ઘંટીના પડ


માણસોની વચ્ચે
ચકલીની વાત
કાગડાને કહેવાય નહી,
કદાચ એ ગામ આખા ને કહી દે.

અને હરણની વાત
શિયાળને કહેવાય નહી
એ સિંહને જઈને પણ ખબર આપી શકે.

આટલી વાત સમજતા
મને વરસો લાગ્યા –

હવે હું કાગડા અને શિયાળની વચ્ચે
બેસું છું ખરો
પણ
બોલતો નથી .

-. વિપિન પરીખ

વ્યવસાયે  ‘ઇન્ટીરીઅર ડેકોરેટર’ એવી સુહાનીનું ઘર આખુંય ભરચક્ક હતું. કાલે એના દીકરા આકાશની સગાઈ હતી.બહરગામથી આવેલા બધાં ય સગા સંબંધીઓની અવનવી વાતોથી રોજના એના શાંત ઘરના ખૂણેખૂણા અવાજથી ઝળહળી ઉઠ્યાં હતાં.સુહાનીના કાકી સાસુ સદગુણાબેન આકાશની વહુનો ફોટો જોઇ રહ્યાં હતાં અને એકાએક બોલી ઉઠ્યાં,

‘સુહાની વહુ, આ તમે ભલે તમારા સાસુ સસરાના કહ્યાગરા ને ડાહ્યાં ડમરાં વહુ થઈને રહ્યાં છો પણ આ આવનારીના મોર્ડન રંગઢંગ પરથી મને નથી લાગતું કે એ તમારા કહ્યામાં રહે.’

બે મીનીટ ખુશનુમા વાતાવરણની હવા થંભી ગઈ,જાણે એને ચૂપકીદીનો શ્રાપ લાગી ગયો.

સુહાનીને ખોટું તો બહુ લાગ્યું પણ એ પોતાના કાકીસાસુના સ્વભાવથી સારી રીતે અવગત હતી એથી એણે હસતાં હસતાં વાતનો રંગ બદલવાનો પ્રયત્ન કર્યો,

‘કાકીજી, એ મારા કહ્યાંમાં રહે એવી ઇચ્છા પણ ક્યાં છે ? બસ એ મારા દીકરા આકાશ અને એનું ઘર સાચવીને સુખેથી રહે એટલી જ ઇચ્છા છે.’

‘હા, તમારી એ વાત તો ખરી હોંકે વહુ.. બળ્યો આજકાલનો જમાનો…સંતાનો પાસેથી વધારે પડતી અપેક્ષાઓ..ના …ના..કોઇ જ અપેક્ષાઓ ના રખાય. એ જાતે સમજે ને આપણો સમય સાચવી લે તો ઠીક બાકી એ ભલા ને એમનું ઘર બાર ભલું. આપણે થોડું જતું કરી દેવાનું…બહુ હક્ક બક્ક નહી જતાવવાના..આપણું કામ આપણે જાતે જ કરી લેવાનું..નાહકના દુઃખી થઈએ અને એમને પણ દુઃખી કરીએ. હું તો એટલે સુધી કહું છું કે બને તો બીજુ એક ઘર શોધીને એમને પહેલેથી જ અલગ રહેવા મોકલી દેજો. જેથી બે પક્ષ વચ્ચે મનદુઃખ થઈને છૂટા પડવા જેવી પરિસ્થિતી જ ઉભી ના થાય..!’

સુહાની પોતાના ઘરમાં આવા મંગલ પ્રસંગે આવી અવળવાણી સાંભળીને તમતમી ગઈ પણ વડીલોનું અપમાન તો કેમનું થાય..એમને સામે જવાબ વાળવો એ એના સંસ્કારની વિરુધ્ધ હતું. બસ એક તીખી નજર એનાથી પોતાના પતિદેવ અખિલેશ તરફ નંખાઈ ગઈ જ્યાં હંમેશની જેમ એને ધીર ગંભીર સ્મિત જોવા મળ્યું. અખિલેશના એ સ્મિતથી એને તાકાત મળી અને એ ચૂપચાપ ત્યાંથી હટીને બીજા કામમાં વળી ગઈ.

પ્રસંગની દોડાદોડીમાં વચ્ચેવચ્ચે એના સાસુ -સસરાના જમવાનો સમય, દવાનો સમય બધાંય સમય સમયસર સા્ચવવાની જવાબદારી એ સુપેરે નિભાવતી જતી હતી. વચ્ચે વચ્ચે એની ઓફિસના એના ક્લાયન્ટના ફોન પણ રીસીવ કરી લેતી હતી.

 

રાતના લગભગ ૯-૩૦ વાગવાની તૈયારી હતી અને સુહાનીના સાસુ -સસરા બધાંય સગાંઓને ‘ગુડનાઈટ’ કહીને પોતાના બેડરુમમાં જતા રહ્યાં.એમના સૂવાનો સમય જે થઈ ગયેલો.. બે બેડરુમ રસોડાનું ઘર એકાએક એક બેડરુમ રસોડાનું થઈ ગયું. લગભગ ત્રીસે’ક જણાંથી ભરચ્ક્ક ઘરમાં હવે હવાની અવરજવર અવરોધાવા લાગી. સાંકડમોકડ પણ બેસાય એવી જગ્યા ના રહી..ગરમીનો સમય હતો એથી ઘણા ઓટલા પર જઈને બેઠા તો ઘણાં એમના માટે વ્યવસ્થા કરાયેલા ઘર તરફ જવા નીકળ્યાં.

