼ટ પતી ગઈ. આ બાજુ ઇતિની હાલત ગંભીર હતી.છેલ્લે ડોકટર શર્મા વિકાસ પાસે આવ્યા અને ધીરેથી બોલ્યા,

“લુક મિ. વિકાસ, હું તમારી હાલત સમજી શકું છું..પણ અત્યારે ઇતિની હાલત બહુ જ ગંભીર છે. એમને બહુ જ મોટો આઘાત લાગ્યો છે અને મારે બહુ જ દુઃખ સાથે આપને કહેવું પડે છે કે અમે તમારા બાળકને બચાવવામાં અસફ઼ળ રહ્યાં છીએ. એટલું જ નહીં પણ કદાચ હવે આપની પત્ની ક્યારેય મા નહી બની શકે ……..”

ખાલીપો-ભાગ:૨૩

 

વિમળાબાના મૃત્યુને તેર દિવસ થઇ ગયા..મોટાભાગની બધી ધાર્મિક વિધીઓ પતી ગઈ. સગા-વ્હાલાં પણ એક પછી એક વિખરાવા લાગ્યાં. અર્થ હવે જીવનની ‘ઝીગ-શો’ પઝલ ફરીથી પહેલાંની જેમ ગોઠવવાની મથામણમાં પડી ગયો.

ખરેખર તો, જીંદગી  નાની -મોટી ઘટનાઓના ટુકડાઓથી બનેલી ‘ઝીગ શો’ પઝલ જેવી જ હોય છે..દરેક ઘટનાના ટુકડા યોગ્ય જગ્યાએ ગોઠવાય તો જ જીવનનું ‘ક્લીઅર -રીઅલ’ પિકચર ઊપસે. પણ જો એક પણ ટુકડો તમે બેદરકારીથી ખોઈ કાઢ્યો, તો એ પિકચર કદી પહેલાંની જેમ વ્યવ્સ્થિત નથી થઈ શકતું. અર્થ તો એમાંથી બે-બે મહત્વનાં ટુકડાં ગુમાવી ચુકેલો. વિમળાબાએ પોતાના વિશાળ વ્યક્તિત્વના ઓથા હેઠળ એ બીજા ટુકડાની જગ્યા છુપાવી રાખેલી. એ વિશાળ ટુકડો હટી જતાં પાછળની ખાલી જગ્યાની રીકતતા અર્થને હેરાન – પરેશાન કરી નાંખતી હતી.

સ્પર્શના નાના નાના કામ…ઓફિસની દોડા-દોડ…ઘરના  નાના નાના અઢળક કામ.સાંજ પડે ત્યારે એ બે છેડા ભેગા કરતા કરતાં હાંફી જતો હતો. મગજ સુન્ન થઇ જતું હતું. જીન્દગી એકદમ જ અસ્ત-વ્યસ્ત થઇ ગઇ હતી. આજે એને ભાન પડતું હતું કે ઘરમાં ચૂપ ચાપ પોતાની જવાબદારી નીભાવતી પોતાની મા-વિમળાબાનુ એના જીવનમા કેટલું મોટું અને મહત્વનું સ્થાન હતું. ઘણીવાર ઓફિસની દોડા-દોડ વચ્ચે સ્પર્શની જવાબદારેઓ પૂરી કરતા કરતાં એને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ લેતો  એ ઇતિની યાદ આવી જતી હતી..

‘આ બધું એકલા હાથે કઇ રીતે પહોંચી વળતી હશે ઇતિ એ સમયે?’

ઘરકામ…નોકરી…સ્પર્શની જવાબદારીઓ..વળી વધારામાં પોતાની પારાવાર અપેક્ષાઓ..રહી રહીને એને ઇતિની ખોટ તીવ્રતાથી સાલવા લાગેલી. એકાંતમાં વિકાસનો રુપકડો અને શાલીન વ્યવ્હારયુકત ચહેરો સતત એની હાંસી ઊડાડતો હોય એવો ભાસ થતો.

વિમળાબાની ખુરસી પર બેઠા બેઠા અર્થ એક હાથમાં બિઝનેસ મેગેઝિન વાંચતો વાંચતો ચા પી રહ્યો હતો. ત્યાં જ એક્દમ સેલ રણક્યો..સ્ક્રીનની ઝબુક-ઝબુકમાં ‘મોના’ નામ નિહાળીને અર્થના મગજમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું. એને લાગ્યું કે ભગવાન એની પડખે જ છે..પોતાના પ્રોબ્લેમસનું સોલ્યુશન એને હાથવગું જ લાગ્યું.

‘બગલમેં છોરા ઓર નગરમેં ઢિંઢોરા..” પોતે સાવ આવી જ મૂર્ખામી કરી રહ્યો હતો ..

ફોનનાં લાલ બટન પર અંગૂઠો દબાવતાક ને પોતાના અવાજમાં બને એટલી મિઠાસ ઘોળીને બોલ્યો..

‘હલો સ્વીટ-હાર્ટ..’

ત્યાં તો એને એકદમ નીચાજોણું થયું. સામેથી ફોન બહુ વાર સુધી ના ઉપડતા કટ થઇ ગયેલો.

અર્થ કોઇ જ દિવસ મોનાને સામેથી ફોન કરતો નહીં. મોનાની લાગણી એક ચરમસીમાએ પહોંચી જાય એટલે એ જ સામેથી ફોન કરતી..એમાં પણ આજ કાલ તો અર્થ પોતાની ફુરસતે જ એના ફોન ઊપાડતો..કારણ દર વખતે મોનાની એજ ‘લગ્ન કરવાની’ રેકોર્ડ ચાલુ થઈ જતી અને અર્થ હવે એનાથી બેહ્દ કંટાળેલો હતો. પણ આજે આવું થયું એટલે અર્થને જાણે કે ગાલ પર સણ-સણતો તમાચો વાગી ગયો. હવે શુ કરવું… સામેથી ફોન કરવામાં ‘ઇગો’ નડતો હતો પણ આજે તો એને મોનાનું કામ હતું..ના કરે તો પણ નહોતું ચાલે એવુ..

’શું કરવું??

છેલ્લે ‘ઇગો’ને થોડા કોમ્પ્રોમાઇઝના આવરણ પહેરાવીને એણે સામેથી જ મોનાને ફોન કર્યો.

‘હેલો ડીયર..ગુડ મોર્નિંગ..’

મોના એક ક્ષણ તો માની જ ના શકી કે અર્થે સામેથી એને ફોન કર્યો..એ જ અવાચક થયેલ સ્થિતીમાં એણે જવાબ આપ્યો..

‘ગુડ મોર્નિંગ’

‘કેમ છે..મજામાં..ચાલ ક્યાંક બહાર જઈએ..’

‘અત્યારમાં..!!! ના અત્યારે તો મારે ઘરમાં બહુ કામ બાકી છે અર્થ..’

‘ઓ.કે. તો આજે લંચ સાથે લઇએ..’મોનાને તો વિસ્વાસ જ નહતો આવતો કે આ સામે છેડે અર્થ જ છે અને એ આમ વાત કરી રહ્યો છે..એ થોડી અવઢવની ક્ષણૉ પસાર થઇ ગઇ પછી પાછી થોડી સ્વસ્થતા કેળવીને બોલી,

‘અર્થ, એકચ્યુઅલી.. મારે તને એક સમાચાર આપવાના હતા.’

‘ઓકે..બોલ શું વાત છે..?”

‘અર્થ, તું સમીરને જાણે છે ને..’

‘હા..કેમ..?’

‘કાલે અમે બે એ સાથે ડીનર લીધેલું.’

‘ઓહ..” અર્થના દિલમાં પાછો ઇર્ષ્યાનો કીડો સળવળ્યો.. સમીર મોનાની પાછળ એકદમ પાગલ હતો. પણ મોના અર્થની સાથે રહેતી હતી અને એના પ્રેમમાં પાગલ હતી એટલે એણે કદી સમીરની સામે જોયું નહોતું..એ સમીર સાથે મોનાએ ડીનર લીધું..!!

‘અને અમે બે ય જણાએ લગભગ કલાક એકના લાંબા ડીસ્કશન પછી એક-બીજાને પરણી જવાનું નક્કી કર્યું છે…’

મોનાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું..

‘શું..તું અને સમીર….એ કેમ બને..હું તને આજે એ જ વાત કરવાનો હતો મોના..ચાલ આપણે પરણી જઇએ…હું તારા વગર એક્દમ અધૂરો છું..પ્લીઝ..આઇ..આઇ..નીડ યુ..તુ આમ મને એક્દમ જ અધરસ્તે છોડી જ કેમ શકે..?’ અર્થ રીતસરનો મોના સામે કરગર્યો…

‘સોરી અર્થ..મેં તને બહુ ટાઇમ આપ્યો..બહુ વિચાર્યું..પછી મને લાગે છે કે મેં જે નિર્ણય કર્યો છે, એ એક્દમ બરાબર છે..હું જેને બેહદ પ્રેમ કરું છું એને પરણવા કરતા જે મને બેહદ પ્રેમ કરે છે..મારી બધી નબળાઇઓ સાથે મને અપનાવવા તૈયાર છે એને પરણવાનું વધારે હિતાવહ લાગે છે..સો..એન્જોય યોર લાઇફ..જો કે તને હું કદી નહી ભૂલી શકું..સ્ત્રી જેને પ્રેમ કરે એને પોતાની જીંદગીના અંતિમ શ્વાસ સુધી ના ભૂલી શકે…ટાટા..હેવ અ નાઇસ લાઇફ અહેડ..”

અને ફોન કટ થઈ ગયો…

અર્થ બાઘાની જેમ ફોનના સ્ક્રીનને તાકી રહયો.

____________________________________________________________

ખુશી અને દુઃખ બેય ઇતિ સાથે સંતાકૂકડી રમતા હતાં. ઘડીકમાં સુખની નાની વાદળી વરસી જતી તો ઘડીકમાં દુ;ખનો તડકો છવાઇ જતો હતો..હજુ તો પોતે મા બનવાની છે એ વિચારનો આનંદ માણે એ પહેલાં તો એ સુખ છીનવાઇ ગયું.. વળી વિમળાબાના મૃત્યુ પછી તો પોતાના લાડકવાયા સ્પર્શને મળવા ઉપર પણ સાવ જ ચોકડી લાગી ગયેલી…

‘આંખના કાળા વાદળૉને ચીરીને આ લાગણી હંમેશ હોઠ સુધી રેલાતી જ રહે છે..ભીનો ભીનો આ રસ્તોહજુ કેટલા આંસુનું બલિદાન માંગશે મારી પાસે….

આ ખાલીપો..ક્યારે મારો પીછો છોડશે…??’

ખાલીપો – ભાગઃ૨૪

વિકાસ ઇતિના દિલની હાલત જાણતો હતો. એની વેદના પોતાના દિલમાં અનુભવી શકતો હતો.  એની અને ઇતિની વચ્ચે એક જબરદસ્ત ટ્યુનિંગ હતું. શબ્દોની આપ-લે કરવાની જરૂર જ નહોતી પડતી. બેય એક-મેકના વર્તનથી, વણબોલાયેલા શબ્દોથી જ એકમેકની વાતો-જરૂરિયાતો  ઘણી ખરી વાંચી લેતા હતા. વિમળાબા ના અવસાન પછી ઇતિનો સ્પર્શને મળવાનો એક માત્ર રસ્તો પણ હવે બંધ થઈ ગયો હતો.. વળી ભગવાને પણ એક કોમળ-દિલ ઇતિ સાથે એક ક્રુર રમત રમી કાઢી હતી..રાત-દિવસ એને માત્ર એક જ વિચાર સતાવતો કે ‘ઇતિનો ખાલી ખોળો હવે ક્યારેય મમતાની મહેકથી નહિ મઘમઘે કે શું? ‘

____________________________________________________________

આજે સ્પર્શની બર્થ-ડે હતી..અર્થ રમકડાંની દુકાનમાં ઉભો ઉભો એના માટે શું ગિફ્ટ લેવી એની અસમંજસમાં દુકાનના કાઊન્ટર પાસે ઉભેલો હતો.સામે વિશાળ કાચના શો-કેસમાંથી દરેક રમકડું એને સ્પર્શને અપાવી દેવાની ઇરછા થતી હતી. છેલ્લે, એક સરસ મજાનું, મસ મોટું ટેડી બીયર એના માટે ખરીદયું અને ઘર તરફ કાર હંકારી.

ઘરમાં એક જ છત નીચે શ્વસતા..આખો દિવસ સ્પર્શની આસપાસ ફરતાં ફરતાં એ ધીમે ધીમે એની ખાસો નજીક આવી ગયો હતો. વિમળાબા જીવતા હતા, ત્યારે એને ખબર જ નહોતી કે સ્પર્શની જરૂરિયાતો શું-શું છે.. બધુંય  વિમળાબેન સુપેરે સંભાળી લેતા હતા. પણ હવે બધુંય એકલા હાથે કરવાનો વારો આવ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે એ નાનકડા અબોલ શિશુની જરૂરિયાતોનો કોઈ પાર  જ નથી. પોતાના નફિકરા  જીવનને  એક ધ્યેય મળી ગયેલું લાગતું હતું એને.. નાહક પોતે સુખ નામના માયાવી મૃગ પાછળ  ઘરની બહાર ફાંફા મારતો  હતો. જ્યારે સાચું સુખ તો  જીવતું જાગતું પોતાનીનજર સામે જ હતું. એને હવે સ્પર્શના કામ કરવાનો આનંદ આવવા લાગ્યો હતો. પોતાની જવાબદારી પૂરી કર્યાનો  એક અનોખા  સંતોષનો નશો એને ચડતો જતો હતો. એને પોતાના કામના કલાકો ઘટાડી કાઢેલા અને બને એટલું કામ હવે એ ઘરેથી જ કરવા લાગ્યો હતો જેથી કરીને એ પોતાનો સંપૂર્ણ સમય અને ધ્યાન સ્પર્શને આપી શકે. રોજ-બરોજ એ બધી પ્રક્રિયામાંથી પસાર થતા થતાં અર્થને પોતે ઇતિને કરેલા અન્યાય નજર સામે તાદ્રશ્ય થતા. પણ હવે એના અફસોસ સિવાય બીજું તો શું થઇ શકે?

એક દિવસ નેટ પર સર્ફિંગ કરતા કરતા અમેરીકા સ્થિત મૂંગા-બહેરા લોકોની લેટેસ્ટ  ટેક્નોલોજીથી સજ્જ એક હોસ્પીટલની સાઈટ નજરે ચઢી. ક્લિક ક્લિક ક્લિક….અને લગભગ ચારેક કલાકના સર્ફિંગ પછી એને લાગ્યું કે સ્પર્શને એકવાર અહી લઇ જવો જોઈએ. કદાચ એની સારવારનો કોઈ રસ્તો મળી પણ આવે.
એક અઠવાડીયાની ભાગમભાગ પછી આખરે અર્થ એ હોસ્પીટલની  બધી જ જાણકારી મેળવવામાં સફળ રહ્યો. ખર્ચો તો બહુ થશે..જવા આવવાની ટીકીટ અને સારવાર નો ખર્ચો બધું ય મળીને આશરે ૪૦એક લાખ સુધી તો આંકડો જરૂરથી  પહોચી જાય. જ્યારે પોતાની પાસે તો બહુ બહુ તો માંડ ૧૫એક લાખ જેટલા રૂપિયાને સગવડ થઇ શકે એમ જ હતું. શું કરવું હવે? આટલી મોટી રકમ તો કોઈ મિત્ર પાસેથી પણ ના નીકળી શકે…ત્યાં અચાનક એને એક રસ્તો સુઝ્યો..

‘ઇતિ અને વિકાસ ને કાને આ વાત નાંખી હોય તો કેવું રહે? આમેય  એ બેય આર્થિક રીતે પૈસા કાઢવા  સક્ષમ હતા. કમસે કમ ૨૫એક લાખ રૂપિયા  પણ જો એમની પાસેથી નીકળી જાય તો બાકીના તો પોતાની પાસે સગવડ હતી જ ને…’

પણ એમની સામે જવું કયા મોઢે? પોતે કરેલા ‘મહાન કાર્યો’(!!!) એનો પગ રોકી રહ્યાં હતા.બે દિવસની સતત અવઢવ પછી અર્થે મન મક્કમ કર્યું અને વિચાર્યું કે જો પોતે થોડું સહન કરી લે એનાથી જો સ્પર્શ ને એક નવી જિંદગી મળી જતી હોય તો પોતાનો અહમ અને શરમ થોડા બાજુમાં મૂકી દેવામાં કંઈ ખોટું તો  નથી જ..

____________________________________________________________

બીજા દિવસની સવારે અર્થ વિકાસના ઘરે જઈ ચડ્યો . ઇતિ તો ઓફિસે જવા નીકળી ગયેલી પણ વિકાસ હજુ તૈયાર થતો હતો અને બારણાની ઘંટડી વાગી..

‘ટીગ-ટોંગ..’

એક હાથે ટાઈમાંથી કોલર બહાર કાઢી ને સરખા કરતા કરતા વિકાસે  બારણું ખોલ્યું ને સામે અર્થને જોઇને ભોચક્કો  જ  રહી ગયો. કોલર સરખો કરવાનું પણ ભૂલી ગયો.જોકે સામે પક્ષે અર્થની હાલત પણ ખાસી ક્ષોભ-જનક જ હતી. એના મોઢા પર પોતે ભૂતકાળમાં કરેલી ભૂલો નો પડછાયો ડોકાતો હતો. બે ખામોશ પળો વીત્યા પછી વિકાસને એકદમ ભાન આવ્યું,

‘આવો અર્થ..અંદર આવો..કેમ છો? મજામાં ને? ‘

‘હા મજામાં’

‘બોલો ..પાછું હવે તમારે અમારું શું કામ પડ્યું ?” નાં ઈચ્છવા છતાં વિકાસના અવાજમાં થોડી કડવાશ ઘોળાઈ જ ગઈ. પણ પછી તરત જ જાત પર સંયમ રાખી લીધો. જે અર્થે કર્યું એ જ ભૂલો હવે એ પોતે કરે તો એના અને અર્થમાં ફરક જ શું રહ્યો..ના ના….પોતે પોતાની સારપ કદાપી  નહિ છોડે…આમે અર્થ પોતે કરેલી ભૂલો ની સજા ભોગવી જ રહેલો ને..હવે એનાથી વધુ સજા પોતે એને શું આપવાનો હતો..?

અર્થ પણ એ કડવાશથી એક મિનીટ તો સળગી ગયો પણ તરત જ પોતે જે કામ માટે આવેલો એ યાદ આવ્યું..એ કામ મગજ ઠંડુ હોય તો જ થઇ શકે એમ હતું…મગજ ગુમાવવાનું સહેજ પણ પાલવે એમ નહોતું..

‘જુવો મિસ્ટર વિકાસ, હું આમ તો અહી ઇતિને જ મળવા આવેલો…ખાસ તો મારે એનું જ કામ હતું..પણ એ નથી તો તમારી સાથે બે વાત કરી શકું..જો આપને વાંધો ના હોય તો..?’
સારું જ થયું કે ઇતિ નથી…અને જયારે અહી સુધી આવી જ ગયો છે તો  વાત કર્યા વગર થોડી જવાનો છે આ સ્વાર્થી માણસ…મનમાં ને મનમાં બે ગાળો ચોપડાવી ને પરાણે  મોઢું હસતું રાખી ને વિકાસ બોલ્યો,

‘ બોલો..અમે તમારી શું સેવા કરી શકીએ એમ છીએ..?’

એ પછી ના એક કલાકમાં અર્થે પોતાના અહી સુધી આવવા પાછળ નું પ્રયોજન એકદમ ચોખ્ખા શબ્દો માં વિકાસને જણાવ્યું.બે ઘડી  તો વિકાસને આ દગાખોર માણસની વાતો પર વિશ્વાસ જ ના બેઠો ..પણ અર્થ એકદમ પાકું હોમવર્ક કરીને આવેલો…હોસ્પિટલ અંગેની પૂરે-પૂરી માહિતી લઈને આવેલો .એ બધું ચેક કરતા વિકાસને એની વાત પર થોડો ભરોસો બેઠો..એની પાસેથી પુરતી રકમ નીકળી શકે એમ હતી..પૈસાનો કોઈ સવાલ જ નહતો .પણ કોઈ  નિર્ણય લેતા પહેલા એને આ આખી વાત વિષે  ઇતિને એક વાર પૂછવાનું વધુ યોગ્ય લાગ્યું..

ખાલીપો ભાગ – ૨૫

નિર્ણય લેતા પહેલા વિકાસને આ આખી વાત વિષે  ઇતિને એક વાર પૂછવાનું વધુ યોગ્ય લાગ્યું..
સાંજે વિકાસ અને ઇતિ ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા, રોજની આદત મુજબ એકબીજાના કામ-કાજ વિશે વાત-ચીત કરી રહ્યાં હતા; ત્યાં ધીરે રહીને વિકાસે ઇતિ સમક્ષ એની અને અર્થની વાતચીતનો મમરો મૂક્યો અને ટુંકાણમાં ઇતિને બધી ય વાત કહી સંભળાવી..

વાત સાંભળીને ઇતિના હાથ અને ગળા- બેય જગ્યાએ  કોળિયો એમ જ અટકી ગયો…ખુશી, અવિશ્વાસ અને આશ્વર્યના મિશ્રિત ભાવ વચ્ચે બે પળ  એ ઝોલા ખાઇ ગઈ..

એકદમ જ એણે વિકાસની સામે પોતાનો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું,
‘વિકાસ,મને ચુટલી ખણ તો જરા…આ જે સાંભળી રહી છું એ મારા મનનો ભ્રમ તો નથી ને..બે પળના સપનાની જેમ આ સુખ મારા દામનમાંથી હંમેશા થતું આવ્યું છે એમ સરકી તો નહી જાય ને..?”

અને એની આંખોમાંથી બોર બોર જેવા આંસુ છલકાઇ આવ્યાં..

એની વાત સાંભળીને વિકાસનુ દિલ પણ ભરાઇ આવ્યું..એ ઉભો થઈને ઇતિની પાસે બેઠો અને એનું માથું પોતાના ખભા પર ટેકવીને એના સુંવાળા વાળમાં પોતાનો હાથ ફેરવતા ફેરવતાં એને હંમેશની જેમ જ નિઃશબ્દ વાર્તાલાપથી સાંત્વના આપી રહ્યો…

_________________________________________________________

અર્થ ઓફિસમાંથી આવીને સોફા પર બેઠો અને ઘરમાં સ્પર્શની દેખરેખ માટે રાખેલા સુમિત્રાબેનને બુમ પાડી…

‘સુમિત્રાબેન..પાણીનો એક ગ્લાસ અને મસ્ત કડક કોફી સાથે મેરી ગોલ્ડના બિસ્કીટ લાવજોને..”

ટ્ક ઇન કરેલ શર્ટ પેન્ટમાંથી કાઢયું અને ગળાની ટાઈ ઢીલી કરતાં એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો,

‘સમજ નથી પડતી આજ કાલ આ મારી સાથે શું થઇ રહ્યું છે..? આટલી બધી નબળાઈ કેમ અનુભવાય છે? થોડું કામ કરુ ને થાકી જઊં છું.. છેલ્લા બે મહિનાથી ઝીણો ઝીણૉ તાવ આવ્યાં કરે છે..મટે છે ને પાછો ઉથલો મારે છે. કેટલાંય ડોકટરો બદલ્યાં..કેટ-કેટલાં રીપોર્ટ કઢાવ્યાં પણ એ તો બધાં નોર્મલ જ આવે છે. તો પછી આમ કેમ..? વળી સ્પર્શની સારવાર માટે મારે જો અમેરિકા જવું હોય તો આવી તબિયતે તો કેમનું જવાશે? આમ તો કેમ ચાલશે?”

નકરા પ્રશ્નોની અવઢવ વચ્ચે ડોરબેલ વાગ્યો.. રમવા ગયેલો સ્પર્શ ઘરમાં પાછો આવ્યો..અને આવીને એ અર્થને ભેટી પડ્યો..બે ચાર ચૂમી ભરીને પોતાની બોબડી ભાષામાં દોસ્તારો સાથે રમતમાં મેળવેલી જીત અર્થને સમજાવવા લાગ્યો..અને અર્થ એ સ્પર્શના એ વ્હાલના દરિયામાં આંખો બંધ કરીને ગોતા લગાવવા માંડ્યો..આખી દુનિયાની ખુશી જાણેકે એના બે બાહુમાં વસવાટ કરતી હોય એવી જ અનુભૂતિ એને થઇ. અચાનક જ એનો બધોય  થાક ઉતરી ગયો..

———————————————————

ઇતિ અને વિકાસ…અર્થ સાથે મોબાઇલ પર થયેલ વાત-ચીત મુજબ મળવાનું નક્કી કરેલા સમયે અર્થના ઘરના દરવાજે ઉભા હતાં.

ઇતિને થોડીક વિચિત્ર લાગણીનો અનુભવ થતો હતો..એક સમયે આ એનું પોતાનું ઘર હતું…એક સમયે પોતાના મનમંદિરની મૂરત બનાવેલા અર્થ અને પોતાના વ્હાલ્સોયા બાળકને મળવા આજે એ વિકાસ સાથે – પોતાના વર્તમાનના પતિ સાથે આવેલી…એને સમજાતું નહોતું કે એ અર્થનો સામનો કઇ રીતે કરશે..? પોતાનો કોઇ જ વાંક નહતો. પણ આ સ્થિતિ એને માટે કમ્ફર્ટેબલ પણ નહોતી. ધડકતા હૈયે એણે બેલ પર પોતાની લાંબા નખવાળી સુકોમળ આંગળી દબાવી..

‘ટ્રીન..ટ્રીન…”

થોડી વજનદાર પળો એમ જ નિઃશબ્દ નહી ગઈ.પણ અંદરથી કોઇ જ અવાજ ના આવ્યો.

વિકાસે ફરીથી બેલ વગાડ્યો..એક..બે..ત્રણ…કેમ આમ…ખાસી…૧૦ એક મિનિટ પછી પણ દરવાજો ના ખૂલ્યો.

ત્યાં તો સ્પર્શ સ્કુલ-બસમાંથી ઉતરીને દોડતો દોડતો આવીને ઇતિને વળગી પડ્યો..

ઓહ..આનો મતલબ કે અર્થ અંદર એકલો છે… ઇતિ અને વિકાસ બેય થોડા ગભરાયા…કંઈક અમંગળની એંધાણી સતત ઇતિના દિલના દ્વારે દસ્તક દઈ રહી હતી..બેલનો અવાજ સાંભળી સાંભળીને હવે તો આજુ બાજુ વાળા પણ ભેગા થઇ ગયાં..ઘરમાં જવા માટે મેઇન દરવાજા સિવાય બીજો  કોઈ જ  રસ્તો નહતો.. તેથી સર્વાનુમતે બધાંએ દરવાજો તોડવાનો નિર્ણય લીધો..
પાડોશી નીલમબેને ફોન કરીને મિસ્ત્રીને બોલાવ્યો અને દરવાજો તોડાવ્યો.
પણ આ શું…???

ઘરમાં ઘુસતાં જ બધાંની આંખો પહોળી થઇ ગઇ..અંદર અર્થ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો..એનું આખું શરીર વિચિત્ર રીતે ખેંચાઇ ગયેલું.

સ્પર્શના ખભેથી સ્કુલબેગ સરકી ગઈ…આંખો ભયના કારણે વિચિત્ર રીતે પહોળી થઈ ગઈ..ઇતિ પણ લગભગ એવી જ હાલતમાંથી પસાર થઈ રહી હતી. એના નાજુક  લમણાંની નસ ટેન્શનના કારણે ફુલી ગઈ..વિકાસને હવે અર્થ કરતાં આ બેયની ચિંતા વધુ પજવવા માંડી..ઘડીનોય વિલંબ કર્યા વગર વિકાસે સ્પર્શ અને ઇતિને પોતાના મજબૂત બાહુમાં સમેટી લીધાં અને સાંત્વના આપવા લાગ્યો.

