સ્ત્રી હોવાનો ભાર


સ્ત્રી હોવાનો ભાર:

‘હું સ્કૂલમાં જતી ત્યારથી એ લોકોએ મને જોતા હતા અને એક દિવસ મારા મા બાપની સમક્ષ મને એમની સાથે પરણાવી દેવાની માંગ કરી. મારા પેરેન્ટસે એમની વાત ના સ્વીકારતા એ હેવાનોએ મારા ઘરની લાઈટપાણી ને બધી જીવનજરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય બન્ધ કરી દીધો ને ચોવીસ કલાક મારા ઘરની બહાર પહેરો ગોઠવીને ટોર્ચર કરવાનું ચાલુ કર્યું. ના છૂટકે મારા માતાપિતાએ મને એમની સાથે પરણાવવી પડી અને ત્યારે મારી ઉંમર હતી માત્ર 14 વર્ષ! પરણ્યાં પછી રોજ  મારી ઉપર ઢોર માર સાથે શારીરિક જુલ્મ થતો. ચાર મહિના ચૂપચાપ બધું સહન કર્યું ને પછી તક મળતાં હું ત્યાંથી ભાગીને હિન્દુસ્તાન આવી ગઈ.’આ શબ્દો છે અફઘાનની સ્ત્રી રુખસાનાના – જે અત્યારે 19-20 વર્ષની છે. 6 વર્ષ પહેલાં અફઘાનમાં સ્ત્રીઓની આ હાલત હતી તો અત્યારની હાલત તો વિચાર પણ નથી આવતો.
આજે જગત આખામાં એકવીસમી સદીની નારી માટે કેટકેટલું વિચારાઈ રહ્યું છે, કામ થઈ રહ્યું છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ. ઓલિમ્પિકમાં આપણી ભારતની મહિલા ખેલાડીઓના શાનદાર પ્રદર્શન પછી તો દરેક સ્ત્રીને પોતાના નારી અવતાર પર ગર્વ થઈ ગયો હતો, મનોમન આવતો ભવ પણ સ્વભાવે કોમળ ને મનથી આવા મજબૂત એવો સ્ત્રીનો અવતાર જ દેજો – એવી ભગવાનને પ્રાર્થના પણ કરી દીધી હતી. દુનિયાભરના પુરુષોને સ્ત્રીઓના માનસિક વિકાસ અને સમજભરી વિચારશૈલી ઉપર માન થવા લાગ્યું હતું, એમની તાકાત સ્વીકારવા લાગ્યા હતાં.


આજની નારી સ્વતંત્રતા સાથે પોતાના મૂલ્યો સાચવી જાણે છે એ જોઈને મનમાં હરખનો સાગર ઉછાળા પણ મારતો હતો ત્યાં અચાનક જ અમેરિકાએ અફઘાનમાંથી પોતાનું સૈન્ય હટાવી દીધું અને અફઘાનિસ્તાન ઉપર તાલિબાનીઓએ કોઈ જ પ્રકારની ઝાઝી મહેનત વિના જ કબજો જમાવી દીધોના સમાચાર જાણવા મળ્યાં અને થોડો શોક લાગ્યો. પછી તો રોજ રોજ ટીવી, નેટ, સમાચારપત્રો બધી જ જગ્યા તાલિબાનીઓના મહિલાઓ પ્રત્યેના ક્રૂર વર્તાવના સમાચારથી છલકાવા લાગી. જાત- જાતનાં અમાનવીય નિયમો બહાર પડવા લાગ્યા:
-મહિલાઓ એકલી ઘરમાંથી બહાર નહિ નીકળી શકે- ઘરની બહાર બુરખામાં જ નીકળી શકશે-  ઘરની બાલ્કની કે બારીમાં કોઈ મહિલા દેખાવી ના જોઈએ- નેલપોલિશ ના કરી શકે, હિલ્સ નહિ પહેરી શકે તેમ જ એમની મરજી મુજબ લગ્ન પણ ના કરી શકે.- ગ્રાઉન્ડ ફ્લોર પર ઘરની બારીઓને કલર કરવો જેથી કોઈ મહિલા દેખાય નહિ.- મહિલાઓ ફોટો પડાવી ના શકે અને કોઈ જ જગ્યાએ એમના ફોટા છપાવા પણ ના જોઈએ.-કોઈ જગ્યાના નામમાં મહિલાનું નામ લખાયું હોય તો એ દૂર કરી નાંખવું.-મહિલાઓ નોકરી નહિ કરી શકે તેમ જ શિક્ષણ પણ નહીં મેળવી શકે.-આ બધા નિયમોનો ભંગ કર્યો તો મહિલાઓને સજા થશે.
આ છપાશે ત્યાં સુધીમાં તો આવા કેટલાય નવા નિયમો બની જશે ખબર નહિ જાણે સ્ત્રી નહિ નિયમોનું પોટલું ના હોય!


