Marriage anniversary


આજે લગ્નજીવનના 23 વર્ષ પૂરાં થયાં. જેટલાં કુંવારા એટલાં જ લગ્નજીવનના સહિયારા વર્ષો. આજે બે યનો આંકડો સરખો 🙂
 પાછળ વળીને જોતા જીવનનો એકે એક ખૂણો જાતજાતના રંગોથી, ભાતભાતના રસથી ભરચક દેખાય છે. આજના વર્તમાનમાં વીતી ગયેલ પળોનો અહેસાસ મારા હોઠ પર મારી જાણ બહાર જ મીઠી મુસ્કાન મૂકી જાય છે. એ જુવાનીની નાદાનીઓમાં ક્યારેક અચાનક ફૂટી નીકળતા ડહાપણભર્યા વર્તન પાછળ માત્ર ને માત્ર એકમેક માટેની લાગણી, ક્યારેય કોઈ પણ સંજોગોમાં હાથ નહિ છોડવાનું પરિબળ જ જવાબદાર દેખાયું છે. આખું પાછલું જીવન અત્યારે મારી આંખો સમક્ષ આવીને વસી ગયું છે એવી લાગણી થાય છે.
કોલેજના એ નાદાન, મસ્તીભર્યા,બેફિકરા જીવનમાં પણ હું મારી જાતને એક જવાબદારીથી સાચવતી હતી. કોઈનો એક પણ ખોટો કે આડોઅવળો અક્ષર સાંભળવાની સહેજ પણ તૈયારી નહીં પણ જ્યાં લાગણી હોય ત્યાં બધું ભૂલીને વારંવાર સામેથી જવાની ટેવવાળી ને કાયમ મસ્તી- લાગણીથી ભરપૂર સ્નેહા આજે મને ખૂબ મીઠડી લાગે છે. 
એ માસૂમિયત, એ બચપન પછીની તાજી જુવાની અહાહા….
મને આ બધું વિચારતાં ખૂબ ખુશી થાય છે કે અમારા જમાનામાં મોબાઈલ,ફેસબુક,વોટ્સઅપ જેવા ભમમરીયા કૂવાઓ નહતા. બહુ જ સરળ ને સ્પષ્ટ જીવન. એ વખતે લવમેરેજ કરનારા લોકોને વિચિત્ર ગ્રહના પ્રાણીની જેમ જોવાતા..હાહાહાઆ……એ સમયે હું સ્વીકારું છું કે અમારામાં આજના જુવાનિયાઓ જેટલી દેખીતી સ્માર્ટનેસ નહતી પણ અંદરની સ્માર્ટનેસ, કોન્ફિડન્સ સુપર્બ. હેતલ, જે આજે મારા પતિદેવ છે એમને ‘હા’ પાડતા વિચારવા માટે થોડા સમયની મંજૂરી માગેલી પણ એ ઘરના લોકોની સહમતિના પ્રશ્નને લઈને, બાકી એકમેકને મિત્ર તરીકે જાણતાં હતા એથી સાથે તો ખુશ રહીશું જ એની પાક્કી ખાતરી હતી. કોઈ વર્ષો સુધી ‘લિવ ઇન રિલેશનશિપ’માં રહેવા, એકબીજાને ચકાસવા જેવા નબળા નિર્ણયો જેવી અવઢવો નહતી કે લગ્નની જવાબદારી ઉપાડી શકીશું કે નહીં જેવા વિચિત્ર ગભરાવી મૂકતાં પ્રશ્નો નહતા થતા. મગજમાં ‘ગમે એ થાય આ વ્યક્તિની સાથે જ જીવવું છે જેવી જીદદ હતી. એ એની સમગ્ર ખૂબી અને નબળાઈઓ સાથે જેવો છે એવો સમગ્રતયા સ્વીકાર છે’ જેવી ભયંકર કલેરિટી ને મક્કમતા હતી.  બે જણા ભેગાં હોઈશું તો એ વખતના સુપરહિટ મૂવી ‘કયામત સે કયામત તક’ના પ્રખ્યાત ગીત, ‘અકેલે હૈ તો કયા ગમ હૈ ચાહે તો હમારે બસમે ક્યા નહિ’ જેવો આભતોડ કોનફીડન્સ શરીરની નસેનસમાં વહેતો હતો.
એકબીજા સાથે વાત કરવી હોય તો એક રૂપિયાના થોડા  સિક્કા શોધીને કોઇ બહાનું બતાવીને ઘરની નજીકના પીસીઓમાં જવાનું, આપણા ચહેરાના હાવભાવ ક્યાંય કોઈ પાડોશી કે પંચાતિયું જોઈ ના જાય એમ અભિનય કરતા કરતા ફોન લગાવવાનો ને ફોન લાગતાં જ રૂપિયો નાખવાનો..ખનિંગ….એ પછી તો જોકે મિનિટના હિસાબે પૈસા વસૂલતા પીસીઓ આવેલાં એટલે આ છુટ્ટાઓની માથાકૂટ પતી ગયેલી.વાત કરતા કરતા ધ્યાન સમય પર હોય જેવી આપણા હાથમાં રહેલી રકમ જેટલો સમય થાય ત્યારે ફોન પતાવી દેવાની મોટી મજબૂરી..વળી તમે ફોન કરો ત્યારે તમને જેની સાથે વાત કરવી હોય એ વ્યક્તિ એ જગ્યાએ હાજર હોય જ એ સહેજ પણ જરૂરી નહી..વળી કોઈ વડીલ ફોન ઉપાડે તો દિલ સીધું મોઢામાં આવી ગયાની લાગણી થાય. એ સમયે વડીલોને , ‘અમારા ફોનને હાથ નહિ લગાડવાનો, અમારી પ્રાઇવસી..etc’ જેવી વાતો કહેવા જેવા વર્તનનો જન્મ નહતો થયો. ફોન તો વડીલોનો જ રહેતો ને એમાં આપણે વાત કરવા આપણી તકદીર પર જુગાર રમવાનો રહેતો. 😀 લાસ્ટ કોલમાં જે સમયે વાત કરવા કહ્યું હોય એ જ સમયે એને અચાનક કોઈ કામ ફૂટી નીકળે, મહેમાન આવી જાય એટલે વાત ના પણ થાય ..( એ સમયે મોટાભાગે દોરડાવાળા ફોન રહેતા અને જે મોસ્ટલી સતત અવરજવરવાળા બેઠકરૂમમાં જ મૂકાતા, એ વખતે એનો બહુ મોટો ત્રાસ લાગતો) હું…હા…ઓકે..ને વાત પતી જાય. એમાં ય આગળના ફોન માટેનો સમય નક્કી ના થયો હોય તો તો પતી ગયું..એકબીજાનો  કોન્ટેકટ કેમનો કરવો એ મોટો યક્ષપ્રશ્ન ! એ ના મળી શકવાના …ઇવન મહિનાઓ સુધી વાતચીત પણ ના થઇ શકવાના અનેકો પ્રસંગો (આજકાલના ગુડમોર્નિંગ, શુ ખાધું, શુ પહેર્યું,ગુડ નૂન,ગુડ નાઈટ થી માંડીને હજારો અકલ્પનીય મેસેજની આપ લે કરનારી પેઢીને આ તડપ નહિ સમજાય કદાચ, પણ એ પછી જ્યારે મળવાનો સમય મળતો ત્યારે ધોધમાર વરસાદની જે અનુભૂતિ થતી એ અવર્ણનીય રહેતી..બોલવાનું ખાસ કંઈ ના હોય પણ એકબીજાની હાજરી જબરદસ્ત વાતાવરણ ઉભું કરી દેતી, બધું જાણે સુગંધના દરિયાથી ભરી દેતી) મને હજી યાદ છે. આજકાલની તાજી વાત કદાચ હું ભૂલી જાઉં પણ એ બધો સમય સ્મૃતિપટલ પર એવો તાજો ને લીલોછમ છે. સાથે જીવતા જ્યારે પણ જીવનમાં કોઈ પ્રસંગે દિલ દુખ્યું છે ત્યારે એ લીલાછમ, મીઠડી યાદોએ કાયમ એનો હૂંફાળો છાયો કર્યો છે…બહુ બધું છે…કેટલું કહું..પછી ક્યારેક. આજના મીઠા દિવસને મારી આટલી પ્રેમાળ ગોલ્ડન સમયની યાદનું ઝરણું ભેટ! 
-સ્નેહા પટેલ.

પેસીવ સ્મોકીંગઃ


#fulchhab newspaper > 1-07-2015 > #navrash ni pal column

 

ભૂલ વારંવાર   નરબંકા ન કર !

તું અયોધ્યામાં ફરી લંકા ન કર !

આગ સોંસરવી સીતા નીકળી જશે,

રામ જેવો રામ થઈ શંકા ન કર !

 

– ‘પંથી’ પાલનપુરી

 

‘આજે બફારો વધારે છે કે એસી બરાબર કામ નથી કરતું ? સમજાતું નથી પણ ઉકળાટ બહુ છે, પરસેવે રેબઝેબ નીતરતા શરીરે મગજ પણ બંધ થઈ જાય છે, એક પણ કામ ઢંગથી નથી કરી શકતો ને અધૂરા કામ જોઇ જોઇને ભયંકર કંટાળો આવે છે. આવુ તો થોડું ચાલે ? ચાલ એસી ચેક કરી જોઉં.’

વિચારીને અર્હમ ઉભો થયો. પંખાની સ્પીડ વધારીને એસી બંધ કર્યું ને એનું કવર ખોલીને અંદરની ફિલ્ટરની જાળી બહાર કાઢીને જોઈ તો આખી ધૂળથી ભરાઈ ગયેલી.

‘ઓહોહો..પછી એસીની ઠંડક ના જ થાય ને !’ વિચારીને અર્હમ એ જાળીને બેઝિનમાં લઈ જઈને સાબુથી સાફ કરવા બેઠો. જાળી સાફ કરતા કરતા એનો હાથ અનાયાસે જ બેઝિનની બાજુમાં રહેલ કપરકાબીના સ્ટેન્ડ પર અથડાયો અને આખું સ્ટેન્ડ ‘ઓમ ધબાય નમઃ’! અર્હમ અવાચક થઈને સ્ટેન્ડની અંદરના આકૃતિના મનગમતા કપરકાબીનો કચ્ચરઘાણ વળતો જોઇ જ રહ્યો. એ કશું પણ વિચારે, કરી શકે એ પહેલાં તો એક મીની વાવાઝોડું જ ફૂંકાઈ ગયુ હતું ને વાવાઝોડાની અસરના પડઘાં પણ ત્વરિત જ પડ્યાં.

‘અર્હુ, તારા કામમાં ક્યારેય કોઇ ઠેકાણા જ ના હોય. આ કપરકાબી કેટલા કિંમતી હતા તને ખબર છે ને ? નટુમામા કેટલા પ્રેમથી અમેરિકાથી મારા માટે લાવેલા. મારા અતિપ્રિય ને તેં એક મીનીટમાં હતા – નાહતા કરી દીધા. તને શું કહેવું મારે ? કોઇ જાતના વેતા જ નહીં ને..’

‘આકૃતિ, બસ કર હવે. મેં કંઇ જાણી જોઇને આ કપરકાબી નથી ફોડ્યાં. હકીકતે તો તારે આ સ્ટેન્ડને સિંકની આટલી નજીક ના રાખતા થોડું છેટું રાખવાની જરુર હતી. મેં તને પહેલાં પણ આ વાત કહી હતી યાદ કર, પણ ના – પોતાની ભૂલ કબૂલે એ તો આકૃતિ કેમ કહેવાય ? ભૂલો તો મારાથી જ થાય. તું તો મહાન છું.’

‘એક તો ચોરી ઉપરથી સીનાજોરી ..’

ને વાત વાતમાં વાત લડાઈના સ્વરુપ સુધી પહોંચી ગઈ. ભૂતકાળની નાની નાની બેદરકારીઓ યાદ કરી કરીને એક બીજાના મોઢા પર – દિલ પર સટાસટ મરાતી હતી. વાતાવરણમાં બાફનું પ્રમાણ વધી ગયું અને શ્વાસ ગૂંગળાતો હોવાનો અનુભવ થતાં અર્હમ ઘરની બહાર નીકળી ગયો.નીકળીને એ સીધો એની મનપસંદ જગ્યા ‘પાનના ગલ્લે’ જઈને ઉભો રહ્યો અને એની ફેવરીટ બ્રાન્ડની સિગારેટ માંગી.

‘ઓહો અર્હમ, અત્યારે સિગારેટ પીવે છે ? તારા સિગારેટના ટાઈમને તો હજુ ત્રણ કલાકની વાર છે ને લ્યા !’

અર્હમના દોસ્ત વિશાલે એના કાંડાઘડિયાળમાં નજર નાંખતા પૂછ્યું. એને ખબર હતી કે અર્હમ દિવસની બે જ સિગારેટ પીવે છે અને એ પણ બહુ જ નિયમિત સમયે જ. એના એ શિડ્યુલમાં માંડ જ કોઇક વાર નજીવો ફેરફાર થાય. એટલે આજે કટાણે અર્હમને પાનના ગલ્લે જોઇને વિશાલને નવાઇ લાગી.

‘કંઈ નહી યાર, ઘરમાં આકૃતિ સાથે થોડી કચકચ થઈ ગઈ તો ઘરની બહાર નીકળી ગયો.’

‘એટલે ભાગી આવ્યો એમ ?’

‘ના..ના. એ વાતાવરણ છોડી આવ્યો.’

‘તું ગમે એ કહે હું તો તને ભાગેડું જ કહીશ.’

‘ભાગેડું તો શું પણ જ્યારે પણ આમ ઝગડો થાય ત્યારે હું થોડો સમય ઘરની બહાર નીકળી જઉં છું. થોડો રીલેક્સ થઈને પછી ઘરે જઉં.’

‘ઓકે..તો આમ કરવાથી વાતનું સમાધાન થઈ જાય કે ?’

‘ના, એવું નહીં. ઉલ્ટાનું આકૃતિ તો વાતની ચર્ચા ના થાય અને એનો અંત ના આવે ત્યાં સુધી ધૂંઆપૂંઆ જ રહે. જ્યારે બોલાચાલી થાય ને હું ઘરની બહાર નીકળી જઉં ત્યારે એ મારા આવવાની રાહ જોઇને જ બેસી રહે. હું આમ નીકળી જઉં એટલે એ પોતાની જાતને નિગ્લેક્ટેડ ફીલ કરે અને એનો ગુસ્સો વધુ આકરો થઈ જાય. પણ મને ઝગડો થયા પછી વાત કરવાનું મન જ ના થાય. એમ ચર્ચાઓ શું કરવાની ? આટલા વર્ષથી સાથે રહે છે તો એ મને બરાબર જાણતી જ હોય ને. હું કદી વાતની ચર્ચાઓ ના કરું ને ચર્ચા ના થાય ત્યાં સુધી આકૃતિ ઉંચી નીચી થઈ જાય. એને ઝગડો થાય એટલે બને એટલી જલ્દીથી વાત પતાવવાની ઇચ્છા હોય. ઘણી વખત તો મારી ભૂલ હોય તો પણ એ વળતી સોરી કહીને વાત પતાવવાની ઉદારતા ધરાવે પણ મને એવું બધું ના ફાવે. હું મારું મગજ ઠંડું ના થાય ત્યાં સુધી એક પણ અક્ષર ના બોલું, એમાં ને એમાં તો ઘણી વાર મારે ચાર પાંચ દિવસના અબોલા ય રહે. એટલા દિવસઓ આકૃતિ વળી બમણા જોરથી મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે એટલે મને વધારે ગુસ્સો આવે. યાર, મગજને એની જાતે ઠંડું પડવા દો ને. એ ઠંડું થાય એટલે હું તો આખો ઝગડો ભૂલી જાઉં છું ને એકદમ નોર્મલ થઈ જાઉં છું’

‘વાત પતાવવાનો આકૃતિનો ઇરાદો ખોટો ક્યાં છે પણ દોસ્ત ? વાતના વતેસર એ આનું નામ. આકૃતિભાભી ખોટા ક્યાં છે એ સમજાવ તો. ઝગડાં તો કયા કપલને ના થાય? થાય એ તો. દરેક માનવી પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે,નોખી નોખી જીવન જીવવાની આદતો ધરાવે છે તે ટકારવ તો થાય. પણ મુખ્ય વાત કે એ ટકરાવ પછી વાતને કેવી સિફતથી અને ધીરજથી સંભાળી લો છો અને એની પતાવટ કરો છો, તમે જેને પ્રેમ કરતા હો એના માટે તમારો ઇગો ભૂલીને ય એની ખુશી સાચવવાનો પ્રયત્ન કરો એ છે. જોકે આ બહુ જ મહેનત માંગી લેતી માનસિક કસરત છે પણ તમે થોડી સજજતા કેળવો તો એ તમારા સ્વભાવમાં જરુર આવી શકે. પ્રેમ માણસને બધું શીખવી દે છે,જ્યારે તું તો તારો ઇગો સંતોષવા ઘરની બહાર આવીને સિગારેટો પીને કાળજું બાળે ને ઘરમાં તારી પ્રિયાનું વગર સિગારેટે પણ એનાથી ડબલ બળે ! આ પણ એક જાતનું ‘પેસીવ સ્મોકિંગ’ જ ને ! તમારા સહજીવનને લગભગ પચીસ વર્ષ થયા અને હજુ આજે પણ તું સાવ આવું બાલિશ વર્તન કરે છે એ વિચારીને મને નવાઈ લાગે છે.’

‘હા વિશાલ, આ વધારાની સિગારેટ પી ને મારું અને આકૃતિ બે ય નું કાળજું બાળવું એના બદલે તું કહે છે એ રસ્તે ચાલવાનું વધુ હિતાવહ લાગે છે.’

અનબીટેબલ ઃ પ્રેમના પ્રિઝમમાં રીસામણા પછી મનામણાંના કિરણો પસાર કરવાથી સતરંગી આકર્ષણના મેઘધનુષ્ય રચાય છે.

સ્નેહા પટેલ

સપનાનો અસબાબ !


 

એકલો ઊગે નહીં તો શું કરે?

આ સુરજને કંઈ નથી ઘરબારમાં.

-અંકિત ત્રિવેદી.

 

‘રીયા, તું કેવી આળસુ છું ! સ્કુલમાંથી ત્રણ દિવસ માટે આબુ ટ્રેકિંગમાં લઈ જાય છે અને તું છે કે જવાની ના પાડે છે ? નસીબવાળી છું કે આમ ફરવા મળે છે બાકી અમારા સમયમાં તો અમને વન ડે પીકનીકમાં ય જવા નહોતું મળતું.’ પરિમીતા હાથમાં કટકો લઈને ઘરનું ફર્નિચર ઝાપટતાં ઝાપટતાં એની દીકરીને ય શાબ્દિક ઝાપટતી જતી હતી.

‘ઓહ કમ ઓન મમ્મા, આ શું પાછા સવાર સવારના ‘અમારો સમય ને તમારો સમય’ની રામાયણ લઈને બેસી ગયા છો ? શાંતિથી ઉંઘવા દ્યો ને. માંડ હમણાં જ ‘હાફ યર એક્ઝામ’ પતી છે થોડો થાક તો ઉતારવા દો.’

‘તું તારે ઉંઘ્યા જ કર આખી જિંદગી. કાલે ઉઠીને સાસરે જઈશ ત્યારે શું થશે કોને ખબર ? આમ ને આમ ઉંઘતી રહી ને તો તારું નસીબ પણ ઉંઘતું જ રહેશે છોકરી, કહું છું હજી સમય છે સુધરી જા.’

હવે રીયાનો પિત્તો ગયો. એક હાથે ઓઢવાનું બાજુમાં ઉછાળીને વાળ ઝાટકતી પથારીમાં બેસી ગઈ.

