લાગણી એક રંગ અનેક !


ફીલિંગ્સ મેગેઝીનના 2012ના દિવાળી અંકમાં  ‘માનવી અને એમના પેટ્સપ્રેમ’ પર  સ્પેશિયલ લેખ,.. 

મિત્રતા  માનવીના ’સામાજીકપ્રાણી’ હોવાનું એક પ્રમાણપત્ર છે. એમાંય લાગણીશીલ માનવીઓ ક્યારેય એક્લા નથી રહી શકતાં. એ હંમેશા પોતાની આજુબાજુ  મનગમતા માણસોનું –દોસ્તોનું ટોળુ પસંદ કરે છે. એ પોતાના લાગણીના અસબાબ દ્વારા’અત્ર- તત્ર – સર્વત્ર ‘ મિત્રો બનાવતો જ ફરે છે. પોતાની નિ:સ્વાર્થ લાગણીનો ધોધ વહાવ્યાં જ કરે છે. ગણત્રીના વાદળોથી ઘેરાયેલ વાતાવરણ એમને જરા પણ માફક નથી આવતાં. જ્યારે સંબંધોમાં વિશ્વાસઘાતના ‘જોર કા ધક્કા’ આવે ત્યારે એમની શાન ઠેકાણે આવે છે. ઘણા માનવી એ પછી બદલાઇ જાય છે. કોઇ પણ સંબંધમાં ઊંડા ઉતરતા પહેલાં લાખ વાર વિચારે છે અને બહુ જ સાચવીને સંબંધોનો વિકાસ કરે છે. જ્યારે ઘણા માનવીઓ લાખ ઇચ્છવા છ્તાં પોતાનો સ્વભાવ બદલી નથી શકતા અને વારંવાર સંબંધોમાં ઠેબા ખાધે જ રાખે છે.અમુક માણસો ફક્ત બુધ્ધિથી વિચારીને જીવવાનું વરદાન લઈને જ જન્મ્યાં હોય છે. એમના માટે પોતાની મહામૂલી લાગણીનો ખજાનો ખુલ્લો મૂકવો સરળ નથી હોતો. પણ પાલતૂ પ્રાણીઓ સાથે દોસ્તી બાંધવામાં ‘દિલ- દિમાગ’ બેય પક્ષના લોકો મેદાન મારી જાય છે.

પોતાના કહેવાથી ઉઠે, પોતાના કહેવાથી બેસે, પોતે બોલ ફેંકે અને પાળતૂ પ્રાણી એ પોતાના મોઢામાં ઝીલી લે…માનવીના છૂપા મનમાં કદાચ એક ગુલામ – નોકરની જરુરિયાત સતત રહેતી હોવી જોઇએ.  જેના કારણે માનવીમાં આ પ્રાણીઓ પર પ્રેમ ઢોળવાનો –એમને પાળવાનો શોખ ઉતપન્ન થયો હોવો જોઇએ.તમારું મન ઉદાસ હોય ત્યારે તમે એને શીખવ્યા મુજબ વર્તન કરી કરીને તમારું મનોરંજન કરે…વળી એ અબોલ પ્રાણી..તમારા વર્તનથી એ ગુસ્સે થાય તો પણ સામે કયાં બોલી શકવાનું. એને તો વર્તન જ એક આશરો…ખુશ થાય તો પણ વર્તનથી જતાવે અને ગુસ્સો પણ વર્તનથી.શબ્દો વગરનો  વર્તનનો સંબંધ મોટાભાગે સફળ જ જાય. શબ્દો બોલકા હોય છે જ્યારે વર્તન સાવ ચૂપચાપ.

માણસની માણસ સાથેની દોસ્તીના કિસ્સા તો આપણે બહુ જોયા- જાણ્યાં પણ આ પ્રાણીઓની અને માનવીની દોસ્તી પણ કંઈ કમ નથી હોતી.

કબૂતર-ખિસકોલી-કૂતરા-બિલાડા-ચકલી-પોપટ –હાથી-ઘોડા જેવા નામ તો બહુ કોમન છે પાળતૂ પ્રાણીઓના લિસ્ટમાં પણ ફોરેનમાં તો આવા ‘પેટ-પાલતૂ’ના લિસ્ટમાં અજગર, ડોલ્ફીન માછલી, ગરોળી, દેડકાં, મગર, ચિત્તા, લામા જેવા અજબ-ગજબ નામો પણ જોવા મળી શકે.

