મારી મોજ


મારો એક ચિકનકારી પિંક ડ્રેસ મને બહુ જ ગમે, પણ હવે કાપડ થોડું પતલું થતું ચાલ્યું હતું એટલે પહેરવાનો નહતો ગમતો, પણ આખો ડ્રેસ વર્કવાળો એટલે બહુ જ સરસ ને કાઢી નાંખતા જીવ પણ નહતો ચાલતો. 
હવે ?
ત્યાં મારી નજર મારા નવા જ લીધેલા, ઝગારા મારતા સફેદ જ્યુસર -મિક્સર પર પડી ને મગજમાં આઈડિયા ક્લિક થયો. બરાબર એનું માપ લઈ સોયદોરાથી જ બખિયા જેવી મજબૂત સિલાઈ કરી પિંક ડ્રેસમાંથી એનું કવર બનાવી દીધું. સાથે યાદ આવ્યું કે, વર્ષો પહેલા જ્યારે મોબાઈલ, નેટ જેવું કશું નહતું ત્યારે ફાજલ પડતાં સમયમાં ઘરમાં આવું જાતે બનાવેલ ઢગલો વસ્તુઓ જોવા મળતી અને મુખ્ય વાત એના કોઈ જ ફોટા નહતા પડાતા ફક્ત આત્મસંતોષ, નિજની મોજ! ઘરમાં કોઈ મહેમાન આવે ને વખાણ કરે એ ભાવ નફામાં પણ એવી અપેક્ષા સાથે ઘર શણગારવાના આવા કામ કદી નહતા થતા.એટલે જ એ મોજ દિલમાં હરફર કરતી રહેતી ને કાયમ માટે રહેતી.
 હવે તો બધું ફાસ્ટ. આમ જાતે સિલાઈકામ કરવામાં સમય બગાડે છે ખરી નવરી છે આ એવો જ ભાવ આવે…પણ મને તો આ સમયનો રચનાત્મક સદુપયોગ લાગ્યો. મારું ચાલે તો મારું આખું ઘર મારી બનાવેલી વસ્તુઓથી જ શણગારી દઉં. 
આજે તો બધા એક ‘વાહ’ મળી હવે બીજી ક્યાંથી મેળવીશું ? એની ચિંતામા જ ફરતા હોય છે. સંતોષ – ધીરજ એ બધું શું વળી ? એ તો અસફળ વ્યકિતઓના રોદણાં…આવી જ ભાવનામાં સાચી ને કાયમી ખુશી કયાંય નથી મળતી.
હશે, દરેકની પોતાની જિંદગી. એ કવરના ફોટા પાડીને શેર કરવાની કોઈ ખાસ ઈચ્છા નથી, હું આવી પર્સનલ મોજ માટેના ફોટા બહુ ઓછા શેર કરું. આ તો મારી નાનકડી, બકુડી, મીઠડી મોજની આપ સૌ મિત્રો સાથે વહેંચણી.  એ પ્યોર મોજના એક બે છાંટા તમને ય ઉડી જાય ને તમારો દિવસ પણ મસ્તીનો જાય એવી આશા!
-સ્નેહા પટેલ.

રબને બના દી જોડી !


રબને બના દી જોડી !

એને બંધ બારી ઉપર પડદાવાળો રુમ પસંદ છે
મને ખુલ્લી ઓસરીવાળો – મઘમઘતા ફૂલની વેલ લટકતી હોય એવો !
એને કઢી-ભાત પસંદ છે,
મને દાળભાત !
એને બીયરનું ટીન લઈને સિગરેટ પીવાનું પસંદ છે,
મને ફ્રેસ ફ્રુટ જયુસ સાથે સલાડ !
એનું દિમાગ વધારે ચાલે,
મારું દિલ !
એને મોટા મોટા સાહસથી જ એક થ્રીલ મળે છે
મોટી મોટી ખુશીઓનો માણસ,
મને તો કળીમાંથી ફૂલ બને અને એની સુગંધ શ્વાસમાં ભરાઈ જાય તો ય ન્યાલ,
સાવ નાની નાની ખુશીઓની માણસ !
એ મશીનો સાથે માથા ફોડે,
હું શબ્દોના અર્થમાં ડૂબી જઉં !
એ સાવ જ એકાંતપ્રિય,
મને માણસો- માણસો પસંદ !
એને સેન્ડવીચ વધુ પસંદ,
મને ઢોંસા !
કેટલાં વિરોધાભાસ કહું હવે….
માણસમાં પણ
એને હું સૌથી વધુ પસંદ
અને
મને એ !
સ્નેહા પટેલ.
૩૧-૫-૨૦૧૬

નશા શરાબમેં હોતા તો નાચતી બોટલ …


can-stock-photo_csp3530998મારી પાનીના ગુલાબી રંગને
સોનેરી ઝાંય આપતી ઝાંઝરીની ઘુઘરીઓમાં મન મોહાયું.
હજુ તો કાલની જ વાત,
મજબૂત હાથની લાંબી આંગળીઓ દ્વારા
એ મારા પગમાં પહેરાવાયેલું !
એના રુણઝુણ અવાજથી દિલમાં નેહ-સંગીત વાગવા લાગ્યું
આંખો બંધ થઈ ગઈ
સમગ્ર સૃષ્ટિમાંથી એક દિવ્યગીત પ્રસરવા લાગ્યું
નશો…
શબ્દ તો બહુ સાંભળેલો
અનુભવ્યો આજે !
બંધ આંખે હું રોજના જાણીતા રસ્તે ચાલી જતી હતી
અને
‘ ખ..ટ..ટ..અ..આ..ક.’
ઓહ…આ શું અથડાયું ?
આંખો ખૂલી ગઈ તો
નજર સામે કોઇ શરાબીએ રાતે પીને ફેંકી દીધેલી શરાબની બોટલ !
શરાબની બોટલ નર્તન કરતી હતી.
એક ઘરની ખુલ્લી બારીમાંથી રેડિયાનો અવાજ સંભળાયો

જાણીતું ગીત વાગી રહેલું,
‘નશા શરાબમેં હોતા તો નાચતી બોટલ !’

-સ્નેહા પટેલ.

તું એવું બાળક છે !


Gazalvishwa-,march 2014

Gazalvishwa-,march 2014

IMG_20140329_135417

– તું એવું બાળક છે !

થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.

સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ.

બાળ મૃત્યુ,


થોડી પંપાળી
થોડી વખાણી
પછી…
અથડામણ
ઠેબે ઠેબાં
આમથી તેમ તેમથી આમ
ફંગોળાઈ
જીર્ણ શીર્ણ
રકતરંજીત
ઓક્સીજનના બાટલાં ચડાવ્યાં
વેન્ટીલેટર પર પણ રાખી
પણ…અફસોસ
લાગણીની જીવનરેખા બહુ ટૂંકી નીકળી.
સ્નેહા પટેલ.

unbetable


આપણી નજીકનાં લોકો આપણાં ‘ડીપ્રેશન’ સહન કરવા નથી જન્મયાં.

