લવ મેરેજ – અરેંજ મેરેજઃ
phulchhab newspaper > 30-8-2016 > navrash ni pl column
તાર કાં તો માર રસ્તા બે જ છે.
જીત કાં તો હાર રસ્તા બે જ છે.
– ઇશિતા દવે
‘તમારા તો લવમેરેજ થયેલાં છે ને ? અમને તમારી સ્ટોરી તો કહો ? કુમારભાઈએ કેવી રીતે તમને પ્રપોઝ કરેલું એ તો કહો ? તેઓ આ ઉંમરે આટલા સ્માર્ટ – હેન્ડસમ કનૈયાકુંવર જેવા લાગે છે તો કોલેજકાળમાં તો એમની પાછળ કેટલીય છોકરીઓ પાગલ હશે કેમ ? આટલા હેન્ડસમ માણસની પ્રેમિકા બનીને આપને પણ ગર્વ થતો હશે કેમ રાધિકાભાભી ? જોકે તમે પણ કંઇ કમ રુપાળા નથી હોંકે – તમારી બે ય ની જોડી તો ‘રામ મિલાય’ જેવી છે.’
ઉત્સુકતાથી અને ઉતાવળથી ભરપૂર સોનાલીબેને રાધિકાની ઉપર એકસાથે પાંચ છ વાક્યોનો રીતસરનો મારો જ ચલાવી મૂક્યો હતો. એકસાથે આટલું બોલીને હાંફી ગઈ હોય એમ હવે એ શ્વાસ લેવા બેઠી અને રાધિકાબેન એના પ્રશ્નોના શું ઉત્તર આપે છે એ જાણવા એના મોઢા પર એણે પોતાની આંખો ખોડી દીધી.
‘સોનાલીબેન શું તમે પણ ? એવું કંઇ ખાસ નહતું. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ બધું આખરે તો સરખું જ હોય છે. તમારું લગ્નજીવન પણ કેટલું સુંદર છે જ ને !’લગ્નજીવનના બે દાયકાં વીતી ગયા છતાં રાધિકાને પોતાની પર્સનલ વાતો આમ કોઇની પણ સાથે શેર કરવામાં શરમ નડતી હતી. એને આવી સહેજ પણ આદત નહતી.
‘ના હો….લવ મેરેજ અને અરેંજ મેરેજમાં આભ જમીનનો ફર્ક હોય છે મારી બેના. તમે લગ્ન પહેલાં એકબીજાને જાણતાં હોવ, પૂરી રીતે સમજતાં હો અને એ પછી તમે બે વ્યક્તિએ આખી જીંદગી એકબીજા સાથે વીતાવવાનો નિર્ણય લીધો હોય. લવ મેરેજે એટલે ચોઇસવાળા લગ્ન જ ને આખરે તો. અમારે તો શું વડીલોએ બતાવ્યાં હોય એમાંથી પસંદ કરી લીધેલા. લગ્ન પહેલાં અમારી સગાઈનો ગાળો લગભગ ૬ મહિના રહેલો એટલા સમયમાં તો અમે એકબીજાને શું ઓળખી શકવાના ? અને ઓળખીએ તો પણ લવમેરેજના પ્રેમ – આકર્ષણ જેવી વાત એમાં ક્યાંથી ? ‘
‘સોનાલીબેન કેમ આમ બોલો છો ? પરમભાઈ તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમારા બે દીકરા ય હવે તો ટીનએજર્સ થઈ ગયાં છે. તો ય એમનો પ્રેમ યથાવત જળવાયેલ જણાઇ આવે છે જ.લવમેરેજમાં વ્યકતિને પહેલાં પૂરેપૂરી જાણી લો કે અરેંજ મેરેજમાં વ્યક્તિને મેરેજ પછી જાણો એમાં લગ્નજીવન પર ખાસ કંઇ ફર્ક નથી પડતો. ઉલ્ટાનું અરેંજ મેરેજમાં તો તમારે વડીલોનો સ્વીકાર પહેલેથી જ મળી ગયેલ હોય એટલે કોઇ જ વાતમાં વાંધા વચકા પડવાની શકયતાઓ ઓછી રહે જ્યારે લવમેરેજમાં છોકરીનું એક વર્ષ તો ઘરનાની નજીક જવામાં જ વીતી જાય.’
‘મારું હાળું આ વાત તમે સાચી કહી હોં રાધિબેન. મારી સાસરીમાં બધા ય મને પહેલેથી જ પ્રેમથી સ્વીકારીને રહે છે. પણ તો ય લવમેરેજ વાળા લગ્નજીવનમાં રોમાંચ, આકર્ષણનું તત્વ વધારે રહેલ છે એવું તમને નથી લાગતું ?’
