સોરી..


તું જે પણ માંગે એ બધું
બહુ જ પ્રેમથી આપ્યું જા..
પણ
રોજ રોજ
જેને લાખોની સંખ્યામાં
નાજુક કૂંપળૉ ફૂટે છે
દિલની ધડકનોના તાલે
એની પર મઘમઘતા ફૂલોના ખીલવાની
આતુરતાપૂર્વક રાહ જોવાય છે
એ મારા કોડીલા
સપના તારા નામે કઈ રીતે કરું..!
-સ્નેહા પટેલ

શ્રાપ


મારા વ્હાલસોયા સપના
જન્મ લેતાની સાથે જ

તારા શિરે

કાયમ અધૂરા રહેવાનો
આ કેવો
શ્રાપ લખાઇને આવેલું..!

-સ્નેહા પટેલ.

મારું લાડકવાયું સપનું


મારા કાયમથી અધૂરા સ્વપ્ન

હું તને બહુ જતનથી લાડ લડાવું છું

ઉરમાં સંગોપીને  ઉછેરું છું

પળે-પળ અવનવી  કલ્પનાઓની રંગપૂરણી કરું છું

નકરી લાગણીઓ ઉમેર્યા જ કરું છું

ઉમેર્યા જ કરું છું.

મને એ વાત બહુ સારી રીતે ખ્યાલમાં છે કે

આ મારું મહામૂલું, લાડકવાયું સપનું

ક્યારેય

પૂર્ણ નથી જ થવાનું !!

-સ્નેહા પટેલ.

“મિલન-હત્યાનું” પાપ


આ હવા હજી હુંફાળી છે,
આ ધડકન હજી તોફાની છે,
આ આંખે શરમની લાલી છે,
તું હજી જાગે છે,
એની આ નિશાની છે…

અહીં પ્રિયતમા એના પ્રેમીને યાદ કરે છે અને દિલ પોકારી પોકારીને જાણે ફરિયાદ કરે છે.એનો પ્રિયતમ એનાથી દૂર દૂર જઈને બેઠો છે.દિવસ તો જેમ તેમ કરીને એણે કાઢી નાખ્યો, પણ આ કાળી રાત..હાય રે..કેમ કરીને વીતે..?બસ અંદર અંદરથી અંતર એક સાદ પોકારે છે.આકાશમાં ખાલી કોરી ધાકોર આંખે એકીટશે નિહાળે છે,તારાઓની ગોઠ્વણીથી એના પિયુજીનો ચેહરો દેખાઈ જાય રખેને..!!ક્યાં તો કોઈ તારો તૂટી પડે ને એ પળે વ્હાલાના મિલનની ક્ષણ યાચી લે પ્રભુ પાસે..!!

તારાઓની રોશનીમાં ચાંદ સાથે મીઠડા ચાંદને એક સંદેશો મોકલે છે.. પાગલ વહેતી હવાને થોડી વીનવી લે છે કે મારો ચાંદ સૂવાની તૈયારીમાં છે,જરા ધીરેથી એના ઘુંઘરાળા કાળા વાળને સહેલાવજો અને એના કાનમાં મેં મોકલેલું પ્રણય ગીત સંભળાવજો.કહેજો,તું હજી જાગે છે એ મને ખબર છે હું તારી આપણા મીઠા સપનાઓની દુનિયામાં બેકરારીથી તારી રાહ જોવુ છું.અને હા…જોજો… સંભાળીને…તમારા પગરવના અવાજથી પાછી એની નાજુક,સંવેદનશીલ નીંદર ઊડી ના જાય..ધ્યાન રાખજો.નહીંતર મારા મીઠા સોણલાં એના આગમનની રાહ જોતા જ રહી જશે. એ નીલા સપનાઓની દુનિયા…જ્યાં એ મને એના અનરાધાર સ્નેહથી ભીંજવી દે છે.એના પ્રેમથી આકંઠ છલકાવી દે છે.જ્યાં એનું ધૈર્ય બધા બંધનો ફગાવીને મને એ બેફિકરાઈથી મને મળે છે.એ મિલન અધુરું રહી જશે અને તને “મિલન-હત્યાનું” પાપ લાગશે.

મહેરબાની કરીને મારું આટલું કામ કરી દે ઓ વહેતી હવા..ભગવાન તને સો વરસની કરે,તારા બધા અરમાનો પૂરા કરશે,તું ચીર-યૌવન પામે..બસ હું ઈશ્વર પાસે તારા માટે એવી પ્રાર્થના જ કરી શકું…

સ્નેહા-અક્ષિતારક,
૧૫-૧૨-૦૯,રાતના ૧૦.૩૦ વાગ્યે