phoochhab newspaper > navrash ni pal column > 10-09-2014
તારે રમવું હોય તો રમ,
અમે તો
લાગણીની પૂજા કરીએ છીએ !
હેલમેટ નીચેના અનિલના લમણેથી પસીનાના રેલાં દદડતાં હતાં. માથાના વાળમાં પરસેવો ઉભરાતો જતો હતો અને એની સ્મેલ ચીકણા ખાબોચિયાની તીવ્ર લાગણી કરાવતો હતો. શરીરમાં એક સાથે હજારો લાલ કીડીઓ ચટકાં ભરતી હોય એવો ભ્રમ તન મનને હેરાન પરેશાન કરી રહયો હતો. આ વખતનું ચોમાસું પણ જબરું બેઠું હતું ને…વરસાદ સમયસર આવ્યો નહીં, માંડ માંડ માન આપી આપીને એને બોલાવ્યો તો પણ એ રમતા જોગી જેવો વરસાદ…ગમે ત્યારે વરસે ને પછી પાછો ક્યાંય છુપાઈ જાય. એનું તો વરસવાનું ને છુપાવાનું બે ય ધોધમાર, તૌબા ! વળી એના વરસ્યા પછી એની પ્રાસાદીરુપે ય ઠંડક તો નસીબ જ નહતી થતી. કાળામાથાને એની મર્યાદા બતાવી દેવાની કુદરતની આ સજા હવે સહન નહતી થતી, પણ એની આગળ કોનું ચાલ્યું છે?
ત્યાં બાઈકમાં પંકચર પડ્યું. આજુબાજુમાં એ રીપેર કરવા માટે કોઇ દુકાન દેખાતી નહતી. નાછૂટકે બાઈક ખેંચીને ચાલતા ચાલતા અનિલ હવે થોડો રઘવાયો થઈ ગયો અને સડકના કિનારે આવેલ ગુલમહોરના છાંયડે ઉભો રહ્યો.વાયુપુત્ર પવનદેવ થોડા રીઝ્યા અને પ્રેમાળ ટપલી મારતાં જ ગુલમહોર રાજીપાથી લહેરાઈ ઉઠ્યો ને એની ખુશીના છાંટામાં અનિલને પણ રંગતો ગયો. ખિસ્સામાંથી સફેદ ઝગ હાથરુમાલ કાઢીને અનિલે હસીને ગુલમહોર સામે જોઇને હસી લીધું. જીવનમાં પ્રથમ વાર ગુલમહોરને આટલા ધ્યાનથી જોયો હશે…અનિલ એના કેસરી ફુલોના પ્રેમમાં પડી ગયો. પરસેવો લૂછીને હાશકારો અનુભવતો એ મનોમન પોતાના આંગણે ગુલમહોર રોપવાનું વિચારવા લાગ્યો.
ત્યાં સામે ફુટજ્યુસની લારી દેખાતા અનિલના પગ આપોઆપ એ તરફ ઉપડયાં અને બે પળનો વિરામ આપનાર કેસરીયો મિત્ર મગજમાંથી નીકળી ગયો. માનવીની જરુરિયાત સૌથી મહાન !
ગંગા જમના સરસ્વતીના કોકટેલ જ્યુસનો ઓર્ડર આપીને અનિલ સડકના કિનારે મૂકાયેલ લાલ રંગના સ્ટુલ ઉપર બેઠો.બફારામાંથી મગજ ડાયવર્ટ થાય એ હેતુથી શર્ટના ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો. સ્ક્રીન પર થોડી રજકણ લાગેલી હતી એના પર બાંય ફેરવીને હળ્વેથી લૂછી કાઢી અને ડેટાકાર્ડથી નેટ ચાલુ કરીને ફેસબુક ખોલ્યું.
લારીવાળાનો છોકરો જ્યુસનો સફેદ ટ્રાન્સપરન્ટ ગ્લાસ અનિલને આપી ગયો અને અનિલે ધીમેથી એક નાનો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. ત્યાં તો ફેસબુકના ચેટબોકસમાં નવો નવો બનેલ નેટનો મિત્ર ધવલ આવ્યો.
‘હાય અનિલ, બહુ વખતે ઓનલાઈન દેખાયો ને કંઈ ..શું ચાલે ?’
‘હાય, બસ કામ ધંધામાં બીઝી બીજું શું. તું બોલ શું નવા જૂની ?’
‘નથીંગ, રુટીન. મારા માટે તારી ઓફિસમાં નોકરી માટે વાત કરવાનું કહેલું એનું શું થયું ?’
‘હા દોસ્ત, વાત તો થઈ છે પણ એ લોકોને ફ્રેશર્સની જરુર નથી. એમને થોડા અનુભવી વ્યક્તિઓ જોઇએ છે ..સોરી.’
‘ઓકે’ અને ધવલ તરત જ ઓફલાઈન થઈ ગયો.
