સાચી સુંદરતા


ફુલછાબ દૈનિક પેપરમાં ‘નવરાશની પળ’ કોલમનો આજનો મારો લેખ

Click to access panch_01.pdf

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..

– રમેશ પારેખ

બ્યુટીશિયન, ન્યુટ્રીશન – ફિટનેસ ટ્રેઇનર, કોસ્મેટિક સર્જન, ડેન્ટિસ્ટ જેવા ખૂબસૂરત વર્લ્ડના નિષ્ણાતોની મદદથી ગ્રીવાએ પોતાના વ્યક્તિત્વમાં સુરેખ ચહેરો, દાડમની ક્ળી જેવા એકસરખી લાઇનમાં ગોઠવાયેલા દાંત, નાજુક – સપ્રમાણ સુડોળ શરીર, અને રેમ્પ પર ચાલવા માટેની સ્પેશિયલ તાલીમ વગેરેનો સમાવેશ કરીને પોતાના નાજુક પણ ટટ્ટાર ખભા ઉપર ખુમારી અને આત્મવિશ્વાસનો ઢોળ બહુ જ મહેનતથી ચડાવેલો. કાચા હીરા જેવું એનું સૌંદર્ય આ બધી માવજતોથી ઝગમગતા તેજથી ઝળકી ઉઠ્યું હતું. જોકે એ ઉચ્ચ બૌધ્દિક સ્તરની સ્વામિની હોવા ઉપરાંત ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક લાયકાતો પણ ધરાવતી હતી. પણ ‘જમાનાએ હંમેશા સ્ત્રીઓની બુધ્ધિ કરતાં રુપને વધારે આદર સમ્માન આપ્યું છે’ એ વાત એના મગજમાં જડબેસલાક રીતે બેસી ગયેલી.એટલે એનું સમસ્ત ’પેશન’ ફ઼ક્ત અને ફ઼ક્ત પોતાની સુંદરતાની માવજત તરફ઼ જ વહેતું હતું.પોતાના કો-ઓર્ડીનેટર ’અક્ષત’ની મદદથી લેટેસ્ટ સ્ટાઇલમાં એક પોર્ટફ઼ોલિયો પણ બનાવી દીધેલો.

બ્યુટી કોન્ટેસ્ટમાં ’બ્યુટી વીથ બ્રેઈન’ના ગતકડા હેઠળ પુછાતા ૧૦- ૧૨ વર્ષનો બાળક પણ આસાનીથી જેનો જવાબ  આપી શકે એવા સવાલોના સાંભળીને એ મનોમન હસી પડતી અને આત્મવિશ્વાસ સાથે ડાહ્યા ડાહ્યાં જવાબો આપીને છેલ્લાં ત્રણ વર્ષમાં  બે બ્યુટી કોન્ટેસ્ટ પણ જીતી લીધી હતી.

રેમ્પ મોડેલ તરીકે સક્સેસ જતા પછી તો એને ટીવી, એડ એજન્સી વગેરે તરફ઼થી ફ઼ોટોગ્રાફ઼ી મોડેલિંગ માટેની ઢગલો ઓફ઼રો આવવા માંડી. અક્ષતની મદદ અને માર્ગદર્શનથી સ્વીકારતા સ્વીકારતા આજે એ ટોપની મોડેલ તરીકે સફ઼ળ થઈ ગઈ હતી.

સફ઼ળતાનો નશો અદભુત હોય છે.

એક પછી એક સફ઼્ળતાની સીડીઓ પાર કરતી ગ્રીવા આજે ઉંમરના ૨૮ વર્ષના પડાવ પર આવીને ઉભી રહી હ્તી. હવે એની સુંદરતાના કામણ ઓસરવા માંડેલા. હવે એને જીવનમાં એક સાથીદારની હુંફ઼ની, સાચા પ્રેમની જરુરત ઉભી થવા માંડેલી. સ્વાભાવિક રીતે જ એની નજર એની એક્દમ નજીકના મિત્ર અક્ષત પર ગઈ. એણે ‘ઈન્ડાયરેક્ટલી’ ગ્રીવાને ઘણીવાર આ વાત કરી હતી. પણ ગ્રીવાએ એના પર બહુ ધ્યાન નહોતું આપ્યું. આજે લગ્ન કરીને ઠરીઠામ થવાનો વિચાર આવતાં જ પોતાને નખશીખ જાણતા, સાચવતા, સમજતા અક્ષત માટે એના દિલમાં એક્દમ જ લાગણીનો ઝરો ફૂટી નીકળ્યો હતો. અક્ષત તો ક્યારનો તૈયાર હતો.  વર્ષોથી ફેમિલીથી દૂર રહેતા એ લોકોએ કોઇ વડીલની રજામંદીની જરુર નહોતી.પરિણામે બેય જણ ટુંક સમયમાં જ પરણી ગયા.

એમનાં લગ્નજીવનને એક,બે,ત્રણ વર્ષ વીત્યાં. બેય પક્ષ એકબીજાની કમજોરી અને ખૂબી સારી રીતે જાણતા અને ચલાવી લેતા હોવાથી બહુ વાંધો ના આવ્યો. પણ હવે ગ્રીવાના મનમાં માતા બનવાની એષણા તીવ્ર બનતી જતી હતી.

એક દિવસ ગાયનેકોલોજીસ્ટ પાસે ગઈ અને પોતાનું બોડી ચેક અપ કરાવ્યું. થોડા સમયમાં જે રીપોર્ટ આવ્યો એ આઘાતજનક હતો. સતત મોડેલિંગના ધખારામાં કરવામાં આવેલ ડાયેટીંગ,  સ્ટ્રેસભરેલ જીવાતા રાત અને દિવસો, આધુનિકતાની ઓથ હેઠળ ચાલુ કરેલા સિગારેટ અને દારુના વ્યસનો, ટોચ પર પહોંચવાની લાલસામાં કરાયેલા સમાધાનોના ફળસ્વરુપે મળેલ બે – બે વાર માતૃત્વની તકને એણે અબોર્શનની ઠોકરથી દુર હડસેલી દીધેલું. આ બધાના પરિણામે  ડોકટરના રીપોર્ટમાં સાફ લખાઈને આવેલું કે ગ્રીવા હવે કદી મા નહી બની શકે.એનું હાડપિંજર જેવું, ફીગરોના માપદંડના આંકડામાં ગોઠવાયેલું રહેતું શરીર મા બની શકવાને સહેજ પણ સમર્થ નથી.

હકીકતનો વિકરાળ અજગર આજે ગ્રીવા સમક્ષ પોતાનું વિશાળ જડબું ફાડીને ઉભું હતું ને એની હાંસી ઉડાવતુ હતું.

ગ્રીવાથી મનોમન એક નિસાસો નંખાઇ ગયો..

કાશ, આ બધી નિરર્થક દોટના બદલે આટલો સમય અને મહેનત પોતાની આંતરિક સુંદરતાને વધારવામાં,  સ્ત્રી સહજ લાગણી અને ઉર્મિઓની ક્દર કરીને બહારની દેખાડાની સુંદરતાના બદલે તનની સાચી સુંદરતા  સાચવવામાં  આપ્યો હોત તો અત્યારે એ એક સફળ મોડેલ ભલે ના હોત પણ એક સફળ માતા તો જરુર બની શકી હોત..

અનબીટેબલ :- જીવનમાં અમુક ખાલી જગ્યાઓ ક્યારેય નથી પુરાતી.

સ્નેહા પટેલ – અક્ષિતારક