પરીક્ષા


phoolchhab newspaper > navrashni pal column > 11-09-2013

 

બધું મનમાં દબાવીને હવે બેસી નથી રહેવું.

ફરી ગરદન ઝુકાવીને હવે બેસી નથી રહેવું.

નર્યા ઉપદેશની વાતો ત્યજીને કર્મ કરવા છે.
અહીં ધૂણી ધખાવીને હવે બેસી નથી રહેવું.

-ભાર્ગવ ઠાકર

 

દસમા ધોરણમાં ભણતી મૃગા વિજ્ઞાન -૨ નું ગયા વર્ષનું પેપર સોલ્વ કરતાં કરતાં અટકી ગઈ.  ‘પાણીમાં થતો હોસિન્થનો છોડ કયા વર્ગમાં આવે છે’  આ એક જ માર્કની કિંમતનો સવાલ એની હજારો ઘણી કિંમતી સમયની ઘડીઓ વેડફવા લાગ્યો. બે કલાક પછી એણે પરીક્ષાખંડમાં પહોંચી જવાનું  હતું અને અત્યારે આ સવાલ…ઉફ્ફ ! એણે તરત જ મોબાઈલ હાથમાં લઈને મેઘા એની ખાસ સહેલીને ફોન લગાડ્યો.

‘મેઘા, આ સવાલનો જવાબ તને આવડે છે કે ?’

અને સામે પક્ષે મેઘાના  જવાબમાં આવ્યો આશ્રયભ્રર્યો ‘એ…એ..એ’ જેવો વિચિત્ર અવાજ. બે ઘડી પછી મેઘાએ રીપ્લાય કર્યો,

‘મૃગા, તને શું થયું છે ? હજુ તો આજે આપણે વિજ્ઞાન – ૧ ના પેપરની પરીક્ષા આપવાની બાકી છે અને તું બે દિવસ પછીના વિજ્ઞાન-૨ નું પેપર સોલ્વ કરવા બેઠી છું !’

હવે અચરજ-કમ-આઘાતના દરિયામાં ગોતા લગાવવાનો વારો મૃગાનો હતો. લગભગ ચીસ પડાઇ જેવા અવાજે જ એનાથી બોલાઈ ગયું,

‘શું વાત કરે છે મેઘા, આજે વિજ્ઞાન – ૨ ની પરીક્ષા છે. તું સમય જોઇને તો મજાક કર પ્લીઝ. તારું મગજ તો ઠેકાણે છે ને ?’

મૃગાના અવાજમાં રહેલ ભરપૂર આત્મવિશ્વાસના રણકાથી સામેના પક્ષે મૃગાનો કોન્ફીડન્સ ડોલી ગયો. એ પણ માની બેઠી કે આજે વિજ્ઞાન – ૨ નું જ પેપર છે. એણે વિજ્ઞાન-૧ ના પેપરની તૈયારી ક્રરી હોવાથી પસીનાના રેલા ઉતરવા લાગ્યાં. હવે તો એક્ઝામ સેન્ટર પર પહોંચવાનો સમય પણ થઈ ગયેલો સહેજ પણ સમય બચ્યો નહતો. આંખોમાંથી આંસુડા સરી પડ્યાં.

મેઘા અને મૃગાના ઘર નજીક નજીક હોવાથી મૃગાની મમ્મી જહાનવી એની કારમાં જ મેઘા અને એની મમ્મીને લઈને પરીક્ષાના સ્થળે મૂકવા જતી હતી.

કારના મિરરમાં મેઘાનો રડમસ અને એની મમ્મીનો ટેન્શનસભર ચહેરો નિહાળીને જહાનવી બોલી,

‘અરે, આ બોર્ડની એક્ઝામ એ કંઇ જીવનની છેલ્લી એકઝામ તો નથી જ ને. હજુ તો તમે માત્ર પંદર વર્ષના છો એમાં આટલા બધા ટેન્શનના બોજ શું કામ ઉઠાવો છો ? અને તમે જહાનવીએ મેઘાની મમ્મી રેખાને કહ્યું, તમે પણ શું આ બચ્ચાંઓના મનોબળ તોડવા બેઠા છો.. એને સાથ આપો, મજબૂત બનાવો.’