ખાલીપો-ભાગ:૨૬

સવારનો કુણો કુણો તડકો કાચની પારદર્શક બારીમાંથી ચળાઇને આવતો હતો અર્થના ચહેરા પર અથડાતો હતો..એ સોનેરી રશ્મીકિરણૉમાં અર્થનો તામ્ર વર્ણૉ, મજબૂત જડબાવાળો અને તીખી રોમન નાસિકા ધરાવતો અને હોસ્પિટલના સફેદ યુનિફોર્મમાં અર્થનો ચહેરો પૌરુષથી ભર્યો ભર્યો અને અત્યંત આકર્ષક લાગતો હતો.

અર્થને હંમેશા કહેતી હતી,”તું સફેદ રંગના કપડામાં જબરો ખીલી ઉઠે છે….”ઇતિને યાદ આવી ગયું અને એક હાયકારો નીક્ળી ગયો…

પણ આમ હોસ્પિટલના સફેદ ડ્રેસમાં અર્થને જોવાની એને ક્યારેય આશા નહોતી…

અર્થના પલંગની બાજુમાં ખુરશીમાં બેઠી બેઠી ઇતિ એકી ટશે એને નિહાળી રહી હતી. એના દિલમાં અર્થ માટે કંઈક અજબ જેવી લાગણીનો દરિયો હિલ્લોળા લઈ રહયો હતી. એ લાગણી એના દિલને મોરપીંછ જેવો સુંવાળૉ અહેસાસ કરાવતી હતી.

એવામાં અર્થની લાંબી કાળી પાંપણ થોડીક હાલી અને ધીરે ધીરે એની થોડીક માંજરી રંગ ધરાવતી આંખો ખોલી.એ જોઇને  ઇતિ  ખુશીની મારી લગભગ ખુરશીમાં ઉછળી જ પડી અને એક્દમ જ ડોકટરને બોલાવવા  રુમમાંથી બહારની બાજુ ધસી. એ ઉતાવળિયા ડગલા માંડતા સામેથી આવતી નર્સ સાથે એ જોરથી અથડાઇ અને નર્સના હાથમાંથી દવાની ટ્રે નીચે પડી ગઈ..

“શું થયું મેડમ..?”

“અરે..આ જુઓ…જુઓ…દર્દીને હોશ આવી ગયો..જલ્દી ડોકટરને બોલાવો..પ્લીઝ..”

“અરે વાહ..સરસ..તમે શાંતિથી બેસો..હું ડોકટરને મોકલું છું.”

અને નર્સ નીચે વળીને વેરાયેલો સામાન ભેગો કરવા લાગી. જતાં જતાં અર્થની સામે મરકતાં મરકતાં બોલતી ગઈ,

“યુ  લકી મેન..આ તમારી પત્ની છેલ્લાં ૨ દિવસથી લાગલગાટ તમારી સેવામાં રાતદિવસ જોયા વગર અહીં ને અહીં જ છે..આંખનું મટકું ય નથી માર્યું એણૅ..બહુ પ્રેમ કરે છે એ તમને”

અને શરારતી સ્મિત સાથે રૂમની બહાર નીકળી ગઈ.

પાછળ એકલાં મૂકતી ગઈ એના સ્વાભાવિક શબ્દોની અસ્વાભાવિક લાગણીમાં ગોતા ખાતા અર્થ અને ઇતિને.. !!!

ઇતિની હિંમત નહોતી થતી કે એ અર્થની સામે આંખ મિલાવીને જોઇ શકે. અર્થને પણ આ સંબંધોની અટપટી પઝલ થોડી અકળાવનારી લાગી..બેય જણ મનમાં ઢગલો વાતો લઈને ચૂપ ચાપ જ બેસી રહ્યાં.

એટલામાં ડોકટરે આવીને એ મુશ્કેલ પળોને હળવી કરી નાંખી..

‘વેરી ગુડ મિ. અર્થ..ધાર્યા કરતાં જલ્દી હોશમાં આવી ગયા તમે..’

અને અર્થનો હાથ પોતાના એક હાથમા લઇને કાંડા ઘડિયાળ સાથે એની ધડકનનો હિસાબ લગાવવા માંડ્યા.

‘ગુડ..પલ્સ રેટ તો સરસ છે.’

‘પણ મને થયું છે શું ડોકટર ? હું બેઠો બેઠો ટીવી જોતો હતો અને એક્દમ જ મારી આંખો સમક્ષ કાળા ધોળા ચકકરો ફરવા લાગ્યાં ..દિલમાં કંઈક ચુંથારો થવા લાગ્યો..શ્વાસ ભારે થઇ ગયેલો..અને પછી મને કશું જ ખ્યાલ નથી કે શું થયું.”

‘આમ તો કંઈ રોગ પકડાતો નથી..અમે થોડાક રિપોર્ટ કઢાવ્યાં છે મિ. અર્થ….એટલે હવે એ આવે એની રાહ જોઈએ છીએ. બસ..’

થોડાંક રૂટિન ચેક અપ કર્યા બાદ ડોકટરે અર્થને થોડા ફ્રેશ ફૃટ જ્યુસ પીવાની ભલામણ કરી અને ઇતિની સામે એક નજર નાંખતા કહ્યું,

‘લગભગ ચારેક કલાકમાં આમના રીપોર્ટ આવી જશે. એ પછી હું તમને ઓફિસમાં બોલાવું છું .. નાહક તમે ચિતા ના કરશો..બધું ય સારું જ થશે..’ કહેતાંક્ને ડોકટરે રુમમાંથી વિદાય લીધી.

ઇતિએ એક ભરપૂર નજર વિકાસ પર નાંખી અને કહ્યું,

‘હું હોસ્પિટલની કેન્ટીનમાંથી લેમન જ્યુસ લઇને આવું છું.’

‘ઇન્ટરકોમ પર ફોન કરીને મંગાવી લે ને ઇતિ..તું અહીં જ બેસ..સારું લાગે છે.આમ એકલો મૂકીને ફરીથી તું જતી ના રહે પ્લીઝ..’

પણ હકીકતનું ભાન થતાં જ અર્થ મોઢા સુધી આવેલ આ વાક્યો ગળી ગયો…ફક્ત એક તરસી નજર ઇતિ સામે જોયા વગર કંઈ જ ના કરી શક્યો..
દિલના એક ખૂણે છાનો વસવસો સળવળ્યો…આ એ જ ઇતિ હતી જેને પોતે ભરપૂર ચાહી હતી..રોમે રોમથી વરસીને એને પ્રેમ કરેલો..આજે એ કેટલી નજીક પણ કેટલી દૂર થઇ ગઇ હતી એનાથી..!!

—————————————————————-

વિકાસ ડોકટરની સામે એમની કેબિનમાં બેઠેલો હતો. બન્નેની વચ્ચે લાકડાનું ટેબલ હતું. એ ટેબલ પર પડેલાં અર્થના રીપોર્ટના કાગળો છત પર ફરી રહેલા પંખાની હવાના કારણે ફરફરી રહ્યાં હતાં. બેયના મોઢા પર ચિંતાના વાદળો વિખરાયેલા હતાં. ખામોશીની એ કપરી પળોના તાર આખરે વિકાસે છંછેડ્યા…

‘આર યુ શ્યોર ડોકટર ?’

“યસ ડો.વિકાસ..આઇ એમ ડેમ શ્યોર. આ રીપોર્ટ મેં બીજી વાર કઢાવ્યો છે. સેઇમ રીઝલ્ટ..મિ. અર્થને ‘એઈડ્સ’ છે..અને એ પણ છેલ્લા સ્ટેજનો.. મારી ગણત્રી મુજબ એ વધુમાં વધુ  મહિનાના મહેમાન છે..બસ..”

“પણ હવે તો મેડિકલ સાયન્સ કેટલું આગળ વધી ગયું છે…એઇડસની દવા પણ શોધાઈ ચુકી છે એવું કંઈક મારા ધ્યાનમા પણ છે..ડોકટર સાવ આમ છેલ્લી કક્ષાની વાત ના કરો પ્લીઝ. કોઇક તો ઉપાય હશે જ ને..’

“જુઓ વિકાસ..તમે કહો છો એમ દવા શોધાઇ ચૂકી હોય તો  પણ હવે અર્થના શરીરમાં આ રોગે અજગરની જેમ ભરડો લઈ લીધો છે..આ બધી ટ્રીટ્મેન્ટ એઇડસને વધતો રોકે છે…પણ એને કાયમ માટે મટાડી શકે એમ હજુ શક્ય નથી બન્યું..માટે પ્લીઝ અર્થના કેસમાં  આવી દવાના આશાવાદી પરિણામની આશા રાખવાનો પણ કોઇ મતલબ નથી..સોરી..આ કેસ હવે મારા કાબૂ બહારની વાત છે..તમે ઇચ્છો તો બીજા ડોકટરનો ઓપિનીયન લઇ શકો છો અને છેલ્લા ઉપાય તરીકે આપણે જે કરીએ એ ..ભગવાનને પ્રાર્થના..આનાથી વધુ એક ડૉકટર તરીકે મારા પક્ષે હવે કંઈ જ કહેવાનું બચતું નથી”

‘હમ્મ્મ..’

આટલા શબ્દો સિવાય વિકાસના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળી શક્યો. એનું મગજ ચકરાવે ચઢી ગયું..

“આ સમાચાર નાજુક-દિલ ઇતિ અને મોતના આરે ઉભેલા અર્થને જણાવવા કેવી રીતે ?”

—————————————–

ઇતિની બેચેની હવે માઝા મૂકી રહી હતી..

વિકાસને ડોકટરની કેબિનમાં ગયે ખાસો કલાકેક થઇ ગયો હતો..આ કલાકમાં એણે કમ સે કમ ૨૫ વાર એના નાજુક કાંડે બંધાયેલ ઘડિયાળમાં નજર નાખીને સમય જોઇ લીધો હતો..

એને હવે અફ્સોસ થતો હતો કે એ કેમ વિકાસની સાથે ડોકટરની કેબિનમાં ના ગઈ.બેચેનીમાં ને બેચેનીમાં એ રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી.

એની આ બેચેની જોઇને અર્થના દિલના એક ખૂણે એક અજબ સંતોષની લાગણી અનુભવાતી હતી..એને ચિંતાતુર ઇતિનો ચહેરો…એની બેચેની..બધુંય બહુ જ ગમતું હતું…

‘આનો મતલબ કે હજુ ઇતિના દિલના કોઇ ખૂણે હું થોડો થોડૉ ધબકું છું એ વાત તો ચોક્કસ.’

અને એક કોમળ હાસ્ય એના ગુલાબી હોઠ પર રમવા લાગ્યું

——————————————
જાતને સંભાળવાનો મિથ્યા યત્ન કરતો કરતો વિકાસ અર્થના રૂમ તરફ ડગ માંડવા લાગ્યો.

આ એ જ અર્થ હતો જેના નામ માત્રથી પોતાને અકળામણ થતી હતી. પોતાના સ્વાર્થ અને બેદરકારીના કારણે જેણે પોતાની નાજુક ઇતિને પારાવાર હેરાન પરેશાન કરેલી. પણ આજે વિકાસ એ બધું ભુલી ગયેલો..અત્યારે એની અંદરનો ડોકટર, એક પરગજુ અને લાગણીશીલ માણસ જાગી ઊઠેલો.. એને યાદ હતું તો ફક્ત ડોકટરના મોઢે બોલાયેલું એક મકક્મ સ્વરવાળું વાક્ય..

‘અર્થ હવે વધુમા વધુ મહિનાનો મહેમાન છે.’

આ સમા્ચાર હવે એ ઇતિને અને અર્થને કઇ રીતે આપે એ વિચારમા ને વિચારમાં એ ક્યારે અર્થના રૂમની અંદર પ્રવેશી ગયો એનુ ધ્યાન જ ના રહ્યું.

ખાલીપો-૨૭

વિકાસના વદન પર ચિંતાના કાળા વાદળૉની ઝાંય સ્પષ્ટ રીતે ડોકાતી હતી. ઇતિની વિકાસ પારખુ નજરે એક જ મિનિટમાં એ પકડી પાડ્યું.

કંઈક અમંગળ સમાચારની આશંકાથી એનું દિલ જોર-જોરથી ધડકવા માંડયું. બે ભારે ભરખમ-દિલ પર ભીંસ વધારી દેતી પળો વીત્યાં પછી ઇતિએ તરતજ સભાનતાપૂર્વક પોતાની જાતને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો અને જાતને સૂચનો આપવા માંડી..

‘થીન્ક પોઝીટીવ ઇતિ. સારું વિચાર તો સારું જ થશે.”

૩-૪ મીનીટના ભારે અકળાવનારા મનોમંથનમાં ‘સેલ્ફ કાઉન્સેલિંગ- સેલ્ફ હીપ્નોટાઇઝ’નો થોડો ડૉઝ મેળવી ઇતિએ હતી એટલી બધી હિંમત ભેગી કરીને વિકાસ સામે નજર કરી તો વિકાસ એને આંખના ખૂણેથી ઇશારો કરીને રૂમની બહાર આવવાનું કહેતો દેખાયો..

જોકે એ આંખોની છાની રમત પથારીમાં સૂતેલા અર્થની નજરોથી છુપી ના રહી શકી.

————————————————————–

ઇતિના ધબકારા હવે માઝા મૂકી રહ્યાં હતાં. એ ધબકારનો અવાજ એ પોતાના કાનમાં હથોડાની જેમ અથડાતો અનુભવી શકતી હતી.

‘વિકાસ..કેમ આમ રહસ્યમયી વર્તન કરે છે સાવ જ..? જલ્દી બોલ..શું કહ્યું ડોકટરે? બધુ સારું છે ને? અર્થને કોઇ….આગળ એ કંઈ બોલી જ ના શકી..એની આંખોમાં લાગણીના અતિરેકથી ઝળઝળીયા આવી ગયા.

‘ઇતિ..થોડી હિંમત રાખીને સાંભળજે..પ્લીઝ.”

“કેમ આમ કરે છે તું..જલ્દી બોલ અને જે પણ હોય એ પુરેપુરી સચ્ચાઇ જણાવ ..તને..તને…સ્પર્શના સોગંદ છે વિકાસ.”

હતી એટલી બધી હામ હૈયે ભરીને વિકાસે આખરે ઇતિનો હાથ પોતાના હાથમાં લીધો..એની પાણીદાર..મોટી પારદર્શક આંખોમાં પોતાની ભીની ભીની નજર પુરોવી..

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

આટલાં શબ્દો બોલતાં તો વિકાસને માઇલોની દોટ લગાવીને આવ્યો હોય એટલો થાક વર્તાવા લાગ્યો..

ઇતિને તો આખું વિશ્વ જાણે કે ગોળ ગોળ ફરતું લાગ્યું..વિકાસે ઇતિને જોરથી પોતાના બે બાહુમાં સમાવી લીધી અને એના લીસા વાળમાં હાથ ફેરવવા લાગ્યો. વિકાસની આંખમાંથી બે અશ્રુબિંદુ એની જાણ બહાર જ ઇતિના લીસા વાળમાં સરી પડ્યાં અને એની જીન્દગીની જેમ જ ઇતિના વાળમાં ગુંચવાઈ ગયાં..

————————————————————

અર્થ આંખોના છુપા ઇશારાની રમત જોઇ ગયેલો..એને દાળમાં કંઈક કાળું લાગ્યું.

ઉભા થઇને દિવાલની બીજી બાજુએ પોતાના કાન માંડ્યા અને વિકાસના એક્દમ ધીમા અવાજમાં બોલયેલા શબ્દો એના સરવા કાને અથડાયા…

“ઇતિ..અર્થને ‘એઇડ્સ’છે અને એ પણ છેલ્લાં સ્ટેજનો..એ વધુમાં વધુ આપણી વચ્ચે મહિનો કાઢશે.”

છેલ્લાં મહિનાની એકધારી બિમારીથી આમે શરીર એક્દમ અશકત બની ગયેલું..એમાં આવી વાત સાંભળીને અર્થે તરત જ ભીંતનો સહારો લેવો પડ્યો.

આવી સ્થિતીમાં પણ અર્થને હસવું આવી ગયું..એને હંમેશાથી પોતાની શારીરીક શકિતનું મિથ્યા-અભિમાન હતું. આ શારીરીક શકિતએ એને થોડો ‘અહમ’ પણ ભેટમાં આપેલો. પોતાને કદી કોઇની જરુર નથી પડવાની..પોતે એક્દમ સ્વસ્થ છે..આવી વિચાર-વ્રુતિને લઇને એ કદી કોઇ બિમાર માણસની સેવા ના કરતો..શુ કામ છે આવી બધી લપ્પન – છ્પ્પન પાળીને…એના કર્યા હશે એ ભોગવશે.!!”

પણ  આજે પોતે આ કયા કર્મોની સજા ભોગવી રહ્યો હતો..?

એની નજર સામે પિકચરની રીલ પટ્ટીની જેમજ ઇતિની માંદગી..એની સાથેનું પોતાનું વર્તન તાદ્ર્શ્ય થઇ ગયું અને છેલ્લે એણે મોનાની સાથે પણ જે ખરાબ વ્યવહાર કરેલો એનુ ભાન થયું

મોત એક  કડવી વાસ્તવિકતા છે..એ નજર સામે હોય એટલે ભલ ભલા ભડવીરોને પણ પોતાની જીન્દગીના સારા-નરસા કાર્યો, ન્યાય-અન્યાય બધુંય એક પળમાં યાદ કરાવી જાય છે.

ઇતિ સાથે એણે એની માનસિક બિમારીના સમયે કેવો ખરાબ વ્યવ્હાર કરેલો..અને આજે એ જ ઇતિ એનું સર્વસ્વ બનીને એનો ટેકો બનીને રાત-દિવસ ભૂલીને એના પડખે ઉભી છે..કોઇ જ જાતની કડવાહટ , ફરિયાદ કે સ્વાર્થ વિના જ સ્તો..

પોતે આવી પત્નીને સમજી ના શક્યો અને જવાનીના મદમાં જ્યારે એને ખાસ પોતાની જરૂર હતી એ જ પળે એને ધક્કો મારીને ઘરની બહાર તગેડી દીધી..એક વાર પણ ના વિચાર્યુ કે એ આવી હાલતમાં કયાં જશે…શુ કરશે..અધૂરામાં પુરું એને એના લાડકવાયાથી અળગો રાખીને સતત ખાલીપાની લાગણીમાં ઝૂરવા દીધી હતી…મોતના આંખ સામેના તાંડવ-ન્રુત્યથી  અર્થને થોડીક જ મિનિટમાં પોતાની જાત પર ધીક્કાર થઇ આવ્યો.ભારોભાર તિરસ્કારથી એનું હૈયું ભરાઇ આવ્યું.

કેવી મોટી નાદાની કરી હતી એણે જિન્દગીમાં..!! શું ભગવાન એને ક્યારેય માફ કરશે? વળતી પળે એને વિકાસ સાથે જોઇને એક અનોખો સંતોષ થયો..વિકાસ અને ઇતિ..ઇતિ અને વિકાસ..બેય એક બીજા માટે જ સર્જાયા હતાં. ઇતિ મારા કરતાં વિકાસ સાથે વધુ સુખી છે. વિકાસ એને બરાબર સમજી શકે છે..તકલીફોના કાળા સમંદરમાંથી વિકાસ એકલા હાથે જ ઇતિને બહાર લઇ આવેલો ને..’ ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે જ કરે છે.”

પણ પોતાને એઈડ્સ ..આ કઇ રીતે શક્ય છે..? ભલે એણે ગમે તેટલી છોકરીઓને ફેરવી હોય પણ મોના સિવાય કોઇ જ સ્ત્રી સાથે એના શારીરીક સંબંધ નથી રહ્યા તો…

એક્દમ જ એને યાદ આવ્યુ….હા. એકાદ વર્ષ પહેલાં પોતાને એક જીવલેણ એક્શિડ્ન્ટ થયેલો એ વખતે એના ઘાવમાંથી સતત ખૂન વહેતું હતું. જેના કારણે એને ખાસા એવા લોહીના બાટલા ચડાવવા પડેલા..નક્કી…આ એનું જ પરિણામ…

હશે…જેવી હરિ ઇચ્છા…

વિચારીને એ પલંગ પર પાછો આડો પડ્યો..

——————————————-

વિકાસે ઇતિને સંભાળી અને સમજાવતા કહ્યું,’ઇતિ..જો અર્થને આ વાત જણાવીને કોઇ જ ફાયદો નથી. મને એમ થાય છે કે આપણે એને આપણા ઘરે લઈ જઇએ. આપણી સાથે રાખીએ અને એનો છેલ્લો સમય આપણા સહવાસના સુખથી છલકાવી દઇએ..મારે આમ તો તને કંઇ કહેવાનું જ ના હોય એમ છતાં એક વાત કહીશ, બધો ભૂતકાળ ભૂલી જા..ફકત ભવિષ્યને નજર સમક્ષ રાખીને અર્થને બને એટલો સુખ-શાંતિ આપવાનો પ્રયત્ન કરજે..એનો છેલ્લો સમય….આનાથી વધુ એ ના બોલી શક્યો.

સામે ઇતિ પણ આશ્વર્યચકિત થઇને દેવદૂત જેવા વિકાસને જોઇ જ રહી..પોતાની પત્નીને એના ભૂતપૂર્વ પતિ સાથે પ્રેમથી વર્તવાનું કોઇ માણસ  કઇ રીતે કહી શકે..? એના મનમાં  ‘એક મુઠ્ઠી ઊંચેરા વિકાસ’ માટે માનની લાગણી બમણી થઇ ગઇ અને અર્થને મળીને એ લોકો ઘરે જવા નીકળ્યાં.

——————————————

બીજા દિવસે સવારે ઇતિ અને વિકાસ અર્થને ઘરે લાવવા માટેની બધી તૈયારી કરીને ઘરેથી નીકળ્યાં.

હોસ્પિટલનું વાતાવરણ આજુ બાજુ વાવેલા વ્રુક્ષો અને એના પર પક્ષીઓના અવાજથી મનોરમ્ય લાગતું હતું.

હોસ્પિટલના રુમનં. ૯ આગળ બે સેકન્ડ ઊભા રહીને ઇતિએ નાટક માટે જાતને તૈયાર કરી લીધી અને વિકાસનો હાથ પકડીને અંદર પ્રવેશી.

પણ આ શું..? સામે જોયું તો પલંગ ખાલી હતો. ઇતિ અને વિકાસને નવાઇ લાગી..અર્થ આટલો વહેલો તો કદી ઉઠતો નથી આજે કેમ આમ?

હશે..આ હોસ્પિટલનુ વાતાવરણ જ એવું હોય છે ને કે ભલ-ભલાની ઊંઘ હરામ કરી નાંખે છે. પણ અર્થ ક્યાં? કદાચ બાથરૂમમાં હશે…ના ત્યાં તો નથી….બહાર જઇને હોસ્પિટલનુ ક્મ્પાઉન્ડ..બગીચો..એકે એક ખૂણૉ એમણે ચેક કરી લીધો..

રાતપાળી કરી રહેલા નર્સ…ડોકટર બધાય નો એક જ જવાબ હતો..હજુ કલાક પહેલાં તો એ અહી જ હતા. રુટીન ચેક અપ…સ્પંજ બધીય વિધિ સમયસર રોજની જેમ જ પૂર્ણ કરાયેલી….તો સવાલ એ હતો કે અત્યારે એ ક્યાં..?

એટલામાં ઇતિની નજરે પલંગમાં ઓશિકા નીચે દબાયેલ એક કાગળનો ખૂણો દેખાયો..

બાજ્ત્વરાથી જ એણૅ એ કાગળ ઓશિકા નીચેથી કાઢ્યો અને એકી સ્વાસે વાંચવા લાગી,

‘પ્રિય…(જો કે આ સંબોધનનો હવે કોઇ અધિકાર નથી જાણું છું…મેં જ મારા કરતૂતોથી એની લાયકાત ખોઇ કાઢી છે..એમ છતાં આજે મન થઈ આવ્યું દિલની વાત કાગળમાં લખવાનું) ઇતિ,

તને નવાઇ લાગતી હશે કે આ વળી અર્થને શું થયું પાછું? કહ્યા કર્યા વગર હંમેશની જેમ  ક્યાં ગુમ? તો સૌ પહેલા તો એક વાત કહી દઊ કે ઇતિ મે તારી અને વિકાસની કાલની વાતો છુપાઇને સાંભળી લીધેલી. મને ખ્યાલ છે કે હું હવે બહુ ઓછા સમયનો મહેમાન છું. હું મારી જીન્દગીનો એ છેલ્લો સમય મારી જાત સાથે એકાંતમાં ગાળવ માંગુ છું. ઇતિ, તને તો ખબર છે ને કે મને કોઇના ટેકાની આદત નથી…હજુ પણ એ સહન નથી થતું.

હા.. કાલે મારી બધી મિલક્તનો હિસાબ લગાવ્યો તો આંકડો ૭૦એક લાખ જેટ્લે પહોંચે છે. જે મારા…સોરી…આપણાં સ્પર્શના ઇલાજ્માં પૂરતા થઇ પડશે.

મેં ઇતિના જીવનમાં કાયમ પારાવાર ખાલીપો જ ભર્યો છે..આજે હું એ ખાલી જગ્યામાં સ્પર્શ નામ લખીને થોડી  જગ્યા પૂરવાનો પ્રયાસ કરું છું..આશા છે તમને મારા આ વર્તનથી  માઠું નહીં જ લાગે.

છેલ્લે જતાં જતાં એક વાત જરુરથી કહીશ કે ઇતિ , વિકાસ બહુ જ સારા માણસ છે. મારા કરતા સો દરજ્જે સારા… એમને જીવનસાથી રૂપે મેળવીને તું બહુ નસીબદાર છું. આપણી વચ્ચે જેવા નાની નાની,મતલબ વગરની વાતોના કડવા ઝેર ફેલાયેલા એવા આ લગ્નજીવનમાં ના ફેલાય એની ખાસ તકેદારી લેજે.

સ્પર્શને મળવાની બહુ ઇછ્છા હતી પણ કદાચ એ નસીબમા નહીં લખાયેલું હોય મારા…એને મારી વતી વ્હાલ કરજો..એને કહેજો..એના પપ્પા દુર દુર એના માટે બહુ બધી ચોકલેટ અને નવી જાતનો આઇસક્રીમ લેવા ગયાં છે..તો એમની રાહ જોજે..રડીશ નહીં..તું રડતો હો એ ડેડીને નથી ગમતુંને…?

ડો. વિકાસ, તમારો આભાર માનવા આ કલમમાં શાહી અને મારા શબ્દો બેય ખૂટે છે..બસ એક વિનંતી..મારી ઇતિ અને સ્પર્શને સાચવી લેજો..

હવે રજા લઊ છું…પ્લીઝ મને શોધવાની કોશિશ ના કરશો..જય શ્રી ક્રિષ્ના.”

અને ઇતિના હાથમાંથી કાગળ છટકીને ભોંય પર પડ્યો..

સમ

 

 

શિખરની મથામણ


phoochhab newspaper > 25-02-2015 > navrash ni pal
હું તારાથી ઊંચે ન હોઇ શકું,

પગથિયાં ઊતરવાનું મન થાય છે.

– મારો જ એક શેર આજે અહીં રજૂ કરું છું મિત્રો !

 

અને પાનિનીના હાથમાંથી ફોન છૂટી ગયો…….

ગનીમત હતી કે જમીન પર પટકાયેલ મજબૂત છાતીવાળો ફોન પછડાયા પછી પણ સહી સલામત હતો.સામે છેડેથી ‘હલો હલો’ પડઘાઈ રહ્યું હતું ..પણ પાનિનીની આંખો શૂન્યમાં કંઇક તાકી રહી હતી..શું એની તો એને પણ નહતી ખબર !