સુહાનીના ઘરમાં ઘણા વર્ષો કોઇ  પ્રસંગ આવેલો. બધાંય સગા વ્હાલા બહુ લાંબા અંતરાલ પછી મળેલા.બધાયને મોડે સુધી બેસીને વાતો કરવાની ઇચ્છા હતી પણ જગ્યાનો અભાવ. સુહાનીના મનમાં એક વાર વિચાર આવી ગયો કે મમ્મી – પપ્પા આજનો દિવસ બાજુવાળા આન્ટીના ઘરૅ ઍક રુમ ખાલી હતો તો ત્યાં જઈને ના સૂઇ શકત..જેથી બધા અહીં એક સાથે ઘરમાં બેસીને પોતીકાના સહવાસની મજા માણી શકત..એ તો ના બોલી પણ પેલા બટકબોલા કાકીસાસુથી ના રહેવાયું,

‘અરે, આ તો બધાંયના મૂડની પથારી ફેરવી કાઢી આ લોકોએ.. આવું થોડી ચાલે? ઘરમાં મહેમાનો હોય અને એ લોકો આમ વહેલાં જઈને સૂઈ જાય તો મહેમાનોને કેવું ખરાબ લાગે..તબિયત ખરાબ હોય તો ઠીક છે પણ આ તો બેય શરીરે કડેધડે છે પછી થોડી વાર બધાની સાથે બેસવામાં શું વાંધો હતો..?’

‘કાકીજી, એમનો રોજનો સૂવાનો સમય છે આ…ભલે ને એ લોકો સૂઇ જાય..આપણે અહીં બેઠા જ છીએ ને..ઘરમાં જગ્યા નથી તો શું થયું આપણા બધાંયના દિલમાં તો એકબીજા માટે જગ્યા છે જ ને ! એમના રુટીન વળી આ ઉંમરે શું કામ ડીસ્ટર્બ કરવાં?’ સુહાનીએ લૂલો પાંગળો બચાવ કર્યો.

‘હા દીકરા એ તો છે જ. તું તારે બસ આમ જ ડાહી વહુ બનીને રહેજે. એમની અપેક્ષાઓ પૂરી કરતી રહેજે. એ તો હવે ખર્યુ પાન કહેવાય, આપણા માવતરને સાચવી લેવું એ આપણી ફરજ કહેવાય. એમની ધીરજ અને બુધ્ધિ આ ઉંમરે લગભગ બાળકો જેવા જ થઈ ગયા હોય. આપણે થોડું જતું કરી દેવાનું. એમની ઉંમરે સ્વભાવ બહુ સેન્સીટીવ થઈ જાય આપણી નાની અમથી વાતનું ય એમને ખોટું લાગી જાય અને દુઃખી દુઃખી થાય..ના એમ માવતરની આંતરડી કકળાવવાનું આપણા સંસ્કારમાં, લોહીમાં ના જ હોય. એમને એડજસ્ટ થઈ જવાનું થોડું..બીજું શું..?’

 

સુહાનીના મગજમાં થોડા સમય પહેલાં જ આ વાક્યો એના સંતાન માટે બોલાયેલા એ વાત યાદ આવી ગઈ. એનો મતલબ કે મારે અને અખિલેશે મારા સંતાન પાસે પણ અપેક્ષા નહી રાખવાની અને વડીલોના બધાંય ગાંડાઘેલા નાઝનખરાં હસતા મોઢે ઉપાડવાના. આજના મોંઘવારીના જમાનામાં આ પાંચ જણના કુટુબને ચલાવવામાં એની અને અખિલેશની કમર દિવસો દિવસ બેવડી વળતી જાય છે પણ એ તો પોતાની ફરજ સમજીને એના પર ભાર નાંખતા જ જવાનો. ના દીકરો કમાઈને આપે કે આ શરીર ઘસાઈ જશે તો એને સાચવી લેશે એવી અપેક્ષા રાખવાની કે ના તો પહેલેથી ખાસી એવી મૂડી ધરાવતા સાસુ સસરાને બીજા દીકરાઓના ઘરે થોડા દિવસ રહેવા જતા હો તો અમને પણ થોડી રાહત રહે એવું કહીને એમનો જીવ દુઃખાવવાનો..!

 

સામે ટીવીમાં સીરીઅલ આવતી હતી અને એમાં ગામડાના કોઇ ઘરમાં એક સ્ત્રી ઘંટીમાં અનાજ દળી રહેલી. સુહાની ચૂપચાપ એ ઘંટીના બે પડ અને એમાં પીસાતા અનાજને નિહાળી રહી.

 

અનબીટેબલ ઃ દુનિયામાં ઘણી લાચારીની કથા વણલખી – વણસમજી જ રહી જાય છે.

-સ્નેહા પટેલ.