સાવ જ ટૂંકી ટચ અને મતલબની વાત કરનારો આ જ ધવલ જ્યારે અગાઉ ચેટ થઈ ત્યારે અનિલને ‘તું તો મારો ભાઈ જેવો છે, તારા માટે હું આમ કરીશ ને તેમ કરીશ…મારા શહેરમાં આવે તો ચોક્કસ જ મારા ઘરે જ રોકાજે…’ જેવી લાગણીસભર લાંબી લચક વાતો કરતો હતો આજે એ જ ધવલ તરફથી આવું મતલબી વર્તન !
જ્યુસનો બીજો ઘૂંટડો થોડો મોટો ભરાઈ ગયો અને અનિલને અંતરસ ગઈ. તરત અનિલ સાવચેત થઈ ગયો. આજુબાજુ પૈસા કમાવા માટે દોડાદોડ કરતી જિંદગીઓને જોઇ રહયો. ત્યાં જ એનો પાંચ વર્ષ જૂનો મિત્ર અમિત ઓનલાઈન આવ્યો ને એણે મેસેજ કર્યો,
‘હાય અનિલીયા, કેટલાં સમયે નેટ પર દેખાણો..ક્યાં જતો રહેલો..?’
‘કંઈ નહીં બડી, થૉડો કામકાજમાં ફસાઈ ગયેલો. આ જો ને આપણા મ્યુચ્યુઅલ મિત્ર ધવલે કેવું વર્તન કર્યું…સાવ મતલબી જસ્તો. આપણે ય નેટના મિત્ર છીએ, આજે ફેમિલી મેમ્બર જેવા જ બની ગયા છીએ ને, આપણે સાવ આવું વર્તન ક્યારેય નથી કર્યું. આ તો સીધું ને સટ..મેં તમને મારા કામ પતાવવાના ટારગેટરુપે જ મારા મિત્ર લિસ્ટમાં એડ કરેલ છે. કામ કરી શકો તો ઠીક નહીં તો હૈંડ મારા ભાઈ…’
‘રીલેક્સ બડી, આપણી મિત્રતાનો સમય અલગ હતો. નેટ જ્યારે નવું નવું હતું ત્યારે સુખી જીવન જીવનારા ભણેલા ગણેલા લોકો જ એ વાપરી શકતા હતા.પોતાના ખાલી સમયના સદઉપયોગ માટે નેટ પર પોતાના જેવા વિચારોવાળા વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા – ચેટીંગ કરતા. પરિણામે એ સંબંધો એકબીજાને મળવા સુધી લંબાઈ જતા. ચેટીંગ મિત્ર ઘરની વ્યક્તિ બની જતાં. માનવી સતત વર્ચ્યુઅલ ને રીઅલ લાઈફના સંબંધોની વચ્ચે ઝૂલા ખાતો હતો ને સ્ટ્રેસ અનુભવતો હતો. આજના જમાનામાં નેટ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે માન્યું પણ કેટલા સંબંધોને ન્યાય આપી શકાય, પર્સનલ કેર કરી શકાય ? એ પછી તો ફોન નેટ બધું ય સાવ સસ્તું અને કોમન થવા લાગયું. તમારો દૂધવાળો, ગાડી સાફ કરનારો કે કચરો વાળનાર ભંગી પણ તમને ફેસબુક પર મિત્ર તરીકે મળી જાય તો નવાઈ ના લાગે. ફેક આઈડી નો તો અહીં પાર નથી. હવે આ બધા સાથે તમારી મેન્ટાલીટી કેમની મેચ થાય ? લાગણીને રેઢી મૂકો તો હજારો લૂટેરાં એને રમવા તૈયાર જ હોય અહીં. એથી માનવી નેટમાં પોતાની લાગણી પર કંટ્રોલ રાખતાં શીખ્યો ને નેટમાં સમજી વિચારીને પોતાની કારકીર્દીમાં ઉપયોગી થાય એવા જરુરિયાત અનુસાર દોસ્ત બનાવતો થઈ ગયો અને પરિણામ સ્વરુપે આજે અહીં ઘણા બધા મિત્રો ધવલ જેવું વર્તન કરતા થઈ ગયાં છે. એમાં ખોટું પણ શું છે અનિલ ? દરેક માનવીને પોતાની લાગણીને રક્ષવાનો હક તો છે જ ને. આ બધામાં બહુ વિચારવાનું છોડ અને જે જેવું વર્તન કરે એવું વર્તન સામે કરવાનું રાખ સિમ્પલ યાર…!’
અને અનિલને થોડી પળોનો વિરામ આપનાર નિઃસ્વાર્થી ગુલમહોર યાદ આવી ગયું. એ પણ જરૂરિયાત અનુસાર જ વર્તેલો ને !
અનબીટેબલ : માનવદેહ મેળવનાર ખુશનસીબ માનવીની સૌથી મોટી બદનસીબી કે એના જીવનની પ્રત્યેક પળ ‘પોતે માણસ છે’ સાબિત કરવામાં જ વીતે છે.
-કાવ્ય પંક્તિ – લેખિકા.
Like this:
Like Loading...