પાનિની એક ગૌરવશાળી પ્રતિભા. એનું મુખારવિંદ કાયમ સ્ત્રીત્વના અનોખા તેજથી ચમકતું રહેતું. નાક પર કાયમ બેઠેલો એ એનો ગર્વ, અહમ કે સ્વાભિમાન એ સરળતાથી નક્કી ના જ કરી શકાય. કુલ મળીને એક સુંદર મજાનું અને તંદુરસ્ત વ્યક્તિત્વ હતું પાનિનીનું. પણ આજે એના ગર્વીલા નાક પર કોઇક અણગમતી વાતનો ગુસ્સો ફરકી રહ્યો હતો.નાજુક નાકના ફણાં રતાશ પકડતા જતા હતા. શું હતી એ અણગમતી વાત ?

વાત જાણે એમ હતી કે પાનિનીના નસીબે એક વધુ વખત એને ધોખો આપેલો. એના પતિ શિવાંશના ધંધાનો સૂરજ બરાબર મધ્યાન્હે તપતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી એ જે પ્રોજેક્ટની પાછળ આંખ બંધ કરીને પડેલો હતો એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થવાના આરે જ હતો અને હમણાં જ શિવાંશની ફેક્ટરી પરથી ન્યૂઝ આવ્યાં કે એમની ફેકટરીમાં શોર્ટશર્કીટના કારણે અચાનક જ આગ ફાટી નીકળી હતી અને પોણા ભાગની ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. લગ્નજીવનના પચીસ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પાનિનીના નસીબમાં આર્થિક – માનસિક શાંતિનો સૂર્યોદય થવાનો હતો પણ ક્રૂર કુદરતની લીલા આગળ કોનું ચાલી શક્યું છે ! વર્ષોથી ચાલ્યા આવતાં સંઘર્ષના આરે આવીને ઉભો રહેલો પાનિનીનો મનોરથ અચાનક જ એની મંઝિલની નજીક જ ખોટકાઈ ગયો હતો. પંદર દિવસ પછી તો પાનિની અને શિવાંશ એમના બે ય સંતાન સાથે સિંગાપુર જવાનો પ્લાન બનાવતા હતા ત્યાં આવા ન્યૂઝ ! આવા મૂડમાં તો એ શિવાંશને સાંત્વનાના બે શબ્દો કહેવાના બદલે એની ઉપર અકળાઈ જ જશે એવું લાગતા પાનિનીએ કપડાં બદલી, મોઢું ધોઇ, તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ . એની ગાડી એના ઘરના પાર્કિંગમાંથી સીધી જ એના માનેલા ગુરુ આનંદિકાબેનના આશ્રમમાં જઈને ઉભી રહી. આખા રસ્તે એના વિચારોનો વેગ એની ૬૦ -૮૦ ની સ્પીડે ચાલતી ગાડી કરતાં વધુ જ રહેલો. આશ્રમ આવતાં જ ગાડી અને પાનિનીના મગજ બે ય ને વિરામ મળ્યો.

આશ્રમનું શાંત અને રમણીય વાતાવરણ જોઇને જ પાનિનીની અડધી અકળામણ ગાયબ થઈ ગઈ. ધીમા સજાગ ડગ માંડતી એ ગુરુના રુમમાં પ્રવેશી. ૨૦-૨૫ ફૂટના આખાય રુમમાં ખપ પૂરતી વસ્તુઓની હાજરી જ હતી. એક સાદો લાકડાંનો પલંગ- એની પર સ્વચ્છ અને સૌમ્ય કલર- ડિઝાઈનની ચાદર વાળી ગાદી, એક ઓશિકું ને ચાદર, છત પર નાનો શો પંખો, અને ખૂણામાં એક માટલું ને એની પર એક સ્વચ્છ ઝગઝગ કરતો ગ્લાસ, બારી આગળ એક ચોરસ ટેબલ અને એ ટેબલ પર ગુરુમાની એક ડાયરી, પેન, નાઈટ્લેમ્પ ! આખા રુમમાં મોકળાશ મોકળાશ. પાનિનીના નસકોરા વાટે એ મોકળાશની હવા એના દિલ દિમાગ સુધી પહોંચી ગઈ અને સઘળું ય શાંત થઈ ગયું. પાનિની બે પળ આંખ મીંચી ગઈ.

‘કેમ છે બેટા ?’

ગુરુમાનો શાંત, મીઠો અવાજ પાનિનીના કર્ણપટલ પર અથડાયો ને એ તંદ્રામાંથી જાગી.

‘મા,શું કહું ? ખોટું ખોટું શાંતિ છે એમ કહીશ તો આપની સમક્ષ જુઠ્ઠું બોલ્યાનો રંજ થશે. મારી એ જ કહાણી. કિનારે આવીને વહાણ ડૂબી જાય છે. મોઢા આગળ શાંતિનો કોળિયો આવીને ઝૂંટવાઈ ગયો.’ અને પાનિનીએ આખી ય ઘટના ટૂંકાણમાં ગુરુમાને કહી.

‘મા, સાચું કહું હવે ઇશ્વરમાંથી શ્રધ્ધા ખૂટતી જાય છે. જાત પરનો , શિવાંશ પરનો , પ્રામાણિકપણા -નીતિ જેવા ગુણ બધાંયમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારે શું જોઇએ ? મારું ઘર ચલાવવા થોડી ઘણી આર્થિક શાંતિ જ સ્તો. એના માટે હું ને શિવાંશ દિન રાત જોયાં વિના, કોઇની ય આંતરડી કકળે નહીં એનું ખાસ ધ્યાન રાખીને ભરપૂર મહેનત કરીએ છીએ પણ ઇશ્વર મને કેટલી ટટળાવે છે જુઓ !’

‘દિકરી, હું તારી હાલત સમજું છું પણ એક વાતનો જવાબ આપ. આજથી પાંચ વર્ષ પહેલાં તારા ઘરનો જીવન જરુરિયાતનો માસિક ખર્ચો કેટલો હતો ?’

‘આશરે વીસ હજાર.’

‘અને અત્યારે ?’

‘આશરે ત્રીસ સમજો ને.’

‘તારે કોઇ દિવસ ભૂખ્યાં સૂવું પડ્યું કે કોઇની પાસે હાથ લંબાવવો પડ્યો એવી ઘટના બની છે કે ?’

‘ના…ના ગુરુમા..એવું તો શું બોલ્યા ! ‘

‘બેટા, તમે આટલા વર્ષોમાં ત્રીસ હજારના માસિક ખર્ચા લગી પહોંચ્યા છો તો એટલું કમાતા હશો ત્યારે જ પહોંચ્યા ને ? બાકી તમે જીવનની શરુઆત તો સાવ ખાલી ખિસ્સે કરેલી. યાદ કર પંદર વર્ષ પહેલાંનો એ સમય દીકરા. ને આટલું કમાઈ લો છો તો પછી તારે તકલીફ શું છે ?’

‘મા, ફકત ખાઈ પીને જ જીવ્યાં એને જીવ્યાં ના જ કહેવાય ને ? અમે હજુ જુવાન છીએ, પહેરવા-ઓઢવા-ફરવાના ઓરતા અમને પણ હોય ને ? અને એ માટે અમે બે ય તનતોડ મહેનત કરીએ છીએ, બંને સ્માર્ટ અને કરકસરીયા પણ છીએ. અમારાથી અડધી મહેનત કરનારા પણ કેવી મજાથી જીવે છે જ્યારે અમે .. અમારો સુખનો સમય આવતો જ નથી. રાહ જોઇ જોઇને આંખના અમી ખૂટી ગયા છે હવે.એક વાર બે વાર ત્રણ વાર હોય તો પહોંચી વળાય પણ આ સતત અને વારંવાર મળતી નિષ્ફળતાઓ હવે મનને અજંપાથી ઘેરી લે છે. અમારા હકની સુખ – શાંતિ અમને કેમ ના મળે ?’ અને પાનિનીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

‘થોડી ધીરજ રાખ બેટા. તમારો સમય પણ આવશે.’

‘મા, કેટલી ધીરજ ? વસ્તુઓનો, સુખ સગવડોનો મોહ પણ છૂટી જાય પછી જ એ મળે એ ક્યાંનો ન્યાય ? જ્યારે એ વસ્તુ મળે ત્યારે એનો કોઇ આનંદ જ નથી થતો. વર્ષોની પ્રતિક્ષામાં બધો ય ઉત્સાહ જ સુકાઈ જાય છે.’

‘એક વાત કહે બેટા, તમારી સુખ શાંતિનો સમય નક્કી કરનારા તમે કોણ ? ઘરમાં એક છાપું આવતું હતું તે બે કરી નાંખ્યાં ને એક ટીવી હતું તે ત્રણ ! આવા તો કેટલાં વણજોઇતાં ને ઉપાધિયા ખર્ચા કરો છો તમે ? વળી તમે તમારા સમય કરતાં વહેલાં સુખબિંદુની ધારણાં બાંધી દ્યો એમાં ઇશ્વર કે નસીબનો શું વાંક ? તમારો સમય આજે ને અત્યારે જ છે એવો દુરાગ્રહ કેમ ? તમારી સુખ શાંતિની સરહદો તમે બાંધી હોય એ જ નીકળે એ જરુરી તો નથી ને ? ગણિત તમારા ખોટાં ને માર્કસ ઇશ્વરના કાપો એ ક્યાંનો ન્યાય ? બાકી તો ધીરજ તમારી પોતિકી સંપત્તિ. એને વાપરવી હોય ત્યાં સુધી વાપરી શકો છો ક્યાં તો એક ઝાટકે ખૂટાડી પણ શકો છો. બે ય ના સારા – નરસા પરિણામ તમારે જ ભોગવવાના આવશે. શાંતિથી વિચારી લે.’

અને પાનિની વિચારમાં પડી ગઈ ઃ’ ગુરુમાની વાત કેટલી સાચી હતી ! પોતાની જરુરિયાતો આ જ સમયે પૂરી થાય એવો દુરાગ્રહ કેમ ? મારો સમય જ ના આવ્યો હોય અને એ સુખની ખેવના કર્યા કરું છુ એ મ્રુગજળીયા વમળ મને એની અંદર ખેંચતા જ જાય છે ને છેલ્લે હતાશાના સાગરમાં હું ડૂબી જાઉં છું. મારો સારો સમય કદાચ કાલે કે પરમદિવસે લખાયો હશે. એની આજે ને આ જ ઘડીએ આશા રાખવી જ ખોટી છે. સમય નક્કી કરનાર હું કોણ વળી ?’ અને એના અંતરમનમાં છેક અંદર સુધી એક ઠંડક પ્રસરતી ચાલી.

અનબીટેબલ ઃ ખીણમાંથી દેખાતા શિખર પર પહોંચવાની શરુઆત ખીણમાં રહેલા એક એક પગથિયા ચઢીને જ કરવી પડે.

પીળું એટલું સોનું તો નહીં જ !


રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ !
– મનોજ ખંડેરિયા.

સાંજના છ વાગ્યાં હતાં. એસજી હાઈવેના આઠ રસ્તા ઉપર વાતાવરણમાં ચારે બાજુ હોર્નના  અવાજનું જીદ્દી અને અકડું સામ્રાજ્ય છવાયેલું હતું. આટલા વર્ષોની ટ્રાફિકની બધી ય વ્યાખ્યાઓને ઘોળીને પી જતા આ વાહનચાલકો જાણે દુનિયાના સૌથી વ્યસ્ત માર્ગનો રેકોર્ડબ્રેક કરી નાંખશે એમ જ લાગતું હતું. રસ્તા પર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોની લાંબી લચક કતારો જ નજરે પડતી હતી. અમદાવાદનો આ હાઈવે ટચ રોડ  ઓછામાં ઓછા કેટલા સમયમાં કોણ પાસ કરી શકે એની શરતો લગાવી હોય એમ દરેક વાહનચાલક ઘાઈ- ઘાઈમાં ધાંધળો થઈ ગયેલો દેખાતો હતો. બધાં ય એકબીજાની ટ્રાફિક સેન્સને ગાળો દેતાં હતાં ને અમુક તો  મનોમન બીજા નહીં તો ત્રીજા સિગ્નલમાં પોતાનો વારો ચોકકસ આવી જાય એના માટે મનોમન દેવી દેવતાની માનતા સુધ્ધાં માની લેતા હતાં તો અમુક તો રોજ સવારે ઘરમાંથી જ હનુમાન ચાલીસાનો મંત્ર ગણતાં નીકળતાં ..કેમ ? તો સરળ જવાબ…રખે ને આ ટ્રાફિક સેન્સ વગરના દોડતાં શહેરમાં કોઇ વાહનચાલક આપણા જીવતરની ચિઠ્ઠી ફાડી દે એ નક્કી નહીં…સવારે નીકળીને સાંજે ઘરે પહોંચીએ ત્યારે જ જીવમાં જીવ આવે. ચારે તરફ હડબડાટી, અકળામણ, ગુસ્સા અને ટેન્શનનું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાયેલું હતું.રોડના છેડે આવેલી એક નાની શી શાકભાજીની દુકાનમાં રમલી બેઠી બેઠી શાંતિથી બીડીઓના કશ લેતી હતી અને લોકોના સ્ટ્રેસની મજા માણતી હતી. એને માટે તો રોજનું દ્રશ્ય. ત્યાં જ એક ગાડી રમલીની દુકાન આગળ ઉભી રહી અને એમાંથી એક સુંદર મજાનો લેયરકટીયા વાળ ધરાવતો પચીસી વર્ષનોએક સુંદર – સ્માર્ટ ચહેરો ડોકાયો.
‘આ વટાણા શું ભાવ ?’
‘સો રુપિયે.’
‘ઠીક…પાંચસો આપી દે…એક કામ કર…સાથે અઢીસો રીંગણ, કિલો બટેટાં, કિલો ડુંગળી, ખીરા કાકડી પાંચસો, મેથીની ભાજીની બે પણી, સો ગ્રામ આદુ, સો ગ્રામ ફુદીનો, પાંચસો ગ્રામ ચોળી અને કિલો તુવેર પણ મૂકી દેજે..’
રમલીને તો મજા પડી ગઈ. આ સ્માર્ટ ગ્રાહકને એણે બધું ય ફટાફટ તોલી આપ્યું અને છેલ્લે પચાસ ગ્રામ કોથમીર એને દેખાડીને મફત આપી અને ઉપકાર કરતીહોય એવો ભાવ ચહેરા પર લાવીને બોલી,
‘બસો ને ત્રીસ રુપિયા થયા બુન..પણ તમે તો રોજના ઘરાક…બસો ને પચીસ આપી દ્યો ને..’
અને પેલા રુપાળા  ચેહરાધારીએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢી. પચીસ રુપિયા છુટ્ટા ના નીકળતાં એટલા રુપિયાના લીંબુ અને ટામેટાં લઈ લીધા ને સિગ્નલ ખૂલી જતાં પેલા બેને ગાડી ભગાવી.
રુપાળા સ્માર્ટ ચહેરાની જગ્યાએ તરત જ એક ખરબચડો અને ગામડિયો ચહેરો ગોઠવાઈ ગયો.
‘રમલી, વટાણાં શુંભાવ ?’
‘સો રુપિયે કિલો..’
‘કેમ લી…બહુ મોઢે ચઢી છું ને તું તો…આખા ગામમાં એંસી રુપિયે છે ને તું સો કેમ કહે ?’
‘સારું એંસી રાખ.’
‘પણ રમલી, મારે કિલો જોઇએ છે અને કિલો વટાણા લઈએ તો સાઈઠ રુપિયામાં ય લોકો આપે છે…’
થોડી રકઝક પછી રમલી એને પાંસઠ રુપિયે વટાણા આપવા રાજી થઈ ગઈ. એ પછી તો દરેક શાકના ભાવતાલ થયાં અને છેલ્લે આંકડો થયો એકસો ને એંસી રુપિયા.
‘રમલી, થોડી કોથમીર , ફુદીનો અને આદુ આપ તો મસાલામાં…’
‘હા લે ને બેન…મસાલો તો આપવાનો જ હોય ને…એ ના આપું તો મારા ઘરાકો તૂટી જાય..લે બુન..તું તારે પ્રેમથી મસાલો લઈ જા.’
‘સારું…આ લે એકસો ને પંચોતેર રુપિયા…પાંચ રુપિયામાં શું વળી તારો જીવ ભરાય..’
રમલીએ ચૂપચાપ પૈસા લઈ લીધા અને શાકની થેલી પેલા ગામડીયા ચહેરાના હાથમાં પકડાવી દીધી.ત્યાં તો આગળ પડેલી ટોપલીમાંથી  બે લીંબુ લઈને પેલીએ થેલીમાં સરકાવી લીધા…રમલી બોલે એ પહેલાં તો એણે હેંડતી પકડી લીધી.
રમલીએ બીજી બીડી કાઢીને એના ધુમાડા કાઢતાં વિચારવા લાગી,
‘સાલ્લું, પેલા ગાડીવાળા બેનના હિસાબમાં ધપલા કર્યાં ને બધું ય શાક મળીને બસોને દસ જ થતું હતું ને એણે એ બેનને બસો ત્રીસ કીધા..સીધો વીસ રુપિયાનો ફાયદો કરેલો..વળી એને શાક પણ બધું મોંઘા ભાવે આપેલું. એ સ્માર્ટબેનને ઉલ્લુ બનાવ્યાનો બધો ય આનંદ આ મૂરખ અને ગામડીઅણ દેખાતી બેન ઉડાવી ગઈ. ગાડીવાળી ફકત પૈસા કમાઈ જ જાણે ને વાપરવામાં સાવ મૂર્ખા…જ્યારે આ અભણ સાલી ઘરઘરના કામ કરીને રુપિયા રળનારી…કમાઈ પણ જાણે છે અને એકે એક પૈસો સમજદારી ને ગણત્રીપૂર્વક વાપરી પણ જાણે છે. આ બે ય માં સાચું ગામડીયું…સાચું અભણ કોણ ?
અનબીટેબલ ઃ કિલો અનાજ લેવા સામેના પલડામાં દૂધની થેલીઓ મૂકીને ના મપાય..કિલોનું લોખંડનું બાટ જ મૂકવું પડે.

 

કારણ વગરનો માણસ


Phoolchhab newspaper > 21-1-2015 > Navrash ni pal column

 

મોટા નગરના માણસો

ચહેરા વગરના માણસો

 

હેતુ વગરની ભીડમાં

કારણ વગરના માણસો

 

પાકી સડકની શોધ મા

કાચી કબરના માણસો

-આદિલ મન્સુરી

 

સ્કુલના વિશાળ પ્લે ગ્રાઉન્ડમાં આરોહી એક વૃક્ષના ટેકે ઉભી હતી. એની નજર જમણી બાજુ આવેલ લીમડાના ખરબચડાં થડ ઉપર ચોંટી ગઈ. ત્યાં રામજીના કૃપા-વરસાદ જેવા કાળા-પીળા પટ્ટા ધરાવતી બે ખિસકોલીઓ ઉપરથી નીચે ને નીચેથી ઉપર દોડી રહી હતી – જાણે પકડાપકડી ના રમતી હોય ! લીમડાના થડ નીચે સ્કુલના બાળકોએ ટીફીનનો વધેલો નાસ્તો નાંખેલો હતો એમાંથી થોડું થોડું ખાવાનું એના બે નાનકડાં હાથમાં લઈને પૂંછડી ઉંચું કરીને નાસ્તો ખાતી હતી. આરોહીએ ધ્યાનથી જોયું તો ખિસકોલીના આગલા પગમાં ચાર અને પાછલા પગમાં પાંચ આંગળીઓ હતી. ઓહ..આ વાતની જાણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે થઈ…અને અચાનક જ એનું મન ખિસકોલીની જેમ દોડાદોડ કરવા લાગ્યું. એના પતિ નીલેશની સાચી હકીકત પણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે જ થઈ ને ! અને મોઢામાંથી એક ઉનો નિશ્વાસ નીકળી ગયો ને આંખમાંથી બોર બોર આંસુરૂપે એ સરી પડયો.ત્યાં જ એના ખભા પર એની સહકર્મચારી સુધાનો હાથ મૂકાયો અને એનો મ્રુદુ સ્વર કાને અથડાયો,

‘આરોહી, શું વાત છે? ક્યાં ખોવાયેલી છે. રીસેસનો સમય પતી ગયો. બેલ ક્યારનો વાગી ગયો અને તું હજુ અહીં…આમ…તારે તો ફીફ્થ ફ્લોર પર આઠ – ઇ ના ક્લાસમાં જવાનું છે ને… ?’

‘અહ…હ….અ..હા….હા…’ આરોહીએ એના નયનની ભીનાશ સાડીના પાલવમાં સમેટી લીધી અને ફટાફટ સ્ટાફરુમ તરફ ભાગી.

સુધા અને આરોહીનું ઘર નજીક જ હતું એથી બે યનું બસસ્ટોપ એક જ હતું. સ્કુલ છૂટ્યાં પછી બે ય બસમાં એક જ સીટ પર બેઠા. છેલ્લાં છ મહિનાથી સ્કુલમાં નોકરી કરતી, કાયમ શાંત, ધીર, ગંભીર અને અંતર્મુખી સ્વભાવની આરોહી માટે સુધાના દિલમાં કૂણી લાગણી હતી. એણે આરોહીના સુંદર મુખને વિહવળ બનાવતી ઉદાસીનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો.

‘આરોહી, આજકાલ તું બહુ ઉદાસ રહે છે…કારણ શું છે ?’ શરુઆતમાં થોડી હિચકિચાહટ્નો અનુભવ કર્યા પછી સુધાની લાગણી આગળ આરોહી પીઘળી ગઈ અને ખુલી ગઈ.

‘સુધા, મારા પતિ નીલેશની જોબ છૂટી ગઈ છે. છેલ્લાં બે વર્ષથી એ ઘરે જ છે. બધી બચત ધીમે ધીમે વપરાઈ રહી છે. મારી એકલીના પગાર પર મારા બે સંતાનો અને અમે બે…આમ ચાર જણનો સંસાર નિભાવવો લગભગ અશક્ય જ બનતો જાય છે.જિંદગીનું બીજું નામ સ્ટ્રેસ બનતું જાય છે.’

‘ઓહ…તારે આર્થિક તકલીફ છે એનો આછો પાતળો અંદાજો તો મને હતો પણ આવી વિષમ પરિસ્થિતીનો અંદાજ નહતો. તું કહે તો મારા પતિ રીતેશને વાત કરું, એની ઓફિસમાં નીલેશભાઈને લાયક કોઇક ને કોઇક નોકરી તો ચોકકસ મળી રહેશે.’

‘ના..ના..સુધા. આવી ભૂલ તો સહેજ પણ ના કરતી. નીલેશને કોઇ જેવી તેવી જોબ નથી જોઇતી. એને તો ઓછામાં ઓછી સાઈઠ હજારથી ઉપરની જોબ હોય તો જ કરવી છે.નીલેશ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો એમાં એનો માસિક પગાર લગભગ ૭૫,૦૦૦ રુપિયા જેટલો હતો. બે વર્ષમાં તો એ કંપની પોતાનો કોન્ટ્રાકટ ખતમ થતાં બંધ થઈ ગઈ અને નીલેશ રસ્તા ઉપર. નીલેશ બી.કોમ જ ભણેલો છે એટલે એની ક્વોલિફીકેશન કંઈ ખાસ ના કહેવાય. અત્યારે એને એના પાછલા વર્ક એકસ્પીરીઅન્સ અને ભણતરના બેઇઝ પર વીસ – પચીસ હજારની નોકરી તો મળી જ જાય છે પણ એને એ નોકરી સ્વીકારતા માનભંગ થતું હોય એવો અનુભવ થાય છે. ક્યાં પંચોતેર હજાર અને ક્યાં વીસ પચીસ હજાર રુપરડી….! ‘

‘અરે, પણ સાવ જ હાથ પર હાથ ધરીને બેસી રહેવું એના કરતાં જે મળે એ નોકરી કરી લેવામાં શું વાંધો છે ? નોકરી કરતા કરતા બીજી જગ્યાઓએ એપ્લાય કરતાં રહેવાનું. ‘

‘સુધા, આ જ વાત અમે ઘરના બધા સમજાવીને થાક્યાં. પંચોતેર હજારના પગારની લાઇફસ્ટાઈલ અત્યારે મારા પંદર હજારના ટૂંકા પગારમાં કેમની મેનેજ કરું ? વળી એની નોકરી છૂટી અને એના આવા નખરાંને લીધે જ મારે આ જોબ સ્વીકારવી પડી છે. જો કે મને એનો કોઇ અફસોસ નથી પણ મોટ્ટામસ પગારની આશામાં સાવ જ આમ નિકમ્માપણું દાખવવાનું ને ઘરમાં પડી રહેવાનું એ કેટલું વ્યાજબી ? એને હવે કશું ય કહેવાતું નથી કારણ એને ડીપ્રેશન આવી જાય છે અને ધડાધડ એન્ટી ડીપ્રેશન દવાઓ ની ટીકડીઓ ખાવા બેસી જાય છે. ઘર, છોકરાં, નોકરી અને માનસિક તાણના શિકારનો જીદ્દી વર…આ બધું મેનેજ કરતાં કરતાં બે વર્ષમાં હવે હું લગભગ હાંફી ગઈ છું. ઘણી વખત તો મન થાય છે કે બધું છોડીને…’અને સુધાએ આરોહીના મોઢા પર હાથ મૂકી દીધો,

‘પાગલ છું કે…આવા વિચાર પણ મગજમાં નહીં લાવવાના. બધાની લાઈફમાં આવો એક પીરીઅડ આવતો હોય છે. જેમ આવ્યો એમ જતો પણ રહેશે..થોડી ધીરજ રાખ. નાણાંભીડ હોય તો મારી પાસેથી થોડી ઘણી રકમ લઈ લેજે..હું તો અમથી ય શોખ માટે જ જોબ કરું છું યુ નો..આપણે આનો કોઇક રસ્તો શોધી કાઢીશું…હિંમત ના હાર.’

અને આરોહી સુધાના ખભા પર માથું મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.સુધા મનોમન વિચારમાં પડી ગઈ,

‘ વાસ્તવિકતાનો સ્વીકારી ના કરી શકનાર નીલેશની જીદ્દને સાચવવામાં એની પત્ની મરી મરીને જીવી રહી હતી પણ એ તો પોતાના પંચોતેર હજારના પગારના સ્વપ્નામાંથી જ બહાર નહતો આવી શક્તો..લાયકાત કરતાં પણ વધુ મોટા મોટા પગાર આપીને, વૈભવી લાઈફસ્ટાઈલની ટેવ પાડીને, જુવાનિયાઓ પાસે હદ બહારનું કામ કરાવી એમનું બધું હીર ચૂસીને પોતાનું કામ પતી જતાં એ જ કર્મચારીઓને સાવ જ રસ્તે રઝળતા છોડી દેનાર આવી કંપનીઓ હજુ કેટલી આશાભરી જુવાન જિંદગીઓ આમ બરબાદ કરશે ? ‘

અનબીટેબલ ઃ બેશરમ દુઃખો નોંતરાની રાહ નથી જોતા, સ્વમાની સુખ આજીજી કરીને થાકો તોય એ એના નિસ્ચિંત સમયે જ આવે છે.

સ્મિતના મેઘધનુ


phoolchhab newspaper > janmabhoomi group > 26-12-2014 > navrash ni pal column
પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું,

પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ !

– ડૉ.નીરજ મહેતા

 

‘સંજના, કાલે તો રવિવાર છે, જમાઈરાજને રજા કેમ ? એક કામ કર ને બેટા, તું અને પાવનકુમાર સવારે જમવાનું કરીને આવો.’

‘ના મમ્મી, અમે કાલે અમે બધા મિત્રકપલ વહેલી સવારે થોર જવાના છીએ તો નહી ફાવે. રહેવા દ્યો ને.’