આવું બધું વાંચીને મગજ બે ઘડી સુન્ન થઈ ગયું ને વિચાર આવી ગયો કે, ‘આ અચાનક જ આપણે કયા જમાનામાં પાછા વળી ગયા ?’
ધમધમતા વિકાસના પંથે સડસડાટ દોડતી સ્ત્રીઓની આવી અધોગતિ ! ક્યાં હજી તો આપણે સ્ત્રીઓની પસંદગી – નાપસંદગી, હક – મરજી જેવા વિવિધ પાસાઓ ઉપર ડિબેટ કરતાં હતાં,  દુનિયા પાસે નારીની વધુ ને વધુ સન્માનજનક સ્થિતિનો સ્વીકાર કરાવી રહ્યાં હતાં ત્યાં તો અચાનક આવા સમાચાર મળ્યાં ને જાણે બધું કરેલું કારવેલું પાણીમાં મળી ગયું. સમાજની બધી જ મહેનત, સમજ, સ્વીકાર, સપોર્ટ બધું જ એળે ગયું એવું લાગ્યું.


તાલિબાનોની પશુતા દિન બ દિન વધતી જ ચાલી છે. બાર વર્ષથી ઉપરની છોકરીઓ, 45થી નીચેની વિધવા સ્ત્રીઓ અમને સોંપી દો જેવી ક્રૂર માંગણીથી માંડીને જબરદસ્તી ત્યાંની સ્ત્રીઓ સાથે નિકાહ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સૂકામેવાના ભાવ આસમાને પહોંચી ગયા પણ  મા -દીકરી – બહેનની ફદિયાના ભાવે, માત્ર મનોરંજન હેતુ છડે ચોક નિલામી થઈ રહી છે -જેનાથી ત્યાંની દરેક સ્ત્રી પારેવડાં ની માફક ફફડી ઉઠી છે. એમાં પણ જે સ્ત્રી કોઈ બાળકીની માતા હોય એની હાલત તો ઓર ખરાબ. એ પોતાની દીકરીની ચિંતામાં પોતાના વિશે કશું વિચારી શકે એવી હાલતમાં જ નથી.

તમે બધાએ જોયું જ હશે કે છાપામાં એક અફઘાની ‘મા’નો ફોટો છપાયો હતો જે કાબુલ એરપોર્ટની અંદર પોતાની બે વર્ષની દીકરીને ફેંકીને ત્યાંના અફસરોને વિનંતી કરી રહી છે કે,’ મારું જે થવું હોય એ થશે પણ મારી દીકરીને અહીંથી બહાર કાઢી લો, બચાવી લો.’

