My article on #divyabhaskar.com
‘મહિલા દિન’ની ઢગલો શુભેચ્છાઓ આજે મોબાઈલની ટોકરીમાં ભરાઈ ગઈ છે. અમુક વાહિયાત..કોપી..પેસ્ટ,સમજ વિનાની તો અમુક સાચે દિલને સ્પર્શી જાય એવી મુલાયમ , સ્પેશિયલ મારા માટે લખાયેલી પર્સનલ ટચ્ચ વાળી,સંયમ સાથે ખુલ્લા દિલથી લાગણી વહાવતી પોસ્ટ મળી..એમને દિલથી સલામ !
અચાનક આજે દુનિયાની દરેક નારી કોઈ જ સ્પેશિયલ કાર્ય કર્યા વિના એકાએક મહાન થઇ ગઈ હોય એવું અનુભવાય છે. હસવા સાથે દયા પણ આવે છે. જેટલી જલદી ઉપર ચઢશો એટલી જ જલ્દી ને તીવ્રતાથી કાલે પાછા જમીનને શરણ થઇ જાઓ એવો કુદરતી નિયમ યાદ આવી ગયો.
ઈશ્વરદત્ત સૌંદર્યના ગુણ ગાવા, ખોટી જગ્યાએ ખોટો ઉપયોગ કર્યા વિના તમે જાતે મહેનત , બુદ્ધિ અને સેલ્ફકોન્ફિડન્સથી તમારી અંદર શું વાવ્યું,ઉગાડયું ને લણ્યું એ વિચારો..ને પછી યોગ્ય લાગે એનો મહિમા કરો.
સ્વતંત્રતા એ કોઈના આપી દેવાથી મળી જાય એવી સ્થિતી નથી.તમારે જાતને એને લાયક બનાવવી પડે, પચાવવી પડે અને પછી એનો મહિમા કરતા શીખવાનો હોય. આટલું શીખી લીધા પછી તમને ક્યારેય તમારી ઈચ્છા, સ્વતંત્રતા ઉપર કોઈની પણ મંજૂરીના થપ્પાની કદી જરૂર નહિ પડે. એ કમાયેલી સ્વતંત્રતા એવી વિશાળ હશે કે એ સમજણનો ભવ્ય વારસો તમે તમારી આવનારી સાત પેઢી સુધી તો ચોક્કસ આપી શકશો !
અરે હા..આજકાલ સેનેટરી પેડ ‘ઈનથિંગ’ છે. એનું ય સ્વતંત્રતા જેવું જ. તમે હાથમાં પેડ લઈને ફોટા પડાવો છો. ભલે…પબ્લિસિટી, અવેરનેસ, પણ એ વાપર્યા પછી એનો યોગ્ય નિકાલ કરવામાં શું તકેદારી રાખવાની, એનો યોગ્ય નિકાલ એ તમારી જવાબદારી એવી સમજ આપો છો ?એ યોગ્ય નિકાલ ના થયેલ પેડનો કચરો કેટલું પોલ્યુશન ફેલાવે એનો અંદાજ પણ હોય છે તમને ?
પૂરતી સમજણ વિનાની સ્વતંત્રતા બધે નક્કામી જ નહિ છે પણ અધકચરા જ્ઞાનની જેમ હાનિકારક છે દોસ્તો.
હું ભગવાનનો આભાર માનીશ કે એણે મને દીકરો આપ્યો છે. મારેતો એક તન – મનદુરસ્ત સંતાન જોઈતું હતું, દીકરો કે દીકરી જે પણ હોય – મા બની શકવાનું સદ્ભાગ્ય એ ભગવાનના આશીર્વાદ. એક જ સંતાન બસ !
આજે જયારે આવા વેવલા મેસેજીસ વાંચીને મારો અતિસ્માર્ટ અને અતિલાગણીશીલ -સ્ત્રી દાક્ષિણ્યથી છલોછલ દીકરો આજના દિવસ પ્રત્યે ઘોર નારાજગી વ્યક્ત કરે છે ત્યારે હું નારી તરીકે અટકીને એક મા તરીકે વિચારવાનું ચાલુ કરું છું,
“આમ સ્ત્રીસશક્તિકરણની આંધીમાં આપણે આવનારી પેઢી, બનનારા પુરુષોના મગજમાં હકીકતે સ્ત્રીઓમાટે કેવા વિચારના બીજ રોપીએ છીએ ?”
આનો મતલબ એમ નહિ કે પુરુષોને બધું માફ, બધી !
છૂટ ! 😃
એમણે પણ બધી બાબતમાં સ્ત્રી નીચે જેવી માનસિકતા બદલવી જ રહી. નહિ બદલે તો એ પણ પસ્તાશે નક્કી. આજની સ્ત્રીઓ વધુ ને વધુ સ્માર્ટ, ઈન્ડિપેન્ડન્ટ અને પ્રેક્ટિકલ થતી જાય છે. શહેરોમાં શરૂઆત થઇ ચુકી છે, ગામડાં સુધી પણ ધીમે ધીમે એ વાયરા
ફૂંકાશે જ.
ટૂંકમાં કહું તો આ સમયની આંધીમાં સ્ત્રી પુરુષ બંને એ પૂરતો વિવેક અને સંયમ રાખીને એક તંદુરસ્ત સમાજ સ્થપાય એવા સાથે મળીને પ્રયત્નો કરવાના છે. એકબીજાની સામે પડવું બહુ સરળ છે પણ એકબીજાની સાથે ગરિમા પૂર્વક જીવવું બહુ અઘરું. આપણી દિશા કોઈનું મનોબળ તોડવાની કે નીચા દેખાડવાની ના જ હોય એનું ધ્યાન દરેકે રાખવું જ ઘટે.!
મોબાઈલમાંથી આટલું જ લખી શકી..થાકી ગઈ આંગળીઓ , તો અટકું 😃😃😃
વિશ્વાસ છે મારી વાત પાર દરેક મિત્ર એક વાર વિચારશે જ.
-સ્નેહા પટેલ.
9-3-2018