પરણીને સાસરે ગયે જેને બે મહિના પૂરા નથી થયા એવી પોતાની લાડકીનો આ લગભગ સત્તરમો નકાર હતો પિયર આવવામાં બહાના બતાવવાનો. રીના બેનનું મોઢું પડી ગયું અને થોડા ઢીલા અવાજે બોલ્યા,

‘થોર…એ તો મહેસાણા બાજુ છે એ જ અભ્યારણ ને ? બાજુવાળા પારુબેન કહેતા હતા કે ત્યાં બધા સૂર્યોદય જોવા વહેલાસર પહોંચી જાય અને ભાતભાતના પક્ષીઓને જોવાનો અનેરો આનંદ માણે. એ સિવાય ત્યાં બીજુ ખાસ કંઈ નથી.તો મારી ગણત્રી પ્રમાણે તો તમે આઠ – નવ વાગ્યે તો ફ્રી થઈ જશો બેટા બરાબર… તો પાછા વળતા આવજો ને આપણું ઘર તો રસ્તામાં જ પડે છે ને.’

મા ના મજબૂર ગળામાંથી લગભગ આજીજી કરતા હોય એવો આર્દ અવાજ રેલાયો.

‘મમ્મી, તમે ય પાક્કા છો હોં કે…આમ તો તમારી વાત સાચી છે પણ એ પછી અમે અહીં બાજુમાં જ એક ફ્રેન્ડનું ફાર્મહાઉસ છે ત્યાં જ આખો દિવસ ગાળવાના છીએ. વન ડે પીકનીક યુ નો. ચાલ, મારે પાર્લરમાં જવાનો સમય થઈ ગયો. માંડ માંડ અપોઇન્ટમેન્ટ મળી છે તો હું ફોન મૂકું. બાય – જય શ્રી ક્રિષ્ના.’

‘આવજે બેટા.’ અને રીનાબેને ભારે હ્રદયે ફોન મૂકી દીધો.

સંજનાની બાજુમાં બેઠેલો એનો પતિ પાવન એનું વર્તન બહુ ધ્યાનથી જોઇ રહ્યો હતો.

‘સંજના, તને નથી લાગતું કે તું મમ્મી સાથે થોડી રુડ થઈ રહી છું. બિચારા કેટલા વખતથી તને ઘરે બોલાવ્યા કરે છે અને તું છે કે એને ટાળ્યાં કરે છે. પરણીને આવેલી સ્ત્રીઓ પિયર જવાના નામથી રાજીના રેડ થઈ જાય જ્યારે તું તો…અને હા, આપણે કાલે ક્યાં કોઇના ય ફાર્મહાઉસ પર જવાનું છે.ખોટું કેમ બોલી ?’

‘પાવુ ડીઅર, વાત એમ છે ને કે મમ્મીના બે રુમ રસોડાન ગંદા ગોબરા ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું. કામવાળા પોસાતા નથી અને જાતે સફાઈ થતી નથી. અઠવાડિયે એક વાર આખા ઘરમાં પોતા મારે છે. વળી એમને આંખ ઓછું દેખાય છે એથી રાંધવાનું ય કાચું પાકું. છેલ્લે જમ્યાં ત્યારે મેંદાની કણકમાં નકરી ઇયળો હતી.કોણ જાણે કેમ લોટ ચાળ્યા વગર કેમ વાપરતા હશે ?’

‘સંજુ, તું પણ એ જ ઘરમાં અને એ જ માહોલમાં મોટી થઈ છે ને ? આપણે ઘરે રસોઇઓ, નોકર ચાકર અને ડ્રાઇવર સાથે ગાડી છે. પણ તારા ઘરે તો તું સાઈકલ પર જ ફરતી હતી ને ? લગ્નના બે જ મહિનામાં પોતાના માવતર પ્રત્યે આવો અણગમો ? ફેસીલીટીના કેફમાં માવતરની મીઠાશ, માવજત બધું ભૂલી ગઈ કે ? સાવ આવી છેલ્લી કક્ષાની સંવેદનહીન ? સંજુ…મને તારી માંદી માનસિકતા પર શરમ આવે છે. તારા મમ્મીની આંખો સારી ના હોય તો તું એમને ત્યાં જઈને થોડી સાફ સફાઈ કરવાનું રાખ. ના હોય તો આપણા કામવાળાને ત્યાં લઈને અઠવાડિયામાં બે વાર ઘર સાફ કરાવ, ગાડી લઈને જા અને એમને મંદિર લઈ જા, શોપિંગ કરાવ. એમના ઘરે જઈને જાતે રાંધીને એમને તારા હાથે જમાડ. આ બધું તો દૂર રહ્યું પણ તું તો એમના ઘરે જવાની જ ના પાડે છે. પૈસાની, સગવડોની ચમક દમક આટલી ચકાચોંધમાં દિલ – નજર આટલું અંજાઈ જાય કે એમાં સગા મા બાપ પણ ના જોઇ શકો તો આવા પૈસાને જ થૂ ..ઉ..ઉ છે. કાલે ઉઠીને આપણી પાસે પૈસો નહી હોય કે મારું શરીર કામ નહી કરે ત્યારે તું મારી સાથે પણ આવું જ સ્વાર્થી વર્તન કરીશ કે ? સંજુ….સંજુ….મને તારી પર શરમ આવે છે…’ અને અકળાઈને પાવન ત્યાંથી જતો રહ્યો.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ઉઠીને તૈયાર થઈને પાવન અને સંજના થોર જવા નીકળ્યા. રસ્તામાં સંજના બોલી,

‘પાવન, આગળથી બીજા ટર્ન પર ગાડી ઉભી રાખજે તો…મેં કાલે મમ્મીને ફોન કરીને આપણી સાથે આવવા કહેલું તો એ તૈયાર થઈને ત્યાં ‘રીપલ પાર્ટીપ્લોટ’ પાસે ઉભા હશે અને હા…ત્યાંથી પછી આપણે મમ્મીને ત્યાં જ જવાના છીએ..આખો દિવસ એમની સાથે…રામજી વહેલો પહોંચીને ઘરની સાફસફાઈ કરી રાખશે અને પછી આપણે મમ્મીના હાથના ગરમાગરમ બટેટા પૌંઆ ખાઈશું.’

આનંદથી ઝૂમી ઉઠીને પાવને કાચની બહાર જોયું તો દોડપકડ રમતા સફેદ રુ ના ઢગલા જેવા વાદળો પાછળથી એક કિરણ ઝગમગવા તૈયાર હતું . પોતાના સંસારમાં થયેલા સૂર્યોદય ખુશીમાં પાવનના હોઠ પર સ્મિતના મેઘધનુ ખીલી ઉઠ્યાં અને ગોળ થઈને એની મનપસંદ વ્હીસલ વગાડવા લાગ્યાં.

અનબીટેબલ ઃ ઇશ્વર તો પરમ કૃપાળુ છે બસ આપણે એના આશીર્વાદ સમજવાની ક્ષમતા કેળવવી પડે છે.

સ્નેહા પટેલ

સુહાગન વિધવા


phoolchhab newspaper  > navash ni pal column > 17-12-2014
સાંવરિયો રે મારો સાંવરિયો,

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો…

-રમેશ પારેખ.

 

‘મારુ, ફટાફટ મારી જમવાની ડીશ પીરસી દે તો ..આજે ઓફિસે જવાનું મોડું મોડું થઈ ગયું છે.’

ભગવાનની સમક્ષ દીવો પ્રગટાવીને અગરબત્તી સળગાવવા જતી મારુતિનો હાથ અદવચાળે જ અટકી ગયો. વર્ષોથી મારુના કાન અને એના પતિ ધીરજના અવાજને ઓટોમેટીક કનેક્શન હતું. ધીરજનો પડ્યો બોલ ઝીલવાની એની આદત હતી. એ ધીરજને હાથમાં ને હાથમાં રાખતી હતી. આજે પણ ધીરજના અવાજથી એનો હાથ અટકી ગયો અને ધ્યાન એના બોલ તરફ ડાયવર્ટ થઈ ગયું. જો કે એના ધ્યાન અને હાથમાં સળગતી દિવાસળીને કોઇ કનેક્શન નહતું. એ તો પોતાનું સળગવાનું કામ એક્ધારી નિષ્ઠાથી કર્યે જતી હતી અને પરિણામે મારુની કોમળ આંગળીને દઝાડતી ગઈ. પોતાની કાર્યનિષ્ઠા બીજાને તકલીફ આપે એમાં વાંક કોનો ? હશે, દિવાસળીને આવું બધું વિચારવા માટે મગજ નથી હોતું અને મારુના મોઢામાંથી એક આછી ચીસ નીકળી ગઈ અને દિવાસળી હાથમાંથી નીચે પડી ગઈ. તરત જ પોતે જ્યાં બેઠી છે ત્યાં જ, એ જ જગ્યાએ પાછી ફરી અને દિવાસળીનો સળગતો અંગારો બોક્સથી દબાવીને બંધ કરીને , પ્રાર્થના શરુ કરતા પહેલાં જ પૂરી કરી દેવી પડી એ બદલ ભગવાનની આંખોમા આંખ પૂરોવીને માફી માંગતીકને રીતસર રસોડામાં ભાગી. પાંચમી મીનિટે તો ધીરજની થાળીમાં ગરમાગરમ રસોઈ પીરસાઈને થાળી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ હતી.

‘મારુ, પેલી પીન્ક ફાઈલ મારી બેગમાં સાચવીને મૂકી દેજે અને મારી સિલ્વરબેલ્ટની ઘડિયાળ બગડી ગઈ છે તો પેલી કાળા ડાયલવાળી ઘડિયાળ કાઢી રાખજે. આજે એક જરુરી મીટીંગમાં જવાનું છે તો નવો સફેદરંગનો અને ભૂરી – લાલ લાઈનિંગવાળો હાથરુમાલ ઇસ્ત્રી કરીને મૂકી રાખજે…’

જમતાં જમતાં ધીરજના ઓર્ડરમાળા અસ્ખલિતરુપે ચાલુ જ રહી અને મારુ ચૂપચાપ એના ઓર્ડરોનું પાલન કરતી ગઈ. મનમાં એક વાર થયું કે, ‘આજે તમારી પસંદનું પાલક પનીરનું શાક થોડી અલગ રીતથી બનાવ્યું છે તો તમને ભાવ્યું ?’ એવું પૂછી લઉં. પણ એના બોલવાનું અને ધીરજનું સાંભળવાનું મૂર્હત હજુ નહતું નીકળ્યું. મન મારવાની આદત કોઠે પડી ગઈ હતી એટલે મારુને બહુ તકલીફ ના પડી.

બપોરે જમી પરવારીને મારુએ બાજુમાં રહેતી નવો નવો બ્યુટી પાર્લરનો કોર્સ કરતી ધીરાને વેક્સિંગ , આઇબ્રો અને હેરકટીંગના કોમ્બીનેશન કામ માટે ઘરે બોલાવી હતી.

‘ભાભી, આ પચાસ વર્ષની ઉંમરે પણ તમારા વાળ કેટલાં સુંવાળા, કાળા અને ભરાવદાર છે. આની પાછળ કોઇ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરો છો કે શું ?’

‘ના રે બાપા, અહીં સમય જ કોને છે એવો બધો આ તો ભગવાનની કૃપા બસ.’ જન્મથી કાળાભમ્મર વાળનું વરદાન હતું અને સગા સંબંધીઓમાં એના વાળ કાયમ મીઠી – કડવી ઇર્ષ્યાનું કારણ બનતા.પોતાના વાળના વખાણ સાંભળીને મોટી થયેલ મારુ માટે આ પ્રસંશાના બે શબ્દો કોઇ નવા નહતા પણ દિલના એક ખૂણે છૂપા ભારેલ અગ્નિ પર જાણે છ..મ..મ કરીને પાણીનો છંટકાવ થયો હોય એવો અનુભવ થયો પણ વળતી જ પળે પોતાના રુપ રંગ, સાજ શણગાર – ગુણોની ધીરજને મન તો કોઇ વેલ્યુ જ નહતી. એના મોઢે કદી બે પ્રસંશાના શબ્દો સાંભળવા મળતા જ નથી એ વિચારે મન ખાટું થઈ ગયું અને પેલા અગ્નિમાં એના ખારા આંસુ હોમાયા.

આમ ને આમ મારુ ને ધીરજનો સંસાર સુખરુપ ચાલતો હતો અને એક દિવસ અચાનક જ મારુને હાર્ટઅટેક આવ્યો અને ડોકટરો કશું જ કરી શકે એ પહેલાં તો કલાકના ટૂંકા ગાળામાં મારુનું અવસાન થઈ ગયું. ધીરજ વિધુર થઈ ગયો.

એકલા પડ્યા પછીની જિંદગી ધીરજ માટે અતિ કપરી હતી. એ મારુને અનહદ પ્રેમ કરતો હતો. મારુ વિના એક ડગલું પણ ચાલવું એના માટે દોહ્યલું હતું. ભગવાને એના નસીબમાં જ કેમ આવી મુસીબત લખી દીધી ? મારુ તો કેટલી નાની અને તંદુરસ્ત હતી. રોજ મારુના કાળા ભમ્મર , લીસા વાળમાં હાથ ફેરવતા ફેરવતા એની આંખ ઘેનમાં સરી જતી. આટલા વર્ષો પછી જ પણ એની ત્વચા અને રંગરુપ જાણે કોઇ પચીસ વર્ષની યુવતીને પણ શરમાવે એવા ગુલાબી અને તંદુરસ્ત હતાં.ભગવાનની દેન હતી નહિંતો મારુએ એની પાસે કદી બ્યુટી પાર્લરના ખર્ચા માટે ક્યાં હાથ લાંબો કરેલો હતો ? એની ટૂંકી આવકમાં એ દસ ચોપડી જ માંડ ભણેલી મારુ ઘરના ઉપરાંત સામાજિક ખર્ચાઓ કેવી સરળતાથી પૂરા કરતી હતી અને વળી આસ્ચ્ર્યજનક રીતે ખાસી એવી બચત પણ ભેગી કરતી જતી હતી. મારુ તો મારુ જ હતી સાચે. એના વગર પોતાનું જીવનગાડું કેમનું ચાલશે અને ધીરજની આંખમાં બે મોટા આંસુ તગતગી ઉઠ્યાં.પેન્ટના ખીસામાં હાથ નાંખીને હાથરુમાલ કાઢવાનો યત્ન ખોખલો નીવડ્યો.એના ખીસામાં નિયમિતપણે સ્વચ્છ રુમાલ મૂકનારી મારુ તો ક્યાં હયાત હતી ? ખીસામાં રહેલ થોડાં પરચૂરણ સાથે હાથ અથડાયો અને ધીરજના મગજને ઝાટકો વાગ્યો. ઝાટકા સાથે એક વિચાર ધીરજના મગજમાં જન્મ્યો.

‘એના જીવનમાં આટલું મહત્વનું સ્થાન ધરાવતી પત્નીના બધા ગુણ પોતાને એના મરણ પછી જ કેમ દેખાયા ? એના રુપ – રંગ-સ્વભાવને લઈને પોતે તો કદી પણ બે શબ્દ પ્રસંશાના મારુને કહ્યા નથી , કદી કોઇ કદર કરી નથી, રગસિયા ગાડાની જેમ જ જીવન જીવતો આવ્યો છે. શું આ જ કારણથી ભગવાને એને પોતાની પાસે બોલાવી લીધી કે ? હા એવું જ લાગે છે…સમયસર યોગ્ય વાતની કદર ના થાય એનો શું મતલબ ? પોતે તો આજે વિધુર થયેલો પણ મારુ તો કોણ જાણે કેટલાંય વખતથી એક મશીન જેવા માનવીમાં હેત અને કાળજીના ઉંજણ પૂરીને, કોઇ જ રીસપોન્સ મેળવ્યા વિના ઉચાટ જીવે જ જીવતી હતી. ઉફ્ફ..એ સુહાગન તો એના પતિના જીવતેજીવ વિધવા થઈ ગયેલી.’

પારાવાર અફસોસના દરિયામાં ડૂબકી માર્યા સિવાય ધીરજથી બીજું કશું થઈ શકે એમ નહતું.

અનબીટેબલ : જેની કદર ના કરી શકો એ તમારી પાસેથી ધીમે ધીમે દૂર થતું જાય છે અને એક દિવસ ગુમ !

સ્નેહા પટેલ

પગલું


sneha patel

Phoolchhab newspaper > Navrash ni pal column > 15-10-2014

images

આ પાનખર તો ગેરસમજ ઋતુની હશે,

હું આંખમાં લઈને ફરું છું બહાર દોસ્ત.

– ‘ગની’ દહીંવાળા.

 

‘માસી, આ જુઓને મારી નીચેવાળા રીટાબેને એમની બારી -ગેલેરી અને બેડરુમ બધાયની પેરાપેટ ઉપર લાંબુલચ છાપરું કરાવી દીધું છે તે મને હવે નીચે કશું દેખાતું નથી. વળી મને લાગે છે કે એમણે એમની કાયદેસરની લીમીટ કરતાં થોડું વધારે જ ખેચી લીધું છે.’

‘લાવ, મને જોવા દે તો.’

અને સમજુબેન એમની સુંદર મજાની પાડોશી જિંદગીના બીજામાળ પર આવેલ ફ્લેટમાં પ્રવેશ્યા.ડ્રોઇંગરુમમાં આવેલ એલ્યુમિનિયમની ફ્રેમમાં પહોળાકાચની સુશોભિત વીન્ડોમાંથી નીચે જોતાં જ એમનું મન ખાટું થઈ ગયું.જિંદગીના ફ્લેટની નીચે બે પાડોશીએ ભેગા થઈને લગભગ ૩-૩ ફૂટનું ‘સી’ આકારનું છ્જુ બનાવી કાઢેલું જેના કારણે જિંદગીના ફ્લેટમાંથી નીચેનું પાર્કિંગ અને બહારની સાઈડ પડતો રોડ કશું જ દેખાતું નહતું. રોડ ઉપર ઉભી રહેતી શાકભાજી, પાણીપૂરી, ફ્રૂટની લારી અને બીજી અનેકો દુકાનો ખુલ્લી છે કે નહીં એ જોવા માટે આ જ બારી વપરાતી હતી પણ હવે તો એ સુંદર ‘વ્યૂ’ જ બંધ થઈ ગયેલો અને છજા ઉપર ત્રીજામાળવાળા પાડોશીએ નાંખેલ દૂધની થેલીઓ, જંકફૂડના પેકેટ્સ, કેળાની છાલ જેવો ઢગલો કચરો પથરાયેલો હતો. સરસ મજાના ડ્રોઇંગરુમની બારીમાંથી બહાર નજર નાંખતા જ આવું વરવું દ્રશ્ય ! વળી બેડરુમની બારીની બહાર તો આનાથી પણ વધુ ખરાબ હાલત હતી. એમના એરીઆમાં કબૂતરોની વસ્તી અધ..ધ…ધ…ધ. આખું છાપરું એની ગંદકીથી ભરપૂર અને વળી જિંદગીના જણાવ્યા મુજબ બે ફૂટ જેવું વધારાનું ખેંચાણ.

‘ઉફ્ફ, જિંદગી તારે તો જબરો ત્રાસ થઈ ગયો..ચારે તરફ છાપરા જ છાપરા..’

‘હા માસી, આ ગંદકીના લીધે ઘરમાં માખી ને મચ્છરનો ત્રાસ થઈ ગયો છે.આનો ઉપાય શું ? વળી આ છાપરા પર ચડીને કાલે ઉઠીને કોઇ ચોર મારા ઘરમાં ઘૂસી આવશે એની ચિંતા તો વધારાની…એની જવાબદારી કોની?’

‘જિંદગી, ફ્લેટસમાં આવી બધી તકલીફો રહે જ દીકરા. ઉપર નીચેવાળા પોતાની જવાબદારી જાતે સમજે તો જ કામ થાય નહીંતો ઝગડો થઈને ઉભો રહે. અમારી નીચે રહેતી રીંકુએ પણ છાપરું ખેંચેલું જ છે ને..પણ દર અઠવાડીએ એ જાતે પાણીની પાઈપ મૂકીને સાવરણો ફેરવીને સાફ કરી લે છે. વળી અમારી ઉપરવાળા પણ આવો બધો કચરો ના ફેંકે એના માટે એમની સાથે વાત પણ કરે છે. હવે એ આટલું સાચવી લે તો મારે એની સાથે ક્યાં કોઇ મગજમારી કરવાની રહે બોલ ?

‘હા માસી,વાત તો કરવી જ પડશે’ અને જિંદગીએ એની નીચે આવેલા પારુલબેનના ઘરનું બારણું ખખડાવ્યું.

‘પારુલબેન, આ છ્જુ કરાવ્યું તો હવે એને સાફ કરવાની કોઇ જોગવાઈ તો કરો.’

‘અલ્યા, મારે શું સાફસફાઈ કરવાની ? તમને તકલીફ પડતી હોય તો તમે જાતે એક પાઈપ મૂકીને ધોઈ કાઢજો ને..મને કંઈ પ્રોબ્લેમ નથી એમાં.’

‘પારુબેન, ્છાપરું તમે કરાવો, કચરો ઉપરવાળા નાંખે અને સાફસફાઈ મારે કરવાની એમ..? ઓકે..એક વાર તમે સાફ કરાવી લેજો એક વાર હું કરી લઈશ.’

‘ના, એવો ટાઈમ કોની પાસે હોય કંઈ..’

‘તો આપણે કચરોવાળવા આવતી મંજુને થોડા પૈસા આપી દઈશું એ કરી લેશે’

‘તમારે જે કરવું, કરાવવું હોય એ જાતે કરી લેજો.હું કંઇ નહીં કરું.’

‘ઓહ, આ સમજુબેનની નીચેવાળા રીંકુબેન તો સાફ કરે છે. તમને શું નખરા છે …તમારી ચોખ્ખાઈમાં અમારે ગંદવાડ સહન કરવાનો એમ…! અને જે વધારાનું બાંધકામ છે એનું શું ? હું બાંધકામ ખાતામાં અરજી આપી દઈશ.’

‘આપી દેજો, જે થાય એ કરી લેજો.રીંકુ ક્યાં સાફ કરે છે વળી..’

ત્યાં જિંદગીની સાથે આવેલ સમજુબેન બોલ્યાં,

‘ખોટી વાત ના કરો પારુબેન, રીંકુ રેગ્યુલર સાફ કરીને ચોખ્ખું રાખે છે. આ હું એની સાક્ષી…’

વાત વધી ગઈ ને પારુબેન ગાળાગાળી પર આવી ગયા. જિંદગી અને સમજુબેન એમની કક્ષાએ ના પહોંચી શક્યાં ને ઘરે પાછા વળ્યાં. દરેક ફલેટ્રવાસી જિંદગીની વાત સાથે સહમત હતો પણ પારુબેનના ઘરેથી આવતા રોજના વાટકાભરીને શાક ને બીજી વસ્તુઓની લાલચે એમનું મોઢું બંધ કરી દીધેલું.

જિંદગીએ મ્યુનિસીપાલટીમાં કમ્પલેઇન કરતાં એનો માણસ આવીને બાંધકામ માપી ગયો અને ત્રણ ફૂટનું વધારાનું કામ છે એ નોંધી ગયો. નોંધણી પછી પારુબેનના ઘરમાં અડધો કલાક ચા-નાસ્તો કરીને બહાર નીકળ્યો ત્યારે એના શર્ટની ડાબી બાજુનું ખિસ્સુ થોડું ફૂલેલું લાગતું હતું ને મોઢા પર હર્ષની વાદળીઓ દોડતી હતી.જિંદગી બધી વાત સમજી ગઈ. બાંધકામ ખાતામાં વાત કરી તો પણ એનું એ જ..લગભગ એક મહિનો કવાયત કરીને જિંદગી હવે થાકી અને બધી ય વાત પડતી મૂકીને પડ્યું પાનું નિભાવી લેવા જેવી વાત પર આવી ગઈ.

આ આખી ય ઘટનાક્રમની વચ્ચે સમજુબેનની નીચે રહેતી રીંકુને એની આજુબાજુવાળાએ સમજાવી – ખખડાવીને મજબૂર કરી દીધી અને હવે એણે પણ છાપરું સાફ કરવાનું છોડી દીધું હતું અને સમજુબેનના ઘરમાં જે ચોખ્ખાઈનો માહોલ રહેતો હતો એ પણ ગંદકીમાં પરિવર્તિત થઈ ગયો હતો.

ઘરની પાટ પર બેસીને સમજુબેન વિચારતા હતાં કે,

‘ જિંદગીને સાથ આપીને એમણે ભૂલ કરી કે શું ? એમણે જિંદગીની લડતમાં એને સાથ આપ્યો અને જિંદગીએ લડતમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં. છેક સુધી લડવું જ નહતું તો જિંદગીએ વાત ચાલુ જ નહતી કરવી જોઇતી. આ તો ના એનું કામ પાર પડ્યું ને એમનું કામ પણ બગડીને રહી ગયું.ભવિષ્યમાં હવે જિંદગી માટે ક્યારેય સ્ટેન્ડ લેવાનું આવશે તો જિંદગી ભલે ગમે એટલીવ્હાલી હોય, એની વાતમાં સચ્ચાઈ હોય પણ એ પગલું લેવામાં એમને ચોક્કસ તકલીફ પડશે.’

અનબીટેબલ : આગળ વધીને પાછળ હટી જવાની નીતિ આપણા ખાતામાંથી શુભેચ્છકો અને મિત્રોની બાદબાકી જ કરે છે.

-sneha patel

જવાબદાર


phoolchhab newspaper > navrash ni pal column > 8-10-2014

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

-ચીનુ મોદી

મુનિતાને રાતે બરાબર ઉંઘ નહતી આવી એટલે આજે સવારે માથું ભારે ભારે લાગતું હતું. આળસ મરડીને બગાસું ખાતા ખાતા એની નજર બારીની બહાર ગઈ.સરસ મજાની શિયાળાની સવાર હતી અને બારીમાંથી સૂર્યકિરણોની હૂંફ ને ઉજાસ ઉદારતાથી એના ઓરડામાં પ્રવેશી રહ્યાં હતાં.વાતાવરણ ખુશનુમા હતું પણ મુનિતાના તન મનને સુધી એની અસર નહતી પહોંચતી ! કશું ય અઘટિત નહોતું બન્યું પણ તન ને મન બે ય થાકેલાં થાકેલાં હતાં.કારણ….ખાસ તો કંઈ નહી એ જ પંદર વર્ષથી ચાલ્યું આવતું જૂનું પુરાણું એક નું એક જસ્તો…!

‘ચલાવી લેતા શીખવાનું.’

પંદર દિવસ પછી મુનિતાના મોટાભાઈની દીકરીના લગ્ન હતાં. મુનિતાની ભાભી ભારે હોંશીલી. લગ્ન સિવાય સંગીત સંધ્યા, મહેંદી, સત્કાર સમારંભ જેવા પ્રસંગોનું આયોજન પણ કરેલું. મોટાભાઈની આર્થિક સ્થિતી પ્રમાણમાં ઘણી સારી હતી.બે પાંચ લાખ આમથી તેમ..એમને ખાસ કંઈ ફર્ક નહતો પડવાનો પણ મુનિતા…એને આ પ્રસંગોને અનુરુપ શોપિંગ કરવામાં જ હાંજા ગગડી જતાં હતાં અને બધાની પાછળ જવાબદાર હતો એના પતિ સુકેતુનો વર્ષોથી સેટ ના થઈ શકેલો ધંધો !

પોતાના જ બાહુબળે જીવવાની જીદમાં ઘરમાંથી એકપણ પૈસો લીધા વગર સુકેતુ અને મુનિતા પાંચ વર્ષના નીલ અને ત્રણ વર્ષની આશકાને લઈને ઘરમાંથી નીકળી ગયેલાં. થોડી ઘણી મૂડી, મુનિતાના બે દાગીના વેચીને અને બાકીની બેંકની લોન લઈને સુકેતુએ ઘર લીધેલું અને ધંધો વિક્સાવેલો. ધાર્યા પ્રમાણે ધંધો ચાલ્યો નહીં અને નફા કરતાં ખોટ વધારે જતી અને પરિણામે ધંધો આટોપી લેવો પડ્યો.એ પછી સુકેતુએ એક નોકરી શોધી લીધેલી પણ એમાં ઘરના રોજિંદા ખર્ચા, સંતાનોની કેળવણીનો ખર્ચ, સામાજીક વટવ્યવહાર આ બધું પૂરું નહતું થઈ રહેતું અને પરિણામે મુનિતાને એના જીવનમાં વારંવાર ‘આના વગર ચલાવી લેવાનું’ જેવા વાક્યનો સામનો કરવો પડતો.