-સ્નેહા પટેલ.

મારી વ્હાલી..


fulchaab paper > navrash ni pal column > 5-12-2012’s article.

http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

–    રમેશ પારેખ.

‘મૃદાંગી, મારી વ્હાલી..તારા વિના મને એક પળ પણ ગોઠતું નથી. તું તો જાણે છે કે હું તને કેટલો બધો પ્રેમ કરું છું…તો પછી તું શું કામ આમ વારંવાર તારા પીયર જતી રહે છે ? હજુ 6 મહિના પહેલાં જ તો પૂરા બે દિવસ માટે રોકાઈને આવી છું મારી સાસરીમાં !’

મૃદાંગી એની બદામ જેવી બે આંખોને વધારે મોટી કરતાં મર્માળુ હસીને તીર્યંચના ગળામાં પોતાના બે હાથ પૂરોવતા બોલી, ‘પ્રાણનાથ, એ વાતને પૂરા છ મહિના થઈ ગયા અને એ બે દિવસ પૂરા પણ નહતા થયા ને તમે 30 ક્લાકમાં તો મને લેવા પણ આવી ગયેલા. એક વાત કહો તો- આપણી દીકરી મહેંક અને દીકરો ફોરમ આખો દિવસ એમના મિત્રો – બહેનપણીઓના ઘરે કે મોસાળ અને ફોઇના ઘરે જાય ત્યારે તો તમને ઘરમાં ખાલીપો નથી લાગતો. ઘરની રોનક – ચહલપહલ તો સંતાનોથી વધુ હોય જ્યારે લગ્નના પંદર વર્ષ પછી પણ તમે મને બે દિવસ પીયર નથી જવા દેતાં..! બધા તમને વહુઘેલો કહે છે તમને ખબર છે?’

‘હા, મને બધું ય ખબર છે. જેને જે કહેવું હોય એ કહે પણ મને તારા વિના નથી ચાલતું, નથી ગમતું એ સૂર્ય અને ચંદ્ર જેવી  નક્કર વાત છે. ચાલ હવે, ચાનો સમય થઈ ગયો છે, મસ્ત આદુ ફુદીનાવાળી ચા બનાવ અને સાથે થોડા મમરા વઘારી લે જે. હું હીંચકા પર બહાર બેસું છું..’ અને આંખોમાં બની શકે એટલો પ્રેમ લાવીને તીર્યંચે વાક્ય પુરુંકર્યું, ‘ જલ્દી આવ વ્હાલી, રાહ જોવું છું..’

લગ્નજીવનની શરુઆતમાં તો મ્રુદાંગીને તીર્યંચ પોતાની પર આ રીતે ઓળઘોળ રહે, એની આગળ પાછળ ફર્યા કરે, નાનામાં નાની વાત માટે પોતાને આધારીત રહે એ બહુ ગમતું. એને એમ કે આ ઉભરો સમય જતા બેસી જશે..પણ તીર્યંચ આજ સુધી રત્તીભાર બદલાયો નહીં, ઉલ્ટાનો સમય જતા વધુ ને વધુ એની પર આધારીત થતો જતો હતો. એ ઓફિસે જાય ત્યાં સુધી અને ઘરે આવે ત્યારે મૃદાંગી એને ઘરમાં હાજર જોઇએ એટલે જોઇએ જ. એમ ના હોય તો એનો મૂડ સાવ જ ઓફ્ફ થઈ જાય. એના સમય સાચવવા જ મૃદાંગીએ ફુલટાઇમ જોબ છોડીને પાર્ટટાઈમ જોબ શોધવાની ફરજ પડેલી.

હવે મ્રુદાંગી એના અતિરેકથી કંટાળેલી. એને વારંવાર એવું પ્રતીત થતું હતું કે તીર્યંચની આ ઘેલછા પાછળ પ્રેમ કરતાં બીજું કંઇક વધુ ભાગ ભજવે છે. શું..? જવાબ શોધવા જતા જે જવાબ સામે આવતો એ એને બહુ તકલીફ આપતો હતો એટલે એ બધું પોતાની ‘નેગેટીવ થીંકીંગ’ સમજીને પોતાના પ્રેમાળ પતિ પર શક કરવા બદ્લ શરમાઈ જતી અને એ બધા વિચારોને આઘા હડસેલીને ખંખેરી દેતી.

મ્રુદાંગીની મમ્મીનું એકાએક અવસાન થતાં મ્રુદાંગી સંતાનો સાથે પહેરેલ કપડે જ પીયર જવા નીકળી પડી. તીર્યંચ બહારગામ હતો એ ત્યાંથી સીધો પોતાની સાસરીમાં પહોંચ્યો. એકાદ અઠવાડીઆ પછી મ્રુદાંગીએ તીર્યંચને બે સંતાનો સાથે પાછા પોતાના ઘરે જવાનું કહ્યું જેથી બાળકોની સ્કુલ અને તીર્યંચની નોકરીમાં બહુ દિવસો ના પડે. હજુ થોડો સમય એણે ત્યાં જ રહેવું પડે એમ હતું. ત્યાં સુધી ઘર અને બે સંતાનોને થોડો સમય તીર્યંચ સાચવી લે તો સારું એવી એની ઇચ્છા હતી.

આ વખતે  તીર્યંચ પાસે કોઇ જ શબ્દો નહતા એટલે ના છુટકે એણે મૃદાંગીની વાતમાં હામી ભરવી જ પડી અને બે સંતાનો સાથે ઘરે આવી ગયો.

લગભગ અઠવાડીઆ પછી મૃદાંગી પોતાના ઘરે પાછી ફરી તો ઘરની હાલત જોઇને અવાચક જ થઈ ગઈ. આખું ઘર ઉકરડા જેવું થઈ ગયેલું. ઘરમાં ચારેતરફ ગંદકી અને અસ્તવ્યસ્તતાનું સામ્રાજ્ય હતું. એટલામાં ફોરમ અને મહેંક સ્કુલથી પાછા આવ્યાં એમના હાલહવાલ જોઇને મૃદાંગીને ચક્કર આવી ગયાં. યુનિફોર્મ , વાળ, સ્કુલબેગ, શૂઝ..બધ્ધું જ મેલુ-ઘેલું…જાણે કોઇ ઝુપડપટ્ટીના છોકરાઓ..! તીર્યંચ બેડરુમમાં એનું લેપટોપ લઈને  ઓનલાઈન ગેમ રમતો હતો.