ઊ…ફ…ફ…

આવી ઘટના લખતા મારા આંગળા કાંપી ગયા, દિલમાં ક્યાંક સતત નાગમતી લાગણી રમતી રહી..સાવ બે વર્ષની માસૂમ બાળકી જેના મોઢા પરથી હજી ભગવાનના ઘરેથી આ ધરતી ઉપર આવ્યાના પડછાયા પણ ઓસર્યા નથી, સરખું બોલતાં ચાલતાં ય માંડ શીખી હશે અને સમજણ તો હજી પારણાની રેશમી દોરીએ લહેરાતી હશે એવી માસૂમની આ હાલત ! 
આ તો એક ઘટના આપણા ધ્યાનમાં આવી બાકી તાલિબાનોની રાક્ષસી માનસિકતા સામે તો આવી કેટલી ય ઘટનાઓ ઘટતી હશે, કેટલી અબળાઓ રોતી કકળતી હશે, માર ખાતી હશે, પાશવી વિકૃતિઓ સહન કરતી હશે, જેનમાં આત્મહત્યા કરવાની હિંમત આવી હશે એ છૂટી ગઈ હશે પણ જેનામાં એ હિંમત ના હોય એ પણ જીવતી લાશની જેમ જ ક્યાંક પડી રહેતી હશે ને !
શું સ્ત્રી જન્મની આ જ સચ્ચાઈ છે? આટલા વર્ષોમાં એનો સરસ વિકાસ થયોની માન્યતાઓ, સ્વતંત્રતા બધું તકલાદી – ખ્યાલી પુલાવ માત્ર હતું? કાલે સ્ત્રી જન્મના આત્મગૌરવમાં જીવતી સ્ત્રીને આજે સ્ત્રીનો અવતાર એક શાપ જેવો લાગવા લાગ્યો છે, બહેન – દીકરી- પત્ની જેવા સંબંધો હોવા એ એક ભાર જેવું લાગવા માંડ્યું છે,
આજની અફઘાની સ્ત્રી સદીઓ પહેલાંની સ્ત્રી કરતાં પણ બદતર હાલતમાં જીવી રહી છે.એ જોઈને એક આર.એચ.શીનનું એક પ્રખ્યાત વાક્ય યાદ આવી ગયું,

‘Pain shapes a woman into a warrior.’

દુનિયાની મહાસતાઓ જ્યાં નિષફળ જઈ રહી છે ત્યાં કદાચ અફઘાનની સ્ત્રીઓ જાતે પોતાના ગૌરવ માટે યોદ્ધા બનીને ઉભરે એવી આશા રાખીએ, બાકી તો આ ઘટના સદીની સૌથી કરુણ ઘટના કહી શકાય એમ છે.

-સ્નેહા પટેલ.

Happy women’s day


My article on #divyabhaskar.com

https://www.divyabhaskar.co.in/news/DSHR-TRND-LCL-sneha-patel-with-woman-day-spacial-in-gamtano-gulal-divyashree-gujarati-news-5826473-NOR.html

‘મહિલા દિન’ની ઢગલો શુભેચ્છાઓ આજે મોબાઈલની ટોકરીમાં ભરાઈ ગઈ છે. અમુક વાહિયાત..કોપી..પેસ્ટ,સમજ વિનાની તો અમુક સાચે દિલને સ્પર્શી જાય એવી મુલાયમ , સ્પેશિયલ મારા માટે લખાયેલી પર્સનલ ટચ્ચ વાળી,સંયમ સાથે ખુલ્લા દિલથી લાગણી વહાવતી પોસ્ટ મળી..એમને દિલથી સલામ !

અચાનક આજે દુનિયાની દરેક નારી કોઈ જ સ્પેશિયલ કાર્ય કર્યા વિના એકાએક મહાન થઇ ગઈ હોય એવું અનુભવાય છે. હસવા સાથે દયા પણ આવે છે. જેટલી જલદી ઉપર ચઢશો એટલી જ જલ્દી ને તીવ્રતાથી કાલે પાછા જમીનને શરણ થઇ જાઓ એવો કુદરતી નિયમ યાદ આવી ગયો.
ઈશ્વરદત્ત સૌંદર્યના ગુણ ગાવા, ખોટી જગ્યાએ ખોટો ઉપયોગ કર્યા વિના તમે જાતે મહેનત , બુદ્ધિ અને સેલ્ફકોન્ફિડન્સથી તમારી અંદર શું વાવ્યું,ઉગાડયું ને લણ્યું એ વિચારો..ને પછી યોગ્ય લાગે એનો મહિમા કરો.