‘મમ્મી, શું છે તમારે ? હું સોળ વર્ષની સમજદાર છોકરી છું. મારે શું કરવું ને શું નહી એની પૂરેપૂરી સમજ છે મને. જ્યાં નથી સમજ ત્યાં આપને કે ડેડીને જરુરથી પૂછીશ. પણ તમે મતલબ વગર સવાર સવારમાં મને આમ લેકચર ના આપો. સ્કુલમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આબુ લઈ જાય છે અને હું જઉં છું. આ વખતે કોઇ જ મિત્ર નથી જવાના તો મૂડ નથી જવાનો..દેટ્સ ઇટ. આમાં વાતને રબરની જેમ આટલી ખેંચવાની ક્યાં જરુર છે ? ‘

પરિમીતાનો અવાજ થોડો ઢીલો પડી ગયો.

‘દીકરા, તારા જેવડી હતી ત્યારે મને આમ બહારગામ જવાનો બહુ શોખ પણ ઘરની આર્થિક પરિસ્થિતીને વશ થઈને મને આપણા શહેરમાં ય મન મૂકીને ફરવા નહતું મળતું. મારો એ હરવા ફરવાનો શોખ લગ્ન પછી પણ તારા પપ્પાની વારંવાર છૂટતી રહેતી નોકરી અને અનિસ્ચિત આવકના કારણે પૂરો નથી થયો. આમ ને આમ પીસ્તાલીસ તો પૂરા થઈ ગયાં હવે તો એ શોખ પણ જાણે મરી ગયો છે પણ તને જોઇને એમ થાય કે મારી દીકરીને મારે આમ સબડવા નથી દેવી એટલે તો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરી કરીને ય તને આમ પીકનીક અને બહેનપણીઓ સાથે બહાર ફરવાનું પ્રોત્સાહન આપું છું. દરેક મા બાપને પોતાના સપનાની અને ના જીવી શકાયેલ જિંદગી એના સંતાનોને આપવાની ઇચ્છા હોય જ. પણ જવા દે, તું નહીં સમજે આ વાત. તું જ્યારે મા બનીશ ને ત્યારે જ તને એક મા ની લાગણીની કદર થશે.’ ને પરિમીતાની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યાં.

વાત ગંભીરતાના પાટે જઈ રહી હોવાની જાણ થતાં જ રીયા પથારીમાંથી ઉઠી પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને મોઢું ધોઈ, કોગળા કરીને પરિમીતાની પાસે બેઠી. પરિમીતાનો હાથ હાથમાં લઈને બોલી,

‘મમ્મા, પ્લીઝ કૂલ ડાઉન. હું તમારી લાગણી સમજુ છું પણ તમે આ વાતને જેટલી સંવેદનશીલતાથી લો છો એટલી એ લેવાની જરુર નથી. આ તમારો સ્વભાવ તમારી જિંદગીના દસ વર્ષ ઓછા કરી નાંખશે. તમારી ઉંમર જ શું થઈ છે કે તમે આમ તમારી જિંદગી મારામાં જીવવાનું વિચારો છો ? તમારા શોખ – ઓરતાં પૂરા કરવાને એક ડગલું તો ભરો પછી જુઓ મંઝિલ કેટલી દૂર છે !’

‘હવે આ ઉંમરે પ્રેશર, ઘૂંટણની તકલીફ, ઉંઘની તકલીફ…આ બધા રોગો લઈને ક્યાં ફરવા જઉં બેટા ? વળી તારા ડેડીને તો સહેજ પણ સમય નથી, બહાર જવાનું તો વિચારાય જ કેમ ?’

‘મમ્મી, તમે વર્ષોથી મને આત્મવિશ્વાસની જે ઘુટ્ટી પાઈ છે એ તમે કેમ નથી શીખતા ? દરેક સંજોગો સામે લડવાનું, એકલા બિન્દાસ્ત પોતાની જાતને સુરક્ષિત રાખીને કેમ ફરી શકાય એના બધા પાઠ તમે મને આટલી ઉંમરમાં શીખવ્યા છે તો તમે એ કેમ અમલમાં નથી મૂકતાં? પપ્પા ના આવે તો કંઈ નહીં, મારા માટે જે પૈસા ભેગા કર્યા છે એ તમે તમારા ફરવા માટે વાપરો. મને કોન્ફીડન્સ આપનારી મારી માતામાં આત્મવિશ્વાસની કોઇ કમી હોય એવું હું સહેજ પણ નથી માનતી.મારી સામે તો હજુ આખી જિંદગી પડી છે શકયતાઓની. પણ તમે તમારી શક્ય છે એ જિંદગી જીવવાની શરુઆત ક્યારે કરશો ? મમ્મી, દરેક મા બાપ પોતાના અધૂરા સપના એમના સંતાનોમાં પૂરા કરવા ઇચ્છતાં હોય તો સામે પક્ષે દરેક સંતાન પણ એમના પેરેન્ટ્સને એમના ખુદના સપના સાકાર કરીને ખુશીથી જીવતા જોઇને આનંદ પામી શકે એવું કેમ નથી વિચારતા ? ચાલો હું ઓનલાઈન તમારા માટે શ્રીનાથજીની જવાની ને આવવાની બે ય ટિકિટ બુક કરાવી લઉં છું, તમે બેગ તૈયાર કરો.રહી પપ્પાની વાત. તો પપ્પાને તો તમારા કોઇ જ નિર્ણય માટે કદી કોઇ જ વાંધો નથી હોતો.’

‘રીયુ, હું એકલી તો કેટલાંય વર્ષોથી આપણા શહેરની ય બહાર નથી ગઈ. આમ એકલાં એકલા ટ્રાવેલિંગ , નવું શહેર…ના ના, મને ના ફાવે. વળી મને તો રસ્તા યાદ રાખવાની ય તકલીફ, આપણું શહેર હોય તો ગમે એને પૂછીને પાછી આવી શકું પણ બીજા શહેરમાં કેમનું પહોંચી વળાય ?’

‘મમ્મી, હું તમને ગુગલ પરથી મેપ ડાઉનલોડ કરીને આખા રૂટની પ્રીન્ટ કાઢી આપીશ. તમારી પાસે તમારો એન્ડ્રોઈડ ફોન છે, જવા આવવાની ટિકીટ છે ને પૂરતા પૈસા છે, પ્રોબ્લેમ ક્યાં છે ? મમ્મી, એક ડગલું જ ભરવાનું છે તમારે. જેમ તમને તમારી પરવરીશ પર ગર્વ છે, વિશ્વાસ છે એમ મને પણ મારો આવો તંદુરસ્ત ઉછેર કરનારી મારી મા ઉપર મારા કરતાં ય વધુ વિશ્વાસ છે. કમ ઓન…ચાલો આજે હું ચા બનાવું છું ત્યાં સુધી તમે સોફા પર બેસીને શાંતિથી વિચાર કરો.’

સોફા ઉપર સૂનમૂન થઈને બેઠેલી પરિમીતાના મગજમાં ઢગલો વિચારોના વાવાઝોડાં ફૂંકાઈ ગયા. જીવાઈ ગયેલ જીવનના, અધૂરા રહી ગયેલા ને દબાઈ રાખેલા સપનાંઓમાં આજે એની યુવાન દીકરીએ ફૂંક મારી દીધી હતી અને છેવટે ભય, આશંકાઓ ઉપર સંતાનના વ્હાલનો વિજ્ય થયો અને આગ પ્રજવલ્લિત થઈ ગઈ.

અનબીટેબલ ઃ સપનાં પર બાઝેલાં ઝાંઝવાને દૂર કરવા થોડી હિંમતના શ્વાસ જોઇએ, વધુ કંઇ નહી !

 

-sneha patel

ડાળ પરનું પહેલું સુમન !


phoolchhab newspaper > navrash ni pal column > 11-03-2015 http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

1

શક્યતાનાં દ્વાર ખુલ્લાં હોય તેથી શું
પહોંચવા ઇશ્વર સુધી નકશો બતાવી દે !
– મનહર ગોહિલ ‘સુમન’.

‘શિયાળો, ચોમાસું, ઉનાળો – કોઇ પણ ઋતુ હોય આ વરસાદ મૂઓ લોહી પી જાય છે. ટાઈમ – કટાઈમ જેવી કોઇ શિસ્ત જ નથી રહી એનામાં ! મન ફાવે ત્યારે વરસી પડવાનું. હજુ પરમ દિવસ આખો દિવસ ઉકળાટમાં વીત્યો હતો તો હું પાંચ કિલોનું મોટુંમસ તરબૂચ લઈ આવી અને બીજા દિવસે તો આ માવઠું. ઘરમાં કોઇ હવે એને અડશે પણ નહીં. શું, ક્યારે, કેટલું ખાવું કશું જ સમજ પડતી નથી.  એમાં ઠેર ઠેર સ્વાઈન ફ્લૂનો કાળૉ કેર ને ડર બવર્તે છે  !’
ત્રણ બર્નરના ગેસ પર એક બાજુ દાળ ઉકળતી હતી, બીજા બર્નર પર ફ્લાવર – બટેટાંનું  શાક રંધાઈ રહ્યું હતું અને ત્રીજા બર્નર પર રોટલી સીઝી રહી હતી. એ બધી ગરમી કરતાં અનેક ઘણી ગરમી સ્વાતીના મનમાં ફેલાતી હતી. એ ગરમી હતી ટેન્શનની ! છેલ્લાં બે વર્ષથી ડહાપણની દાઢનો દુઃખાવો નજરઅંદાજ કરતી હતી પણ કાલે રાતે એ દુઃખાવાએ એને આખી રાત સૂવા નહતી દીધી અને ઉજાગરાએ એની કામ કરવાની સ્પીડ ઓછી કરી નાખીને મગજના વિચારોની સ્પીડ વધારી કાઢી હતી. વિચારોનું વાવાઝોડું મગજમાં અંધાધૂંધ ચાલી રહ્યું હતું.
એની નજર સામેથી છેલ્લાં બે વર્ષની ફિલ્મ પસાર થવા લાગી.
આજથી બે વર્ષ પહેલાં ડહાપણની દાઢ  આવતી હતી ત્યારે એ ત્રાંસી હતી અને એના કારણે મોઢામાં છોલાતું હતું ,ખાવામાં ઘણી તકલીફ પડતી હતી.  એણે યોગેશ – એના પતિને આ બાબતે વાત કરી હતી પણ એ એના કામમાં બીઝી હોવાથી એણે સાંભળ્યું – ના સાંભળ્યું કરી દીધું હતું. સ્વાતી શરીરે તંદુરસ્ત હતી. એને ક્યારેય તાવ સુધ્ધાં ના આવે. બે વર્ષના લગ્નજીવનમાં આ કદાચ એની પહેલી શારિરીક તકલીફ હતી અને એણે એવી આશા રાખી હતી કે યોગેશ એના પર ધ્યાન આપે, પોતે યોગેશની બિમારીમાં જેમ એનું ધ્યાન રાખે, વાતચીત કરે એવી રીતે એ પણ પોતાનું ધ્યાન રાખે. દરેક માનવીને એના પ્રિયપાત્ર પાસેથી હૂંફની અપેક્ષા તો હોય જ ને ?
બે મહિના વીતી ગયા, સ્વાતી થોડા થોડા દિવસે યોગેશને પોતાની દુખતી દાઢ વિશે યાદ કરાવે ને, ‘હા, આપણે ડોકટરને બતાવી દઈએ’ પર વાત પતી જાય. શબ્દોની સાંત્વના ક્રિયામાં પરિવર્તીત થવાનો સમય આવે એની રાહ જોવામાં ને જોવામાં સ્વાતી થાકી ગઈ હતી. એ દાઢના લીધે બીજા દાંતની તંદુરસ્તી પર પણ અસર થવા લાગી હતી.
‘જે થવું હોય એ થાય પણ યોગેશ સામેથી નહી બોલે ત્યાં સુધી હવે હું એક અક્ષર નહીં કહું. એ લઈ જશે તો જ ડોકટર પાસે જઈશ.  આટલી કાળજી પણ ના રાખી શકે તો માણસો લગ્ન શું કામ કરતાં હશે ?’
મનોમન ચાલતા આ સંવાદોથી યોગેશ તો બેખબર એના કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયગાળા દરમ્યાન યોગેશને હાઈપર એસીડીટી, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ જેવી તકલીફોમાંથી પસાર થવું પડ્યું પણ એ પોતાના ટાઈમટેબલ વ્યવ્સ્થિત કરીને ડોકટરને રેગ્યુલર કનસલ્ટ કરીને એમાંથી તરત બહાર આવી જતો. એનું કામ ખોટકાય તો ઘરનું અર્થતંત્ર ખોરવાઇ જાય અને એ તો કોઇ કાળે ના પોસાય. પોતાની તબિયતની કાળજી માટે એનો સ્વાતી પાસે કોઇ જ આગ્રહ નહતો. હા, સ્વાતી પોતાની રીતે એની પ્રેમાળ કાળજી લેતી એ યોગેશને બહુ જ ગમતું પણ એ કાળજી માટે કોઇ દુરાગ્રહ નહતો સેવતો. સ્વાતી એના સ્વભાવથી મજબૂર. ઘરના કોઇ પણ સદસ્યને સહેજ પણ તકલીફમાં એ ના જોઇ શકે.
યોગેશ પોતે પોતાની બિમારીઓ અને ટેન્શનમાંથી જાતે બહાર આવવા ટેવાયેલો હતો એથી એને સ્વાતી એની પાસેથી શું અપેક્ષા રાખતી  હૌય એવી સમજ જ નહતી પડતી અને સ્વાતી પોતાની અપેક્ષાઓની જાળમાં વધુ ને વધુ ઉલઝાતી જતી હતી. આજે તો દુઃખાવાના કારણે એનું મોઢું પણ નહતું ખૂલતું. શારીરીક તકલીફ કરતાં પ્રિય વ્યક્તિની ઉપેક્ષા એને વધુ દુઃખ પહોંચાડતી હતી, પણ એનો કોઇ ઉપાય નહતો. વિચારો ને વિચારોમાં જ સ્વાતીના હાથ પર ફુલીને ગોળ થઈ ગયેલી રોટલીની ઝાળ લાગી અને એની વિચારધારા તૂટી ગઈ.
‘ઉફ્ફ..’   મીન્ટવાળી ટૂથપેસ્ટ લઈને તરત જ એણે દાઝેલાં ભાગ પર લગાવી દીધી. હાશ, હવે ફોડલો નહીં પડે. ત્યાં જ સ્વાતીના મગજમાં ચમકારો થયો. જો એણે દાઢના દુઃખાવાની પણ સમયસર  સારવાર કરાવી લીધી હોત તો  આજે એના કારણે બીજા જે બે દાંત સડવા આવ્યાં છે એ તો બચી જાત ને ! આટલી વાત માટે યોગેશની રાહ જોઇને બેસી રહી એ કેટલી મોટી મૂર્ખામી કરી ! યોગેશને આ વાતોની સમજ જ નથી પડતી તો એને સમજાવવાનો શું ફાયદો ? પોતાની જાતની પોતે સંભાળ રાખવા જેટલી કેપેબલ તો છે જ ને ? જો એ આખા ઘરના સ્વાસ્થયની સારસંભાળ વ્યવસ્થિત રીતે લઈ શકતી હોય તો પોતાની જાત માટે આવી ઉદાસીન કેમ ? યોગેશ એની તકલીફ સમજશે અને એની સારવાર કરાવવા લઈ જશે ત્યાં સુધીમાં તો એ કદાચ સાવ બોખી થઈ જશે. તરત જ નિર્ણય લઈને એણે પોતાની સખી સુરાહીને ફોન કર્યો અને એના ડેન્ટીસ્ટનો નંબર લઈને એમને ફોન લગાવ્યો.
અનબીટેબલ ઃ રસ્તો કોઇ સુઝાડે, ચાલવું તો જાતે જ પડે !

-sneha patel

એક નાજુક માણસ


phoolchhab newspapar > navrash ni pal column > 18-02-2015

 

दर्द की सारी तहे और सारे गुजरे हादसे

सब धुवां हो जायेंगे, एक वाकिया रह जाएगा !

 

– इफ्तिखार इमाम सिद्दीकी

 

‘સજલ, સાંભળે છે કે ? આ જો ને આપણી ગેલેરીમાં કેવો સરસ મજાનો મોર આવીને બેઠો છે. જલ્દી આવ ને.’ અને સરવાણી સામે હીંચકા પર આવેલા મોરને જોવામાં તલ્લીન થઈ ગઈ. ચોમાસાની સરસ મજાની સાંજ હતી. આશરે ૧૦૦-૧૫૦ સેન્ટિમિટર લાંબા પીંછા ધરાવતો ૨૦૦ સેન્ટીમિટર જેટલો લાંબો મોર રજવાડી ઠાઠથી એના લીલા- ભૂરા-કથ્થાઈ -જાંબલી રંગના અને આંખો જેવા ટપકાંવાળા પીંછાં ફેલાવીને બિરાજમાન હતો. ધીરે ધીરે એ પોતાના પીંછાં હલાવીને કળા કરવા તૈયાર થઈ રહયો હતો. ઝાંઝરના રણકાર જેવો અવાજ ઉતપન્ન થયા પછી મોરે પોતાના બધાં પીંછા કમરેથી ઉંચા કરીને પોતાની બાજુ નમાવીને કળા કરવા લાગ્યો. એના પીંછામાંના સોનેરી ટપકાં અદભુત રીતે ચમકવા લાગ્યાં. સરવાણી પોતાની જાતને યહોવાહ પરમેશ્વરની નજીક અનુભવવા લાગી.

‘હા સરવાણી, આવું છું. એક મીનીટ.’

ભીંત પર લટકેલી સ્ક્વેર એન્ટીક ડિઝાઈનર ઘડિયાળનો કાંટો ૬૦ સેકન્ડના બદલે ૫૦૦ – ૬૦૦ સેકન્ડસની ગતિ ધરાર પૂરી કરી આવ્યો પણ સુજલ ગેલેરીમાં ના જ આવ્યો. અચાનક જ બંગલાની નીચે એક જૂનું પુરાણું સ્કુટર ચાલુ થતાં એની ઘરઘરાટીથી બી જઈને ગભરુ મોર પાંખો ફેલાવીને ઉડી ગયો. સરવાણીને એ ના સમજાયું કે સ્કુટરવાળા પર ગુસ્સો આવ્યો કે કે સજલ હજુ આવ્યો નહીં અને એના આનંદમાં એનો ભાગીદાર બન્યો નહીં એનો અફસોસ થયો કે પોતે પરમાત્માની લગોલગ હતી એ સ્થિતી- ધ્યાનનો ભંગ થઈ ગયો એનું દુઃખ થયું..જે પણ થયું સરસ મજાની ક્ષણ હાથમાંથી રેતીની જેમ સરી ગઈ હતી. એક ઉંડો શ્વાસ ભરીને સરવાણી ઘરમાં ગઈ અને જોયું તો સજલ એના મોબાઈલમાં વ્યસ્ત હતો.

‘સજલ, તું આવ્યો કેમ નહીં ?’

‘અરે સરવાણી, આ વોટસઅપમાં મિત્રોના ગ્રુપમાં જવાબ આપતો હતો. અડધેથી વાત પડતી મૂકીએ તો ખોટું લાગે.’

‘પણ સજલ, એ તો થોડીવાર રહીને પણ આપી જ શકાય ને? આ મોરની અદભુત કળા જોવાનો અવસર ચૂકી ગયો તું..અને એવી તો કેવી ઇમ્પોર્ટન્ટ વાતો ચાલતી હતી કે તારે સમયસર જવાબ આપવો આટલો બધો અગત્યનો હતો?’

‘કંઈ ખાસ નહીં. એ તો એમ જ હાય – હલો ને રુટીન હતું. પણ વાત પૂરી કરવી પડે તને નહીં સમજાય એ બધું. હું આવું છું પાંચ મીનીટમાં બહાર ગલ્લે જઈને’ અને સજલ કારની ચાવી લઈને ઘરની બહાર નીકળી ગયો.