આજે પણ લગ્નપ્રસંગ માટે શોપિંગ કરવા ગઈ ત્યારે હાથમાં મોટું મસ લિસ્ટ લઈને ગઈ હતી- સુકેતુ માટે નવો કુર્તો, નીલ માટે કોટીવાળો ડ્રેસ, આશકા માટે શરારા, મેચીંગ જ્વેલરી , શૂઝ, લગ્નપસંગે ગિફટમાં આપવાની અનેકો વસ્તુઓ…લિસ્ટ લાંબુ ને બજેટ મર્યાદિત. મોટી મોટી દુકાનોમાં જે ગમી જાય એ વસ્તુઓ બહુ જ મોંઘી હોય. માંડ બે વસ્તુના શોપિંગનો જ મેળ પડ્યો હતો ને પૈસા ખતમ. લગ્નને અનુસાર મોભાદાર વસ્તુઓ ખરીદવાના અનેકો અરમાનો પર ટાઢું બોળ પાણી ફરી પડ્યું ને મુનિતાનો બધો ઉમંગ પડી ભાંગ્યો. ખિન્ન ને નિરાશ વદને વિચારવા લાગી,

‘ શું એની આખી જિંદગી આમ ‘ચલાવી લેવામાં’ જ વીતશે ? ક્યારેય પોતાના અરમાનો પૂરા નહીં થઈ શકે ? કાયમ આમ અભાવોની વચ્ચે જ જીવવાનું નસીબ હશે ? આ બધાની પાછ્ળ કોણ જવાબદાર..?’

અને મુનિતાને પોતાના દરેક અભાવો પાછળ સુકેતુ જ જવાબદાર લાગતો. એ પૂરતા પૈસા કમાતો હોત તો આજે એની આવી હાલત તો ના હોત ને. ‘એની પાસે શું શું વસ્તુઓ નથી-શેનો અભાવ છે ‘ના વિચારોનું વંટોળ મગજમાં ઘૂમરાવા લાગ્યું, ચિત્તનો કબ્જો લેવા લાગ્યું. સૌ પૈસાને માન આપે છે એટલે કાયમ પોતાને બધા સંબંધોમાં નીચું જોવાનો વારો આવે છે. હવે તો કોઇના ઘરે જવાનું ય મન નથી થતું.આ અભાવોમાં મારું વર્તમાન તો ઠીક પણ મારા સંતાનોનું વર્તમાન અને ભાવિ ય બળીને ખાખ થઈ જાય છે’

ત્યાં તો ફોનની ઘંટડી વાગી અને જોયું તો માનસીભાભી..લગ્નને લગતી જ કોઇ વાત હશે વિચારતા મુનિતાએ ફોન ઉપાડયો,

‘હાય મુનિ, શોપિંગ પતી ગયું કે ?’

‘હા, ભાભી આમ તો એવું જ કહેવાય.’

‘કેમ આમ બોલે મુનિ ? ‘આમ તો’ એટ્લે શું વળી ? ચોખ્ખું બોલ કંઈ તકલીફ છે કે ?’

‘ભાભી તમને તો ખબર જ સુકેતુની ટૂંકી આવક. આમાં વળી મારે શું શોપિંગના ઓરતા હોય ? ‘ અને મુનિતાની જીભ પરથી સુકેતુ માટેના મહેણાં ટૉણાનો વરસાદ વરસવા લાગ્યો.

‘મુનિ, તું સાવ પાગલ છે. આ એકની એક વાત સાંભળીને હવે તો હું ય થાકી.લગ્નના આટલા વર્ષ પછી ય તારામાંથી બચપણ નથી ગયું. સુકેતુકુમારે તને કદી કોઇ જ વ્યવહાર કરતા અટકાવી હોય કે કોઇ પણ વાતમાં દખલઅંદાજી કરી હોય એવું મારી જાણમાં નથી આવ્યું. નાનકાના ઘરના વાસ્તામાં અમે બધાએ પાંચસો રુપિયાનું કવર કરેલું અને તેં લાગણીમાં તણાઈને સોનાની ચેઇનનો વ્યવહાર કરેલો. એ વખતે સુકેતુભાઈએ એ વખતે હસીને, ‘તારા મનને સંતોષ થાય એમ કર એવું જ કંઇક કહેલું ને..?’ એ મને હજુ યાદ છે. સુકેતુભાઈ કાયમ પોતાની તંગીમાં કોઇ ને કોઇ રીતે વ્યવસ્થા કરીને દરેક જવાબદારી નિયત સમયે પૂરી કરી જ લે છે ને, કમાલના હિંમત ને ધીરજવાળા છે એ ! તું એના સ્ટ્રેસમેનેજમેન્ટમાં એને સાથ આપવાના બદલે એને આમ મહેણાં મારે છે…તેં કદી એમ વિચાર્યું કે એને તારા બે મીઠા બોલની જરુર હોય ત્યારે તું આમ કડવા બોલના ચાબખા મારે છે એની શું અસર થાય? તું પત્ની થઈને ય આમ કરીશ તો એ માણસ સાંત્વનાના બે બોલ સાંભળવા ક્યાં જશે ? વળી તારું સુંદર મજાનું ત્રણ રુમ રસોડાનું પોતાનું ઘર છે, છોકરાંઓ સારી સ્કુલમાં ભણે છે, તમે ‘હુતો હુતી’ બેયનું શારિરીક, માનસિક સ્વાસ્થ્ય પણ સરસ છે. બેલેન્સડ મગજવાળો, પ્રામાણિક સ્વભાવનો અને મીઠો પ્રેમનો છાંયો આપતો ઘરવાળો હોય આનાથી વધુ સારા ભાગ્ય તો શું હોય ? આપણી અપેક્ષાઓનો કોઇ અંત જ નથી હોતો. આપણી પાસે ‘શું નથી’ કરતાં ‘શું છે’નું લિસ્ટ બનાવવાનું વધુ હિતકારી છે મુનિ. આમ કાલ્પનિક અભાવોના જંગલમાં તારી લીલીછમ્મ સંસારની વાડીને આગ ના લગાડ પ્લીઝ.’

મુનિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એક પછી એક અનેકો પ્રસંગોનું રીલ ફરીથી એની નજર સામે ઘૂમવા લાગ્યું. આ વખતે એણે હકારાત્મકતા, સમજણ અને પ્રેમનો દ્રષ્ટીકોણ અપનાવ્યો હોવાથી દરેકે દરેક સ્થિતીમાં એને સુકેતુની હિંમત, સમજદારી,પ્રેમ અને ધીરજનો સૂર્ય જ તપતો દેખાયો અને એ પોતાની અણસમજ પર રડી પડી ને ચૂપચાપ ફોન મૂકી દીધો.

અનબીટેબલ ઃ સમજણની નજર કમજોર હોય ત્યારે પ્રેમના ચશ્મા યોગ્ય પરિણામ આપે છે.

-sneha patel

સપનાનો રાજકુમાર


phoolchhab newspaper > navrash ni pal column > 1-10-2014

listen

આ બધા તારા બળાપા વ્યર્થ છે,

કાચ જેવું પણ કશું તૂટ્યું નથી !

રાકેશ હાંસલિયા

‘કોયલ, તમારી કુંડલી તો અતિશ્રેષ્ઠ છે. તમારી સાસરી ખૂબ પૈસાવાળી હશે વળી તમે તમારા સાસુ -સસરાના લાડકા વહુ બનશો. બધા તમને હાથમાં ને હાથમાં રાખશે.’

‘ સાસુ સસરા તો ઠીક પણ મારા સપનાના રાજકુમાર વિશે પણ કંઈક કહો ને…એ કેવો હશે ?’ અને કોયલની કાજળમઢેલી આંખોમાં સપ્તરંગ વેરાઈ ગયા.

‘બેટા, તમારી કુંડળીના સપ્તમ ભાવમાં વૃષભ રાશિ સ્થિત છે એટલે તમને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થઇ શકે છે. આવી રાશિવાળાનો જીવનસાથી મધુરભાષી અને પત્નીની વાત ધીરજથી સાંભળીને એને માનવા વાળો હોય છે. ‘

અને નયનના સપ્તરંગમાંથી એક રંગ હળ્વેથી કોયલના લીસા ગોરા ગાલ પર ઢોળાઈ ગયો.

વીસવર્ષની ઉંચી કદકાઠી અને પતલો બાંધો ધરાવતી કોયલ અતિસુંદર અને સમજદારયુવતી હતી. સમજણી થઈ ત્યારથી એ પોતાના સપનાના રાજકુમાર અંગે જાતજાતના ખયાલીપુલાવો રાંધતી રહેતી. બાહ્ય દેખાવ અંગે થોડી બાંધ છોડ કરવા માટે કોયલ તૈયાર હતી પણ એક વાત એવી હતી કે જેમાં એની સહેજ પણ બાંધછોડ કરવાની તૈયારી નહતી . એ રાજકુમાર એની દરેક વાત ધીરજપૂર્વક સાંભળનારો, એને સમજનારો હોવો જોઇએ તો જ લગ્ન કરવા, આવો યુવાન ના મળે તો આખી જિંદગી કુંવારી રહેવાની ય એની તૈયારી હતી.

બે દિવસ અગાઉ સવારે એના મમ્મી ઉષાબેન સાથે બેસીને એમનું કબાટ સરખું કરતી હતી અને ત્યાં એમના કબાટના ડ્રોઅર ખેંચતા જ એના હાથમાં પોતાની જન્મકુંડળી આવી ગઈ હતી અને અત્યારે એ પંડિત જાણે એના મનની જ વાત બોલી રહ્યાં હતાં ને કોયલનું રૂંવેરૂંવું રોમાંચિત થઈ ગયું હતું.

થોડો સમય વ્યતીત થયો અને કોયલના મમ્મી પપ્પાએ યોગ્ય મુરતિયો ને ખાનદાન જોઇને કોયલને કવન સાથે પરણાવી દીધી. કોયલને પણ બે મહિનાની વીસ પચીસ મુલાકાત દરમ્યાન કવન પોતાના સપનાના રાજકુમારની પ્રતિકૃતિ જ લાગ્યો. સમયને વીતતા વાર નથી લાગતી અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા અને એમના ઘરમાં એક રુપાળી ઢીંગલીનો ઉમેરો થયો. કવનને પોતાની વધતી જવાબદારીઓનું પૂરું ધ્યાન હતું એ પણ કાળામાથાનો માનવી હતો આખરે ! બાપદાદાના વખતથી ચાલ્યા આવતાં ધંધામાં એ હવે ઉંડે ઉતરતો ચાલ્યો પરિણામે એમના લગ્નજીવનમાં સમયની ખેંચ અનુભવાવા લાગી. જો કે અટેન્શન ઓછું થયું હતું , પ્રેમ નહીં. પણ કોયલને તો એની આખી દુનિયા જ બદલાઈ ગયેલી લાગતી હતી. એનો સપનાનો રાજકુમાર હીન્દી પિકચરોના વિલનમાં પરિવર્તીત થઈ રહેલો અનુભવતી હતી. એની નાની નાની વાત સાંભળવાનું કવન માટે શક્ય નહતું. મહિનાના વીસ દિવસ જે બહારગામ હોય એની પાસેથી શું આશા રાખવી અને દિવસે દિવસે ઉદાસીનો અજગર કોયલને ભરડો લેવા લાગ્યો.એનું શરીર સાવ નંખાઈ ગયું, ચહેરાની ચમક ઓછી થવા લાગી, આંખો નીચે કુંડાળા થઈ ગયા, સદા હસતા રમતા રહેતા નાજુક સ્મિતે એના ગુલાબી હોઠથી જાણે નાતો તોડી કાઢેલો..કીટ્ટા કરી નાંખી હતી. કોયલનો આ ફેરફાર એના મમ્મી ઉષાબેનથી જોયો ના ગયો અને એમણે કોયલને શાંતિથી પૂછતાં જ કોયલ પોતાનો ઉભરો ઠાલવી બેઠી.

‘મમ્મી, કવન મને હવે પહેલાં જેવો પ્રેમ નથી કરતો.’

‘કેમ આવું બોલે બેટા ? મને તો કવનકુમાર હજુ એવા ને એવા ઉર્મિશીલ જ લાગે છે. ઉલ્ટાના પહેલાં કરતાં વધુ ઠરેલ ને સમજુ થયા છે. મારી તો આંખ ઠરે છે એમને જોઇને.’

‘મમ્મી, એમની પાસે મારી વાતો સાંભળવાનો સહેજ પણ સમય નથી.એ મને સહેજ પણ અટેન્શન જ નથી આપતાં. બે દિવસ પહેલાં જ એ બોમ્બે ગયેલાં. મેં ત્યાંથી ઢીંગલી માટે થોડા કપડાંનું શોપિંગ કરવા કહેલું તો ભૂલી ગયાં.બોલ, આવું થોડી ચાલે ?’

‘બેટા, આ તો નોર્મલ વાત છે. કવનકુમાર એક સાથે ચીન, યુકે, યુ એસ, ભારત એમ ચાર દેશમાં બિઝનેસ ફેલાવી રહ્યાં છે. કેટલી દોડાદોડ છે એ નથી જોતી તું ? વળી આ બધી મહેનત કોના માટે..તમારા લોકો માટે જ ને !’

‘મમ્મી તમારી વાત સાચી છે. પણ ધંધામાં પોતાની પત્નીની વાત સાંભળવાનો સમય જ ના રહે એ કેવી રીતે પોસાય ? બે રુપિયા ઓછા કમાશે તો ચાલશે પણ આમ મારાથી વાત કરવાનો સમય જ કપાતમાં જતો રહે એ ન ચાલે.લાખ વાતની એક વાત એ મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. પપ્પા હજુ આજની તારીખે પણ તમારી સાથે બેસીને કેટલી વાતો કરે છે, તમને કેટલા ધીરજપૂર્વક સાંભળે છે. ‘

‘મારી ભોળી દીકરી, તારી દરેક વાત સાંભળવાનો સમય એમની પાસે ના હોય એટલે એ તને પ્રેમ નથી કરતાં એવું અર્થઘટન થોડી કરાય ? જોકે પહેલાં તો ભૂલ મારી જ છે. તારા મનમાં જ્યારે તારા સપનાના રાજકુમાર વિશે રેખાચિત્ર દોરાતું હતું ત્યારે જ મારે તને રોકવાની હતી , સમજાવવાનું હતું કે , ‘બેટા, લગ્નજીવન એ તો બે આત્મા વચ્ચેનો જીવનભરનો સંબંધ કહેવાય.પ્રેમની કોઇ જ વ્યાખ્યાઓ ના હોય કે કોઇ પણ બે લગ્નજીવન પણ કદી સરખાં ના હોય એટલે એમાં કોઇની સાથે સરખામણી કરવી એ તો નર્યું ગાંડપણ જ.પ્રેમ એટલે તો નર્યો પ્રેમ જ .. આલેખી ન શકાય એવી લાગણી, જેમાં તમારે ભરપૂર વિશ્વાસ રેડવાનો હોય અને મનમાં ઉગી નીકળવા અપેક્ષાના જંગલમાં ધીરજ રાખીને દાવાનળથી બચાવવાનો હોય. કોઇ વ્યક્તિ તમને સાંભળે તો જ એને તમારા માટે પ્રેમ છે એવી વાત જ પાયાહીન છે. દરેક માનવીની પોતાની લિમિટેશન હોય જ એને સમજીને સહર્ષ સ્વીકારતા શીખવું એનું નામ પ્રેમ. કલ્પનાની અતિશયોક્તિ જ માનવીના લગ્નજીવનમાં ભંગાણ પડાવે છે. પ્રેમમાં પડવા માટે બહુ વિચારવાની જરુર નથી હોતી, ફક્ત એને ટકાવી રાખવા માટે થૉડા સહનશીલ થવાની જરુર હોય છે. બાકી કોઇ વ્યક્તિ તમારી અપેક્ષાની હદમાં પૂરાઈને તમને સાચો પ્રેમ કદી ના કરી શકે. પ્રેમ તો સ્વતંત્ર.અને વિશ્વાસથી સભર હોય તો જ સ્વસ્થ બને છે.’

અને કોયલ વિચારમાં પડી ગઈ. વાત એણે ધારી લીધી એવી તો સહેજ પણ નહતી. મમ્મી બરાબર કહી રહેલાં. કવન આજે પણ એનો ઘણો ખ્યાલ રાખે જ છે પણ એણે ખુદની અભિવ્યક્તિના વિશ્વમાંથી એ જોવા તરફ પ્રયાસ જ નહતો કર્યો.

અનબીટેબલ : જ્યાં સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.

વાત બદલાતા સ્થાનની


phoolchhab newspaper > Navrash ni pal column > 3-09-2014

 

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,

દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

– ગૌરાંગ ઠાકર.

 

મુદ્રાના મૃગનયની લોચનિયામાં આજ કાલ એક રુપાળું શમણું ઉછરી રહેલું – મા બનવાનું ! રોજ પોતાના ઉદરમાં પાંગરતા પોતાના શિશુને કોમળ હાથે પંપાળતી, કલાકોના કલાકો એની સાથે વાતો કરતી, આંખ બંધ કરીને એકધ્યાન થઈ જતી ! એક – એક દિવસ એક – એક યુગ જેવડો વીતતો હતો.પ્રતીક્ષાનો રસ્તો ધીરજ ખોવડાવી દે એવો કઠોર લાગતો હતો.રોજ ભગવાનને એ આ દિવસો જલ્દી વીતી જાય એવી પ્રાર્થના કરતી રહેતી અને એક દિવસ મુદ્રાના આંગણે ભગવાનની મહેરબાનીની વર્ષા થઈ અને જળમાં ઉછરેલ પોયણી જેવી નાજુક દીકરી શ્રેયાનો જન્મ થયો. શમણાંની – લોચનની ઉર્મિ હવે એના ખોળામાં એના હાથમાં આવીને વસી ગઈ ને મુદ્રા અને વિવેકનું જીવન બદલાઈ ગયું.

મુદ્રાનો આખો દિવસ શ્રેયા પાછળ જ વીતતો. શ્રેયુ આમ .. શ્રેયુ તેમ..એના માટે આ લાવવાનું છે..એને ફલાણું ખવડાવવાનું…ઢીંકણું પહેરાવવાનું..હાથ પકડીને પા પા પગલી પાડતાં શીખવવાનું , બા…બા…બા થી આગળ વધીને પપ્પા…દાદા…મમ્મા બોલતા શીખવવાનું, લીકવીડમાંથી સેમીલીકવીડ અને સેમીમાંથી સોલિડ ખોરાક ખાતા શીખવાડવાનું..એ પછી ભણવાનું, દોસ્તો બનાવતા, ડાન્સ, મ્યુઝિક, ઇમોશન્સ મેનેજમેન્ટ શીખવવાનું…અને શીખતાં શીખતાં મુદ્રા અને વિવેકની લાડલી આજે ૧૮ વર્ષની થઈ ગઈ હતી. આજે ઘરે એની બર્થડે પાર્ટી રાખી હતી.મુદ્રા અને વિવેક પોતાના નાજુક – સુંદર સર્જનને સસ્નેહ નિહાળી રહ્યાં હતાં ત્યાં જ શ્રેયા એમની પાસે આવી અને બોલી,

‘ડેડી, મેં અઠવાડીઆ પહેલાં બર્થ-ડે કેકનો ઓનલાઈન ઓર્ડર આપેલો એની ડીલીવરી અત્યારે થઈ જવી જોઇએ પણ હજુ સુધી આવી નથી. પ્લીઝ તમે ટ્રેકિંગ નંબર પરથી નેટ પર ચેક કરી લેશો ? હું દરજીને ત્યાંથી મારો ડ્રેસ લઈ આવું. ‘

‘બેટા, મારે ઓફિસનું કામ બાકી છે એ પાર્ટી ચાલુ થાય ત્યાં સુધીમાં પતાવી દઉં. તું મમ્મીને કહી દે એ ચેક કરી દેશે.’

‘મમ્મી ! શું પપ્પા તમે પણ… આ બધી બાબતમાં મમ્મી તો સાવ ‘ઢ’ છે.’

‘શ્રેયા, બેટા એક કામ કર. તું મને સમજાવી દે હું શીખી લઈશ ને તમે બે જણ આવો ત્યાં સુધીમાં કામ પતાવી દઈશ.’

મુદ્રા બોલી.

અને શ્રેયાનો પિત્તો ગયો.

‘મમ્મી, રહેવા દે ને. તું શું શીખવાની ? મેં હજારો વખત કહ્યું કે ડેડીએ લેટેસ્ટ સ્માર્ટફોન અપાવ્યો છે તો એ પ્રોપર વાપરતાં શીખી જા. આ ટેકનોલોજી દ્વારા આજનું જગત કેટલું નાનું ને સરળ થઈ ગયું છે, ઘરે બેઠા શોપિંગ થાય તો તને એમાં ય વાંધો…ના દુકાનમાંથી ખરીદી કરવા જેવી મજા એમાં ના આવે ! ટચ ફોન ઓપરેટ કરતાં નથી ફાવતું…ગમે ત્યારે કોઇને પણ એની જાતે ફોન લાગી જાય છે એટલે ફોન વાપરવો જ નથી અને તારો ફોન જ્યારે હોય ત્યારે સાઇલન્ટ મોડ પર જ મળે..પૂછીએ કે કેમનો સાયલન્ટ થઈ ગયો તો જવાબ મળે કે શી ખબર…એની જાતે થઈ ગયો હશે. બોલો, ફોન કદી જાતે સાયલન્ટ થાય કે !’

‘અરે પણ અત્યારે તું સમજાવ તો ખરી બેટા, હું શીખીને તારું કામ કરી દઈશ કહ્યું તો ખરું. મારે જરુર નથી પડતી તો હું આ બધી જંજાળોમાં નથી પડતી. પણ જરુર હોય તો હું દુનિયામાં કોઇ પણ વસ્તુ શીખી શકું છું યુ નો .’

‘મમ્મી, ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી. તું તારે રસોડામાં જઈને મારા માટે એક કપ કડક ને મસાલાવાળી ચા બનાવી લાવ, હું મારું કામ મારી જાતે જ કરી લઈશ. તને શીખવવામાં ક્યાં માથાપચ્ચી કરું ? જે ફોનમાં નંબર સેવ કેવી રીતે કરવો કે વોલપેપર કેવી રીતે ચેઇન્જ કરવું એના માટે મારી સાથે માથું દુખાડે છે એને હું એપ્લીકેશન્સ વાપરતા શીખવાડવા બેસું ! મારા તે ભોગ લાગ્યાં છે કે શું ?’

શ્રેયાનો આ મિજાજ અને વ્યવહાર જોઇને વિવેક અને મુદ્રા બે પળ સ્તબ્ધ રહી ગયા.

‘શ્રેયુ બેટા, તને આ જ મા એ જન્મ આપ્યો છે એ વાતની ખબર છે ને ?’

‘શું પપ્પા તમે પણ ?’

‘ઓકે. જન્મ આપ્યાં પછી શું, કેવી રીતે ખાવું, ચાલવું, જીવવું બધું ય આ જ બુધ્ધિ વગરની મમ્મીએ પૂરી ધીરજથી શીખવ્યું છે એ વાત પર કદી વિચાર કર્યો છે ? માન્યું કે મુદ્રાને ફોન – લેપટોપ બધું નથી ગમતું પણ એ મૂર્ખ નથી. એના સમયમાં એ રેન્કર રહી ચૂકી છે અને રસોઈ, ડ્રેસિંગ, વ્યવહારકુશળતામાં પણ તારી મા નંબર વન છે.એને કોઇ પણ વસ્તુ શીખતા સહેજ પણ વાર નથી લાગતી. અત્યાર સુધી એણે ફોન વાપરવામાં રસ જ નહતો લીધો એટલે આ બધી વાતોથી અજાણ છે પણ એ ધારે તો એને શીખી લેતા ખાસ સમય ના લાગે બેટા.’

‘પપ્પા, મમ્મીનું કામ નહીં તમે રહેવા દ્યો ને.’

‘શ્રેયુ, તું જ્યારે નાની હતી ને સોફા, પલંગ પકડી પકડીને માંડ ઉભી થતાં શીખતી હતી ત્યારે તારી આ મા એ એમ વિચારી લીધું હોત કે જવા દો..જે માંડ ઉભી રહી શકે છે એ ચાલતા ક્યાં શીખી શકવાની તો ? પણ ના, એણે એમ ના વિચાર્યું ને તારી પાછળ સતત ધીરજ રાખીને પ્રેમ ઢોળીને ચૂપચાપ મહેનત કરતી જ રહી.આ જ મા એ તને ચાલતા નહી દોડતાં, ડાન્સ કરતાં પણ શીખવ્યું ને આજે તો…તો…તું હવામાં જ ઉડે છે બેટા..’

‘પપ્પા, એવું નથી પણ…’

અને શ્રેયાની કાજળ મઢેલી આંખમાં બે આંસુના મોતી ચમકી ઉઠ્યાં. પપ્પાની વાત સાચી હતી. મુદ્રા દરેક વાતે હોંશિયાર હતી. એને કોઇ જ વાત શીખવામાં સહેજ પણ સમય ના જતો. સમાજ આખા ય માં એની વ્યવહારદક્ષતાના વખાણ થતાં હતા ને એ જ સ્માર્ટ મા ને પોતે સાવ આમ ગમાર સમજી બેઠી હતી એનો પારાવાર અફસોસ થતો હતો. પળનો ય સમય વીતાવ્યા વિના શ્રેયાએ પોતાની ભૂલ સુધારવા તરફ પહેલું કદમ માંડ્યું અને ફોનનું સ્ક્રીનલોક ખોલીને એણે મુદ્રાને એપ્લીકેશન્સ સમજાવવાનું ચાલુ કર્યું.

અનબીટેબલ ઃ દરેક બદલાતા સ્થાન સાથે માનવીએ પણ બદલાવું પડે છે અને આ પ્રક્રિયા અંતહીન છે.

ઉજળિયાત


 

Phoolchhab newspaper > 19-06-2014 > Navrash ni pal column evolution-of-change-management

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું,મહા હેતવાળી દયાળી જ મા તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી .
પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું !

-દલપતરામ

 

શીયાનું અત્યાધુનિક ઘર અત્યારે ૪૬ ડીગ્રીની ગરમીમાં એસીની ઘરઘરાટીથી ગૂંજી રહ્યું હતું. શીયાને એના ઘરમાં સિમ્પલ પણ રીચ લૂક જોઇતો હતો. એણે એના ઘરમાં માર્બલ અને વુડની મદદથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બીનેશનથી પોતાની આ ઇચ્છા સંતોષજનક રીતે પૂર્ણ કરી હતી. એના ઈન્ટીરીઅર ડેકોરેટરે ઘરમાં માર્બલની સિમ્પલીસીટી સાથે વુડન પેનલિંગથી રીચ લૂક આપ્યો હતો. સાદગીની સફેદાઈ અને વુડનનો બ્રાઉન કલર આખા ઘરને એક અલગ જ ચાર્મ આપતું હતું. શીયાને વાંચનનો ખૂબ શોખ હતો. ચોરસ કે લંબ ચોરસ ફ્રેમના બદલે જગ્યા અનુસાર બુકસના પેઇન્ટીંગ કટીંગ કરીને લગાવેલાં. ઘર અદભુત રીતે સુંદર અને સૌમ્ય લાગતું હતું.

