અમેરિકા – દેશવિદેશ મેગેઝીન- સપ્ટેમ્બર 2021 માં મારી નિયમિત કોલમ ‘ઓટલો’નો લેખ:
ભાષા:
विशंविशं मघवा पर्यशात जनानां धेना
अवचाकसद्वषा !
यस्याह् शक्रः सवनेषु रण्यति स तीव्रैः
सोमैः सहते प्रूतन्यतः !!
- वह आत्मा जो सदैव भगवदभक्ति में लीन रहती है, उसे दुख दर्द कभी नहीं सताते है !
-ઋગવેદ.
સખૈયા, સાંભળ્યું છે કે ભાષા એ સંવાદની મહત્વની કડી છે, પણ હું તો કાયમ મને જે પણ ભાષા આવડે છે એમાં જ તારી સાથે બોલું છું, કશું જ નવું શીખવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કરતી ! ઘણીવાર તો બોલી લીધા પછી મને ખુદને એની વાક્યરચનામાં પણ ભૂલ લાગે છે. લાગે છે કે, મારે જે કહેવું હતું એ વ્યવસ્થિત રીતે કહેવાયું જ નથી, વળી જે કહેવું હતું એ કહેવાયું જ નહીં તો તું એ વાત બરાબર સમજીશ કેમનો ? આંખોમાં દ્વિધા આંજીને હું તારી સૂરત સામે નજર કરું છું અને મારી બધી ચિંતા – દ્વિધાની ભૂલ-ભૂલામણી સરળ થઈ જાય છે. એની પાછળ એક જ કારણ છુપાયેલું હોય છે અને એ છે ફક્ત તારું સુમધુર, નયનાકર્ષક સ્મિત અને તારી સ્નેહાંજનવાળી નજર !
નવા માટલામાંથી ધીમે ધીમે પાણી ઝમ્યાં કરે અને પછી એનું પાણી મીઠું ને મધુરું લાગે, એના સ્વાદની તોલે કોઇ પણ ફ્રીજના પાણી કે રંગબિરંગી શરબતો પણ ના આવે પણ તારી નેહભરી નજર તો એ મીઠા મધુરા શીતળ પાણી કરતાં પણ વધુ આહલાદક, અવર્ણનીય હોય છે, ઝમ્યાં જ કરે..ઝમ્યાં જ કરે !
તારા બંધ હોઠના નાજુક સ્મિત પાછળથી મને દિવ્યવાણી સંભળાય છે અને ખ્યાલ આવી જાય છે કે તું મારી બધી ય વાતો બહુ સરળતાથી સમજી ગયો છે – જે વ્યવસ્થિત બોલાઈ શકાઈ નહીં, બરાબર સમજાવી શકાઈ નહીં અને હદ તો એ કે જે અનુભવાયેલી અને જેને અનુરુપ શબ્દો ના મળતાં ફકત દિલમાં જ ઉગીને રહી ગઈ – મુખમાંથી બહાર જ ના નીકળી શકી એ વાત પણ તું સરળતાથી અને અદ્દલ એના મૂળ અર્થમાં જ સમજી જાય છે.
તો દુનિયામાં ભાષાઓનું જે મહત્વ ગણાવાયું છે એ સાવ નક્કામું જ કે ?
પાંદડા ઉપરનું ભીનું – ઠંડું – મોતી જેવું ચમકતું ઝાકળ મને તારી મમતાનો અનુભવ કરાવે છે. પવનમાં ડોલતાં ઝૂમતાં વૃક્ષના પાંદડા, ફૂલ , ફૂલની આસપાસ ફરતાં ભ્રમરો, અલબેલા રંગીન પતંગિયાઓ થકી તારી મસ્તી હું બરાબર સમજી શકું છું. ઉંચા પહાડ પરથી નીચે પછડાતાં ઝરણામાં તારો આદેશ અને એ જ ઝરણું નદી બનીને ખળખળ વહેતા વહેતી દરિયા તરફ આગળ ધપે છે ત્યારે મહાન સમર્પણનો પાઠ શીખી શકું છું. સૂર્યનો અનુવાદ દિવસ અને ચંદ્રનો રાત થાય એ સમજણ તો મારામાં જન્મજાત જ હતી. રોજ રાત પડે સૂઇ જવાનું ને દિવસ ઉગે એટલે ઉઠી જવાનું, આ સંવેદનોની ભાષા તો હું તારી પાસે હતી ત્યારની શીખી ગયેલી, કડકડાટ ગોખી ગયેલી.
આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી. વળી એ આવડત મેળવવા કોઇ મોટી હાઈ- ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરી, દિલમાં ઠસોઠસ તારી યાદ ભરી, બે હાથ જોડીને આંખ બંધ કરવાની એટલે આપોઆપ આવડી જાય છે. કોઇ જ ભ્રમ કે અણસમજને ત્યાં સ્થાન નથી. ત્યાં તો ‘જે છે એ જ છે’ ને કશાથી એને જુઠલાવી જ ના શકાય એવું જ કંઇક છે. આ અનુભવ એકલતાના વનમાં ફરતાં સાંભળવા મળતાં પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી, સ્થાન છે તો ફક્ત મધુરપને જ ! એ સ્થળ -કાળમાં એક જ વિચાર આવે કે અત્યાર સુધી જે પણ મળ્યું, જે પણ માણ્યું આ સમય એનાથી ક્યાંય આગળનો અદકેરો છે, અદભુત છે. જીવનમાં એ સમયે સતત કંઇક ઉમેરાતું જ જાય છે, બાદબાકીઓની બાદબાકી થઈ જાય છે ને ચિંતા -પીડા -દુઃખના ભાગાકાર ! તને લખતી નથી છતાં તું લખાઈ જાય છે, મારામાં દૂર સુદૂર અનહદ ફકત તું જ તું વિસ્તરાઇ જાય છે. કશું ય બોલાયા વિના મારામાં તારા પડઘા પડે છે.
તારી સાથે સંધાતી તાદાત્મયની ક્ષણો પછી એમ થાય છે કે , ‘ વ્યક્ત થવા ભાષાની ક્યાં કોઇ જરુર જ છે ? એ તો દુનિયાના લોકો બસ એમ જ…’
-સ્નેહા પટેલ.