દર્શન:
મારા ઈશ્વર સાથેના સંવાદો:
સખૈયા..હે સખૈયા…
કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય.આમ તો માંહ્યલી કોર જાતજાતનાં નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે, પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે.
અત્ર – તત્ર સર્વત્ર અંધકાર.
અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન સ્થાપી રુઆબ સાથે એમનો પ્રભાવ વિખેરવા લાગે ,પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે! હું સતત એ અંધારામાં ઊંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું. કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું, પણ જ્યારે સફળ થઇ જાઉં ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું.
આજે પણ અંધકારમાં મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાવીએ એટલાં વધુ જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.
સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક એક નવું મંદિર બન્યું હતું. હું બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઊઠીને ઝાકળભીનાં વાતાવરણમાં હું મંદિરે ઉપડી જ ગઈ . સૂર્યદેવતાના કોમળ કિરણોમાં ચોમેર વાતાવરણ પણ પ્રફુલ્લિત જણાતું હતું જાણે આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને આળસ મરડીને ના બેઠું હોય! આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !
મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું તો રહ્યો મારો મનમોજી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.
મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં અને સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો..અહાહા.. મારો સખા સાક્ષાત! ગુલાબ, જાસૂદ, મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી તારા મુખારવિંદની આછી ઝલક જોવા મળી જ ગઈ. તારા મસ્તકની ફરતે અનોખી આભા નિહાળી આંખમાં હર્ષ, સંતોષના આંસુ આવી ગયા.
સખૈયા, એ ક્ષણે મને અફસોસ પણ થયો કે, “હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?” આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ , બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.
‘દાનવીર કર્ણ.’
ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં રહેલાં દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને આવકારવા લાગ્યો.
એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ? મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ.
એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નથી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે..
ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ?
આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે..
સ્નેહા પટેલ.