સરવાણી હતાશ થઈને સોફા પર આંખો બંધ કરીને બેસી ગઈ. સુજલ એનો પતિ આમ બહુ જ સ્માર્ટ હતો. બોલવું – ચાલવું – ડ્રેસિંગ સેન્સ બધું કાબિલે તારીફ હતું અને ઉપરથી ભગવાને ગર્ભશ્રીમંતાઈનો ગિલેટ કરી આપેલો એટલે સુજલ જ્યાં જાય ત્યાં બધાને ગમી જાય. સુજલ કાયમ એના મિત્રવૃંદથી ઘેરાયેલો જ રહેતો. કોઇને કંઈ પણ કામ હોય સુજલ તૈયાર. આ તો હતો સુજલનું બાહ્ય રુપ પણ એની અંદરનું રુપ ફકત સરવાણી જ જાણતી હતી. કાળો વાન ધરાવતો અને થોડાં બેઠા ઘાટનો સામાન્ય ચહેરોમહોરો ધરાવતો સુજલ અંદરખાને ઇનફીરીઆરીટી કોમ્પલેક્સથી પીડાતો હતો. એ પોતાના આ કોમ્પલેક્ષને લઈને વધુ ને વધુ મિત્રો બનાવતો ફરતો. કોઇ મિત્ર એનો – એના પૈસાનો મિસયુઝ કરી જાય તો પણ એને કોઇ ફર્ક નહતો પડતો. ‘ઠીક છે હવે, ચાલ્યા કરે’ કરીને મન મનાવતો જતો. વળી કોઇને આમ ના બોલાય કે કોઇએ ગમે એવું ખરાબ વર્તન કર્યું હોય તો પણ આપણાંથી એવા ના બનાય..બધાંની વચ્ચે બેઠાં હોઇએ ત્યારે કન્ટીન્યુઝ જાતજાતના જોક્સ કે પીસીઓ મારી મારીને સતત પોતાની હાજરીનો અહેસાસ લોકોને કરાવતો રહેતો. યેનકેન પ્રકારેણ સેન્ટર ઓફ અટ્રેકશન બનવાના એના પ્રયાસોમાં જ રત રહેતો. શરુઆતમાં તો સરવાણીને સુજલનો આ સ્વભાવ બહુ જ ગમતો અને એના પર ઓળઘોળ થઈ જતી પણ ધીમે ધીમે હવે એ જરુર ના હોય તો પણ લોકોને એન્ટરટેઇન કરતા ફરતા પોતાના પતિના સ્વભાવથી કંટાળતી જતી હતી. એ એક તંદુરસ્ત મગજની, સ્વતંત્ર દિમાગની સ્વાભિમાની નારી હતી. જીવનની કોઇ પણ પરિસ્થિતીમાં એ પોતાની સૂઝબૂઝ અને આવડતથી , તાકાતથી રસ્તો કાઢી શકવાની ક્ષમતા ધરાવતી હતી. આજે એ સ્ત્રીને ફકત લોકોને એન્ટરટેઇન કરવા માટે જ જન્મેલા પતિ સાથે આખો ભવ પસાર કરવાનો આવ્યો હતો. લોકોને એન્ટરટેઇન કરવામાં સુજલની પોતાની વિચારશક્તિ સાવ જ ખલાસ થઈ ગઈ હતી. એનો આત્મવિશ્વાસ વધારે નાજુક બની ગયો હતો. સરવાણી વારે તહેવારે એને ટોકી ટોકીને પણ થાકી જતી હતી. ‘સમય અને કપરી પરિસ્થિતી’..બસ આ એક જ રસ્તો હતો જે સુજલનો પથદર્શક બની શકે એમ હતો. આવી કોઇ પણ હાલતમાં પોતાના નાજુક અને સહ્રદયી સાથીને પૂરેપૂરો સાથ આપવાનું મનોમન જાતને વચન આપતી સરવાણી કોફી બનાવવા રસોડા તરફ વળી.

અનબીટેબલ ઃ ઘણાંની આખી જિંદગી લોકોને એન્ટરટેઇન કરવામાં જ વીતી જાય છે.

 

મિત્રો, તમે શું માનો..? આવા કોઇ પ્રસંગ હોય તો મને ચોકકસ sneha_het@yahoo.co.in આ ઇમેઇલ પર મોકલજો.

 

પીળું એટલું સોનું તો નહીં જ !


રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ !
– મનોજ ખંડેરિયા.

સાંજના છ વાગ્યાં હતાં. એસજી હાઈવેના આઠ રસ્તા ઉપર વાતાવરણમાં ચારે બાજુ હોર્નના  અવાજનું જીદ્દી અને અકડું સામ્રાજ્ય છવાયેલું હતું. આટલા વર્ષોની ટ્રાફિકની બધી ય વ્યાખ્યાઓને ઘોળીને પી જતા આ વાહનચાલકો જાણે દુનિયાના સૌથી વ્યસ્ત માર્ગનો રેકોર્ડબ્રેક કરી નાંખશે એમ જ લાગતું હતું. રસ્તા પર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોની લાંબી લચક કતારો જ નજરે પડતી હતી. અમદાવાદનો આ હાઈવે ટચ રોડ  ઓછામાં ઓછા કેટલા સમયમાં કોણ પાસ કરી શકે એની શરતો લગાવી હોય એમ દરેક વાહનચાલક ઘાઈ- ઘાઈમાં ધાંધળો થઈ ગયેલો દેખાતો હતો. બધાં ય એકબીજાની ટ્રાફિક સેન્સને ગાળો દેતાં હતાં ને અમુક તો  મનોમન બીજા નહીં તો ત્રીજા સિગ્નલમાં પોતાનો વારો ચોકકસ આવી જાય એના માટે મનોમન દેવી દેવતાની માનતા સુધ્ધાં માની લેતા હતાં તો અમુક તો રોજ સવારે ઘરમાંથી જ હનુમાન ચાલીસાનો મંત્ર ગણતાં નીકળતાં ..કેમ ? તો સરળ જવાબ…રખે ને આ ટ્રાફિક સેન્સ વગરના દોડતાં શહેરમાં કોઇ વાહનચાલક આપણા જીવતરની ચિઠ્ઠી ફાડી દે એ નક્કી નહીં…સવારે નીકળીને સાંજે ઘરે પહોંચીએ ત્યારે જ જીવમાં જીવ આવે. ચારે તરફ હડબડાટી, અકળામણ, ગુસ્સા અને ટેન્શનનું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાયેલું હતું.રોડના છેડે આવેલી એક નાની શી શાકભાજીની દુકાનમાં રમલી બેઠી બેઠી શાંતિથી બીડીઓના કશ લેતી હતી અને લોકોના સ્ટ્રેસની મજા માણતી હતી. એને માટે તો રોજનું દ્રશ્ય. ત્યાં જ એક ગાડી રમલીની દુકાન આગળ ઉભી રહી અને એમાંથી એક સુંદર મજાનો લેયરકટીયા વાળ ધરાવતો પચીસી વર્ષનોએક સુંદર – સ્માર્ટ ચહેરો ડોકાયો.
‘આ વટાણા શું ભાવ ?’
‘સો રુપિયે.’
‘ઠીક…પાંચસો આપી દે…એક કામ કર…સાથે અઢીસો રીંગણ, કિલો બટેટાં, કિલો ડુંગળી, ખીરા કાકડી પાંચસો, મેથીની ભાજીની બે પણી, સો ગ્રામ આદુ, સો ગ્રામ ફુદીનો, પાંચસો ગ્રામ ચોળી અને કિલો તુવેર પણ મૂકી દેજે..’
રમલીને તો મજા પડી ગઈ. આ સ્માર્ટ ગ્રાહકને એણે બધું ય ફટાફટ તોલી આપ્યું અને છેલ્લે પચાસ ગ્રામ કોથમીર એને દેખાડીને મફત આપી અને ઉપકાર કરતીહોય એવો ભાવ ચહેરા પર લાવીને બોલી,
‘બસો ને ત્રીસ રુપિયા થયા બુન..પણ તમે તો રોજના ઘરાક…બસો ને પચીસ આપી દ્યો ને..’
અને પેલા રુપાળા  ચેહરાધારીએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢી. પચીસ રુપિયા છુટ્ટા ના નીકળતાં એટલા રુપિયાના લીંબુ અને ટામેટાં લઈ લીધા ને સિગ્નલ ખૂલી જતાં પેલા બેને ગાડી ભગાવી.
રુપાળા સ્માર્ટ ચહેરાની જગ્યાએ તરત જ એક ખરબચડો અને ગામડિયો ચહેરો ગોઠવાઈ ગયો.
‘રમલી, વટાણાં શુંભાવ ?’
‘સો રુપિયે કિલો..’
‘કેમ લી…બહુ મોઢે ચઢી છું ને તું તો…આખા ગામમાં એંસી રુપિયે છે ને તું સો કેમ કહે ?’
‘સારું એંસી રાખ.’
‘પણ રમલી, મારે કિલો જોઇએ છે અને કિલો વટાણા લઈએ તો સાઈઠ રુપિયામાં ય લોકો આપે છે…’
થોડી રકઝક પછી રમલી એને પાંસઠ રુપિયે વટાણા આપવા રાજી થઈ ગઈ. એ પછી તો દરેક શાકના ભાવતાલ થયાં અને છેલ્લે આંકડો થયો એકસો ને એંસી રુપિયા.
‘રમલી, થોડી કોથમીર , ફુદીનો અને આદુ આપ તો મસાલામાં…’
‘હા લે ને બેન…મસાલો તો આપવાનો જ હોય ને…એ ના આપું તો મારા ઘરાકો તૂટી જાય..લે બુન..તું તારે પ્રેમથી મસાલો લઈ જા.’
‘સારું…આ લે એકસો ને પંચોતેર રુપિયા…પાંચ રુપિયામાં શું વળી તારો જીવ ભરાય..’
રમલીએ ચૂપચાપ પૈસા લઈ લીધા અને શાકની થેલી પેલા ગામડીયા ચહેરાના હાથમાં પકડાવી દીધી.ત્યાં તો આગળ પડેલી ટોપલીમાંથી  બે લીંબુ લઈને પેલીએ થેલીમાં સરકાવી લીધા…રમલી બોલે એ પહેલાં તો એણે હેંડતી પકડી લીધી.
રમલીએ બીજી બીડી કાઢીને એના ધુમાડા કાઢતાં વિચારવા લાગી,
‘સાલ્લું, પેલા ગાડીવાળા બેનના હિસાબમાં ધપલા કર્યાં ને બધું ય શાક મળીને બસોને દસ જ થતું હતું ને એણે એ બેનને બસો ત્રીસ કીધા..સીધો વીસ રુપિયાનો ફાયદો કરેલો..વળી એને શાક પણ બધું મોંઘા ભાવે આપેલું. એ સ્માર્ટબેનને ઉલ્લુ બનાવ્યાનો બધો ય આનંદ આ મૂરખ અને ગામડીઅણ દેખાતી બેન ઉડાવી ગઈ. ગાડીવાળી ફકત પૈસા કમાઈ જ જાણે ને વાપરવામાં સાવ મૂર્ખા…જ્યારે આ અભણ સાલી ઘરઘરના કામ કરીને રુપિયા રળનારી…કમાઈ પણ જાણે છે અને એકે એક પૈસો સમજદારી ને ગણત્રીપૂર્વક વાપરી પણ જાણે છે. આ બે ય માં સાચું ગામડીયું…સાચું અભણ કોણ ?
અનબીટેબલ ઃ કિલો અનાજ લેવા સામેના પલડામાં દૂધની થેલીઓ મૂકીને ના મપાય..કિલોનું લોખંડનું બાટ જ મૂકવું પડે.

 

કારણ વગરનો માણસ


Phoolchhab newspaper > 21-1-2015 > Navrash ni pal column

 

મોટા નગરના માણસો

ચહેરા વગરના માણસો

 

હેતુ વગરની ભીડમાં

કારણ વગરના માણસો

 

પાકી સડકની શોધ મા

કાચી કબરના માણસો

-આદિલ મન્સુરી

 

સ્કુલના વિશાળ પ્લે ગ્રાઉન્ડમાં આરોહી એક વૃક્ષના ટેકે ઉભી હતી. એની નજર જમણી બાજુ આવેલ લીમડાના ખરબચડાં થડ ઉપર ચોંટી ગઈ. ત્યાં રામજીના કૃપા-વરસાદ જેવા કાળા-પીળા પટ્ટા ધરાવતી બે ખિસકોલીઓ ઉપરથી નીચે ને નીચેથી ઉપર દોડી રહી હતી – જાણે પકડાપકડી ના રમતી હોય ! લીમડાના થડ નીચે સ્કુલના બાળકોએ ટીફીનનો વધેલો નાસ્તો નાંખેલો હતો એમાંથી થોડું થોડું ખાવાનું એના બે નાનકડાં હાથમાં લઈને પૂંછડી ઉંચું કરીને નાસ્તો ખાતી હતી. આરોહીએ ધ્યાનથી જોયું તો ખિસકોલીના આગલા પગમાં ચાર અને પાછલા પગમાં પાંચ આંગળીઓ હતી. ઓહ..આ વાતની જાણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે થઈ…અને અચાનક જ એનું મન ખિસકોલીની જેમ દોડાદોડ કરવા લાગ્યું. એના પતિ નીલેશની સાચી હકીકત પણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે જ થઈ ને ! અને મોઢામાંથી એક ઉનો નિશ્વાસ નીકળી ગયો ને આંખમાંથી બોર બોર આંસુરૂપે એ સરી પડયો.ત્યાં જ એના ખભા પર એની સહકર્મચારી સુધાનો હાથ મૂકાયો અને એનો મ્રુદુ સ્વર કાને અથડાયો,

‘આરોહી, શું વાત છે? ક્યાં ખોવાયેલી છે. રીસેસનો સમય પતી ગયો. બેલ ક્યારનો વાગી ગયો અને તું હજુ અહીં…આમ…તારે તો ફીફ્થ ફ્લોર પર આઠ – ઇ ના ક્લાસમાં જવાનું છે ને… ?’

‘અહ…હ….અ..હા….હા…’ આરોહીએ એના નયનની ભીનાશ સાડીના પાલવમાં સમેટી લીધી અને ફટાફટ સ્ટાફરુમ તરફ ભાગી.

સુધા અને આરોહીનું ઘર નજીક જ હતું એથી બે યનું બસસ્ટોપ એક જ હતું. સ્કુલ છૂટ્યાં પછી બે ય બસમાં એક જ સીટ પર બેઠા. છેલ્લાં છ મહિનાથી સ્કુલમાં નોકરી કરતી, કાયમ શાંત, ધીર, ગંભીર અને અંતર્મુખી સ્વભાવની આરોહી માટે સુધાના દિલમાં કૂણી લાગણી હતી. એણે આરોહીના સુંદર મુખને વિહવળ બનાવતી ઉદાસીનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો.

‘આરોહી, આજકાલ તું બહુ ઉદાસ રહે છે…કારણ શું છે ?’ શરુઆતમાં થોડી હિચકિચાહટ્નો અનુભવ કર્યા પછી સુધાની લાગણી આગળ આરોહી પીઘળી ગઈ અને ખુલી ગઈ.

‘સુધા, મારા પતિ નીલેશની જોબ છૂટી ગઈ છે. છેલ્લાં બે વર્ષથી એ ઘરે જ છે. બધી બચત ધીમે ધીમે વપરાઈ રહી છે. મારી એકલીના પગાર પર મારા બે સંતાનો અને અમે બે…આમ ચાર જણનો સંસાર નિભાવવો લગભગ અશક્ય જ બનતો જાય છે.જિંદગીનું બીજું નામ સ્ટ્રેસ બનતું જાય છે.’

‘ઓહ…તારે આર્થિક તકલીફ છે એનો આછો પાતળો અંદાજો તો મને હતો પણ આવી વિષમ પરિસ્થિતીનો અંદાજ નહતો. તું કહે તો મારા પતિ રીતેશને વાત કરું, એની ઓફિસમાં નીલેશભાઈને લાયક કોઇક ને કોઇક નોકરી તો ચોકકસ મળી રહેશે.’

‘ના..ના..સુધા. આવી ભૂલ તો સહેજ પણ ના કરતી. નીલેશને કોઇ જેવી તેવી જોબ નથી જોઇતી. એને તો ઓછામાં ઓછી સાઈઠ હજારથી ઉપરની જોબ હોય તો જ કરવી છે.નીલેશ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો એમાં એનો માસિક પગાર લગભગ ૭૫,૦૦૦ રુપિયા જેટલો હતો. બે વર્ષમાં તો એ કંપની પોતાનો કોન્ટ્રાકટ ખતમ થતાં બંધ થઈ ગઈ અને નીલેશ રસ્તા ઉપર. નીલેશ બી.કોમ જ ભણેલો છે એટલે એની ક્વોલિફીકેશન કંઈ ખાસ ના કહેવાય. અત્યારે એને એના પાછલા વર્ક એકસ્પીરીઅન્સ અને ભણતરના બેઇઝ પર વીસ – પચીસ હજારની નોકરી તો મળી જ જાય છે પણ એને એ નોકરી સ્વીકારતા માનભંગ થતું હોય એવો અનુભવ થાય છે. ક્યાં પંચોતેર હજાર અને ક્યાં વીસ પચીસ હજાર રુપરડી….! ‘

‘અરે, પણ સાવ જ હાથ પર હાથ ધરીને બેસી રહેવું એના કરતાં જે મળે એ નોકરી કરી લેવામાં શું વાંધો છે ? નોકરી કરતા કરતા બીજી જગ્યાઓએ એપ્લાય કરતાં રહેવાનું. ‘

‘સુધા, આ જ વાત અમે ઘરના બધા સમજાવીને થાક્યાં. પંચોતેર હજારના પગારની લાઇફસ્ટાઈલ અત્યારે મારા પંદર હજારના ટૂંકા પગારમાં કેમની મેનેજ કરું ? વળી એની નોકરી છૂટી અને એના આવા નખરાંને લીધે જ મારે આ જોબ સ્વીકારવી પડી છે. જો કે મને એનો કોઇ અફસોસ નથી પણ મોટ્ટામસ પગારની આશામાં સાવ જ આમ નિકમ્માપણું દાખવવાનું ને ઘરમાં પડી રહેવાનું એ કેટલું વ્યાજબી ? એને હવે કશું ય કહેવાતું નથી કારણ એને ડીપ્રેશન આવી જાય છે અને ધડાધડ એન્ટી ડીપ્રેશન દવાઓ ની ટીકડીઓ ખાવા બેસી જાય છે. ઘર, છોકરાં, નોકરી અને માનસિક તાણના શિકારનો જીદ્દી વર…આ બધું મેનેજ કરતાં કરતાં બે વર્ષમાં હવે હું લગભગ હાંફી ગઈ છું. ઘણી વખત તો મન થાય છે કે બધું છોડીને…’અને સુધાએ આરોહીના મોઢા પર હાથ મૂકી દીધો,

‘પાગલ છું કે…આવા વિચાર પણ મગજમાં નહીં લાવવાના. બધાની લાઈફમાં આવો એક પીરીઅડ આવતો હોય છે. જેમ આવ્યો એમ જતો પણ રહેશે..થોડી ધીરજ રાખ. નાણાંભીડ હોય તો મારી પાસેથી થોડી ઘણી રકમ લઈ લેજે..હું તો અમથી ય શોખ માટે જ જોબ કરું છું યુ નો..આપણે આનો કોઇક રસ્તો શોધી કાઢીશું…હિંમત ના હાર.’