શીયા સ્વભાવે પણ એવી જ હતી. પહેરવેશ, બોલ ચાલમાં અત્યાધુનિક પણ ભારતીય સ્ત્રીની મર્યાદા, સંકોચશીલ સ્વભાવ, નાજુકાઈ એનામાં ભારોભાર ભરેલી હતી. ટીવીનું રીમોટ હાથમાં લઈને હજુ તો એ પોતાનો મનપસંદ પ્રોગ્રામ જોતી હતી અને એના ટીનેજરી દીકરા આશિષે આવીને ફ..ટ…ટા..ક દઈને ચેનલ બદલી કાઢી. નોર્મલી તો શીયા આશિષને બહુ ટોકતી નહીં. બને ત્યાં સુધી એ ધીરજ રાખી અને આશિષને સોફ્ટ રીતે પોતાની વાત સમજાવતી પણ આજે એ બહુ કંટાળેલી હતી અને એને માઈન્ડ ડાયવર્ટ કરવા થોડી વાર ટીવી જોવું હતું. ધારત તો એ પોતાના બેડરુમમાં પણ ટીવી જોઇ શકત, મોબાઈલમાં ગેમ પણ રમી શકત, લેપટોપમાં મનપસંદ સાઈટ્સ સર્ફ કરી શકત, વીડીઓસ જોઇ શકત….પણ ના, આશિષે જે વ્યવહાર કર્યો એ શીયાને થોડો ઇન્સલટીંગ લાગ્યો.

‘આશુ, આ શું ? આમ બ્લન્ટલી ચેનલ કેમ બદલી કાઢી ? મારે ડીસ્કવરીનો આ પ્રોગ્રામ જોવો છે. રીમોટ લાવ.’

‘હે ય..ચીલ મોમ. આ શું પ્રાણીઓ અને કુદરતની વાતો જોયા કરો છે ? મારી ડબ્લ્યુ ડબ્લ્યુ એફની મેચ આવે છે એ જોવા દો.’

‘આશુ, મમ્મી સાથે વાત કરવાની આ રીત છે ? અમે તમારી ઉંમરના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા સામે એક અક્ષર પણ ઉંચા અવાજે નહતાં બોલી શકતાં. અમે તમને ફ્રીડમ -સ્પેસ આપીએ એનો મતલબ એમ નહીં કે તમારે મનમાની કરતાં શીખવાનું’

‘મોમ પ્લીઝ, તમારો જમાનો અલગ હતો અને આ અલગ છે. આવી જૂનવાણી વાતો થકી આપણી બે ય પેઢી વચ્ચેનું અંતર ઘટાડવાના બદલે તમે વધારો છો. અત્યારે તો મા બાપ પોતાના સંતાનોના મિત્ર બનીને રહે છે જ્યારે તમે આ નક્કામી વાતો…હુમ્મ્મ..’ આશિષે નારાજગીનો એક સૂર કાઢ્યો.

‘આશિષ, તું સૌપ્રથમ મારું સંતાન છે એ પછી મિત્ર…અમારા જમાનામાં તો…’

‘મોમ પ્લીઝ…અમારા જમાનામાં તો આમ ને તેમ ના કર્યા કરો. તમારો જમાનો આટલો એડવાન્સ નહતો તો અમારો પ્રોબ્લેમ નથી. આમ નાની નાની વાતોને મોટું સ્વરુપ ના આપો. જમાનાની સાથે બદલાતા શીખો.’

અને આઘાતની મારી શીયા બે પળ સૂન્ન થઈ ગઈ. દીકરાને મિત્ર માન્યો હતો પણ એથી દીકરો થોડો મટી જતો હતો. જ્યાં જરુર પડે ત્યાં સલાહ તો આપવી જ પડે અને આશિષે એ સલાહનું માન રાખતાં શીખવું જ જોઇએ. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઇએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ?

‘આશિષ, પરિવર્તન ઇચ્છનીય છે બેટા પણ દરેક પરિવર્તન સારા જ હોય એવું જરુરી નથી. પરિવર્તનના નામે આંધળૂકીયા ના કરાય. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક સુંદર વાતો છે, રિવાજો છે જેનાથી આપણે ઉજળિયાત છીએ. પરિવર્તનના નામે એ બધા સામે આંખ આડા કાન કરીને મનસ્વી વર્તન કરવું એ સહેજ પણ હિતાવહ નથી. નવા અને જૂના જમાનામાંથી જે સારી વાતો હોય એટલી વીણી લેવાની અને બાકીની વાતો ઘઉંના કાંકરાની જેમ જીવનમાંથી ફેંકી દેવાની. ગમે એટલો તેજીલો ઘોડો હોય પણ એના મોઢામાં નકેલ જોવા મળશે જ. બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઇ્ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જ…’

અને શીયાની આંખમાં આંસુ ધસી આવ્યાં , આગળ કશું ના બોલી શકી.

મા ની આંખમાં આંસુ જોઇને આશિષ પીગળી ગયો આખરે એનામાં પણ ઉંડે ઉંડે શીયા જેવી મમતાળુ મા ના અંશ ધબકતા હતાં.’સોરી મમ્મા’ બોલીને આગળ વધીને એણે શીયાને પોતાની બાહુમાં સમાવી લીધી.

અનબીટેબલ : પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.

કળિયુગનો યુધિષ્ઠિર


phoolchhab newspaper > 14-05-2014 > navrash ni pal

हर तरफ़ अपने को बिखरा पाओगे,
आईनों को तोड के पछताओगे।

रूह की दीवार केगिरने के बाद,
बेबदन हो जाओगे, मर जाओगे।

– शहरयार।

 

અણગમતા વિચારોનું વાવાઝોડું લક્ષ્યના મગજ પર કબ્જો જમાવવા લાગ્યું, લમણાંની નસો તંગ થવા લગી, બે ભ્રમરની વચ્ચે સાં..ય..સાં..ય જેવું કંઇક લબકારા મારતું હોય એવો અનુભવ થવા લાગ્યો, પેટમાં અકળામણનો ગોળો વળવા લાગ્યો, હ્ર્દયના ધબકારા એનો તાલ મેલ ચૂકી ગયા અને લક્ષ્યને એ પોતાના કાનમાં પડઘાવા લાગ્યાં. બે હાથે માથું પકડીને લક્ષ્ય પથારીમાંથી ઉભો થઈ ગયો અને ઘરની બધી બારી -બારણાં ખોલી કાઢ્યાં. ગેલેરીમાં મૂકેલ કુંડામાં રહેલ ‘એક્ઝોરા’ના ગુલાબી નાના – નાના ફૂલોના ઝુમખાંને હાથથી સ્પર્શ કરવા લાગ્યો. બે પળ ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો અને પછી એને પોતાના યોગાટીચરની વાત યાદ આવી અને એ તરત કપડાં બદલી ગેલેરીમાં યોગામેટ પાથરી અને પદ્માસનમાં બેસી ગયો. તર્જની અને અંગૂઠાને મેળવીને જ્ઞાનમુદ્રા બનાવી અને ડીપબ્રીધીંગ કરવા લાગ્યો. મગજના બધા નેગેટીવ વિચારોને ધક્કો મારીને , આદેશો આપી આપીને બહાર કાઢીને પોઝીટીવીટી માટે જગ્યા કરવા લાગ્યો. પાંચ દસ મિનીટ આમ જ વીતી અને લક્ષ્યના તંગ ભવા નોર્મલ થયા, શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ થવા લાગી અને ડોરબેલ વાગ્યો,

‘ડીંગડોંગ..’

માંડ મગજ ઠેકાણે આવતું હતું અને ત્યાં આ ડીસ્ટબન્સ ! થોડી અણગમાની લાગણી સાથે પદ્માસન છોડીને લક્ષ્ય ઉભો થયો અને દરવાજો ખોલ્યો તો સામે એની રુપરુપના અંબાર સમી પત્ની કોમલ ઓફિસેથી આવી હતી. કોમલના રુપની ઝાળ લાગી હોય અને દાઝી ગયો હોય એમ લક્ષ્યના દિલમાં એક તીખો લસરકો વાગ્યો અને પાછું એનું મગજ ડીસ્ટર્બ થવા લાગ્યું. કોમલના સુમધુર સ્મિતનો કોઇ જ રીપ્લાય આપ્યા વગર એનાથી ભાગી છૂટવાના પ્રયત્નમાં એ ફરીથી ગેલેરીમાં જઈને યોગા કરવા બેસી ગયો.

છેલ્લાં મહિનાથી એના વિચિત્ર વર્તનથી કોમલ અકળાઈ ગઈ હતી, ઘરમાં ચાલી રહેલી ફાઇનાન્સિયલ તંગીનો એને પણ ખ્યાલ હતો પણ આમ હિંમત હારી જવાથી શું વળવાનું ? આ સ્થિતી માટે એ તો જવાબદાર નહતી તો આવું રુખુ વર્તન ! બે બે સંતાનોની અને ઘરડાં મા બાપની જવાબદારી લઈને બેઠા હતાં, આમ પાણીમાં બેસી જવાથી થોડું ચાલવાનું ? કંઈક તો રસ્તો શોધવો જ પડશે ને..જોકે લક્ષ્યનું મગજ ઠેકાણે ના હોય ત્યારે એની સાથે ચર્ચા કરવાથી વાત ઓર બગડી જતી એનો કોમલને ખ્યાલ હતો એથી કોમલ પર્સ મૂકીને ફ્રેશ થઈને કોફી બનાવવા લાગી. કોફી બનાવતાં બનાવતાં એણે એની અને લક્ષ્યની કોમન ફ્રેન્ડ કામ્યાને ફોન કરીને ઘરે બોલાવી. કામ્યા અને લક્ષ્યને બહુ સારું બનતું. ઘણીવાર લક્ષ્ય કોમલને સાથે વાત શેર ના કરે પણ કામ્યાને અચૂક કરે. એની કંપનીમાં વાતાવરણ થૉડું હળ્વું બનશે અને સ્માર્ટ , ઇન્ટેલીજન્ટ અને હિતચિંતક કામ્યાને મુશ્કેલી કહેવાથી કદાચ કોઇ રસ્તો પણ મળી આવે..

કોફીની મસ્ત સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી અને ઘરના દરવાજે કામ્યા ટપકી,

‘હાય…’

એને જોઇને જ લક્ષ્ય અડધો ફ્રેશ થઈ ગયો. તરત જ એ રુમમાં જઈ કપડાં બદલીને ડાઇનિંગ ટેબલ પર આવીને બેયની સાથે કોફી પીવામાં જોડાઈ ગયો. કોમલે ફોન પર કામ્યાને પોતાની મુશ્કેલી અને લક્ષ્યના મૂડની બધી વાત કરી જ દીધેલી. ધીમે રહીને કોમલ બાથ લેવાની ઇચ્છા પ્રદર્શિત કરીને ત્યાંથી ખસી ગઈ અને એ બે ય ને એકાંત આપી દીધું.

‘લક્ષ્ય, કેમ આજ કાલ મૂડ ડાઉન ડાઉન ?’

‘અરે ના..એવું કંઈ નથી કામ્યા, જરા આર્થિક તંગી..મોંઘવારી વધતી જાય છે ને ખર્ચા છે કે પાર નથી આવતો..’

‘હોય હવે લક્ષ્ય..આવું તો ચાલ્યા કરે..જિંદગી છે. પણ એમાં તું કોમલ પર કેમ ગુસ્સે થાય છે ?’ કામ્યા સીધી મુદ્દા પર જ આવી ગઈ અને લક્ષ્ય બે ઘડી થોથવાઈ ગયો.

‘ના…ના કામ્યા, એવું કયાં છે ? આ તો થોડો અકળાયેલ હોવું એટલે કોમલને એવું લાગતું હશે, બાકી હું એને કેટલો પ્રેમ કરું છું એ તારાથી વધુ ક્યાં કોઇ જાણે ?’

‘લક્ષ્ય, હું તમને બે ય ને કોલેજકાળથી ઓળખું છું. છેલ્લાં ઘણાં વખતથી કોમલ મને તારા વર્તન વિશે કહેતી હતી અને એ પછી મેં ધ્યાનથી જોતાં મને પણ તારું વર્તન એના તરફ બદલાયેલું લાગ્યું.કંઈક તો ચોક્કસ છે જેનાથી તું કોમલ પ્રત્યે નારાજ છું. મારાથી શું છુપાવવાનું ?’

અને કામ્યાની વાતોથી લક્ષ્ય તૂટી ગયો અને એના દિલમાં દુઃખતી વાત એનાથી બોલાઈ ગઈ,

‘કામ્યા, કોમલ બહુ જ રુપાળી છે એ તો તને ખ્યાલ છે જ…’

‘હાસ્તો, કાગડો દહીંથરું લઈ ગ્યો..બીજું શું..?’ વાતને થોડી હળ્વી કરવાના હેતુથી કામ્યા બોલી પણ લક્ષ્યે એ વાત સીરીઅસલી લીધી.

‘હા કામ્યા, એવું જ..’

‘મતલબ..તું કહેવા શું માંગે છે એ ચોક્ખે ચોક્ખું બોલ ‘ વાતમાં કંઇક અજાણી જ ગંધ વરતાતા કામ્યા ચમકી.

‘જો કામ્યા, અમારી આર્થિક તંગી વિશે તો તું જાણે જ છે. વાત એમ છે કે છેલ્લી ઓફિસની પાર્ટીમાં મારા બોસે કોમલને જોયેલી. એને એ સમયથી કોમલ બહુ ગમી ગયેલી. મારી હાલતની ખબર પડતાં એણે મને આડકતરી રીતે પ્રમોશનના બદ્લામાં કોમલ….’

અને લક્ષ્ય વાક્ય પૂરું ના કરી શક્યો. પોતાના વિચારોની ગંદકીમાં એ પોતાની જાતને શ્વાસહીન મહેસૂસ કરવા લાગ્યો અને અપરાધભાવથી છલકાતી આંખો કામ્યાથી બચાવવા લાગ્યો. પોતાના પ્રિય મિત્રની વાત સાંભળીને કામ્યા બે પળ હક્કી બક્કી રહી ગઈ એને પોતાના કાન પર વિશ્વાસ જ ના બેઠો. આઘાતમાંથી થોડી કળ વળતાં એણે જાતને સંભાળી અને બોલી,

‘તો…તું શું વિચારે છે મારા કળિયુગના યુધિષ્ઠિર ?’

‘હું..હું…તો કંઈ નહી..કામ્યા, હમણાં જ પેલી સની નામની એકટ્રેસ એક પાર્ટીમાં આવીને ડાન્સ કરીને માતબર રકમ કમાઈ ગઈ એ સમાચાર ખ્યાલ છે ? એ વખતે મને એમ થયું કે એમાં શું ખોટું ? થોડાં કલાકોના આટલા બધા પૈસા ? આખી જિંદગી પરસેવો પાડીએ તો આનાથી અડધા ય ભેગા ના થાય ! વળી ભગવાને રુપ આપ્યું છે તો એનો ઉપયોગ કરીને પૈસા કમાઈ જ શકાય ને ? આજના જમાનામાં તો રુપિયા ક્યાં આવે છે ને ક્યાં જાય છે સમજાતું જ નથી સાલ્લ્લું…મજૂરી,ઇમાનદારી, ચારિત્ર્ય..ઉફ્ફ…આ બધાથી ઘર નથી ચાલતાં .. આવા સમયે આપણને આવી કોઇ પ્રપોઝલ મળે તો એકાદ વાર સ્વીકારી લેવામાં શું ખોટું ? અમે પુરુષો તો આમ પણ ના કરી શકીએ નહીં તો હું એક પળ પણ ના વિચારું…કોણ કહે છે કે સ્ત્રીઓ પુરુષોથી ઓછી છે…ઉલ્ટાનું એમને તો આ ગોડગિફ્ટ છે, ભગવાન તરફથી મળેલ બેરર ચેક છે.. ભગવાને કોમલને આટલું રુપ આપ્યું છે તો એક વાર…આપણે ક્યાં આખી જીંદગી આવું કરવું છે ? આ હતાશા, હાડમારીમાંથી થોડી હાશ તો મળે આખરે !પણ મને ખબર છે કે કોમલ આ વાત નહીં જ સ્વીકારે..મેં આડકતરી રીતે એને એક બે વાર આની વાત કરેલી તો એ અકળાઈ ઉઠેલી અને અમારે મૉટો ઝગડો થઈ ગયેલો..’

‘લક્ષ્ય, તું મારો મિત્ર અને કોમલનો પતિ ના હોત તો આજે હું તને એક લાફ મારી દેત…આટલી નીચી કક્ષાનો વિચાર પણ તારા મગજમાં કેમનો આવ્યો ? તારા મગજમાં ચાલતા આવા વિચારોની બિચારી કોમલને તો ભનક સુધ્ધાં નથી. એને તો એમ કે તું હતાશામાં ડૂબેલો છે એથી તને છંછેડયા કરતાં આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધે છે. તને ખબર છે એ આજકાલ બે કલાક લેટ કેમ આવે છે ? એણે એક પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી છે જેથી ખર્ચાઓમાં થોડી રાહત રહે. ઘરનું કામ, સાસુ સસરાની સેવા,સંતાનોની જવાબદારી, ઓફિસનું કામ અને ઉપરથી આ પાર્ટ ટાઈમ નોકરી…તને એની હાલતનો અંદાજ પણ આવે છે ? બસ તારી હતાશાના રોદણાં રડ્યા કરે છે..તું તો પુરુષ છું કે શું ? મુશ્કેલીઓ સામે લડવાને બદલે આવી ગંદી વાતો..શી…ઇ…મને તારી દોસ્ત હોવા પર પણ શરમ આવે છે.તારા કરતાં તો કોમલ વધુ મજબૂત છે જેને પોતાના રુપનો અંદાજ છે,એનાથી એ શું શું આસાનીથી મેળવી શકે એમ છે એ પણ સમજે છે..પૈસા કમાવા એ એના માટે ડાબા હાથનો ખેલ છે એમ છતાં એ પૈસા કરતાં પોતાના સન્માનને વધુ માન આપે છે. સન્માનથી મળેલ રુખી સુખી રોટલી પણ એને મંજૂર છે. રુપને વેચીને પૈસા કમાવાના બદલે જાત ઘસીને મહેનત કરીને કમાયેલ પૈસો એને વધુ પસંદ છે.પ્લીઝ આવા ગંદા વિચારો તારા મગજમાંથી કાઢ લક્ષ્ય, આવા વિચારો રાખીને આખી જિંદગી પણ યોગ કરીશ તો પણ પોઝિટીવ વેવ્સ નહીં મળે, મળશે તો માત્ર ચોતરફથી ધિક્કાર .’

લક્ષ્યને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને ડૂસ્કે ને ડૂસ્કે રડી પડ્યો. બે ઘડીના સુખ માટે આખી જિંદગી કોમલની નફરત સહેવાનો સોદો બહુ મોંઘો હતો એ વાત એને સમજાઈ ગઈ.

‘કામ્યા, આ વાત આપણી બે ની વચ્ચે જ રાખજે પ્લીઝ…મને યુધિષ્ઠિર બનતાં બચાવી લીધો.’

અનબીટેબલ : ચારિત્ર્યથી ઘર નથી ચાલતાં પણ  સુખ – શાંતિથી જીવવા જરુરી  એવો આત્મસંતોષ જરુર બની રહે છે.

-સ્નેહા પટેલ.

ગાળ ઇન ફેશન !


phoolchhab newspaper > navrash ni pal column > 7-05-2014

અરે હાલ મારા તો એવા થયા છે

પરાયા પૂછે છે કે છે કે ગયા છે?

– ભરત ત્રિવેદી.

‘ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે

ભક્તજનો કે સંકટ ક્ષણમેં દૂર કરે ..’

સવારનો નવ વાગ્યાનો સમય હતો. ઘરના પૂજારૂમમાં આસન પર બેઠેલી આભાના છુટ્ટા કાળા અને ભીના વાળ એની પીઠ પર ફેલાયેલાં હતાં અને ભીંજાયેલ વાળમાંથી ટપ ટપ પાણીની બૂંદ એની સાડીમાં સરતી હતી. અમુક બુંદ એના લીસા ખભા ઉપર પડીને ત્યાં જ અટકી જતી અને ઝાકળની જેમ ઝળહળી ઉઠતી હતી. પૂજારુમ ચંદનની સુવાસથી મઘમઘી રહ્યો હતો. આરતીની થાળીમાં પ્રજ્વલી રહેલા દીપકની જ્યોત સાથે પવન રમત કરતો હતો અને એ ધીરેથી હાલક ડોલક થઈને પાછી પોતાની જગ્યાએ ગોઠવાઈ જઈને સ્થિર થઈ જતી હતી. મોગરાં -ગુલાબના રાતા-શ્વેત પુષ્પોથી આખો પૂજારુમ ખીલી ઉઠ્યો હતો અને સાથે નાજુક ઘંટડીની રણઝણ અને આભાની આ પ્રાર્થના – અલૌલિક વાતાવરણ હતું . આભા પોતાની જાત ભૂલીને પોતાના કાનુડાંની પૂજામાં વ્યસ્ત હતી ત્યાં જ એના કાને મોબાઈલની રીંગ સંભળાઈ.

‘આટલા વહેલાં કોણ હોય ? જે હોય એ ..જવા દે..નથી લેવો…મારી પૂજા ડિસ્ટર્બ નથી કરવી. પછી કોલબેક કરી લઈશ કરીને એણે પ્રાર્થના આગળ ચલાવી.

‘જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા

સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા … ઓમ જય

 

માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી

તુમ બિન ઓર ન દુજા, આશ કરું મૈં ….’

 

ફરીથી રીંગ વાગી. પુત્ર સુકેતુ કોલેજ અને પતિદેવ ઓફિસે ગયા હતાં. આભા ઘરમાં એકલી હતી. આખરે કંટાળીને એ ઉભી થઈને ડ્રોઈંગરુમમાં ગઈ અને ફોન જોયો તો સુકેતુનો ફોન હતો.

‘આ છોકરો..હજુ કલાક પહેલાં તો કોલેજ ગયો છે ને એટલામાં ફોન…? વળી અત્યારે તો એના ક્લાસીસ હોય તો ફોન કેમનો કરી શકે..શું એ ક્લાસમાં નહીં હોય?’

સેકંડના સો માં ભાગમાં આવા અનેકો પ્રશ્નો એના મનમાં આવી ગયા અને સ્કીનલોક ખોલ્યું,

‘હલો…સુકેતુ..બોલ દીકરા…હલો…હલો…’

સામેથી કોઇ જ જવાબ ના આવ્યો..કદાચ ભૂલમાં ફોન લાગી ગયો હશે. આભાનું નામ જ આલ્ફાબેટીકલી એવું હતું કે દરેકના ફોનમાં એ સૌથી પહેલું જ આવતું હતું અને ઘણીવાર એને આવા ફોનકોલ્સ આવતાં હતાં જે ભૂલથી લાગી ગયા હોય, આજે પણ એમ જ હશે વિચારીને એ ફોન કટ કરવા ગઈ ત્યાં એના કાને સુકેતુનો અવાજ અથડાયો,

‘અરે જવા દે ને, આજે તો મેથ્સના ક્લાસમાં દિમાગની વાટ લાગી ગઈ..સા…એ પ્રોફેસર સાવ બબૂચક જેવો છે…..એની મા ને ***** , એ ઘનચક્કરના લેકચર હું કાયમ છોડું છું , આજે તમે કોઇ જ દેખાતા નહતાં ને હું સાવ એકલો હતો તો એમ જ એના ક્લાસમાં બેસી ગયેલો. બહુ ભયંકર ભૂલ થઈ ગઈ મારાથી..મારી માની *****…..’

પોતાનું ફ્ર્સટ્રેશન કાઢવા માટે સુકેતુ જે બોલ્યો એ સાંભળીને આભાના હાથમાંથી ફોન છટકી ગયો. એક જ વાક્યમાં એણે પહેલાં એના પ્રોફેસરને ‘મા બેન’ની ગાળ આપી અને છેલ્લે એણે પોતાને…એની સગી મા ને ગાળ આપી !

આભાને આખો રુમ ગોળ ગોળ ફરતો દેખાયો અને ધબ…બ કરતી’ક ને એ સોફામાં ફસડાઈ પડી. એના ઉછેરમાં આવી તો ક્યાં ભૂલ થઈ ગઈ કે એનો દીકરો પોતાની સગી જનેતા વિશે જાહેરમાં આમ બોલે ?

આખો દિવસ બેચેનીમાં જ ગયો.

બપોરના બે વાગ્યે એનો સુપુત્ર કોલેજથી આવ્યો.

‘મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. જલ્દી જમવાનું પીરસી દે’

‘સુકેતુ, જમવાનું પછી પહેલાં તું તારો મોબાઈલ આપ.’

‘કેમ ?’

‘આપ કહ્યુ ને.’

અને સુકેતુએ અવાચક થઈને એનો મોબાઈલ આભાને આપ્યો. આભાએ એમાં પોતાને ડાયલ થઈ ગયેલો નંબર બતાવ્યો.

‘અરે એ તો મમ્મી તને એમ જ લાગી ગયેલો. ભૂલથી યુ નો..બાકી એ સમયે તો હું ક્લાસમાં…’

‘જુઠ્ઠું ના બોલ. મને ખબર છે કે તું એ સમયે તારા મિત્રો સાથે હતો..ક્લાસની બહાર અને તારી મા ને ગાળો દઈ રહેલો.’

કોઇ જ આડી અવળી વાત કર્યા વગર આભાએ છાતીમાં ભરાઈ ગયેલું અસહ્ય વજન એક સાથે શબ્દોમાં ઠાલવી દીધું. બે મીનીટમાં આખી વાત સમજી ગયેલ સ્માર્ટ કોલેજીયને પોતાની જાતને તરત જ સંભાળી લીધી.

‘ઓહો મમ્મી, એમાં એમ છે ને કે આજે મગજ ઠેકાણે નહતું. એટલે અકળામણમાં..’

‘અકળામણમાં પોતાની મા – સગી જનેતાને ગાળો ? અરે, બહારનો કોઇ બોલી જાય તો એને ય ઢીબી નાંખે, મરવા ને મારવા ઉપર આવી જાય એનું નામ સંતાન એના બદ્લે આજે ઉઠીને પોતાનું સંતાન જ પોતાની જનેતાને ગાળ…ઉફ્ફ…’

સુકેતુ થોડો થોથવાઈ ગયો, ક્યાં કાચું કપાયું એનો એને બરાબર ખ્યાલ આવી ગયો હતો. આમ તો ગાળો બોલવી, સાંભળવી એના માટે કોમન વાત હતી પણ આજે એ વાત એની ધર્મપારાયણ મમ્મીને ખબર પડી ગઈ હતી અને મમ્મી એ પચાવી નહતી શકતી. પણ ગાળો બોલવી ઈટ્સ નોટ અ બીગ ડીલ…એ તો બોલાઈ જાય..એમાં શું ? આ જનરેશન અમને નવી પેઢીને ક્યારે સમજશે ? અમારી તકલીફો, હરિફાઈઓ, ફ્સ્ટ્રેશન્સ આમને ઘરમાં બેસી રહેનારને શું સમજાશે ?

‘મૉમ – ચીલ ! આજના જમાનામાં ગાળો બોલવી એ તો એક ફેશન છે. ? બે વાક્યમાં એક પણ ગાળ ના બોલો તો આજના જમાનામાં તમે જૂનવાણી ગણાઓ, લોકો તમારી મજાક ઉડાવે પણ જવા દો ને…તમને આ બધી વાતોની શું ખબર પડે ? મારા હરિયાણવી અને પંજાબી મિત્રો તો કાનના કીડા ખરી પડે એવી ગાળો બોલે છે. અમુક મિત્રો દીકરીના નામની ગાળો આપે છે. જમાનો બદલાઈ રહયો છે મમ્મી. આટલી નાની શી બાબતમાં આવો મોટો હોબાળો ના કરો. એક તો કોલેજમાંથી થાકીને કંટાળીને ભૂખ્યાં તરસ્યાં આવ્યાં હોઈએ અને એમાં તમે આમ ઉપદેશોના, ફરિયાદોનાં ટોપલાં ખોલીને બેસી જાઓ છો. ખબર નહીં અમને ક્યારે સમજશો ? રાખો તમારું જમવાનું તમારી પાસે, હું બહાર જઈને જમી લઈશ’

અને આભાના પર્સમાંથી હજારની નોટ લઈ અને ગાડીની ચાવી લઈને સુકેતુ ઘરની બહાર નીકળી ગયો.