‘તીર્યંચ,આ શું..? આ ઘર, છોકરાંઓ…બધું સાવ આટલું ગંદુગોબરું..મેં બાજુવાળા પારુલબેનને વાત કરીને તમારા ટીફીન માટે તો વ્યવસ્થા કરાવી દીધેલી અને આપણી કામવાળીબાઈ પણ રેગ્યુલર છે..કચરાપોતા-વાસણ ટાઈમસર આવીને કરી જ જાય છે..તારે તઓ ફક્ત વોશિંગમશીનમાં કપડાં ધોવાનું કામ જ રહેતું હતું ને?’

‘જો મૃદાંગી, તું તો જાણે જ છે કે મને આ બધું ઘર –છોકરાંવ બધું સાચવવાની સહેજ પણ ટેવ નથી.તારા વગર તો આ ઘરમાં સૂરજ પણ નથી ઉગતો. કામવાળીને કપડાંનું કામ કરવાનુ કહ્યું તો એની પાસે સમય જ નહતો. મે એકાદ બે વાક્ય મોટા અવાજે કહ્યાં તો એ કામ છોડીને ચાલી ગઈ. તેલ પીવા ગઈ….બીજી મળી જશે..એની એવી ખોટી ટણી થોડી ચલાવી લેવાય ? છોકરાંઓ પણ હવે મોટા થઈ ગયા છે એટલે એમની જાતે જ તૈયાર થઈ જાય છે મારે એમનામાં ક્યાં કંઈ જોવાનું જ રહે છે ! કોઇને કંઈ જ તકલીફ નથી પડી બસ સિવાય મારા…ચાલ હવે મને એક કપ ચા બનાવી આપ. તારા હાથની ચા પીધે જાણે વર્ષો થઈ ગયા..હું નાહી લઉં..તું નહતી તો નહાવાનો મૂડ પણ નહતો આવતો..બે દિવસ પહેલાં છેક નાહ્યો હતો. તારા વિના મને સહેજ પણ નથી ચાલતું મારી વ્હાલી..હવે તું આમ મને એકલો મૂકીને ના જઈશ..’

અને મૃદાંગીના મગજમાં પાછા ઠેલાતા ‘નેગેટીવથીંકીંગ’ના ધક્કા મારીને હડસેલી દીધેલ વિચારો પાછા આવી ગયા..’ તીર્યંચને મારા માટે અતિપ્રેમ છે એટલે નહી પણ એને એક કામવાળી બાઈની જ જરુર છે. એ માંગે ત્યારે ચા,પાણી,જમવાનું, એનું ઘર –છોકરાં-એની સુવિધાઓ સચવાય અને રાતે એના બેડરુમ…છી…આને પ્રેમ કહેવાય કે સ્વાર્થીપણુ અને પરાધીનતા..? દુનિયામાં ‘પ્રેમ-પ્રેમ’ ના રાગ આલાપીને આમ કેટલાં લોકો  એની આડશમાં પોતાની આળસ છુપાવતા હશે? પ્રેમની આડશમાં પરાધીનતા પોસાતી હોય એવા લગ્નજીવન કેટલા સમય સુધી સુખી….? આતો એક જણ વેંઢાર્યા કરે ને બીજું મહાલ્યા કરે.. તીર્યંચને તો આખો દિવસ કામના અર્થે બહારગામ જવાનું થાય છે એ વખતે પોતે બધુંજ કામ કેટલી જીમ્મેદારીથી પુરું કરે છે. એવખતે તીર્યંચને પોતાની કોઇ જ કમી નથી નડતી..ઉલ્ટાનું એ પાછો આવે ત્યારે એકદમ રીફ્રેશ થયેલો લાગે છે. વળી અમુક મહિનાઓ તીર્યંચના પગારના ઠેકાણા નથી હોતા તો પોતાના પગારમાંથી જેમ તેમ કરીને પણ ઘર ચલાવે છે જ ને..પોતાની તો એક પણ ગાડી ક્યારેય નથી અટકતી. જ્યારે આજે નાછુટકે પોતાને ઘરની બહાર જવું પડ્યું તો ઘરનું તંત્ર સાવ આવું કેમ કથળી ગયું..?દુનિયામાં બહુ ભ્રમ  જાણીજોઇને પળાતા પોસાતા હોય છે એમાંથી આજે એક પ્રેમાળ ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયેલો અને એની કરચોએ મ્રુદાંગીનું નાજુક દિલ લોહીલુહાણ કરી દીધું હતું.

અનબીટેબલ : Untold sacrifies are never valued.

-sneha patel.

આશા કિરણો


રોજ તો  આપણું મિલન ક્યાંથી શક્ય !

આ જ વાત

રોજ ક્રોડો આશા- કિરણો લઈને

ઉગતા આ સૂરજને

કેમની સમજાવું ?

-સ્નેહા પટેલ.

પૂજા


તારે રમવું હોય તો રમ,

અમે તો

લાગણીની પૂજા કરીએ છીએ.

-સ્નેહા પટેલ.

નાજુક નમણી પ્રિયતમા -2


ખેતીની વાત > મારી હયાતી તારી આસ-પાસ કોલમ > લેખ નં-11. સપ્ટેમ્બર માસનો લેખ

નાજુક નમણી પ્રિયતમા -ભાગ:1 વાંચવા લિંક ક્લીક કરો.

https://akshitarak.wordpress.com/2012/08/08/namani-rupani-priyatama-1/

ભાગ-2

બંધ આંખોએ મદહોશીના સાગરમાં  ગોતા લગાવીને સપાટી પર આવવા મથતા મનને પરાણે ધક્કો મારીને પાછુ અંદર ડૂબાડવાના વ્યર્થ પ્રયત્નો કરતી હતી, ત્યાં તો મારા કાને મોરનો મધુરો ટહુકાર કાને પડ્યો. મેઁ ચમકીને આંખો ખોલી.અવાજની દિશામાં કાન સરવા કર્યા તો એ અવાજ બેડરુમની ગેલેરીમા ઝુલતા ‘ટુ સીટર’ સંખેડાના હીઁચકા પરથી આવતો હોવાનો ખ્યાલ આવ્યો.