સ્વતંત્રતા એ કોઈના આપી દેવાથી મળી જાય એવી સ્થિતી નથી.તમારે જાતને એને લાયક બનાવવી પડે, પચાવવી પડે અને પછી એનો મહિમા કરતા શીખવાનો હોય. આટલું શીખી લીધા પછી તમને ક્યારેય તમારી ઈચ્છા, સ્વતંત્રતા ઉપર કોઈની પણ મંજૂરીના થપ્પાની કદી જરૂર નહિ પડે. એ કમાયેલી સ્વતંત્રતા એવી વિશાળ હશે કે એ સમજણનો ભવ્ય વારસો તમે તમારી આવનારી સાત પેઢી સુધી તો ચોક્કસ આપી શકશો !

અરે હા..આજકાલ સેનેટરી પેડ ‘ઈનથિંગ’ છે. એનું ય સ્વતંત્રતા જેવું જ. તમે હાથમાં પેડ લઈને ફોટા પડાવો છો. ભલે…પબ્લિસિટી, અવેરનેસ, પણ એ વાપર્યા પછી એનો યોગ્ય નિકાલ કરવામાં શું તકેદારી રાખવાની, એનો યોગ્ય નિકાલ એ તમારી જવાબદારી એવી સમજ આપો છો ?એ યોગ્ય નિકાલ ના થયેલ પેડનો કચરો કેટલું પોલ્યુશન ફેલાવે એનો અંદાજ પણ હોય છે તમને ?
પૂરતી સમજણ વિનાની સ્વતંત્રતા બધે નક્કામી જ નહિ છે પણ અધકચરા જ્ઞાનની જેમ હાનિકારક છે દોસ્તો.

હું ભગવાનનો આભાર માનીશ કે એણે મને દીકરો આપ્યો છે. મારેતો એક તન – મનદુરસ્ત સંતાન જોઈતું હતું, દીકરો કે દીકરી જે પણ હોય – મા બની શકવાનું સદ્ભાગ્ય એ ભગવાનના આશીર્વાદ. એક જ સંતાન બસ !

આજે જયારે આવા વેવલા મેસેજીસ વાંચીને મારો અતિસ્માર્ટ અને અતિલાગણીશીલ -સ્ત્રી દાક્ષિણ્યથી છલોછલ દીકરો આજના દિવસ પ્રત્યે ઘોર નારાજગી વ્યક્ત કરે છે ત્યારે હું નારી તરીકે અટકીને એક મા તરીકે વિચારવાનું ચાલુ કરું છું,

“આમ સ્ત્રીસશક્તિકરણની આંધીમાં આપણે આવનારી પેઢી, બનનારા પુરુષોના મગજમાં હકીકતે સ્ત્રીઓમાટે કેવા વિચારના બીજ રોપીએ છીએ ?”

આનો મતલબ એમ નહિ કે પુરુષોને બધું માફ, બધી !
છૂટ ! 😃
એમણે પણ બધી બાબતમાં સ્ત્રી નીચે જેવી માનસિકતા બદલવી જ રહી. નહિ બદલે તો એ પણ પસ્તાશે નક્કી. આજની સ્ત્રીઓ વધુ ને વધુ સ્માર્ટ, ઈન્ડિપેન્ડન્ટ અને પ્રેક્ટિકલ થતી જાય છે. શહેરોમાં શરૂઆત થઇ ચુકી છે, ગામડાં સુધી પણ ધીમે ધીમે એ વાયરા
ફૂંકાશે જ.