ગાળ સાંભળીને જે તકલીફ થયેલી એ કરતાં વધારે તકલીફ પોતાના અતિસ્માર્ટ દીકરાની વર્તણૂકથી આભાને અત્યારે થઈ. ચારે બાજુ સાંભળવા મળતી ગાળોનો-અભદ્ર ઇશારાઓનો આછો પાતળો અનુભવ હતો. આજકાલ લોકો સ્ત્રી કે પુરુષનો ભેદભાવ રાખ્યાં વગર બિન્દાસ્ત ગાળોની ગંગા વહેવડાવતાં થઈ ગયેલાં. એ વખતે એમને ગાળોનો મતલબ પણ ખબર હશે કે શું ? એવો વિચાર પણ આભાને આવી જતો ને નવાઈ પામતી , પણ આજે એનો ખુદનો દીકરો એને ગાળ દે અને એ વાત મોર્ડન અને કૂલ પેરેન્ટ્સ ગણાવા માટે સહજતાથી લેવાની ? દીકરો હવે પેરેન્ટ્સના સમજાવાની હદથી બહાર હતો. એને શામ,દામ,દંડ કશાથી મનાવી શકાય એવી શક્યતા નહતી. નિરાશ થઈને આભાએ સમયદેવતાને હાથ જોડીને વિનવ્યાં,

‘સમયદેવતા – તમે મહાન. મારા દીકરાને જલ્દીથી સાચી સમજણ આપજો અને હા એ હજુ નાદાન છે – એની નાદાનિયત બહુ આકરી સજા ના આપશો’

અનબીટેબલ : બુધ્ધિનું તીવ્ર આધિપત્ય દિલની કોમળ લાગણીઓનો સર્વનાશ કરે છે.

-sneha patel

અર્થઘટન


phoolchhab newspaper > Navrash ni pal column > 23-04-2014.

 

ગુલાબ સાથે રહીને ય રહ્યો એ કંટક,

કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે ?

-અમીન આઝાદ.

 

શરદપૂનમની અજવાળી રાત હતી . દિશાને પૂનમનો ચંદ્ર જોતાં જ એના ગમતીલાં કૃષ્ણ ભગવાન યાદ આવી ગયાં અને સાથે એના મમ્મીએ સંભળાવેલી વાત યાદ આવી ગઈ,

‘ કાનુડાં કામણગારાએ ગોપીઓ સાથે રાસક્રીડા રચેલી અને આનંદનો પર્વ ઉજવેલો ત્યારથી આ પૂનમ રાસપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે, વળી આ રાતે ચંદ્રમાં અમૃતનો વાસ થાય છે એથી એના કિરણો દિવ્ય હોય છે.’

તરત દિશા બારી આગળ જઈને ઉભી રહી ગઈ. બારીમાંથી ચળાઈને આવતા ચંદ્રના કિરણો એના તન પર ઝીલવા લાગી. અનાયાસે એની આંખો બંધ થઈ ગઈ. ચંદ્રની ચાંદનીમાં તરબતોળ થતી દિશાને જાણે પરમાત્મા સાથે ધ્યાન લાગી ગયું હતું. દિવ્ય સમય શીતળ પવન સંગાથે વહી રહ્યો હતો અને દિશાના કર્ણપટલ ઉપર એના મોબાઈલની રીંગ અથડાઈ. સમાધિ તૂટયાનો શોક પાળતી દિશાએ પલંગ પર પડેલાં મોબાઈલમાં જોયું તો એ ‘વોટસઅપ’ના મેસેજની રીંગ હતી. જમણી બાજુના ખૂણામાં લીલા કલરની નાનકડી લાઈટ સળગી રહી હતી.

દિશાએ સ્ક્રીનલોક ખોલીને જોયું તો એના પરિણીત બોસ જયનો એક ‘નોનવેજ’ મેસેજ હતો.

આજના જમાનામાં લોકોને આવા ‘સેક્સટિંગ’ની કોઇ નવાઈ નથી રહી. પર્સનલી દિશાને આવા મેસેજીસ ના ગમે પણ સામે બોસ હતાં, રીપ્લાય તો આપવો પડે ને… બીજું કંઇ ના સૂઝતાં એણે સામે મેસેજ વિન્કીંગ યાને કે ‘આંખ મારતું સ્માઈલી’ મોકલ્યું ને ગુડનાઈટ કહીને ફોન બંધ કર્યો.’ આ ફ્રી મેસેજીસે તો લોકોના જીવનની વાટ લગાવી દીધી છે.છેલ્લાં મહિનાથી પરિણીત અને પચાસ વર્ષના જયસરને આવા મેસેજીસ મોકલવાની ટેવ પડી ગઈ છે, આ બધું આગળ વધે એ પહેલાં એનું કંઇક કરવું પડશે, કોઇક રસ્તો શોધવો પડશે…’ વિચારતાં વિચારતાં દિશાની આંખો ઘેરાવા લાગી અને ક્યારે બંધ થઈ ગઈ એ પણ ખ્યાલ ના રહ્યો.

બીજા દિવસની સવારે રાબેતા મુજબ પરવારી અને દિશા ઓફિસે જવા ઉપડી.ઓફિસે પહોંચીને હજી તો એ પોતાનું ટેબલ સરખું કરતી હતી ત્યાં જયસરનો ફોન આવ્યો.

‘દિશા..અંદર આવજે તો..’

અને દિશા જયસરની ઓફિસમાં ગઈ.

‘આજે વાતાવરણ બહુ સરસ છે નહીં દિશા ?’

અને જય સર દિશાના કાળા સ્લીવલેસ અને ઢીંચણથી લગભગ પા વેંત ઉંચા ડ્રેસમાંથી દેખાતાં ગોરા ગોરા બદન ઉપર એક લાલસાભરી નજર નાંખવા લાગ્યાં. દિશા બહુ જ સુંદર હતી અને એને એ વાત બરાબર ખબર હતી. વળી એની ડ્રેસિંગ સેન્સ પણ સારી હતી જે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી હતી. એને પુરુષોની આવી નજરનો બહુ અનુભવ હતો. એટલે એણે આ નજરને બહુ મહત્વ ના આપ્યું અને લાગલી જ નજર બારીમાંથી બહાર નાંખીને સાવ સામાન્ય લાગતા વાતાવરણને જોઈને મનમાં ઢગલો ગાળો દઈને ‘બોઝ ઇઝ ઓલવેઝ રાઈટ’ મંત્ર યાદ કરીને જયસરની ‘હા’ માં ‘હા’ મિલાવી.

જય સર ખુરશીમાંથી ઉભા થયા અને દિશાની એકદમ નજીક આવી ગયાં. દિશા પોતાની જાતને થોડી અનકમફર્ટેબલ અનુભવવા લાગી, પણ કશું ના બોલી. એની ચુપકીદીથી જયની હિંમત વધી અને એણે દિશાનો હાથ પકડી લીધો,

‘દિશા, યુ આર સો બ્યુટીફુલ..આજે લંચમાં બહાર જઇશું ?’

દિશા થોડી ચમકી, જય સરની નિયત વિશે એને કોઇ જ શંકા ન રહી. ‘વાતને અહીંથી જ સુધારી લેવી હિતાવહ છે’ વિચારતા જવાબ વાળ્યો,

‘સર, મારો હાથ છોડશો પ્લીઝ..બાકી લંચ લેવામાં મને કોઇ વાંધો નથી.’

‘દિશા, આ સંગેમરમરમાંથી તરાશેલો નાજુક હાથ છોડવાનું મન નથી થતું ‘ અને બેશરમીથી દિશાને આંખ મારી.

હવે દિશા બરાબર અકળાઈ.

‘સર, મને લાગે છે કે તમને કોઇક ગેરસમજણ થઈ રહી છે.તમે સમજો છો એવી છોકરી નથી હું.’

‘હું તને બરાબર જાણું છું દિશા, છેલ્લાં છ મહિનાથી તું અહીં કામ કરે છે, ચાર મહિનાથી આપણે મેસેજીસમાં રાતોની રાતો વાત કરીએ છીએ..આનાથી વધુ શું બાકી હોય ? તું એક બ્રોડમાઇન્ડેડ આધુનિક , સુંદર છોકરી છું. તારી બોલવાની છટા, લેટેસ્ટ ડિઝાઈનના કપડાં, બ્રાન્ડેડ પરફ્યુમ, સીધા લીસા વાળ, ગોરી ત્વચા…આહ, હું તારો આશિક થઈ ગયો છું ! ‘

‘સર, તમે આ શું બકવાસ કરો છો ? તમે મેસેજીસ મોકલ્યાં અને મેં બે ઘડીની ગમ્મત સમજીને વાંચ્યા એનો મતલબ એમ નહીં કે…છી..છી..છી..! વળી મારી પોસ્ટ છે એ પ્રમાણે મારે આ રીતે સજીધજીને કાયમ ફ્રેશલુક રાખવો જ પડે આ મારી નોકરીની માંગ છે અને મારો સ્વભાવ.   તમે પણ ઇન્ટરવ્યુ વખતે આ લુક જોઇને જ મને નોકરી આપી હતી ને… આ બધી તો બહુ કોમન ટોક છે. આનો મતલબ એવો નહીં કે ઓફિસના કામ સિવાયની તમારી દરેક માંગણીઓ પૂરી કરવાને હું બંધાયેલી છું…તમારી દકિયાનૂસી વિચારસરણીના દાયરામાંથી બહાર આવો ‘

‘અરે, પણ તું તો મારા નોનવેજ જોકસના પણ જવાબો આપે જ છે ને..’

‘ઓહ, તમે મારી ઉદારતાનો આવો અર્થ કરશો એવી તો મને ખબર પણ નહતી ? નોકરી આપતી વખતે તમે મારી લાઇફસ્ટાઈલ અને આ જ એટીટ્યુડથી ઇમ્પ્રેસ થઈ ગયેલા, હવે મારા આ જ મોર્ડન વર્તનને તમે તમારી રીતે મૂલવો છો અને હું ગમે તે કરવા તૈયાર થઈ જઇશ જેવી માંદલી માનસિકતાને વરી બેઠા છો એમાં મારો શું વાંક ? તમારી વિચારસરણીના તમે ગુલામ હોઇ શકો હું તો નહીં જ ને… આજના જમાનામાં આવા જોકસની કોઇને નવાઈ નથી, પણ એનો મતલબ એવો નહી કે એ વાંચી લેનારી બધી ય સ્ત્રીઓ તમારી સાથે ડેટ પર આવવા તૈયાર થઈ જશે. તમારી સાથે બેસીને સેન્સુઅલ મૂવી જોઈ શકનારી કે ગમ્મતમાં ખભે ધબ્બો મારી દેતી સ્ત્રી તમારા ઘરે કે બિસ્તર સુધી આવવા માટે તૈયાર હોય એવું તો સહેજ પણ ના વિચારશો. આજની સ્ત્રીઓ ખૂબ જ સ્માર્ટ અને કોન્ફીડન્સ્ડ છે, વળી સ્ત્રીઓને તો ‘સિકસ સેન્સ’ની અદભુત ગોડ ગિફ્ટ વારસામાં જ મળી હોય છે. એથી એ સમય પ્રમાણે ચાકુ જેવી તેજતર્રાર, મધ જેવી મીઠી, મરચાં જેવી તીખી કે લીંબુ જેવી ખાટી પણ થઈ શકે છે. તમારી નોકરી માટે નેસેસરી મોર્ડન લુકની જરુરિયાત પૂરી કરતી સ્ત્રી કોલગર્લ તો નથી જ એ વાત ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી છે. અમારું ડ્રેસિંગ, અમારું લાઈકીંગ -ડિસલાઇકીંગ બધું ય અમારી મરજી..એનો આડો અવળો કે મનગમતો અર્થઘટન કરવાની તમને કોઇ સત્તા નથી. આજથી આટલી વાત ગાંઠ બાંધી લેશો તો તમારા માટે જ સારું રહેશે નહીં તો ભવિષ્યમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.ઓફિસનું કામ હોય તો કહો.. નહીં તો હું બહાર મારી જગ્યાએ જઉં છું…’

અને કોઇ જ્વાબની રાહ જોયા વગર જ જયને હક્કો બક્કો મૂકીને દિશા રુમમાંથી બહાર નીકળી ગઈ.

અનબીટેબલ :   લાખો ફૂલોની હત્યા કરી શકાય પણ વસંતને આવતી તો ના જ રોકી શકાય.

-સ્નેહા પટેલ

એક ભૂલ


phoolchhab paper >Navrash ni pal column > 16-04-2014 > એક ભૂલ

 

મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં,

મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

-રાવજી પટેલ

 

ફ્લોરલ સ્લીવલેસ પીચ કલરના, પતલાં અને મલમલી ફ્રોકમાં વાસંતી અદભુત લાગતી હતી. વાસંતી – સત્તર વર્ષની ઉગુ ઉગુ થઈ રહેલી વસંત ! સ્લીવલેસ ફ્રોકમાંથી એના પતલા ને નાજુક હાથ સંગેમરમરમાંથી કંડારેલા હોય એવા લીસા અને ચમકદાર દેખાતા હતાં. ડોક સુધીના લીસા , કાળા ને કુદરતી સીધા વાળ લેટેસ્ટ ફેશનના કટ સાથે ખભા ઉપર બેફિકરાઈથી હવામાં ઝૂલતા હતાં. તાંબાવર્ણી, લીસી,બેદાગ અને ચમકદાર ત્વચાવાળી વાસંતી એની સ્કુલમાં ‘બ્લેક બ્યુટી’ના નામથી પ્રખ્યાત હતી. વળી આ બ્લેક બ્યુટી બિન્દાસ અને સરસ મજાના સ્વભાવની હતી એટલે સ્કુલમાં એનું મિત્રવર્તુળ ખાસું વિશાળ હતું.

આજકાલ વાસંતીના મગજમાં નવું ભૂત ભરાયેલું – વીડિઓ ચેટીંગનું. વાસંતી પૈસાદાર મા-બાપનું એકનું એક લાડકવાયું સંતાન.પોતાના અતિસ્માર્ટ સંતાન ઉપર મા બાપને પૂરો ભરોસો હતો અને એને કોઇ વાતે રોક ટોક પણ નહતી. બાજુના જ ક્લાસનો અમિત નામનો સ્ટાઈલુ અને હોટ છોકરો રોજ એને ક્લાસની વિન્ડોમાંથી ચોરી છુપીથી જોતો હતો . એ વાતની એને જાણ હતી. અમિતનો સ્માર્ટ અને બેફિકરાઈવાળો એટીટ્યુડ એને પણ ગમતો હતો.અચાનક એ અમિતે વાસંતી પાસેથી એનો ફોન નંબર માંગેલો જે બિન્દાસ વાસંતીએ બેઝિઝક આપી દીધેલો અને ફોન પરથી વોઇસ ચેટની વાત બે જ અઠવાડિયામાં વિડિઓ ચેટ સુધી આવી પહોંચી.વાસંતી કલાકોના કલાકો રુમમાં ભરાઈને અમિત સાથે વિડિઓ ચેટ કરતી.

વાસંતીની સમજદારી ઉપર એની અણસમજુ ઉંમર હાવી થઈ ગઈ હતી.

 

ધીમે ધીમે આ ચેટીંગ ડેટીંગ સુધી પહોંચી ગયું. આજે જીદ કરીને અમિતે વાસંતીને એમના સ્કુલના કોમન ફ્રેન્ડ રાજેશના ઘરે બોલાવી હતી. રાજેશના ઘરમાં કોઇ નહતું અને રાજેશ પણ એમને એકાંત આપવાના બહાને કંઇક કામ બતાવીને ઘરની બહાર નીકળી ગયેલો.

‘યુ નો અમિત, મેં કમર ઉપર એક ટેટું કરાવેલું છે. જોકે હજુ મોમ ડેડને ખબર નથી અને વાસંતીએ એની ટીશર્ટ ઉંચી કરીને અમિતને ટેટું બતાવ્યું. અમિત તો એની નાજુક કમર ઉપર લીલા રંગનું જંગલી ડિઝાઈનવાળું ટેટું જોઇને બેહોશ થવાની અણી પર પહોંચી ગયો.

‘વાસંતી, યુ આર સો બ્યુટીફુલ…’

અને અમિતનો હાથ એની કમર પર સરકવા લાગ્યો. વાસંતીને પણ એ સ્પર્શ અંદર સુધી પીગળાવી ગયો અને એની આંખો બંધ થઈ ગઈ. અમિત પણ આને રેડ સિગ્નલ માનીને આગળ વધ્યો. વાસંતીની કમજોરે ‘ના’ અમિતના તીવ્ર વાસનાના ભૂત આગળ બહુ ટકી ના શકી અને આખરે યુવાનીનું મોજું બે યુવાદિલને એનામાં ઘસડીને ખેંચી ગયું.

પોતાના વિશાળ ડબલ બેડ ઉપર રેશમી નાઈટ ડ્રેસમાં લપેટાઈને સૂતેલી એક સુંદરીના કાને એના મોબાઈલની રીંગ અથડાઈ અને સ્વપ્ન સમી જીવાઈ ગયેલી પાછલી રાતનો નશો તૂટયો. નશાર્ત રાતી આંખોએ વાસંતીએ ફોન લીધો અને સામે રહેલી એની ખાસ સખી વંદનાની વાત સાંભળતાં જ એની આંખો પહોળી થઈ ગઈ.

તરત જ એણે લેપટોપ ચાલુ કર્યું અને એની આંખો ભયથી ફાટી પડી. કાલ રાતની એની અને અમિતની અંતરંગ પળોનો કોઇએ વિડીઓ ઉતારી અને નેટ ઉપર અપલોડ કરી દીધો હતો. હવે ?

આવી વાતને પાંખો લાગતા કેટલી વાર ? લોકોને નેટ ઉપર વાતો કરવાનો નવો વિષય મળી ગયો. વાતમાં બની શકે એટલો મસાલો ઉમેરીને, મજા લઈ લઈને આ વીડીઓ ફોરવર્ડ થવા લાગ્યો. વાત હદથી વધી જતાં સ્કુલના પ્રિન્સીપાલે વાસંતીના અને અમિતના પેરેન્ટસને સ્કુલમાં બોલાવ્યાં.

‘જુઓ, તમારા સંતાનોના કારસ્તાનો …તમે એમને આ જ સંસ્કાર આપ્યાં છે કે? આ સ્કુલ છે કોઇ નાઈટ ક્લબ નથી એટલી સમજણ પણ નથી..આવા વિધાર્થીઓ જ અમારી સ્કુલનું નામ બગાડે છે.આજે ને આજે તમારા સંતાનોને અમારી સ્કુલમાંથી કાઢી મૂકીએ છીએ.’

અમિતના મમ્મી ચારુબેને વાસંતીના મમ્મીના ખભે હાથ મૂકીને એમને થોડી ઢાઢસ બંધાવવાનો ભાવ રજૂ કર્યો અને બોલી,

‘પ્રિન્સીપાલ સાહેબ, માન્યું કે અમારા સંતાનોથી ભૂલ થઈ છે. પણ વિડીઓ જોશો તો એ ભૂલ છે – કોઇ ગુનો નથી.’

‘એટલે…’ પ્રિન્સીપાલને ચારુબેનની વાત સમજાઈ નહીં.

‘એટલે એમ કે અમારા સંતાનો સાથે સાઈબર ક્રાઈમ થયૉ છે, એ લોકો વિક્ટીમ છે – ગુનેગાર નથી. એમની ભૂલની જે સજા આપવાની હશે એ અમે એમના સૌથી સારા હિતચિંતક વાલીઓ એમને આપીશું જ, એ અમારું કામ છે. એમની નાસમજીની સજા અમે પણ ભોગવીએ જ છીએ. પણ તમે આ વાત રજૂ કરતાં પહેલાં વાતના ઉંડાણમાં જવાની તસ્દી લીધી હોત તો સમજાત કે આ વિડીઓ એમના જ ખાસ મિત્ર રાજેશે ઉતાર્યો છે અને એણે સોશિયલ સાઈટ્સ ઉપર અપલોડ કર્યો છે. તો આ આખી ય વાતમાં ગુનેગાર હોય તો એ રાજેશ છે, અમારા બાળકો નહીં. એમનાથી તો ફકત ભૂલ થઈ છે – યુવાની હોય છે જ મદમસ્ત. તમે પણ યુવાન હશો ત્યારે તમારા જમાનાની કહેવાતી ભૂલો કરી જ હશે. વળી આ સમસ્યાનું એક જવાબદાર પ્રિન્સીપાલ તરીકે નિરાકરણ શોધવાના બદલે તમે એને વધુ ચગાવીને અને છોકરાંઓને સ્કુલમાંથી કાઢીને બેજવાબદાર વર્તન કરો છો એ તમને શોભે ? આ ક્લીપની વિરુધ્ધમાં દસ જણ ફક્ત અબ્યુઝ તરીકે કમ્પ્લેઈન કરે તો બધી સાઈટ એ વીડિઓ ત્યાંથી ડિલીટ કરી નાંખે છે એટલી સામાન્ય વાત પણ તમને નથી સૂઝતી ? કેવા પ્રિન્સીપાલ છો તમે …આ હાલતમાં આ જુવાનિયાઓ આત્મહત્યા જેવા પગલાં ભરી લે છે એટલું પણ ધ્યાન નથી તમને ? તમારે એમના ખરાબ સમયમાં એમને સમજુ વડીલ તરીકે સાથ આપવાનો હોય એના બદલે તમે તો… શરમ આવે છે કે આવી સ્કુલમાં અમે અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ, તમે એમને સ્કુલમાંથી શું કાઢી મૂકવાના, અમે જ અમારા બાળકોને આ સ્કુલમાંથી ઉઠાડી લઈશું..’

 

આટલું બોલતાં બોલતાં તો ગુસ્સાથી ચારુબેનનું નાજુક મોઢું લાલચોળ થઈ ગયું.

પોતે ફરજ ચૂક્યાંનો અહેસાસ થતાં સ્કુલના પ્રિન્સીપાલનું મોઢું પડી ગયું. એ પછી વાસંતી અને અમિતના બધાં ય મિત્રોએ ભેગા મળીને એ ક્લીપની વિરુધ્ધમાં કમ્પ્લેઈન નોંધાવી. ઉપહાસ અને ધૃણાના સ્થાને સમજદારી અને સહાનુભૂતિથી કામ લેવાયું અને બધી ય સાઈટસ પરથી એ શરમજનક વીડિઓ ડીલીટ કરાવી દીધો.

અનબીટેબલ : સમય બદલાયો છે, ભૂલો બદલાઈ છે તો નિરાકરણની રીતો પણ બદલાવી જ જોઇએ.

-sneha patel

વાત દુનિયાના બેસ્ટ હસબન્ડની


phoolchhab paper > navrash ni pal column > 9-04-2013

હેત છે કે હૈયામાં માતુ નથી,
એ ય સાચું છે કે છલકાતું નથી.

સાંભળ્યાં બહુ સૂર સાતેસાત પણ,
રાગ જાણીતો કોઈ ગાતું નથી.
– સ્નેહા પટેલ.