હીચકાની બરાબર ઉપર ‘વિન્ડ ચાઈમ’ બાંધેલું હતું. મંદ મંદ વહેતી હવાની થપાટોથી એમાં નાજુક રણકાર ઉતપન્ન થઈ રહ્યો હતો જે વાતાવરણમાં હળવું સંગીત રેલાવી રહ્યું હતું.  ધીમેથી ‘પર્પલ શાટીન’નો પડદો ખસેડીને બહાર નજર કરી તો સાનંદાશ્રર્યથી આંખો પહોળી થઈ ગઈ. બહાર ત્રણ ઢેલ ગેલેરીની પાળી પર બેઠેલી હતી. આ તો એમના સંવનનકાળની ઋતુ..પોતાના પ્રિયતમને પોકારી પોકારીને ઇજન આપી રહેલી. મારાથી એમની વિરહીણી – બેકરારીની હાલતની અજાણતાં જ મારી હાલત જોડે તુલના થઈ ગઈ. એમની વ્યથા સમદુ:ખિયાભાવે હું પણ અનુભવી શકતી હતી ત્યાં તો એમનો પ્રિયતમ  -પૂરા ત્રણ હાથનો રુપાળા પીંછાથી ભરપૂર – વાદળી ગળાવાળો રુપકડો મોર – પોતાની પ્રિયાઓને (!!) મનાવવા આવી પહોંચ્યો. એક સાથે ત્રણ પ્રિયાઓને રીઝવવાની !  પોતાના સુંદર ભૂરા – ભૂરા પીંછા ફેલાવીને જાણે લાંબી આળસ મરડી. એના ફેલાયેલા પીંછામાં સોનેરી કલરના ગોળ ગોળ ચકતા જેવી ડિઝાઈનમાં ‘હ્રદય; જેવો  આકાર હતો. પોતાની પ્રિયાને મનાવવા મોરે પીંછાને હળ્વો ઝાટકો આપીને પોતાનો લખલૂટ અસબાબ ખુલ્લો મૂકી દીધો અદભુત કળા કરવા માંડી. માનવીઓમાં પુરુષને રીઝવવા માટે નારીને નૃત્ય કરતી આપણે સૌ જોઇએ છીએ. મોર એક જ એવો નર છે જે પોતાની માદાને રીઝવવા કળા કરીને તનતોડ નૃત્ય કરે છે.   આ અવર્ણનીય પ્રેમ – લીલા જોવામાં હું સમયનું ભાન ભૂલી ગઈ. ત્યાં જ વૉલ-ક્લોક્માંથી પેલી અવળચંડી કોયલ બહાર ડોકાઈને 10 વાર ટહુકી ગઇ અને મને સમયનું ભાન કરાવ્યું.

સફાળી’ક બેઠી થઈને મોર-ઢેલની પ્રણય-સૃષ્ટિમાં થી બહાર નીકળી. ફટાફટ મમ્મીનો બેડરુમનો દરવાજો બંધ કર્યો અને ડ્રેસિઁગ ટેબલના ત્રણેય કાચ સેટ કર્યા. મમ્મીનું લોકર ખોલી મને ખૂબ ગમતો મોતી –જડતરનો સેટ કાઢ્યો. આખું ગળું ભરાઈ જાય એવો હાર – કાનમાં ઝુમ્મર –કાનસેર..હાથમાં બે – બે ડઝન બંગડીઓની વચ્ચે થોડા લટકતા ઝુમ્મરવાળા પાટલાં ચડાવ્યાં અને છેક આગળ મસ મોટો રજવાડી ઠ્સ્સાવાળો સેટનો પાટલો..!  મારા નાજુક ફ્લોરોસેંટ નેઈલપોલિશ ઉપર કોમ્પ્યુટરાઇઝ્ડ ડિઝાઇન કરાવેલા લાંબા નખ વાળા હાથમાં આટલી બધી બંગડીઓ જીવનમાં પહેલી વાર ચડાવી હતી . હાથને કોણીએથી વાળી 90 અંશની ડીગ્રીએ આંખોની સમક્ષ રાખીને અચરજથી જોઇ રહી. શું આ મારો જ હાથ હતો..આટલો સુંદર ? નાજુકાઇને સુંદરતાનો ઢોળ..અહાહા…આજે હોશની બધી સીમાઓ તોડીને જાણે હું ખુદ મારા પ્રેમમાં પડતી જતી હતી. બહુ જ નવાઈની વાત હતી. છેલ્લે નાજુક ઘૂઘરીઓના રણકારવાળો કંદોરો કમર પર બાંધ્યો અને પગમાં રુમઝુમ- રુમઝુમ સોનેરી નાજુક પાયલ..!

‘ફેસવોશ’થી મોઢું બરાબર ધોઇને મોઢા પર ‘કોમ્પેક્ટ’ પાઉડર લગાવી કપાળની વચ્ચો વચ્ચ ગોળ સુંદર મજાની ડાયમંડ અને સલમાના વર્કવાળી બેબીપીંક –ગ્રીન કલરના મિશ્રણવાળી બીઁદી લગાવી. આઈ-બ્રોના બે ચાર વાળ થોડા ઊઁચા નીચા લાગતા હતા. આજે તો કોઇ જ કમી ચલાવી લેવાનો મૂડ નહતો.જલ્દીથી પ્લકર – કાતર લઈને આઇબ્રો સેટ કરી. જન્મજાત સુંદર કાળી લાઁબી પાંપણ પર મશ્કરાનો હળ્વો લસરકો માર્યો અને આસમાની ઝાંય ધરાવતી લાઈનર…ઉફ્ફ…લાઈન થોડી જાડી પાતળી થઈ ગઈ..પણ ચાલી જશે..બહુ નાની ભૂલ હતી. સરળતાથી નજરે ચડે એમ નહોતું.. પીંક આઇ શેડો – બ્લશર..ગ્રેપવાઈન અને પીંકીશ શેડ્ના મિક્ષ્ર કલરની લિપસ્ટીક… મનોમન નવાઈ લાગતી હતી…હું પ્રોફેશનલ બ્યુટીશિયન નહોતી પણ આજે બધો મેકઅપ એક્દમ ચીવટતાથી થતો હતો.

આજે મને સમજાતું હતું કે મમ્મીને હંમેશા તૈયાર થતાં આટલી વાર કેમ લાગતી હતી ! જ્યારે બહાર જવાનું હોય ત્યારે હું  હંમેશા પપ્પાની સાથે મળીને એમની મજાક ઉડાવવામાં સાથ આપતી હતી. પણ જ્યારે મમ્મી તૈયાર થઈને રુમની બહાર આવતાત્યારે પપ્પાની આંખમાં એક છૂપો પ્રશંસાનો ભાવ તરતો ચોક્કસ જોઇ શક્તી હતી અને મનોમન એ બેયના પ્રેમને – આકર્ષણને જોઇને હું અનોખો આનંદ અનુભવતી. અચાનક મારા લગ્નના 18 વર્ષ પછી મારો પરણેતર પણ મને આવા જ અદ્મ્ય આકર્ષણથી જ નિહાળે એવી ઇચ્છા મનના એક ખૂણે બળવત્તર થઇ ગઈ !