ટૂંકમાં કહું તો આ સમયની આંધીમાં સ્ત્રી પુરુષ બંને એ પૂરતો વિવેક અને સંયમ રાખીને એક તંદુરસ્ત સમાજ સ્થપાય એવા સાથે મળીને પ્રયત્નો કરવાના છે. એકબીજાની સામે પડવું બહુ સરળ છે પણ એકબીજાની સાથે ગરિમા પૂર્વક જીવવું બહુ અઘરું. આપણી દિશા કોઈનું મનોબળ તોડવાની કે નીચા દેખાડવાની ના જ હોય એનું ધ્યાન દરેકે રાખવું જ ઘટે.!
મોબાઈલમાંથી આટલું જ લખી શકી..થાકી ગઈ આંગળીઓ , તો અટકું 😃😃😃
વિશ્વાસ છે મારી વાત પાર દરેક મિત્ર એક વાર વિચારશે જ.
-સ્નેહા પટેલ.
9-3-2018

સ્ત્રી સશક્તિકરણઃ


phoolchhab newspaper > 9-10-2016 > navrash ni pal column

સ્ત્રી સશક્તિકરણઃ

 

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ,પણ

કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર !

-ચીનુ મોદી.

 

રમ્યા અને પીન્કી એક રેસ્ટોરાંમાં બેઠા હતાં. આજુબાજુના ટેબલો જુવાનિયાઓથી ભરાયેલા હતાં, એમની જ દુનિયામાં મસ્ત એ લોકોની ધમાલ મસ્તીથી વાતાવરણમાં ખાસ્સો કોલાહલ છવાયેલો હતો.

‘રમ્યા, તને પણ મળી મળીને આ જ રેસ્ટોરાં મળી ? પાંચ મિનિટ પણ શાંતિથી વાત નથી થતી. જો તો ખરી આ લોકોને – જાણે એમના સિવાય કોઇ આજુબાજુમાં છે જ નહીં. ઉફ્ફ..’

‘પીન્કી, આ સમયે નોર્મલી અહીં ભીડ નથી હોતી પણ આજે ખબર નહીં કેમ, કદાચ કોઇની બર્થડે પાર્ટી લાગે છે. હશે હવે, એમની ઉંમર છે, એન્જોય કરે છે, જસ્ટ  ઇગ્નોર ધેમ. આપણે આપણી વાત ચાલુ કર. શું કરે છે ઘરમાં બધા ? આપણે કેટલાં બધા સમય પછી મળ્યાં નહીં ? ‘

‘ ઘરમાં બધા મજામાં છે. વિશ્વા હમણાં જ એના ફ્રેન્ડ્સ સાથે ગોવા ફરીને આવી ને મીતેશ એના એમ.બી.એમાં બીઝી.’

‘અરે વાહ, ગોવા ! અમે પણ કેટલાંય વખતથી ત્યાં જવાનો પ્લાન કરીએ છીએ પણ સેટ જ નથી થતું.’ રમ્યા બોલી.

