એકાંતની પ્રામાણિકતા..


’ફ઼ુલછાબ’માં છપાયેલો મારો આજનો લેખ..:-

વહેલી સવારે

ફૂલને

ડાળે એકલું

ઝુલતુ જોઇ

મારાથી

અમસ્તુ જ પુછાઇ ગયું

કેમ એકલતા

મનને કોરી ખાય છે ને ?

“ના, દોસ્ત

આ સોનેરી

એકાંતની પળે

હું ખુદ અને ખુદાથી

મનના

તાર જોડું છું!”

– પ્રીતમ લખલાણી

સંજય..૨૭ એક્ વર્ષનો ખુબ જ સમજદાર અને શાંત છોકરો હતો. કોઈએ એને કદી ગુસ્સે થતા જોયો નહતો. સમજશક્તિના ઉદાહરણોમાં એ હંમેશા અવ્વલ નંબરે રહેતો. એને તો એ ભલો ને એનું કામ ભલું. ના કોઇની વાતોમાં બહુ માથુ મારે કે ના બીજાઓ સમક્ષ પોતાની તકલીફોના રોદણા રડતો ફરે…પોતાની તકલીફોનું સમાધાન મનોમંથન કરીને જાતે જ શોધે. જો કે અનુભવોની ખામી હોવાને કારણે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લઈ લે પણ એના પરિણામો સામી છાતીએ ભોગવવા હંમેશા તૈયાર જ રહે.હસતો રમતો અને લોકોને હસાવતો સંજય સ્વાભાવિક રીતે જ લોકલાડીલો હતો.

જીવનથી છલકાતો સંજય અમુક સમયે થોડું અકળ વર્તન કરતો. જેનું રહસ્ય કોઇને ખબર નહોતી પડતી. ઘણીવાર સંજય પોતાના બંગલાના ખૂણામાં આવેલા ‘૧૨ બાય ૧૨’ ના રુમમાં પુરાઈ જતો.કલાકે’ક જેવો સમય ત્યાં સાવ એકલો જ વિતાવતો. ત્યાંથી નીકળતી વેળા ચોકસાઈપૂર્વક દરવાજે  હંમેશા મોટું પીત્તળનું મજબૂત તાળું મારી દેતો અને એને ૨-૩ વાર ખેંચીને ચકાસી લેતો કે તાળું બરાબર વસાયુ છે ને..!! એના સિવાય કોઇને એ રુમમાં ડોકિયું કરવાની કે પ્રુચ્છા સુધ્ધાં કરવાની મનાઈ હતી. વર્ષોથી ઘરના બધાય લોકોના મનમાં આ રહસ્ય ઘૂંટાતુ રહેતું હતું. પણ મનમાં ને મનમાં એ રહસ્યનો તાગ લેવાની ઝંખના તો લીલીછમ જ રહેતી.

એક દિવસ સંજયના પપ્પા રીતેશભાઈને એ રહસ્યનું તાળું ખોલવાની તક મળી જ ગઈ. એ દિવસે સંજય ખૂબ ઉતાવળમાં હતો. એણે તાળું માર્યા પછી એને ચેક કરવાની કોશિશ ના કરી અને સંજોગોવશાત એ જ દિવસે તાળું બરાબર બંધ થયું નહોતું. સંજયના પપ્પા એ બાજુ પડતા બગીચામાં અમથા જ લટાર મારવા નીક્ળેલા અને એમની નજરે અધખુલ્લું તાળું લટકતું નજરે પડયું. પહેલી નજરે તો એમના સંસ્કારે એ બાજુ ડગ ઉપાડતા એમને ટકોર્યા પણ પછી દીકરાના હિતમાં કરાતું કોઇ કાર્ય સંસ્કાર વિરુધ્ધ ના ગણાય એમ માની ને એ રુમ તરફ એમણે મકકમતાથી ડગ માંડ્યા.

સાંકળ ખોલતાં જ અંદરનું દ્રશ્ય જોઇને જ રીતેશભાઈની આંખો આશ્ચર્યથી ફ઼ાટી ગઈ. રુમમાં બધી બારીઓ જડબેસલાક રીતે બંધ હતી. પ્રકાશના એક પણ કિરણની મગરુરી નહોતી કે અંદર પ્રવ્રેશી શકે. બે મિનિટ પછી એમની આંખો અંધારાથી ટેવાતા એમને રુમમાં નજર ફેરવી. રુમની દિવાલો ચિત્ર વિચિત્ર અને બિભત્સ કહેવાય એવા પિકચરોથી ભરાયેલી હતી. એક ખૂણામાં છત પર માણસની ખોપડી શીકા પર લટકાવેલી હતી. રુમના એક ખૂણામાં ફ઼ાટેલા તકિયા અને એમાંથી નીકળેલા રુનો ઢગલો જુગુપ્સા પ્રેરતી હાલતમાં ખડકાયેલો હતો. બાજુમાં એક માનવીનું ડમી હતું જેમાં એક લાંબા ફ઼ણાવાળો છુરો એના પેટમાં છેક સુધી ઝનૂની રીતે ઘુસાડેલો હતો. આખાય ડમીમાં ઢગલો’ક કાણાઓ પાડેલા હતાં. વળી એ બધા ઉપર લાલ રંગ પણ રેડેલો હતો જેનાથી સાચા ખૂનનો રાક્ષસી આભાસ ઉતપન્ન થતો હ્તો. ચારેકોર બિહામણું અને ઘાત્તકી વાતાવરણ ફ઼ેલાયેલું જોઈને રીતેશભાઈ દિલ પર હાથ મૂકીને બારસાખ પર જ ફ઼સડાઈ પડયાં.