આ ધરા પર ઘણીવાર માણસ પોતાનું માણસપણું છોડીને જીવતો જોવા મળે છે, પણ ક્યાંય કોઇ પશુ કે પંખી પોતાના સ્વભાવ વિરુધ્ધ ગયા હોવાનું દેખાય છે? દરેક પ્રાણીનો એક ખાસ સ્વભાવ હોય છે અને એ હંમેશા એ મુજબ જ વર્તન કરતો જોવા મળે છે. એની નિર્દોષ, કુદરત સહજ રમત- વર્તણૂક માનવીને એ આજના કૃત્રિમતાના જંગલમાં થોડી ઘણી સાચી ખુશીની પળૉનો અહેસાસ કરાવી શકે છે. સાહજીકતા – કુદરતીપણું આમે ક્યાં સરળતાથી જોવા- માણવા મળે છે..!  જ્યારે માનવી એ નિર્દોષતામાં પણ પોતાની મેલી મંથરાવટીની ભેળસેળ કરતો જોવા મળે છે.

થોડા સમય પહેલાંજ સ્વીટત્ઝરલેન્ડના લીસ્ટલ શહેરમાં રહેતો એક વ્યક્તિ પોતાના પાળતૂ કૂતરાં સાથે સેક્સ માણતા પકડાયો. એણે સ્વીકાર્યુ કે તે પોતાના પાળતૂ કૂતરાં સાથે સાલ 2008 થી સેક્સ માણી રહ્યો છે.સેક્સ માણવા માટે કૂતરાંને ચોકલેટ અને કેન્ડલ લાઇટથી ફોસલાવતો હતો. ગયા વર્ષે થયેલા એક સર્વે પ્રમાણે સ્વીત્ઝરલેન્ડમાં આશરે 2 લાખ 75 હજાર લોકો પોતાના પાળતૂ જાનવર સાથે સેક્સ માણે છે. આવો જ એક બીજો ધ્રુણાસ્પદ કિસ્સો મુંબઈમાં પણ બની ગયો. મહારાષ્ટના બીડમાં સુદમ મુંડે નામના ડોકટરે ચાર કૂતરાઓ પાળેલાં. એ પોતાના ક્લીનીકમાં લાયસન્સ જપ્ત થઈ ગયું હોવા છ્તાં જાતિ પરીક્ષણ કરી અને ગર્ભપાત કરતો હતો અને એ ભ્રૂણ-હત્યાંની કોઇ સાક્ષી ના રહે એ માટે એ ભ્રૂણના શરીરને પોતાના કૂતરાઓના હવાલે કરીને પુરાવાઓનો નાશ કરતો હતો, જેમાં એની પત્ની પણ બરાબરની સાથીદાર હતી. પાળતૂ પ્રાણીઓના આવા હિનકારી ઉપયોગ.. !

જોકે પોતાના ‘પેટસપ્રેમ’ના કારણે પોતાના લગ્નજીવન હોડમાં મૂકી દેનારા પાગલપ્રેમીઓની પણ આ દુનિયામાં કમી નથી. યરૂશલેમના એક રહેવાસીએ ‘ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલ’ના રિપોર્ટ પ્રમાણે પાછલા સપ્તાહે બીરશેબાની એક અદાલતમાં તલાકની અરજી આપી હતી.
કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. કારણ: એની પત્નીનો પોતાની 550 પાળતૂ બીલાડીઓ માટેનો અનહદ પ્રેમ. જેમાંથી એકને પણ એ ઘરની બહાર કાઢવા તૈયાર નહતી. ના તો એ રસોઇ કરી શકતો, ના બાથરુમ વાપરી શકતો કે ના તો પોતાના પલંગ પર સુખેથી આડો પડી શકતો..બધે બિલાડીઓ જ બિલાડીઓ. અદાલતે આ દંપત્તિને પરસ્પર આ સમસ્યાનો ઉકેલ લાવવાનો આદેશ આપ્યો ત્યારે આશ્રચ્ર્યજનક રીતે પત્નીએ બિલાડીઓની જગ્યાએ પતિથી જુદા થવાનો નિર્ણય કર્યો.
કેન્યાની 12 વર્ષની નિર્દોષ એલિઝાબેટા સામે 5 વર્ષનો જંગલી ગેંડો મેક્સ પણ અભિભૂત થઈને પોતાની રીતે વ્હાલ પ્રગટ કરે છે..જમીન પર ઉંધો થઈને આળૉટે છે.આશરે બે ટન વજન ધરાવતો પોતાના ગુસ્સા માટે બદનામ ગેંડો જો ભૂલથી પણ કોઇની ઉપર પગ મૂકી દે તેના હાડકાંના ચૂરેચૂરા થઈ જાય. તેમ છતાં એલિઝાબેટા મેક્સ સાથે ખુલ્લા મેદાનોમાં ફરે છે, તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવે છે અને ક્યારેક ક્યારેક તેમની પીઠ પર સવાર પણ થઈ જાય છે.

