sapnan ni duniya


સપનાંની દુનિયાઃ

રહ્સ્યો જીં્દગીના આટલાં છે,
કથા એની નથી લખવી હવે !
-રમેશ ભટ્ટ ‘રશ્મિ’.

દર્શના આજે બહુ જ ઉત્સાહમાં હતી. આજે એ વેબડિઝાઈનરને મળવા જવાની હતી. વર્ષોથી એણે એક સપનું જોયેલું હતું – પોતાના ‘બુટીક’ની વેબસાઈટ ખોલવાનું અને એના થકી ઓર્ડર મેળવવાનું.
છેલ્લાં દસ વર્ષથી અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પાસે એની પોતાની એક શોપ હતી. એમાં એ જાતે ડિઝાઈન કરી કરીને લેડીઝ ડ્રેસીસ, બ્લાઉઝ વેચતી હતી અને એક્સ્પોર્ટ પણ કરતી હતી. થોડા ઘણા સમયથી એ પોતાના હરીફોને ઓનલાઈન બિઝનેસ કરતાં જોઇ રહી હતી અને એના અમુક ક્સ્ટમર પણ એને વેબસાઈટ્ર દ્વારા બિઝનેસ એક્સપાન્ડ કરવાની સલાહ આપતા હતાં. પોતે જેને લાયક છે એટલું મેળવી નથી શકતી એવો ભાવ લઈને જીવતી દર્શનાના મગજમાં વેબસાઈટનું સપનું ક્યારે પનપવા માંડ્યુ હતું એને ખબર જ નહતી. રોજે રોજ એની દુકાનમાં આવતા ફરફરીયામાં વેબસાઈટની એડવર્ટાઈઝ જોતી, આજુબાજુની દુકાનો પર પણ હવે ડબલ્યુ ડબલ્યુ.કોમ લાગવા માંડયા હતાં. અંદરની આગ ઓર ઘેરી થતી જતી હતી. એક દિવસ મનોમન વિચારીને એણે અમુક વેબડિઝાનર્સના કોન્ટેક્ટ્સ કર્યા અને એમાંથી એક સારો ને રીઝનેબલ લાગતા એને મળવાનો સમય નક્કી કરી લીધો.
આજે એનું સપનું એની દિશામાં એક કદમ ભરી રહ્યું હતું.
વેબડિઝાઈનરને મળીને એણે પોતાની રીકવાયરમેન્ટ્સ કહી અને ડિઝાઈનરે એને પોતાની બનાવેલી અમુક વેબસાઈટની ડિઝાઇન બતાવી. એમાંથી દર્શનાને એક ડિઝાઈન બહુ જ ગમી જતાં એણે પોતાની વેબસાઈટ એવા જ રંગરુપમાં બનાવવાની ઇચ્છા વ્યકત કરી. ડિઝાઇનરે કાગળ ઉપર દર્શનાની જરુરિયતના લિસ્ટ પર નજર નાંખી અને થોડી ગણત્રી કરીને પોતાની મહેનતના રુપિયા ૨૦,૦૦૦ કહ્યાં. આંકડો ધારણા કરતાં થોડો મોટો હતો, દર્શના કચવાઈ પણ નજર સામે તરત જ પોતાનું ડ્રીમ પૂરું થતું દ્ર્શ્યમાન થયું અને સાથે સાથે ડ્રીમ વિશે વાંચેલા – સાંભળેલા અનેકો ક્વોટ્સ ધમાચકડી મચાવવા લાગ્યાં. સાહસ વિના કોઇ સપનું પૂરું નથી થતું….સપના જુઓ છો તો એને પૂરાં કરવાની તાકાત પણ રાખો..સપના વિનાનું જીવન નક્કામું…વગેરે વગેરે..અને દર્શનાની આંખો પળભર બંધ થઈ ગઈ. મગજની નસોમાં સપનાનો નશો તરવરવા લાગ્યો, લોહી ધમધમવા લાગ્યુ અને એણે દિલ મક્કમ કરીને ‘હા’ પાડી દીધી.
લગભગ પંદરે’ક દિવસમાં તો ડિઝાઈનરે સાઈટ રેડી કરીને દર્શનાને ફોન કર્યો.
‘મેમ, સાઈટ તો રેડી છે બસ તમે હવે ડોમેઇન રજીસ્ટર કરાવી લો અને સ્પેસ લઈ લો એટલે તમારી જગ્યામાં એ ટ્રાંસફર કરી ્દઉં.’
‘હે..એ…એ…એ વળી કઈ બલા..?’
‘અરે મેમ, તમને કંઇ ખબર જ નથી. ડોમેઇન નેમ તો મસ્ટ છે. વળી તમારી પોતાની સ્પેસ ના હોય તો સાઈટ ચલાવશો ક્યાં ? વળી તમારો ઉદ્દેશ ધંધાનો છે એટલે ઓનલાઈન મની ટ્રાંસેક્શન માટે તમારે પેમેન્ટ ગેટવે પણ જોઇશે જ ને. ‘
‘એ બધું મને ના સમજાય ભઈલા…તું તારે એ બધાના ખર્ચાનો આંક્ડો કહે ને.’
‘લગભગ વર્ષના આઠ નવ હજાર તો થાય જ.’
‘અરે…એ પણ દર વર્ષના હોય ? એટલે કે મારે દર વર્ષે રીન્યુ કરાવવું પડે ?’