‘ના, મારા માનવા પ્રમાણે ખરું લગ્નજીવન તો લગ્નના પાંચ વર્ષ પછી જ થયું ગણાય – એ પછી લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ ! લવમેરેજમાં પણ તમે વ્યકતિની સાથે રહ્યાં વિના એની અમુક આદતો – બાબતો -સ્વભાવથી પૂરેપૂરા પરિચીત તો નથી જ હોતા. અમિક સ્થિતીમાં એ કેવી રીતે વર્તન કરશે – પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે એની તો એ સ્થિતીમાં હકીકતે મૂકાયા પછી જ સમજણ પડે. અરેંજ હોય કે લવ- બે ચાર વર્ષ તો આકર્ષણથી – રોમાંચથી ભરપૂર જ રહે છે પછી જ જ્યારે જવાબદારીઓ ઉપાડવાનો સમય આવે ત્યારે એ બે જણ કેવી રીતે એ સ્થિતીનો સંયુકતપણે નિભાવે છે એ જોવાનું હોય છે. જીવન પળે પળે બદલાતું હોય છે. નોકરી-કામધંધો-સામાજીક જવાબદારીઓ-છોકરાંઓનો ઉછેર આ બધી જ સ્થિતીઓને લવ મેરેજ કે અરેજ મેરેજથી કોઇ જ ફર્ક નથી પડતો. સમય જતાં જતાં જ વ્યક્તિ એકબીજાને સમજે અને એકબીજાની વધુ નજીક આવે કે દૂર જાય છે. તમારે જેવા ઝગડાં થાય છે એવા નાના મોટાં ઝગડાં તો અમારે પણ થાય છે જ. જેમ અમુક સમયે કુમાર હવે શું વિચારતો હશે કે શું ફીલ કરતો હવે એવું સ્મજાઈ જાય છે એવું તમને પણ પરમભાઈની આદતો, મૂડ સ્વભાવ વિશે પૂરેપૂરો ખ્યાલ હોય જ છે ને ! પરમભાઈમાં થોડી ખામી હશે તો ખૂબી પણ હશે જ ને..એમ કુમારમાં પણ અનેજ્ક ખૂબી છતાં અમુક ખામી છે જ..હોય જ ને..આખરે માણસ છે એ. લગ્ન કરે એટલે માણસ સંપૂર્ણપણે સામેવાળાની મરજી પ્રમાણે થોડી જીવે ? એમને પણ સ્વતંત્રતા જેવું કંઇ હોય કે નહીં ? હા ઘરની બહાર એ આપણને સાચવી લે પણ પર્સનલ લાઈફમાં તો દરેકની સ્થિતી સરખી જ હોય. કોણ એ સિચ્યેશનસ કેવી રીતે હેન્ડલ કરે છે બધો દારો મદાર એની પર છે બેના.વળી આજકાલ તો એક બીજાને પૂરી રીતે સમજવા વળી એક નવી ફેશન નીકળી છે – પસ્ચિમના લોકોથી રહેણી કરણીના આકર્ષણમાં ફસાઈને આજના યુવાનિયાઓ ‘લીવ ઇન રીલેશનશીપ’ કે જેમાં છોકરાં છોકરી પોતાનું ઘર લઈને મા બાપથી જ અલગ રહીને જીવે છે એમ છતાં ય અમુક વર્ષો પછી એ લોકો હસી ખુશીથી છૂટાં પડી જાય છે. લવમેરેજ કરતાં તો આ કમ સે કમ દસ સ્ટેપ આગળનો રસ્તો તો પણ એ સંબંધો ફેઇલ જાય છે બોલો.. માટે જ કહું છું કે લગ્નજીવનમાં ‘લવમેરેજ’ કે ‘એરેંજ મેરેજ’ની ટેગ કશું ખાસ કામ નથી કરતી. આખરે તો જીવન એકબીજા સાથે જીવતી વ્યક્તિની સમજણ, પ્રેમ, સ્વભાવ પર નભે છે.’
સોનાલી ચૂપચાપ એકીટશે રાધિકાની વાત સાંભળી રહી હતી. આજે રાધિકાએ એનો મોટો ભ્રમ બહુ જ સરળતાથી તોડી કાઢ્યો હતો.
અનબીટેબલ ઃ લગ્ન પછી ‘કોઇ હવે સંપૂર્ણપણે મારું’ એ લાગણી બહુ જ સુખદ હોય છે.
-sneha patel