Matrubhasha


આજે મને એ નથી સમજાતું કે, ‘ માતૃભાષા દિવસની ઉજવણીમાં લોકો ગુજરાતી કરતા વધારે અંગ્રેજી ભાષાને કેમ યાદ કરે છે? એને કેમ કોસે છે?’ અંગ્રેજી પૈસા કમાવવા માટેની ભાષા છે અને પૈસાનો મોહ કોને ના હોય? એમાં તમારું કશું જ લખેલું કે વક્તવ્ય કામ ના લાગે. એ એક પ્રેકટીકલ વ્યવસ્થા છે. કોઈ માનવી પૈસા કમાવા અન્ય ભાષા શીખે એને દોષ ના આપી શકાય. માતૃભાષા દિલની ને આ બધી દિમાગની ભાષા છે. બધું જરૂરી છે. માતૃભાષાનું ગૌરવ વધે એવા પ્રયાસો જરૂર કરતા રહેવાના પણ અંગ્રેજીને ગાળો આપવાથી ગુજરાતી મહાન નહિ જ થાય એટલું તો સમજવું ને સ્વીકારવું જ પડશે. ધ્યેય વગરની દોડ સમય ને તાકાત જ બગાડે.

દરેક ભાષાની એક સુગંધ હોય છે અને માતૃભાષા એમાં સર્વોચ્ય શિખરે જ હોય. બીજી કોઈ ભાષાની લીટી મોટી એટલે માતૃભાષાની લીટી નાની એવું ક્યારેય ના હોય અને જો તમને એવું લાગતું હોય તો એક મિનિટ અટકી જજો,

બીજી કોઈ ભાષા તમારી માતૃભાષાને હાનિ પહોચાડે એવો ભય હોય તો તમારી માતૃભાષા માટેનો તમારો પ્રેમ ભયભીત અને સાવ ખોખલો છે એવું સમજી જજો. માતૃભાષા તો દિલની ભાષા, દિલમાં ઉગતું એક કમળ છે. એને આસપાસ ખીલતા ને એની સુગંધ ફેલાવતા ફૂલોથી કોઈ જ ડર નથી હોતો.

જરૂરત અને પ્રેમ બે અલગ લાગણી છે દોસ્તો. અંગ્રેજીને ભાંડવાથી ગુજરાતી મહાન ના થઈ જાય. હું તો દુનિયાની દરેક ભાષા શીખવા માંગુ છું તો શું એનાથી મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે?ના… ક્યારેય નહી. જ્યાં પોતાની ભાષા ઉપર પૂરતો પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં આવી શંકા કુશંકાને કોઈ સ્થાન જ નથી હોતું મિત્રો.

આવો આપણે માતૃભાષા ગુજરાતીને ફકત અને ફકત એના નામની સુવાસથી જ વધાવીએ. બીજી ભાષાઓ પ્રત્યે ઝેર જેવી નકારાત્મક લાગણીનો પડછાયો સુધ્ધા એની ઉપર ના પાડવા દઈએ.

જય જય ગરવી ગુજરાત.

– સ્નેહા પટેલ

Unbeatable- feb’8.


ઘણાં લોકોને માન આપતાં નથી આવડતું અને ઘણાંને પોતાને મળતું માન સાચવતાં નથી આવડતું.

-સ્નેહા પટેલ

Web series


વેબસિરિઝને સફળ થવા ગાળો અનિવાર્ય જ છે’ આવી ભ્રામક માન્યતા ક્યારે દૂર થશે ? સેન્સર થવું જ જોઈએ.

#વેબસિરિઝમાં_ગાળોનો_બહિષ્કાર

આ હેશટેગ વધુ ને વધુ ફેલાવું જોઈએ એવું નથી લાગતું ?

મોર્ડન દેખાવાના મોહમાં આપણે આવી ગાળો સાંભળતા શીખવું એ નરી મૂર્ખામી છે. અમુક લોકો લડતા લડતા વચ્ચે બે અંગ્રેજી ગાળો બોલીને સામેવાળાને દબાવવાનો પ્રયાસ કરે ત્યારે મને ખૂબ હસવું આવે છે ..જોકે અમુક વખત સામેવાળો બે ઘડી પ્રભાવિત થઈ જાય એનું દુઃખ પણ થાય છે.

સ્ત્રીદાક્ષિણયમાં માનતા સુસંસ્કૃત સમાજમાં એને જ અપમાનિત કરાતી ગાળોનો ધોધ વહે છે.

બે મોઢાળો સમાજ !

જે હોય એ…ગાળો એ નકરી ગંદકી અને માંદલી માનસિકતા માત્ર  છે એને સ્માર્ટનેસનો કોટ સમજીને દેખાદેખીના મોહમાં ઓઢીને ના ન ફરાય. મોટાભાગે તમારી પાસે કોઈ તાર્કિક દલીલ કે વજનદાર શબ્દો ના હોય ત્યારે તમારું ફ્રસ્ટેશન કાઢવા જ ગળોનો સહારો લેવો પડે છે. ગાળો એ માત્ર ને માત્ર કમજોર લોકોનું પાંગલું હથિયાર છે એવું હું સો ટકા માનું છું.

-સ્નેહા પટેલ.

માઇક્રોફિક્શન વાર્તા


માઇક્રોફિક્શન:

જીમમાં કલાક મશીનો પાછળ પસીનો વહાવીને ઢગલો કેલરી બાળીને ‘શેઈપ’માં આવતા શરીરને જોઈને ખુશ થતા એ ઓગણીસિયા નવજવાને બહાર આવી પાનના ગલલેથી સિગારેટ લઈને અંદરથી શરીરને બાળવા સળગાવી.

-સ્નેહા પટેલ.

16-3-2018

Mane gusso chhe


#મને ગુસ્સો છે એવા લોકો પર કે જે,

“60 રૂપિયાની લોઅરની ટિકિટ લઈને શૉ શરૂ થવાનો હોય ત્યારે પ્લેટિનમ ની સીટમાં જઈને બેસી જાય છે અને ડોરકીપર ના પાડે ત્યારે સિનિયર સિટીઝનનો કૈક તો વિચાર કરો..એમને પગની તકલીફ છે તો અહીં લોઅરમાં પગ કેવી રીતે સેટ કરશે ? થોડો તો વિચાર કરો તમે..”

– સ્નેહા પટેલ.

4 મે, 2018