‘હાસ્તો મેમ..તમને ના ખ્યાલ હોય તો હું મારા કોંન્ટેક્ર્ટસમાં છે એમની પાસેથી સરવર , ડોમેઇન લઈ લઉં છું.’
પોતાને આ લાઈનમાં સાંધાની ય સમજ નહતી પડતી એટલે કચવાતે મને દર્શનાએ વેબડેવલોપર પર વિશ્વાસ મૂક્યે જ છૂટકો હતો.
વાજ્તે ગાજતે બધું ૩૦,૦૦૦ સુધીમાં પત્યું.
દર્શના માટે આ રકમ બહુ મોટી હતી પણ કંઇ નહીં પોતાનું સપનું પૂરું થઈ રહ્યું હતું. ઉત્સાહથી એનું રોમેરોમ નર્તન કરતું હતું, બમણાં જોશથી એણે પોતાના ડ્રેસીસના ફોટા, ડિટેઇલ્સ બધું વેબસાઈટ પર અપલોડ કરવા માંડ્યું. ડેવલોપરે પણ ખાસી એવી હેલ્પ કરી. બધું સમૂસુતરું પાર પડતું હતું. એક દિવસ ઓસ્ટેલિયાથી એક ગ્રાહકનો ઓર્ડર આવ્યો અને દર્શનાના દ્સે કોઠે દીવા થઈ ગયાં.
‘અહા..આ.. આ જ દિવસની તો એ રાહ જોઇ રહી હતી. પોતાની ડિઝાઈનને ઇંટરનેશનલ માર્કેટ મળી રહ્યું હતું.’
આંખમાંથી સંતોષનું એક આંસુ સરી પડયું. એ પછી એ ઓર્ડરને પહોંચી વળવાની કસરત ચાલુ થઈ અને છેલ્લે પંદર દિવસ પછી એને ડિસ્પેચ કરીને દર્શના સોફ્ટ ડ્રીંકની બોટલ લઈને પીતા પીતા બધાનો હિસાબ કરતી હતી તો એની આંખો પહોળી થઈ ગઈ. કમાણી કરતાં ખર્ચો ડબલ થઈ ગયો હતો. વળી વેબસાઈટનો ખર્ચો તો ચાલુ થઈ જ ગયો હતો. દર વર્ષે એ જફા તો ઉભી ને ઉભી જ. વળી ધાર્યા પ્રમાણે ઓર્ડર પણ નહતાં મળતા એટલે એણે અનેક સ્કીમો કાઢવી પડતી જેમાં નફો સહેજ પણ નહતો થતો. એમ છતાં પણ વેચાણ પછી પણ અનેક ગ્રાહકો કમ્પ્લેઈન કરતાં રીવ્યૂઝ લખતાં, માલ પાછો મોકલતાં.. એક શુભચિંતકે એને ડીઝીટલ માક્રેટીંગનો રસ્તોબતાવતા એણે એમાં પણ થોડું ગણું રોકાં કર્યુ પણ પરિણામ માઈનસ..માઈનસ ..માઈનસ.
વળી આ બધી ભાંજ્ગડમાં એ પોતાની દુકાન પણ વ્યવસ્થિત્ નહોતી સંભાળી શકતી. એના વર્ષો જૂના અમુક કસ્ટમર પણ ખોવા પડ્યાં હતાં. વર્ષના અંતે જ્યારે સ્પેસ, નેમ બધું રીન્યુ કરાવવાનું થયું ત્યારે દર્શનાએ કચકચાવીને મન મજબૂત કરી દીધું અને વેબસાઈટ્ર બંધ કરવાનો નિર્ણય લઈ લીધો.
મનોમન આખી ઘટનામાંથી પસાર થતા એને પોતાની અનેકો ભૂલો ખ્યાલ આવી હતી. સપનું પૂરું કરવું…પૂરું કરવું ની ધૂનમાં એ સપનાને પહોંચી વળવાની પોતાની તાકાત, એ માર્કેટ – ફિલ્ડનું ઘ્યાન સહેજ પણ નહ્તું એ તો ખ્યાલ જ ના રહ્યો. લોકોએ સલાહ આપી અને પોતે મૂર્ખાની જેમ માનીને હાલી નીકળી. આજે પોતે ઢ્ગલો સ્ટ્રેસ સાથે જ્યારે સાઈઠ થી સિત્તેર હજારના આંકડાને રડી રહી હતી ત્યારે એ વખતે એ સપના બતાવનારું કોઇ જ એના ખભે હાથ મૂકીને સાંત્વના આપવા હાજર નહતું.
હાર નહતી માની પણ હવે પછી બરાબર હોમવર્ક કરીને જ કોઇ કામ હાથમાં લેવું, સપના તો હજારો આવે પણ પ્રેકટીકલી એ કેટલાં શક્ય છે એ પૂરેપૂરી તપાસ કરીને જ આગળ વધવું અને મહેનત કરવી – એવો નિર્ણય કરીને ્દર્શનાએ પોતાની ઇઝીચેર પર પોતાનું માથું ટેકવીને આંખો બંધ કરી દીધી.

-સ્નેહા પટેલ.

સપના


જીવનમાં અમુક સપનાઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે.

સ્નેહા પટેલ – અક્ષિતારક