અને આરોહી સુધાના ખભા પર માથું મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.સુધા મનોમન વિચારમાં પડી ગઈ,

‘ વાસ્તવિકતાનો સ્વીકારી ના કરી શકનાર નીલેશની જીદ્દને સાચવવામાં એની પત્ની મરી મરીને જીવી રહી હતી પણ એ તો પોતાના પંચોતેર હજારના પગારના સ્વપ્નામાંથી જ બહાર નહતો આવી શક્તો..લાયકાત કરતાં પણ વધુ મોટા મોટા પગાર આપીને, વૈભવી લાઈફસ્ટાઈલની ટેવ પાડીને, જુવાનિયાઓ પાસે હદ બહારનું કામ કરાવી એમનું બધું હીર ચૂસીને પોતાનું કામ પતી જતાં એ જ કર્મચારીઓને સાવ જ રસ્તે રઝળતા છોડી દેનાર આવી કંપનીઓ હજુ કેટલી આશાભરી જુવાન જિંદગીઓ આમ બરબાદ કરશે ? ‘

અનબીટેબલ ઃ બેશરમ દુઃખો નોંતરાની રાહ નથી જોતા, સ્વમાની સુખ આજીજી કરીને થાકો તોય એ એના નિસ્ચિંત સમયે જ આવે છે.

થેંક્યુ !


phoolchhab newspaper > navrash ni pal column > 29-10-2014

 

હું તો ધરાનું હાસ છું,હું પુષ્પનો પ્રવાસ છું,

નથી તો ક્યાંય પણ નથી,જુઓ તો આસપાસ છું !

-રાજેન્દ્ર શુકલ.

 

‘મમ્મી, આજે મારે કોલેજ જવામાં થોડું મોડું થઈ ગયું છે તો હું જમી લઉં ત્યાં સુધીમાં મારા ડ્રેસને ઇસ્ત્રી કરી આપને.’

‘હા, તું તારે નિરાંતે જમ બેટા, ઉતાવળ કરીને જેમ તેમ કોળિયા ગળે ના ઉતારીશ.’

અને નીવાબેન ફટાફટ છેલ્લી રોટલી તવી પરથી ઉતારીને, ઘી લગાવીને ગ્રીવાની થાળીમાં પીરસીને નેપકીનથી હાથ લૂછતાં લૂછતાં એના રુમ તરફ વળ્યાં. દસ મિનીટ પછી નીવાબેન ડ્રેસને ઇસ્ત્રી કરીને એ બહાર આવ્યા ત્યાં સુધીમાં તો ગ્રીવાની કોલેજની સખી રીપલ આવીને સોફા પર બેઠી હતી અને મેગેઝિન વાંચતી હતી.

‘અરે, રીપલ…આવ આવ બેટા. ગ્રીવા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આ રવાનો શીરો બનાવ્યો છે એ ખાઈ લે.’ અને નીવાબેન ફટાફટ કાચના બાઉલમાં શીરો કાઢીને લઈ આવ્યાં.

‘વાહ આંટી, તમારા હાથનો શીરો તો મને બહુ જ ભાવે છે.મજ્જા આવી ગઈ.’ શીરામાંથી દ્રાક્ષ શોધી શોધીને ખાતી રીપલ બોલી.

સંતોષસહ આનંદથી નીવાબેન રીપલને શીરો ખાતી જોઇ રહ્યાં. ગ્રીવા તૈયાર થઈને બહાર આવી અને હાથમાં ઘડિયાળનો બેલ્ટ બંધ કરતાં કરતાં નીવાબેનના ગાલ પર મીઠી પપ્પી કરીને ‘થેંક્યુ મમ્મી, લવ યુ, જે શ્રી ક્રિષ્ના’ કહેતી કહેતી બહાર ભાગી.

ગ્રીવાના ફ્લેટની બહાર પાર્ક કરેલ ગાડીના ઇગ્નીશનમાં ચાવી લગાવીને ગાડી ચાલુ કરતાં કરતાં રીપલ અચાનક હસી પડી.

‘અલી, શું થયું…એકલી એકલી કેમ હસે છે ! ક્યાંક છટકી તો નથી ગયું ને તારું ? એક કામ કર તું આ બાજુ આવી જા ગાડી મને ડ્રાઈવ કરવા દે. તારું ઠેકાણું નહી હોય તો ક્યાંક અથડાવી બેસીશ.’

‘ના બાપા ના..મારું કંઈ છટક્યું બટક્યું નથી. આ તો તમારા ઘરના ‘થેંક્યુ- રિવાજ’ પર મને હસવું આવે છે. રોજ તું ઘરની બહાર નીકળતી વેળાએ તારા મમ્મીને ‘થેંક્યુ’ કહે છે એ સાંભળીને મને બહુ જ નવાઈ લાગે છે…ભલા કોઇ પોતાની મમ્મીને ‘થેંકયુ’ થોડી કહે ?’

અને ગ્રીવા ખુલ્લા દિલથી હસી પડી.

‘અરે મારી પાગલ…ફકત હું જ નહીં મારા પપ્પા પણ મમ્મીને ‘થેંક્યુ’ કહે છે. તું જાણે છે આ ‘થેંક્યુ’ કહેવાની ટેવ કેમની પડી ? નાની હતી ત્યારથી હું મમ્મી કે પપ્પાને કોઇ પણ કામ કરી આપુ તો એ બે ય જણ મને થેંક્યુ કહીને આભાર વ્યકત કરે..ધીમે ધીમે મને પણ એ ટેવ પડી ગઈ. સમજણી થઈ ત્યારે આ ‘થેંક્યુ’ માટે મને પણ તારા જેવો જ વિચાર આવેલો ને મેં પપ્પાને આ વાત પૂછેલી, “પપ્પા, આ ઘરના સદસ્ય એકબીજાને થેંક્યુ કહે તો થોડું ઔપચારિક નથી લાગતું ? ”

ત્યારે પપ્પાએ એમનું બધું કામ બાજુમાં મૂકી લગભગ અડધો કલાક મારી સાથે વાતચીત કરેલી.

‘જો બેટા, તારી વાત ખોટી નથી પણ જે વાત સાવ મફતમાં મળે એનું મૂલ્ય માનવીને ક્યારેય નથી લાગતું. તારી મમ્મીની તબિયત સારી હોય કે ના હોય એ આપણા માટે આપણા સમયે નાસ્તો-ચા – જમવાનું બધું રેડી રાખે જ છે અને એ પણ પૂરા પ્રેમથી ! એ જ રીતે મારી તબિયત સારી હોય કે ના હોય, ગમે એવા ટેન્શનોવાળી જોબ હોય તો પણ ઘરને ચેતનવંતુ રાખવા પૈસા કમાવા જ પડે છે. મારા કરતાં મારા કુટુંબનો ખ્યાલ વધારે રાખું છું. જવાબદારી તો જવાબદારી જ હોય છે પણ એને બિરદાવનારું હોય તો એ જવાબદારી પાર કરવાનો થાક અડધો થઈ જાય અને શક્તિ બમણી ! વળી જ્યારે તમે સામી વ્યક્તિનો આભાર માનો છો ત્યારે ત્યારે તમને એનો પ્રેમ અને નિસ્વાર્થભાવ યાદ આવે છે. રોજ રોજ આ વાત યાદ કરીને તાજી રાખવાથી એ સમજણ જિંદગીભર લીલીછમ્મ રહે છે અને લીલાશ એ કોઇ પણ સંબંધનું ખાતર છે. જે પણ સંતાન મા બાપનો આભાર માનતા હશે એ જિંદગીના કોઇ પણ સ્ટેજમાં એમની સાથે દુરવ્યવહાર કરવાનો વિચાર સુધ્ધા નહી કરે કારણ, એમને મા બાપના દરેક કાર્યની, એ કાર્ય પાછળ ખર્ચેલા એમના મહામૂલા સમયની, દુનિયાના સર્વોત્તમ ભાવ ‘પ્રેમ’ની જાણ છે. સંતાનોનો ઉછેર એ મા બાપની મનગમતી ફરજ હોય છે એને અમુક સંતાનો પોતાનો જન્મસિધ્ધ હકક સમજીને મનફાવે એવો વર્તાવ કરીને મા બાપનું દિલ દુઃખાવીને અણગમતી ફરજ બનાવી દે છે. આવી તો ઢગલો બાબત છે આ ત્રણ અક્ષરના શબ્દ ‘થેંક્યુ -આભાર’ પાછળ. પણ રીપલી આ સામે આપણી કોલેજ આવી ગઈ જો….અને આજે પહેલું લેકચર એકાઉન્ટનું છે જે મારે કોઇ પણ સંજોગમાં છોડવું નથી એટલે હું તો આ ભાગી તું ગાડી પાર્ક કરીને આવ..ટા..ટા…’

અને નાજુક રંગબિરંગી પતંગિયાની માફક ગ્રીવા ગાડીમાંથી ઉતરીને હવામાં ઓગળી ગઈ પણ એ પાંચ મીનીટના સંવાદથી રીપલને અવાચક કરતી ગઈ. એણે તો પેરેન્ટ્સના કાર્ય વિશે કદી આ દ્રષ્ટિકોણથી વિચાર્યુ જ નથી ! અચાનક જ રીપલની આંખમાંથી બે મોતીડાં સરી પડ્યાં ને એના પગ ઉપર પડ્યાં અને રીપલને ભીની રેતી પર જાણે ખુલ્લા પગે દોડી રહી હોય એવો અનુભવ થવા લાગ્યો. ભીની ભીની રેતી એની પાનીને મૃદુલતાથી સ્પર્શતુ જતું હતું અને એના આખા તનમાં શીતળ સ્પંદનોનો દરિયો વહી જતો હતો.

અનબીટેબલ : લાગણી-ભિસરણ વિના સંબંધો મરી જાય છે.

સ્નેહા પટેલ

પગલું


sneha patel

Phoolchhab newspaper > Navrash ni pal column > 15-10-2014

images

આ પાનખર તો ગેરસમજ ઋતુની હશે,

હું આંખમાં લઈને ફરું છું બહાર દોસ્ત.

– ‘ગની’ દહીંવાળા.

 

‘માસી, આ જુઓને મારી નીચેવાળા રીટાબેને એમની બારી -ગેલેરી અને બેડરુમ બધાયની પેરાપેટ ઉપર લાંબુલચ છાપરું કરાવી દીધું છે તે મને હવે નીચે કશું દેખાતું નથી. વળી મને લાગે છે કે એમણે એમની કાયદેસરની લીમીટ કરતાં થોડું વધારે જ ખેચી લીધું છે.’

‘લાવ, મને જોવા દે તો.’

અને સમજુબેન એમની સુંદર મજાની પાડોશી જિંદગીના બીજામાળ પર આવેલ ફ્લેટમાં પ્રવેશ્યા.ડ્રોઇંગરુમમાં આવેલ એલ્યુમિનિયમની ફ્રેમમાં પહોળાકાચની સુશોભિત વીન્ડોમાંથી નીચે જોતાં જ એમનું મન ખાટું થઈ ગયું.જિંદગીના ફ્લેટની નીચે બે પાડોશીએ ભેગા થઈને લગભગ ૩-૩ ફૂટનું ‘સી’ આકારનું છ્જુ બનાવી કાઢેલું જેના કારણે જિંદગીના ફ્લેટમાંથી નીચેનું પાર્કિંગ અને બહારની સાઈડ પડતો રોડ કશું જ દેખાતું નહતું. રોડ ઉપર ઉભી રહેતી શાકભાજી, પાણીપૂરી, ફ્રૂટની લારી અને બીજી અનેકો દુકાનો ખુલ્લી છે કે નહીં એ જોવા માટે આ જ બારી વપરાતી હતી પણ હવે તો એ સુંદર ‘વ્યૂ’ જ બંધ થઈ ગયેલો અને છજા ઉપર ત્રીજામાળવાળા પાડોશીએ નાંખેલ દૂધની થેલીઓ, જંકફૂડના પેકેટ્સ, કેળાની છાલ જેવો ઢગલો કચરો પથરાયેલો હતો. સરસ મજાના ડ્રોઇંગરુમની બારીમાંથી બહાર નજર નાંખતા જ આવું વરવું દ્રશ્ય ! વળી બેડરુમની બારીની બહાર તો આનાથી પણ વધુ ખરાબ હાલત હતી. એમના એરીઆમાં કબૂતરોની વસ્તી અધ..ધ…ધ…ધ. આખું છાપરું એની ગંદકીથી ભરપૂર અને વળી જિંદગીના જણાવ્યા મુજબ બે ફૂટ જેવું વધારાનું ખેંચાણ.

‘ઉફ્ફ, જિંદગી તારે તો જબરો ત્રાસ થઈ ગયો..ચારે તરફ છાપરા જ છાપરા..’

‘હા માસી, આ ગંદકીના લીધે ઘરમાં માખી ને મચ્છરનો ત્રાસ થઈ ગયો છે.આનો ઉપાય શું ? વળી આ છાપરા પર ચડીને કાલે ઉઠીને કોઇ ચોર મારા ઘરમાં ઘૂસી આવશે એની ચિંતા તો વધારાની…એની જવાબદારી કોની?’

‘જિંદગી, ફ્લેટસમાં આવી બધી તકલીફો રહે જ દીકરા. ઉપર નીચેવાળા પોતાની જવાબદારી જાતે સમજે તો જ કામ થાય નહીંતો ઝગડો થઈને ઉભો રહે. અમારી નીચે રહેતી રીંકુએ પણ છાપરું ખેંચેલું જ છે ને..પણ દર અઠવાડીએ એ જાતે પાણીની પાઈપ મૂકીને સાવરણો ફેરવીને સાફ કરી લે છે. વળી અમારી ઉપરવાળા પણ આવો બધો કચરો ના ફેંકે એના માટે એમની સાથે વાત પણ કરે છે. હવે એ આટલું સાચવી લે તો મારે એની સાથે ક્યાં કોઇ મગજમારી કરવાની રહે બોલ ?

‘હા માસી,વાત તો કરવી જ પડશે’ અને જિંદગીએ એની નીચે આવેલા પારુલબેનના ઘરનું બારણું ખખડાવ્યું.

‘પારુલબેન, આ છ્જુ કરાવ્યું તો હવે એને સાફ કરવાની કોઇ જોગવાઈ તો કરો.’

‘અલ્યા, મારે શું સાફસફાઈ કરવાની ? તમને તકલીફ પડતી હોય તો તમે જાતે એક પાઈપ મૂકીને ધોઈ કાઢજો ને..મને કંઈ પ્રોબ્લેમ નથી એમાં.’

‘પારુબેન, ્છાપરું તમે કરાવો, કચરો ઉપરવાળા નાંખે અને સાફસફાઈ મારે કરવાની એમ..? ઓકે..એક વાર તમે સાફ કરાવી લેજો એક વાર હું કરી લઈશ.’

‘ના, એવો ટાઈમ કોની પાસે હોય કંઈ..’

‘તો આપણે કચરોવાળવા આવતી મંજુને થોડા પૈસા આપી દઈશું એ કરી લેશે’

‘તમારે જે કરવું, કરાવવું હોય એ જાતે કરી લેજો.હું કંઇ નહીં કરું.’

‘ઓહ, આ સમજુબેનની નીચેવાળા રીંકુબેન તો સાફ કરે છે. તમને શું નખરા છે …તમારી ચોખ્ખાઈમાં અમારે ગંદવાડ સહન કરવાનો એમ…! અને જે વધારાનું બાંધકામ છે એનું શું ? હું બાંધકામ ખાતામાં અરજી આપી દઈશ.’

‘આપી દેજો, જે થાય એ કરી લેજો.રીંકુ ક્યાં સાફ કરે છે વળી..’

ત્યાં જિંદગીની સાથે આવેલ સમજુબેન બોલ્યાં,

‘ખોટી વાત ના કરો પારુબેન, રીંકુ રેગ્યુલર સાફ કરીને ચોખ્ખું રાખે છે. આ હું એની સાક્ષી…’

વાત વધી ગઈ ને પારુબેન ગાળાગાળી પર આવી ગયા. જિંદગી અને સમજુબેન એમની કક્ષાએ ના પહોંચી શક્યાં ને ઘરે પાછા વળ્યાં. દરેક ફલેટ્રવાસી જિંદગીની વાત સાથે સહમત હતો પણ પારુબેનના ઘરેથી આવતા રોજના વાટકાભરીને શાક ને બીજી વસ્તુઓની લાલચે એમનું મોઢું બંધ કરી દીધેલું.

જિંદગીએ મ્યુનિસીપાલટીમાં કમ્પલેઇન કરતાં એનો માણસ આવીને બાંધકામ માપી ગયો અને ત્રણ ફૂટનું વધારાનું કામ છે એ નોંધી ગયો. નોંધણી પછી પારુબેનના ઘરમાં અડધો કલાક ચા-નાસ્તો કરીને બહાર નીકળ્યો ત્યારે એના શર્ટની ડાબી બાજુનું ખિસ્સુ થોડું ફૂલેલું લાગતું હતું ને મોઢા પર હર્ષની વાદળીઓ દોડતી હતી.જિંદગી બધી વાત સમજી ગઈ. બાંધકામ ખાતામાં વાત કરી તો પણ એનું એ જ..લગભગ એક મહિનો કવાયત કરીને જિંદગી હવે થાકી અને બધી ય વાત પડતી મૂકીને પડ્યું પાનું નિભાવી લેવા જેવી વાત પર આવી ગઈ.

આ આખી ય ઘટનાક્રમની વચ્ચે સમજુબેનની નીચે રહેતી રીંકુને એની આજુબાજુવાળાએ સમજાવી – ખખડાવીને મજબૂર કરી દીધી અને હવે એણે પણ છાપરું સાફ કરવાનું છોડી દીધું હતું અને સમજુબેનના ઘરમાં જે ચોખ્ખાઈનો માહોલ રહેતો હતો એ પણ ગંદકીમાં પરિવર્તિત થઈ ગયો હતો.

ઘરની પાટ પર બેસીને સમજુબેન વિચારતા હતાં કે,

‘ જિંદગીને સાથ આપીને એમણે ભૂલ કરી કે શું ? એમણે જિંદગીની લડતમાં એને સાથ આપ્યો અને જિંદગીએ લડતમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં. છેક સુધી લડવું જ નહતું તો જિંદગીએ વાત ચાલુ જ નહતી કરવી જોઇતી. આ તો ના એનું કામ પાર પડ્યું ને એમનું કામ પણ બગડીને રહી ગયું.ભવિષ્યમાં હવે જિંદગી માટે ક્યારેય સ્ટેન્ડ લેવાનું આવશે તો જિંદગી ભલે ગમે એટલીવ્હાલી હોય, એની વાતમાં સચ્ચાઈ હોય પણ એ પગલું લેવામાં એમને ચોક્કસ તકલીફ પડશે.’

અનબીટેબલ : આગળ વધીને પાછળ હટી જવાની નીતિ આપણા ખાતામાંથી શુભેચ્છકો અને મિત્રોની બાદબાકી જ કરે છે.

-sneha patel

સપનાનો રાજકુમાર


phoolchhab newspaper > navrash ni pal column > 1-10-2014

listen

આ બધા તારા બળાપા વ્યર્થ છે,

કાચ જેવું પણ કશું તૂટ્યું નથી !

રાકેશ હાંસલિયા

‘કોયલ, તમારી કુંડલી તો અતિશ્રેષ્ઠ છે. તમારી સાસરી ખૂબ પૈસાવાળી હશે વળી તમે તમારા સાસુ -સસરાના લાડકા વહુ બનશો. બધા તમને હાથમાં ને હાથમાં રાખશે.’

‘ સાસુ સસરા તો ઠીક પણ મારા સપનાના રાજકુમાર વિશે પણ કંઈક કહો ને…એ કેવો હશે ?’ અને કોયલની કાજળમઢેલી આંખોમાં સપ્તરંગ વેરાઈ ગયા.

‘બેટા, તમારી કુંડળીના સપ્તમ ભાવમાં વૃષભ રાશિ સ્થિત છે એટલે તમને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થઇ શકે છે. આવી રાશિવાળાનો જીવનસાથી મધુરભાષી અને પત્નીની વાત ધીરજથી સાંભળીને એને માનવા વાળો હોય છે. ‘

અને નયનના સપ્તરંગમાંથી એક રંગ હળ્વેથી કોયલના લીસા ગોરા ગાલ પર ઢોળાઈ ગયો.