પોતાની પ્યારી બિલાડી પ્રત્યેનો પોતાનો અહોભાવ કરવાનો આવો કિસ્સો કદાચ તમે પહેલાંક્યાંય સાંભળ્યો નહી હોય કે સાંભળશો પણ નહી એ વાત પર શરત લગાવવાનું મન થાય છે.

બાર્ટ જૈનસેન નામના એક અદભુત કલાકારને પોતાની પાળતૂ બિલાડી ઓરવિલના મૃત્યુથી ભારે આઘાત લાગ્યો હતો. આ દુખમાંથી બહાર આવવા અને પોતાની પ્રિય બિલાડીને હંમેશા પોતાના પાસે રાખવા માટે એણે ‘ઓરવિલ’ની ડેડ બૉડીને એક હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી..! પોતાની આ કલાનું પ્રદર્શન એમ્સટર્ડમના સેંટ આર્ટ ગેલેરીમાં યોજાનારા કંસ્ટરાય આર્ટફેરમાં  ‘ઓરવિલકૉપ્ટર’નું લાઇવ પ્રદર્શન કર્યું જેને યૂટ્યૂબ ઉપર  અપલોડ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 17 લાખથી વધારે લોકો એ વીડીઓ જોઈ ચુક્યા છે. તેમાં દિવસે-દિવસે વૃદ્ધિ થતી રહે છે. ટેકનોલોજી – પશુપ્રેમ અને કલાનો અદભુત ત્રિવેણી સંગમ .

ન્યુ મેક્સિકોમાં થોમસ ટોલબર્ટે પોતાના કૂતરાંના નામનું રજિસ્ટ્રેશન કાર્ડ મેળવ્યું છે. કેઓબી ડોટકોમે જણાવ્યા અનુસાર થોમસ ટોલબર્ટે પોતાના પાળતૂ કૂતરાં બડ્ડીના નામથીન્યુ મેક્સિકો યુનિવર્સિટી ખાતેના વોટર રજિસ્ટ્રેશન બૂથ પર રજિસ્ટ્રેશનકાર્ડ બનાવડાવી લીધું. એ પછી થોમસે એ જોવાનો નિર્ણય કર્યો કે ત્યાં પોતાના પાળતૂકૂતરાંને વોટ આપવા માટે રજિસ્ટર્ડ કરાવવા કેટલા સરળ છે. જોકે કાઉન્ટીશેરિફના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે આ મામલાની તપાસ ચાલુ છે.

પાળતૂ જાનવરો માટે દુબઈમાં ખાસ એક સેવન સ્ટાર હોટલ ખૂલી છે. આ હોટલ ખાસ્સી સફળ સાબિત થઈ છે અને પાછલી સીઝનમાં આખો સમય ફૂલ રહી હતી. આ હોટલ આયરલેન્ડમાં રહેતી આઇડિન ઓ’મારાની છે. તે 2004માં દુબઈ આવી હતી. આ પહેલા તેણે હોટલમાં નોકરી કરી હતી. આ દરમિયાન તેણે જોયું કે જાહેર સ્થળોએ પાળતૂ જાનવરોને લઈ જવાની મંજૂરી નથી હોતી. આ જોઇને તેના મગજમાં આ હોટલનો વિચાર આવ્યો હતો. અહીંયા ડોગ માટેના 70 અને કેટ માટેના 40 રૂમ છે. તેમના માટે અહીંયા સ્પેશિયલ મ્યુઝિક પણ હોય છે. અહીંના રૂમમાં એસી અને પ્લાઝ્મા ટીવી જેવી સગવડો પણ ઉપલબ્ધ હોય છે. એટલું જ નહીં અહીંયા એક સ્વીમિંગ પુલ પણ બનાવવામાં આવેલો છે. અહીંયા હોટલમાં 30 ડોલરથી 68 ડોલર એક રાતના ભાડાવાળા રૂમ પણ બનાવવામાં આવ્યા છે. લાવારીસ ફિલ્મનું અમિતાભ બચ્ચન અને ઝીનત અમાનનું ગીત યાદ આવી ગયું જેમાં ઝીનત એના હાથમાં એક નાનું પોમેરીયન લઈને ફરતી દેખાતી હતી. ’પાસ પૈસે હૈ તો હે યે દુનિયા હસીન’ જેનો માલિક કરોડપતિ એવા પેટસની તો નીકલ પડી !