છેલ્લે વાળ ભીના કરીને ડ્રાયર મારીને વાળના લેયર્સ સેટ કર્યા. મમ્મીના ડ્રેસિઁગ ટેબલના એક ખૂણે પડી રહેલી કંકુની ડ્બ્બી તરફ આપોઆપ નજર વળી. મનમાં અરમાનોનો સમંદર ઉમટવા લાગ્યો. ના રહેવાતા ડબ્બી ખોલીને અંગૂઠા અને આંગળીની ચપટીમાં કંકુ ભરીને વાળમાં થોડી ડાબી બાજુ પડતી પાંથીમાં એને અડાડ્યું અને મનોમન એ જ્ગ્યાએ એની હાજરીની કલ્પના કરવા લાગી. બે પળનો નશો માણ્યા પછી બધું યથાવત પાછું મૂકી દીધું…લાઈટ રોમાંટીક સ્મેલવાળું બોડી સ્પ્રે લઈ બગલ..કાંડું…કાનની બૂટ..બધે સ્પ્રે કર્યું.

ચંપલમાં પગ નાંખતા ધ્યાન ગયું, ‘અરે, પગમાં નેઈલ પોલિશ બગડી ગયેલી.તરત એને રીમુવરથી સાફ કરીને ફરીથી એક હળ્વો નેઇલ-પોલિશનો કોટ લગાવ્યો.

ડ્રેસિઁગ ટેબલના બધા કાચ સેટ કરી મારી જાતને બે ફૂટ દૂર જઈ દરેક એઁગલથી ચેક કરવા લાગી.

એક છોકરી પ્રેમમાં પડે એટલે કેટલી હદ સુધી બદ્લાઇ શકે એના જીવતા- જાગતા નમૂના જેવી હું આંખો ફાડીને મારી જાતને આઈનામાં નિહાળી રહી. શું આ હું જ છું..જિન્સ – શોર્ટસ માં  શોભતી નટખટ ઉછ્ળકૂદ કરતી સુગંધી ! ના…આ તો કોઇ નવપરિણીત સોળ શણગાર સજેલી દુલ્હન હતી. જેને હું મારા જીવનમાં  સૌ પ્રથમ વાર જ મળી રહી હતી. જે છું એનાથી વધારે સુંદર દેખાવાના ..ના..ના..કદાચ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી દેખાવાના અભરખાના અંકુર આજે મનના ખૂણે ફૂટતા જતા હતા.

ત્યાં તો નીચેથી કારનું હોર્ન અને બે પળ પછી મમ્મીનો અવાજ આવ્યો…

‘સુગંધી…બેટા તારી બહેનપણીઓ આવી ગઈ…જલ્દી કર હવે.કેટલું તૈયાર થઈશ હજુ !’

‘આવી મમ્મા..એક મિનીટ..’ અને હું ઝડપથી રુમમાંથી બહાર નીકળવા ગઈ. જીન્સમાં દોડવા ટેવાયેલા પગ આજે સાડીના બંધનમાં અટ્વાઈ ગયા અને હુ એક ગડથોલું ખાતા ખાતા માંડ બચી..ઉફ્ફ…આ બધું આગળના ચાર-પાંચ કલાક કેમનું મેનેજ થશે મારાથી ? ત્યાં ‘આશુ’નો પ્રેમાળ ચહેરો નજર સામે તરવર્યો.

‘આના માટે તો બધું કરી શકાય..’

અચાનક યાદ આવ્યું કે  દાદર ઉતરતી વેળા મમ્મી કળાત્મક રીતે સાડીની પાટલીને થોડી ઊંચી કરીને ચાલતા હતા . મેં પણ હળ્વેથી મમ્મીની સ્ટાઈલમાં ચપટીમાં પાટલીને પકડીને થોડી ઊઁચી કરી. બે-ચાર વારની નિષ્ફળતા પછી થોડી ફાવટ આવી. મમ્મી જેવી નજાકત તો ના આવી પણ કામ ચાલી ગયું અને ધીમે ધીમે દાદરા ઉતરીને નીચે આવી.

મને જોઇને ડ્રોઇઁગ રુમમાં રહેલ પાંચે પાંચ જીવ..મમ્મી અને મારી ચાર સહેલીઓ…બધાંના મોઢા અચરજથી પહોળા થઈ ગયા ! મમ્મીએ તરત કાજળની ડબ્બી લાવીને મારા કાન પાછ્ળ ટીકું કર્યુ, ને બોલ્યા,

’મારીદીકરી આવડી મોટી ક્યારે થઈ ગઈ..ખબર જ ના પડી !’’

અને એને ગળે લાગીને વ્હાલ કરીને હુ ઉતાવળી ઉતાવળી બહેનપણીઓ સાથે ગાડીમાં ગોઠવાઈ.

‘શું વાત છે ..આજે હવામાં રોમાંસ જ રોમાસ ફેલાઇ રહ્યો છે ને કંઇ ! આટલા બધા સાજ શણગાર-એ પણ નેચરલ બ્યુટીની પ્રખર હિમાયતી સુગંધી…હે ય..કોઇ મને ચૂંટી ખણો તો ‘ બોલીને હળ્વેથી મારી સખી સોનમે મને એક આંખ મારી.

‘બસ કર હવે..’ ખોટાગુસ્સા સાથે મેં સખી સામે ડોળા તગતગાવ્યા..

‘સારું..અમે તો બસ કરી લઈશું પણ રુપના આ સાગરથી બીજું કોઇ બચશે કે નહી એની ચિંતા અમને બહુ સતાવે છે.’ એની વાતનો સઁદર્ભ સમજતા ગુલાબી મેકઅપની નીચેથી  કુદરતી રતાશ ગાલ પર છ્લકવા લાગી.આખા શરીરનું લોહી ગરમ થઇ ગયું ને કાનની બૂટ પર ઠોકર મારવા લાગ્યું. એ પણ લાલઘૂમ થઈ ગઈ.

‘ચિબાવલી…હવે સામે જોઇને ગાડી ડ્રાઈવ કરને નહી તો માડ હાથમાં આવેલી ગાડી ક્યાંક અથડાઈ બેસીશ અને પપ્પાની વઢ પડશે નફામાં.’

‘મારા બોલવા પર તો કંટ્રોલ કરી લઈશ પણ આશીર્વાદ આગળ શું કરીશ…’

અને આખી ગાડી જુવાન હાસ્યથી છ્લકાઇ ગઈ.એ પછી આખા રસ્તે  શરમના ભારથી લદાયેલી પાંપણો મારાથી ઉંચી જ ના થઈ શકી.

ક્રમશ:

અહેસાસ રુહ સે મહેસુસ કરો..


kheti ni vaat mag. > mari hayati tari aas-pass – 8 > may-2012.