વીસવર્ષની ઉંચી કદકાઠી અને પતલો બાંધો ધરાવતી કોયલ અતિસુંદર અને સમજદારયુવતી હતી. સમજણી થઈ ત્યારથી એ પોતાના સપનાના રાજકુમાર અંગે જાતજાતના ખયાલીપુલાવો રાંધતી રહેતી. બાહ્ય દેખાવ અંગે થોડી બાંધ છોડ કરવા માટે કોયલ તૈયાર હતી પણ એક વાત એવી હતી કે જેમાં એની સહેજ પણ બાંધછોડ કરવાની તૈયારી નહતી . એ રાજકુમાર એની દરેક વાત ધીરજપૂર્વક સાંભળનારો, એને સમજનારો હોવો જોઇએ તો જ લગ્ન કરવા, આવો યુવાન ના મળે તો આખી જિંદગી કુંવારી રહેવાની ય એની તૈયારી હતી.

બે દિવસ અગાઉ સવારે એના મમ્મી ઉષાબેન સાથે બેસીને એમનું કબાટ સરખું કરતી હતી અને ત્યાં એમના કબાટના ડ્રોઅર ખેંચતા જ એના હાથમાં પોતાની જન્મકુંડળી આવી ગઈ હતી અને અત્યારે એ પંડિત જાણે એના મનની જ વાત બોલી રહ્યાં હતાં ને કોયલનું રૂંવેરૂંવું રોમાંચિત થઈ ગયું હતું.

થોડો સમય વ્યતીત થયો અને કોયલના મમ્મી પપ્પાએ યોગ્ય મુરતિયો ને ખાનદાન જોઇને કોયલને કવન સાથે પરણાવી દીધી. કોયલને પણ બે મહિનાની વીસ પચીસ મુલાકાત દરમ્યાન કવન પોતાના સપનાના રાજકુમારની પ્રતિકૃતિ જ લાગ્યો. સમયને વીતતા વાર નથી લાગતી અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા અને એમના ઘરમાં એક રુપાળી ઢીંગલીનો ઉમેરો થયો. કવનને પોતાની વધતી જવાબદારીઓનું પૂરું ધ્યાન હતું એ પણ કાળામાથાનો માનવી હતો આખરે ! બાપદાદાના વખતથી ચાલ્યા આવતાં ધંધામાં એ હવે ઉંડે ઉતરતો ચાલ્યો પરિણામે એમના લગ્નજીવનમાં સમયની ખેંચ અનુભવાવા લાગી. જો કે અટેન્શન ઓછું થયું હતું , પ્રેમ નહીં. પણ કોયલને તો એની આખી દુનિયા જ બદલાઈ ગયેલી લાગતી હતી. એનો સપનાનો રાજકુમાર હીન્દી પિકચરોના વિલનમાં પરિવર્તીત થઈ રહેલો અનુભવતી હતી. એની નાની નાની વાત સાંભળવાનું કવન માટે શક્ય નહતું. મહિનાના વીસ દિવસ જે બહારગામ હોય એની પાસેથી શું આશા રાખવી અને દિવસે દિવસે ઉદાસીનો અજગર કોયલને ભરડો લેવા લાગ્યો.એનું શરીર સાવ નંખાઈ ગયું, ચહેરાની ચમક ઓછી થવા લાગી, આંખો નીચે કુંડાળા થઈ ગયા, સદા હસતા રમતા રહેતા નાજુક સ્મિતે એના ગુલાબી હોઠથી જાણે નાતો તોડી કાઢેલો..કીટ્ટા કરી નાંખી હતી. કોયલનો આ ફેરફાર એના મમ્મી ઉષાબેનથી જોયો ના ગયો અને એમણે કોયલને શાંતિથી પૂછતાં જ કોયલ પોતાનો ઉભરો ઠાલવી બેઠી.

‘મમ્મી, કવન મને હવે પહેલાં જેવો પ્રેમ નથી કરતો.’

‘કેમ આવું બોલે બેટા ? મને તો કવનકુમાર હજુ એવા ને એવા ઉર્મિશીલ જ લાગે છે. ઉલ્ટાના પહેલાં કરતાં વધુ ઠરેલ ને સમજુ થયા છે. મારી તો આંખ ઠરે છે એમને જોઇને.’

‘મમ્મી, એમની પાસે મારી વાતો સાંભળવાનો સહેજ પણ સમય નથી.એ મને સહેજ પણ અટેન્શન જ નથી આપતાં. બે દિવસ પહેલાં જ એ બોમ્બે ગયેલાં. મેં ત્યાંથી ઢીંગલી માટે થોડા કપડાંનું શોપિંગ કરવા કહેલું તો ભૂલી ગયાં.બોલ, આવું થોડી ચાલે ?’

‘બેટા, આ તો નોર્મલ વાત છે. કવનકુમાર એક સાથે ચીન, યુકે, યુ એસ, ભારત એમ ચાર દેશમાં બિઝનેસ ફેલાવી રહ્યાં છે. કેટલી દોડાદોડ છે એ નથી જોતી તું ? વળી આ બધી મહેનત કોના માટે..તમારા લોકો માટે જ ને !’

‘મમ્મી તમારી વાત સાચી છે. પણ ધંધામાં પોતાની પત્નીની વાત સાંભળવાનો સમય જ ના રહે એ કેવી રીતે પોસાય ? બે રુપિયા ઓછા કમાશે તો ચાલશે પણ આમ મારાથી વાત કરવાનો સમય જ કપાતમાં જતો રહે એ ન ચાલે.લાખ વાતની એક વાત એ મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. પપ્પા હજુ આજની તારીખે પણ તમારી સાથે બેસીને કેટલી વાતો કરે છે, તમને કેટલા ધીરજપૂર્વક સાંભળે છે. ‘

‘મારી ભોળી દીકરી, તારી દરેક વાત સાંભળવાનો સમય એમની પાસે ના હોય એટલે એ તને પ્રેમ નથી કરતાં એવું અર્થઘટન થોડી કરાય ? જોકે પહેલાં તો ભૂલ મારી જ છે. તારા મનમાં જ્યારે તારા સપનાના રાજકુમાર વિશે રેખાચિત્ર દોરાતું હતું ત્યારે જ મારે તને રોકવાની હતી , સમજાવવાનું હતું કે , ‘બેટા, લગ્નજીવન એ તો બે આત્મા વચ્ચેનો જીવનભરનો સંબંધ કહેવાય.પ્રેમની કોઇ જ વ્યાખ્યાઓ ના હોય કે કોઇ પણ બે લગ્નજીવન પણ કદી સરખાં ના હોય એટલે એમાં કોઇની સાથે સરખામણી કરવી એ તો નર્યું ગાંડપણ જ.પ્રેમ એટલે તો નર્યો પ્રેમ જ .. આલેખી ન શકાય એવી લાગણી, જેમાં તમારે ભરપૂર વિશ્વાસ રેડવાનો હોય અને મનમાં ઉગી નીકળવા અપેક્ષાના જંગલમાં ધીરજ રાખીને દાવાનળથી બચાવવાનો હોય. કોઇ વ્યક્તિ તમને સાંભળે તો જ એને તમારા માટે પ્રેમ છે એવી વાત જ પાયાહીન છે. દરેક માનવીની પોતાની લિમિટેશન હોય જ એને સમજીને સહર્ષ સ્વીકારતા શીખવું એનું નામ પ્રેમ. કલ્પનાની અતિશયોક્તિ જ માનવીના લગ્નજીવનમાં ભંગાણ પડાવે છે. પ્રેમમાં પડવા માટે બહુ વિચારવાની જરુર નથી હોતી, ફક્ત એને ટકાવી રાખવા માટે થૉડા સહનશીલ થવાની જરુર હોય છે. બાકી કોઇ વ્યક્તિ તમારી અપેક્ષાની હદમાં પૂરાઈને તમને સાચો પ્રેમ કદી ના કરી શકે. પ્રેમ તો સ્વતંત્ર.અને વિશ્વાસથી સભર હોય તો જ સ્વસ્થ બને છે.’

અને કોયલ વિચારમાં પડી ગઈ. વાત એણે ધારી લીધી એવી તો સહેજ પણ નહતી. મમ્મી બરાબર કહી રહેલાં. કવન આજે પણ એનો ઘણો ખ્યાલ રાખે જ છે પણ એણે ખુદની અભિવ્યક્તિના વિશ્વમાંથી એ જોવા તરફ પ્રયાસ જ નહતો કર્યો.

અનબીટેબલ : જ્યાં સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.

વાત બદલાતા સ્થાનની


phoolchhab newspaper > Navrash ni pal column > 3-09-2014

 

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,

દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

– ગૌરાંગ ઠાકર.

 

મુદ્રાના મૃગનયની લોચનિયામાં આજ કાલ એક રુપાળું શમણું ઉછરી રહેલું – મા બનવાનું ! રોજ પોતાના ઉદરમાં પાંગરતા પોતાના શિશુને કોમળ હાથે પંપાળતી, કલાકોના કલાકો એની સાથે વાતો કરતી, આંખ બંધ કરીને એકધ્યાન થઈ જતી ! એક – એક દિવસ એક – એક યુગ જેવડો વીતતો હતો.પ્રતીક્ષાનો રસ્તો ધીરજ ખોવડાવી દે એવો કઠોર લાગતો હતો.રોજ ભગવાનને એ આ દિવસો જલ્દી વીતી જાય એવી પ્રાર્થના કરતી રહેતી અને એક દિવસ મુદ્રાના આંગણે ભગવાનની મહેરબાનીની વર્ષા થઈ અને જળમાં ઉછરેલ પોયણી જેવી નાજુક દીકરી શ્રેયાનો જન્મ થયો. શમણાંની – લોચનની ઉર્મિ હવે એના ખોળામાં એના હાથમાં આવીને વસી ગઈ ને મુદ્રા અને વિવેકનું જીવન બદલાઈ ગયું.

મુદ્રાનો આખો દિવસ શ્રેયા પાછળ જ વીતતો. શ્રેયુ આમ .. શ્રેયુ તેમ..એના માટે આ લાવવાનું છે..એને ફલાણું ખવડાવવાનું…ઢીંકણું પહેરાવવાનું..હાથ પકડીને પા પા પગલી પાડતાં શીખવવાનું , બા…બા…બા થી આગળ વધીને પપ્પા…દાદા…મમ્મા બોલતા શીખવવાનું, લીકવીડમાંથી સેમીલીકવીડ અને સેમીમાંથી સોલિડ ખોરાક ખાતા શીખવાડવાનું..એ પછી ભણવાનું, દોસ્તો બનાવતા, ડાન્સ, મ્યુઝિક, ઇમોશન્સ મેનેજમેન્ટ શીખવવાનું…અને શીખતાં શીખતાં મુદ્રા અને વિવેકની લાડલી આજે ૧૮ વર્ષની થઈ ગઈ હતી. આજે ઘરે એની બર્થડે પાર્ટી રાખી હતી.મુદ્રા અને વિવેક પોતાના નાજુક – સુંદર સર્જનને સસ્નેહ નિહાળી રહ્યાં હતાં ત્યાં જ શ્રેયા એમની પાસે આવી અને બોલી,

‘ડેડી, મેં અઠવાડીઆ પહેલાં બર્થ-ડે કેકનો ઓનલાઈન ઓર્ડર આપેલો એની ડીલીવરી અત્યારે થઈ જવી જોઇએ પણ હજુ સુધી આવી નથી. પ્લીઝ તમે ટ્રેકિંગ નંબર પરથી નેટ પર ચેક કરી લેશો ? હું દરજીને ત્યાંથી મારો ડ્રેસ લઈ આવું. ‘

‘બેટા, મારે ઓફિસનું કામ બાકી છે એ પાર્ટી ચાલુ થાય ત્યાં સુધીમાં પતાવી દઉં. તું મમ્મીને કહી દે એ ચેક કરી દેશે.’

‘મમ્મી ! શું પપ્પા તમે પણ… આ બધી બાબતમાં મમ્મી તો સાવ ‘ઢ’ છે.’

‘શ્રેયા, બેટા એક કામ કર. તું મને સમજાવી દે હું શીખી લઈશ ને તમે બે જણ આવો ત્યાં સુધીમાં કામ પતાવી દઈશ.’

મુદ્રા બોલી.

અને શ્રેયાનો પિત્તો ગયો.

‘મમ્મી, રહેવા દે ને. તું શું શીખવાની ? મેં હજારો વખત કહ્યું કે ડેડીએ લેટેસ્ટ સ્માર્ટફોન અપાવ્યો છે તો એ પ્રોપર વાપરતાં શીખી જા. આ ટેકનોલોજી દ્વારા આજનું જગત કેટલું નાનું ને સરળ થઈ ગયું છે, ઘરે બેઠા શોપિંગ થાય તો તને એમાં ય વાંધો…ના દુકાનમાંથી ખરીદી કરવા જેવી મજા એમાં ના આવે ! ટચ ફોન ઓપરેટ કરતાં નથી ફાવતું…ગમે ત્યારે કોઇને પણ એની જાતે ફોન લાગી જાય છે એટલે ફોન વાપરવો જ નથી અને તારો ફોન જ્યારે હોય ત્યારે સાઇલન્ટ મોડ પર જ મળે..પૂછીએ કે કેમનો સાયલન્ટ થઈ ગયો તો જવાબ મળે કે શી ખબર…એની જાતે થઈ ગયો હશે. બોલો, ફોન કદી જાતે સાયલન્ટ થાય કે !’

‘અરે પણ અત્યારે તું સમજાવ તો ખરી બેટા, હું શીખીને તારું કામ કરી દઈશ કહ્યું તો ખરું. મારે જરુર નથી પડતી તો હું આ બધી જંજાળોમાં નથી પડતી. પણ જરુર હોય તો હું દુનિયામાં કોઇ પણ વસ્તુ શીખી શકું છું યુ નો .’

‘મમ્મી, ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી. તું તારે રસોડામાં જઈને મારા માટે એક કપ કડક ને મસાલાવાળી ચા બનાવી લાવ, હું મારું કામ મારી જાતે જ કરી લઈશ. તને શીખવવામાં ક્યાં માથાપચ્ચી કરું ? જે ફોનમાં નંબર સેવ કેવી રીતે કરવો કે વોલપેપર કેવી રીતે ચેઇન્જ કરવું એના માટે મારી સાથે માથું દુખાડે છે એને હું એપ્લીકેશન્સ વાપરતા શીખવાડવા બેસું ! મારા તે ભોગ લાગ્યાં છે કે શું ?’

શ્રેયાનો આ મિજાજ અને વ્યવહાર જોઇને વિવેક અને મુદ્રા બે પળ સ્તબ્ધ રહી ગયા.

‘શ્રેયુ બેટા, તને આ જ મા એ જન્મ આપ્યો છે એ વાતની ખબર છે ને ?’

‘શું પપ્પા તમે પણ ?’

‘ઓકે. જન્મ આપ્યાં પછી શું, કેવી રીતે ખાવું, ચાલવું, જીવવું બધું ય આ જ બુધ્ધિ વગરની મમ્મીએ પૂરી ધીરજથી શીખવ્યું છે એ વાત પર કદી વિચાર કર્યો છે ? માન્યું કે મુદ્રાને ફોન – લેપટોપ બધું નથી ગમતું પણ એ મૂર્ખ નથી. એના સમયમાં એ રેન્કર રહી ચૂકી છે અને રસોઈ, ડ્રેસિંગ, વ્યવહારકુશળતામાં પણ તારી મા નંબર વન છે.એને કોઇ પણ વસ્તુ શીખતા સહેજ પણ વાર નથી લાગતી. અત્યાર સુધી એણે ફોન વાપરવામાં રસ જ નહતો લીધો એટલે આ બધી વાતોથી અજાણ છે પણ એ ધારે તો એને શીખી લેતા ખાસ સમય ના લાગે બેટા.’

‘પપ્પા, મમ્મીનું કામ નહીં તમે રહેવા દ્યો ને.’

‘શ્રેયુ, તું જ્યારે નાની હતી ને સોફા, પલંગ પકડી પકડીને માંડ ઉભી થતાં શીખતી હતી ત્યારે તારી આ મા એ એમ વિચારી લીધું હોત કે જવા દો..જે માંડ ઉભી રહી શકે છે એ ચાલતા ક્યાં શીખી શકવાની તો ? પણ ના, એણે એમ ના વિચાર્યું ને તારી પાછળ સતત ધીરજ રાખીને પ્રેમ ઢોળીને ચૂપચાપ મહેનત કરતી જ રહી.આ જ મા એ તને ચાલતા નહી દોડતાં, ડાન્સ કરતાં પણ શીખવ્યું ને આજે તો…તો…તું હવામાં જ ઉડે છે બેટા..’

‘પપ્પા, એવું નથી પણ…’

અને શ્રેયાની કાજળ મઢેલી આંખમાં બે આંસુના મોતી ચમકી ઉઠ્યાં. પપ્પાની વાત સાચી હતી. મુદ્રા દરેક વાતે હોંશિયાર હતી. એને કોઇ જ વાત શીખવામાં સહેજ પણ સમય ના જતો. સમાજ આખા ય માં એની વ્યવહારદક્ષતાના વખાણ થતાં હતા ને એ જ સ્માર્ટ મા ને પોતે સાવ આમ ગમાર સમજી બેઠી હતી એનો પારાવાર અફસોસ થતો હતો. પળનો ય સમય વીતાવ્યા વિના શ્રેયાએ પોતાની ભૂલ સુધારવા તરફ પહેલું કદમ માંડ્યું અને ફોનનું સ્ક્રીનલોક ખોલીને એણે મુદ્રાને એપ્લીકેશન્સ સમજાવવાનું ચાલુ કર્યું.

અનબીટેબલ ઃ દરેક બદલાતા સ્થાન સાથે માનવીએ પણ બદલાવું પડે છે અને આ પ્રક્રિયા અંતહીન છે.

ગ્રહણ


Phoolchhab newspaper > navrash ni pal column > 30-07-2014

कोई निशान लगाते चलो दरख़्तों पर

के इस सफ़र में तुम्हें लोट कर भी आना है !

-रऊफ़ ख़ैर

અને જ્યાં સુધી એરઇન્ડિયાનું પ્લેન દેખાયું ત્યાં સુધી અવની હવામાં હાથ વીંઝતી રહી અને દિવ્યાને ‘બાય’ કહેતી રહી. છેવટે આંખોના ખૂણે બાઝી ગયેલી ભીનાશ પર રુમાલ ફેરવીને કોરી કરી.

દિલની જેમ નયન પણ કોરા ભટ્ઠ !

ઘડિયાળમાં જોયું તો એ સવા ત્રણનો સમય બતાવતી હતી. ચેન્નાઈ, કુઆલાલમ્પુર પછી સિંગાપોર અને ત્યાંથી ક્વોન્ટાઝ એરવેઝની ફ્લાઈટ દિવ્યાને બ્રિસ્બેન થઈને કેઈર્ન્સ પહોંચાડી દેશે. એનો અને દિવ્યાનો આ કેવો અનોખો સંબંધ ! દિવ્યા એટલે એની ખાસ બહેનપણી ધારાના દીકરાની ભાવિ વહુ.

ધારા અને અવની વચ્ચે નાનપણથી બહેનપણા હતા. ધારાનો એકનો એક દીકરો ગ્રેજયુએટ થઈને બેટર ચાન્સ માટે ઓસ્ટ્રેલિયા ગયેલો અને પછી ત્યાં જ સેટલ થઈ ગયેલો. ધારા પહેલેથી જ સ્વભાવની થોડી કચકચીયણ. ધર્મ અને સમાજના રીતિરિવાજોને લઈને થોડી જડસ્વભાવની. દિવ્યા એના પૈસાદાર મા બાપની એકની એક લાડકોડમાં ઉછરેલી મોર્ડન છોકરી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ધારાના હુકમનામા સાંભળે અને કંટાળે ત્યારે બહાના શોધીને છટકી પણ જાય.