‘જો કે આ વખતે વિશ્વા લોકોના ગ્રુપને એક વિચિત્ર અનુભવ થયો. એ લોકોનું દસ જણનું ગ્રુપ હતું એમાં સાત છોકરીઓ હતી અને ત્રણ છોકરાંઓ. આજકાલની છોકરીઓ તો યુ નૉ ના – મોર્ડન ! કપડાં, બોલચાલ બધું એકદમ આધુનિક, વળી એમાં પણ ગોવા જેવી જગ્યાએ ફરવા જતાં હોય એટલે બધા કેવા ઉત્સાહમાં હોય એ તો સમજી જ શકાય એવી વાત છે ને. બધી છોકરીઓ થોડું થોડું ડ્રીન્ક પણ કરે છે ને એની એ બધાયના ઘરમાં ખબર છે. એ લોકો કશું છુપાવતાં નથી, બહુ જ ટ્રાન્સપરન્ટ છે આ લોકો. આપણી જેમ છુપાઈ છુપાઈને કશું જ નહીં. હા તો વાત એમ છે કે એ લોકો ડાન્સરુમમાં એમના ગ્રુપમાં ડ્રીન્ક કરીને ધમાલ મસ્તી કરી રહી હતી. એ વખતે ત્યાં બીજા લગભગ સાત આઠ છોકરાંઓનું ગ્રુપ પણ હતું,  એમાંથી અમુક છોકરાંઓની હિંમત એમને ડ્રીન્ક કરતાં જોઇને ખૂલી ગઈ અને એમની પાસે આવીને ડાન્સની ઓફર કરી. છોકરીઓએ આધુનિકતાના નામે એ સ્વીકારી લીધી અને ડાન્સ કરવા લાગી. પણ ડાન્સ ફ્લોર પર પેલા છોકરાંઓએ એમની સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કર્યુ જે બોલતાં પણ મને શરમ આવે છે. છોકરીઓએ વિરોધ કર્યો તો ઉલ્ટાના સામે બોલ્યાં કે,’ નૌ સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી, સરસ મજાનો સમય છે તો શું કામ આવા નખરાં કરો. લેટ’સ એન્જોય..વગેરે વગેરે..’ રમ્યાં લોકો સમજતાં કેમ નથી કે ડ્રીન્ક કરતી બધી છોકરીઓ ‘ચાલુ અને ઓલવેઝ અવેઇલેબલ’ નથી હોતી. આપણાં લોકોની મેન્ટાલીટી ક્યારે સુધરશે એ જ નથી સમજાતું.’