આ હોઠ પર કંઇક સળવળ..સળવળ થાય છે. .શું છે ..? આખો દિવસ હેરાન કર્યા જ કરે છે.. !! કોઇ પણ કામ કરતાં હો તો પણ હોઠ  પરનો સળવળાટ ભરપૂર અકબંધ..!  દિમાગમાં કોઇ વાત ‘ક્લીક’ થાય, ભૂતકાળનો કોઇ પ્રસંગ તાદ્રશ્ય થાય..અને દિલમાં એક હલકી –  મધુરી ભીનાશ વ્યાપી જાય..ધીમે ધીમે એ ભેજ મુખ તરફ પ્રયાણ કરે, અને હોઠ પર આવીને હળ્વેથી ધીમા સ્મિતમાં ફેરવાઈ જાય – રેલાઈ જાય. રોજ રોજ આ દિમાગથી હોઠ સુધીની સફર અવિરતપણે ચાલ્યા જ કરે છે…કોઇ થાકોડો નથી નડતો એને.!! શું બધા સાથે આવું થતું હશે..? ના..આમ એકલા એકલા મરકવાનું…હસ્યા કરવાનું..આ તો પાગલપણની નિશાનીઓ કહેવાય…પણ માણસ પાગલ ના હોય અને એના આ આપોઆપ ફૂટી નીકળતા હાસ્યના ઝરા પર પોતાનો કંટ્રોલ ના રહે તો..?  આ તો સાવ  બે છેડાંની વિરોધાભાસી વાતો જ લાગે છે ને..પણ હું આ દોરમાંથી જ પસાર થઈ રહી છું..મારા મોઢા પર જ્યારે ને ત્યારે તારી લાગણીની છાપ છોડી જાય છે..આ મારા પ્રેમની ચાડી ખાઈ જતું બોલકું હાસ્ય મને કોઇક દિવસ મરાવી કાઢશે..

હા તો વાત એમ છે..મારા ‘બુદ્ધુરામ’ જેવા તમે..હાસ્તો આમ ‘સ્માર્ટ’ પણ આમ નાની નાની વાતોની પણ સમજ ના પડે એટલે હું તો તને ‘બુધ્ધુરામ’ જ કહીશ ..તો તું જ્યારે પણ મને યાદ આવે છે ત્યારે આપોઆપ હોઠ મારી જાણ બહાર જ મરકી ઊઠે છે. હાથમાં  ચોપડી પકડીને બેઠી હોઉ, આંખો એમાંના કાળા કાળા અક્ષરો પર ફરતી હોય.. પણ મગજ તારી સાથે વિતાવેલ મેધધનુષી યાદોની ગલીઓમાં  ફરવા લાગે ..બધું રંગીન રંગીન.. આંગળીના ટેરવા પાના ફેરવતા હોય, શું વાંચ્યુ શું નહી..કેટલું મગજ સુધી પહોચ્યું એ વિચારવાની પણ કોને પડી હોય છે . તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય..

‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ

તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે…

તારી ગુલાબી-ગુલાબી

ધૂળની ડમરીઓ ઊડાડતી પાની-

બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને

મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ..

હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે !

તારા કાળા ભમ્મર

સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ..

એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે..

બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની

ભૂરી ભૂરી નસને ચૂમે છે.

બાકીની કેશરાશિ એનાથી પણ નીચે…

મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે..

ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે.

હોશ કેમ જાળવું..?

કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે

પ્રીતનો સાગર હિલ્લોળા લે છે..

એ બધી લહેરોને હથેળીના હેતથી

લીંપી દેવાનું મન થઈ જાય છે..

અને જબરદ્સ્ત ઊભરો

ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’

ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો..? તને ખબર છે કે આ બાંધી રાખેલી લાગણીઓ બહુ ખરાબ હોય છે. એને જેટલા વળ ચડાવો એ એનાથી બમણા જોરથી છૂટી પડે છે..વેરાઈને ઢગલો થઈ જાય છે .ધીરે ધીરે એ ઢગલાના ખડકલા માથાસમાણા થઈ જાય છે અને મારો બધોય કાબૂ ભાંગીને ભૂક્કા ! દિલમાં કંઇક તીખો તીખો ચચરાટ થાય છે..આવું કેમ ?મારું પોતાનું, મારું નજીકનુ પણ મારું કેમ ના થાય…

એક અધિકારની ભાવનાનો ઊછાળા મારતો સાગર લઈને તું મારી નજીક આવ્યો હતો..બે પળ તો મારું દિલ ધક્ક રહી ગયું..આ વેગને તો હવે કેમનો ખાળવો. ? આ તો જુવાનીનો વેગ..એમાં પાછો પ્રેમનો લેપ..!  આંધી વંટોળો તો મારા દિલને પણ પજવતા હતા..પણ સાવ આમ મર્યાદા ત્યજીને બેશરમ તો કેમનું થવાય..વળી હું રહી સ્ત્રીની જાત..નાનપણથી જ લોહીમાં વણાયેલા સંસ્કારો કેમના ભૂલાય..?

તારો હેતનો ઊભરો મને દઝાડતો હતો..

દિલમાંથી ‘હા..હા’ ની મહોરવાળી સંમતિ સરકું સરકું થતી હતી.

ઇચ્છાઓની મયુરપંખી નાવ તારા પ્રેમ-સરોવરમાં તરતી હતી…!

ત્યાં જ મગજને એક ઝાટકો લાગ્યો…શું આપણો પ્રેમ ફક્ર્ત તન સુધીને જ મર્યાદીત..મનની ક્ષિતિત્જો સુધી અનંતમાં પ્રસરેલી આ તીવ્રત્તમ લાગણીઓના આકર્ષણ ઉપર આ તનનું આકર્ષણ હાવી કેમ થતું જાય છે..આધુનિક કહેવડાવવાની લાલચ છે કે તનની ભૂખ કે આપણા મનના પવિત્ર પ્રેમની હાર..આ બધું શું છે..? જે પણ હોય આ યોગ્ય તો નથી જ..પ્રેમ કર્યો છે..કોઇ ગુનો કે ચોરી નહી. તો તનની ભૂખ એને ચોરી જેવી લાગણીએ લઈ જવા જેવી તીવ્રત્તમ કેમ બનાવે છે…!!

કોઇ પણ લાગણી  કાબૂ બહાર જાય એટલે નકરી અરાજકતા જ ફેલાય છે..ઇતિહાસ આવા કેટલા પ્રસંગોનો સાક્ષી છે..અને મન મક્ક્મ કરીને મેં તને તરત જ રોક્યો…

’ના..’