અવની બહુ સમજદાર અને જમાનાની ઠોકરો ખાઈખાઈને ઘડાઈ ગયેલી સ્ત્રી હતી. ધારા કરતાં ઉંમરમાં નાની હતી પણ સમજણ અને અનુભવમાં એનાથી ચારગણી. વળી અવની કાયમ વર્તમાન પરિસ્થિતીને અનુકૂળ થઈને જીવવામાં માનતી. આ બધાના કારણે દિવ્યાને ધારા કરતાં અવની સાથે વધારે બનતું. દિવ્યા સામાજીક ફંકશનમાં એક બે વખત જ અવનીને મળી હતી અને એ એની ડ્રેસિંગ સેન્સ, હસમુખો અને લાગણીશીલ સ્વભાવથી બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયેલી. પરિણામે ધારા કરતાં અવનીના ઘરે દિવ્યાની વધુ અવર જવર રહેતી.

એકાદ – બે વખત ધારાએ અવની અને દિવ્યાને ડીનર લેતા અને પિક્ચર જોવા જતાં જોયેલા અને એ ઇર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયેલી. એની વહુ અને એના કરતાં એની બહેનપણીની સાથે વધુ રહે એ તો કેમ ચાલે ? પરિણામે એ દિવ્યા તરફ થોડી વધારે કડક થતી ગઈ. જુવાન લોહી એમ કોઇના દાબમાં રહે ? એ તો સ્પ્રીંગ જેવું – જેટલું દબાવો એટલું વધુ ઉછાળા મારે. વળી દિવ્યાને ક્યાં આખી જિંદગી ધારા સાથે રહેવાનું હતું તે એની તમા રાખે ! એને તો લગ્ન કરીને મહિનામાં જ ઓસ્ટ્રેલિયા ઉડી જવાનું હતું. લગ્ન પહેલાં તો વિઝા હાથમાં હતા. ધારાની કડપ અને દિવ્યાના વિરોધની રકઝકમાં દિવ્યા અવનીની વધુ ને વધુ નજીક આવતી ગઈ. અવની એને બહુ જ સારી રીતે સમજી શકે છે એવું લાગતા એ એની બધી જ વાતો એની સાથે શેર કરવા લાગી. વોટસએપ, ફેસબુક બધે એ અવનીની વાહ વાહ કરતી થઈ ગઈ. ત્યાં સુધી કે એના લગ્નના શોપિંગમાં પણ એ ધારાને ધરાર અવગણીને અવનીને જ સાથે રાખવા લાગી.

પહેલાં તો અવનીને દિવ્યાનું આ પાગલપણ સારું લાગ્યું પણ ધીમે ધીમે એને ધારાની નારાજગીના ઓળા પોતાના સંબંધ પર ઉતરતા દેખાયા. ધારા..એની નાનપણની પ્રિય સખીનું આ વર્તન અવનીથી સહન ના થયું. પણ અવનીને આ વાત સમજાઈ ત્યાં સુધી તો બહુ મૉડું થઈ ગયું હતું. તીર બાણમાંથી છૂટી ચૂકયું હતું. ધારા એના અને દિવ્યાની નજદીકીથી અકળાઈ ગઈ હતી અને ધીમે ધીમે એની સાથેના સંબંધોમાં કાપ મૂકતી થઈ ગઈ હતી. સરળ સ્વભાવની અવનીને વાત આટલી હદ સુધી વણસી ગયાનો અંદાજ સુધ્ધાં નહતો. જ્યારે હકીકતની સમજ પડી ત્યારે બે ઘડી એને આખી દુનિયા ગોળ ગોળ ફરતી લાગેલી. ધારા એની પ્રિય સખી હતી અને એ એના માટે આવી ગેરસમજ કરે ? એણે તો સંબંધોની દિશા અને આંબોહવા જ બદલી કાઢેલી.

આ બાજુ દિવ્યા જેવી રમતિયાળ અને માસૂમ છોકરીનું દિલ કેમ તોડવું એ મોટો પ્રષ્ન..એને પોતાની નજીક આવતી કેમ રોકવી ? સાફ દિલની એ છોકરી ચાર મહિનાના ટૂંકા ગાળામાં એને પણ ખૂબ વ્હાલી થઈ ગઈ હતી. જેમ તેમ કરીને એણે બે ય પક્ષને સંતુલિત કરીને રાખવાનો પ્રયત્ન કર્યા કર્યો. ત્યાં તો એક નવો ફણગો ફૂટ્યો.. ધારા અવનીને લગ્નનું આમંત્રણ -કંકોત્રી આપે એ પહેલાં તો એને પહેલાં તો દિવ્યા તરફથી કંકોત્રી મળી ગઈ. પત્યું…

એ દિવસથી ધારાએ અવની સામે મોઢું ચઢાવ્યું તે ચઢાવ્યું..,પાછા ફરીને એક પણ વાર એણે અવની સામે જોયું જ નહીં.દિવ્યાના બળવાખોર વર્તન પાછળ છૂપી રીતે અવની જ જવાબદાર હતી એવું એ દ્રઢપણે માનતી હતી અને વર્ષોના સખીપણાને ગ્રહણ લાગી ગયું.

અવની દિવ્યાને તો શું કહે ? એ નાસમજ છોકરીના પ્રેમ આગળ એ મજબૂર હતી. પહેલેથી જ એણે સમજીને દિવ્યાને પોતાની નજીક આવતા રોકી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત, પણ સંબંધોના સમીકરણો દર માનવીએ બદલાતા હોય છે એના તાળા કયો માનવી મેળવી શક્યો છે ?

નારાજ ધારાએ લગ્ન પછી દિવ્યાને એના પિયર પાછી મોકલી દીધી હતી અને એને ત્યાંથી જ ઓસ્ટ્રેલિયા જવાનું કહી દીધેલું. આજે અવની એની લાડલી દિવ્યાને એરપોર્ટ પર છોડવા આવી હતી. દિવ્યા એના સામાનની સાથે સાથે ધારા અને અવનીના સખીપણાને ય લઈને એની નવી મંઝિલ તરફ ઉડી ગઈ અને પાછળ રહી ગઈ અવની…એકલી અટૂલી !

અનબીટેબલ : સંબંધોમાં સમજણ- બંધ ગુંગળાવી કાઢતી પરિસ્થિતી હોય છે.

જિંદગી – આઇ લવ યુ !


phoolchhab newspaper > navrash ni pal column > 25-06-2014

आदमी पानी का बुलबुला है ,

और पानीकी बहती सतह पर

तूटता भी है, डूबता भी है !

फिर उभरता है फिर से बहता है,

न समंदर निगल शका उसको,

न तवारीख इसे तोड पाई है,

वक्तकी मौज पर सदा बहता,

आदमी बुलबुला है पानी का !

-गुलझार.

 

સોડાની પ્લાસ્ટીકની બોટલની કેપ ખોલીને સુગંધાએ સોડાની બોટલ મોઢે માંડી અને અડધી બોટલ દારુડિયાની જેમ ગટગટાવી ગઈ. ઠંડી સોડા એક જ ઘૂંટડે આટલી પીવાઈ જતાં સુગંધાના ગળામાં એક ઠંડી અને પછીથી તીખી લહેર નખોરિયાં ખૂંપાવતી હોય એમ પસાર થઈ , એક ડચૂરો બાઝી ગયો, શ્વાસ રુંધાઈ ગયો, વળતી જ પળે એક મોટો ઓડકાર આવી ગયો. સુગંધાની આંખમાં પાણી આવી ગયા અને નાજુક નાક લાલચોળ થઈ ગયું. ઓડકારના રીએક્શન રુપે તરત જ એનો હાથ મોઢા તરફ વળ્યો અને હોઠ પર એ મૂકાઈ ગયો…પણ બે પળમાં તો સુગંધાનો હાથ થાકી ગયો હોય એમ મોઢા પરથી હટીને નીચે લબડી ગયો !

સુગંધાની માતા રુકમિણી એની દીકરીને ધ્યાનથી જોઇ રહ્યાં હતાં. એની દરેકે દરેક હરકત નિહાળી રહ્યાં હતાં.

‘સુગંધા બેટા, દિવસે દિવસે હવે મને એમ થાય છે કે તારી બિમારી તન કરતાં મનને વધુ ભરડામાં લેતી જાય છે.’

‘મમ્મી પ્લીઝ, ફરીથી ચાલુ ના કરશો એ રેકોર્ડ. એક તો આ મૂઓ તાવ છેલ્લાં છ મહિનાથી કેડો નથી મૂકતો અને તમે છો કે…’

અને સુગંધા પોક મૂકીને રડી પડી. રુકમિણીબેન પણ પોતાની વ્હાલસોઈની આ હાલત જોઇ નહતા શકતા, પણ એમના જેવી ગર્વિલી અને મજબૂત મનોબળ ધરાવનારી મા ની દીકરી આમ સાવ તૂટી જાય એ એમનાથી સહન પણ નહતું થતુ. એ સુગંધાની હાલત સમજતા હતાં. એની વાત ખોટી નહતી. છ મહિના પહેલાં સુગંધાને કમળાના રોગનું નિદાન થયેલું. એ પછી એની સારવાર ચાલતી ગઈ ચાલતી ગઈ એ હજુ સુધી અટકવાનું નામ જ નહતી લેતી. જાત જાતના ટેસ્ટ, એક્સ રે, સોનોગ્રાફી, અનેકો ડોકટરોની સલાહ પણ બધું ય પાણીમાં.કાળા માથાના માનવીના હાથમાં હોય એ બધા પ્રયત્નો એ લોકો કરતા હતા પણ પરિણામ શૂન્ય. એક વાતની રાહત હતી કે સુગંધાની હાલત હતી એનાથી વધારે ખરાબ નહતી થતી પણ અનેકો દવાઓ, ટ્રીટમેન્ટ પછી પૂરી રીતે સુધરતી પણ નહતી. સુગંધા અંદરથી તૂટતી જતી હતી, એની અંદર જીવવાની આશા દમ તોડતી જતી હતી.

‘મમ્મી…મમ્મી, હું જીવીશ તો ખરીને ? આમ ને આમ તો મને બીક લાગે છે કે હું પથારીમાંથી ક્યારેય ઉભી નહી થઉં, મરી જ…’

અને રુકમિણીબેને સુગંધાના મોઢા પર હાથ દાબી દીધો.

‘મારી પાગલ દીકરી આ શું વિચારે છે ? દરેક વ્યક્તિએ મરવાનું તો છે જ ને…એની આટલી બીક કેમ રાખવાની ? મોતથી ડરવાના બદલે જીવનને દિલ ખોલીને પ્રેમ કર.’

‘હા મૉમ, પણ….પણ…’

‘જીવનને ભરપૂર પ્રેમ કરવામાં ‘પણ ને બણ’ કશું વચ્ચે ના આવે. તું તારા જીવનને એટલો બધો પ્રેમ કર કે મોતના વિચાર માટે સમય જ ના રહે. જીવન એ પવનમાં થરથરતા દીવા જેવું નથી પણ આપણા હાથમાં પકડેલી મશાલ જેવું છે. મરતાં પહેલાં એ મશાલમાંથી બને એટલો પ્રકાશ આ જગતને આપવાનો હોય છે. મોતના વિચાર કર્યા વગર જિંદગીના વિચાર નજર સમક્ષ રાખ. એક એક ક્ષણની મજા માણ. તારી , મારી કે કોઇની ય પાસે કેટલી ક્ષણ, કલાક, દિવસ, વર્ષ છે એની કોઇને ખબર નથી.એટલે એક એક ક્ષણનો વિચાર જ કર ને એમાં જ જીવ. જિંદગી આવી નાજુક ને મજાની અનેક ક્ષણોથી બનેલી છે. મરવાનું તો સૌ કોઇને છે પણ માનવી કેવી રીતે મર્યો એના કરતા એ કેવી રીતે જીવી ગયો એની નોંધ જ હંમેશા વધુ લેવાય છે બેટા. તો બસ તું એક એક પળ જીવ. તું કહે તો આપણે ક્યાંક બહાર જઈએ. તેલ પીવા ગયો આ તાવ..ઐસી ને તૈસી આની તો..જીવવા માટે આપેલી જિંદગી માટે તું તારી એડી ચોટીના જોરથી આ બિમારી સામે લડી લે બેટા કારણ જે સૈનિક યુધ્ધના મોરચે લડતો નથી એ મરી જાય છે. એને મરવું નથી એટલે જ એ જીવવાની પ્રબળ જીજીવિષા સાથે યુધ્ધમાં ઝંપલાવે છે. એને મરવું નથી જીવવું છે, જીતવું છે.’

‘મમ્મી…આ શક્ય છે ?’

‘હાસ્તો બેટા, એક ના એક દિવસ તો આપણે ભગવાન પાસે પાછું જવાનું જ છે. પણ એ પહેલાં એણે આપણાં માટે જે સૃષ્ટિ નિર્માણ કરી છે એને ભરપૂર જીવી , માણી લેવાની છે. તને ખબર છે ને કે જે ડરી જાય એ પ્રેમ ના કરી શકે. તું જો મોતથી ડરી જઈશ તો તારા જીવનને પ્રેમ નહીં કરી શકે. તું તારા જીવનને આખૂટ, અનહદ પ્રેમ કર, દરેક પળ તારી શ્રેષ્ઠ રીતે જીવ બીજો કોઇ જ વિચાર ના કર. તારા જીવન પ્રત્યેનો પ્રેમ તારી માંદગીને, મોતના ડરને ચોક્કસ હરાવી દેશે માટે ડર નહી . બસ, ફકત પોતાના જીવનને પ્રેમ કર દીકરા’

અને મા – દીકરી એક બીજાને વળગીને રડી પડ્યાં.

આ વાતનો અંત શું આપવો ? મને આગળ કંઇ લખવાનું મન નથી થતું.કારણ…સુગંધા મરી ગઈ કે બિમારીમાંથી ઉભી થઈ ગઈ એના કરતાં પણ વધુ મહત્વનું મને એ લાગ્યું કે એ જેટલું જીવી એટલું જીવી ગઈ !

અનબીટેબલ : માનવી જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી જ ખરું જીવ્યો કહેવાય.

ઉજળિયાત


 

Phoolchhab newspaper > 19-06-2014 > Navrash ni pal column evolution-of-change-management

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુખી દેખી દુખી કોણ થાતું,મહા હેતવાળી દયાળી જ મા તું !

પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી .
પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું !

-દલપતરામ

 

શીયાનું અત્યાધુનિક ઘર અત્યારે ૪૬ ડીગ્રીની ગરમીમાં એસીની ઘરઘરાટીથી ગૂંજી રહ્યું હતું. શીયાને એના ઘરમાં સિમ્પલ પણ રીચ લૂક જોઇતો હતો. એણે એના ઘરમાં માર્બલ અને વુડની મદદથી આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોમ્બીનેશનથી પોતાની આ ઇચ્છા સંતોષજનક રીતે પૂર્ણ કરી હતી. એના ઈન્ટીરીઅર ડેકોરેટરે ઘરમાં માર્બલની સિમ્પલીસીટી સાથે વુડન પેનલિંગથી રીચ લૂક આપ્યો હતો. સાદગીની સફેદાઈ અને વુડનનો બ્રાઉન કલર આખા ઘરને એક અલગ જ ચાર્મ આપતું હતું. શીયાને વાંચનનો ખૂબ શોખ હતો. ચોરસ કે લંબ ચોરસ ફ્રેમના બદલે જગ્યા અનુસાર બુકસના પેઇન્ટીંગ કટીંગ કરીને લગાવેલાં. ઘર અદભુત રીતે સુંદર અને સૌમ્ય લાગતું હતું.

શીયા સ્વભાવે પણ એવી જ હતી. પહેરવેશ, બોલ ચાલમાં અત્યાધુનિક પણ ભારતીય સ્ત્રીની મર્યાદા, સંકોચશીલ સ્વભાવ, નાજુકાઈ એનામાં ભારોભાર ભરેલી હતી. ટીવીનું રીમોટ હાથમાં લઈને હજુ તો એ પોતાનો મનપસંદ પ્રોગ્રામ જોતી હતી અને એના ટીનેજરી દીકરા આશિષે આવીને ફ..ટ…ટા..ક દઈને ચેનલ બદલી કાઢી. નોર્મલી તો શીયા આશિષને બહુ ટોકતી નહીં. બને ત્યાં સુધી એ ધીરજ રાખી અને આશિષને સોફ્ટ રીતે પોતાની વાત સમજાવતી પણ આજે એ બહુ કંટાળેલી હતી અને એને માઈન્ડ ડાયવર્ટ કરવા થોડી વાર ટીવી જોવું હતું. ધારત તો એ પોતાના બેડરુમમાં પણ ટીવી જોઇ શકત, મોબાઈલમાં ગેમ પણ રમી શકત, લેપટોપમાં મનપસંદ સાઈટ્સ સર્ફ કરી શકત, વીડીઓસ જોઇ શકત….પણ ના, આશિષે જે વ્યવહાર કર્યો એ શીયાને થોડો ઇન્સલટીંગ લાગ્યો.

‘આશુ, આ શું ? આમ બ્લન્ટલી ચેનલ કેમ બદલી કાઢી ? મારે ડીસ્કવરીનો આ પ્રોગ્રામ જોવો છે. રીમોટ લાવ.’

‘હે ય..ચીલ મોમ. આ શું પ્રાણીઓ અને કુદરતની વાતો જોયા કરો છે ? મારી ડબ્લ્યુ ડબ્લ્યુ એફની મેચ આવે છે એ જોવા દો.’

‘આશુ, મમ્મી સાથે વાત કરવાની આ રીત છે ? અમે તમારી ઉંમરના હતા ત્યારે અમારા મમ્મી પપ્પા સામે એક અક્ષર પણ ઉંચા અવાજે નહતાં બોલી શકતાં. અમે તમને ફ્રીડમ -સ્પેસ આપીએ એનો મતલબ એમ નહીં કે તમારે મનમાની કરતાં શીખવાનું’

‘મોમ પ્લીઝ, તમારો જમાનો અલગ હતો અને આ અલગ છે. આવી જૂનવાણી વાતો થકી આપણી બે ય પેઢી વચ્ચેનું અંતર ઘટાડવાના બદલે તમે વધારો છો. અત્યારે તો મા બાપ પોતાના સંતાનોના મિત્ર બનીને રહે છે જ્યારે તમે આ નક્કામી વાતો…હુમ્મ્મ..’ આશિષે નારાજગીનો એક સૂર કાઢ્યો.

‘આશિષ, તું સૌપ્રથમ મારું સંતાન છે એ પછી મિત્ર…અમારા જમાનામાં તો…’

‘મોમ પ્લીઝ…અમારા જમાનામાં તો આમ ને તેમ ના કર્યા કરો. તમારો જમાનો આટલો એડવાન્સ નહતો તો અમારો પ્રોબ્લેમ નથી. આમ નાની નાની વાતોને મોટું સ્વરુપ ના આપો. જમાનાની સાથે બદલાતા શીખો.’

અને આઘાતની મારી શીયા બે પળ સૂન્ન થઈ ગઈ. દીકરાને મિત્ર માન્યો હતો પણ એથી દીકરો થોડો મટી જતો હતો. જ્યાં જરુર પડે ત્યાં સલાહ તો આપવી જ પડે અને આશિષે એ સલાહનું માન રાખતાં શીખવું જ જોઇએ. મા બાપ મિત્ર બને એટલે સંતાન એમને માન આપવાનું છોડી દે એ ક્યાંનો ન્યાય ? મા બાપ સંતાન સાથે મૈત્રી માટે એક કદમ આગળ વધે તો સંતાનોની ફરજ છે કે એમણે પણ મા બાપના કદમ સાથે કદમ મિલાવતી ચાલ રાખવી જોઇએ. આભમાં ઉડવાના સપના જોવામાં પોતાનું ઘર તોડી નાંખવાનુ ?