વસંત ઋતુની વહેલી સવાર હતી. પૃથ્વી એની નિયમિત ગતિ જાળવતી પોતાની ધરી પર અવિરતપણે ફરી રહી હતી. પ્રવાસીના કાનમાં દરિયાના મોજાંનાં પછડાટનો ધીરો ધીરો અવાજરસ રેડાઇ રહ્યો હતો. કાન અને આંખને સુસંગત કરવા પ્રવાસી પોતાની રોજની બેઠક સમી ખડક પર ગઇ અને ત્યાં બેસીને કાંડા પર બાંધેલા બેન્ડથી પરસેવો લૂછ્તી’કને દરિયાને નિહાળવા લાગી. દરિયાકિનારો અને એમાં પણ સૂર્યોદયનો સમય આ ઘટના પ્રવાસીની સૌથી મનપસંદ વાત.છેલ્લાં ૨૫ વર્ષથી એ નિયમિતપણે કુદરતની આ નિતનવી ઘટનાને એની નજરોમાં ભરીને અનોખી  સ્ફૂર્તી – તાજગી -જીવવાનું બળ મેળવતી હતી. આકાશના ભૂખરા રંગના પ્રતિબીંબથી દરિયો પણ ભૂખરા રંગે રંગાઈ ગયેલો. મોજાંનું પાણી મનસ્વી રીતે ગતિ પકડતા – ખડક સાથે અથડાતા અને ફીણ ફીણ થઈ જતું હતું તો થોડું પાણી વાછટરુપે ઉડીને આસપાસનું વાતાવરણ ધૂંધળું બનાવી દેતું હતું.ધીરે ધીરે આકાશમાં દોડતી -ફરતી વાદળીઓ લાલ થવા માંડી, પૂર્વીય ક્ષિતિજમાંથી દરિયાની ઉપલી ધાર પર ધીમે ધીમે લંબગોળ આકારનો એક ગોળો ઉપસવા લાગ્યો અને ધીમે ધીમે એ કર્કથી મકરવૃત તરફ ગતિ કરવા લાગ્યો. આકાશના વાદળો ખસતા ગયા અને કેસરી રંગ ગાઢો થઈને પીળાશ પકડવા લાગ્યો. દરિયાની ધાર પર થતાં સૂર્યોદયને નિહાળતાં પ્રવાસીની અંદર પણ સૂર્યોદય જેવી તાજગી ઉગવા લાગી. આંખો નશાર્ત થવા લાગી. આટલા વર્ષોથી ચોમાસાના દિવસો સિવાય નિયમિતપણે સૂર્યોદય જોતી હતી એમ છતાં પણ ક્યારેય એકસરખો નહતો લાગ્યો. રોજ રોજ આટલી નવીનતા કયાંથી લાવતો હશે આ ? પ્રવાસીને એના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યાં અને એ પોતાની ધડકનોની તાલ ઉપર સૂર્યનો ઉદય જોવામાં એક્ધ્યાન થઈ ગઈ. દસ મિનીટ જેવો કુમળો તડકો મળ્યો એટલે શરીરને વિટામીન ડીનો ખજાનો પણ પ્રાપ્ત થઈ ગયો અને ધીમે ધીમે એ નશામાંથી બહાર આવીને પ્રવાસી પોતાના ઘર તરફ વળી.
આટલી સુંદર ઘટના પણ એનો આનંદ વહેંચવા -સમજવા માટે જીવનમાં એક પણ વ્યક્તિ નહી !
ઘરમાં પ્રવેશતાં જ એને ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને છાપું વાંચતો સાગર દેખાયો. સાગર એનો પતિ. છાપું વાંચતા વાંચતા પ્રવાસીની એની ‘સ્વીટહાર્ટ’ની રાહ જોઈ રહયો હતો. પ્રવાસી હાથ મોઢું ધોઈ ફ્રેશ થઈને ફટાફ્ટ ચા બનાવી અને સાગર સાથે ચા પીવા બેઠી. સાગરના વાંકડિયા વાળમાંથી દેખાતું એનું ચમકતું સ્વચ્છ વિશાળ કપાળ એને દરિયાના સૂર્યોદય જેવું જ લાગતું. હજુ એ ધ્યાનથી સાગરનું મોઢું જોઇ શકે એ પહેલાં તો સાગરની ચા પતી પણ ગઈ.
‘ચાલ પ્રવી, હું ભાગું હવે…’
‘અરે સાંભળ તો ખરો..આજે મેં કેટલો સરસ સૂર્યોદય જોયો એની વાત કરું.’
‘સોરી ડીયર, અત્યારે સહેજ પણ સમય નથી. વળી તારે સૂર્યોદય જોવાની કયાં નવાઈ, રોજ તો જોવે છે. તું પણ છે ને…’
અને બાકીનું વાક્ય ઇરાદાપૂર્વક અધૂરું મૂકીને  સાગર ફટાફટ તૈયાર થઈને ફેકટરીએ જવા ઉપડ્યો. પ્રવાસી હવે સાવ એકલી. કામવાળી બાઈ, રસોઈઓ, માળી બધાં પોતપોતાના સમયે આવીને પોતાનું કામ કરીને જતાં રહ્યાં. ત્યાં પ્રવાસીના મોબાઈલની રિંગ વાગી અને પ્રવાસીએ ફોન લીધો.
‘હલો,હાય માધુરી..’
‘હાય સ્વીટીપાઈ, કેમ છે ?’ સામેથી એક સુમધુર અવાજ પ્રવાસીના કાને પડ્યો.
‘હું તો હંમેશા મજામાં જ ને..’ અને પોતે મજામાં જ છે એની સાબિતી આપવા પ્રવાસીના હોઠ પર એક ફીકું સ્મિત આવી ગયું, બે પળ પછી ખ્યાલ આવ્યો કે પોતે ફોન પર વાત કરે છે અને ફોન પર એના ચહેરાના હાવભાવ માધુરીને દેખાવાના નથી એટલે હોઠ પાછા નોર્મલ થઇ ગયા.
‘હા ભાઈ, તારે શું ખોટ, દસે આંગળીએ ગોરમા ને પૂજેલા છે એટલે સાગર જેવો વર મળ્યો છે. રોજની જેમ આજે પણ એણે જ ચા મૂકી હશે, અને તમે મેડમ મોર્નિગ વોક કરીને આવો એની રાહ જોતો હશે, રાઈટ..યુ લકી વન..અહીં તો મહિનાનો એક દિવસ પણ આવો ના ઉગે.’
‘હા માધુ, આજે તો એણે નાસ્તામાં મારી ફેવરીટ ઉપમા પણ બનાવેલી. પરણીને આવી ત્યારથી સવારની ચા તો સાગર જ બનાવે છે. મેં એને કેટલી વખત કહ્યું પણ એ મને ના જ પાડે. એ જ્યારે ના હોય ત્યારે જાતે ચા બનાવવાનું હવે આકરું થઈ જાય એટલી હવે મારી ટેવ બગાડી કાઢી છે એણે.’
‘હા ભાઈ…તમારી વાત થાય કંઈ? હવે સાંજે પતિદેવ અચૂક ફ્લાવર, ગિફ્ટ કે કોઇક ને કોઇક સરપ્રાઈઝ લેતાં આવશે. તારી તો સવાર પણ નિરાળી અને સાંજ પણ પછી રાત તો નિરાળી જ રહેવાની ને…’
માધુરીની વાતનો સંદર્ભ સમજતા પ્રવાસીનું નાજુક મોઢું શરમથી લાલચોળ થઈ ગયું.
‘અચ્છા સાંભળ, આજે સાંજે પિકચર જોવા જવું છે ?’
‘કયું ?’
‘ક્વીન, સાગર સાથે જોઈ તો નથી લીધું ને ? ‘
‘ના, હજુ બાકી છે. ઓકે. ડન’
‘લે, તારે કેટલી શાંતિ…ફટાફટ નિર્ણય લઈ લીધો. ના પતિદેવને પૂછવાનું કે ના સાંજની રસોઇની ચિંતા..વળી પિકચર જોવાના નામે જ એમનું મોઢું દિવેલ પીધા જેવું થઈ જાય. લગ્નને દસ વર્ષ થયા પણ હજી સુધી એક મૂવી જોવા સાથે નથી આવ્યાં…હશે જેવા જેના નસીબ બીજું શું ? ઓકે , સુપર મલ્ટીપ્લેક્ષમાં મળીએ, સાંજે સાત વાગ્યે, તું વહેલી પહોંચે તો ટિકીટ લઈ લેજે.મારે સ્વાતિ ટ્યુશનમાંથી આવે પછી નીકળાશે તો કદાચ મોડું પણ થાય અને પછી ટિકીટ ના મળે તો મૂડ જતો રહેશે.’
‘હા ભાઈ હા, હું ટિકીટ લઈ લઈશ. તું શાંતિથી આવજે. ચાલ હવે ન્હાવા જવું છે. ફોન મૂક.’ અને પ્રવાસીએ ફોન કટ કર્યો.
ફોન કટ કરીને આંખો બંધ કરીને પગ સામેની ટીપોઇ પર લંબાવીને પ્રવાસી વિચારવા લાગી,’ સાગર અને એ સાવ જ વિરુધ્ધ સ્વભાવના. પ્રકૃતિનો ‘પ’ કે કોઇ આર્ટનો ‘અ’ પણ સાગરને ના સમજાય. એને તો ફકત ‘રુપિયા’નો ‘ર’ જ પરમેશ્વર. આજે પણ એ ત્રણ દિવસ માટે બિઝનેસ મીટીંગ માટે દિલ્હી ગયેલો. મહિનાના વીસ દિવસ તો એના આમ જ એકલા અટૂલા જ વીતે અને બાકીના દસ દિવસ પૈસા કેવી રીતે આવ્યાં, કઈ પાર્ટી સાથે કેમની વાત થાય, મશીનો -ટેકનોલોજીની લેટેસ્ટ માહિતીઓ મેળવવામાં જ વીતતો. સાગર પાસે એને સમજવાનો, અનુભવવાનો સમય કે સમજણ જ ક્યાં હતાં ? અને પોતે પોતાનો એ ખાલીપો પોતાની સખીઓ, સગા વ્હાલાઓમાં સાગર અને એના સંબંધોની ખોટી ખોટી વાતો કરીને ભરતી હતી. સાગર એનો પડ્યો બોલ ઝીલી લે, એના મૌનથી , એની આંખોથી જ એની નારાજગી, ખુશી જાણી લે છે. એને ખબર હતી કે એનો સંતોષ ભ્રમણાઓથી ભરપૂર છે પણ વાસ્તવિકતામાં જે ખુશી ના મળે એની કલ્પનાઓ કરવામાં ક્યાં  કોઇ પાબંદી હોય છે ? આમ નહીં તો તેમ..એ તો થોડું એડજસ્ટ, કોમ્ર્પોમાઈસ તો કરવા પડે જ ને..બધાને બધું જ થોડી મળી જાય ?  બાકી એનો સાગર એટલે સાગર ! એને કાયમ હાથમાં ને હાથમાં જ રાખે.
સાગર એટલે દુનિયાનો બેસ્ટ હસબન્ડ !

અનબીટેબલ : અમુક ભ્રમ જીવવા માટે જરુરી થઈ જાય છે.
શિર્ષક પંક્તિ – લેખિકા.

મહેંદીમાં નામ લખ્યું છે


my 2nd gazal in gazal vishwa -2014

my 2nd gazal in gazal vishwa -2014

મહેંદી પર નામ

my another gazal in Gazal vishwa -2014

મહેંદી્માં એક્ નામ લખ્યું છે,
કેવું ખુલ્લે આમ લખ્યું છે!

ચિઠ્ઠીમાં શરુઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.

દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.

પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.

દ્રાક્ષાસવ જેવું જીહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.

જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે
-સ્નેહા પટેલ

તું એવું બાળક છે !


Gazalvishwa-,march 2014

Gazalvishwa-,march 2014

IMG_20140329_135417

– તું એવું બાળક છે !

થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.

સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ.

બંદીવાન


Fulchhab newspaper > Navrash ni pal column > 6-03-2014.

છે વાત એમ કે પગને જવું’તું કાશીએ,

ને એને ચાલવા દીધા નહીં કપાસીએ.

-રમેશ પારેખ.

‘ દીપ લે બેટા, આ પાંચસો રુપિયા રાખ, તારે કામ લાગશે.’

‘પણ મમ્મી મારી પાસે સો રુપિયા  છે, મારે હજુ ચાર પાંચ દિવસ ચાલી જશે. તમે નાહક વ્યાધિ કરો છો’

‘આજના જમાનામાં સો રુપિયાથી શું થાય દીકરા ? રસ્તામાં બાઈક ખરાબ થાય તો ય અમથો બસો રુપિયાનો ખર્ચો આવીને ઉભો રહી જાય. તું તારે રાખને આ પૈસા.’

અને સરયુએ પાંચસોની નોટ દીપના શર્ટના ખિસ્સામાં ઠૂંસી દીધી.

‘ચાલ હવે, જમવાનું તૈયાર છે.હાથ ધોઈને આવી જા થાળી પીરસું છું.’

જમવા બેસતી વખતે ભાણામાં બે શાક, પૂરી, ખીર, ફરસાણ , સલાડ, કઢી, મટરપુલાવ, પાપડ જોઇને દીપની ભૂખ અચાનક ઉઘડી ગઈ અને એ જમવા પર તૂટી પડ્યો. મનોમન એ પોતાની જાતને આવી માતા મળવા બદલ દુનિયાનો સૌથી ભાગ્યવાન દીકરો માનવા લાગ્યો હતો.

દીપની માન્યતા ખોટી પણ નહતી. સરયુ ઘરના બધા સદસ્યોની બેહદ કાળજી રાખતી હતી. સૌના ખાવાપીવાની ટેવો -કુટેવો, રોજિંદા કામકાજના સમય માટે એ પોતાની સગવડ પણ ભૂલી જતી. વળી સારા પગારની નોકરી હોવાથી ઘરનાં એની પાસેથી આર્થિક સપોર્ટની પણ આશા રાખતાં. શારિરીક – માનસિક તંદુરસ્તી સારી હતી એથી સરયુ દોડાદોડી કરીને પણ બધાંની ઇચ્છાઓ પૂરી કરવાને સક્ષમ હતી. બધાંને મદદરુપ થઈને એને અનોખો આનંદ મળતો, એ પોતાની જવાબદારીમાંથી  ક્યારેય ભાગતી નહીં. કાયમ ચેલેન્જીસનો સામનો કરવા તૈયાર રહેતી અને એ પૂર્ણ કરીને જ જપતી.

તો આ હતી દીપ અને વંદના નામના બે સંતાનોની મજબૂત, પ્રેમાળ મમ્મી સરયુ.

આટલાં બધા ગુણ ઉપરાંત ભગવાને એને અદભુત સૌંદર્ય પણ આપેલું . સરયુના સંપર્કમાં આવનાર માનવી એની બુધ્ધિમત્તા અને સૌંદર્યથી અંજાઈ જતાં અને પછી એના પ્રેમાળ સ્વભાવથી જીતાઈ પણ જતાં પણ…એક લેવલ પછી દરેક વ્યક્તિ સરયુથી ભાગી છૂટવા તત્પર થઈ જતું, એનાથી કંટાળી જતું. આવું કેમ ?

‘વંદના, બેટા તને કાલે દવાઓ ને કરિયાણું લાવવા ત્રણસો રુપિયા આપેલાં ને…એમાંથી કેટલાં વધ્યાં ?’

‘મમ્મી, ઓગણાએંસી રુપિયાની દવાઓ આવી સવાસો રુપિયાનું કરિયાણું.વધેલાં પૈસાથી મારા માટે એક હર્બલ ફેસપેક લીધું. મારી  ઘણી બધી ફ્રેન્ડસ વાપરે છે તો મને પણ મન થઈ ગયેલું.’

‘અરે, આટલું મોંધુ ક્રીમ કેમ લીધું પણ ? આનાથી અડધી કિંમતમાં તો વર્ષોથી પ્રખ્યાત કંપનીનું પેક મળી જાય. તને કંઈ ખ્યાલ જ નથી માર્કેટનો…હાથમાં પૈસા આવ્યાં એટલે બસ, ઉડાવી મારવાના. કોણ જાણે ક્યારે અક્કલ આવશે તારામાં ?’

અને વંદનાનું મોઢું પડી ગયું. આજે એના કોલેજના લેકચર અને ટ્યુશનના ક્લાસીસ પછી બધી ફ્રેન્ડસ સાથે મૂવી જોવા જ્વાનો વિચાર હતો પણ આજે ઘરે મહેમાન આવવાના હોવાથી મમ્મીને રસોઇ કરાવવાના હેતુથી એ ઘરે રહી હતી અને કરિયાણું ને દવા લાવવા જેવા કામ કરતી હતી. કામ કરવાનો વાંધો નહતો પણ કામ કર્યા પછી મમ્મીની આ કચકચ એનાથી સહન નહતી થતી. પોતે હવે અઢાર વર્ષની થઈ હતી. મમ્મી જેટલી સ્માર્ટનેસ ભલે ના હોય પણ એની ઉંમરની બીજી છોકરીઓ કરતાં એ ખાસ્સી સ્માર્ટ હતી. એના ગ્રુપમાં બધા કોઇ પણ કામ કરતાં પહેલાં એને એક વાર જરુર પૂછતાં હતાં. પણ મમ્મી તો પોતાની સમજશક્તિ પર સાવ પૂર્ણવિરામ જ મૂકી દેતી હતી. મમ્મી એને ઘણું બધું આપતી હતી પણ કોઇ પણ કામ એ સારી રીતે પૂર્ણ કરી શકે એવો વિશ્વાસ નહતી મૂકી શકતી, એને વિકસવા માટે જરુરી સ્પેસ નહતી આપતી.

સરયુના સાસુ સસરા પણ આવું જ કંઈક ફીલ કરતાં. એમનાં દૂધ નાસ્તાંથી માંડીને રાતના એમના રુમમાં મચ્છર મારવાનું મશીન ચાલુ કરીને બારીઓ બંધ કરવી અને એમને ગરમ દૂધનો એક ગ્લાસ આપવો સુધીની જવાબદારી હસતાં હસતાં નિભાવનારી સરયુ એ લોકો મોલમાં જઈને આટલા મોંઘા શાક લઈ આવ્યાં કે આજે માળી આવ્યો ત્યારે  આ કૂંડું ખસેડાવડાનું કહેલું પણ એ યાદ ના રાખ્યું ને એ કામ એમ જ રહી ગયું…કપડાં ગડી વાળીને કબાટમાં મૂકવાના બદલે આમ જ પલંગ પર મૂકી રાખ્યાં , હું ઓફિસે ગઈ ત્યારે રસોડું સાફ કરીને ગયેલી પણ આવી ત્યારે તમે આખું ભરચક ને ગંદુ કરી નાંખ્યું …કામવાળાને ચા સાથે નાસ્તો આપવાની ટેવો પાડીને તમે બગાડી મૂક્યાં છે ..રોજ કોઇક ને કોઇક વાતે વાંકુ પડેલું જ હોય.

દીપુ સાથે પણ એને ચણભણ થતી રહે..આ વાળ આમ કેમ કપાવ્યાં, કોલેજમાં આટલી બંક..પેલી છોકરી સાથે કેમ બોલે છે, પેલો છોકરો તારા દોસ્ત તરીકે બરાબર નથી, આખો દિવસ મોબાઈલ ની આ ટેવ બહુ ખરાબ છે…તારા બાપા તને રોજ રોજ નવા ડીવાઈસીસ અપાવતા રહે છે એમાં જ તું આટલો બગડી ગયો છે…બાઈક નથી ચાલતું તો સ્કુટર લઈને કોલેજ જા પપ્પાની ગાડી લઈને વ્હેમ મારવાના છે કે….?

પતિ રોશન પાસે  પણ આખો દિવસ પૈસાનો હિસાબ માંગતી, આટલા પૈસા અહીં જ રોકાણ કરો, આટલા આની પાછળ વાપરો, જીમનો ખર્ચો બંધ કરીને ચાલવાનું ચાલુ કરી દો…હું તો પહેલેથી જ કહેતી હતીને મારી વાત માની જ નહીં, જુઓ…આમ જ થયું ને, મારી સ્માર્ટનેસ પર વિશ્વાસ રાખતાં ક્યારે શીખશો ? ઉફ્ફ્ફ…!

દરેક વ્યક્તિની દરેક વર્તણૂકમાં એને કંઇક ને કંઇક પ્રોબ્લેમ દેખાય જ. દરેક્ને એ પોતાની બુધ્ધિથી જ તોલતી અને એ બધા માટે ઘણું બધું કરે છે એથી એ લોકોએ પણ એની અક્કલ, મરજી મુજબ ચાલવું જ જોઇએ જેવી અપેક્ષામાં એમને બંદીવાન બનાવી મૂકતી. એના મૂશળધાર વરસ્યાં પછીનો એની અતિસ્માર્ટનેસનો ધોમધખતો તાપ દરેક વ્યક્તિને દઝાડતો રહેતો. દરેક વ્યક્તિને અઢળક આપીને એ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાની પ્રેમાળ પણ જીદ્દી સરયુની આ આદતથી લોકો એનાથી થોડા દૂર જ રહેતાં અને એક દિવસ એને પોતાની ભૂલ એક દિવસ સમજાશે એવી આશા રાખતાં.

અનબીટેબલ :  આપી દીધા પછી પાછું મેળવવાની આશા ના રાખવાથી આપેલાંની  કિંમત વધે છે.

ગર્વ


phoolchhab newspaper > navrash ni pal column > 8-01-2014
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !

-અમિત વ્યાસ

પ્રગતિ – આશરે ચાલીસે’ક વર્ષની અધુનિકા – ટીવીની સામે નોટ પેન લઈને બેઠી હતી. થોડીવારમાં એનો મનપસંદ પ્રોગ્રામ ‘વાનગી’ શરુ થવાનો હતો. આજકાલ શિયાળાની ઋતુ ચાલતી હોવાથી બજારમાં મળતાં તાજા માજા શાકભાજી જોઇ જોઇને એના હાથમાં રોજ કંઇક ને કંઈક નવું બનાવવાની ચળ ઉપડતી હતી. શિયાળામાં ભરપેટ ખાઈ ખાઈને શરીર બનાવીએ તો આખું વર્ષ આરોગ્ય સારું રહે એવા વિચારો કરતી એ રોજ ‘શું બનાવું શું બનાવું ?’ ની મથામણ અનુભવતી. વળી ઘરના અમુક સદસ્યોને એક વાનગી ભાવે તો બીજાને બીજી. પ્રગતિએ એના બે સંતાનો અને પતિદેવને ક્યારેય કોઇ વસ્તુ ફરજીયાતપણે ખાવાનો આગ્રહ નહતો કર્યો. એ દરેકના સ્વભાવને સાચવીને રસોઇમાં એક સાથે બે બે આઇટમ, તો ઘણી વાર તો ચાર જણના પરિવારમાં ત્રણ આઈટ્મ પણ બનાવી કાઢતી. આખો દિવસ એ અને એનું રસોડું, એનું ઘર. દરેક ભારતીય સ્ત્રીની જેમ પ્રગતિને પણ પોતાના ફેમિલી પાછળ સમય આપવાનું, કાળજી લેવાનું બેહદ પસંદ હતું. આ કાળજીની વચ્ચે આવતી પોતાની સુંદર કેરિયરવાળી છ આંકડાના પગારની નોકરી પણ છોડી દીધી હતી અને એના ઘણા બધા શોખ જેવા કે પેઈન્ટીંગ, ફોટોગ્રાફી, સંગીત,ડ્રેસ ડિઝાઈનીંગ બધું ય છોડી દીધું હતું. અર્જુનની જેમ એનું એક જ નિશાન – પોતાના પરિવારની સુખ – સગવડ સા્ચવવી, કાળજી લેવી.પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને એ ખુશી ખુશી પોતાની જિંદગી પસાર કરતી હતી. પરિવારના સદસ્યો પણ પ્રગતિ વિના સાવ પાંગળા બની જતાં હતાં. એ બધાંય પ્રગતિને ખૂબ જ પ્રેમ કરતાં, ચાહતા હતાં અને એમનો એ પ્રેમ મેળવીને પ્રગતિ પોતાની જાતને ધન્ય ધન્ય માનીને અનોખો ગર્વ – સંતોષ અનુભવતી.

જાસ્મીન, પ્રગતિની તેર વર્ષની દીકરી સ્કુલથી આવીને બૂટ મોજાં કાઢતી’કને ડ્રોઈંગરુમમાંથી જ બરાડી,

‘મમ્મા, મારી સ્કુલમાં આવતા વીકમાં ‘એન્યુઅલ ડે’ છે. મેં પણ એક પ્રોગ્રામમાં પાર્ટ લીધો છે. એના માટે આપણે બજારમાંથી કોઇ ડ્રેસ લાવવો પડશે.’

‘અરે દીકરા, તું ચેઈન્જ કરીને જમી તો લે , પછી આપણે શાંતિથી વાત કરીએ. ચાલ, હું એક બાજુના ગેસ પર જમવાનું ગરમ કરીને બીજી બાજુ રોટલી ઉતારી દઉં.’

દીકરીને ગરમાગરમ રસોઈ જમાડીને સંતોષનો ઓડકાર ખાતી પ્રગતિ રસોડું સરખું કરીને જાસ્મીન પાસે બેઠી.

‘હા, બોલ તો શું કહેતી હતી ?’

‘મમ્મી, મારા એન્યુઅલ ડે ના દિવસે મારે  ક્રીએટીવ થીમવાળો ડ્રેસ પહેરવાનો છે. મારો વિચાર છે કે આપણે આજ્થી જ એ માર્કેટમાં શોધવા લાગીએ તો આવતા વીક સુધીમાં આપણી ચોઇસનો ડ્રેસ મળી રહેશે.’

‘બેટા, હું તને જાતે એવો ડ્રેસ બનાવી આપીશ. બજારમાં જવાની શું જરુર છે ?’

અને જાસ્મીન બે મીનીટ પ્રગતિનું મોઢું જોતી રહી ગઈ.

‘મમ્મા, આજકાલની લેટેસ્ટ ફેશન, કાપડ , ડીઝાઈન વગેરે તમને કંઈ ખ્યાલ છે કે ? તમે તો કાયમ સિમ્પલ ડ્રેસીસમાં જ ફરો છો અને તમે તમારા રસોડામાંથી તો નવરાં પડતાં નથી તો આ બધા માટે સમય ક્યાંથી કાઢી શકશો ?

‘હું બધું મેનેજ કરી લઈશ. તારી મમ્માના વચનો પર તો વિશ્વાસ છે ને તને ? બસ ફક્ત ત્રણ દિવસ આપ મને. વળી તને મારો ડિઝાઈન કરેલ ડ્રેસ ના ગમે તો આપણે માર્કેટમાંથી નવો લઈ આવીશું. એનું પ્રોમિસ આપું છું. બોલ હવે બીજું કંઇ.’

‘ના મમ્મી, બસ હું રાહ જોવું છું તમારા ક્રીએશનની. મારે શું મદદ કરવાની એ મને જણાવી દેજો.’

પ્રગતિએ કબાટ ખોલીને પોતાની થોડી જૂની સાડીઓ, ડ્રેસીસ અને અમુક કટપીસ પડેલાં એ બધું કાઢ્યું.સાડીઓ ઝરી ગયેલી પણ એની બોર્ડર સુંદર હતી. એક કાગળ ઉપર એણે રફ્ સ્કેચ તૈયાર કર્યો પછી એ પ્રમાણે  બોર્ડર , કોટન અને શિફોનના કટપીસ ઉપર ઘુઘરી, સ્ટોન, બાદલા વર્ક કરીને  કામ કરવા લાગી. અમુક સમયે થાકી જતાં એ બહારથી ખાવાનું મંગાવી લેતી. એના સંતાનો અને પતિદેવને પણ ઘણા વખત પછી બહારનું ખાવાનું ખાઈને મજા આવી. વળી એ લોકો પ્રગતિનું એક નવું જ રુપ જોઇ રહ્યાં હતાં એ જોઇને એમને પણ ખૂબ જ આનંદ થતો હતો. કોઇ એને એના કામમાં રોકટોક ના કરતું અને પોતાની રીતે પોતાના બધા કામ કરી લેતાં હતાં. પ્રગતિને સહેજ પણ ડીસ્ટર્બ નહતાં કરતાં.પ્રગતિ તો આટલાં દિવસો દરમ્યાન જાણે બીજા જ કોઇ પ્રદેશમાં પહોંચી ગઈ હોય એવું અનુભવતી હતી. છેવટે એક સુંદર મજાનો ડિઝાઈનર ડ્રેસ એણે જાસ્મીનના હાથમાં આપ્યો જે જોઇને ઘરનાં બધાંની આંખો ચાર થઈ ગઈ. પ્રગતિમાં રસોઈ કરવા, ઘરને સુંદર રીતે સજાવવા ઘજાવવા સિવાય આવું છૂપું ટેલેન્ટ પણ છે એની તો કોઈને જાણ જ નહતી.

જાસ્મીને હોંશે હોંશે એના એન્યુઅલ ડેમાં પ્રગતિનો ડિઝાઈન કરેલ ડ્રેસ પહેરીને પોતાનો પ્રોગ્રામ રજૂ કર્યો. પ્રોગ્રામના અંતે નિર્ણાયક ટીમે જાસ્મીનના પ્રોગ્રામને પહેલો નંબર મળ્યો. જાસ્મીન જ્યારે પોતાની ટ્રોફી લેવા સ્ટેજ ઉપર ગઈ ત્યારે નિર્ણાયક ટીમના સદસ્યોએ એના ડ્રેસ વિશે પૂછપરછ કરી ત્યારે જાસ્મીનને પોતાની સિધ્ધી કરતાં પ્રગતિની સિધ્ધી ઉપર વધુ ગર્વ થયો. માઈક સામે જઈને એણે પોતાની સફળતાનો સઘળો શ્રેય પ્રગતિને આપીને પોતાના પ્રોગ્રામ – ડ્રેસ પાછળ એણે કેટલી મહેનત કરી હતી એની વાત કરી. છેલ્લે જાસ્મીને પોતાની ટ્રોફી પ્રગતિને – એની માને અર્પણ કરવાની વાત કરી.પ્રગતિ જ્યારે સ્ટેજ ઉપર ગઈ ત્યારે હોલમાં બેઠેલાં દરેક જણાંએ એને તાળીઓની ગડગડાટથી વધાવી લીધી. કાંપતા પગ સાથે સ્ટેજ ઉપર ચડતી પ્રગતિ ટ્રોફી હાથમાં લીધી અને પોતાની દીકરીને આલિંગનમાં બાંધી બેઠી.એના બે હાથમાં સમાયેલી એની નાનકડી જિંદગી એના કાનમાં ધીમેથી ગણગણી,

‘મમ્મા, આઇ એમ પ્રાઉડ ઓફ યુ. અત્યાર સુધી અમારી સફળતાઓ ઉપર તું ખુશ થતી હતી અને અમને વધાવતી હતી ત્યારે બહુ ખુશી થતી હતી. પણ આજે તારી સફળતાને વધાવતાં એનાથી ચારગણી ખુશીનો અહેસાસ થાય છે. યુ આર વેરી ટેલેન્ટેડ. પ્લીઝ, તમારી આ ક્રીએટીવીટીને સ્ટોપ ના કરતી. વી ઓલ લવ યુ સો મચ એન્ડ ઓલવેઝ વીથ યુ.’

આટલાં વર્ષોથી પરિવારની સુખ સગવડો સાચવવામાં બહુ મહેનતે હાંસિલ કરેલી પોતાની બધી ટેલેન્ટને સાવ જ અવગણતી પ્રગતિને ભાન થયું કે દરેક  સિક્કાની બીજી બાજુ પણ હોય છે. એને પોતાના સંતાનોની સિધ્ધી જોઇને જેટલી ખુશી થાય છે , ગર્વ અનુભવે છે એમ સંતાનો પણ પોતાને એક મમ્મીના – ગ્રુહિણીના રુપથી અલગ જઈને એક સફળ વ્યક્તિ તરીકે જોઇને ગર્વ અનુભવે છે. સ્ત્રી ફકત મા, વહુ કે પત્ની જ હોય એવું જરુરી નથી. એ બધાંથી અલગ માંહ્યલીકોરમાં એક અલાયદી વ્યક્તિ પણ શ્વાસ લેતી હોય છે એ પણ સમયાંતરે કાળજી માંગે જ છે. પૂરતી કાળજીથી નીખરી ઉઠેલી જાત પણ બેહદ સંતોષ અને ખુશીનો અહેસાસ કરાવે છે. મનોમન એણે ઘર-રસોડાની કેદમાં પૂરી રાખેલી  આવડતોને થોડો છૂટો દોર આપવાનો, જાતને હળ્વેથી બદલાતા જમાનાની હવામાં તરતી મૂકવાનો નિર્ધાર કર્યો.

અનબીટેબલ  : સમય પ્રમાણે ખુશીઓની વ્યાખ્યા પણ બદલાય છે.

-સ્નેહા પટેલ.