આ એક લક્ષ્મણરેખા આપણા પ્રેમની પાવનતાનું ચિહન છે..આની મર્યાદા ના તૂટે એ જ આપણા હિતમાં છે. એ જો તૂટી તો જે પ્રેમ તારા નામની સાથે મને મહેંકાવી દે છે એનાથી કાલે હું કદાચ ગંધાઈ જઈશ.. ચીમળાઈ જઈશ..આ મર્યાદાભંગ એ આપણા નજીકનાનો વિશ્વાસભંગ પણ છે ..પ્રેમ કર્યો છે તો ખુમારીભેર આવ ઘરે અને મારા  માતા પિતા પાસે મારો હાથ માંગી લે..ના માને તો બગાવત કરીને મને એમની સામેથી ઉપાડી જા તો પણ વાધો નથી..એ પછી આપણે લગ્ન કરી લઈશુ..અને પછી તને કોઇ વાતે નહી રોકું…નહીં ટોકું.. પણ આધુનિકતાના નામે, થોડી કાબૂ બહારની લાગણીના નામે મારી મર્યાદા ત્યજવા માટે મજબૂર ના કર..જે તારુ છે એને સમયથી પહેલાં પામવાની આવી હઠીલી જીદ ના કર..દિલ કળીએ કળીએ કપાય છે..તને દુઃખી કરીને દિલ લોહીના આંસુડા સારે છે..મારી લાચારી પર તારી સમજદારીનો, સંયમનો છાંયો કર એમાં જ આપણા પ્રેમની અસ્મિતા છુપાયેલી છે. તારો ઘણો ઉપકાર થશે..

અને તું અવાચક થઈને મને સાંભળી રહેલો..એકદમ જ મારો ચહેરો તારી હથેળીમાં ભરી લીધો અને આંસુભીની આંખે બોલી ઊઠ્યો,

‘સુગંધી, મને માફ કર..મારો ઇરાદો તારો દિલ દુખાવવાનો સહેજ પણ નહતો..વળી તારી ઇજ્જત અને માન મર્યાદા તો મારે આખી જીંદગી સાચવવાના છે..અત્યારથી જ એમાં નબળો પડું એ તો કેમનું ચાલે..ના.આપણા પવિત્ર પ્રેમને હું આમ થૉડા સમયની અવશતાને લઈને આંચ નહી જ આવવા દઉં.મને માફ કર..’

અને તારી બે ભુજાઓમાં સમાઈને તારી છાતી પર મારું નિસ્ચિંત માથું મૂકીને મારી પસંદગીની સમજદારી પર પોરસાઈ રહી હતી અને તારા દિલની ધડકનમાં અવિરતપણે ધબકતું મારું નામ સાંભળી રહી.ક્યાંક દૂર મારું મનપસંદ ગીત વાગી રહ્યું હતું,

‘હમને દેખી હૈ ઇન આંખો મેં મહેંકતી ખુશ્બુ

હાથ સે છૂકે ઇસે રિશ્તો કા ઇલ્જામ ન દો

સિર્ફ અહેસાસ હૈ યે,  રુહ સે મહેસુસ કરો’

આ બધુંય એક ચલચિત્રની જેમ મારી આંખો સામેથી વારંવાર પસાર થતું હતું..તારી બેચેની મને પણ બહુ ગમી હતી..એવા જ તીવ્ર આવેગો મને પણ પજવતા હતા..અત્યારે તો મારી બધી ય તરસ, બેચેની હું ભેગી કરું છું અને યોગ્ય ઋતુ આવે ત્યારે વરસવાની રાહ જોવું છુ..તું પણ તૈયાર રહેજે..

કારણ : ‘ હું રહી હેલીની – ભરપૂર ચોમાસાની વ્યક્તિ..મને માવઠું બનીને વરસવાનું નહી ફાવે ‘

-સ્નેહા પટેલ

વ્હાલપાશ..


બસ તું સ્વાભાવિકતાથી જીવ

તારા ધરતીકંપોમાંથી બહાર નીકળ

જાતને ફ઼રીથી સેટલ કર

હા એક ભલામણ ખાસ..

માણસજાત પરથી વિશ્વાસ ક્યારેય  ના ગુમાવીશ

ઉપરવાળાની લીલાઓ અકળ છે

અપરંપાર છે..

બડો ચતુર કિમીયાગર છે એ..

નકરા ગૂઢાર્થોથી એ  ભરેલ છે

આપણે રહ્યાં સામાન્ય માનવીઓ

એના દુન્યવી સંકેતો ઘણીવાર ના સમજી શકીએ

બધી ય ચિંતા છોડ..

સ્વાભાવિકતાથી મન જેને સાચું કહે એ રસ્તે ચાલ

તને મારા બધાય ગમા

અણગમામાંથી મુક્ત કરું છું..

પણ વિશ્વાસ રાખજે

હું તારા વ્હાલપાશમાં કાયમ બંધાયેલ છું.

તારી વ્હાલી..

સ્નેહા પટેલ – અક્ષિતારક

પ્રતિભાવ


જો કોઇની લાગણીનો યોગ્ય પ્રતિભાવ આપવો તમારા માટે શક્ય ના હોય તો, તમારા ઠાલા વચનો થકી એને આશાના મિનારો પર ના ઝુલાવશો..
સ્નેહા

મીણ


મીણ જેવી લાગણી લઈને
તારી આંખોમાં આંખો પૂરોવી
અને..
હું આખે આખી પીઘળી ગઈ..

સ્નેહા પટેલ.

લાગણી


લાગણીનાં હિસાબો મંડાશે,
ખબર નહોતી…
લોહીના આંસુથી એના આંકડા મંડાશે,
ખબર નહોતી…
વ્હાલભરી ટપલીની સમજાવટથી પણ ચાલી જાત,
પણ …
થપ્પ્ડોના સોળથી ગણતરી મંડાશે,
ખબર નહોતી…
પ્રેમના દાખલા માંડવામાં,
તાળો વેર-ઝેર પણ આવી શકે,
ખબર નહોતી…
વિશ્વાસનાં જગતમાંથી પોતીકા આમ બાદ થઈ જશે,
ખબર નહોતી…
સંબંધોના ઝેર પચાવવા નીલકંઠ બનવું પડશે,
ખબર નહોતી..
લાગણીઓનો આમ ઉઘાડે છોગ વ્યાપાર થઈ જશે,
સાચે…ખબર નહોતી દોસ્તો……!!!!