‘આશિષ, પરિવર્તન ઇચ્છનીય છે બેટા પણ દરેક પરિવર્તન સારા જ હોય એવું જરુરી નથી. પરિવર્તનના નામે આંધળૂકીયા ના કરાય. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક સુંદર વાતો છે, રિવાજો છે જેનાથી આપણે ઉજળિયાત છીએ. પરિવર્તનના નામે એ બધા સામે આંખ આડા કાન કરીને મનસ્વી વર્તન કરવું એ સહેજ પણ હિતાવહ નથી. નવા અને જૂના જમાનામાંથી જે સારી વાતો હોય એટલી વીણી લેવાની અને બાકીની વાતો ઘઉંના કાંકરાની જેમ જીવનમાંથી ફેંકી દેવાની. ગમે એટલો તેજીલો ઘોડો હોય પણ એના મોઢામાં નકેલ જોવા મળશે જ. બે પેઢી વચ્ચેનાં અંતર ઓછા કરવાની ફરજ મા બાપની એકલાંની નથી. મા બાપનું મહત્વ સમજી તમારે પણ મા બાપની ઇ્ચ્છા, આશા, લાગણી સમજવાનું, એને માન આપવાનું અનિવાર્ય છે. તાળી બે હાથે વાગે એક હાથ તો હવામાં જ…’

અને શીયાની આંખમાં આંસુ ધસી આવ્યાં , આગળ કશું ના બોલી શકી.

મા ની આંખમાં આંસુ જોઇને આશિષ પીગળી ગયો આખરે એનામાં પણ ઉંડે ઉંડે શીયા જેવી મમતાળુ મા ના અંશ ધબકતા હતાં.’સોરી મમ્મા’ બોલીને આગળ વધીને એણે શીયાને પોતાની બાહુમાં સમાવી લીધી.

અનબીટેબલ : પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.

unbetable


અનબીટેબલ – જીવનમાં બધું બોલી કાઢવાનું નથી હોતું.

-સ્નેહા પટેલ

કહેવતોની બદલાતી દુનિયા


phoolchhab newspaper > navrash ni pal column > 4-06-2014

 

रेत से बुत ना बना ए मेरे अच्छे फनकार,

एक लम्हे को ठहर मैं तुझे प्थ्थर ला दूं .

-अहेमद नदीम क़समी

 

શ્વેતા લેપટોપમાં માથું નાંખીને એનો લેખ લખતી હતી. આજે શનિવાર થઈ ગયો ઉફ્ફ..લેખ તો એણે ગુરુવાર સુધીમાં પહોંચાડી દેવાનો હતો પણ લગ્નની આ સિઝનમાં એના બધા શિડ્યુલ ડીસ્ટર્બ થઈ ગયા હતાં. કાયમ રેગ્યુલર લેખ આપતી હોવાથી એડીટરને પણ એની પર પૂરો ભરોસો હોય એ સ્વાભાવિક છે. એ નિયમિતતાની શરમે એ પણ લેખની માંગ નહતો કરતો. શ્વેતા જેવી કુશળ અને લોકપ્રિય લેખિકા ઉપર પૂરો વિશ્વાસ હતો. વિશ્વાસનો ભાર બહુ વજનદાર હોય છે. શ્વેતાએ નકામા વિચારોને બળપૂર્વક ધક્કો માર્યો અને પોતાના સબજેક્ટ પર ફોકસ કર્યું. મસ્ત મજાની સ્પીડ પકડાઈ અને એનો ફોન રણક્યો.

ઓહ, આજે ફોન સાઈલન્ટ કરવાનો જ ભૂલી ગઈ..વિચારતાં વિચારતાં શ્વેતાએ ફોનમાં નામ જોયું તો એની નવી નવી બનેલી નેટની બહેનપણી અને કવિતાઓ લખવાનો પ્રયત્ન કરતી રાધા દવેનો ફોન હતો. ઓહ, હવે લખવાની લિંક તૂટી જ છે તો ચાલ આની સાથે વાત કરી જ લેવા દે, લાગણીશીલ છોકરી છે આમે…

‘હલો…બોલો બોલો રાધાબેન. અમારું શું કામ પડ્યું ?’

‘શ્વેતાબેન, સાચે જ આજે તમારું કામ છે. ફેસબુક્માં એક છોકરી છે – કાજર. છે છોકરી પણ દેખાવ છોકરા જેવો જ છે. એ આપણાં મ્યુચ્યુઅલ ફેન્ડલિસ્ટમાં જ છે. તમે કદાચ ઓળખતા હો તો’

‘હા રાધા, હું એને પર્સનલી ઓળખું છું, ફેસબુક નહીં પણ છેક ઓરકુટના સમયથી. બોલો..શું જાણવું છે ?’

‘કંઈ ખાસ તો નહી પણ એનું મારી સાથેનું વર્તન કંઈક વિચિત્ર છે એટલે મને થયું તમને એના વિશે પૂછીને માહિતી મેળવું, હેલ્પ કરશો મને પ્લીઝ.’

અને તેજતર્રાર શ્વેતા આખીય ઘટનાનો તાગ પામી ગઈ.

‘જો રાધા – સીધી ને સટ વાત કહું તો કાજર પહેલેથી આવી જ છોકરી (!) છે. એને છોકરાંઓની જેમ રહેવાનો, વર્તવાનો, નેટ ઉપર સંવેદનશીલ કવિતાઓ લખતી કવિયત્રીઓ સાથે ઘરોબો કેળવવાનો તેમ જ અનેકો ગર્લફ્રેન્ડ રાખીને ફરવાનો, ફોટો પડાવવાનો શોખ છે. એ કાયમ મારા ઘરે આવવાના બહાના જ શોધતી રહેતી હતી. વળી જ્યારે હોય ત્યારે એને મારા પતિની ઇર્ષ્યા થાય છે અને એને મારાથી પ્રેમ થઈ ગયો છે જેવું અષ્ટમ પષ્ટમ બબડયાં કરતી. મને એની એવી વાતો સાંભળવાનો સહેજ પણ રસ ના હોવાથી એની એ માનસિકતા એને મુબારક કરીને બે હાથ જોડીને એને પ્રેમસહ મારા લિસ્ટમાંથી વિદાય આપેલી. હવે આટલામાં જ તું બધું સમજી જા. મેં તો હું જે જાણતી હતી એ તને બધું કહ્યું પછી તારી મરજી. જોકે આમ બીજો કોઇ ત્રાસ નથી એનો પણ મારી પાસે એવો ટાઇમપાસ માટેનો સમય નથી અને એવો ફાલતૂ વાતોનો રસ પણ નથી. બાકી આ તો નેટ છે, અહીં હજ્જ્જારોની સંખ્યામાં સાયકીકો ફરે રાખે છે, કેટલાં વિશે વિચારવા બેસવાનું ?’

‘ઓહ, મને એવું જ લાગતું હતું શ્વેતા..એ મારા અને આપણી બીજી મિત્ર રુપલ જે સારી કવિતાઓ લખે છે એના પણ ઘરે…એનીવેસ જવા દે એ બધું, સારું થયું તમે મને બધું જણાવ્યું. આપણે પરણેલાં – ઘરસંસારવાળા વ્યક્તિઓ, આવી જંજાળમાં કોણ ફસાય …આ તો કોક દિવસ આપણને બદનામ કરી મૂકે. આપણને આવી હલ્કી પબ્લીસીટી ના પોસાય..આભાર બેન.’

અને રાધાએ ફોન મૂક્યો. અડધો કલાક ચાલેલા ફોનથી શ્વેતાનું મગજ થોડું ડીસ્ટર્બ થઈ ગયેલું જેમ તેમ કરીને એ લેખ લખવા પાછી બેસી ગઈ.

થોડાં જ દિવસમાં ફેસબુક પર રાધા, રુપલ અને કાજરના વિવિધ સ્થળોની મુલાકાતના ફોટા અપલોડ થવા લાગ્યાં. ફોટાની નીચે ગાઢ સખીઓના પ્રેમાલાપો છ્લકાવા લાગ્યાં. કાજર એમની દરેકે દરેક પોસ્ટ નીચે લાઈક, કોમેન્ટસ કરતી, શેરીંગ કરતી..ઠેર ઠેર એમની વાહ વાહ કરતી ફરતી.સસ્તી પબ્લીસીટી અને ઝડપથી આગળ વધવાના આ રસ્તાઓ..ઉફ્ફ્ફ…શ્વેતા જેવી સ્ટ્રેઈટ ફોરવર્ડ અને સંવેદનશીલ લેખિકાને બે પળ માટે આઘાત લાગ્યો. કાજરની અનેકો ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ સુધ્ધાંના દુઃખી ચહેરાઓ એની નજર સમક્ષ તરવરવા લાગ્યાં. ઓહ, તો આ બે બીજી બે માસૂમ સ્ત્રીઓ પણ….અને શ્વેતાથી આગળ કશું વિચારી જ ના શકાયું. રાધા અને રુપલ એમના ફિલ્ડમાં આગળ વધવા માટે નેતનો ,નેટના લોકો સાથે સંબંધ બનાવતા હતાં એ વાતની એને ખબર હતી અને એ કંઈ ખોટું પણ નહતું પણ એ માટે છે…ક આ કક્ષા સુધી..! એ સામેથી તો રાધાને સલાહ આપવા ગઈ નહતી. રાધાએ પૂછ્યું એટલે એણે સહ્રદયતાથી સખી માનીને એક સ્ત્રીને નેટના દૂષણોથી દૂર રાખવાનો એક પ્રયત્ન કરેલો હતો પણ આ તો…

‘કોઇ પૂછે તો જ આપણો મત આપવાનો’ એ જૂની કહેવત યાદ આવી ગઈ . વળી રાધા પણ એની નવી નવી જ સખી બનેલી ને..પોતે એના નેટપ્રવેશના ઇરાદાઓ ક્યાં જાણતી હતી ? બની શકે કે એ આ જ હેતુસર અહીં આવી હોય…ઝડપી પ્રસિધ્ધિ મેળવી લેવાની લ્હાયમાં વપરાતા આ નેટના જમાનામાં કોઇ કહેવતો સાચી નથી પડતી. દરેક માનવીએ એક નવી કહેવત જન્મ લે છે , નેટ વાપરવું હોય તો આવી બધી વિચિત્રતાઓથી ટેવાતાં શીખી જવાનું એ જ અંતિમ ઉપાય – ભગવાન સહુને સદબુધ્ધિ આપે ને નેટની ભ્રામિક લાગણીઓની દુનિયાથી બચાવે , સહુનું કલ્યાણ થાઓ..વિચારતા શ્વેતાએ લેપટોપ બંધ કર્યું.

 

અનબીટેબલ : ઘટનાજળને જે રીતે સ્પર્શાય એ રીતે જ એમાં વમળો ઉપસે છે

 

-સ્નેહા પટેલ

આજકાલના જુવાનિયા


phoolchab newspaper > 29-05-2014 > Navrash ni pal column

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !

મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

–     જગદીશ જોષી

મોહિત ઓફિસેથી આવ્યો અને સોફામાં બેસીને બૂટ મોજાં જ કાઢતો હતો ત્યાં અંદરના રુમમાંથી એક મર્દાના અવાજ આવ્યો,

‘મોહિત, આવી ગયો દીકરા ? જરા અંદર આવજે તો મારા ચશ્મા દેખાતા નથી. શોધી આપને.’

એક પગમાંથી મોજું કાઢેલું ને બીજા પગનું બાકી હતું એને એમનુ એમ રહેવા દઇ મોહિત ઉભો થયો અને અંદરની રુમમાં ગયો. સોળ બાય સોળના એક સુંદર મજાના સ્વચ્છ બેડરુમમાં બેડ ઉપર એના પિતાજી હેમંતભાઈ બેઠા હતા અને હાથમાં ચોપડી પકડીને ચશ્માની શોધ કરી રહેલાં. મોહિતે એમના માથા ઉપર લાગેલા ચશ્મા એમની આંખો પર ઉતારીને સેટ કરી આપ્યા અને કંઇ જ બોલ્યા વિના ટાઇની ગાંઠ ઢીલી કરીને ફરીથી સોફા પર બેઠો. હેમંતભાઇ, એના પિતાના સ્વભાવથી મોહિત હવે કંટાળી ગયેલો. આખો દિવસ એમની કોઇક ને કોઇક ડિમાન્ડ, કચકચ ચાલુ જ હોય.વળી આટલું કર્યા પછી પણ એમને કોઇ પણ વાતે ક્યારેય સંતોષ તો થાય જ નહીં. હેમંતભાઈના રોજ રોજના કજિયાથી કંટાળીને એની પત્ની મેઘા છેલ્લાં બે મહિનાથી એના સંતાન સાથે પિયર જઈને બેઠી હતી. જ્યાં સુધી હેમંતભાઈ આ ઘરમાં છે ત્યાં સુધી એ આ ઘરમાં પગ નહીં મૂકે એવી ભીષ્મ પ્રતિજ્ઞા લઈને ગયેલી. મોહિત…મોહિત બિચારો શું કરે ?

એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ ! મેઘાની વાત ખોટી નહતી અને ઘરડે ઘડપણ વિધુર એવા બાપાને સાચવવા દિન બ દિન અઘરાં થઈ રહેલા એમને કોઇ સંસ્થામાં પણ ના મૂકાય. એના માતા વીણાબેન ઘરરખ્ખુ અને સીધા સાદા ભારતીય નારી. પતિનો પડ્યો બોલ ઝીલનારા. પોતાની તબિયત સારી હોય કે નરસી ઘરના કોઇ પણ સદસ્યના કામ કાજ ના ચૂકે. અમુક વખત તો હેમંતભાઈને ખ્યાલ પણ ના હોય કે વીણાબેનને તાવ આવે છે કે બીજી કોઇ બીમારી છે ! એક વખત વીણાબેનનું ઓપરેશન હતું અને એમાં એ ખાસ્સા લેવાઇ ગયેલા. પલંગ પરથી ઉભા જ નહતા થઈ શકતા ત્યારે હેમંતભાઇએ એમને એમના પિયર મોકલી દીધેલા. એમને ઘણા બધા કામ હતા એમ પત્નીની બીમારી પાછળ સમય ફાળવવા જાય તો કામ ક્યારે કરે ? હેમંતભાઇની નોકરી પણ મજાની. સવારે અગિયાર વાગે જવાનું અને સાંજે છ વાગે છુટ્ટી. સવારે નવ વાગ્યે આળસ મરડીને વિશ્વ પર ઉપકાર કરતા હોય એમ એ ઉઠે, અડધો કલાક પથારીમાં બેસીને છાપું વાંચે, બ્રશ કરે અને વીણાબેનને ચા – નાસ્તા માટે બૂમ પાડે. પરવારીને થોડી વાર ટીવી જુએ અને અગિયાર વાગ્યે જમીને અને નાસ્તાનો ડબ્બો લઈને ઓફિસે. ઓફિસમાં પણ કારકુની કામ. એક જ ખુરશી પર બેઠાં તે બેઠાં. આરામથી કામ કરવાનું ના થાય તો બીજા દિવસે. સાંજે છ વાગ્યે છુટ્યાં પછી દોસ્તારો સાથે રખડવાનું, અને રાતે સાદા આઠ નવ વાગ્યે ઘરે આવી જમી કરીને ટીવી જોઇને સૂઇ જવાનું.

મોહિતને હેમંતભાઈનો ભૂતકાળ યાદ આવતાં જ મગજ ભમી જતું. પોતાના સગા બાપે કોઇ દિવસ પાસે બેસાડીને માથે હાથ ફેરવીને વાત કરી હોય એવું એને તો યાદ નહતું જ. એની શારિરીક , માનસિક, આર્થિક બધીય તકલીફો એણે વીણાબેનની સાથે જ શેર કરીને રસ્તા શોધેલા હતા. જે અતિપ્રિય હતી વ્યક્તિ પહેલાં જતી રહી અને પાછ્ળ રહી ગયા આ… વિચારતાં જ મોહિતનું મોઢું કડવું થઈ ગયું. એના નાના ભાઈ અમરે તો આમની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધેલા. ના જ સચવાય તો ઘરડાઘરમાં મૂકી આવજે એવું કહીને ગયેલો. પણ એ પગલું એટલું સહેલું થોડી છે !

સમાજ શું કહે ? પોતાના ઘરડાં લાચાર બાપ સાથે કોઇ ઘરડે ઘડપણ આવું કરે ? અને મોહિતની નજર સામેથી મા બાપ ને સાચવવા જેવી ફરજોના અનેકો લેખ, સુવાક્યો, કવિતાઓ પસાર થઈ જાય.

એને વિચાર આવ્યો આવું કેમ ? પોતાના બાળપણમાં પોતાને પિતાનો પ્રેમ કદી પ્રાપ્ત નથી થયો એનો કોઇ વાંધો નહીં. એ એમની ફરજો ચૂક્યા ત્યારે એમને કોઇ યાદ કરાવનારા નહીં. આજના જમાનામાં એ ઘરના બે છેડાં ભેગા કરવા સવારના સાતથી રાતના દસ સુધી જાત ઘસીને બે નોકરી કરતો હતો. એની પોતાની તબિયત પણ નરમ ગરમ રહેતી હતી. અધૂરામાં પૂરું એની પત્ની અને બાળકો પણ આમની કચકચથી કંટાળીને જતા રહેલા. પણ હેમંતભાઈને એ બધાથી કોઇ ફરક નહતો પડતો. એ તો પોતાની મસ્તીમાં જીવતા હતા. એમના સંતાને એમનીસેવા ચાકરી કરવી એ એની ફરજ છે બસ, બીજી બધી વાતો સાથે એમનો કોઇ નિસ્બત નહતો.

વળી મેઘા એના મા બાપનું એકનું એક સંતાન એટલે પરણ્યાં પછી મોહિતના માથે એમને સાચવવાની જવાબદારી પણ ખરી. બે માબાપ થઈને એક સંતાનનું ધ્યાન રાખેી તો થોડી રીઝનેબલ વાત પણ એક જ સંતાન મોટાં થઈને એના સંતાનો ઉપરાંત એના અને એની પત્નીના એમ ્ચાર વૃધ્ધ વ્યક્તિઓનો ખ્યાલ રાખવાનો અને મોંઘવારીમાં કમાણી કરીને શરીર તોડવાનું તો એ પોતાની લાઈફ ક્યારે જીવી શકે ?

ત્રિશંકુની જેમ ફસાયેલો મોહિત વિચારતો હતો કે વ્રુધ્ધો પ્રત્યે સમાજ આટલો સંવેદનશીલ છે તો એ જ માનવી જયારે જુવાન હતો ત્યારે એણે પોતાના સંતાનને એક સ્વસ્થ અને સુંદર ભાવિ આપવા માટે કોઇ જ વિચાર ના કર્યો અને પોતાની મરજીથી મન ફાવે એમ જીવન જીવ્યો એવા બેજવાબદાર પિતાના માસૂમ સંતાન માટે સમાજ કેમ કંઇ નથી વિચારતો ? હેમંતકુમારે ક્યારેય એના ભણતરની, તબિયતની કે સંસ્કાર સુધ્ધાંની ચિંતા નહતી કરી એવા પિતાની અત્યારે એણે ફરજ સમજીને ચાકરી કર્યા કરવાની અને પોતાના દાંમ્પત્ય જીવનને એમાં હોમી કાઢવાનું એ કેટલું ન્યાયપૂર્ણ ? આપણો સમાજ મા બાપના યુવાન સંતાનો વિશે વિચારતો ક્યારે થશે ? ત્યાં તો અંદરના રુમમાંથી અવાજ આવ્યો,

‘અલ્યા મોહિતીયા, તેં તો ફ્રેશ થવામાં બહુ સમય લીધો ને કંઈ..ટિફીન ક્યારનું આવી ગયું છે, ચાલ હવે પીરસી દે તારો આ ઘરડો બાપો ભૂખ્યો થયો હશે એની સહેજ પણ ચિંતા જ નથી ને તને તો . આ આજકાલના જુવાનિયાઓને શું કહેવું બાપા…’

 

સ્નેહા પટેલ.