‘પીન્કી, તું જેવું કહે છે એવું જ એક મૂવી હમણાં મેં જોયું. એમાં પણ મોર્ડન છોકરીઓ આવી ગેરસમજની ભોગ બનેલી. એ મૂવીના હીરોએ છોકરીઓને સેફ જીવવા માટે ઘણા બધા સારા રુલ્સ સમજાવ્યાં છે જેને આપણે સમાજ ઉપરના કટાક્ષ તરીકે લઈ શકીએ અને સાવચેતીના પગલાંરુપે પણ લઈ શકીએ. હીરો ફકત ‘ડાયલોગ’ બોલી  જાય છે –  જસ્ટીફાય આપણે કરવાનું રહે કે આમાંથી શું શીખવું ?  પણ એક વાત પાકકી કે સ્ત્રી સશક્તિકરણ બોલચાલ કે પહેરવેશની છૂટ માત્રથી નથી આવી જતું. આપણો સમાજ આજકાલની સ્ત્રીઓ, છોકરીઓને બહુ જ આધુનિક બનાવવાના ચક્કરમાં ગમે એવા પહેરવેશની તરફેણ કરે છે, જાહેરમાં ડ્રીન્ક કરીને ગમે એમ બોલે કે જીવે એમની મરજી એમને કોઇ રોક ટોક શા માટે ? એવા નારા લગાવે છે, પણ સામે એમની સુરક્ષાના નામે માંડ દસ ટકા જ કામ થયું છે એ ભૂલી જાય છે. તમે ગમે એટલાં ટૂંકા કપડાં પહેરો તમારી મરજી પણ જ્યારે કોઇ તમને હેરાન કરે તો સ્વરક્ષણ માટે તમે કેટલાં તૈયાર છો એ કદી વિચાર્યું છે ?  સ્ત્રી રક્ષણના કાયદા છે પણ એનો અમલ થતાં કેટલો સમય જાય અને ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય એનું ભાન છે ? એક રીતે જોતાં આ બધા મહાન ચિંતકો અને સ્ત્રીઓની તરફેણ કરવામાં વ્યસ્ત લોકોના સમુદાયે આધુનિકતાના નામે આજકાલની છોકરીઓને કન્ફ્યુઝ કરી મૂકી છે, વાસ્તવિકતાથી દૂર કલ્પનામાં જીવવાનું જ શીખવાડે છે. સ્વતંત્રતાના નામે  બધા હક એમને આપી દીધા છે, લીવ ઇન માં રહેવું કે લગ્ન કરી લેવા સુધીની છૂટ પણ આપી દઈએ છીએ પણ જયારે એ સંબંધો પાંગળા સાબિત થાય ત્યારે એનો ઉકેલ કાઢીને સામી છાતીએ લડવા માટેની જે હિંમત જ જોઇએ એ તાકાત આપણે એમને નથી આપી શક્યાં. જે સ્થિતીનો સામનો કરવાની માનસિક કે શારિરીક તાકાત ના હોય એ સ્થિતી સુધી ખાલી આધુનિકતાના આંચળ હેઠળ જઈને નુકશાન બીજા કોઇને નહીં પણ ખુદ એમને જ થવાનું છે. જો સ્વતંત્રતા કે સ્ત્રી સશક્તિકરણનો રસ્તો છેલ્લે એમની માનસિક – શારિરીક યાતનાની મંઝિલ તરફ  જ જતો હોય તો એવું મનસ્વીપણું શું કામનું ? છોકરાંઓની મેન્ટાલીટી પણ બદલાઈ રહી છે પણ આ બધા પરિવર્તનો બહુ ‘સ્લો’ હોય છે વળી બધી આંગળીઓ સરખી નથી હોતી, ગુમાવવાનું તો છેલ્લે છોકરીઓના પક્ષે જ વધુ આવે છે.હા, એ બધું સહન કરી લેવાની અને કોઇ પણ પ્રકારનું રીઝલ્ટ આવે તો એને બિન્દાસ રીતે કશું થયું જ નથી એમ લેવાની તાકાત જે છોકરીમાં આવી જાય એને મનફાવે એટલા વાગે દારુની બોટલ હાથમાં લઈને અર્ધનગ્ન અવસ્થામાં ફરવાની છૂટ સો ટકા હોવી જોઇએ. એવી બોલ્ડ સ્ત્રીઓને મારા સલામ ! પણ આપણે તો આપણી માનસિકતા બદલ્યા વગર ફક્ત પહેરવેશ જ બદલ્યાં કરીએ છીએ, છૂટછાટો લીધે રાખીએ છીએ. એમાં આજની પેઢી નથી આમની રહેતી કે નથી પેલી બાજુની ! સરકાર કે બીજું કોઇ તમારું રક્ષણ કરશે પણ એ પહેલાં તમે બધી રીતે તમારી જાતને સાચવતાં, રક્ષતા શીખો પછી જેમ મન ફાવે એમ વર્તન કરો. બાકી સંતાનોને અમુક વર્તન ના કરવાની સલાહ આપવાથી આપણે જૂનવાણી નહીં પણ સમજુ પેરેન્ટ્સ જ કહેવાઈએ એ વાત નક્કી. સો વાતની એક વાત  કે આપણે આપણાં સંતાનની બાંહેધરી લઈ શકીએ બીજાનાં છોકરાંઓના વર્તનની નહીં. આપણી ફરજ છે કે આપણાં સંતાનોને દરેક છૂટછાટ સાથે એના પરિણામો પણ સમજાવીએ અને એની સામે લડતાં શીખવીએ પછી જ છૂટ લેવા દઈએ. હું તો આમ માનું છું – તું શું માને ?’

‘હા,રમ્યા તારી વાત સાવ સાચી. શારિરીક ને માનસિક રીતે નબળી હોય એવી છોકરીઓએ અને એમના મા-બાપે આધુનિકતાના નામે આવા અખતરાં કરતાં પહેલાં સો વખત વિચારી જ લેવું જોઇએ. ‘

અનબીટેબલઃ ખાત્રી હંમેશા ટકોરાબંધ હોવી જોઇએ.

સ્નેહા પટેલ