બાળપણ


નાના હતા ત્યારે આજના જમાના જેટલી અનેકો સગવડો નહતી પણ એ બાળપણથી ક્યારેય આપણને કોઈ ફરિયાદ રહી હોય એવું કદી નથી સાંભળ્યું. 
એ સમયે આજ જેવી સગવડો નહોતી તો બીજી અત્યારે મામૂલી લાગતી વાતો એ વખતની જાહોજલાલીમાં સામેલ હતી. જેમ કે સ્કૂલેથી છૂટતી વેળા રોડ ક્રોસ કરીને સામે જબેસતી મકાઈવાળી બેનની પાસે મકાઈ સિલેક્ટ કરીને ( એ વખતે તો અમેરિકન મકાઈ જેવી કોઈ મકાઈનું અસ્તિત્વ જ નહોતું.) આપણે ફૂલ દાણા ભરેલો ડોડો પસંદ કરીને સ્પેશિયલ આપણી સ્ટાઇલમાં શેકાવવાની, ઉપર લીંબુ મરચું ધધડાવવાનું ને મસ્તીમાં એ ખાતાં ખાતાં આપણી બસના સ્ટોપ સુધી બહેનપણીઓ સાથે ગપાટા મારતાં ચાલ્યુ જવાનું. એ એક મકાઈ એ વખતે અધધધ લાગતી, જ્યારે આજે હું મારા દીકરાને એ ઘરમાં જ એ મકાઈના દાણાની જાતજાતની વાનગીઓ બનાવીને ખવડાવું છું તો પણ પેલી માંડ અઠવાડિયે એક વાર ખાધેલા ડોડાં જેવી ભવ્યતાની ફિલ નથી આવતી. એનું કારણ એ સમયે આપણે બાળક હતા. કોઈ જવાબદારી નહિ. મસ્તીમાં મસ્ત. મકાઈ ખાવાથી આ થાય, તે થાય, આ ખવાય તે ન ખવાય એવી કોઈ જ સમજ નહિ એટલે પાછી ઓર મજા આવે.
 અત્યારે આપણે પેરેન્ટ્સ હોઈએ એટલે આપણાં બાળકને શું, ક્યારે,કેટલું ખવડાવવુંની વાતો મગજમાં સતત જ રહેતી હોય.આપણી પ્રાયોરિટી એમના ફૂડ તરફ વધુ હોય. આવી તો અનેકો વાત,સગવડો યાદ આવે કે જે મારા બાળપણમાં મને નહોતી મળી પણ મારા સંતાનને હું આરામથી આપી શકું છું . દરેક મા બાપનું તો સપનું જ એ હોય કે, ‘ અમને નથી મળ્યું એ બધું અમારા સંતાનને આપીશું.’ આ બધા છતાં કોઈને પોતાના બાળપણથી કોઈ ફરિયાદ તો નથી જ હોતી. 
દરેક અમીર- ગરીબ બાળપણ  ભવિષ્યમાં ખોલીને જોવા પોતાની ગઠરીમાં ઘણાં સંસ્મરણોની મસ્તી ભેગી કરી જ લે છે.
કોઈ બાળકની એક સારી યાદનો હિસ્સો બની રહેવું એ મારી સૌપ્રથમ ચોઇસ રહી છે. દરેક બાળપણ ભવ્ય હો એવી ઈચ્છા સાથે અત્યારે તો વિરમું. આપનાં બાળપણના સુંદર સ્મરણો શેર કરશો તો મને ય વાંચવાની મોજ પડશે.
(અમુક બાળપણ અપવાદ હોય છે એ સ્વીકારું છું)
બાળપણની ભવ્યતા -2
સ્કૂલની બહાર સિઝન પ્રમાણે મળતી વસ્તુઓની યાદથી સવાર ખટમીઠી અનેરી થઈ ગઈ.  એ આથેલાં આંબળા, કેરી ખાતા ખાતા એનો હળદરનો પીળો રંગ સ્કૂલના સફેદ યુનિફોર્મ પર ના લાગી જાય એની કાળજી પણ લેવાની અને ચટાકા બોલાવી બોલાવીને એ એક્સ્ટ્રા મસાલાવાળી કેરીની મજા માણવાની..જલસો. મકાઈ એ વખતે મોસ્ટલી 50 -75 પૈસાની મળતી ને કેરી 5-10 પૈસાની, ક્રીમવાળા બિસ્કિટ 25 પૈસાના ને સાદા કૈક દસ પૈસાના. શેકેલા કચૂકા ટપક ટપક ખાતા ખાતા દાંતની મજબૂતાઈ ચેક થઈ જતી, તો ગોરસઆમલી તો સ્પેશિયલ એના કાળા કાળા બિયાં ભેગાં કરીને નવરાં પડીને એની ઉપરની સ્કિન કાઢવા માટે જ ખરીદાતી. નીચેના બીના ભૂખરાં પડને નુકશાન પહોંચાડ્યા વિના ઉપરનું કાળું પદ કાઢી દઈએ તો આપણે એક મહાન કામ કર્યું એવું લાગતું વળી એ ભૂખરી સ્કિનવાળો બીયો સાથે રાખવાથી આપણી  બધી ઈચ્છાઓ પૂરી થાય એવી માસૂમ માન્યતા પણ ખરી. જોકે એ વખતે તો આજે ઈચ્છા રાખી હોય ને રમવા જતા એ ભૂલાઈ ને બીજી આવી જાય એટલે આ માન્યતા કેટલી સાચી ને કેટલી ખોટી એવી ગણતરીઓ ક્યારેય નહોતી મંડાતી, બધું બહુ સરળ હતું..એની જાતે થયા કરતું.
એ વખતે પાતળી એંસી પાનાની બુક 1 રૂપિયાની આસપાસ રહેતી પણ મને પેલા પાક્કા પૂંઠા વાળી જેના પર કુદરતી મનોહર દ્રશ્યો ચિતરેલા રહેતાં એ વધુ પસંદ પડતી. અંદરખાને ‘રોયલ ફિલ’ પણ આવતી. વળી એ ખરીદીએ એટલે બહેનપણીઓ કુતૂહલથી નવી નોટબુકના પાના પીળા છે કે સફેદ, લીસા છે કે ખરબચડાં?  સિલાઈની દોરો કેવો – કેટલી લાંબી ચાલશે ? એમની જૂની આવી નોટબુક કેટલી ચાલેલી એવી પ્યોર પંચાત પણ કરતી ત્યારે તો આપણી એ નોટબુકની ખરીદી પર ઓર ગર્વ થતો. 
‘નાનપણમાં ગર્વ પણ બહુ સસ્તાં પડતાં.’ -વધુ પછી
-સ્નેહા પટેલ