 

સામાન્ય ભારતીય નાગરીક અને નરેન્દ્રભાઈ – એક પત્ર.


phoolchhab newspaper > 26-05-2014 > narendramodi sp. poorti.

images

 

પ્રિય અને આદરણીય મોદીભાઈ,

 

સૌ પ્રથમ તો આપને, સંઘને, ભારતીય જનતા પાર્ટીને અને આપનામાં અખૂટ વિશ્વાસ મૂકીને આપને પ્રેમપૂર્વક – વિશ્વાસપૂર્વક વિજેતા બનાવનાર – ભારતની લોકશાહીમાં શ્રધ્ધા રાખનારા – રખોપા કરનારા મતદારોને જેટલાં અભિનંદન આપું એટલાં ઓછા ઘટે છે. આવો ભવ્યાતિભવ્ય પર્વ મારા જીવનમાં મેં પ્રથમ વાર નિહાળ્યો છે. આ આંખો, કાન, ડાબા હાથની તર્જનીના નખ પરનું કાળું ટપકું.. આ ઐતિહાસિક ચૂંટણીની ભાગીદાર બની એ ઘટના અમારી પેઢી દર પેઢી યાદ કરશે એવો વિશ્વાસ છે.

 

તમે તો મારા અમદાવાદના જ રહેવાસી. છેલ્લાં કેટલાય વખતથી અમદાવાદ – ગુજરાતનો વિકાસ જોતી આવી છું અને એ વિકાસ પાછળનો આપનો પુરુષાર્થ પણ જાણીતો જ છે. આપની કામ કરવાની એ અનોખી સ્ટાઈલની ચાહક છું. જોકે રાજકારણ શબ્દના અનેકો નેગેટીવ સમાનાર્થીઓ સાંભળતી – જોતી આવી હોવાથી આ શબ્દ પ્રત્યે મને પહેલેથી જ સૂગ હતી. રાજકારણ નામથી જ હું ભડકતી. અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મને કોઇ ખાસ રસ નહતો પડતો. ચોર નો ભાઈ ઘંટી ચોર જ હોય, દરેક નેતા પોતાના ખિસ્સા ભરવાની પેરવીમાં જ હોય. પોતાના અને પોતાના સગા સંબંધીઓના ખિસ્સાં ભર્યા પછી વધેલું ઘટેલું – પ્રજા પાસેથી જ વસૂલેલું પ્રજાને પાલતૂ કૂતરાની જેમ ભીખમાં વહેંચવાની ગણત્રી કરતા રાજકારણીઓ ઉપર મને બહુ નફરત. સરકારની પોતાના ફાયદા માટે કોમવાદને ઉત્તેજન આપવાની વૃતિઓના પરિણામરુપ એવા અનેકો તોફાનો અને કરફ્યુનો ત્રાસ અમે નાનપણથી સહન કરતા આવેલા ને બધું જાણે કે કોઠે જ પડી ગયેલું – અજાણતાં કદાચ એ સ્થિતીનો સ્વીકાર પણ કરાઈ ગયેલો. આ બધાના પ્રતાપે ‘રાજકારણ’ શબ્દ મારા માટે એક ગાળ – ત્રાસ સમાન જ હતો, પણ તમે આવ્યા અને બધું અચાનક બદલાઈ ગયું. લેટેસ્ટ ટેકનોલોજીનો સુવ્યવસ્થિત ઉપયોગ, મક્કમ મનોબળ, મજબૂત આત્મવિશ્વાસ અને લોકો પાસેથી કામ કરાવાની સુંદર સૂઝ બૂઝ સાથે પ્રજાનું યેન કેન પ્રકારેણ ભલું કરવાની તમારી નિઃસ્વાર્થ ભાવના… આ બધાથી તમે મારી નજરમાં એક અસામાન્ય – આ દુનિયાની બહારના માનવી જ બની ગયેલા. મારી રાજકારણની વ્યાખ્યામાં તમારી રીતભાત – સ્વભાવ તો સહેજ પણ સેટ નહતો થતો…આમ કેમ ? મને આ બધું બહુ નવાઈનું લાગતું.

 

ધીમે ધીમે અમદાવાદ, ગુજરાતનો અસીમ વિકાસ જોઇને મનમાં એક ગુજરાતી હોવાનો ગર્વ પોરસાવા લાગ્યો હતો. વિદેશના લોકો ય , ‘ઓહ તમે ગુજરાતના એમ ? મોદીવાળા ગુજરાતના જ ને ? ‘ અહાહા..કયા શબ્દોમાં લખું એ વાત ? ગર્વની એ લાગણી માટે મેં તમને મોઢામોઢ તો ક્યારેય કહ્યું નથી પણ મનોમન બહુ આભાર માનેલો છે. દિલના એક ખૂણે એવી ઇચ્છા પણ થઈ આવતી કે – ‘ કાશ આવો જ માનવી આપણા દેશનો વડાપ્રધાન બને તો…ગુજરાતની જેમ જ ભારત દેશનો પણ ઉદ્ધાર થઈ જાય. આપણી લાગણીશીલ અને ભોળી પ્રજા જેને હકદાર છે એવું જીવન જીવી શકે, પ્રજાના પૈસે તાગડધિન્ના અને કૌભાંડોમાં રચી પચી રહેતી સરકાર નેસ્તનાબૂદ થઈ જાય, રોજગારીની અઢળક તકો વધે અને એવી વધે કે વિદેશના લોકો- ‘ હું ભારત શિફટ થાઉં છું’ કહીને ગૌરવ અનુભવી શકે અને એના સંતાનો પણ ભારત છોડીને પાછા પોતાના દેશ જવાનું વિચાર સુધ્ધાં ના કરે.’ આમે આપણે તો મહેમાનગતિમાં માનનારી પ્રજા. સાલ્લું, બેકારી -વિકાસના નામે ભણેલાં ગણેલાં – મહેનતુ -ટેલેન્ટેડ લોકો ભારત – પોતાનું ફેમિલી છોડીને બીજા દેશોમાં વસે છે ને ત્યારે સાચું કહું…બહુ દુઃખ થાય છે. વાત થોડી અલગ પાટે જતી રહી. હા તો મારા મનમાં આવો વિચાર આવી જતો કે તમે આ દેશના વડાપ્રધાન બનો તો મજા મજા આવી જાય. મજાના મૂળ શોધવાની જરુર ક્યાં છે કારણો તો દેખીતા જ છે ને !

 

અને…અચાનક જાદુ થયો હોય એમ મારા મનની વાત સાચી પડી – તમે પી.એમ. બની ગયા. વાહ..!

 

પી.એમ. સુધીની તમારી સફર બહુ અઘરી રહી છે જાણું છું. અહીં સુધી પહોંચવા પાછ્ળ બહુ બધી વાતો છે. જેમ કે તમે બહુ બધા વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, દૂરંદેશી એવી અનેકો વ્યૂહરચનાઓ ઘડી છે અને હા મુખ્ય વાત તો માનવી હોય કે ટેકનોલોજી કોનો ક્યાં અને કેવો ઉપયોગ કરવો, કેવી રીતે સાચવવા એ વાત તો કોઇ તમારી પાસેથી શીખે ! આ વખતે તો દેશનો એક એક નાગરિક પોતાની ફરજ સમજીને ઠેર ઠેર તમારા વતી પ્રચાર કરતો હતો. સોશિયલ મીડિઆ, ટ્વીટર, યુ ટ્યુબ ..દરેક જગ્યાએ મોદી..મોદી..મોદી ! તમે પણ લોકોના દિલ સુધી પહોંચવા તમારાથી શક્ય હોય એના કરતાં ય વધુ મહેનત કરી છે, વળી એ અનેકો થકવી દેનારા પ્રવાસો, આરોપો , શારિરીક થાક, માનસિક યાતનાઓ – આ બધાંની તમારી સ્વસ્થતા / નિર્ણયશક્તિ પર ક્યારેય કોઇ જ અસર વર્તાઈ નથી.. ૬૨ વર્ષનો માનવી આવો મજબૂત ! એક અહોભાવથી જ મારું હ્રદય છ્લકાઈ જતું. ઘણીવાર તમારી પાસેથી તમારો આ ગુણ શીખવા આવવાનું મન થઈ જતું પછી થતું કે આમ તો આ બધી બહુ લાંબી પ્રક્રિયાઓ છે અને એમાં ય મૂળ તો જ્ન્મજાત ગુણ પણ અસર કરતા હોય. દરેક માનવી ‘મોદીજી’ ના બની શકે. આમે ભારતના વિકાસ માટે અમથા ય એક જ મોદીજી કાફી છે ને ! જરુર છે તો એમને પૂરતો સમય અને સાથ સહકાર આપવાની. પ્રામાણિક્પણે અને ડંકાની ચોટ પર જીતવા માટે તમે લોકોને વોટ કરવાની અપીલો પણ કરી , વોટીંગનું સાચું મહત્વ વારંવાર સમજાવ્યું જેનાથી પ્રેરાઈને આ વખતે અધધ…ધ લોકો ઘરની બહાર નીકળ્યાં. વોટીંગ માટેના વોટરકાર્ડ સમયસર મેળવીને, વોટીંગ બૂથ સુધી લઈ જનારા વાહનની ઐસી તૈસી કરીને ઉત્સાહભેર વોટીંગ કરવા ગયાં.

 

મારા જેવી નાગરિક કે જે વોટીંગને સાવ અર્થહીન પ્રકિયા જ સમજતી હતી એને પણ આ વખતે વોટીંગ કરીને એક જાદુ થઈ જશે એવો વિશ્વાસ આવી ગયેલો ને સાથે બીજા વીસ ત્રીસ નાગરિકોને ય એ વિશ્વાસમાં જોડી દીધેલાં. કોણ જાણે કેમ પણ મનમાં આ કાર્યથી દેશભક્તિની લાગણી ઉભી થતી હતી ! ( જો કે વોટીંગ એક જવાબદારી છે એ વાત તો પહેલેથી સારી રીતે જાણતી હતી પણ એ જવાબદારી પૂરી કરવાને જરુરી આકર્ષણો સૌપ્રથમ આ વખતે જ જોયા ) પરિવર્તનની આટલી મોટી પ્રક્રિયા !! ભર તડકામાં લાઈનમાં ઉભા રહીને પોતાના નંબરની રાહ જોઇને ઉભી રહેતી વખતે પણ મનમાં સહેજ પણ અકળામણ નહતી થતી. વળી દર વખતે તો મતદાન એક ગુપ્ત દાન સમજીને કોઇ ચર્ચાઓ જ ના કરનારા પણ વોટીંગ કરીને ‘મોદી જ..’ કહીને હળ્વું સ્માઈલ કરી લેતા જોયાં. આ વખતની ચૂંટણી ખરેખર એક અદભુત પ્રક્રિયા રહી. બહુ બધા રેકોર્ડ તૂટ્યાં ને નવા નવા ગજબના રેકોર્ડ બન્યાં. અમારા જેવા કરોડો લોકો રાજકારણમાં રસ લેતાં ને જવાબદારીપૂર્વક જવાબદારી પૂર્ણ કરવાને કટિબધ્ધ થયાં. ક્યારેય એક વાર પણ મોદીજી પીએમ નહીં બને તો ? એવા શબ્દો સુધ્ધાં નથી સાંભળ્યાં કે નથી ચર્ચામાં – વિચારમાં આવ્યાં. ‘અબ કી બાર – મોદી સરકાર’ તો નાના નાના ટાબરિયાંઓના મોઢે પણ રમતું થઈ ગયેલું. તમારી પર લગાડાયેલા અનેકો આરોપો પણ તમારી તંદુરસ્ત છબીને લેશમાત્ર ખરડાવી ના શક્યાં.

મતગણત્રીના દિવસે તો જાણે સ્વયંભૂ બંધ. એક એક મિનીટ મૂલ્યવાન ! જાણે પ્રજા પોતે જ પરીક્ષામાં બેઠી હતી એવી સ્થિતી અનુભવાતી હતી અને પરિણામ તો ધારેલું જ હતું એ જ આવ્યું. ખુશીને શ્રધ્ધાનો અનોખો ઢોળ ચડેલો દેખાતો હતો. ગુજરાતના લોકો તો તમારી કાર્યશૈલીના આશિક જ – ગુજરાતની બધી ય બધી – ૨૬ સીટો તમને સપ્રેમ અર્પણ કરી દીધી. પ્રજા એ રીતે ઉત્સાહભેર આપનો વિજય વધાવતી હતી જાણે એમનો ખુદનો વિજય ના થયો હોય…બીજા બધાંનું તો અત્યારે ખ્યાલ નથી પણ કંજૂસ ગણાતી (ગણાતી જ હોંકે ) અમદાવાદની પ્રજા પોતાના પૈસે દારુખાનું ફોડીને, લાડવાઓ વહેંચીને આ પ્રસંગને મહાપર્વ બનાવીને હષોલ્લાસ સાથે મનાવતી હતી. આ દ્રશ્ય લખ્યાં કરતાં અનુભવવાનું વધારે છે, જેણે આની મજા માણી હોય એને જ આનો સાચો ખ્યાલ આવે.

વ્હાલાં મોદીજી , હું લખી શકી એના કરતાં ક્યાંય વધુ ક્ડવા -ખારાં -તીખાં અનુભવોમાંથી તમે પસાર થયા છો એની જાણ છે. આમે તમને થોડાથી ક્યાં ચાલે છે ? પણ મારા આ થોડાક લખાયેલ વાક્યોને ઘણું સમજીને વાંચજો કારણ..તમે એક મજબૂત નેતાની સાથે સાથે એક કવિ -લેખક -સંવેદનશીલ જીવ પણ છો, સંવેદનોની વાત તમે બખૂબી સમજી શકો છો એ મેં નજરો નજર જોયું – વાંચ્યું – અનુભવ્યું છે.

 

હા તો નરેન્દ્રભાઈ, મેઈન પિકચર હવે જ ચાલુ થાય છે. થિયેટરોના પિકચરમાં તો હીરો વડાપ્રધાન બની જાય એટલે સંઘર્ષનો અંત અને પિકચર પૂરું. પણ રીઅલ લાઈફમાં એવું થોડી હોય ? તમે ય આ હકીકત સારી રીતે જાણો છો. આટલા બધાં ભારતીયોએ તમારામાં અઢળક વિશ્વાસ રેડ્યો છે. તમે તમારી સ્પીચમાં કહેલું એમ પ્રજા હવે એક્ઝોસ્ટેડ થઈ ગઈ છે, સરકાર નામ સાથે કોઇ સુખ દુખની લાગણી જ નહતી ઉદભવતી એ બધી ય જડ સંવેદનાઓ હવે અચાનક ચેતનવંતી, આશાવંત બની ગઈ છે. લોકોના શાંતિથી -સુખેથી જીવી શકવાના સપનાઓમાં પ્રાણ રેડાયા છે. ક્યાંક વાંચેલું કે ભગવાન ઉપર અનેકો ભક્તની શ્રધ્ધાનો ભાર હોય છે એ ખમી શકે એ કારણથી જ એની મૂર્તિ પથ્થરની બનાવાય છે પણ તમારા કેસમાં તો એ ય શક્ય નથી. તમને તો હાડમાંસ ને સંવેદનોથી ભરપૂર કરીને ખુદ ઇશ્વરે જ આ ધરતી પર મોકલ્યાં છે ! આ કેસમાં તમે સમજો છો ને હું શું કહેવા માંગું છું…ઓફકોર્સ, તમે બહુ ઇન્ટેલીજન્ટ છો, સરજી – તમારે ભગવાનથી ય એક કદમ આગળ ચાલવું પડશે. સવાસો કરોડ સપનાંઓનો બોજ કંઈ ઓછો તો નથી જ હોતો ! વળી તમે લોકોના સપનાંઓમાં ઉમેરો કર્યે જ જાઓ છો, જાણી જોઇને તમે ખુદની જ જવાબદારી વધારો છો ! આ જુઓ હમણાં જ મને ‘વોટ્સ એપ ‘ પર એક મેસેજ મળ્યો,

 

To

 

The Prime mInister of India Mr. Narender Modi

Hope this message reached you in the state of good health.

 

We Citizens of India voted for the good and bright future of our country. We have believed you and have many expectations from you as given below :

 

We want corruption free Indian and

 

1. Uninterrupted 24 hrs electricity

2. Pure drinking water from tap

3. Pakki sadak which connects all villages of India.

4. Speed trains and our railways should be best in the world.

5. Single tax system without harassment.

6. free education, free hospitals for aam aadmi of India.

7. Home loan @6% PA.

8. Business Loan @8% PA.

9. All India best governance like Gujarat.

10. No FDI in retail.

11. Equal rights and benefits based on earnings not caste.

12. Single law for each and every citizen of India.

13. Dollar prices u have to bring down to rs. 35 in next 5 years which automatically reduced prices of Gold, Gas and petrol etc.

14. Black money which was deposited in Swiss Bank must bring to India.

15. Police should be citizen friendly.

16. 6 months maximum to close highest crime cases.

 

We Citizen of India have faith and believe that in next 60n months you must change the fate of India.

 

This time you have asked abki baar modi sarkar but we will say baar baar…lagataar modi sarkar.

 

અમારી શુભેચ્છાઓ, શ્રધ્ધા તો કાયમ આપની સાથે જ છે. તમે બોલેલું કરી બતાવનારા માણસ છો એટલે જ અમને તમારા પર માન છે અને એટલે જ અમારી અપેક્ષાઓ આપ જેવા સમર્થ નેતા પાસેથી વધતી જાય છે. અમુક વખત તમે સાવ મૌન થઈ જાઓ છો તો અમુક વખતે આગ ઝરતી વાણીથી સામેવાળાને ઉભેઉભો ચીરી કાઢવાની તાકાત પણ ધરાવો છો. તમારી દરેક કાર્યવાહી અચૂકપણે ગાઢ સમજણ અને દૂરંદેશીથી ભરપૂર હોય છે. પ્રજા એટલે જ તમને આટલો બધો પ્રેમ કરે છે, ચાહે છે. તમે આજે ભારતના વિકાસના મુદ્દે વિપક્ષોને પણ સાથે લઈને ચાલવાની વાત કરી એ વાત પર તો દિલ ખુશ થઈ ગયું. તમે તો રાજકારણની વ્યાખ્યા જ બદલી કાઢી. રાજકારણમાં ભાઈચારો, દોસ્તી સાથે વિકાસની યોજનાઓ શક્ય છે એવી આશા જગાડી અને તમે ખોટી આશા નથી જ જગાડતા એ અમે બરાબર જાણીએ છીએ. રાજકારણ મારો વિષય જ નથી અને એના ઉપર આજે આટ્લું લખવા બેઠી, સવારથી કામકાજ ભૂલીને ટીવીની સામે ને સામે જ બેસી રહી એનાથી વધુ તો શું કહુ હવે !

થોડામાં બધું સમજી જા જો બાપલાં. અમે તો ગુજરાતની જેમ સમગ્ર ભારતનો વિકાસ થાય એ માટે બહુ મોટું બલિદાન આપ્યું છે, તમને દેશને સુપર્દ કરી દીધા છે પણ અમારી તકલીફોના સમયે તમે ચોક્કસ અમારી પડખે હશો એવો વિશ્વાસ જ છે.

પ્રભુ તમને તમારા વિકાસ અને નિષ્પક્ષ ઇરાદાઓમાં સફળ બનાવે , તમે બીજા ઘણાં વર્ષો આપણાં ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન રહો અને આપણાં દેશને ખૂબ ખૂબ આગળ લઈ જાઓ. ઘણા લોકો એવું વિચારે છે કે મોદીજીએ એમની ગુજરાતની જેમ કામ કરવાની સ્ટાઈલ છોડવી પડશે, હવે એમનાથી એમ ના વર્તાય, એવી રીતથી કામ ના થાય . પણ હું તો એમ જ કહીશ કે તમતમારે પ્રેમથી જે યોગ્ય લાગે એ સ્ટાઈલ અપનાવજો બસ જે કાર્ય હાથમાં લો એને કાયમની જેમ સફળ બનાવજો. અમે હંમેશા તમારી સાથે જ છીએ.

 

અન્યોન્ય લાગણી ને વિશ્વાસનો ખૂબ ખૂબ વિકાસ થાય એવી આશા.

ભારત દેશની એક સામાન્ય નાગરિક – સ્નેહા પટેલ.