હવે હું મારી મહામૂલી લાગણીનાં દરવાજા સજજ્ડપણે, જડબેસલાક રીતે બંધ કરું છુ. બહુ ખુલ્લાં રાખ્યા.. લાગણીનાં પ્રવાહને નિરંતર વહેવા દીધો છે કાયમ, કોઈ જ ગણિત ગણ્યા નથી.. સંબંધોની કોઈ રકમો માંડી નથી.. વ્યવહારની કોઈ સરવાળા બાદબાકીઓ કરી નથી.. હંમેશા બધું માંડી જ વાળતી આવી છું. મારી પ્રચંડ લાગણી કાયમથી કોઈ પણ પથ્થર દિલને તોડી..ફાડીને જગ્યા કરીને પણ સરળતાથી વહેતી આવી છે અને એનું હંમેશાથી હું ગર્વ લેતી આવી છું.. ફલસ્વરુપે એ ઘણીવાર છોલાઈ છે.. અગણિત ઘાવોથી ઊઝરડાઈ છે. લોહીલુહાણ એનો લાલ રંગ પણ મને સંબંધોમાંથી મળતી મીઠાશ(!!!)ના લીધે સફેદ રંગ જેવી શીતળતા આપતી આવી છે. ટેવાઈ ગઈ છે એ વારંવાર ઉઝરડાના નહોરની તકલીફોથી એમ કહી શકાય. કોઈના બે મીઠા બોલ માટે  હું મારા બે દિવસનાં સુખ ચેન આરામથી શહીદ કરતી આવી છું.. પણ કદી એનો અફસોસ નથી થયો. શું કરું… સ્વભાવ જ એવો છે ને કે લોકો મારા નામ આગળ ‘લાગણીશીલ’ અનાયાસે લગાડતા થઈ ગયેલા ( જોકે પાછળ તો ઈમોશનલ ફુલ જ કહેતા હોય..!!)
જોકે ઘણા લોકોને તો મજા જ પડી જાય આમાં.. કારણ .. બધા કંઈ સરખા નથી હોતા દુનિયામાં.. તમે સારા એટલે લોકો પણ સારા એવું તમે બેધ્યાનપણે માનતા થઈ જાઓ એ બરાબર.. પણ એ બધું તમારી દુનિયાનાં લોકોની અસલિયત જોવાની દરકાર જ ના કરવાની શાહમૃગવૃતિના જ દર્શન કરાવે છે. હકીકતે એવું નથી હોતું. તમારી લાગણીનો ફાયદો ઊઠાવવા આ દુનિયામાં અગણિત લોકો બાજ જેવી નજરે બેઠા જ હોય છે. તમને એ બાજ નજર પારખતા ના આવડી તો તો ગયા.. એ તકસાધુઓ રાહ જ જોતા હોય છે. તમારી લાગણી થોડી પણ છલકાતી હોય એટલે આવી જશે તમારી નજીક એમના દેખાડાના ‘સો કોલ્ડ’ આશ્વાસનોનો પટારો લઈને. ( આ વાત ખાસ કરીને સ્ત્રીઓને વધુ લાગુ પડે છે એવો અનુભવ છે) તમને તો દુનિયા સારી અને સરળ જ લાગશે.. એનો ફાયદો આ ‘સો કોલ્ડીયા’ દોસ્તો ઉઠાવી જશે. પોતાના મતલબ માટે એનો મન ફાવે એવો ઉપયોગ કરીને અને તમને ખબર પણ ના પડે એમ તમારી લાગણીના લીરે લીરા ઊડાવીને એના ઢગ પર બેસીને મોટે-મોટેથી અટ્ટ-હાસ્ય કરશે. તમને તો તમારી લાગણી મફતના ભાવમાં લિલામ થઈ ગઈ એની જાણ પણ નહી થાય.. ભોળા અને વિશ્વાસુના પુતળા ખરાને..!!  જ્યારે જાણ થશે ત્યારે તો તમારી દુનિયા વેરણ છેરણ થઈ ગઈ હોય છે. તમારા કાબૂની બહાર અને તમારા હાથમાં આવે છે ભારે ખમ ખાલીપો… અને સતત તમને એના આંસુથી ભીના રાખતા ના સહન કરી શકાતા કે ના દેખાતા ઘાવોનો ઢગલો..!!

લાગણી.. સંબંધો… આ બધું શું છે… કાયમ એમાં દલીલો… એકબીજાની ખોડ-ખાંપણો.. અપેક્ષાઓનાં પહાડો… આ બધું એની ગરિમા કેમ બગાડતી આવી છે?  હંમેશા કોઈ પણ એક પક્ષે સહન કરવાનું અને બીજાએ દાદાગીરીથી અને રમતો રમી રમીને ઘાવ આપતા રહેવાનું જ કેમ હોય છે??  ખોટાં ખોટાં દેખાડાના નાટકીયા સંબંધો મને સહેજ પણ મંજૂર નથી. સાચા સંબંધો બહું જ ઓછા મળે છે હવે.. જેમાં બેય પક્ષ એક-બીજાને માન-સન્માનપૂર્વક પ્રેમ કરે છે.. બસ હવે હું મારા દરવાજા એવા સંબંધો માટે જ ખોલીશ. ત્યાં સુધી ભલે એ બંધ રહ્યાં.
 

સંબંધોના આડા અવળા, અટપટા.. અભિમન્યુના કોઠા જેવા ભુલ ભુલામણીના રસ્તાઓમાંથી મારો સાચો રસ્તો શોધવા જેટલી સમજ શક્તિ કેળવીશ.. પણ મારી મહામૂલી લાગણીને ગેરમાર્ગે તો નહી જ વહેવા દઉ. એક સરસ મજાનું વરદાન આપ્યું છે ‘લાગણીશીલ હૈયાનું’… એની કદર કરીશ.. એની ગરિમા જળવાય.. યોગ્ય પાત્ર પર જ ઢળે એ માટે સતત સજાગ રહીશ… આમ જ મને વિશ્વાસ છે કે હું યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે વહીને મારી લાગણીને યોગ્ય ન્યાય આપી શકીશ.. પણ એનો ગમે તેમ કોઈ પણ વ્યક્તિ દૂર-ઉપયોગ કરી જાય… એ તો નહી જ થવા દઉ.. કદાપિ નહી.. કોઈને પ્રેમ કરવો બહુ જ સારી અને કદાચ આ દુનિયાની કદાચ સૌથી પવિત્ર વાત છે.. મારા માટે તો ભગવાનના રોજ રોજનાં દર્શન કરતા પણ વધુ પાવક.!!  પણ એ પ્રેમ આપણી નબળાઈ બની જાય… સામેવાળા આપણાં સંવેદનો, લાગણીને લઈને આપણો ઉપયોગ કરે. આપણને એના પ્રેમના સોગંધ દઈને એના તાબામાં કરવાની વાતો કરે… એ હદ સુધી તો આપણા પ્રેમને.. લાગણીને ના જ જવા દેવાય. ભલેને દુનિયા કહે કે, “તું સ્વાર્થી થઈ ગઈ છું”.. પોતાની જાત માટે.. લાગણીની સાચવણી માટેની આટલી કિંમત ચૂકવવાની મને તો મંજૂર છે દોસ્તો.. તમે શું કહો..????

 

– સ્નેહા-અક્ષિતારક
૩૦-૫-૨૦૧૦

એસ એમ એસ


લાગણીઓ આજકાલ ભારી થઈ ગઈ છે,
એસ એમ એસની આભારી થઈ ગઈ છે…

સ્નેહા-અક્ષિતારક,
૩૧-૦૩-૧૦