રાતે સંજય આવ્યો ત્યારે રીતેશભાઈએ એ બિહામણારુમની હાલત વિશે પૂછ્પરછ કરી તો જવાબમાં સંજયના મુખ પર એક મીઠું સ્મિત ફ઼રકી ઉઠ્યું. એ હાથ પકડીને રીતેશભાઈને એ રુમમાં ઘસેડી ગયો. દિવાલ પરની તસ્વીરો વચ્ચે એક નાનકડો દરવાજો છુપાયેલો હતો જે રીતેશભાઈ ઘોર અંધકાર અને આઘાતના માર્યા જોઈ નહોતા શકયાં. હળ્વેથી સંજયે એ દરવાજો ખોલ્યો ને રીતેશભાઇ ફ઼રીથી હ્તપ્રભ થઈને ઉભા રહી ગયા. એ રુમનું વાતાવરણ એક્દમ પવિત્ર હતું. રુમની દિવાલો સફ઼ેદ રંગની હતી અને બારી પાછ્ળના બગીચામાં ખૂલતી હતી જ્યાંથી ચંપો,જૂઈ,ચમેલી જેવા ફ઼ુલોની ખુશ્બુ મંદ મંદ વહેતા સમીર સાથે આખા રુમમાં પ્રસરતી હતી. ખૂણામાં એક નાનકડું મંદિર હ્તુ જેમાં શિવજી,ગણપતિ અને કૃષ્ણની મૂર્તિઓ સુઘડતાથી ગોઠવાય઼ેલી હતી. દિવાલ પર પીળારંગનું ’ઓમ’ લખેલ કાપદ કલાત્મકતાથી ચોંટાડેલું હતું. છત પર એક નાજુક રણકાર પેદા કરતું વિન્ડ ચાઈમ લગાડેલુ હતું. આખુંય વાતાવરણ ખૂબ જ પવિત્ર અને રમણીય હતું.રીતેશભાઈ કંઇ પણ બોલે એ પહેલાં જ સંજય બોલ્યો,

’પપ્પા, હું પણ એક માણસ છું, મારી પણ  અમુક નબળાઇઓ છે. મારામાં પણ એક રાક્ષસ છુપાયેલ છે. હા, એ બધા વિશે હું પૂરેપૂરો જાગ્રત છું.  હું જ્યારે પણ ગુસ્સે થાઊં કે અકળાઈ જઊં ત્યારે પહેલાં અહીં આવીને સૌ પ્રથમ પેલા બિહામણા રુમમાં મારો બધો ગુસ્સો કાઢી નાંખુ છું.મારામાં રહેલા રાક્ષસને છુટ્ટો દોર આપી દઊં છું એ વેળા મને કંઈ જ ભાન નથી હોતું કે હું શું કરું છું, ઘણીવાર હું મારી જાતને પણ ઇજા પહોંચાડી દઊં છું. બધો આવેશ શમી જાય એ પછી હું આ રુમમાં આવું છુ અને આ રુમમાં ધ્યાન ધરી, અહીં પ્રસરેલી પોઝિટીવ એનર્જી મારામાં સમાવિષ્માટ કરી એકદમ તાજોમાજો થઈને બહાર આવું છું. એકાંતમાં હું જાણે ભગવાનની એકદમ નજીક પહોંચી ગયો હોઊ એમ અનુભવું છું. મારામાં રહેલ રાક્ષસને નાથવા માટેનો મારા મતે આ શ્રેષ્ઠ ઉપાય છે. જો એ ના નીકળે તો કદાચ દુનિયા સમક્ષ ગમે ત્યારે પોતાનો રંગ દેખાડી શકે અને કોઇ પ્રિયજનને ના બોલવાનું બોલી લે કે નુકશાન પહોંચાડી શકે. એના કરતા અહીં હું અને મારી અંદરનો રાક્ષસ મન મૂકીને લડાઇ કરી લઈએ છીએ છેલ્લે એને હરાવીને હું બહારની દુનિયામાં સ્વસ્થ ચિત્તે પાછો ફ઼રું છું. વળી મને મારો ગુસ્સો પહેલાં કરતાં ઓછો થતો જતો હોય એમ લાગે છે..બની શકે કે છેલ્લે મારે આ બિભત્સ રુમની જરુર પણ ના પડે..ખાલી પેલો સૌમ્ય અને પવિત્ર રુમ એકલા હાથે મારું બધું એકાંત સુગંધિત બનાવી મુકે..બાકી દુનિયા  સામે ડાહ્યાડમરા રહેવા માટે મારું ગાંડપણ મારી જાત સાથે વહેંચવું પડે છે. જાત સામે પ્રામાણિકતાથી નગ્ન થવાના ઘણા ફાયદા હોય છે, કેમ પપ્પા..? બસ..અને રીતેશભાઈ આગળ વધીને સંજયને ભેટી પડ્યા ને સંજયના કપાળે વ્હાલ ભરી એક ચૂમી ભરી લીધી.

અનબીટેબલ :- કમીઓ અમને પણ નડી જાય છે,

માણસ છીએ…

સ્નેહા પટેલ..અક્ષિતારક