બેંગલોર શહેરમાં પાળતૂ પ્રાણીઓની સંખ્યાએટલી હદ સુધી વધી રહી છે કે હવે સરકાર ત્યાં સંતતિનિયમનની જેમ પેટસ બાબતે  એક પરિવાર, એક પાળતૂનો કાયદો લાવવાનું વિચારી રહી છે…!!

આ બધી તો ચિત્ર વિચિત્ર વાતો થઈ. પણ દુનિયાની ઘણી બધી સેલિબ્રીટી પોતાની પાસે કમ સે કમ એક પેટ તો હોવું જ જોઇએનો આગ્રહ રાખે છે..એક સ્ટેટસ સિમ્બોલ..!

મનિષા લાંબા નામની જાણીતી અભિનેત્રીને પોતાનો નવરાશની પળોનો પોતાના પાળતૂ કૂતરા સાથે વીતાવવાનું બેહદ પસંદ છે.

માઈક ટાઇસન – વિશ્વવિખ્યાત બોકસરના નામથી તો કોણ અજાણ હોય ?એમણે પેટસ તરીકે બે સફેદ બંગાળી વાઘણ પાળેલી. એકનું નામ ‘સ્ટોર્મ’અને બીજીનું નામ ‘કેન્યા’હતું. જેમની પાછ્ળ એ દર મહિને લગભગ 400 ડોલરનો ખર્ચો કરતો હતો. આખરે જ્યારે એ ખર્ચો ઉઠાવવામાં નિષ્ફળ જતાં ત્યાંની સરકારે ટાયસનનું વાઘણને પાળવાનું લાયસન્સ પાછું ખેંચી લીધુ અને એ બેય વાઘણને ’કોલોરાડો સેંચુરી’માં મોકલી દીધી.

વિખ્યાત પોપસિંગર માઈકલ જેક્શને એક ‘ચ્યુઈંગમ’ નામનું ચિંપાંઝી પાળેલું, જોકે ચ્યુઈંગમને માઈકલ જેકસન સહેજ પણ પસંદ નહતો એવું જાણવા મળેલું. એ અપેક્ષાને અવગણીને પણ માઈકલ જેકશને પોતાના જીવન દરમ્યાન જ એવી વ્યવસ્થા કરેલી કે   ચ્યુઈંગમ ‘એંસ્ટર ઓફ ગ્રેટ એપ્સ’ નામના અભયારણ્યમાં એશો આરામથી રહી શકે..આમ માઈકલ જેકશને પોતાની ‘દોસ્તી’ પૂરી જવાબદારીથી અને પ્રેમથી નિભાવેલી. ‘ફોર્બ્સ’નામના અતિવિખ્યાત મેગેઝીનના કવરપેજ પર બે વાર ચમકી ચૂકેલી દુનિયાની 50 પાવરફુલ સ્ત્રીઓમાંની એક એવી માર્થા સ્ટીવર્ટ પોતાની સાત હિમાલિયન બિલાડીઓ આગળ બેહદ નાજુક છે. જ્યારે ચાર્લીસ એંજલ નામની મૂવીમાં કામ કરી ચૂકેલ ‘મીન્કા કેલી’ અભિનેત્રી પોતાના ‘કોકાપૂ’નામના ડોગી પાછ્ળ પાગલ પાગલ છે. ન્યૂયોર્કના પ્રેસીડન્ટ રહી ચૂકેલ બીલ ક્લીંટન પણ પોતાના પાળતૂ કૂતરા અને બિલાડીના પ્રેમ માટે જાણીતા હતા.

લાગણી એક રંગ અનેક !

-સ્નેહા પટેલ.