 

‘જહાનવીબેન, એ તો બધું બોલાય છે. હમણાં તમારી મ્રુગા સાથે આવી પરિસ્થિતી ઉભી થઈ હોત તો તમને સમજાત. આ મેઘાડી આખા ક્લાસમાં નંબર વન લાવવાના વહેમ મારતી હતી અને હવે…’ આટ;લું બોલતા બોલતા તો રેખા બેન પોતે રડી પડયાં. પોતાના ટેન્શન બાજુમાં ખસેડી મેઘા એની મમ્મીને શાંત રાખવા બેઠી. જહાનવી મનોમન અકળાઈ ગઈ. હવે જલ્દી પરીક્ષાસ્થળ આવી જાય તો સારુ વિચારતી ગાડીની સ્પીડ વધારી.

પરીક્ષાસ્થળે જઈને હાલાતે એકાએક મેઘાની બાજુમાં પલટી મારી. ત્યાં બધા વિધાર્થીઓના હાથમાં વિજ્ઞાન – ૧ ની ચોપડીઓ જ હાથમાં હતી. ભૂલ મૃગાની હતી મેઘાની નહીં. આજે વિજ્ઞાન – ૧ ની જ્પરીક્ષા હતી. આખીય સ્થિતીનો મર્મ બધાના મગજમાં તરત જ પકડાઇ ગયો. અને હાલાત કરતાં પણ વધુ ઝડપથી રેખાબેને પલટી મારી,

‘બોલો જહાનવીબેન, હવે શું કહેશો ?’

આવી પરિસ્થિતીમાં ટોણા મારનાર જેવું પથ્થરદિલ કોઇ ના હોઇ શકે.મૃગાના ચહેરા પર ઘભરાહટ ફેલાઈ ગઈ. એનાથી આવી મોટી ભૂલ કેમની થઈ ગઈ એ જ ખબર ના પડી.પણ હવે કઈ જ થઈ શકે એમ નહતું. સમય જ ક્યાં હતો ?ત્યાં તો જહાનવીએ ગજબની સ્વસ્થતા દાખવીને મૃગાનો હાથ એના હાથમાં લીધો અને બોલી,

‘મ્રુગા, તું જે વિચારીશ એ જ થશે. તારી આજુબાજુ પ્રભુની બનાવેલી દુનિયામાં અનેકો અદભુત શક્તિઓ વહે છે. તારા પોઝીટીવ વિચારોને એ શક્તિ ચોકકસ મદદ કરશે. તું એનામાં પૂરતો વિશ્વાસ રાખ ને તારુ કામ કર. વળી તેં આમે આખું વર્ષ બધાજ સબજેકટસ્નો વિગતે અભ્યાસ કર્યો જ છે.આજનું પેપર પણ એમાંથી જ પૂછાશે ને તો પછી ચિંતા શાની ? છેલ્લા સમયની તૈયારી નહીં થઈ શકે એટલું જ ને, કઈ વાંધો નહી, એના વિચારોમાં તું જે આવડે છે એ પણ ના ભૂલી જા. વળી તું આ પરીક્ષામાં નાપાસ થઈશ તો પણ ના તારા પપ્પાનો તારી પરનો વિશ્વાસ ડગશે કે ના મારા તારી પ્રત્યેના પ્રેમમાં કોઇ જ ઓટ આવે.બસ હળવા મને પરીક્ષાખંડમાં જા અને ભગવાનને મનોમન પ્રાર્થના કરીને તારી પૂરેપૂરી સ્વસ્થતાથી પેન ચલાવ..જા !’

મૃગા જહાનવીને ભેટી પડી. આંસુ લૂછી મોઢું ધોઇને સ્વસ્થ થઈ ગઈ ને હળ્વા સ્મિત સાથે રુમમાં પ્રવેશી ગઈ.

રેખાબેન નવાઈથી જહાનવીની સ્વસ્થતા નિહાળી રહ્યાં.

જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે રેખાબેનની નવાઈ બેવડાઈ ગઈ કારણકે વિજ્ઞાન-૧ માં મૃગાના માર્કસ બોર્ડમાં સૌથી વધારે આવ્યાં હતાં.

અનબીટેબલ : હકારાત્મક વિચારો અને સબળ આત્મવિશ્વાસથી કરાતો નિષ્ઠાપૂર્વક્નો શ્રમ કાયમ હકારાત્મક પરિણામને ખેંચી લાવે છે.

-sneha patel.